મહેસાણા : 'કોર્ટે જામીન આપ્યા છતાં મને ત્રણ વર્ષ જેલમાં રાખ્યો', હવે ખુદ સરકાર 1 લાખ ચૂકવશે

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
“કોર્ટે મને 2020માં જામીન આપી દીધા હતા, છતાં મને ત્રણ વર્ષ સુધી જેલમાંથી છોડવામાં ન આવ્યો. હું જામીન મળી ગયા હતા છતાં ત્રણ વર્ષ જેલમાં રહ્યો.”
ગુજરાતના મહેસાણામાં વીજાપુરના ખાણુંસા ગામમાં રહેતા ચંદનજી ઠાકુર (ઉર્ફે ગટો) સાથે આવું થયું છે. હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા ચંદનજી ઠાકુરને હવે સરકાર પાસેથી વળતરરૂપે એક લાખ રૂપિયા મળશે.
સવાલ થશે કે એવું તે શું થયું કે હત્યાના ગુનામાં જેલવાસ કાપી રહેલી વ્યક્તિને એક લાખ રૂપિયા આપીને મુક્ત કરવા કોર્ટે નિર્દેશ આપવો પડ્યો.
ખાણુંસા ગામની સાંકડી ગલીઓમાં જ્યારે બીબીસીની ટીમ ચંદન ઠાકોરજીનું નામ પૂછવા લાગી ત્યારે ત્યાંના લોકો કહેતા, “પેલો ગટો જેલ લખપતિ થ્યો ઇનુ ઘર હોધે સે.”
ન્યાયતંત્ર અને પોલીસ સાથે સંકળાયેલા લોકોમાં પણ ચંદનજી ઠાકોરની ચર્ચા છે. ખરેખર, બન્યું એવું કે હત્યાના ગુનામાં સજા કાપી રહેલા ચંદનજી ઠાકોરને ગુજરાત હાઈકોર્ટે ત્રણ વર્ષ પહેલાં જ જામીન આપી દીધા હતા. પરંતુ જેલ સત્તાવાળાઓ દ્વારા તેમને 3 વર્ષ સુધી જેલમાંથી મુક્ત કરવામાં ન આવ્યો.
આથી હવે હાઈકોર્ટે તેને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવાનો આદેશ કર્યો અને એક લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ હુકમ કર્યો.

કોણ છે ચંદનજી ઠાકોર?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
ચંદનજી ઠાકોર મહેસાણાના વીજાપુર તાલુકાના એક નાનકડા ગામ ખાણુંસામાં ખેતમજૂરી કરે છે. 27 વર્ષીય ચંદન ઠાકોરના પિતાનું અવસાન થઈ ગયું છે અને માતા સાંભળી શકતાં નથી. તેમના ભાઈ સુરેશનાં પત્ની નથી રહ્યાં અને એક નાનો દીકરો છે. બંને ભાઈઓ મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા.
ખાણુંસા ગામમાં 2018માં એક હત્યા થઈ હતી જેમાં ચંદનજીનું નામ બહાર આવ્યું હતું. આથી તેઓ ખુદ જ વીજાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા. તેમની સામે ચાર્જશીટ મુકાઈ અને ચંદન પાસે પૈસા ન હોવાથી તેમને સરકારી વકીલની સેવા આપવામાં આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કેસમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, BHARGAV BHAI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વળી મહેસાણાની કોર્ટમાં એક વર્ષ કેસ ચાલ્યો, જેમાં મહેસાણાની કોર્ટે સજા ફટકારી જેથી તેને અમદાવાદ સાબરમતી જેલમાં સજા માટે મોકલી દેવામાં આવ્યા. જ્યાં તે સજા કાપી રહ્યા હતા. પણ એ દરમિયાન તેમનાં માતાની તબિયત ખરાબ થઈ અને 2020માં તેમણે ગુજરાત હાઈકોર્ટમાં ગરીબ કેદીઓ માટેની કાનૂની સહાયના વિભાગ દ્વારા નિયુક્ત થતાં વકીલ મારફતે જામીન અરજી કરી હતી.
વર્ષ 2020ની 29મી સપ્ટેમ્બરે હાઈકોર્ટે તેમને જામીન આપી દીધા હતા. વળી હાઈકોર્ટે જામીન આપ્યાનો એક ઇમેલ પણ સાબરમતી જેલનો મોકલી દીધો હતો. જોકે, થયું એવું કે જેલ સત્તાધીશોથી એ આદેશ જોવાનું રહી ગયું એટલે તેમણે જેલમાં જ રહેવું પડ્યું. ચંદનજીને અંગ્રેજી ભાષા નથી આવડતી જેથી જામીન મળ્યા પછી પણ તેને જેલ સત્તાધીશોએ જેલમાં જ રાખી મૂક્યો હોવાનું તેમનું કહેવું છે.
ચંદનજી ઠાકોર બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, “મને કોઈ કોર્ટ કચેરીની ખબર પડતી નથી. એક દિવસ મારા જેવા ગરીબ કેદીઓને કાનૂની સહાય આપવા માટે જે વકીલ આવે છે તેમને મેં વાત કરી કે મારા પછી જેલમાં આવેલા કેદીઓના જામીન થઈ ગયા છે. પણ મારા જામીન કેમ નથી થતા? જેથી સોનીસાહેબ નામના વકીલે કહ્યું કે હું ફરી અરજી કરું છે. ઑગસ્ટ મહિનામાં મારા જામીન માટે અરજી થઈ ત્યારે મારા વકીલે કહ્યું કે મારા 20 હજારના બૉન્ડ પર જામીન વર્ષ 2020ના સપ્ટેમ્બર મહિનામાં જ થઈ ગયા હતા.”

‘હાઈકોર્ટનો આદેશ જોવાની જેલના સુપરિન્ટેન્ડેન્ટની ફરજ’

ઇમેજ સ્રોત, BHARGAV BHAI
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ. એસ. સુપેહીયા અને જસ્ટિસ એમ. આર. મેંગડેની ખંડપીઠે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધી અને જેલ સત્તાધીશો પાસેથી જવાબ માગ્યો.
કોર્ટમાં અમદાવાદની સાબરમતી જેલનાં સુપરિન્ટેન્ડેન્ટ શ્વેતા શ્રીમાળીએ જવાબ આપ્યો કે, “એ કોરોનાકાળનો સમય હતો આથી તાત્કાલિક ઑર્ડર જોવાયો નહોતો તથા ચંદનજીના વકીલે અમને જાણ નહોતી કરી એટલે તેને જામીન પર છોડવામાં વિલંબ થયો છે.”
કોર્ટે વધુમાં સુપરિન્ટેન્ડેન્ટને પૂછ્યું કે, “ગુજરાત હાઈકોર્ટનો આદેશ જોવાની જેલના સુપરિન્ટેન્ડેટની ફરજ છે અને જામીન પર મુક્ત કરવાના આદેશનો મોડામાં મોડો એક સપ્તાહ સુધીમાં અમલ થઈ જોઈએ. તેમાં કોઈ કારણ હોય તો એક મહિનામાં જાણ કરવી જોઈએ.”
એના જવાબમાં સુપરિન્ટેન્ડેન્ટ શ્રીમાળીએ જવાબમાં કહ્યું, “ગુજરાત હાઈકોર્ટનો ઇમેલ તો મળ્યો હતો, પરંતુ તેનું અટૅચમેન્ટ ખૂલતું નહોતું એટલે તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો નથી.”
ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે આ કેસને આંખ ઉઘાડનારો કેસ ગણાવ્યો છે અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઑથૉરિટીને આદેશ આપ્યા છે કે ચંદનજી ઠાકોર જેવા કાચા કામના અને સજા પામેલા કેટલા કેદીઓ છે જેમને જામીન મળ્યા છતાં તેમને છોડવામાં નથી આવ્યા તેની તપાસ કરીને કોર્ટને જાણ કરવામાં આવે.
આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે જામીન મળ્યા પછી પણ ત્રણ વર્ષ સુધી જેલમાં રહેનારા ચંદનજી ઠાકોરને 14 દિવસમાં વળતરપેટે એક લાખ રૂપિયા આપવામાં આવે. કોર્ટે કહ્યું છે કે, આ કાર્યવાહી પૂર્ણ થઈ છે કે નહીં એની 10 ઑક્ટોબર જાણ કરવી.

'1 લાખ રૂ.માંથી મારું ઘર બનાવીશ'

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
આ અંગે બીબીસીએ અમદાવાદ સાબરમતી જેલ સુપરિન્ટેન્ડેન્ટ શ્વેતા શ્રીમાળીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જેલના જનસંપર્ક વિભાગ દ્વારા જવાબ મળ્યો કે, “આ કેસ કોર્ટમાં સબજ્યુડિસ હોવાથી જેલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્વેતા શ્રીમાળી આ વિશે કોઈ પ્રતિક્રિયા આપવા નથી માગતાં.”
ખાણુંસા ગામના લોકો ચંદનજી ઠાકોરને ‘લખપતિ’ કહી બોલાવે છે પરંતુ એના વિશે વાત કરવા માટે કોઈ તૈયાર નથી. તેમનાં માતા પણ સાંભળી શકતા નહીં હોવાથી કોઈ જવાબ આપી શકતા નથી. જોકે, તેમને એમ છે કે તે જેલમાંથી છૂટ્યો છે. તેમને એ નથી ખબર કે તે જામીન પર છૂટ્યો છે.
ચંદનજી ઠાકોર વધુમાં કહે છે, “મારા પર 2018માં હત્યાનો આરોપ હતો. હું ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે મને કોઈએ કહ્યું કે તને પોલીસ શોધે છે. એટલે હું પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો. વકીલ રાખવાના પૈસા નહોતા એટલે 3 મહિને ચાર્જશીટ મુકાઈ ત્યાં સુધી જેલમાં જ રહ્યો. સરકારી વકીલ મળ્યા પણ મહેસાણા કોર્ટમાં મને હત્યાની સજા થઈ ગઈ.”
“2019માં સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. મારા માતા બીમાર થયાં એટલે 2020માં જામીન માગ્યા હતા. મને ખબર જ નહીં કે જામીન મંજૂર થઈ ગયા હતા. વકીલે ફરીથી અરજી કરી ત્યારે ખબર પડી કે હું છેલ્લાં ત્રણ વર્ષથી જેલમાં છું પણ જામીન મળ્યા હતા. વકીલે કહ્યું કે મને ત્રણ વર્ષ સુધી ખોટી રીતે જેલમાં રાખવામાં આવ્યો છે જેથી સરકાર એક લાખનું વળતર આપશે. હું એક લાખ રૂપિયામાંથી મારું ઝૂંપડા જેવું ઘર સરખું બનાવીશ અને માતાની દવા કરાવીશ.”
જોકે, ચંદનજીના ભાઈ સુરેશ ઠાકોર બીબીસીને કહે છે કે, “અમારે પૈસા નથી જોઈતા. મારો ભાઈ પાછો આવી ગયો હવે અમે બંને મજૂરી કરીને માતાની સેવા કરીશું.”














