સુનીલ કાવુરીએ એક ઝાટકે 17 કરોડ રૂપિયા કેવી રીતે ખોયા? તેમને એ પાછા મળશે?

- લેેખક, જો ટાઇડી
- પદ, સાઇબર સંવાદદાતા
છેતરપિંડીના ઘણાં આરોપોમં ફસાયેલા ‘કિંગ ઑફ ક્રિપ્ટૉ’ના કેસ પૂર્વે એક બ્રિટિશ વ્યક્તિએ જણાવ્યું કે કઈ રીતે સૅમ બૅન્કમૅન-ફ્રાઇડની કંપનીના પતનના કારણે તેમની પૂંજી લૂંટાઈ ગઈ.
કંપનીનું દેવાળું ફૂંકાયું એના પહેલાં સુધી સુનીલ કાવુરીને આશા હતી કે સૅમ બૅન્કમૅન-ફ્રાઇડ બધું ઠીક કરી દેશે.
કિંગ ઑફ ક્રિપ્ટૉનું સામ્રાજ્ય ડગમગાવવા લાગ્યું એ જોઈને અન્ય લોકો ગભરાયેલા હતા પરંતુ એ સમયે પણ કાવુરી શાંત રહ્યા.
બૅન્કો માટે ટ્રૅડિંગ અને ક્રિપ્ટૉમાં પોતાના નાણાં રોકવામાં અનુભવના લીધે સુનીલ કાવુરીને બજારમાં થતી ઉથલપાથલની આદત હતી.
એક કારણ એ પણ હતું કે સૅમ બૅન્કમૅન-ફ્રાઇખુદ વિશ્વને બતાવતા રહ્યા કે બધું ઠીક થઈ જશે.
પરંતુ પછી એક દિવસ ક્રિપ્ટૉમાં પૈસા લગાવનારા લોકોની સ્ક્રીન પર એક સંદેશો આવ્યો, ‘પૈસા ઉપાડવાની સેવા નિલંબિત કરી દેવાઈ છે.’
વિશ્વની બીજી સૌથી મોટી ક્રિપ્ટૉકરન્સી ઍક્સચૅન્જ એફટીએક્સે ગત વર્ષે નવેમ્બરમાં નાદારી નોંધાવી દીધી.
કાવુરીની વર્ષોની સૂઝબૂઝ ભરેલી, તણાવભરેલી અને સફળ ટ્રૅડિંગ બરબાદ થઈ ગઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના 21 લાખ ડૉલર્સ (લગભગ 17 કરોડ રૂપિયા) ડૂબી ચૂક્યા હતા.
કાવુરી કહે છે, “હું 24 કલાક કમ્પ્યૂટર રિફ્રેશ કરતો રહ્યો. પોતાના પૈસા પરત લેવા માટે એફટીએક્સ સપોર્ટ ડેસ્કને ઇમેલ કરવાની કોશિસ કરી. હું બીમાર હોવ એવું લાગી રહ્યું હતું. મને લાગ્યું હે ભગવાન હવે તો બધું ખતમ..મેં મારું બધું જ ગુમાવી દીધું.”

ઘર ખરીદવા ભેગી કરેલી મૂડી ગુમાવવી પડી

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇસ્ટ મિડલૅન્ડમાં રહેનારા કાવુરી પોતાનું નવું ઘર ખરીદવા માટે પૈસા ભેગા કરી રહ્યા હતા. તેઓ પોતાના પુત્રની યુનિવર્સિટીની ફી ભરવા માગતા હતા. પરંતુ લગભગ 1 વર્ષ પછી તેમના હાથમાં પૈસાની જગ્યાએ એના ડૉક્યુમેન્ટ્સ જ બચ્યા.
એફટીએક્સની નાદારીના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત બનનારા બ્રિટિશ વ્યક્તિઓમાંથી એક છે.
એફટીએક્સને એ રીતે ગ્રાહકો વચ્ચે પ્રોત્સાહિત કરવામાં આવી હતી કે ક્રિપ્ટૉની દુનિયામાં રોકાણ માટેનું તે એક સુરક્ષિત માધ્યમ છે.
બીબીસીની ઇન્વેસ્ટિગેટિવ ડૉક્યૂમેન્ટરી સિરીઝ પૅનોરમાએ મૅથ્સના જિનિયસ, પ્રતિભાશાળી વ્યક્તિ સૅમ બૅન્કમૅન-ફ્રાઇડના ખતરનાક ઉત્થાન અને પછી સનસનીખેજ પતનની તપાસ કરી. જે ક્રિપ્ટૉની દુનિયાને બદલવા નીકળ્યા હતા, પરંતુ આખરે છેલ્લે સૌથી નિષ્ફળ ખેલાડી બની ગયા.
એફટીએક્સ ઍક્સચૅન્જે એક એવી અનિયમિત બૅન્કની જેમ કામ કર્યું, જેણે લોકોને બિટકૉઇન જેવા ક્રિપ્ટૉ કૉઇન્સના બદલામાં પૈસાનું ટ્રૅડિંગ કરવા દીધું અને તેમના ભંડોળને સુરક્ષિત રાખ્યું.
આ કંપનીના 100 દેશોમાં 90 લાખ ગ્રાહકો હતા. જ્યારે એણે નાદારી નોંધાવી અને દેવાળું ફૂંકાઈ ગયું તો 10 લાખથી વધુ ગ્રાહકોના પૈસા ફસાઈ ગયા. કેમકે તેઓ પૈસા ઉપાડી ન શક્યા. અદાલતી દસ્તાવેજો એ દર્શાવે છે કે ઘણી કંપનીઓ, રોકાણકાર અને ચૅરિટી સંસ્થાઓના નાણાં પણ ડૂબી ગયાં.
આગામી સપ્તાહે અમેરિકન વકીલ આ હાઈ-પ્રોફાઇલ કેસની સુનાવણીમાં દલીલો કરવાનું શરૂ કરશે. આ કેસમાં સૅમ બૅન્કમૅન-ફ્રાઇડને આરોપી બનાવવામાં આવ્યા છે. તેમના પર છેતરપિંડી અને ષડ્યંત્ર તથા કાળા નાણાંને કાનૂની બનાવવા સહિતના 7 આરોપો છે.
સૅમ બૅન્કમૅન-ફ્રાઇડએ એફટીએક્સનું દેવાળું ફૂંકાઈ ગયા બાદ એ કહ્યું હતું કે, “મેં ફંડની ચોરી નથી કરી અને મેં અબજો રૂપિયા ક્યાંય છુપાવ્યા પણ નથી.”
એફટીએક્સ અને અલ્મેડા રિસર્ચ નામની એક ક્રિપ્ટૉ હેઝ ફંડની સ્થાપના કરનારા 31 વર્ષીય સૅમ બૅન્કમૅન-ફ્રાઇડે આરોપ સ્વીકાર્યા નથી અને તેઓ કેસ લડવા માટે જેલથી ન્યૂયોર્ક કોર્ટ હાઉસ જશે.
તેમની કંપનીના અન્ય અધિકારીઓએ પહેલાં જ પોતાના ગુના માની લીધા છે અને ટૂંક સમયમાં એ વાતના પુરાવા આપી શકે કે કઈ રીતે એક સમય પર 40 અબજ ડૉલર્સની તેમની કંપની પતન સુધી પહોંચી ગઈ.

કઈ રીતે એફટીએક્સનું પતન થયું?

ઇમેજ સ્રોત, Getty Images
મુખ્ય આરોપ એ છે કે સૅમ બૅન્કમૅન-ફ્રાઇડે પોતાના હેઝ ફંડમાં જોખમ ભરેલું રોકાણને પ્રોત્સાહિત કરવા માટે ફંડનો ઉપયોગ કરીને ગ્રાહકોને દગો કર્યો. સાથે જ તેમણે આલીશાન સંપત્તિઓ અને રાજકીય ડૉનેશન પર લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કર્યાે.
સૅમ બૅન્કમૅન-ફ્રાઇડનું પતન ત્યારે શરૂ થયું જ્યારે કૉઇનડેસ્ક નામની એક ન્યૂઝ સાઇટે એફટીએકસના ફંડ પર ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ પ્રકાશિત કર્યો. રિપોર્ટમાં એફટીએક્સ અને અલ્મેડા રિસર્ચનાં જોખમ ભરેલાં રોકાણોને ખુલ્લાં પાડી દેવાયાં હતાં.
ગભરાયેલા ગ્રાહકોએ એફટીએક્સ ઍક્સચૅન્જનું દેવાળું ફૂંકાયું ત્યાં સુધીમાં પોતાના અબજો ડૉલર્સ પાછા કાઢી લીધા.
ધરપકડ પહેલાં સૅમ બૅન્કમૅન-ફ્રાઇડે બીબીસી સહિત અન્ય મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ નાણાકીય સંબંધિત પોતાની ભૂલો માટે ક્ષમાપ્રાર્થી છે. જોકે તેમણે એ વાત પર ભાર મૂક્યો કે તેમણે આ જાણીજોઈને અથવા ગુનાઇત ઇરાદા સાથે નથી કર્યું.
કંપનીનું દેવાળું ફૂંકાયું તેને એક વર્ષ થવા જઈ રહ્યું છે. રોકાણકારો સૅમ બૅન્કમૅન-ફ્રાઇડ સંબંધિત અદાલતી કેસ પર નજર રાખી રહ્યા છે. તેમને એ જાણવું છે કે તેમના પૈસા પાછા મળશે કે નહીં.
કાવુરી કહે છે, “સૅમ બૅન્કમૅન-ફ્રાઇડે ખરેખર લોકોની જિંદગી બરબાદ કરી નાખી છે.”
તેમણે કહ્યું, “તુર્કીમાં બધું જ ગુમાવ્યા બાદ એક વ્યક્તિના બૅન્ક ખાતામાં માત્ર 600 ડૉલર બચ્યા અને કોરિયામાં એક વ્યક્તિને પૅનિક ઍટેકના કારણે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું.”
ઘણાં એફટીએક્સ રોકાણકારોની જેમ સુનીલ એવા લોકોને દોષિત માને છે જેમણે સૅમ બૅન્કમૅનને આગળ વધારવામાં મદદ કરી. તેમાં પ્રખ્યાત હસ્તીઓ સામેલ લોકોએ એફટીએક્સનો એક વિશ્વાસપાત્ર અને સુરક્ષિત કંપની તરીકે પ્રચાર કર્યો.
ક્રિપ્ટૉને લોકપ્રિય બનાવવા માટે પ્રચાર કરનારા ઇન્ફ્લુએન્સર અને હસ્તીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઘણા કેસોમાંથી બે કેસ સુનીલ કાવુરીએ દાખલ કર્યાં છે.
અમેરિકી કૉમેડિયન લૅરી ડિવેડ, અમેરિકી ફૂટબૉલર સ્ટાર ટૉમ બ્રેડી અને સુપરમૉડલ ગિઝેલે બંચેન કેસોને કોર્ટની બહાર જ સેટલ કરવા માટે કોશિશ કરી રહ્યા છે. જોકે તેમણે પૅનોરમા તરફથી મોકલવામાં આવેલા સવાલોનો કોઈ જવાબ નથી આપ્યો.
ભલે વકીલ દરેક ગ્રાહકોના પૈસા પરત લાવવા દરેક કોશિશ કરી રહ્યા છે, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે એફટીએક્સના કારણે સર્જાયેલી આ આર્થિક જટિલતાને ઉકેલવામાં વર્ષો લાગી શકે છે.

હજુ પણ આશા બચેલી છે

ગત સપ્તાહે બૅંકમેન-ફ્રાઇડનાં માતાપિતા સામે પણ કેસ દાખલ કરાયો. આ કેસ બૅંકમેન-ફ્રાઇડેએ તેમનાં માતા-પિતાને બહામાસમાં આપેલી રોકડ અને આલિશાન સંપત્તિઓને કારણે કરાયો છે.
કાવુરી કહે છે કે એફટીએક્સમાં મોટી કંપનીઓમાં રોકાણ પછી તેમનો ભરોસો વધ્યો.
તેઓ કહે છે, “ મેં જોયું કે ઘણા સમૂહોએ એફટીએક્સને મંજૂરી આપી દીધી હતી. ત્યારે મને લાગ્યું કે આ એક માન્ય ઍક્સ્ચેન્જ કંપની હશે.”
ગયા ગુરૂવારે સુનીલ અને તેમનાં પત્નીએ બીજા સંતાનને જન્મ આપ્યો છે. હવે તેઓ તેમના ડૂબી ગયેલાં નાણાં પરત મેળવવા વધારે પ્રયાસ કરશે.
હાલ તો તેઓ માત્ર આશા રાખી શકે છે, રાહ જોઈ શકે છે.
બીબીસી પેનોરમાએ આ લેખ માટે સેમ બૅંકમેન-ફ્રાઈડેના વકીલોનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે કાયદાકીય પ્રક્રિયા ચાલુ હોવાથી તેઓ આ બાબતે ટિપ્પણી નહીં કરી શકે.














