ઑનલાઇન ટ્રૅડિંગ કૌભાંડ: જ્યાં બધા જ રોકાણકારો તેમના નાણાં ગુમાવતા તેનો ભાંડો કેવી ફૂટ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
શું તમે ફોરેક્સ ટ્રૅડિંગમાં પૈસા ગુમાવી રહ્યાં છો? તમે સોના કે ક્રિપ્ટૉકરન્સીમાં પણ કિસ્મત અજમાવી શકો છો. તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે જાણવા જેવી તમામ બાબતો અમે તમને જણાવીશું. શું તમે તૈયાર છો? તો આજે જ જોડાઓ EverFX સાથે. ખૂબ સરળ અને ઝડપી, ખાતું ખોલાવો માત્ર ત્રણ મિનિટમાં.
યુટ્યુબ પર દેખાતી આ કોઈ સામાન્ય ટ્રૅડિંગ પ્લૅટફૉર્મ જેવું જ લાગે. તમે નફો કરો કે ખોટ, બ્રૉકરેજ ફર્મ પૈસા બનાવે અને EverFX પણ એવીજ એક કંપની જણાય, પરંતુ તેની સાથે અનેક રહસ્યો જોડાયેલા છે.
ભારતનું સોશિયલ મીડિયા પણ આવી જાહેરાતોથી ભરાયેલું છે. રોબોકૉલ્સ, એસએમએસ અને ઈમેલ દ્વારા પણ સરેરાશ સમજ ધરાવતા લોકોને ક્રિપ્ટૉકરન્સી, સોનું, ફોરેક્સ કે શેરબજારમાં રોકાણ કરવા માટે આકર્ષવાનો પ્રયાસ કરાય છે.
રોકાણકારોને ફસાવવાની મૉડસ ઑપરેન્ડી વિદેશમાં થતી છેતરપિંડીથી અલગ હોય શકે છે, પરંતુ દરેકમાં સૌથી મોટી ભૂમિકા લાલચની જ હોય છે.
કરોડો ડૉલરના છેતરપિંડીના કારોબારમાં ઠગોને ખુલ્લા પાડનાર તેમનો જ માણસ આ ઠગાઈ કેવી રીતે થાય છે અને તેઓ કામ કરે છે, તેની દુનિયામાં ડોકિયું કરાવે છે. અનેક મોટા બિઝનેસમૅનની સંડોવણી તેમાં ખુલી છે અને કૌભાંડનો રેલો એક દેશના પૂર્વ સંરક્ષણ મંત્રી સુધી તેનો રહેલો પહોંચે છે.
(નોંધ: આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. આ સિવાય આસરા વેબસાઇટ અથવા તો વૈશ્વિક સ્તર પર બીફ્રૅન્ડર્સ વર્લ્ડવાઇડ પાસેથી પણ સહયોગ મેળવી શકો છો.)

અનેકની કહાની, એકની જુબાની

ઇમેજ સ્રોત, Joel Gunter/BBC
નિવૃત્તિ માટે નાણાં એકઠાં કરવા માગતા જેનિફરે (બદલેલું નામ) EverFXમાં ખાતું ખોલાવ્યું અને ડે ટ્રૅડિંગ કરવાનું વિચાર્યું. તેમનો મૅનેજર ખૂબ જ મિલનસાર હતો. તે કોઈ પરિવારજનની જેમ જ દરરોજ વાત કરતો અને હાલચાલ પૂછતો. આમ તેણે તબક્કાવાર જેનિફરનો વિશ્વાસ જીત્યો.
તેણે જેનિફરને 20 હજાર પાઉન્ડ રોકવા માટે મનાવી લીધાં. જોકે નુકસાન થયું એટલે મૅનેજરે જેનિફરને નવા ટ્રૅડિંગ પ્લૅટફૉર્મ પર કામકાજ કરવા માટે મનાવી લીધા. જેમાં અમુક ટ્રૅડ સફળ રહ્યાં તો અમુક નિષ્ફળ. તેણે સોનાનો ભાવ ઉછળશે એવી સલાહ આપીને મોટો દાવ રમવા માટે જેનિફરને મનાવી લીધાં. જોકે, આ ટ્રૅડ નિષ્ફળ રહ્યો અને તેમની બધી જ મૂડી ધોવાઈ ગઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જેનિફરને થયું કે તેમને આ કામ ફાવતું નથી એટલે તેમણે ખોટ કાપીને બાકીની મૂડી પાછી ખેંચી લેવાનું વિચાર્યું. પરંતુ મૅનેજર કે કંપનીએ કોઈ જવાબ ન આપ્યા. તેઓ પોતાનું એકાઉન્ટ ઑપરેટ કરી શકતાં ન હતાં. આ મામલો ખોટી આર્થિકસલાહ આપવાનો જ ન હતો, પરંતુ એથી પણ મોટી ઠગાઈ હતી.
જે દિવસે તેમને આ વાતનો અહેસાસ થયો તો તે દિવસે જેનિફરનો જન્મદિવસ હતો. કોરોનાકાળમાં પરિવારે ઘરની બહાર એક પાર્ટી આયોજિત કરી હતી, પરંતુ જેનિફર તેમાં ઉત્સાહભેર ભાગ નહોતાં લઈ શકતાં. મરણમૂડી ગુમાવ્યા બાદ તેમને સતત લાગતું હતું કે કેટલી સરળતાથી તેઓ મૂર્ખ બની ગયા અને તેઓ આ દુનિયામાં કેમ છે? પરિવારજનોને આના વિશે વાત કરવાની હિંમત એકઠી કરતા મહિનાઓ લાગી ગયા.
જેનિફરે કુલ્લે 27 હજાર પાઉન્ડ જેટલી રકમ ગુમાવી હતી. તેઓ સાન-ભાન ગુમાવી બેઠાં. પોતે જે રીતે મૂર્ખ બન્યાં, તેના વિશે જેનિફર એટલા બધા શર્મિંદાં થયાં કે તેના વિશે કોઈને કહી શકે તેમ ન હતાં.
EverFXનું કહેવું છે કે તે કાયદેસર રીતે કામ કરે છે. રોકાણકારને સંભવિત જોખમો વિશે અગાઉથી જ સમજાવવામાં આવે છે. જેનિફરે તેમના નાણાં અન્ય પ્લૅટફૉર્મ પર ટ્રાન્સફર કરી દીધાં હતાં એટલે તેમનાં નુકસાન વિશે તેઓ જવાબદાર નથી.
યુકેના અધિકારીઓનું કહેવું છે કે આમના કિસ્સામાં તેઓ કશું કરી શકે તેમ નથી. 2021થી EverFX યુકેમાં પ્રતિબંધિત છે. છતાં તે અન્ય દેશોમાં કાર્યરત છે.
જેનિફરનો કિસ્સો હિમશિલાની ટોચમાત્ર છે. EverFX માં પૈસા ગુમાવનારા અનેક લોકોએ ઑનલાઇન તેમની હૈયાવરાળ ઠાલવી છે. તેમની પાછળ બહુ મોટા સંગઠનનો હાથ છે.

વાત શરૂ, ઠગાઈ ચાલુ

ઇમેજ સ્રોત, Alexander Mahmoud/DG
EverFXને મિલ્ટન ગ્રૂપની કંપની માનવામાં આવે છે. જેના એક વ્હીસલબ્લોઅર ઍલેક્સ (બદલેલું નામ) બીબીસી સાથે વાત કરી. અલગ-અલગ દેશોમાં થયેલી તપાસ, ભોગ બનેલાઓની જુબાની ઉપલબ્ધ દસ્તાવેજો અને જુબાનીઓના આધારે તેમની કાર્યપદ્ધતિ ખુલ્લી પડી છે.
સંભવિત શિકારને કેવી રીતે ફસાવો તેની પદ્ધતિસર તાલીમ નવનિયુક્તોને આપવામાં આવતી. જેમાં તેમને શરૂઆતમાં ઇન્કાર કરનારા, પરંતુ કોલરની કુશાગ્રતાથી તેની વાતોમાં આવી જનારા પીડિતોના રેકોર્ડિંગ સંભળાવવામાં આવતા, જેથી કરીને નવા કર્મચારીઓ પણ પોતાનું કૌશલ્ય વધારી શકે.
'સર, શું તમને નફો કમાવવામાં રસ છે?' કે 'શું તમે ઇન્ટરનેટ એક્સેસ કરી શકો છો?' કે 'શું તમે અઢીસો યુરો જેવી મામૂલી રકમ રોકી શકો છો?' અથવા 'તમે વિઝાનું કાર્ડ વાપરો છો કે માસ્ટરકાર્ડનું? ' જેવા સામાન્ય સવાલોથી વાતચીતની શરૂઆત થતી.
મોટાભાગે પૂર્વ યુરોપના યુવક-યુવતીઓને મોટી રકમનો પગાર અને બીજી સવલતોની લાલચ આપીને ભરતી કરવામાં આવે છે. પીડિત પાસે રોકાણ કરાવી શકે તો તેમને બોનસ પણ આપવામાં આવે અને નફામાંથી હિસ્સો પણ મળે છે.
તેઓ કોઈ સામાન્ય કોલસેન્ટર જેવા દેખાતા સ્થળે જ કામ કરે છે. જ્યાં એચઆર વિભાગ છે. દરેકને ટાર્ગેટ મળેલાં છે. સારું પર્ફૉર્મન્સ કરનારાઓને ટોપ પર્ફૉર્મન્સ ઍવૉર્ડ પણ મળે છે.

યુક્રેન અને રશિયાના યુદ્ધ પછી અનેક કોલસેન્ટર કર્મીઓને બીજા દેશોમાં લઈ જવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. અલગ-અલગ દેશ માટે અલગ-અલગ ડેસ્ક ઊભા કરવામાં આવે છે. જેઓ પૂર્વીય યુરોપમાંથી કોલ કરતાં હોવા છતાં તેમનો વાતચીત કરવાની રીત અને ઉચ્ચારણ સ્થાનિક જણાય.
ગત વર્ષે નવેમ્બર મહિનામાં જ્યોર્જિયાની પોલીસે દેશની રાજધાની ત્બિલિસીમાં (Tbilisi) આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સમાન બેલિઝ વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડિંગમાં સાદી ગાડીઓ અને કપડાંમાં રેડ કરી હતી. ત્યારે જર્મન પોલીસ પણ તેની સાથે હતી.
અંડરકવર ઓફિસરે કુરિયર આપવાના હેતુસર 32મા માળે ચાલતા કોલ સેન્ટર પર રેડ કરી. એક સાથે પાંચ દેશમાં 15 સ્થળોએ રેડ કરવામાં આવી હતી, જેમાંથી માત્ર કર્મચારી દરજ્જાના પાંચ શખ્સ પકડાયા હતા.
રેડ પછી વીડિયો ફૂટેજનું વિશ્લેષણ કરતાં કેટલીક હસ્તલિખિત નોંધો પર નજર પડી. જેમ કે, 'કોઈ લોન નથી, પ્રૉપર્ટી લેવા માગે છે. બચત કરી છે, પરંતુ કેટલી એ નથી કહેતો.' કે '10 હજારની બચત એકદમ ડફોળ. વહેલામાં વહેલી તકે બૂચ મારવું જોઈએ.'
રેડ પછી થોડા સમય માટે મિલ્ટન ગ્રૂપ સાથે સંકળાયેલા બિટકૉઇન વૉલેટ્સમાં જમા થતી રકમમાં થોડા સમય માટે ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ધીમે-ધીમે ફરી તેમાં વૃદ્ધિ જોવા મળી હતી. તેમની ઠગાઈના પીડિત યુકે, ઑસ્ટ્રિયા, ફ્રાન્સ, સ્પેન, પૉર્યુગલ, પૉલૅન્ડ, માલ્ટા, જર્મની, જ્યોર્જિયા, યુક્રેન સહિત અનેક દેશોમાં ફેલાયેલા છે.

ખાતું ખુલ્યું, પગેરું મળ્યું

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી રિપોર્ટર સિમોના વેનગ્લાસ એ સમજવા માગતા હતા કે કઈ રીતે લોકોને લાલચની જાળમાં ફસાવવામાં આવે છે. આથી, તેમણે જેન નામના કૅનેડિયન શિક્ષિકાનો સ્વાંગ લીધો. જે ટ્રૅડિંગ દ્વારા વધારાના પૈસા કમાવવા માંગે છે.
જેનના નકલી નામથી સિમોને રજિસ્ટ્રૅશન કરાવ્યું. આ માટે બનાવટી પાસપૉર્ટની નકલ પણ આપી અને ચોક્કસ બિટકૉઇન વૉલેટમાં 500 ડૉલર જમા કરાવડાવ્યા. આગળ જતાં આ રોકાણ કથિત કૌભાંડીઓનું પગેરું દાબવામાં મદદ કરનારું હતું.
EverFX સાથે સંકળાયેલી હોય એવી કંપનીના પૅટ્રિક નામના શખ્સનો ફોન આવ્યો અને દાવો કર્યો કે તેમના માર્ગદર્શન થકી એક દિવસમાં અશક્ય એવું 90 ટકા સુધીનું વળતર મેળવી શકાય છે. 80 ટકા ક્લાયન્ટોએ આવી જ રીતે નાનાપાયે શરૂઆત કરી હોવાનું પણ પ્રતિનિધિઓએ જણાવ્યું.
અમુક ટ્રૅડ નિષ્ફળ રહ્યા બાદ, રિપોર્ટર સિમોનાએ બાકી વધેલી મૂડીને Coinevoના એકાઉન્ટમાંથી પાછી ખેંચી લેવા માટે પ્રયાસ કર્યો, પરંતુ તેમને નિષ્ફળતા મળી.
કંપની દ્વારા તેમને ઈમેલ મોકલવામાં આવ્યો, જેમાં સ્કૂલ ટીચર તરીકેની તેમની ઓળખ ખોટી હોવાનું અને સરળ ભાષામાં 'વહેતાં પડવાં'નું જણાવવામાં આવ્યું. તેમણે રોકેલી રકમ ક્યારેય પરત ન મળી, પરંતુ તે ક્યાં પહોંચી તેનું પગેરું દાબી શકાય તેમ છે.
રશિયામાં ક્રિપ્ટૉગ્રાફીનો અભ્યાસ કરનારા ઍલેક્સની મદદથી બિટકૉઇનના પબ્લિક લેજરનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે સિમોનાએ બિટકૉઇન મારફત રોકેલા પાંચસો ડૉલરને ખૂબ જ નાની-નાની રકમ કરીને અલગ-અલગ સેંકડો વૉલેટ મારફત અમુક વૉલેટ્સ સુધી પહોંચ્યાં હતાં. જેને મિલ્ટન ગ્રૂપના ટોચના લોકોના ઑપરેટ કરતા હોવાનું માનવામાં આવે છે.

ઠગોની દુનિયામાં ડોકિયું

ઇમેજ સ્રોત, Getty Images
જાન્યુઆરી-2020માં યુક્રેનની રાજધાની કિએવમાં મિલ્ટન નામના ભેદી ગ્રૂપ સાથે સંકળાયેલાં સેંકડો લોકો એકઠાં થયાં હતાં. જ્યાં તેમણે ડ્રિંક્સ લીધા અને પાર્ટી કરી હતી, કારણ કે કોરોના પહેલાંનું વર્ષ તેમના માટે બહુ સારું રહ્યું હતું અને તેમણે ખૂબ જ પૈસા બનાવ્યા હતા. વ્હીસલબ્લૉઅર ઍલેક્સે આ વીડિયો ઉતાર્યો હતો.
ઍલેક્સે મિલ્ટન ગ્રૂપ સાથે કામ કરતા. જ્યાં તેઓ અને તેમના સાથીઓ EverFX જેવી ઑનલાઇન ટ્રૅડિંગની યોજનાઓમાં રોકડ રકમ જમા કરાવવા પ્રેરિત કરતા.
ઍલેક્સના કહેવા પ્રમાણે, 'મિલ્ટન ગ્રૂપ માટે કામ કરવાનું શરૂ કર્યુ, તેના ત્રણ મહિનામાં અંદાજ આવી ગયો હતો કે તે કોઈ સામાન્ય ઇન્વેસ્ટમેન્ટ કંપની નથી. તેમાં રોકાણ કરનાર દરેક વ્યક્તિ નાણાં ગુમાવતો. તમામે તમામ નાણા ગુમાવતા.'
ગ્રાહકો સાથે સંપર્ક સાધીને તેમને અલગ-અલગ 'બ્રાન્ડ'માં રોકાણ કરવા માટે પ્રેરિત કરવામાં આવતાં. જોકે આ મોટાભાગની બ્રાન્ડ 'બીબાંઢાળ' છે. તેમના સાઇન-અપ પેજ, લખાણ, ટર્મ્સ ઍન્ડ કન્ડિશન, લૉગ-ઇન પેજ, પેમૅન્ટ પેજ, ડૉલર, પાઉન્ડ કે ક્રિપ્ટૉકરન્સીમાં રોકાણ પછીનું પેમૅન્ટ પેજ બધું એક સમાન જ છે.
ઍલેક્સની તપાસમાં બહાર આવ્યું છે કે લગભગ 150થી વધુ બ્રાન્ડ્સની ડિઝાઇનમાં વપરાયેલો 'યુનિક કોડ' એક જ છે. ઍલેક્સ આના આધારે EverFX સહિતની આ વેબસાઇટ્સ મિલ્ટન ગ્રૂપ સાથે સંકળાયેલી હોવાનો નિષ્કર્ષ કાઢે છે.
ઍલેક્સનું કહેવું છે કે રોકાણકાર દ્વારા રોકવામાં આવેલાં નાણાંનું ક્યારેય વાસ્તવમાં રોકાણ થતું જ ન હતું.
તેમને લાગતું હતું કે તેમણે કંપનીમાં રોકાણ કર્યું છે, પરંતુ વાસ્તવમાં તે પેપરટ્રૅડિંગ જેવું હતું, જેમાં પીડિત ટ્રૅડ કરે એટલે તેમાં વધારો કે ઘટાડો તો થાય, પરંતુ આ સોદા વાસ્તવિક બજારમાં નથી પડતા.

ઇમેજ સ્રોત, Getty Images
ઍલેક્સના કહેવા પ્રમાણે, દરેક ખાતામાંથી મળતી રકમને ક્રિપ્ટૉકરન્સીમાં કન્વર્ટ કરવામાં આવતી, જે છેવટે મિલ્ટન ગ્રૂપના ક્રિપ્ટૉ વૉલેટમાં પહોંચે છે, જે સંભવતઃ તેના ટોચના લોકો સંચાલિત કરે છે.
આ બધું જોઈને ઍલેક્સે મિલ્ટન ગ્રૂપની સામે પડવાનું નક્કી કર્યું.
શારીરિક અને માનસિક રીતે આ નિર્ણય ખૂબ જ કષ્ટદાયક અને જટિલ હતો, કારણ કે જો પકડાય જાય તો ગંભીર પરિણામ ભોગવવા પડ્યા હોત.
જીવના જોખમે ઍલેક્સે આપેલા પુરાવાના આધારે માર્ચ-2020માં આંતરરાષ્ટ્રીય પત્રકારોએ યુક્રેનમાં કાર્યરત મિલ્ટન જૂથની ભેદી પ્રવૃત્તિઓ વિશે સંશોધનાત્મક અહેવાલ પ્રકાશિત કર્યો હતો અને તેની યુક્રેન ઑફિસના બૉસનું નામ પણ જાહેર કર્યું હતું.
આ અહેવાલે વિશ્વભરના મીડિયામાં સનસનાટી મચાવી દીધી.
અહેવાલ પ્રકાશિત થયો એ પહેલાં ઍલેક્સે દેશ છોડી દીધો. ઍલેક્સને ખબર હતી કે યુક્રેનના સત્તાધીશો તેમને તેમની પૂરતી સુરક્ષા ન આપી શક્યા હોત.
તેમણે સાક્ષી સંરક્ષણ યોજના હેઠળ ગુપ્ત રીતે ઉત્તર યુરોપના દેશમાં આશરો લીધો છે.
એ પછી અહેવાલમાં ઉલ્લેખાયેલું કૉલસેન્ટર તો બંધ થઈ ગયું, પરંતુ યુક્રેનમાં જ બીજાસ્થળેથી તેનું કામકાજ ચાલુ રહેવા પામ્યું હતું. યુક્રેન ઉપર રશિયાના આક્રમણ બાદ તેમણે વિદેશમાં નવા-નવા સ્થળોએ વિસ્તરણ કર્યું છે.
મિલ્ટન જૂથ આજે પણ સક્રિય છે અને મોટાપાયે નાણાં રળે છે.
તે અગાઉ કરતાં પણ સારી સ્થિતિમાં છે. જાણે કે એ ખુલાસાની તેમની ઉપર કોઈ અસર જ નથી થઈ.
ગત બે વર્ષ દરમિયાન તેમણે લગભગ 60 કરોડ ડૉલર મૅનેજ કર્યા હતા.
ગ્રૂપ દ્વારા ઉપયોગમાં લેવાતી કંપનીઓ અને બિટકૉઇન વૉલેટના નેટવર્કનું વિશ્લેષણ કરતાં ઍલેક્સ અનુમાન મૂકે છે કે આ રકમ એક અબજ ડૉલર જેટલી મોટી હોય શકે છે.

'બધે છે, છતાં નથી'

પૈસાને ઠેકાણે પાડવા માટે હૉંગકૉંક, કેમૅન આઇલૅન્ડસ બ્રિટિશ વર્જિન આઇલૅન્ડમાં ખોખા (શૅલ) કંપનીઓનું જાળું ઊભું કરવામાં આવ્યું છે. જેની પેટા કંપનીઓ યુક્રેન, જ્યોર્જિયા અને સાયપ્રસ જેવા દેશોમાં કામ કરે છે.
ઍલેક્સના સંશોધન, અલગ-અલગ દેશમાં દાખલ કરવામાં આવેલાં ટૅક્સના દસ્તાવેજો તથા અન્ય પુરાવા આંતરરાષ્ટ્રીય મની લૉન્ડ્રિંગ (ગેરકાયદેસર નાણાને કાયદેસર રીતે ચલણમાં લાવવા) ઉપર અનેક પુસ્તક લખનાર તથા તેના અભ્યાસુ ઑલિવર બુલોને દેખાડ્યાં.
તેમનું કહેવું છે, "અલગ-અલગ દેશમાં નોંધાયેલી વિવિધ કંપનીઓનું આ માળખું એવું છે કે જે બધે છે, પરંતુ એક તબક્કે પહોંચીને તે ક્યાંય નથી."
આ જટિલતાનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને મિલ્ટન જૂથ વિશે સંશોધન કરનાર કોઈ પત્રકાર, વકીલ, તપાસકર્તા એજન્સી કે વ્હીસલ બ્લોઅરને તપાસ કરવામાં થાકી જાય. આ તપાસમાં વર્ષો લાગી જાય અને તે અશક્ય બની રહે.
છતાં મિલ્ટન નેટવર્કના ટોચના લોકોમાં ગુરમ ગોકેસવેલ્લી અને રતિ ચેલિઝાનો સમાવેશ થાય છે. જેમણે EverFX સહિતની કંપનીઓની સ્થાપના કરી છે. તેમનું કહેવું છે કે તેમનો વેપાર કાયદેસર છે અને તેઓ માન્યતાપ્રાપ્ત અને નિયમ મુજબ સંચાલિત બ્રોકર છે.
યોસેફ મેગાલ્ડ્સ કૉલસેન્ટરનું સંચાલન કરતા, જ્યાંથી લોકોનો સંપર્ક કરવામાં આવતો.
તેઓ પોતાની સંડોવણીનો ઇન્કાર કરે છે. તેમનું કહેવું છે કે તેઓ બિલ્ડિંગોમાં જગ્યા ભાડે આપે છે.
તેમણે પોતે કોઈ કૉલસેન્ટરનું સંચાલન નથી કર્યું અથવા તો ખોટી નાણાંકીય સેવાઓ આપવા સાથે સંકળાયેલા નથી.
આ બધા લોકોને સાંકળનાર એક વ્યક્તિ છે, જેનું નામ છે ડેવિડ કેઝરેસવેલી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિતની સોશિયલ મીડિયા ફીડ્સ પરથી સ્પષ્ટ છે કે તેઓ પરપસ્પર જોડાયેલા છે અને ખૂબ જ નિકટતા ધરાવે છે.

2008માં રશિયા અને જ્યોર્જિયાના વચ્ચે યુદ્ધ થયું ત્યારે ડેવિડ જ્યોર્જિયાના સંરક્ષણ પ્રધાન હતા. કાર્યકાળ દરમિયાન તેમના ઉપર પાંચ મિલિયન યુરોની ગેરરીતિ આચરવાનો આરોપ સાબિત થયો હતો.
એ પછી તેઓ લંડનમાં આવીને રહે છે. યુકેની કોર્ટે તેમના પ્રત્યાર્પણની અરજી નકારી કાઢી છે અને જો તેઓ વતન પરત ફરે તો તેમની ધરપકડ નિશ્ચિત માનવામાં આવે છે.
ડેવિડ EverFX કે અન્ય કોઈ ટ્રૅડિંગ પ્લૅટફૉર્મની માલિકી નથી ધરાવતા, પરંતુ તેઓ આ પ્લૅટફૉર્મ્સનું આઈટી માળખું તૈયાર કરતી કંપનીમાં રોકાણકાર છે. આ સિવાય તેમની માલિકીના એક બિલ્ડિંગમાંથી મિલ્ટન ગ્રૂપનું કોલ સેન્ટર સંચાલિત થતું હોવાનું પણ માનવામાં આવે છે.
કહેવાય છે કે 'સત્યને જમીનમાં દફનાવી દેવામાં આવે તો પણ તે એક સમયે બહાર આવે જ છે.' કંઇક આવું જ વર્ષ 2016માં થયું. એ સમયે 'પનામા પેપર્સ' સ્વરૂપે ટેક્સહેવન દેશોમાં ખાતા ધરાવનારાઓના નામો બહાર આવ્યા. લાખો દસ્તાવેજ લીક થયા.
વિદેશમાં નોંધાયેલી સેંકડો કંપનીઓના અસલી ડાયરેક્ટર અને માલિક તથા તેઓ કેવી રીતે કામ કરે છે તેનો ખુલાસો થયો. ભારતમાં પણ અનેક બોલીવૂડ સ્ટાર્સ, અભિનેતા, ખેલાડી અને ઉદ્યોગપતિઓના વિદેશોમાં ખાતાઓ હોવાનું બહાર આવ્યું, જેની કાયદેસરતાની તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઉપરોક્ત ચારેયના નામ પર મિલ્ટન ગ્રૂપ સાથે જોડાયેલી ન હોય તેવી અનેક કંપનીઓ વિશ્વભરમાં નોંધાયેલી છે. જ્યોર્જિયાનું રાજધાનીમાં આવેલું પિક્સલ બિલ્ડિંગ તેમનું કૉમન સરનામું છે. આ દસ્તાવેજોના વિશ્લેષણમાં પણ દેશના પૂર્વ સંરક્ષણ મંત્રી ડેવિડનું નામ બહાર આવે છે.
ચેલ્સામાં એક કરોડ 80 લાખ પાઉન્ડના ભવ્ય મૅન્શનમાં રહેતાં ડેવિડ આ મામલે વાત કરવા માટે બીબીસીને મળ્યા નહોતા. તેમના વકીલો થકી જવાબ મળ્યો કે તેઓ મિલ્ટન ગ્રૂપ સાથે સંકળાયેલા નથી અને તેમને કોઈ પણ કૌભાંડમાંથી કોઈ આવક મળી નથી.
ડેવિડનું એમ પણ કહેવું છે કે EverFX કાયદેસર રીતે ધંધો કરે છે અને તેની સાથે સંકળાયેલા લોકો સાથેના સંબંધથી કશું પુરવાર નથી થતું. તેઓ પોતાની ઉપર લાગેલા આરોપોને રાજકારણથી પ્રેરિત હોવાનો દાવો કરે છે.
(આલેખન – જયદીપ વસંત. આ લેખ માટે બીબીસી ડૉક્યુમૅન્ટ્રી 'ધ બિલિયન ડૉલર સ્કૅમ'નો આધાર લેવામાં આવ્યો છે. અંગ્રેજીમાં સિમોના વેનગ્લાસનો સંશોધનાત્મક અહેવાલ અહીં જુઓ કે પૉડકાસ્ટ સાંભળો. કે વાંચો)














