'મને ભરોસો હતો કે JRF મળી જશે પણ...', નેટ પરીક્ષા રદ થતાં ઉમેદવારોનાં સપનાં તૂટ્યાં

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"આ મારી પહેલી પરીક્ષા નથી કે જેમાં પેપરલીક થયું હોય. આ પહેલાં મેં પીએસઆઈની પરીક્ષા, બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા તેમજ તલાટીની પરીક્ષા પણ આપી હતી. આ ત્રણેય પરીક્ષાઓ પણ પેપરલીક થવાને કારણે રદ્દ થઈ હતી.”
ઉપરોક્ત શબ્દો અમદાવાદ શહેરના રહેવાસી અને NET પરીક્ષાના ઉમેદવાર જિજ્ઞેશ પરમારના છે. હાલમાં તેઓ એક ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યા છે તથા ઍકેડૅમિક અને રિસર્ચ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું તેમનું સ્વપ્ન છે.
તેઓ કહે છે, “એ ત્રણેય પરીક્ષા તો ગુજરાત સરકાર દ્વારા જ લેવામાં આવી હતી. પહેલાં મને એવું હતું કે માત્ર ગુજરાત સરકારનાં જ પેપરલીક થાય છે અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી ઉપર મને ખૂબ જ ભરોસો હતો. પરંતુ આ વખતે નીટ અને નેટ બંને પરીક્ષાઓમાં પેપરલીક થયાં હોવાનું સામે આવ્યું છે. જેથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી અંગે પણ શંકા ઉત્પન્ન થઈ છે."
18મી જૂનના રોજ લેવાયેલી યુજીસી-નેટની પરીક્ષા શિક્ષણ મંત્રાલયે રદ્દ કરી દીધી છે. મંત્રાલયના કહેવા પ્રમાણે તેમને પ્રથમ દૃષ્ટિએ પરીક્ષામાં ગોટાળાના સંકેત મળ્યા છે.
18મી જૂને યોજાયેલી પરીક્ષા કુલ નવ લાખ આઠ હજાર 580 લોકોએ આપી હતી. આવા જ કેટલાક ઉમેદવારો સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

‘12 કલાકની નોકરી પછી રાત્રે જાગીને તૈયારી કરતો હતો’

ઇમેજ સ્રોત, LAXMI PATEL
અમદાવાદના જિજ્ઞેશ પરમાર કહે છે કે, “હું એક વાર નેટની પરીક્ષા પાસ કરી ચૂક્યો છું પરંતુ મારે જેઆરએફ (જુનિયર રિસર્ચ ફૅલો) તરીકે પસંદ થવું હતું. આથી મેં ફરી વાર આ પરીક્ષા આપી હતી. પણ હવે અચાનક આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.”
તેઓ વધુમાં કહે છે કે, "મેં ગુજરાતી વિષય સાથે નેટની પરીક્ષા આપી હતી. મેં ગત વર્ષે નેટની પરીક્ષા પાસ કરી હતી પરંતુ જેઆરએફ માટે હું માત્ર 4 માર્ક્સ માટે રહી ગયો હતો. હું સવારે સાતથી સાંજે સાત વાગ્યા સુધી નોકરી કરું છું. પછી હું રાત્રે જાગીને વાંચતો હતો. આ વર્ષે નેટની પરીક્ષામાં ખૂબ જ મહેનત કરી હતી. નેટની તૈયારી માટે મેં ગૌણ સેવા પસંદગી તેમજ જીપીએસસીની પરીક્ષા પણ આપી નહોતી. મારી પરીક્ષા પણ ખૂબ સારી ગઈ હતી. મને ભરોસો હતો કે, હું જેઆરએફ ક્લિયર કરી લઈશ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ વધુમાં જણાવે છે કે, "મારી સાથે આવી પેપરલીકની ઘટના ત્રણ કરતાં વધારે વખત બની છે, જોકે હવે આવાં બધાં કારણોથી મારો આત્મવિશ્વાસ ડગતો નથી પણ સરકાર દ્વારા પેપરલીક કરનારને જ્યાં સુધી કડક સજા કરવામાં નહીં આવે ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે."
‘પરીક્ષા રદ થવાના સમાચાર સાંભળી માનસિક રીતે તૂટી જવાય છે’

ઇમેજ સ્રોત, LAXMI PATEL
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સૅન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાતમાં અભ્યાસ કરી રહેલાં લત્તા ભોજવાણીએ પણ આ વખતે નેટની પરીક્ષા આપી હતી. તેઓ પીએચ.ડી.નો અભ્યાસ કરી રહ્યાં છે અને પૉલિટિકલ સાયન્સ વિષયમાં તેમણે નેટની પરીક્ષા આપી હતી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, "મેં એક વાર આ પરીક્ષા પાસ પણ કરી છે પરંતુ જેઆરએફ માટે મેં ફરીથી પરીક્ષા આપી હતી. અમારી આખી યુનિવર્સિટી ગાંધીનગરથી વડોદરા શિફ્ટ થઈ રહી છે. નેટની પરીક્ષા માટે અમે વીનવણીઓ કરીને હૉસ્ટેલમાં જ ગાંધીનગર રહ્યાં હતાં જેથી કરીને અમે ગાંધીનગરમાં જ રહીને અભ્યાસ કરી શકીએ. પરંતુ હવે અમે ઑથૉરિટીને વધારે વિનંતી કરી શકીશું નહીં, કારણ કે બીજી વાર પરીક્ષા ક્યારે લેવાશે એ અમને ખ્યાલ નથી અને અમારે શિફ્ટ થવાનું છે."
તેઓ વધુમાં જણાવે છે કે, "પરીક્ષા માટે અમે ત્રણ મહિના દિવસરાત મહેનત કરી હતી. માત્ર વાંચવા પર ફોકસ કર્યું હતું. પછી જ્યારે પરીક્ષા રદ્દ થવાના સમાચાર સાંભળવા મળે ત્યારે માનસિક રીતે તૂટી જવાય છે.”
લત્તા ભોજવાણી કહે છે, “મને સાંભળવા મળ્યું છે કે, 1200 રૂપિયામાં પરીક્ષાનાં પેપર વેચાયાં હતાં. એક તરફ અમે દિવસરાત મહેનત કરીએ છીએ જ્યારે બીજી તરફ આ રીતે પેપર વેચાય છે. મને હવે NTA એ નૉન ટ્રસ્ટેબલ એજન્સી લાગે છે. એનટીએ એ ઘણી વિશ્વસનીય સંસ્થા હતી પરંતુ આ વર્ષે જ પહેલાં નીટ અને હવે નેટની પરીક્ષાનાં પેપર રદ્દ થવાને કારણે લોકોને આ સંસ્થા પરથી પણ વિશ્વાસ ઊઠી ગયો છે.”
જોકે, તેમને એ વાતની ધરપત છે કે તેમને પેપરલીક બાદ પરીક્ષા રદ્દ કરાવવા માટે આંદોલન ન કરવું પડ્યું. નીટના વિદ્યાર્થીઓને તો પરીક્ષા રદ્દ કરવા માટે પણ માગ કરવી પડી રહી છે.
‘ગુજરાતમાં પેપરલીક નવાઈની વાત નથી, પણ હવે રાષ્ટ્રીય સ્તરે ગોટાળા’

ઇમેજ સ્રોત, LAXMI PATEL
નેટ પરીક્ષા ઉમેદવાર ડૉ. રણછોડ દેસાઈએ સંસ્કૃત વિષયમાં પરીક્ષા આપી હતી. આ તેમનો બીજો પ્રયાસ હતો.
ડૉ. રણછોડ દેસાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "હું રાધનપુર રહું છું. મારે અમારા ગામથી 110 કિમી દૂર પાલનપુર સેન્ટર આવ્યું હતું. મેં પહેલી શિફ્ટમાં પરીક્ષા હતી. ઘણા મિત્રો એનાથી પણ દૂરથી આવતા હતા. તેમની પાસે ભાડાનો કે ત્યાં રહેવાનો ખર્ચ કાઢવાના પણ પૈસા નથી હોતા. આવી પરિસ્થિતિમાં તમે પરીક્ષા આપીને આવો અને બીજા દિવસે ખબર પડે કે તમારી પરીક્ષા રદ્દ થઈ છે તો તમને માનસિક તાણ અનુભવાય છે."
તેઓ કહે છે, "વારંવાર આ પ્રકારે પેપરલીક થવાના કારણે નિરાશા આવી રહી છે. ક્યારેક તો એવું થાય કે પરીક્ષા આપવા ન ગયા હોત તો સારું."
અન્ય એક ઉમેદવાર નિકિતા પરમારે અંગ્રેજી વિષયમાં નેટની પરીક્ષા આપી હતી. તેઓ હાલમાં જ્ઞાનસહાયક તરીકે નોકરી કરી રહ્યાં છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "ગુજરાત સરકારમાં તો પેપરલીક થવાની ઘટનામાં કંઈ નવાઈ નથી. પરંતુ કેન્દ્ર સરકારની વિશ્વસનીય સંસ્થા દ્વારા લેવાતી પરીક્ષામાં પણ પેપરલીક થાય તો હવે અમને સમજાતું નથી કે શું કરવું."
તેમના અનુભવો જણાવતાં તેઓ કહે છે કે, "અમે ટેટની પરીક્ષા લેવા માટે આંદોલન કર્યું હતું, શિક્ષકોની કાયમી ભરતી માટે અમે આંદોલન કરી રહ્યાં છીએ. બીજી તરફ અન્ય સરકારી ભરતી પરીક્ષાઓ આપીએ તો એમાં પણ પેપરલીક થઈ રહ્યાં છે. નેટની પરીક્ષા તો કેન્દ્ર સરકાર દ્વારા લેવાઈ હતી, પણ હવે આ સંસ્થા પર પણ ભરોસો રહ્યો નથી. આવી ઘટનાઓથી આત્મવિશ્વાસ ઘટી રહ્યો છે. અમને કોઈ દિશા દેખાતી નથી. કોઈ પણ ભરતી કે પરીક્ષા વિશ્વસનીય રીતે લેવાતી નથી."
તેઓ વધુમાં ઉમેરે છે કે, "હું જ્ઞાનસહાયક તરીકે નોકરી કરું છું, તેમજ ગયા વર્ષે મારું ભણવાનું પણ ચાલતું હતું. નોકરી અને અભ્યાસની સાથે સાથે હું આ પરીક્ષાની તૈયારી કરી રહી હતી. આવી પરિસ્થિતિમાં જ્યારે આ પરીક્ષા રદ થઈ છે ત્યારે આ પરિસ્થિતિ આઘાત આપનારી હોય છે."
સરકારનું આ મુદ્દે શું કહેવું છે?

ઇમેજ સ્રોત, DPRADHANBJP
કેન્દ્ર સરકારની નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તા.18 જૂન 2024ના દિવસે દેશભરના 1205 સેન્ટરો પર NET પરીક્ષા લેવાઈ હતી.
ત્યાર બાદ બીજા દિવસે આપેલા નિવેદનમાં શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, “પરીક્ષાના બીજા જ દિવસે યુજીસીને ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કૉ-ઓર્ડિનેશન સેન્ટરથી પરીક્ષા વિશે કેટલાક ઇનપૂટ મળ્યા હતા, જેના વિશ્લેષણથી પ્રથમ દૃષ્ટિએ લાગે છે કે તેમાં ગોટાળો થયો છે.”
શિક્ષણ મંત્રાલયે તરત જ આ ઘટનાની તપાસ સીબીઆઈને સોંપી દીધી હતી.
ત્યાર બાદ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ નીટ અને નેટ મામલે પ્રેસ-કૉન્ફરન્સ કરીને આ ઘટનાની નૈતિક જવાબદારી લેતાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે ચેડાં કરનારા લોકોને છોડવામાં નહીં આવે.
યુજીસીના પૂર્વ ચૅરમૅનનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, WWW.KISS.AC.IN
આ સંદર્ભે બીબીસીના સંવાદાતા ઇકબાલ અહમદે યુજીસીના પૂર્વ ચૅરમૅન એસકે થોરાટ સાથે વાત કરી. તેઓ જણાવે છે કે, "આવી ગેરરીતિ ખોટી છે અને તેનાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે છે. તેમને ઍડમિશન લેવામાં તફલીફ પડે છે. તેમની લાંબા ગાળાની તૈયારી વેડફાય છે."
આવી ગેરરીતિની શું અસર થતી હોય છે તે વિશે વાત કરતા તેઓ કહે છે કે, "મંત્રાલયે સાવચેતી રાખવી જોઈએ, જેથી કોઈ પણ પ્રકારની માહિતી લીક ન થાય અને વિદ્યાર્થીઓને પરીક્ષામાં લખવાની યોગ્ય તક મળે. સરકારે આવી તમામ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું યુજીસી હોવા છતાં નવી પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થા એનટીએ બનાવવી એ યોગ્ય હતું.
થોરાટ કહે છે, "યુજીસીએ 2006 અને 2011ની વચ્ચે પાંચ વખત પરીક્ષાઓ યોજી હતી. પરંતુ એનટીએ એ એક સ્વતંત્ર સંસ્થા હોવાથી તેઓ પરીક્ષાઓ આયોજિત કરવામાં જોઈએ તેટલી જવાબદાર નથી. જ્યારે યુજીસી પરીક્ષા લેતી ત્યારે તેઓ યોગ્ય રીતે પરીક્ષા લેવાની જવાબદારી લેતા અને કોઈ ભૂલ ન કરે તેનું ધ્યાન રાખતા. જો કર્મચારીએ ભૂલ કરી હોય તો તેમની નોકરી જતી રહેશે તેવા તેમને ડર રહેતો. હવે આઉટસોર્સિંગમાં આવી જવાબદારીનો અભાવ તો રહેવાનો જ."
"જો તેઓ ભૂલ કરશે તો તેમની નોકરી છીનવાઈ જશે તેવી લાગણી સાથે એનટીએને પણ જવાબદાર થવું જોઈએ. સરકારે તેમના નિયમો અને નિયંત્રણો લાવવા જોઈએ અને એજન્સીને ફુલપ્રૂફ બનાવવી જોઈએ."
તેઓ એ પણ કહે છે કે, "એ સાચું છે કે ઘણી કેન્દ્રીય સંસ્થાઓમાં સમાન વિચારધારાના લોકોને સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચાન્સેલર અને વાઇસ ચાન્સેલર જેવા મોટા ભાગની સંસ્થાઓના વડા એક જ વિચારધારાના છે. હું એ તો ન કહી શકું આ વાતનું કે પેપરલીક સાથે શું જોડાણ હોઈ શકે, પરંતુ સંસ્થાઓ પર કબજો તો કરવામાં આવ્યો છે."
"આવું પહેલાં નહોતું થતું, હવે થઈ રહ્યું છે. પરંતુ આ આ વાતને આપણે એ રીતે પેપરલીક સાથે જોડી શકીએ કે એક જ વિચારધારા લોકોને લેવાથી સક્ષમ લોકો સંસ્થાના પદ પર નથી રહેતા. સંસ્થાઓમાં નિષ્ણાતો પણ બેઠા છે અને તેમ છતાં આવાં પીપરલીક થઈ રહ્યાં છે તે સમજી શકાય તેમ નથી. જો આવા હોદ્દા પર યોગ્ય લોકોને જ લેવામાં આવે તો આવી ગેરરીતિઓ બંધ થઈ શકે છે."
યુજીસી-નેટ શું છે?

ઇમેજ સ્રોત, ANI
દેશભરની યુનિવર્સિટીઓમાં જુનિયર રિસર્ચ ફૅલોશિપ (જેઆરએફ) અને આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ માટે લાખો ઉમેદવારો આ પરીક્ષા આપે છે.
આ પરીક્ષા વર્ષમાં બે વાર જૂન અને ડિસેમ્બર મહિનામાં થાય છે.
સવારે 9:30થી બપોરે 12:30 સુધી તથા બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધી, બે શિફ્ટમાં યોજાયેલી આ પરીક્ષામાં આ વખતે કુલ નવ લાખ આઠ હજાર 580 લોકોએ પરીક્ષા આપી હતી.
ત્રણ કલાકની પરીક્ષામાં વિદ્યાર્થીઓને બે પેપર આપવાનાં હોય છે. પહેલું પેપર કૉમન હોય છે જ્યારે બીજું પેપર વિદ્યાર્થી જે તે વિષય પસંદ કરે છે તેનું હોય છે.
પહેલા પેપરમાં વિદ્યાર્થીઓ માટે 50 પ્રશ્નો હોય છે જ્યારે બીજા પેપરમાં 100 પ્રશ્નો હોય છે. આ સવાલ મલ્ટિપલ ચોઇસ પ્રકારના હોય છે, એટલે કે વિદ્યાર્થીઓએ ઓએમઆર શીટમાં જવાબ આપવાના હોય છે. આ પરીક્ષામાં નૅગેટિવ માર્કિંગ હોતું નથી, એટલે કે ખોટા જવાબ આપવાથી વધારાના માર્ક્સ કપાતા નથી.
આ પરીક્ષામાં નિયત માર્ક્સ કરતાં વધુ માર્ક્સ આવે તો ઉમેદવારને જેઆરએફ સર્ટિફિકેટ મળે છે જેના કારણે તેને સરકાર તરફથી ફૅલોશિપ પણ મળતી થાય છે.












