નીટ પરીક્ષા: ગ્રેસ માર્ક્સ રદ, 1563 વિદ્યાર્થીઓ માટે 23 જૂને ફરી પરીક્ષા

કયા વિધાર્થીઆને નીટની પરીક્ષા ફરીથી આપવી પડશે?

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ ગ્રેસ માર્ક્સ મેળવનાર નીટ-યુજીના 1563 વિદ્યાર્થીઓ માટે ફરી પરીક્ષા લેવા માટેનું નોટિફિકેશન જાહેર કર્યું છે.

એનટીએએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હૅન્ડલ પર બે પાનાંનું એક નોટિફિકેશન પોસ્ટ કર્યું છે અને લખ્યું કે આ 1563 વિદ્યાર્થીઓ માટે પરીક્ષા 23 જૂન, 2024માં લેવાશે.

નોટિફિકેશનમાં કહેવાયું કે પરીક્ષાનો સમય બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા ને 20 મિનિટનો રહેશે અને પરીક્ષાનું પરિણામ 30 જૂન, 2024 સુધી આવી શકે છે.

નોટિફિકેશનમાં કહેવાયું કે આ પરીક્ષા માત્ર એ વિદ્યાર્થીઓ માટે જ છે, તેમને 'ગ્રેસ માર્ક્સ' અપાયા છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (એનટીએ) ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે તેણે નીટની પરીક્ષામાં અપાયેલા વધારાના ગુણ એટલે કે ગ્રેસ માર્ક્સ રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત 1,563 વિદ્યાર્થીઓની પરીક્ષા પણ ફરી લેવાનો નિર્ણય કર્યો છે.

જે વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ મળ્યા છે તેમણે આ માર્ક્સ છોડવા પડશે અથવા તો તેઓ ઇચ્છે તો તેઓ ફરી વખત લેવાનારી પરીક્ષામાં બેસી શકે છે.

નોંધનીય છે કે ગુરુવારે સુપ્રીમ કોર્ટે નીટ-યુજી પરીક્ષાને સંબંધિત ત્રણ અરજીઓની સુનાવણી કરી હતી. આ અરજીઓમાં પરીક્ષા રદ કરવાની માગ કરાઈ હતી તેમજ 1,563 વિદ્યાર્થીઓને અપાયેલ ગ્રેસ માર્ક્સ આપવાની કાર્યવાહી પક્ષપાતપૂર્ણ હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

પરીક્ષા રદ કરવાની અરજી બાબત અંગે કોર્ટે કહ્યું કે તે આ અરજીને સુનાવણી માટે 8 જુલાઈએ લિસ્ટ કરશે.

4 જૂન, 2024 ના રોજ નીટ પરીક્ષાનાં પરિણામોની ઘોષણા પછી, એવા ઘણા દાવાઓ પ્રકાશમાં આવ્યા હતા કે આ પરીક્ષા યોગ્ય રીતે લેવામાં આવી નથી.

નીટ એ પરીક્ષા છે જેમાં જે વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા ઇચ્છે છે તે પ્રવેશ માટે આ પરીક્ષા આપે છે. આ પરીક્ષાના સ્કોરના આધારે તેઓ મેડિકલ કૉલેજોમાં પ્રવેશ મેળવી શકે છે.

ટોપ રૅન્ક પર આવેલા 67 વિદ્યાર્થીઓમાં છ એવા છે જેમણે હરિયાણાના એક જ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપી હતી.

કેટલાક વિદ્યાર્થીઓને એવા માર્કસ પણ મળ્યા છે જે પરીક્ષાની માર્કિંગ સ્કીમ મુજબ ગાણિતિક રીતે શક્ય ન હતા.

આ દાવાઓને ફગાવીને, નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA, જે આ નીટની પરીક્ષાનું આયોજન કરે છે, તેણે પરીક્ષામાં કોઇપણ પ્રકારની હેરાફેરી અથવા પ્રશ્નપત્ર લીક થવાના આરોપોને નકારી કાઢ્યા છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ તેના સ્પષ્ટીકરણમાં કહ્યું હતું કે વધારાના ગુણ ફક્ત તે જ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા જેમણે સમયસર પ્રશ્નપત્ર પ્રાપ્ત કર્યું ન હતું.

નીટ પરીક્ષા પર શું છે વિવાદ?

નીટ પરીક્ષા પર શું છે વિવાદ?

ઇમેજ સ્રોત, ANI

આ વર્ષે નીટ પરીક્ષાનું આયોજન પાંચ મેના રોજ કરાવવામાં આવ્યું હતું. નીટ પરીક્ષામાં બેસવા માટે 24 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

જેમાંથી 23.33 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમ મુજબ પરીક્ષાનું પરિણામ 14મી જૂને જાહેર થવાનું હતું.

જોકે, પરિણામ દસ દિવસ પહેલાં એટલે કે 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું.

નીટ પરીક્ષાની પ્રક્રિયા પર નજર રાખનારા નિષ્ણાંતોના મતે, અનિયમિતતાની આશંકા ત્યાંથી જ શરૂ થઈ ગઈ હતી.

આ સિવાય કોચિંગ સંસ્થાઓ અને વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષાને લઈને ઘણી ગંભીર ચિંતાઓ રજૂ કરી છે.

પરીક્ષાનાં પરિણામો અનુસાર, એવાં 67 બાળકો છે જેમણે સો ટકા ગુણ મેળવ્યાં છે એટલે કે તેઓએ 720 ગુણની પરીક્ષામાં સંપૂર્ણ 720 ગુણ મેળવ્યાં છે.

આ પ્રથમ વખત છે જ્યારે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સો ટકા માર્કસ મેળવ્યા હોય.

વર્ષ 2023માં માત્ર બે વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ મેળવી હતી.

નીટ, યુજીસી નેટ, એનટીએ, ભરતી પરીક્ષાઓમાં ગોટાળા, બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્ષ 2022માં કોઈ વિદ્યાર્થીએ પૂરા માર્કસ મેળવ્યા ન હતા. તે વર્ષે પણ નીટના કુલ માર્ક્સ 720 હતા અને પરીક્ષામાં ટોપ કરનાર વિદ્યાર્થીઓએ 715 માર્ક્સ મેળવ્યા હતા.

આ વખતની નીટ પરીક્ષામાં જે વાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે તે એ છે કે 67 ટોપર વિદ્યાર્થીઓમાંથી 6 બાળકોનું પરીક્ષા કેન્દ્ર હરિયાણાના ઝજ્જર જિલ્લામાં આવેલું એક કેન્દ્ર હતું.

નિષ્ણાતો કહે છે કે આટલા બધા વિદ્યાર્થીઓને પૂરા માર્ક્સ મળવાની સંભાવના સામાન્ય રીતે ઘણી ઓછી હોય છે.

ત્રીજી બાબત જે લોકો પરીક્ષાની પ્રક્રિયા અને પરિણામ અંગે શંકા વ્યક્ત કરી રહ્યા છે તે એ છે કે કેટલાક વિદ્યાર્થીઓએ 720 માર્કસની પરીક્ષામાં 718 અને 719 માર્કસ મેળવ્યા છે, જે પરીક્ષાની સ્કીમ મુજબ ગાણિતિક રીતે શક્ય જ નથી.

કારણ કે આ પરીક્ષામાં કોઈપણ પ્રશ્નના સાચા જવાબ માટે ચાર માર્કસ નક્કી કરવામાં આવ્યા હતા અને ખોટા જવાબના કિસ્સામાં એક માર્ક કાપવાની જોગવાઈ કરવામાં આવી હતી.

તેથી, જો વિદ્યાર્થી બધા પ્રશ્નોના સાચા જવાબ આપે છે અને એક જવાબ ખોટો આવે છે, તો માર્કિંગના નિયમો મુજબ, તેને 715 માર્કસ મળશે.

પેપર લીકના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે. આ સંબંધમાં બિહારમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

બિહાર પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સ વિંગે આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે.

નીટ પરીક્ષામાં વિદ્યાર્થીઓના સારા ગુણને કારણે ક્વોલિફાઇંગ સ્કોર નોંધપાત્ર રીતે વધ્યો છે.

છેલ્લાં ત્રણ વર્ષમાં નીટ પરીક્ષાનો ક્વોલિફાઇંગ સ્કોર 130 હતો, જ્યારે આ વર્ષે તે વધીને 164 થયો છે.

NTA શું કહે છે?

નીટ, યુજીસી નેટ, એનટીએ, ભરતી પરીક્ષાઓમાં ગોટાળા, બીબીસી ગુજરાતી

13 જૂને રાષ્ટ્રીય ટેસ્ટિંગ એજન્સીએ(એનટીએ) ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે તેણે નીટની પરીક્ષામાં અપાયેલા વધારાના ગુણ એટલે કે ગ્રેસ માર્ક્સ રદ કરવાનો નિર્ણય કર્યો છે. તેમજ 1,563 વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવાશે.

ગ્રેસ માર્ક્સના મુદ્દે કેન્દ્ર સરકારના વકીલે કહ્યું કે, “ફરિયાદો મામલે રચાયેલી હાઇ પાવર્ડ કમિટીને ગઇકાલે જાણવાં મળ્યું કે ગ્રેસ માર્ક્સના કારણે વિષમ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સમયના નુકસાનના વળતર સ્વરૂપે અપાયેલ ગ્રેસ માર્ક મામલે ઑથોરિટીને એ ન સમજાયું કે વળતર જે-તે વિદ્યાર્થી દ્વારા પ્રયત્ન ન કરાયેલા પ્રશ્નો સુધી જ મર્યાદિત હોવું જોઈએ. જેને કારણે આ વિદ્યાર્થીઓને અસમાન ફાયદો મળ્યો.”

તેથી એજન્સીએ જણાવ્યું કે તે ગ્રેસ માર્ક્સ રદ કરવાના નિર્ણય પર પહોંચી છે. નવી પ્રસ્તાવિત યોજના પ્રમાણે આ વિદ્યાર્થીઓ પાસે ગ્રેસ માર્ક્સ વગરનો પોતાનો સ્કોર જાળવી રાખવાનો તેમજ ફરીથી પરીક્ષા આપવાનો વિકલ્પ રહેશે. અને જો તેઓ બીજો વિકલ્પ પસંદ કરે તો તેમના નવા ગુણ ધ્યાને લેવાશે.

એનટીએના વકીલે જણાવ્યું કે તેઓ આજે જ પરીક્ષાનું નોટિફિકેશન જાહેર કરશે અને 23 તારીખે પરીક્ષાનું આયોજન કરશે. આ વિદ્યાર્થીઓનું પરિણામ 30 જૂને જાહેર કરાશે. તેથી કાઉન્સેલિંગ માટેની તારીખ (6 જુલાઈ)માં કોઈ ફેરફાર નહીં થાય.

કોર્ટે આ તમામ નિવેદનોની નોંધ લીધી અને કહ્યું કે આ બાબતથી વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવાના મુદ્દાનો નીવેડો આવે છે.

જોકે, પેપરલીક અને પરીક્ષામાં ગેરરીતિના મુદ્દા અંગે 8 જુલાઈના રોજ સુનાવણી થશે.

પરીક્ષાર્થીઓને ગ્રેસ માર્ક્સ કેમ અપાયા હતા?

નીટ, યુજીસી નેટ, એનટીએ, ભરતી પરીક્ષાઓમાં ગોટાળા, બીબીસી ગુજરાતી

અગાઉ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 6 જૂને એક પ્રેસનોટ જારી કરીને તેના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

એનટીએએ તેના જવાબમાં કહ્યું હતું કે શક્ય તેટલી વહેલી તકે પરિણામ જાહેર કરવું એ એક નિશ્ચિત પ્રક્રિયા છે. આ વખતે એનટીએ દ્વારા આ કામ 30 દિવસમાં કરી શકાયું છે.

એનટીએએ ત્યારે કોર્ટમાં કહ્યું હતું કે તેમણે 1563 પરીક્ષાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપ્યા હતા કેમકે તેમને પરીક્ષા માટે ઓછો સમય મળ્યો હતો.

કેટલાક પરીક્ષાર્થીઓને કોર્ટમાં અરજી કરી હતી કે તેઓ પરીક્ષાકેન્દ્ર પર સમયસર પરીક્ષા શરૂ કરી શક્યા નહોતા.

એનટીએએ કહ્યું કે કેન્દ્રના સીસીટીવી ફૂટેજ જોયા બાદ અને અધિકારીઓ સાથે વાત કર્યા બાદ આ પરીક્ષાર્થીઓને ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા.

એજન્સીએ કહ્યું હતું કે આ માટે એ જ ફોર્મ્યુલા અપનાવવામાં આવી હતી જે સર્વોચ્ચ અદાલતે કૉમન ઍડમિશન ટેસ્ટ માટે સૂચવી હતી.

આ જ કારણ છે કે કેટલાક વિદ્યાર્થીઓને 718 જેટલા માર્કસ મળ્યા છે. આ સિવાય એજન્સીએ કહ્યું છે કે 720 માર્કસ મેળવનારા છ વિદ્યાર્થીઓ એવા છે જેમને ગ્રેસ માર્ક્સ મળ્યા છે. આ સિવાય 720 માર્કસ (સો ટકા માર્કસ) મેળવનાર અન્ય 44 વિદ્યાર્થીઓને ફિઝિક્સના એક પ્રશ્નના જવાબ માટે રિવિઝન માર્કસ આપવામાં આવ્યા છે.

એનટીએએ પરીક્ષાનું પેપર લીક થયાની વાતને નકારી કાઢી હતી. આ સિવાય એજન્સીએ કહ્યું હતું કે 'પરીક્ષાની અખંડિતતા સાથે બાંધછોડ કરવામાં આવી નથી.'

પરીક્ષા સંબંધિત અન્ય ફરિયાદો પર, એજન્સીએ કહ્યું છે કે તે નિર્ધારિત પ્રક્રિયાઓ અનુસાર કાર્યવાહી કરી રહી છે.