ચૂંટાયેલા સંસદસભ્યો લોકસભામાં શું કામ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રુચિતા
- પદ, બીબીસી ગુજરાતી માટે
સમગ્ર ભારતમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં નવી એનડીએ સરકારના મંત્રીમંડળે શપથ લઈ લીધા છે. પીએમ નરેન્દ્ર મોદી સહીત કુલ 72 મંત્રીઓએ શપથ લીધા છે. આ સાથે, તમામ કૅબિનેટ સભ્યોને તેમનાં મંત્રાલયો પણ ફાળવી દેવામાં આવ્યા છે.
ભારતમાં કુલ 543 બેઠકો પર ચૂંટણી હાથ ધરવામાં આવી હતી અને બાકીની 2 બેઠકો પર જો રાષ્ટ્રપતિને લાગે કે આ સમુદાયને સંસદમાં પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી, તો રાષ્ટ્રપતિને ઍંગ્લો-ઇન્ડિયન સમુદાયના સભ્યોને નૉમિનેટ કરવાનો અધિકાર છે.
જોકે, જાન્યુઆરી 2020માં, 104માં બંધારણીય સુધારા અધિનિયમ, 2019 દ્વારા ભારતની સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં ઍંગ્લો-ઇન્ડિયન આરક્ષિત બેઠકો નાબૂદ કરવામાં આવી હતી.
18મી લોકસભામાં ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 240 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ રહ્યો છે, ત્યારબાદ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસને 99 બેઠક મળી છે. સમાજવાદી પાર્ટીએ 37 બેઠકો મેળવી છે.
હવે ચૂંટણીની ઉત્તેજના અને મંત્રીઓ કોણ બનશે તેની ઉત્સુકતા શમી ગઈ છે અને સંસદ પહેલાંની જેમ રાબેતા મુજબ કામ કરવા લાગશે. આપણે ફરીથી સંસદને સંસદસભ્યોથી ભરેલી જોઈશું. તેમના દ્વારા કરવામાં આવતી ઉગ્ર દલીલ સમાચારની હેડલાઇન્સ બની રહેશે, સંસદનો હંગામો, વિપક્ષો સંસદમાંથી બહાર નીકળી રહ્યા છે, અથવા તેઓ ટેબલ પર પાટલી થપથપાવતા નજરે પડશે.
તો આપણે આ સંસદસભ્યોને શા માટે પસંદ કરીએ છીએ? સંસદના સભ્યો પાસે બીજા ઘણાં કામો છે, જે ટીવી પર જોવાં મળતા નથી પરંતુ જે દેશના અને તેમના ક્ષેત્રના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ છે.
આ લેખમાં, બીબીસી એ સમજાવવાનો પ્રયાસ કરે છે કે સંસદસભ્યો આટલા ધામધૂમથી ચૂંટાયા પછી કયા કયા કામ કરે છે.

End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંસદ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતની સંસદમાં રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે.
લોકસભાના સભ્યો સીધા ભારતના લોકો દ્વારા ચૂંટાય છે, જ્યારે રાજ્યસભાના સભ્યો રાજ્ય વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાય છે.
સંસદ કાયદા બનાવવા, સરકારની કામગીરી પર દેખરેખ રાખવા અને લોકોના હિતોનું પ્રતિનિધિત્વ કરવા માટે જવાબદાર છે.
સંસદીય સત્રો આખા વર્ષ દરમિયાન યોજાય છે, જેને ત્રણ મુખ્ય સત્રોમાં વહેંચવામાં આવે છે: બજેટ સત્ર, ચોમાસું સત્ર અને શિયાળુ સત્ર.
આ સત્રો દરમિયાન, વિવિધ કાયદાકીય પ્રક્રિયાઓ થાય છે, જેમાં કાયદો લાવતાં પહેલાં ચર્ચાઓ થાય છે, પ્રશ્નો પુછવામાં આવે છે અને ખરડા પસાર થાય છે.
સંસદસભ્યની જવાબદારી શું હોય છે?
ભારતમાં સંસદસભ્યોની ઘણી ભૂમિકાઓ અને જવાબદારીઓ હોય છે.
1. કાયદાઓ ઘડવા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચર્ચાઓ અને પ્રશ્નોત્તરીના કલાકો જેવી વિવિધ દેખરેખ પદ્ધતિઓ દ્વારા સરકારને તેની ક્રિયાઓ અને નીતિઓ માટે જવાબદાર ઠેરવવામાં સાંસદો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેઓ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે સરકારી પ્રવૃત્તિઓની તપાસ કરે છે, મંત્રીઓને પ્રશ્ન કરે છે અને ચર્ચામાં ભાગ લે છે.
જ્યારે સરોગસી (રેગ્યુલેશન) બિલ, 2019 સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારે રાષ્ટ્રીય જનતા દળના પ્રોફેસર મનોજ ઝા, બિલ પર તેમનાં સૂચનો આપે છે. તે કહે છે, "મારી પાસે એવા સૂચનો છે જે સરકારને બિલને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે."
તે કહે છે કે, "જ્યારે સરકાર વ્યાપારી સરોગસી પર પ્રતિબંધ મૂકી રહી છે, અને માત્ર આનુવંશિક સંબંધીઓને સરોગેટ બનવાની મંજૂરી આપે છે, તો જે દંપતી બંને અનાથ છે અને તેમના આનુવંશિક સંબંધીઓ નથી તો તેમણે શું કરવું તે વિષે પણ આ ખરડામાં ઉમેરવું જોઈએ."
સંસદસભ્યનું શું કામ હોય છે તે વિશે વિગતવાર જણાવા બીબીસીએ ગુજરાત કોંગ્રેસના પૂર્વ સંસદ જગદીશ ઠાકોર સાથે વાત કરી. જગદીશભાઈ ગુજરાતની પાટણ બેઠકથી 15મી લોકસભામાં સંસદ હતા. તેઓ જણાવે છે કે, “જો કોઈ તાજેતરમાં બનેલો બનાવ હોય, ત્યારે સંસદસભ્ય તાકીદના પ્રશ્ન લોકસભામાં રજૂ કરી શકે છે અને જે તે વિભાગ પાસેથી માહિતી પણ માંગી શકે છે કે તેમણે તે મુદ્દા અંગે શું કાર્યવાહી કરી છે.”
“એક સાંસદ જે કોઇપણ સમિતિનો હિસ્સો નથી તેમ છતાં તે કોઈપણ સમિતિને પણ સવાલો કરી શકે છે પછી જો તે તેમના ક્ષેત્ર અથવા તેમના રાજ્ય અથવા દેશ સાથે સંબંધિત હોય. એટલું જ નહીં, એક સાંસદ તે સમિતિના પ્રશ્નોના નિરાકરણ પણ આપી શકે છે.”
2. પ્રાઇવેટ મેમ્બર બિલ

ઇમેજ સ્રોત, ANI
મંત્રી સિવાયના સંસદસભ્યને પ્રાઇવેટ સભ્ય તરીકે ઓળખવામાં આવે છે. આવા કોઇપણ સભ્ય દ્વારા રજૂ કરાયેલ બિલને ખાનગી સભ્યનું બિલ કહેવામાં આવે છે.
અમદાવાદ પશ્ચિમના ત્રણ વખતના સાંસદ કિરીટ સોલંકી કહે છે, "એક સંસદસભ્ય પાસે પ્રાઇવેટ મેમ્બર બિલ સંસદમાં રજુ કરવાની સત્તા છે, જેના દ્વારા એ સમાજ અને તેમના ક્ષેત્રને જરૂરી લાગતા બિલ રજુ કરી શકે છે."
"જ્યારે હું 15મી લોકસભાનો સભ્ય હતો, ત્યારે મેં એસિડ હુમલાના દોષિતોની સજા વધારવા માટે એક પ્રાઇવેટ સભ્ય બિલ રજૂ કર્યું હતું, અને જ્યારે તે પાસ કરવામાં આવ્યું ત્યારે એસિડ હુમલાના ગુનેગારની સજાને 7 વર્ષની સજાથી વધારીને આજીવન કેદ કરવામાં આવી હતી, એસિડની હુમલામાં બચી ગયેલા લોકોને મફતમાં સર્જરી કરાવવાનો કાયદો લાવ્યા હતા અને એસિડના વેચાણ પર અંકુશ મૂકવામાં આવ્યો હતો. આ એક સંસદસભ્યની ભૂમિકા છે."
3. પોતાના ક્ષેત્રનો વિકાસ કરવો

ઇમેજ સ્રોત, SANSAD TV
સંસદસભ્યો સંસદમાં મુદ્દાઓ ઉઠાવીને, પ્રશ્નો પૂછીને અને ચર્ચામાં ભાગ લઈને તેમના મતવિસ્તારના હિતો અને ચિંતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ તેમના ઘટકો માટે એક અવાજ તરીકે સેવા આપે છે અને તેમને લાભ થાય તેવી નીતિઓની હિમાયત કરે છે.
સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના એમપીલેડ જેવી વિવિધ યોજનાઓ હેઠળ ફંડની ફાળવણી કરીને અને માળખાકીય વિકાસ, આરોગ્યસંભાળ, શિક્ષણ અને કલ્યાણ માટેના પ્રોજેક્ટ્સ શરૂ કરીને તેમના મતવિસ્તારની વિકાસલક્ષી જરૂરિયાતોને સંબોધવા માટે જવાબદાર છે.
જગદીશભાઈ બીબીસીને જણાવે છે કે, "જો તેમના મતવિસ્તારમાં કોઈ મોટી સમસ્યાઓ હોય, અથવા જો કોઈ અધિકારી તેમના કાર્ય તરફ ધ્યાન આપતા નથી અથવા તેમના ફંડનો યોગ્ય રીતે ઉપયોગ થતો નથી, અથવા સરકારને કટોકટીના કિસ્સામાં તેમને વધુ સહાય પૂરી પાડવા વિનંતી કરવા અથવા નીતિઓમાં સુધારાની હિમાયત કરવા વિનંતી કરવી હોય, જે પણ વસ્તુ તેમના મતવિસ્તારનો અસર કરે છે તેના વિશે એક સંસદસભ્ય સંસદમાં મુદ્દો ઉઠાવી શકે છે."
"અને જયારે સંસદ ચાલુ ન હોય ત્યારે, સંસદસભ્ય તેમના ક્ષેત્રમાં એમપીલેડ યોજના દ્વારા વિકાસના કર્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે."
એમપીલેડ શું છે

ઇમેજ સ્રોત, Getty Images
લોકસભા સંસદના સ્થાનિક વિસ્તાર વિકાસ વિભાગના સભ્યોને સંસદના સભ્યો સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (એમપીલેડ)ના અમલીકરણની જવાબદારી સોંપવામાં આવી છે.
આ યોજના હેઠળ, દરેક સાંસદ પાસે તેમના મતવિસ્તારમાં વાર્ષિક રૂ. 5 કરોડનાં કામો માટે જિલ્લા કલેક્ટરને સૂચન કરવાનો વિકલ્પ છે.
રાજ્યસભાના સાંસદ તે જે રાજ્યથી ચૂંટાયા હોય છે ત્યાં એક અથવા વધુ જિલ્લાઓમાં કામોની ભલામણ કરી શકે છે.
ઉપરાંત, લોકસભા અને રાજ્યસભાના નામાંકિત સભ્યો યોજના હેઠળ તેમની પસંદગીના કાર્યના અમલીકરણ માટે તેમના રાજ્યમાંથી કોઇપણ એક અથવા વધુ જિલ્લા પસંદ કરી શકે છે.
એમપીલેડ કેવી રીતે કાર્ય કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
જગદીશભાઈ કહે છે કે, “જયારે સત્ર ચાલુ ન હોય ત્યારે સંસદસભ્ય તેમના ક્ષેત્રમાં વિકાસના કાર્યો કરે છે. તેમાં મુખ્યતેવ એમપીલેડના ફંડ થકી કાર્યો કરવામાં આવે છે.”
“દર 2-3 મહિનામાં જિલ્લાના આયોજન પંચ દ્વારા મિટિંગ થાય છે જેમાં એ ચર્ચા કરવામાં આવે છે કે જે કામો સૂચવવામાં આવ્યા હતા તેના પર શું કામ થયું છે. અને જે ફંડને વાપરવા જે કામો નક્કી થયા છે તે થાય છે કે નહિ.”
“સંસદસભ્ય આ સંકલન સમિતિની રિવ્યૂ બેઠકમાં ભાગ લઇ શકે છે, અભિપ્રાય આપી શકે છે અને જો તેમાં કામો બરાબર ન થતા હોય તો એક સંસદ તેના અધિકારી સામે ફરિયાદ પણ કરી શકે છે.”
“દર ત્રીજા શનિવારે સંકલન સમિતિની બેઠક હોય છે, તેને ‘મીની વિધાનસભા’ પણ કહી શકાય.”
“સંસદસભ્ય જીલ્લા આયોજન કચેરીને પણ પૂછી શકે છે કે તેમના મતવિસ્તારમાં શું કામ કરવામાં આવ્યું છે, જેનો વિભાગે લેખિતમાં જવાબ આપવાનો રહેશે અને જો યોગ્ય કામ ન થયું હોય અથવા જવાબ વ્યાજબી ન હોય તો, તો સંસદ તેમની સામે પગલાં પણ લઈ શકે છે.”
“આ સિવાય, જો કોઈ સંસદને કોઈ ચોક્કસ કાર્ય માટે વધુ ફંડની જરૂર હોય તો તે જે વિષયમાં આવે છે તેના આધારે તે રાજ્ય અથવા કેન્દ્ર સરકારને તેની દરખાસ્ત મૂકી શકે છે. અને જ્યારે મંજૂર થાય ત્યારે તે કલેક્ટર કચેરીના ખાતામાં આપવામાં આવશે.”
તે વધુમાં જણાવે છે કે, “જો એવું બને કે સંસદસભ્ય વિરોધ પક્ષના હોય અને જો સત્તા પક્ષ દ્વારા કામગીરીમાં અડચણ કરવામાં આવે તો તે સંસદમાં આ વિશે લોકસભાની જે તે સમિતિમાં પ્રશ્ન ઉઠાવી શકે અને જો સત્ર ચાલુ હોય તો તે વિશે સંસદમાં પણ પ્રશ્ન ઉઠાવી શકે.”
4. સંસદીય સમિતિમાં ભાગ લેવો

ઇમેજ સ્રોત, Getty Images
સંસદસભ્યોના પ્રાથમિક કાર્યોમાંનું બીજું છે સંસદીય સમિતિઓમાં ભાગ ભજવવો.
સંસદસભ્યની ભૂમિકા શું છે તે સમજવા માટે અમે અમદાવાદ પશ્ચિમના ત્રણ વખતના સાંસદ કિરીટ સોલંકી સાથે વાત કરી. તેઓ કહે છે, "સંસદના દરેક સભ્ય એક કે તેથી વધુ સમિતીનો ભાગ હોય છે. જ્યારે સંસદ સત્ર નથી ચાલું હોતું તેનો અર્થ એ નથી કે સંસદના સભ્યો કામ કરી રહ્યા નથી. સભ્યો ત્યારે પણ આ સમિતિઓમાં બિલની તકનીકી બાબતોનો અભ્યાસ કરવા માટે મળે છે."
સંસદીય સમિતિઓ શું છે?
યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને એક વખત ટિપ્પણી કરી હતી કે, 'એ કેહવું ખોટું નહિ હોય કે કોંગ્રેસ સંસદના સત્રમાં પ્રદર્શન કરે છે, અને સમિતિ રૂમમાં ખરું કાર્ય કરે છે." આ નિવેદન સાર્વત્રિક હોવાનું જણાય છે.
સંસદીય સમિતિઓ રાજકીય પક્ષોના બંને ગૃહોના સાંસદોના નાનાં એકમો છે અને તેઓ સમગ્ર વર્ષ દરમિયાન કાર્ય કરે છે. સાંસદોના આ નાનાં જૂથો તમામ મંત્રાલયોનાં વિવિધ વિષયો, બિલો અને બજેટનો અભ્યાસ કરે છે અને તેની પર વિચાર-વિમર્શ કરે છે.
5 વર્ષમાં 17મી લોકસભાની 274 બેઠકો થઈ છે. આ કરતાં ઓછી બેઠકો ધરાવતી માત્ર ચાર લોકસભા રહી છે. સંસદસભ્યો માટે ગૃહમાં ચર્ચાઈ રહેલી બાબતોના ઊંડાણમાં જવા માટે આ બહુ ઓછો સમય છે.
આ સિવાય, સંસદ જટિલ બાબતો પર વિચાર વિમર્શ કરે છે અને તેથી આવી બાબતોને વધુ સારી રીતે સમજવા માટે તેને ટૅક્નિકલ કુશળતાની જરૂર હોય છે. સમિતિઓ એક ફોરમ પ્રદાન કરીને આમાં મદદ કરે છે જ્યાં સભ્યો તેમના અભ્યાસ દરમિયાન નિષ્ણાતો અને સરકારી અધિકારીઓ સાથે જોડાઈ શકે. તેથી સમિતિઓ રચવામાં આવે છે. સમિતિઓ આખા વર્ષ દરમિયાન મળતી હોવાથી, તેઓ ગૃહના ફ્લૉર પર ઉપલબ્ધ સમયના અભાવને ભરવામાં મદદ કરે છે.
ઉદાહરણ તરીકે, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ સમિતિએ સરોગસી (રેગ્યુલેશન) બિલ, 2016નો અભ્યાસ કર્યો હતો જે વ્યાપાર તરીકે થતી સરોગસીને પ્રતિબંધિત કરે છે, પરંતુ પરોપકારી સરોગસીને મંજૂરી આપે છે.
સાંસદો વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવતા હોવાથી, તેઓને સરોગસીની આસપાસની વિગતો જેમ કે પ્રજનન ક્ષમતાની સમસ્યાઓ, ગર્ભપાત અને સરોગસી ક્લિનિક્સના નિયમન વગેરેને સમજવાની કુશળતા ન હોય શકે.
તેમનો અહેવાલ પૂર્ણ કરતાં પહેલાં, સમિતિએ રાષ્ટ્રીય મહિલા આયોગ, ચિકિત્સકો અને સરકારી પ્રતિનિધિઓ સહિત વિવિધ સ્ત્રોતો પાસેથી સ્પષ્ટતા કરી હતી.
સમિતિની ભલામણો પર પ્રાપ્ત થયેલી પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે, સરકારે "ઍક્શન ટેકન" રિપોર્ટ રજૂ કરવો આવશ્યક છે.
સમિતિના અહેવાલો કાયદાકીય રીતે સરકારને બંધનકર્તા ન હોવાં છતાં પણ વહીવટી શાખા પર દેખરેખ જાળવવામાં સંસદને મદદ કરે છે.
જો કે, નિયમોમાં એવું જરૂરી નથી કે તમામ બિલોની સમિતિ દ્વારા તપાસ કરવામાં આવે. તેથી કેટલાંક બિલો તેની ટૅકનિકલ વિગતોની ચકાસણી કરતી સમિતિના ભલામણ વિના પસાર થાય છે.
તાજેતરમાં, સમિતિને મોકલવામાં આવતા બિલોની ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો છે.
17મી લોકસભામાં કેટલા બિલો સમિતિમાં આંકલન માટે ગયાં?

ઇમેજ સ્રોત, Getty Images
17મી લોકસભામાં, ફક્ત 16% બિલોને વિગતવાર ચકાસણી માટે સમિતિઓને મોકલવામાં આવ્યાં હતાં. આ આંકડો અગાઉની ત્રણ લોકસભાના અનુરૂપ આંકડા કરતાં ગણો નીચો છે.
ઘણા એવા મહત્ત્વના ખરડા છે જે સંસદીય સમિતિઓને મોકલ્યા વિના પસાર કરવામાં આવ્યા છે. તેમાંથી એક સપ્ટેમ્બર 2023 ના રોજ વિશેષ સત્રમાં પસાર થયેલ મહિલા અનામત બિલ છે.
કેટલાક વાર મતભેદને કારણે પણ ખરડાઓને સંસદીય સમિતિ ક્લિયર કરી શકતી નથી.
પરંતુ અમુક ખરડાનો સંસદીય સમિતિ દ્વારા પૂરતો સમય લઈને તેના પર અભ્યાસ કરવામાં આવે છે.
પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, 2019 પર સંયુક્ત સમિતિએ સૌથી લાંબો સમય લીધો, બે વર્ષથી વધુ સમય દરમિયાન 78 વખત સમિતિની બેઠકો મળી.
ઍન્ટિ-મેરિટાઈમ પાયરસી બિલ, 2019 અને ડીએનએ ટૅકનૉલૉજી રેગ્યુલેશન બિલ, 2019ની તપાસ કરતી સમિતિઓએ તેમના અહેવાલો રજૂ કરવામાં દોઢ વર્ષથી વધુ સમય લીધો હતો.
સરેરાશ, આ સમિતિઓએ બિલ પરના અહેવાલોને અંતિમ સ્વરૂપ આપવા માટે નવ બેઠકો યોજી હતી.
ફોજદારી કાયદાઓમાં સુધારા માટેના ત્રણ બિલોની 12 બેઠકોમાં એકસાથે તપાસ કરવામાં આવી હતી.
આનાથી આપણને પ્રશ્ન થાય કે શું બધી સમિતિઓનું મહત્વ એક સમાન છે? તો તેનો જવાબ ના છે.
તેઓ જે વિષયોને આવરી લે છે તેના મહત્ત્વ અનુસાર સમિતિઓની સ્થાપના કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, એડહોક સમિતિઓ, નાણાકીય સમિતિઓ, અન્ય સ્થાયી સમિતિઓ અને વિભાગીય સંબંધિત સ્થાયી સમિતિઓ(DRSCs).
ભારતમાં કૅબિનેટ સમિતિઓ એ મંત્રીઓની નાની સમિતિ છે જે વડા પ્રધાન દ્વારા ચોક્કસ કાર્યોનું સંચાલન કરવા અને કૅબિનેટ વતી નિર્ણયો લેવા માટે રચવામાં આવે છે. આ સમિતિઓ સરકારની કામગીરીમાં વિશેષ નિપુણતા પૂરી પાડીને, સંકલનની સુવિધા પૂરી પાડીને અને વિવિધ નીતિ વિષયક બાબતો પર નિર્ણય લેવાની પ્રક્રિયાને ઝડપી બનાવીને નિર્ણાયક ભૂમિકા ભજવે છે.












