કટોકટીનો એ સમયગાળો જ્યારે દેશમાં લાખો લોકોની નસબંધી કરી દેવામાં આવી

સંજય અને ઇંદિરા ગાંધી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

25 જૂન, 1975. તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ તત્કાલીન રાષ્ટ્રપતિ ફકરુદ્દિનઅલી અહમદ પાસે ભારતીય બંધારણના અનુચ્છેદ 352 લાગુ કરાવીને આંતરિક ગરબડના નામે કટોકટી લાગુ કરાવડાવી.

લોકોને તેની જાણ 26 જૂને થઈ જ્યારે ઇંદિરા ગાંધીએ તેની જાહેરાત રેડિયો પર કરી. કટોકટીને કારણે દેશના રાજકીય જીવનને ગંભીર અસર થઈ સાથે નસબંધી જેવા કાર્યક્રમોને કારણે સામાન્ય માનવીના જીવનમાં પણ ઊથલપાથલ સર્જાઈ.

21 મહિના સુધી દેશના નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવાયા સાથે સંજય ગાંધીના પાંચ-સૂત્રીય કાર્યક્રમનો પણ અમલ શરૂ થયો. આ પાંચ-સૂત્રીય કાર્યક્રમો પૈકી સૌથી વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ મુદ્દો હતો 'નસબંધી'નો.

જાણકારોનું માનવું છે કે જનતાના અધિકારો તો ઝૂંટવી લેવાયા જ પણ નસબંધી અભિયાનને કારણે દહેશત ફેલાઈ. નસબંધીથી પરિવારનિયોજનના ફાયદા લોકો સુધી પહોંચાડવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઈ અને તેની જગ્યાએ નસબંધી સામે ખોટી જાણકારી ધરાવતી અફવાઓ વધારે ફેલાઈ.

આઝાદી બાદ દેશમાં જનસંખ્યા વિસ્ફોટની સમસ્યાને પહોંચી વળવાનો ઇંદિરા ગાંધીની તત્કાલીન સરકાર સામે મોટો પડકાર હતો.

નસબંધી અભિયાનના લક્ષ્યાંકો અંગેનો નિર્ણય ઇંદિરા ગાંધી સરકારે જરૂર લીધો પરંતુ તેને લાગુ કરવાની જવાબદારી તેમના પુત્ર સંજય ગાંધીએ નિભાવી. સ્વભાવથી કડક અને નિર્ણય લેવામાં ફાયરબ્રાન્ડ મનાતા સંજય ગાંધી માટે આ તક એક લૉન્ચ પૅડ માફક હતી. આ પહેલાં સંજય ગાંધીનો રાજનીતિમાં કોઈ મુકામ હાંસલ નહોતું કર્યું. જોકે, નસબંધી લાગુ કરવા મામલે તેમણે જે કડકાઈ અપનાવી તેને કારણે આખા દેશમાં તેની ચર્ચા થઈ.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો
ઇમેજ કૅપ્શન, બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો

‘નસબંધી માટે બળજબરી કરાઈ’

કટોકટી દરમિયાન નસબંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કટોકટી પરિવારનિયોજનની સમજ આપી રહેલ કાર્યકર્તા

વસતિવિસ્ફોટની સમસ્યાને પહોંચી વળવા માટે ઇંદિરા ગાંધીનો 20 સૂત્રીય ઍજેન્ડા હતો પણ સંજય ગાંધીનો પાંચ સૂત્રીય ઍજેન્ડા ચર્ચામાં હતો.

આ પાંચ સૂત્રીય ઍજેન્ડામાં પરિવારનિયોજન, સફાઈ અને વનીકરણ, દહેજવિરોધી અભિયાન, જ્ઞાતિવાદની નાબૂદી અને સાક્ષરતા અભિયાન સામેલ હતાં.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, સંજય ગાંધીના મનમાં નસબંધીનો ખયાલ ક્યાંથી અને કેવી રીતે આવ્યો તે અંગે ઇતિહાસમાં સ્પષ્ટ મત નથી.

‘ધ જજમૅન્ટ- ઇનસાઇડ સ્ટોરી ઑફ ઇમર્જન્સી ઇન ઇન્ડિયા’ નામના પુસ્તકમાં દિવંગત વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયર લખે છે, "સંજય ગાંધી ફેમિલી પ્લાનિંગને ગમે તે પ્રકારે લાગુ કરવા પ્રતિબદ્ધ હતા. તમામ મુખ્ય મંત્રીઓ પણ સંજય ગાંધી અને ઇંદિરા ગાંધીને ખુશ કરવા માટે આ અભિયાનને લાગુ કરવા માટે હોડ લગાવતા જોવા મળ્યા. આ અભિયાનને લાગુ કરવા માટે કોઈ ઠોસ આયોજન કે વ્યવસ્થાપન નહોતું છતાં લક્ષ્યાંક હાંસલ કરવા માટે બળજબરી કરવામાં આવી."

નાયર ઉમેરે છે, "દિલ્હીનાં રૂખસાના સુલતાના નામનાં સુંદર મહિલાને ફેમિલી પ્લાનિંગ લાગુ કરવાની જવાબદારી સોંપવામાં આવી. જોકે તેમને આ માટે કોઈ અધિકારિક પદ આપવામાં આવ્યું નહોતું છતાં તેઓ પોલીસ ઍસ્કોર્ટ વચ્ચે શહેરોમાં ફરતાં અને ફેમિલી પ્લાનિંગનો પ્રચાર કરતાં."

કહેવાય છે કે કટોકટી સમયે પડદા પાછળની સત્તાની ધૂરા સંજય ગાંધી સંભાળતા હતા. સંજય ગાંધીએ રૂખસાનાને પુરાની દિલ્હીના વિસ્તારમાં પરિવારનિયોજન માટે કામ કરવા કહ્યું. આ વિસ્તારમાં તેઓ બેગમસાહિબા તરીકે ઓળખાતાં હતાં.

કટોકટી દરમિયાન નસબંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હાથી પર પરિવારનિયોજનનો પ્રચાર

રૂખસાના ઉચ્ચ-પરિવાર સાથે સંકળાયેલાં હતાં અને સંજય ગાંધીનાં પરમમિત્ર તરીકે રાજકીય વર્તુળમાં ચર્ચામાં હતાં. દિલ્હીના ઉચ્ચ અધિકારીઓ અને કૉંગ્રેસના નેતાઓ રૂખસાનાની ગૂડબુકમાં રહેવા માટે પ્રયાસ કરતા.

લેખક ડૉમ મૉરિસે ઇંદિરા ગાંધીના જીવન પર 'મિસિસ ગાંધી' નામનું પુસ્તક લખ્યું છે. જેમાં તેઓ નોંધે છે, "રૂખસાના જૂની દિલ્હીમાં સભાઓ માટે જતાં ત્યારે મુસ્લિમ મહિલાઓને બુરખા ત્યજીને પોતાને આઝાદ કરવાનું પણ કહેતાં. રૂખસાના મુસ્લિમ મહિલાઓને કહેતાં કે તેઓ પોતાના પતિઓને નસબંધીનું ઑપરેશન કરાવવા માટે પ્રોત્સાહિત કરે."

"એક મુસ્લિમ મહિલા દ્વારા અન્ય સ્ત્રીઓના ટોપબુરખા ઊંચા કરાવવામાં આવે અને પુરુષોની નસબંધીની વાત કરે તે જૂની દિલ્હીના રૂઢિચુસ્તોને પસંદ નહોતી."

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રૂખસાનાએ કટોકટી વખતે નસબંધીનાં 13 હજાર ઑપરેશનો કરાવડાવ્યાં હતાં. કેટલાક લેખકો આ આંકડો 8 હજારનો મૂકે છે. તેના માટે આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા રૂ. 84 હજારની રકમ ચૂકવવામાં આવી હોવાનું પણ પત્રકાર રશીદ કિદવઈ તેમના પુસ્તક ‘24 અકબર રોડ: અ શૉર્ટ હિસ્ટ્રી બિહાઇન્ડ ધી રાઇઝ ઍન્ડ ફૉલ’માં ઉલ્લેખ કરે છે.

કુલદીપ નાયર લખે છે, "આ નસબંધીઅભિયાન લાગુ કરવા માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ લક્ષ્યાંકો આપવામાં આવ્યાં હતાં. જો કોઈ અધિકારી તેને લાગુ ના કરી શકે તો તેનો પગારવધારો કે બઢતી રોકી દેવામાં આવતાં."

"દિલ્હીના પ્રશાસને જાહેરનામું બહાર પાડ્યું હતું કે જો સરકારી અધિકારી નસબંધીનું પ્રમાણપત્ર બતાવશે તો જ પગાર મળશે. દસ હજાર જેટલા શિક્ષકોને પાંચ-પાંચ વ્યક્તિઓને નસબંધી માટે તૈયાર કરાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો."

"સ્કૂલના પ્રિન્સિપાલોને આદેશ આપવામાં આવ્યો હતો કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ નસબંધીનું સર્ટિફિકેટ ના બતાડે તો જે-તે વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકવામાં આવે."

કુલદીપ નાયરના લખ્યા પ્રમાણે શહેરના મજૂરો નસબંધીના ડરથી ગામડે ભાગવા લાગ્યા હતા.

ઇંદિરા ગાંધીની નજીક રહેલાં પુપુલ જયકર તેમના પુસ્તક 'ઇંદિરા ગાંધી: એન ઇન્ટિમેટ બાયૉગ્રાફી'માં લખે છે, "આ અભિયાન માટે લોકોને તૈયાર કરવા કે સમજાવવાનો કાર્યક્રમ કરવાને બદલે સીધી કાર્યવાહીનું પરિણામ એ આવ્યું કે લોકો ગભરાવા લાગ્યા. લોકોને ભય લાગ્યો કે નસબંધીને કારણે તેઓ નંપુસક થઈ જશે."

"1976માં પરિવારનિયોજન અભિયાન તેની ટોચ પર હતું. ટાર્ગેટ સેટ કરવામાં આવતા તથા તેના રિવ્યૂ પણ થતા. દેશમાં આરોગ્યની એટલી સવલત નહોતી છતાં અશક્ય હોય તેવાં લક્ષ્યાંકો આપવામાં આવ્યાં હતાં. લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે રાજ્ય સરકારો પર સતત દબાણ કરવામાં આવતું હતું."

નસબંધીનો વિરોધ બન્યો હિંસક

કટોકટી દરમિયાન નસબંધી

ઇમેજ સ્રોત, PENGUINE BOOKS

ઇમેજ કૅપ્શન, રુખસાના સુલતાન

કુલદીપ નાયર લખે છે કે જુલાઈમાં આ અભિયાન શરૂ થયું એ બાદ 240 હિંસક બનાવો નોંધાયા હતા.

નાયરના જણાવ્યા પ્રમાણે જૂનમાં નસબંધીના ઑપરેશનની સંખ્યા પ્રતિ દિવસ 331 હતી, જે જુલાઈમાં વધીને 1578 થઈ અને ઑગસ્ટમાં તે વધીને 5644 થઈ ગઈ. આ આંકડા પરથી સમજાય છે કે આ અભિયાન કેટલી ઝડપથી ચલાવવામાં આવી રહ્યું હતું.

તેઓ આ વિશે લખે છે કે ઉંમરનો કોઈ બાધ નહોતો. પરિણીત હોય કે નહીં તે પણ જોવામાં આવતું નહોતું. દરમિયાન સુલતાનપુરમાં 27મી ઑગસ્ટ, 1975ના રોજ મોટો હિંસક બનાવ નોંધાયો. નાયરની નોંધ પ્રમાણે આ હિંસામાં પોલીસે કરેલા ગોળીબારમાં 13 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

તેઓ લોકોમાં વ્યાપેલા ભયને વર્ણવતા લખે છે, "નસબંધીના ભયને કારણે લોકો લપાતા છુપાતા ફરતા હતા."

મુઝફ્ફરનગરમાં 18 ઑક્ટોબર, 1975ના રોજ નસબંધીનો કૅમ્પ આયોજિત કરવામાં આવ્યો. આ કૅમ્પ વિશે નાયર લખે છે, "આ કૅમ્પના આયોજન માટે લોકોને ફાળો આપવા માટે આગ્રહ કરવામાં આવ્યો. જે ન આપે તેને મીસા ઍક્ટ હેઠળ જેલમાં પૂરી દેવાની ધમકી આપવામાં આવી."

"કૅમ્પને સફળ બનાવવા માટે લોકોને બસસ્ટૅન્ડ, રેલવેસ્ટેશન પરથી જબરજસ્તી ઉઠાવીને લાવવામાં આવ્યા. 18 આવા બળજબરીથી લવાયેલા લોકોને કારણે હિંસક વિરોધ કર્યો."

"સામે પોલીસે કરેલા ગોળીબારમાં 25 લોકોનાં મૃત્યુ થયાં. 8 લોકો ગુમ થયા. આ ઘટનાને લોકો મિની જલિયાંવાલાબાગ પણ કહે છે."

કટોકટી દરમિયાન નસબંધી

ઇમેજ સ્રોત, INDIA TODAY

ઇમેજ કૅપ્શન, તુર્કમાન ગેટ ખાતે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સમયની તસવીર

આ હિંસા બાદ શહેરમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો અને એનો ભંગ કરનારા વધુ ચાર લોકો પોલીસ ગોળીબારમાં માર્યા ગયા હોવાનો ઉલ્લેખ કુલદીપ નાયરે પુસ્તકમાં કર્યો છે.

અહીંથી 25 કિલોમીટર દૂર આવેલા એક ગામમાં પણ લોકોએ નસબંધીથી બચવા માટે મસ્જિદમાં આશરો લીધો હતો. અહીં પણ પોલીસ ફાયરિંગમાં ત્રણનાં મોત થયાં.

હરિયાણામાં પણ વિરોધ થયો. નાયર લખે છે કે "આ મામલે સૌથી વધુ દલિતો અને પછાત વર્ગના લોકોએ સહન કરવાનું આવ્યું. બિહારમાં આદિવાસીઓ પણ લક્ષ્યાંક બન્યાં."

"સૌથી મોટી ધમાલ દિલ્હી ખાતે તુર્કમાન ગેટ વિસ્તારમાં થઈ. અહીં પહેલાથી જ નસબંધીઅભિયાનને કારણે લોકોમાં રોષ હતો. ત્યાં 19મી એપ્રિલ, 1976ના રોજ ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું."

"લોકોએ વિરોધમાં પથ્થરમારો કર્યો. પોલીસે લાઠીચાર્જ કર્યો. 1000 જેટલાં ઘરો તોડી પાડવામાં આવ્યાં. આ હિંસામાં 150 લોકો માર્યા ગયા. 700 લોકોની ધરપકડ થઈ."

"સંચારબંધી એટલી કડક હતી કે બીજા દિવસે દિલ્હીના સમાચારપત્રોમાં આ ઘટના વિશે એક શબ્દ પણ લખાયો નહોતો."

જોકે, સરકારી રેકૉર્ડ પ્રમાણે 14 ગોળીઓ ચલાવવામાં આવી. 'દિલ્હી ડેવલપમેન્ટ ઑથોરિટી'ના અધિકારી જગમોહને પોતાના પુસ્તક 'આઇલૅન્ડ ઑફ ટ્રૂથ'માં લખ્યું છે કે ગોળીબારમાં 6 લોકોનાં મૃત્યુ થયાં હતાં. કટોકટીની તપાસ કરનાર શાહપંચે પણ દિલ્હી પોલીસે આપેલા આંકડામાં એટલી જ સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયાં હોવાનું નોંધ્યું છે.

ગુજરાતમાં કેટલા લોકોની નસબંધી કરાઈ?

કટોકટી દરમિયાન નસબંધી

ઇમેજ સ્રોત, NEHRU MEMORIAL LIBRARY

ઇમેજ કૅપ્શન, કટોકટી દરમિયાન સંજય ગાંધી પાસે સત્તાનાં સૂત્રો હોવાનો વ્યાપક મત

શાહપંચના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં વર્ષ 1975-76માં 1.82 લાખ લોકોની નસબંધી કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો અને એની સામે 1.53 લાખ લોકોની નસબંધી કરાઈ હતી.

1976-77માં આ લક્ષ્યાંક વધીને 2 લાખ કરવામાં આવ્યો અને તેની સામે 3.17 લાખ લોકોને નસબંધી કરી દેવાઈ હતી. આમ લક્ષ્યાંક કરતા લગભગ 50 ટકા વધારે લોકોની નસબંધી કરવામાં આવી.

આખા ભારતની વાત કરીએ તો 1975-76માં દેશમાં 24,85,000 લોકોને નસબંધી કરાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો તેની સામે 26,24,755 લોકોની નસબંધી કરાઈ હતી. જ્યારે કે 1976-77માં 42,55,500 લોકોની નસબંધી કરવાના લક્ષ્યાંકની સામે 81,32,209 લોકોની નસબંધી કરવામાં આવી હતી.

શાહપંચના અહેવાલ પ્રમાણે દેશમાં 548 જેટલા કુંવારા પુરુષોની નસબંધી કરી દેવાની ફરિયાદ મળી હતી. જે પૈકી પાંચ કિસ્સાઓ ગુજરાતમાં નોંધાયા હતા.

નસબંધી અને ત્યાર બાદ થયેલાં મૃત્યુના આંકડાની વાત કરીએ તો શાહપંચ પ્રમાણે 1774 કેસો મૃત્યુના નોંધાયા હતા, જે પૈકી 68 મૃત્યુ ગુજરાતમાં થયાં હોવાની ફરિયાદ શાહપંચ સમક્ષ થઈ હતી.

ગુજરાતમાં નસબંધી કરનારને 50 રૂપિયાની રોકડ સહાય આપવામાં આવતી હતી આ ઉપરાંત જે-તે કૅમ્પોમાં અલગથી ઇનામો પણ આપવામાં આવતા હતા.

યુથ કૉંગ્રેસ દ્વારા પણ નસબંધીના વિવિધ કૅમ્પો યોજવામાં આવતા હતા. કેટલીક જગ્યાએ આ કૅમ્પમાં નસબંધીનું ઑપરેશન કરાવનારા વ્યક્તિને વનસ્પતિ ઘીના ડબ્બા કે ઘડિયાળ પણ આપવામાં આવતાં.

શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ જો નસબંધી ના કરાવે તો મફતમાં પુસ્તકો કે સ્કોલરશિપનો લાભ મળતો નહોતો અને આ દરમિયાન સરકારી કર્મચારીઓ માટે ત્રણ સંતાનનો નિયમ પણ બન્યો હતો.

શાહપંચના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આરોગ્યવિભાગે જ સરકારી કર્મચારીઓ પૈકી 275 કર્મચારીઓનો પગારવધારો રોકી દીધો હતો અને 23ને દંડ ફટકારવામાં આવ્યો હતો.

કટોકટી વખતે જેલમાં જનારા પૈકીના 'સાધના' સાપ્તાહિકના તત્કાલીનતંત્રી વિષ્ણુ પંડ્યા પણ હતા.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, "ગુજરાતમાં ચાોતરફ દમનનું વાતાવરણ હતું. મોટા ભાગના નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. તે વખતે ગુજરાતમાં જનતા મોરચાની સરકાર હતી. શરૂઆતમાં તેણે કટોકટીના અમલનો સાફ ઇન્કાર કરી દીધો, જેથી ઇંદિરા ગાંધીએ તેમની સરકાર પાડી નાખી."

"ગુજરાતમાં 'લોકશાહી બચાવ સમિતિ' રચવામાં આવી. કટોકટી સામે આંદોલન શરૂ થયાં અને ગુજરાત દેશભરના ભૂગર્ભ ક્રાંતિકારીઓનું કેન્દ્ર બન્યું."

"એમાં નરેન્દ્ર મોદી અને જ્યૉર્જ ફર્નાન્ડિઝ પણ સામેલ હતા."

તેઓ ઉમેરે છે, "જનતા મોરચા સરકારના મંત્રી મકરંદ દેસાઈ ગમે તે પ્રકારે ઇંગ્લૅન્ડ પહોંચવામાં સફળ થયા. રામ જેઠમલાણી, સુબ્રહ્મણ્યમ સ્વામી, અંજલીબહેન પંડ્યા વગેરે નેતાઓએ વિદેશથી કટોકટીનો વિરોધ શરૂ કર્યો."

"વિદેશના લોકશાહીના હિતેચ્છુઓએ 'સત્ય સમાચાર' નામનું અખબાર શરૂ કર્યું."

કટોકટી દરમિયાન જેલમાં ગયેલા વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક પ્રકાશ ન. શાહ બીબીસી ગુજરાતીને જણાવે છે, "ગુજરાતમાં હિંસા અને ઘર્ષણની ઘટના ઘણી ઓછી હતી કારણકે જ્યારે કટોકટી લાગુ થઈ ત્યારે રાજ્યમાં મોરચા સરકાર હતી. શરૂઆતના 11 મહિના સુધી આ સરકાર હતી તેથી કટોકટીને લાગુ નહોતી થઈ."

"બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર પડ્યા બાદ ગુજરાતમાં ધરપકડનો સિલસિલો શરૂ થયો હતો, ગુજરાત બહાર યુપી-બિહાર જેવાં રાજ્યોમાં જે પ્રકારના દમનની વાતો થાય છે એવું ગુજરાતમાં નહોતું થયું."

ઇંદિરાની સરકાર ગઈ તેનું મુખ્ય કારણ હતું ‘નસબંધી’

કટોકટી દરમિયાન નસબંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 19મી જાન્યુઆરી, 1978ના રોજ કટોકટીમાં થયેલા કથિત અત્યાચારો અને કૌભાંડોની તપાસ કરવા માટે બનાવાયેલા જસ્ટિસ શાહપંચ દ્વારા દિલ્હીના પટિયાલા હાઉસમાં થયેલી તપાસમાંથી બાદ બહાર આવી રહેલાં ઇંદિરા ગાંધી

રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "સંજય ગાંધીએ જે ફરજિયાત નસબંધીની ઝુંબેશ ઉપાડી હતી અને જે રાજ્યોમાં લક્ષ્યાંકો આપવામાં આવ્યા હતા તે જ મુદ્દો કટોકટી હઠ્યા બાદ થયેલી ચૂંટણીમાં ઇંદિરાની હારનું કારણ બન્યો. વિવિધતા ધરાવતા આ દેશમાં કોઈ પણ બાબતે ફરજિયાતપણું ચાલતું નથી."

જોકે, કુલદીપ નાયર નોંધે છે કે "આ ઝુંબેશનું હકારાત્મક પરિણામ એ પણ આવ્યું કે ભારતનો જન્મદર ઘટ્યો. પહેલાં ભારતનો જન્મદર 2.4 ટકા હતો અને 1984માં ઘટીને 1.4 ટકા થઈ ગયો."

કટોકટી વખતે સામ્યવાદી પક્ષો સાથે જોડાયેલા કમલેશ ઓઝા બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે, "કટોકટીમાં જે નસબંધી જેવાં દમનો થયાં તે સિવાય જો ફાયદાની વાત કરીએ તો પ્રજામાં શિસ્તનો સંચાર થયો હતો. અનુશાસન તેનું જમા પાસું હતું."

"રાજકીય નેતાગીરી કે પોલીસતંત્રે કાયદાનો દુરુપયોગ કર્યો હોય તે વાત અલગ છે પણ કટોકટીએ પ્રજાને એક તાંતણે બાંધવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. આ સિવાય દેશમાં બીનકૉંગ્રેસી પક્ષોનું વાતાવરણ બનાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા હતી."

પુપુલ જયકર લખે છે, "ઇંદિરા ગાંધીને પાછળથી તેની ગંભીરતાનો અહેસાસ થયો પણ ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું. નવેમ્બર, 1976માં કેન્દ્ર સરકારે પરિવાર નિયોજન મામલે લેવાઈ રહેલા પગલાં પરત લેવાનું નક્કી કર્યું પરંતુ તે અંગેનો આદેશ ક્યાંય આપવામાં ન આવ્યો."

શાહપંચમાં ઇંદિરા ગાંધીના 22મી જાન્યુઆરી, 1976ના રોજ 31મી જોઇન્ટ કૉન્ફરન્સ ઑફ ઍસોસિયેશન ઑફ ફિઝીશિયન્સ ઑફ ઇન્ડિયાને સંબોઘનને ટાંકવામાં આવ્યું છે.

આ સંબોધનમાં ઇંદિરા ગાંધીએ નસબંધીના અભિયાનનો બચાવ કરતાં કહ્યું હતું, "જો આપણે 28 વર્ષ બાદ આપણા દેશની વસતિ બમણી થતી રોકવી હોય તો ઝડપથી જન્મદર ઘટાડવો પડશે."

"આપણે તેના માટે કડક પગલાં લેતાં અચકાવવું જોઈએ નહીં. કેટલાક અધિકારો કોરાણે મૂકવા પડશે. દેશના અધિકાર માટે, જીવવા માટે અને પ્રગતિ માટે."

જ્યારે ઇંદિરા ગાંધી કટોકટી હઠાવ્યા બાદ યોજાયેલી ચૂંટણી હાર્યાં ત્યારે રચાયેલી મોરારજી દેસાઈની મોરચા સરકારે કટોકટીની તપાસ માટે જસ્ટિસ શાહપંચ રચ્યું હતું.

સંજય ગાંધીએ દર ત્રણ દિવસે આ કમિશન સમક્ષ હાજર થવાનું આવતું હતું. મે, 1978માં સંજય ગાંધીને 30 દિવસ માટે તિહાડ જેલમાં જવું પડ્યું હતું.

બાદમાં મોરારજી દેસાઈની સરકાર ભાંગી પડી અને ચૌધરી ચરણસિંહની સરકાર રચાઈ. તે પણ પડી ભાંગી અને પછી જે ચૂંટણી યોજાઈ ત્યારે ઇંદિરા ગાંધીની વાપસી થઈ હતી.

ઇંદિરા ગાંધીએ કટોકટી મામલે રચાયેલા શાહપંચના અહેવાલને માનવાનો ઇન્કાર કરી દીધો હતો.

ઇંદિરા ગાંધીએ તે વખતે પત્રકારોને જણાવ્યું હતું કે શાહપંચના અહેવાલમાં સરકારે કશું ખોટું કર્યું હોય તેવું સાબિત થયું નથી.

નયનતારા સહેગલ તેમના પુસ્તક 'ઇંદિરા ગાંધી: હર રોડ ટુ પાવર'માં લખે છે, "ઑક્ટોબર, 1975માં કટોકટીકાળ દરમિયાન ઇંદિરા ગાંધીએ બે ઇન્ટરવ્યૂ આપ્યાં હતાં. 'નૉર્થ જર્મન ટેલિવિઝ'નને ત્રીજી ઑક્ટોબરના રોજ આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે 'એક ટોળકી દ્વારા દેશને ચલાવવામાં આવી રહ્યો છે તેવા અહેવાલો સદંતર ખોટા છે.' બીજો ઇન્ટરવ્યૂ તેમણે 12 ઑક્ટોબરના રોજ 'સન ડે ટેલીગ્રાફ'ને આપ્યો હતો. તેમાં તેમણે કહ્યું હતું કે 'તેમના અને તેમના પરિવારને બદનામ કરવાનું આંતરરાષ્ટ્રીય ષડ્યંત્ર ઘડાયું છે."

વિષ્ણુ પંડ્યા આ મામલે કહે છે, "શાહ કમિશનના અહેવાલ પર કોઈ પગલાં લેવાયાં નહીં. આમ પણ ક્યાં કોઈ પંચના અહેવાલ પર પગલાં લેવાય છે? બસ આ પ્રકારના અહેવાલો દસ્તાવેજ બનીને રહી જાય છે."