ઉદ્યોગોમાં અગ્રેસર ગુજરાતમાં જંગલો ઘટીને માત્ર 9 ટકા જ કેમ થઈ ગયાં?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઋષિ બેનરજી
- પદ, બીબીસી સંવાદદાતા
ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તાર ધરાવતાં ગુજરાતમાં જંગલ વિસ્તારમાં સતત ઘટાડો એક ચિંતાનો વિષય બની ગયો છે. હાલમાં જ વન વિભાગના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે ગુજરાતમાં દસ ટકા કરતાં પણ ઓછો જંગલ વિસ્તાર છે.
વન વિભાગની વિવિધ યોજનાઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારની સ્કીમો અને જનભાગીદારી દ્વારા જંગલના રક્ષણની વાતો વચ્ચે વાસ્તવિકતા એકદમ અલગ છે. ભૌગોલિક રીતે સમુદ્ધ અને સારો વરસાદ પડતો હોવા છતાં છેલ્લાં લાંબા સમયથી રાજ્યમાં વન વિસ્તાર પર દબાણ છે. વન વિભાગના રિપોર્ટ અનુસાર ગુજરાતના 17 જિલ્લાઓમાં જંગલો ઘટ્યા છે.
જંગલો અને વૃક્ષો માટે વિવિધ યોજનાઓ હોવા છતાં પરિણામ નહીં આવતા તેની સીધી અસર વૃક્ષોની સંખ્યા પર પડી રહી છે. અત્રે નોંધનીય છે કે વન વિસ્તાર અને જૈવ વિવિધતામાં ગુજરાત પાડોશી રાજ્યો મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રથી પણ ખાસ્સું પાછળ છે. હવે ગુજરાતમાં જંગલ વિસ્તાર નવ ટકામાં કેમ સમેટાઇ ગયો તે જાણવાનો બીબીસીએ પ્રયાસ કર્યો છે.
શું છે ગુજરાતની સ્થિતિ?

ઇમેજ સ્રોત, GUJARAT FOREST DEPARTMENT
ગુજરાતમાં જંગલ વિસ્તાર હવે 10 ટકા કરતાં પણ ઓછો થઈ ગયો છે. ગુજરાત વન વિભાગના વાર્ષિક અહેવાલ ગુજરાત ફૉરેસ્ટ સ્ટેટિસ્ટિ્ક્સ 2022-23 પ્રમાણે ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના માત્ર 9.05 ટકા વિસ્તારમાં જંગલ છે.
ગુજરાતનું કુલ ક્ષેત્રફળ એક લાખ 96 હજાર 244 ચોરસ કિલોમીટર છે, જેમાં 14 હજાર 926 ચોરસ કિલોમીટરમાં સંરક્ષિત જંગલ વિસ્તાર છે. રાજ્યમાં 378 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગાઢ જંગલો છે, પાંચ હજાર 032 ચોરસ કિલોમીટર વિસ્તારમાં મધ્યમ ગાઢ જંગલો અને નવ હજાર 516 ચોરસ કિલોમીટર વિસ્તારમાં અન્ય જંગલ વિસ્તારો છે.
બે હજાર 828 ચોરસ કિલોમીટરનો વિસ્તાર એવો છે જ્યાં મર્યાદિત સંખ્યામાં વૃક્ષો છે. રાજ્યના કુલ વિસ્તારનો આ 1.44 ટકા છે.
રાજ્યમાં પાંચ હજાર 489 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિવિધ વૃક્ષો છે, જે રાજ્યના કુલ વિસ્તારનો 2.80 ટકા છે. પરંતુ આ જંગલ વિસ્તારો નથી. આ વૃક્ષો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં છે. અત્રે નોંધનીય છે કે રાજ્યમાં ‘ટ્રી કવર’ એટલે કે વૃક્ષોની ધરાવતા વિસ્તારની ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2019માં કરવામાં આવેલી ગણતરીમાં રાજ્યના કુલ ક્ષેત્રફળના 3.52 ટકા વિસ્તારમાં ‘ટ્રી કવર’ હતું જે હવે વર્ષ 2021માં 2.80 ટકા પર આવી ગયું છે.
રાજ્યના 13 જિલ્લાઓમાં પાંચ ટકા કરતાં પણ ઓછો જંગલ વિસ્તાર છે. અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લાઓમાં શહેરીકરણના કારણે જંગલ વિસ્તાર ઝડપથી ઘટી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, જૂનાગઢ અને વલસાડ જિલ્લાઓ જ એવાં છે જ્યાં કુલ ક્ષેત્રફળના 25 ટકા કરતા વધુ વિસ્તારમાં જંગલો છે.
ફૉરેસ્ટ સ્ટેટિસ્ટિ્ક્સ 2022-23 અનુસાર નાણાકિય વર્ષ 2022-23માં રાજ્યમાં 1291 હેક્ટર જંગલ વિસ્તાર વિવિધ હેતુઓ માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો.,જેમાં સૌથી વધુ 944.76 હેક્ટર જંગલની જમીન રસ્તા, ટ્રાન્સમિશન લાઇન્સ અને અન્ય વિકાસ કામો માટે ઉપયોગમાં લેવામાં આવી છે. ઉદ્યોગોને 45.9 હેક્ટર જમીન આપવામાં આવી છે અને અન્ય હેતુઓ માટે 88.93 હેક્ટર જંગલ વિસ્તારની જમીન આપવામાં આવી છે. સિંચાઇ માટે 212.26 જંગલ વિસ્તારની જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ગુજરાતનું કુલ ક્ષેત્રફળ એક લાખ 96 હજાર 244 ચોરસ કિલોમીટર છે, જેમાં 17 હજાર 754 ચોરસ કિલોમીટરમાં જંગલ વિસ્તાર છે.
- રિઝર્વ ફૉરેસ્ટ – 14 હજાર 926 ચોરસ કિલોમીટર વિસ્તાર
- સંરક્ષિત ફૉરેસ્ટ – બે હજાર 828 ચોરસ કિલોમીટર વિસ્તાર
નેશનલ ફૉરેસ્ટ પૉલિસી પ્રમાણે 33 ટકા જંગલ હોવાં જોઈએ

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં 9.05 ટકા જંગલ વિસ્તાર છે, પરંતુ આ વિસ્તાર રાષ્ટ્રીય સરેરાશ કરતાં બહુ ઓછો છે. વર્ષ 1988માં ધ નેશનલ ફૉરેસ્ટ પૉલિસી(એનએફપી) બની હતી, જેમાં ટાર્ગેટ મૂકવામાં આવ્યો હતો કે ભારતનાં 33 ટકા જમીનમાં જંગલ વિસ્તાર હશે અથવા તો વૃક્ષો હશે. આ માટે રાજ્યોને પણ વિશેષ સૂચનો કરવામાં આવ્યાં હતાં.
તેની પાછળનો હેતુ પર્યાવરણની સ્થિરતા, દેશના કુદરતી વારસાનું સંરક્ષણ, જમીનના ધોવાણ અને રણીકરણને અટકાવવું અને સાથે જંગલ વિસ્તારનો વ્યાપ વધારવાનો હતો.
તદુપરાંત અન્ય હેતુઓ આ પ્રમાણે છે.
- પર્યાવરણીય સંતુલન પુનઃસ્થાપિત કરવું
- નોંધપાત્ર રીતે જંગલ/વૃક્ષના આવરણમાં વધારો
- બળતણ માટેનાં લાકડાં, ઘાસચારો અને અન્ય લાકડાંની જરૂરિયાતો પૂરી કરવી
- જંગલોની ઉત્પાદકતામાં વધારો કરવો
- વન પેદાશોના કાર્યક્ષમ ઉપયોગને પ્રોત્સાહિત કરવો
- જંગલો વિશેની જાગૃતિ માટે લોકચળવળ ચલાવવી
ફૉરેસ્ટ પૉલિસી ઍન્ડ લેજિસ્લેટિવ ફ્રેમવર્કના રિપોર્ટ અનુસાર જંગલો વધે તે માટે 16 રાજ્યોમાં 33 પ્રોજેક્ટસ પર કામ થયું છે પરંતુ હજી ઘણું કરવાનું બાકી છે. આ મામલામાં ગુજરાતમાં પણ જોઈએ એવી પ્રગતિ થઈ નથી. તેની પાછળનું કારણ છે કે જંગલો અને વૃક્ષોના વ્યાપ વધારવા માટેની જે કાર્યવાહી છે તે એટલી ઝડપી નથી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 33 ટકા જંગલ વિસ્તારનું લક્ષ્ય હાંસલ કરવા માટે દર વર્ષે 4 મિલીયન વૃક્ષો પ્રતિ હેક્ટર જમીનમાં વાવવા પડશે. પરંતુ હાલમાં 1.32 મિલીયન હેક્ટર જમીનમાં જ આ પ્રકારનું કામ થઈ રહ્યું છે. ઘણાં રાજ્યોમાં આ માટે ગંભીરતાથી પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં નથી.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
પ્રયાસ છતાં જંગલ વિસ્તારમાં વધારો કેમ થતો નથી?

ઇમેજ સ્રોત, AMITABH THAKUR
રાજ્ય સરકાર જંગલ વિસ્તાર વધે તે માટે વિવિધ યોજનાઓ ચાલવે છે અને વન વિભાગને દર વર્ષે સારું એવું ફંડ પણ ફાળવે છે. નાણાકિય વર્ષ 2022-23માં ગુજરાત સરકારે વન વિભાગને 1767.24 કરોડ રૂપિયા બજેટની ફાળવણી કરી હતી. પોતાના રિપોર્ટમાં વન વિભાગે માહિતી આપી છે કે જે બજેટ ફાળવવામાં આવ્યું હતું તેમાથી 1624.15 કરોડ રૂપિયાનો જ ખર્ચ થયો છે.
વન વિભાગ સામાજિક વનીકરણ, વૃક્ષારોપણ, મનરેગા, ટ્રાયબલ સબપ્લાન સહિત વિવિધ યોજનાઓ ચલાવે છે જેનો હેતુ જંગલ વિસ્તારની રક્ષા અને જંગલ પર નભતા લોકોનું હિત હોય છે. પરંતુ વર્ષોથી ચાલતા કાર્યક્રમો હોવા છતાં રાજ્યમાં જંગલ વિસ્તારમાં જોઈએ એવો વધારો કેમ થયો નથી?
પર્યાવરણ માટે કામ કરતા મહેશ પંડ્યા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે, "તેને માટેનાં ઘણાં કારણો છે પરંતુ મુખ્ય છે જંગલોમાં દબાણ, વૃક્ષારોપણ માટે ઉદાસીનતા, વિવિધ હેતુસર જંગલની જમીન આપવી અને વનીકરણ માટેના અપૂરતાં પ્રયાસો. છેલ્લા કેટલાય વર્ષોમાં મોટા પાયે જંગલની જમીનો ઉદ્યોગોને આપી દેવામાં આવી છે અને જંગલમાં જે દબાણ થયું છે તેને નિયમિત કરવામાં આવે છે."
"છેલ્લા ત્રણ વર્ષમાં 1999 હેક્ટર જંગલ જમીન વિવિધ હેતુઓ માટે ફાળવવામાં આવી છે. વિકાસનાં કામો માટે માત્ર ગાંધીનગરમાં જ છેલ્લાં બે વર્ષોમાં 14 હજાર 272 વૃક્ષો કાપવામાં આવ્યાં છે. આ બધાની સીધી અસર રાજ્યનાં જંગલો પર પડી છે. વન વિભાગ દર વર્ષે સામાજિક વનીકરણનો કાર્યક્રમ કરે છે પરંતુ છોડ વાવી દીધાં બાદ તે વૃક્ષ બને કે નહીં તેની તકેદારી રાખતું નથી."
નિષ્ણાતો અનુસાર જંગલ વિસ્તારની ફેન્સિંગ, ડીમાર્કેશન અને દવ સંરક્ષણ માટે જોઈએ તેવા પ્રયાસ કરવામાં આવતા નથી. જંગલોમાં દબાણ થતું અટકાવવા માટે કોઈ પ્રયાસ થતાં નથી.
પર્યાવરણ માટે કામ કરતા એમ. એસ. શેખ કહે છે, "ગુજરાતમાં આદિવાસી વિસ્તારો સિવાય કોઈ મોટો વન વિસ્તાર નથી. રાજ્યનો વન વિભાગ આ પ્રકારનો જંગલ વિસ્તાર વિકસાવી શક્યો નથી. આજે ગુજરાતમાં જે જંગલો છે તેમાં કોઈ જૈવ વિવિધતા નથી. માત્ર જંગલી બાવળ અને નીલગીરીનાં વૃક્ષો છે. રાજ્યના દરિયાઇ વિસ્તારોમાં જંગલો છે ત્યાં પણ મોટાપાયે દબાણ થયું છે."
તેઓ વધુમાં જણાવે છે કે છેલ્લાં ચાર વર્ષમાં ગુજરાતમાં જંગલોમાં આગ લાગવાની 3500થી વધુ ઘટના ઘટી છે, જેના કારણે પણ વન વિસ્તારમાં ઘટાડો થયો છે.
શું કોઇ રસ્તો છે? આ સવાલના જવાબમાં તેઓ કહે છે, "જો વન વિભાગ લોકોને સાથે લઇને વનીકરણ કરે તો લાભ થઈ શકે છે. વન વિભાગને જરૂર છે કે તે લોકોને પડતર જમીન વૃક્ષારોપણ માટે આપે અને દર મહિને તેનું મોનિટરીંગ કરે. રાજ્યના ઘણા તાલુકાઓમાં તેનાથી વૃક્ષોની સંખ્યામાં વધારો થશે."
વૃક્ષોમાં ઘટાડાથી થતી અસર

ઇમેજ સ્રોત, Getty Images
વૃક્ષોની સંખ્યામાં થઇ રહેલા ઘટાડાની વ્યાપક અસર થઈ રહી છે કારણકે સરેરાશ તાપમાન વધી રહ્યું છે અને જળવાયુ પરિવર્તનની અસર પણ તીવ્ર બની રહી છે.
હાલમાં જ આઈઆઈટી ભુવનેશ્વર સ્કૂલ ઑફ અર્થ, ઑશન અને ક્લાઇમેટ સાયન્સના વી. વિનોજ અને સૌમ્યા સત્યકાંતા સેઠી દ્વારા "ભારતીય શહેરોનું શહેરીકરણ અને પ્રાદેશિક જળવાયું પરિવર્તન-સંબંધિત વૉર્મિંગ" પર એક અભ્યાસ કરવામાં આવ્યો છે અને આ સંશોધન 'નેચર સિટી'માં પ્રકાશિત થયું છે.
સંશોધન એ જ સૂચવે છે કે સમગ્ર દેશમાં અમદાવાદમાં રાતના સમયનું તાપમાન દર દાયકામાં 1.06 ડિગ્રી વધ્યું છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે.
અભ્યાસ પ્રમાણે વૃક્ષોનાં આવરણની ખોટ તેની પાછળનું મુખ્ય કારણ છે. વૃક્ષો ઘટવાને કારણે વિસ્તાર ગરમ રહે છે. વૃક્ષો પ્રકાશસંશ્લેષણ દ્વારા ભેજ છોડે છે અને વાતાવરણને ઠંડું રાખે છે. પરંતુ જયારે છોડ ઘટે છે ત્યારે આ પ્રક્રિયા પણ ઓછી થઈ જાય છે.
અમદાવાદ સ્થિત પર્યાવરણ મિત્ર સંસ્થાના નિયામક મહેશ પંડ્યા કહે છે, "તાપમાન વધવાનું મુખ્ય કારણ એ છે કે વૃક્ષો ઘટી ગયાં છે. તે જાણીતી હકીકત છે કે વૃક્ષોનો કોઈ વિકલ્પ નથી. તાપમાન ઘટાડવા માટે વૃક્ષો રોપવાં ખૂબ જ જરૂરી છે."
શહેરી વિસ્તારોમાં લીલાં વૃક્ષો વધારવાની પહેલમાં, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે શરૂ કરેલી નગરવન યોજના હેઠળ વર્ષ 2020 થી 2024 ગુજરાતમાં 178.5 હેક્ટર વિસ્તારમાં 10 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.
વન વિભાગના સામાજિક વનીકરણના વડા એ.પી. સિંહ કહે છે કે, "વન વિભાગે નગર વન યોજના હેઠળ 10 જિલ્લામાં નગરવન અને નગરવાટિકાઓ બનાવ્યાં છે. જેથી મોટાં શહેરોમાં હરિયાળી વધે. આ યોજનામાં 10 હેક્ટરથી વધુ વિસ્તારના ઉદ્યાનોને નગરવન અને 10 હેક્ટરથી નાના વિસ્તારને નગરવાટિકા કહેવામાં આવે છે."
"આ સિવાય પણ વન વિભાગ દ્વારા અર્બન ફૉરેસ્ટ (વન) યોજના અંતર્ગત એક હેક્ટરના વિસ્તારમાં 16 જિલ્લામાં 25 લાખના ખર્ચે અર્બન ફૉરેસ્ટ બનાવવામાં આવ્યાં છે."
વૃક્ષો વધે તે માટે પ્રયાસો
રાજ્યના વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મૂળુ બેરા કહે છે કે રાજ્યમાં વન વિસ્તાર વધે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, "રાજ્યમાં જંગલ વિસ્તાર વધે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. અમે એનજીઓને સાથે લઇને વૃક્ષોની સંખ્યા વધે અને જંગલ વિસ્તારમાં વધારો થાય તે દિશામાં કામ કરીશું. સરકાર આ મુદ્દે ગંભીર છે અને જરૂરી પગલાં લઈ રહી છે.’’












