ગુજરાતમાં ગરમી રાત્રે પણ ઓછી કેમ નથી થતી?

રાતનું વધતું તાપમાન
    • લેેખક, રુચિતા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"હું નાની હતી ત્યારે અમારા ઘરે પંખા પણ નહોતા. અમે ઉનાળામાં ઘરની ઓસરીમાં પથારી કરીને ઊંઘી જતાં. હું સાડી ભીની કરીને ઊંઘી જતી. એ મારું એસી. વહેતા પવનમાં ભીના કપડાથી ટાઢક મળે."

આ શબ્દ છે 74 વર્ષનાં સવિતાબેન સોલંકીના. તેઓ સાઠના દાયકાના ઉનાળાની વાત કરી રહ્યાં હતાં. સવિતાબેન અમદાવાદમાં રહે છે અને તેમણે આખું જીવન અમદાવાદમાં જ વિતાવ્યું છે.

જ્યારે બીબીસીએ તેમને પૂછ્યું કે છ દાયકા પહેલાં ઉનાળાની રાતો કેટલી ગરમ હતી, ત્યારે તેઓ તેમની યાદોમાં ખોવાઈ જાય છે.

તે કહે છે કે, "અમે કદી 40 ડિગ્રીથી ઉપર તાપમાન તો સાંભળ્યું જ નહોતું. ગરમી પણ સહન થઈ શકે તેટલી જ. ત્યારે અમારે પંખા નહોતા અને આજે મને રાતે એસી વગર ઊંઘ નથી આવતી."

આવું જ કંઈ કહેવું છે અમદાવાદનાં 79 વર્ષીય કાન્તાબહેનનું. તે કહે છે, "ત્યારે અમારા ઘરની છત નળિયાંની હતી. અમારા ઘરે પંખા તો હતા નહીં. પરંતુ 10- 11 વાગ્યા સુધીમાં તો અમારા ઘરના નળિયાં ઠંડા થઈ જતાં. ઉનાળો હોય તો'ય રાતે તો ઠંડક થઈ જ જતી. આજ જેવું નહીં કે રાતે પણ પરસેવો થાય. એ સમયે આખો દિવસ ભલે ગરમ રહેતો પણ રાતે તો ઠંડો-ઠંડો પવન આવતો હતો."

"અમે આજે પણ આજ ઘરમાં રહીએ છીએ. બસ નળિયાંના બદલે પતરાં આવી ગયાં છે. આ પતરાંમાં ઊંઘ આવવી મુશ્કેલ છે. હવે તો રાતે ઠંડો પવન પણ નથી વાતો."

"આજની ગરમીએ તો અમારું જીવન મુશ્કેલ કરી દીધું છે."

અડધી સદી પહેલાંના ઉનાળામાં ઠંડકનો અનુભવ કરાવતી રાતોનાં સ્મરણો સૂચવે છે કે ભૂતકાળમાં ઉનાળાની રાતો 2024માં અનુભવાયેલી રાતો જેટલી ગરમ નહોતી.

આઈઆઈટી ભુવનેશ્વર દ્વારા કરવામાં આવેલું તાજેતરનું સંશોધન એ જ સૂચવે છે કે સમગ્ર દેશમાં અમદાવાદમાં રાતના સમયનું તાપમાન દર દાયકામાં 1.06 ડિગ્રી વધ્યું છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે.

આ સાથે જ, ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજસ્થાન અને ગુજરાતમાં મે મહિનામાં 9 થી 12 દિવસ હીટવેવનો અનુભવ થયો છે, જેમાં તાપમાન 45 થી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. આ વાત આઈએમડીના વડા મૃત્યુંજય મહાપાત્રાએ વર્ચ્યુઅલ પ્રેસ કૉન્ફરન્સમાં કહી હતી.

બીબીસી ન્યૂઝ ગુજરાતી વૉટ્સઍપ ચેનલ

રિસર્ચ પેપરમાં શું જાણવા મળ્યું છે?

રાત્રે કેમ ગરમી વધી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં રાતના તાપમાનમાં દર દાયકામાં 1.06 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. (પ્રતીકાત્મક તસવીર)

આ અભ્યાસનો ધ્યેય છેલ્લાં 20 વર્ષ (2003-2020) દરમિયાન રાતના તાપમાનમાં કેટલો વધારો થયો છે, તે માટે સ્થાનિક જળવાયું પરિવર્તન અને શહેરીકરણના સંબંધિત યોગદાનને માપવાનો હતો.

સંશોધન "ભારતીય શહેરોનું શહેરીકરણ અને પ્રાદેશિક જળવાયું પરિવર્તન-સંબંધિત વૉર્મિંગ" આઈઆઈટી ભુવનેશ્વર સ્કૂલ ઑફ અર્થ, ઑશન અને ક્લાઇમેટ સાયન્સના વી. વિનોજ અને સૌમ્યા સત્યકાંતા સેઠી દ્વારા કરવામાં આવ્યું છે અને નેચર સિટીમાં પ્રકાશિત થયું છે.

આ અભ્યાસ સૂચવે છે કે શહેરીકરણને કારણે 141 ભારતીય શહેરોમાં તેમની આસપાસના ગ્રામીણ વિસ્તારોની તુલનામાં રાતનું તાપમાન લગભગ 60 ટકા જેટલું વધ્યું છે.

આ અભ્યાસ એ પણ દર્શાવે છે કે શહેરોમાં સરેરાશ 37.73 ટકા વધારાનું તાપમાન શહેરીકરણને કારણે છે. આનો અર્થ એ છે કે શહેરો આસપાસના ગ્રામીણ વિસ્તારો કરતાં આશરે 60 ટકા વધુ ગરમ છે.

તેઓએ 2003 અને 2020 ની વચ્ચે ભારતનાં 141 શહેરોના સેટેલાઇટ ડેટાનું વિશ્લેષણ કર્યું અને જાણવા મળ્યું કે અમદાવાદ એ શહેરોની યાદીમાં ટોચ પર છે કે જ્યાં દર દાયકામાં 1.06 ડિગ્રી સેલ્સિયસ રાતના સમયે સૌથી વધુ તાપમાનમાં વધારો થયો છે.

અર્બન હીટ આઇલેન્ડ, ગરમ રાતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં રાતનું તાપમાન વધતું જઈ રહ્યું છે. (પ્રતીકાત્મક તસ્વીર)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાજકોટ દર દાયકામાં રાતના તાપમાનમાં 0.94 ડિગ્રી સેલ્સિયસના વધારા સાથે ત્રીજા ક્રમે છે, વડોદરા 0.73 ડિગ્રી સેલ્સિયસ સાથે 13મા ક્રમે અને સુરત 0.68 ડિગ્રી સેલ્સિયસ સાથે 16મા ક્રમે છે.

2003 અને 2020 ની વચ્ચેના દરેક દાયકા દરમિયાન, અમદાવાદ, જયપુર, રાજકોટ, દિલ્હી, પુણે, લખનઉ, આગ્રા, બેંગલુરુ, નાસિક, હૈદરાબાદમાં શહેરીકરણને કારણે સૌથી વધુ ગરમીનો અનુભવ થયો હતો.

જ્યારે, 2003 અને 2020 ની વચ્ચે પુણે, રાયપુર, જયપુર, અમદાવાદ, પટના, નાસિક, લુધિયાણા, લખનઉ, બેંગલુરુ અને વડોદરામાં સાપેક્ષ શહેરી અસર (પ્રાદેશિક પરિબળોનાં યોગદાન સાથે)ને કારણે વધુ ગરમી જોવા મળી હતી.

અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે શહેરીકરણ અને તેના કારણે વધેલી ઊર્જાની માંગના કારણે ગ્રીનહાઉસ વાયુઓનું વધુ ઉત્સર્જન થયું, જે જળવાયુ પરિવર્તનમાં ફાળો આપે છે.

પરંતુ આઈઆઈટી ગાંધીનગરના સિવિલ એન્જિનિયરિંગ અને અર્થ સાયન્સના અધ્યક્ષ વિમલ મિશ્રા આ સંશોધનનાં પરિણામો સાથે અસંમત છે. પ્રોફેસર વિમલ કહે છે કે, "હું આ સંશોધનની માહિતીના અર્થઘટન પર સંપૂર્ણરીતે નિર્ભર નહીં રહું. તેનું કારણ એ છે કે, તેઓએ હવાનું તાપમાન ગણતરીમાં લીધું નહોતું. શહેરી વિસ્તારોમાં તાપમાન પર શહેરીકરણની અસર સમજવા માટે, હવાનું તાપમાન સમજવું જરૂરી છે. અન્યથા તે ભ્રામક નિષ્કર્ષ આપશે."

તે આગળ કહે છે કે, જળવાયું પરિવર્તન સપાટીનાં તાપમાનને બદલે હવાનાં તાપમાનથી વધારે પ્રભાવિત થાય છે.

રાતનું તાપમાન વધવાનાં કારણો શું છે?

રાત્રે કેમ ગરમી વધી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કાચની ઇમારત સૂર્યપ્રકાશ પરાવર્તિત કરે છે અને ગરમી વધે છે. (પ્રતીકાત્મક તસવીર)

આ સંશોધન સૂચવે છે કે તાપમાન વધવામાં મુખ્ય ફાળો અર્બન હીટ આઇલૅન્ડ નામની અસરનો છે. આ અસરમાં એક નાની જગ્યામાં અતિશય ગરમ હોય છે અને આ જગ્યા તેની આજુબાજુના વિસ્તાર કરતાં ખૂબ જ ગરમ હોય છે.

અર્બન હીટ આઇલૅન્ડ મોટાં શહેરોમાં બને છે, એવી જગ્યાઓ કે જ્યાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય અને ઘણા બધા લોકો હોય.

શહેરોનું તેમના આસપાસના વિસ્તારો કરતાં વધુ ગરમ થવાનાં ઘણાં કારણો છે.

જમીનની હવા ગરમ થવાનું એક અગત્યનું કારણ છે ડામર અને કૉંક્રિટ, જેનો ઉપયોગ રસ્તા અને બિલ્ડિંગ બનાવવા માટે થાય છે.

આ પદાર્થો ગરમીને શોષે છે. કૉંક્રિટ ગરમીને ઝડપથી શોષી લે છે, તેથી ગરમી લાંબા સમય સુધી તેમાં ફસાયેલી રહે છે. આથી આસપાસનું વાતાવરણ વધુ ગરમ બને છે.

ઉપરાંત, રસ્તાઓ, ફૂટપાથ જેવી મોટી નક્કર કૉંક્રિટની સપાટી, પાણીને જમીનમાં સમાઈ જતા અટકાવે છે અને સપાટીના તાપમાનમાં વધારો કરે છે.

બીજું કારણ વૃક્ષોનાં આવરણની ખોટ છે. વૃક્ષો ઘટવાને કારણે વિસ્તાર ગરમ રહે છે. વૃક્ષો પ્રકાશસંશ્લેષણ દ્વારા ભેજ છોડે છે અને વાતાવરણને ઠંડું રાખે છે. પરંતુ જયારે છોડ ઓછા થઈ જાય છે ત્યારે આ પ્રક્રિયા પણ ઓછી થઈ જાય છે.

અર્બન હીટ આઇલૅન્ડના કારણે શહેરોની હવાની ગુણવત્તામાં ઘટાડો થયો છે. ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરમાં ઔદ્યોગિક અને ઑટોમોબાઇલથી જે ખૂબ જ મોટી માત્રામાં રજકણો અને ધૂળ નીકળે છે. જેના કારણે ગરમ હવા સપાટી પર રહે છે અને તે ગરમ હવાને વાતાવરણની બહાર જવા નથી દેતી. તે સપાટી પર રહે છે અને તેથી ગરમી વધે છે.

ઊંચી ઇમારતોમાં એવી સપાટીઓ છે જે સૂર્યપ્રકાશમાંથી ગરમીને પરાવર્તિત કરે છે, જેનાથી આજુબાજુની જગ્યામાં ગરમીનો અહેસાસ થાય છે.

આ ઉપરાંત, જ્યારે નજીક-નજીકમાં ઊંચી ઇમારતો હોય છે, ત્યારે તે હવાના પ્રવાહ અને પવનમાં અવરોધો તરીકે કામ કરે છે, જે સંવહન દ્વારા ઠંડકને અવરોધે છે.

ભારતના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન અનુસાર, ગરમીનો એક અગત્યનો સ્રોત લોકો છે. પછી ભલે તે કાર ચલાવતા હોય કે એસી કે ફ્રીઝ જેવાં ઠંડકનાં ઉપકરણોનો ઉપયોગ કરતા હોય, કોઈપણ સમયે જ્યારે લોકો ઊર્જાનો ઉપયોગ કરતા હોય છે ત્યારે તેઓ ગરમી ઉત્પન્ન કરતાં હોય છે.

ડૉક્ટર વિમલ કહે છે કે, "ઍર કન્ડિશનર અને વાહનોનું ઉત્સર્જન તાપમાનના વધારામાં મુખ્ય ભૂમિકા ભજવે છે."

ગરમ શહેરોથી જીવન કેવી રીતે બદલાય છે?

ગુજરાતમાં રાત્રે ગરમી કેમ વધારે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગરમ તાપમાનમાં ગરોળી અને કીડી જેવા જીવજંતુઓ વિકસે છે. (પ્રતીકાત્મક તસ્વીર)

વર્લ્ડ બૅન્કના ડેટા અનુસાર, 1901 અને 2020 વચ્ચે ભારતનું સરેરાશ વાર્ષિક તાપમાન 0.62 ડિગ્રી સેલ્સિયસના દરે 100 વર્ષમાં વધ્યું છે.

તાપમાન વધવાથી ગરમી વધે છે. તાપમાન વધુ હોવાને કારણે હીટ સ્ટ્રોક, થાક અને મૃત્યુ પણ થાય છે.

ન્યૂઝ એજન્સી રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે ભારતના બિહાર, ઉત્તર પ્રદેશ અને ઓડિશા રાજ્યોમાં કથિત રીતે હીટસ્ટ્રોકને કારણે ફરજ પરના ચૂંટણી અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 33 લોકોનાં મોત થયાં છે.

ડૉક્ટર વિમલ કહે છે કે, "તાપમાન વધવાથી એસી અને ફ્રીઝની જરૂરિયાત વધે છે."

વધુ તાપમાનના કારણે સૌથી વધુ અસર ગરીબ વિસ્તારમાં રહેતા લોકો પર પડે છે.

શહેરી વિસ્તારોમાં ઊંચા તાપમાનને કારણે, એવી પ્રજાતિઓ જે ગરમ હવામાનમાં સારી રીતે પ્રજનન કરે છે તેમની સંખ્યા વધે છે, જેમકે ગરોળી, કીડી અને કરોળિયો. એટલે ગરમીનાં કારણે આવી પ્રજાતિઓની વસ્તી પણ વધે છે.

વધુ તાપમાનના કારણે પાણી પણ ગરમ થાય છે અને ગટરનું ગરમ પાણી આસપાસનાં જળાશયોને ગરમ કરે છે. આનાથી જળાશયોની પ્રજાતિઓ પર નકારાત્મક અસર થાય છે.

ગરમ શહેરનું તાપમાન કેવી રીતે ઘટાડી શકાય?

ગુજરાતમાં રાત્રે ગરમી કેમ વધારે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બિલ્ડિંગ ઉપર લીલાં છોડ ઉછેરવાથી તાપમાન ઠંડું રહે છે. (પ્રતીકાત્મક તસવીર)

આ વિશે વધુ સમજવા બીબીસીએ અમદાવાદ સ્થિત પર્યાવરણ મિત્ર સંસ્થાના નિયામક મહેશ પંડ્યા કહે છે કે, "તાપમાન વધવાનું મુખ્ય કારણ એ છે કે વૃક્ષો ઘટી ગયાં છે. તે જાણીતી હકીકત છે કે વૃક્ષોનો કોઈ વિકલ્પ નથી. તાપમાન ઘટાડવા વૃક્ષો રોપવાં ખૂબ જ જરૂરી છે."

"પરંતુ તે સિવાય, કૉંક્રિટની મોટી ઇમારતો પર લીલી-છત (ગ્રીન છત) કરવાથી આસપાસની જગ્યા ઠંડી રહેશે."

એક સંશોધન અનુસાર, જે ઇમારતોની છત કાળી, ઘાટી અને અપરાવર્તક હોય છે તે વધારે ગરમી શોષે છે, તેથી આછા રંગના કૉંક્રિટનો ઉપયોગ કરવાથી પણ સૂર્યના કિરણો શોષાવાની પ્રક્રિયા ઘટી જાય છે. ઉપરાંત, રોડની સપાટીને કાળી કરવાને બદલે આછો ગુલાબી રંગ કરવાથી તેની સૂર્યનાં કિરણોને શોષવાની શક્યતા 50 ટકા ઘટી જાય છે અને તેની પરાવર્તિત કરવાની ક્ષમતા વધે છે.

પાર્કિંગની જગ્યા જમીનના અડધા વિસ્તારને આવરી શકે છે. તેથી ડામરની પાર્કિંગની જગ્યા પર લીલા છોડ વાવવાથી ઠંડક રહેશે.

વી. વિનોજ કહે છે, "રાજ્યની નીતિઓમાં ગ્રીન પાર્કનો સમાવેશ થવો જોઈએ અને ડિવાઇડર પર વૃક્ષો વાવવાં જોઈએ. વૃક્ષો ઊર્જા વપરાશ ઘટાડે છે. વૃક્ષો વરસાદને પણ અટકાવે છે. વૃક્ષો વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડે છે. વૃક્ષો છાંયડો આપે છે.”

વૃક્ષો અને અન્ય છોડ ઊર્જાની માંગ ઘટાડીને ગ્રીનહાઉસ ગૅસના ઉત્સર્જન અને સંબંધિત વાયુ પ્રદૂષણને ઘટાડે છે. તેઓ હવાના પ્રદૂષકોને દૂર કરવા ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડનો સંગ્રહ કરે છે અને અલગ કરે છે.

વનસ્પતિ પાણીને નદીઓમાં વહી જતા અટકાવે છે અને વરસાદી પાણીને શોષી અને ફિલ્ટર કરીને પાણીની ગુણવત્તા સુધારે છે.

ગુજરાત સરકારે તાપમાન નિયંત્રણમાં રાખવા શું પગલાં લીધાં છે?

ગુજરાત સરકારે તાપમાનને માપમાં રાખવા શું પગલાં લીધા છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તાપમાન વધવાથી એસીનો વપરાશ વધે છે. (પ્રતીકાત્મક તસવીર)

શહેરી વિસ્તારમાં લીલાં વૃક્ષો વધારવાની પહેલમાં, પર્યાવરણ, વન અને જળવાયું પરિવર્તન મંત્રાલયે નગરવન યોજના 2020 થી 2024 હેઠળ ગુજરાતમાં 178.5 હેક્ટર વિસ્તારમાં 10 પ્રોજેક્ટને મંજૂરી આપી છે.

આ યોજના વિશે વધુ માહિતી માટે અમે તેના અમલીકરણ વિભાગ વન વિભાગના સામાજિક વનીકરણના વડા એ.પી. સિંહ સાથે વાત કરી. તેઓ કહે છે કે, "વન વિભાગે નગર વન યોજના હેઠળ 10 જિલ્લામાં નગરવન અને નગરવાટિકાઓ બનાવ્યાં છે. જેથી મોટાં શહેરોમાં હરિયાળી વધે. આ યોજનામાં 10 હેક્ટરથી વધુ વિસ્તારના ઉદ્યાનોને નગરવન અને 10 હેક્ટરથી નાના વિસ્તારને નગરવાટિકા કહેવામાં આવ્યાં છે."

"આ સિવાય પણ વન વિભાગ દ્વારા અર્બન ફોરેસ્ટ (વન) યોજના અંતર્ગત એક હેક્ટરના વિસ્તારમાં 16 જિલ્લામાં 25 લાખના ખર્ચે અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવ્યાં છે."

પરંતુ જ્યારે અમે, મહેશ પંડ્યાને શહેરોમાં ઊંચા તાપમાનને નિયંત્રિત માટે કરવામાં આવેલાં પાયાનાં કામો વિશે પૂછ્યું, ત્યારે તેઓ કહે છે, “વૃક્ષો રોપ્યાં બાદ તેમની માવજત પણ વર્ષો સુધી કરવી પડે, પરંતુ સરકાર તો એક વર્ષે રોપે અને બીજા વર્ષે તો તે ગાયબ હોય અને તે જ જગ્યાએ બીજી વાર રોપે. તેથી અંતિમ પરિણામ હંમેશાં શૂન્ય રહે છે."

આ વિશે વધુ વિગત મેળવવા બીબીસીએ ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ અને જળવાયું પરિવર્તન વિભાગનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો. જળવાયું વિભાગના ડેપ્યુટી સેક્રેટરી ડીએમ પઠાણ બીબીસી સાથે વાત કરતાં કહે છે, "અમારી પાસે વિવિધ વિભાગો માટે સલાહ છે. આ સલાહનો અમલ કરવો તે તેમના પર છે."

પરંતુ તેમની પાસે શહેરીકરણને કારણે તાપમાનમાં વધારાને વિશેનો માટે કોઈ સ્પષ્ટ જવાબ નહોતો.