2023 સૌથી વધુ ગરમ વર્ષ, 2024 ગરમીનો રેકૉર્ડ તોડશે?

સમુદ્રની સપાટીના તાપમાને પણ ઉંચાઈના અગાઉના રેકોર્ડ તોડી નાખ્યા છે
    • લેેખક, માર્ક પોઈન્ટિંગ અને એરવાન રિવોલ્ટ
    • પદ, બીબીસી ન્યૂઝ ક્લાયમેટ એન્ડ વેરિફાઈ ડેટા જર્નલિઝમ ટીમ

માનવ સર્જિત આબોહવા પરિવર્તન અને પ્રાકૃતિક અલ નીનો વેધર ઈવેન્ટને લીધે વર્ષ 2023 રેકૉર્ડ પરનું સૌથી ગરમ વર્ષ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.

યુરોપિયન સંઘની ક્લાયમેટ સર્વિસના જણાવ્યા મુજબ, માણસો દ્વારા અશ્મિભૂત ઈંધણના મોટા પ્રમાણમાં ઉપયોગ પહેલાંથી ગત વર્ષ દીર્ઘકાલીન સરેરાશથી લગભગ 1.48 ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમ રહ્યું હતું.

બીબીસીના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે જુલાઈ પછી લગભગ દરેક દિવસે વર્ષના સમયના હિસાબે રોજ નવું વૈશ્વિક વાયુ તાપમાન જોવા મળ્યું હતું.

સમુદ્રની સપાટીના તાપમાને પણ ઊંચાઈના અગાઉના રેકૉર્ડ તોડી નાખ્યા છે.

હવામાન વિભાગે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે બ્રિટને 2023માં તેના બીજા સૌથી વધુ ગરમ વર્ષનો અનુભવ કર્યો હતો.

આ વૈશ્વિક વિક્રમો વિશ્વને મહત્ત્વના આંતરરાષ્ટ્રીય આબોહવા લક્ષ્યાંકોને તોડવાની નજીક લાવી રહ્યા છે.

ટેક્સાસ એએન્ડએમ યુનિવર્સિટીના વાતાવરણીય વિજ્ઞાનના પ્રોફેસર ઍન્ડ્રુ ડેસલરના કહેવા મુજબ, "મારા મતે આશ્ચર્યજનક બાબત 2023નું વર્ષ રેકૉર્ડબ્રેકિંગ હતું એ નહીં, પરંતુ તેણે તોડેલા અગાઉના રેકૉર્ડની સંખ્યા છે."

પ્રોફેસર ડેસલરના જણાવ્યા મુજબ, સમગ્ર વિશ્વની સરેરાશને ધ્યાનમાં લેતાં આ પૈકીના કેટલાક રેકૉર્ડનું માર્જિન ખરેખર આશ્ચર્યજનક છે.

ગ્રાફિક્સ

ઇમેજ સ્રોત, ERA5, C3S/ECMWF

ઇમેજ કૅપ્શન, માહિતીનું વિશ્લેષણ દર્શાવતી વિગતો

ગરમીનો અસાધારણ સમયગાળો

માનવો કાર્બન ડાયોક્સાઇડ જેવા ગ્રીનહાઉસ વાયુઓનું વિક્રમસર્જક પ્રમાણમાં ઉત્સર્જન કરતા હોવાથી 100 વર્ષ પહેલાંની સરખામણીએ વિશ્વ હવે ખૂબ ગરમ છે, તે બધા જાણે છે, પરંતુ કોઈ પણ મોટી પૃથ્વીની આબોહવાની જટિલતાને કારણે કોઈ મોટી વિજ્ઞાન સંસ્થાએ 12 મહિના પહેલાં એવી આગાહી કરી ન હતી કે 2023નું વર્ષ રેકૉર્ડ પરનું સૌથી ગરમ વર્ષ હશે.

વર્ષના શરૂઆતના થોડા મહિનાઓ દરમિયાન માત્ર ગણતરીના દિવસોમાં હવાના તાપમાનના રેકૉર્ડ તૂટી ગયા હતા, પરંતુ 2023ના ઉત્તરાર્ધમાં દૈનિક રેકૉર્ડની એક ઉલ્લેખનીય, લગભગ અતૂટ શ્રેણી સર્જાઈ હતી.

નીચે આપેલા કૅલેન્ડર ચાર્ટ પર નજર કરો. તેમાં પ્રત્યેક બ્લૉક 2023ના એક દિવસનું પ્રતિનિધિત્વ કરે છે. ઘાટો લાલ રંગ દર્શાવતા દિવસોમાં રેકૉર્ડ તૂટ્યા હતા. જૂનથી મોટાભાગના દિવસોમાં નવા રેકૉર્ડ જોવા મળ્યા હતા.

ગ્રાફિક્સ

ઇમેજ સ્રોત, ERA5, C3S/ECMWF

ઇમેજ કૅપ્શન, માહિતીનું વિશ્લેષણ દર્શાવતી વિગતો

કૉપરનિકસ ક્લાઇમેટ ચેન્જ સર્વિસના ડેટાના બીબીસીએ કરેલા વિશ્લેષણ અનુસાર, વર્ષ દરમિયાન 200થી વધુ દિવસોમાં રોજ વૈશ્વિક તાપમાનનો નવો રેકૉર્ડ સર્જાયો હતો.

તાપમાનમાંના તાજેતરના આ વધારાને અલ નીનો કન્ડીશન્સમાં ઝડપી પરિવર્તન સાથે સંબંધ છે, જે લાંબા ગાળા માનવ-સર્જિત ગરમાટાની ટોચના સ્તરે છે.

અલ નીનો કુદરતી ઘટના છે. તેમાં પૂર્વ પેસિફિક મહાસાગર સપાટી પરનું ગરમ પાણી વધારાની ગરમી વાતાવરણમાં છોડતું હોય છે, પરંતુ અલ નીનો તબક્કાની શરૂઆતમાં હવાના તાપમાનમાં અસાધારણ વધારો થયો હતો. અલ નીનો તેના મહત્તમ સ્તરે પહોંચ્યા પછી 2024ના પ્રારંભ સુધી તેની સંપૂર્ણ અસર અપેક્ષિત ન હતી.

આ કારણે આબોહવામાં શું ચાલી રહ્યું છે એ બાબતે ઘણા વિજ્ઞાનીઓ ગડમથલમાં છે.

અમેરિકાના એક વિજ્ઞાન સંસ્થા બર્કલે અર્થના આબોહવા વિજ્ઞાની ઝેક હૌસફાધર નોંધે છે, "2023 ખરેખર આટલું બધું ગરમ શા માટે હતું તે વિશે ઘણા રસપ્રદ પ્રશ્નો સર્જાયા છે."

સમગ્ર દુનિયાએ અનુભવ્યું પરિણામ

2023ના ગરમાટાની બીજી નોંધપાત્ર વિશેષતા એ છે કે વિશ્વભરમાં તેની વ્યાપક અનુભૂતિ થઈ હતી.

નીચેનો નકશો દર્શાવે છે તેમ, લગભગ સમગ્ર વિશ્વ 1991-2020ના સ્તરો કરતાં વધારે ગરમ હતું. આ સમયગાળો 1800ના દાયકામાં મનુષ્યોએ અશ્મિભૂત ઈંધણ મોટા પ્રમાણમાં બાળવાનું શરૂ કર્યું તે પહેલાંની તુલનાએ લગભગ 0.9 સેન્ટીગ્રેડ વધારે ગરમ હતો.

ગ્રાફિક્સ

ઇમેજ સ્રોત, ERA5, C3S/ECMWF

ઇમેજ કૅપ્શન, માહિતીનું વિશ્લેષણ દર્શાવતી વિગતો

આ વિક્રમસર્જક ઉષ્ણતાએ 2023માં વિશ્વના મોટા ભાગના હિસ્સામાં હવામાન સંબંધી અનેક આત્યંતિક ઘટનાઓ વકરાવી હતી. કૅનેડા અને અમેરિકામાં જોરદાર હીટવેવ્ઝ તથા દવની ઘટનાઓ બની હતી, જ્યારે પૂર્વ આફ્રિકાના વિસ્તારોમાં લાંબા દુષ્કાળ પછી જોરદાર પૂર આવ્યું હતું.

આ બધું તાજેતરનાં વર્ષોમાં જોવા મળેલી અસામાન્ય પરિસ્થિતિ કરતાં ઘણું વધારે હતું.

2016થી 2023 દરમિયાન વિશ્વ હવામાન સંસ્થાના મહાસચિવ તરીકે કામ કરી ચૂકેલા પ્રોફેસર પેટેરી તાલાસ કહે છે, "આ બધું આંકડાઓ કરતાં વિશેષ છે. આત્યંતિક હવામાન દૈનિક ધોરણે જીવન તથા આજીવિકાનો નાશ કરી રહ્યું છે."

દરેક ગરમ વર્ષ વિશ્વના લાંબા ગાળા માટે 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડનું સ્તર પાર કરવાની નજીક લાવી રહ્યું છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, દરેક ગરમ વર્ષ વિશ્વના લાંબા ગાળા માટે 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડનું સ્તર પાર કરવાની નજીક લાવી રહ્યું છે

હવાનું તાપમાન પૃથ્વીની ઝડપથી બદલાતી આબોહવાનું માત્ર એક માપ છે. 2023માં પણ ઍન્ટાર્કટિક દરિયાઈ બરફ અત્યંત નીચા સ્તરે પહોંચ્યો હતો. આર્કટિક દરિયાઈ બરફનું સ્તર પણ સરેરાશથી ઓછું હતું.

પશ્ચિમ ઉત્તર અમેરિકા અને યુરોપિયન આલ્પ્સની હિમનદીઓમાં આત્યંતિક મેલ્ટિંગ મોસમ અનુભવાઈ હતી. તેને લીધે સમુદ્રની સપાટીમાં વધારો થયો હતો. ઉત્તર ઍટલાન્ટિક સહિતના અનેક દરિયાઈ હીટવેવ્ઝ વચ્ચે વિશ્વની દરિયાઈ સપાટી તેના સૌથી વધુ નોંધાયેલા તાપમાને પહોંચી ગઈ હતી.

વાસ્તવમાં કોપરનિકસ ડેટાનું બીબીસીએ કરેલું વિશ્લેષણ દર્શાવે છે કે વિશ્વની મહાસાગર સપાટી ચોથી મેથી રેકૉર્ડ-બ્રેકિંગ સ્તરે સતત જળવાયેલી રહી છે. નીચેનો ચાર્ટ દર્શાવે છે તેમ, ઘણા દિવસોમાં રેકૉર્ડ્ઝ મોટા તફાવતથી તૂટતા જોવા મળ્યા છે.

gfx

ઇમેજ સ્રોત, ERA5, C3S/ECMWF (data until 30 December, 2023)

ઇમેજ કૅપ્શન, ડિસેમ્બર, 2023 સુધીના ડેટાના આધારે અપાયેલી વિગતો

2024 અને તે પછીના સમય માટે ચેતવણી

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

2024નું વર્ષ 2023ના વર્ષ કરતાં વધુ ગરમ સાબિત થઈ શકે છે, કારણ કે સમુદ્રની સપાટીની કેટલીક વિક્રમી ગરમી વાતાવરણમાં છટકી જતી હોય છે. જોકે,ડૉ. હૌસફાધર જણાવે છે કે વર્તમાન અલ નીનોની "વિચિત્ર વર્તણૂક"નો અર્થ એ છે કે તેની ખાતરી કરવી મુશ્કેલ છે.

અમેરિકાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ પરિસ્થિતિ 2024ના સમગ્ર કેલેન્ડર વર્ષ દરમિયાન ગરમી પ્રથમ વખત 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડની હદને પણ વટાવી જવાની સંભાવના સર્જે છે.

ગ્લોબલ વૉર્મિંગની સૌથી ખરાબ અસરોને ટાળવા માટે વિશ્વના લગભગ 200 દેશો 2015માં પેરિસમાં ગરમાટાને આ સ્તર સુધી મર્યાદિત રાખવા સહમત થયા હતા.

તેમાં 20 અથવા 30 વર્ષથી વધુ લાંબા સમયગાળાની સરેરાશનો સંદર્ભ છે. તેથી 2024માં એક વર્ષ લાંબા ભંગનો અર્થ એ નથી કે પેરિસ કરાર તૂટી ગયો છે.

તે ભાવિ પરિસ્થિતિનો નિર્દેશ આપે છે. દરેક ગરમ વર્ષ વિશ્વના લાંબા ગાળા માટે 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડનું સ્તર પાર કરવાની નજીક લાવી રહ્યું છે.

આ લાંબા ગાળાના ગ્લોબલ વોર્મિંગ વલણ પાછળ માનવીય પ્રવૃત્તિઓ છે, તેમ છતાં અલ નીનો જેવા કુદરતી પરિબળો ચોક્કસ વર્ષો માટે તાપમાનમાં વધારો કે ઘટાડો કરી શકે છે. 2023માં અનુભવાયેલું તાપમાન કુદરતી કારણોથી વિશેષ છે.

નીચે આપેલા ચાર્ટ પર નજર કરો. એ સમયે 1998 અને 2016નાં વર્ષો વિક્રમજનક હતાં. તેને મજબૂત અલ નીનો વૉર્મિંગને લીધે વેગ મળ્યો હતો, પરંતુ તે 2023ના રેકૉર્ડની નજીક નથી, જે ઘાટા લાલ રંગમાં દર્શાવવામાં આવ્યું છે.

ગ્રાફિક્સ

ઇમેજ સ્રોત, ERA5, C3S/ECMWF

ઇમેજ કૅપ્શન, માહિતીનું વિશ્લેષણ દર્શાવતી વિગતો

કોપરનિકસ ક્લાયમેટ ચેન્જ સર્વિસના ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. સામન્થા બર્ગેસ સાર સમજાવતાં કહે છે, "2023 એક અપવાદરૂપ વર્ષ હતું, જેમાં આબોહવાનો રેકૉર્ડ ડોમિનોઝની માફક ગબડતો રહ્યો હતો."

તાજેતરની આ ચેતવણી સીઓપી28 આબોહવા શિખર પરિષદ પછી આવી છે. સીઓપી28 શિખર પરિષદમાં વિવિધ દેશો વધતા તાપમાન માટેનાં મુખ્ય કારણ, અશ્મિભૂત ઈંધણની સમસ્યાના નિરાકરણની જરૂરિયાત બાબતે સહમત થયા હતા.

જોકે, કરારની ભાષા ઘણા લોકોની અપેક્ષા કરતાં નબળી હતી. તેમાં દેશો પર ફરજિયાત કાર્યવાહી કરવાનું કોઈ દબાણ ન હતું. અક્ષય ઊર્જા અને ઇલેક્ટ્રિક વાહનો જેવાં ક્ષેત્રોમાં તાજેતરમાં થયેલી ઉત્સાહવર્ધક પ્રગતિને આ કરારથી આગળ વધારવામાં મદદ મળશે એવી આશા રાખવામાં આવે છે.

સંશોધકોનું કહેવું છે કે 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડનું લક્ષ્યાંક ચૂકી જવાની સંભાવના હોવા છતાં આ બાબત આબોહવા પરિવર્તનના પરિણામને સીમિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

લંડનની ઇમ્પીરિયલ કૉલેજમાં આબોહવા વિજ્ઞાનના સીનિયર પ્રોફેસર ડૉ. ફ્રાઈડરિક ઑટ્ટો કહે છે, "વધારાનું સ્તર 1.6 ડિગ્રી સેન્ટીગ્રેડ પર પહોંચે તો પણ તે હારી જવાથી અને ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડની નજીક પહોંચવાથી ઘણું બહેતર હશે. વર્તમાન નીતિઓ આપણને એ સ્તરે પહોંચાડશે."

“દરેક ડિગ્રીના દસમા હિસ્સો મહત્વનો છે.”

(પૂરક માહિતીઃ બેકી ડેલ અને કેટ ગેનોર)