ગુજરાતમાં ચોમાસું બદલાઈ રહ્યું છે, જ્યાં પીવાનું પાણી નહોતું મળતું ત્યાં હવે કેમ પૂર આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અર્જુન પરમાર
- પદ, સંવાદદાતા, બીબીસી ગુજરાતી
ગુજરાતમાં આ વર્ષે લગભગ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. ચોમાસું બેઠું ત્યારથી સમગ્ર ગુજરાતમાં ઠેરઠેર ભારે તીવ્રતા સાથે પડેલા એકસામટા વરસાદને પગલે ઘણી વખત જનજીવન અસ્તવ્યસ્ત થયાના અહેવાલો જોવા મળ્યા. થોડા કલાકોમાં પડેલા ભારે વરસાદને પગલે કેટલાંક સ્થળોએ લોકોએ થોડા સમય માટે પૂર જેવી સ્થિતિનો પણ સામનો કરવો પડ્યો.
રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી મોટા ભાગે ભૂતકાળની સરેરાશ કરતાં વધુ વરસાદનો સિલસિલો જોવા મળી રહ્યો છે.
બીજી તરફ સમગ્ર ભારતમાં પણ વરસાદનાં પ્રમાણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. ગુજરાત સહિત ભારતના તમામ પ્રદેશોમાં વરસાદની પૅટર્નમાં બદલાવો જોવા મળી રહ્યા છે.
ગુજરાતની વાત કરીએ તો આ બધામાં સૌથી મોટી નવાઈની બાબત એ છે કે એક સમયે પાણીની તંગીથી પીડાતા અને ‘દુષ્કાળગ્રસ્ત’ મનાતા સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન ભારે વરસાદને પગલે ‘લીલા દુષ્કાળ’ જેવી સ્થિતિ જોવા મળી હતી.
ગુજરાતમાં થોડા દિવસો પહેલાં સુધી ચોમાસું જામેલું હતું. હજુ ચોમાસું પૂરો થવાને વાર છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ અત્યારથી જ ભૂતકાળની સરેરાશને પાર કરી ગયું છે.
ખૂબ ઓછા સમયમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ, ઐતિહાસિક હકીકતો પ્રમાણે વરસાદના અભાવવાળા વિસ્તારોમાં વરસાદી પાણીની વધુ આવક અને ચોમાસામાં વરસાદની ‘બદલાતી પૅટર્ન’ પાછળનાં કારણો અને તેના ‘નકારાત્મક પ્રભાવ’ અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ વરસાદના ઐતિહાસિક આંકડાના અભ્યાસ સાથે આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી.
એ પહેલાં જાણી લઈએ છેલ્લા એક દાયકા જેટલા સમયમાં પડેલા વરસાદના પ્રમાણ અને તેમાં નોંધાયેલા ફેરફારો વિશે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં છેલ્લાં નવ વર્ષમાંથી સાતમાં સરેરાશ કરતાં વધુ વરસાદ

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (જીએસડીએમએ)ની વેબસાઇટ પર મૂકાયેલી વાર્ષિક વરસાદની આંકડાકીય માહિતીની બીબીસી ગુજરાતીએ વિગતવાર છણાવટ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેલ્લાં નવ વર્ષમાં ગુજરાતમાં પડેલા વરસાદની આંકડાકીય માહિતી અનુસાર રાજ્યમાં નવમાંથી ચાર વર્ષ સરેરાશ કરતાં વધુ વરસાદ જોવા મળ્યો હતો.
આ સમયગાળા દરમિયાન કચ્છ જિલ્લામાં તો નવમાંથી સાત વખત સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં વર્ષ 2017, 2019, 2020 અને 2022માં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો.
જો આંકડામાં વાત કરીએ તો આ વર્ષો દરમિયાન ગુજરાતમાં અનુક્રમે સરેરાશની સરખામણીએ 112.18 ટકા, 146.17 ટકા, 136.85 ટકા અને 122.09 ટકા વધુ વરસાદ નોંધાયો હતો.
છેલ્લાં નવ વર્ષમાં વર્ષ 2019માં રાજ્યમાં સૌથી વધુ સરેરાશ 1192.73 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જે સરેરાશ કરતાં 46 ટકા વધુ હતો.
તેમજ કચ્છ જિલ્લામાં પાછલાં 30 વર્ષોની સરેરાશની સરખામણીએ વર્ષ 2016, 2018 સિવાય 2015થી 2023 દરમિયાન સતત વધુ વરસાદ નોંધાયો છે.
કચ્છ જિલ્લામાં સરેરાશ કરતાં વર્ષ 2015માં 37.11 ટકા, વર્ષ 2017માં 15.45 ટકા, વર્ષ 2019માં 86.35 ટકા, વર્ષ 2020માં 182.08 ટકા, વર્ષ 2021માં 15.6 ટકા, વર્ષ 2022માં 86.18 ટકા અને વર્ષ 2023માં અત્યાર સુધી 35.72 ટકા વધુ વરસાદ નોંધાયો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે વર્ષ 2016 અને વર્ષ 2018માં જિલ્લામાં સરેરાશ કરતાં 21.79 ટકા અને 73.49 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો.
જો જિલ્લામાં આ સમયગાળા દરમિયાન પડેલ સૌથી વધુ વરસાદના પ્રમાણની વાત કરીએ તો વર્ષ 2020માં જિલ્લામાં સરેરાશ કરતાં લગભગ ત્રણ ગણો એટલે કે 1162 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
તેમજ વર્ષ 2015થી 2023 દરમિયાન સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં પડેલા વરસાદના પ્રમાણને ધ્યાને લેતાં માલૂમ પડે છે કે નવ વર્ષમાંથી સાત વર્ષ પ્રદેશમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડ્યો હતો.
વર્ષ 2016માં સરેરાશ કરતાં 0.54 ટકા, 2017માં 17.38 ટકા, 2019માં 55.43 ટકા, 2020માં 84.63 ટકા, 2021માં 16.37 ટકા, 2022માં 11.02 ટકા અને વર્ષ 2023માં અત્યાર સુધી 9.28 ટકા વધુ વરસાદ નોંધાયો હતો.
આ દરમિયાન વર્ષ 2020માં પ્રદેશમાં સરેરાશના 184.63 ટકા એટલે કે 1250 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
જ્યારે વર્ષ 2015માં પ્રદેશમાં સરેરાશ કરતાં 10.27 ટકા અને 2018માં સરેરાશ કરતાં 26.96 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો.

કચ્છ જિલ્લામાં વરસાદની સિઝનમાં થયો ‘એક મહિનાનો બદલાવ’

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં બદલાતી જઈ રહેલી વરસાદની પૅટર્ન અંગે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝર્ટ ઈકૉલૉજીના ડાયરેક્ટર ડૉ. વી. વિજયકુમારે બીબીસી ગુજરાતી સાથેની વાતચીત કરી હતી.
કચ્છ જિલ્લામાં વરસાદની સિઝનમાં થયેલા ફેરફાર અંગે વાત કરતા તેઓ કહે છે, “અમારા અભ્યાસમાં અમે નોંધ્યું છે કે પાછલાં અમુક વર્ષોથી જિલ્લામાં ચોમાસું જૂન મહિનાને સ્થાને મોડું બેસી રહ્યું છે. અગાઉ જુલાઈ-ઑગસ્ટ મહિનામાં જિલ્લામાં વધુ વરસાદ નોંધાતો. જોકે, હવે ઑગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે. ઉપરોક્ત નિરીક્ષણો પરથી એવું કહી શકાય કે જિલ્લામાં ચોમાસું થોડું પાછું ઠેલાયું છે.”
તેઓ કચ્છ જિલ્લામાં છેલ્લાં વર્ષોમાં પડેલા વરસાદ અંગેનાં અવલોકનો અંગે વાત કરતા કહે છે, “અગાઉની સરખામણીએ જિલ્લામાં અતિ ભારે અને ભારે વરસાદના પ્રસંગોમાં પણ વધારો થયો છે. આમ વરસાદની તીવ્રતા સંદર્ભે પણ બદલાવ જોઈ શકાય છે.”
તેઓ આ બદલાવની નકારાત્મક અસરો અંગે વાત કરતાં કહે છે કે ખૂબ ઓછા સમયમાં અતિશય તીવ્રતા સાથે પડેલ વરસાદ આયોજનની મર્યાદાવાળાં સ્થળોએ પાણી ભરાવવાની સમસ્યા સર્જી શકે છે.
તેઓ આગળ જણાવે છે, “અહીં મહત્ત્વની વાત એ છે કે રાજ્યમાં ઘણાં સ્થળોએ આવા બદલાવ જોવા મળી રહ્યા છે.”
નોંધનીય છે કે આ વર્ષે જૂનાગઢ, બનાસકાંઠા અને નવસારી સહિત કેટલાક જિલ્લામાં ખૂબ ઓછા સમયમાં ભારે વરસાદ નોંધાતાં શહેરો-વિસ્તારો જળબંબાકાર જોવા મળ્યાં હતાં.
અગાઉ ક્યારેય પાણી ન ભરાયાં હોય એવા વિસ્તારોમાં પાણી અચાનક ધસી આવવાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

શું છે મુખ્ય કારણ?

વરસાદની તીવ્રતા અને ચોમાસાને લગતા અન્ય બદલાવોનાં કારણો અંગે વાત કરતાં ડૉ. વી. વિજયકુમાર કહે છે કે, “વરસાદની બદલાતી જતી પૅટર્ન માટે સૌથી મોટું કારક ક્લાઇમેટ ચૅન્જ છે. આ બદલાવો ક્લાઇમેટ ચૅન્જનો જ એક ભાગ છે.”
આ સિવાય તેઓ બદલાવો માટે ગુજરાતની આસપાસના દરિયાઈ વિસ્તારના વાતાવરણમાં આવી રહેલા ફેરફારોને પણ કારણભૂત માને છે.
તેઓ કહે છે કે, “પાછલાં થોડાં વર્ષોથી ગુજરાતની આસપાસ રહેલા અરબ સાગરમાં ડિપ્રેશન અને સાયક્લોનિક સ્ટોર્મની સ્થિતિ સર્જાવાનો દર વધ્યો છે. અગાઉ બંગાળની ખાડીમાં ડિપ્રેશન અને સાયક્લોનિક સ્ટોર્મની સ્થિતિ સર્જાય એ સામાન્ય ગણાતું, પરંતુ હવે અરબ સાગરમાં પણ આવી સ્થિતિનું વારંવાર નિર્માણ થઈ રહ્યું છે. આવું મુખ્યત્વે સમુદ્રની સપાટીના તાપમાનમાં થયેલા વધારાને કારણે બની રહ્યું છે. આ સ્થિતિને કારણે પણ રાજ્યમાં ચોમાસા દરમિયાન પડી રહેલા વરસાદમાં બદલાવ જોવા મળી રહ્યા છે. તેમજ કમોસમી વરસાદની ઘટનાઓ પણ વધી રહી છે.”
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહસંશોધક અધિકારી ધીમંત વઘાસીયા પણ રાજ્યમાં વરસાદની બદલાતી જતી પૅટર્ન માટે ‘ક્લાઇમેટ ચૅન્જ’ને જ જવાબદાર ગણાવે છે.
તેઓ કહે છે કે, “ગુજરાતમાં વરસાદના પ્રમાણમાં થઈ રહેલા ફેરફાર માટે મોટા ભાગે ક્લાઇમેટ ચૅન્જ અને ગ્લોબલ વૉર્મિંગ કારણભૂત છે એમાં શંકાને સ્થાન નથી.”

‘નપાણિયા વિસ્તારો બન્યા લીલા દુષ્કાળથી ગ્રસ્ત’

ઇમેજ સ્રોત, Getty Images
નોંધનીય છે કે અગાઉ કચ્છ અને સૌરાષ્ટ્રને ક્ષેત્રમાં પડતા વરસાદના પ્રમાણને ટાંકીને ‘દુષ્કાળગ્રસ્ત કે નપાણિયા’ વિસ્તારો તરીકે ઓળખાવાતાં. પરંતુ હવે આ ક્ષેત્રોમાં પડી રહેલા વરસાદના પ્રમાણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે.
ડૉ. વી. વિજયકુમારના મતે આ બદલાવ માટે પણ મોટા ભાગે ‘ક્લાઇમેટ ચૅન્જ પૅટર્ન જ જવાબદાર’ છે.
આ વાત સાથે સંમત થતાં ધીમંત વઘાસીયા કહે છે કે, “અગાઉ આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેતું, પરંતુ હવે અમુક વર્ષો દરમિયાન તો અહીં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે.”
ઇન્ડિયન મિટિયૉરોલૉજી ડિપાર્ટમેન્ટ, અમદાવાદનાં વડાં મનોરમા મોહંતી પણ જણાવે છે કે ‘કદાચ ક્લાઇમેટ ચૅન્જને કારણે આ ક્ષેત્રોમાં આવા બદલાવ જોવા મળી રહ્યા છે.’
ડૉ. વી. વિજયકુમાર કહે છે કે, “અગાઉ સ્થાનિકો આસપાસના વાતાવરણને આધારે વરસાદનું અનુમાન કરી શકતા પરંતુ હવે ચોમાસું અને વરસાદ પડવાની પૅટર્ન એટલી અચોક્કસ થઈ ગઈ છે કે અગાઉ વરસાદની આગાહીમાં નિષ્ણાત મનાતા સ્થાનિકો પણ ચોક્કસ આગાહી નથી કરી શકતા.”
તેઓ ક્લાઇમેટ ચૅન્જની રાજ્ય પરની અસરો વિશે જણાવતાં કહે છે કે, “અમુક વર્ષે વધુ તો અમુક વર્ષે સરેરાશ કરતાં ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે, તો ક્યારેક દુષ્કાળ પણ પડી રહ્યો છે. આ સિવાય વરસાદની તીવ્રતામાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે.”
વરસાદની તીવ્રતા અંગે વાત કરતાં ડૉ. વિજયકુમાર કહે છે કે, “પાછલાં અમુક વર્ષોમાં તીવ્ર વરસાદને પગલે એવો આભાસ થઈ રહ્યો છે કે જે-તે ક્ષેત્રમાં સારો વરસાદ છે. પરંતુ ખૂબ ઓછા સમયમાં ભારે તીવ્રતા સાથે પડેલો વરસાદ મુશ્કેલી બની શકે છે. આ સિવાય એક વખત વરસાદ પડ્યા પછી બીજા વરસાદ વચ્ચેનો સમયગાળો પણ હવે લાંબો થઈ ગયો હોવાનું જોવા મળી રહ્યું છે.”
ક્લાઇમેટ ચૅન્જની સંભવિત અસરો અંગે સંયુક્ત રાષ્ટ્રની ક્લાઇમેટ ચૅન્જના વિજ્ઞાનનું મૂલ્યાંકન કરતી બૉડી, ઇન્ટરગવર્ન્મેન્ટલ પૅનલ ઓન ક્લાઇમેટ ચૅન્જ (આઈપીસીસી)એ વર્ષ 2021માં રજૂ કરેલા રિપોર્ટમાં ભારતના વાતાવરણ પર તેની અસરો અંગે વાત કરાઈ હતી.
ધ હિંદુ ડોટ કૉમના એક અહેવાલમાં આ રિપોર્ટનાં સહલેખિકા અને પુણે ખાતેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રૉપિકલ મિટિયૉરોલૉજીનાં વૈજ્ઞાનિક ડૉ. સ્વપ્ના પનીકલે કહ્યું હતું કે, “તાપમાનમાં વધારાની સાથે ભવિષ્યમાં વાતાવરણની પૅટર્નમાં બદલાવ જોવા મળી શકે છે. વૉટર સાઇકલમાં તીવ્રતાને પરિણામે વરસાદની પૅટર્ન અસરગ્રસ્ત બનશે. આ સિવાય સમગ્ર ચોમાસા પર પણ અસર થઈ શકે છે.”
રિપોર્ટમાં જણાવ્યાનુસાર ગ્લોબલ વૉર્મિંગના આ વલણથી ભારતમાં વરસાદની વાર્ષિક સરેરાશમાં વધારો જોવા મળી શકે છે. આગામી દાયકાઓમાં ખાસ કરીને દક્ષિણ ભારતમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે.

ખેતી પર ‘નકારાત્મક અસર’

ધીમંત વઘાસીયા આ વલણના સંભવિત નકારાત્મક પ્રભાવો અંગે વાત કરતાં કહે છે કે, “વરસાદની પૅટર્નને જોતાં તેની તીવ્રતા વધતી જઈ રહી હોવાનું વલણ જોવા મળી રહ્યું છે. આના કારણે ખેતીક્ષેત્ર પર ચોક્કસપણે નકારાત્મક અસર થઈ શકે.”
તેઓ રાજ્યમાં વરસાદની બદલાતી પૅટર્ન અંગે સૂચક નિવેદન કરતાં કહે છે કે, “અત્યારે એવું બની રહ્યું છે કે જ્યારે ખેતીમાં વરસાદની જરૂર ન હોય ત્યારે અતિ ભારે વરસાદ પડે છે. પરંતુ જ્યારે જરૂર હોય ત્યારે વરસાદ પડતો નથી. આવા વલણને કારણે માત્ર ખેતી જ નહીં પરંતુ ખેતી પર આધારિત અન્ય ઉદ્યોગોને પણ માઠી અસર થઈ શકે.”
મનોરમા મોહંતી પણ જણાવે છે કે, “આ ફેરફારની ચોક્કસપણે ખેતીક્ષેત્રે અસર થઈ શકે છે, સરેરાશ અનુસાર વરસાદ પડે એ જરૂરી છે, પરંતુ વરસાદના દિવસો વચ્ચેના સમયગાળો ખૂબ લાંબો ન હોય એ પણ જરૂરી છે. નિયમિત અંતરાલે વરસાદ પડે એ મહત્ત્વપૂર્ણ છે.”
વરસાદની બદલાતી જઈ રહેલી પૅટર્નની નકારાત્મક અસરોનો સામનો કરવા માટેના ઉપાયો સૂચવતાં વઘાસીયા કહે છે કે, “વરસાદના અચોક્કસ વલણને ધ્યાને રાખીને ખાસ કરીને ખેતીક્ષેત્રે ક્રોપ કન્ટિન્જન્સી પ્લાન ઘડી વરસાદના સમય સાથે સંતુલન સાધવાના પ્રયાસ કરવા જોઈએ. હવામાન સાથે તાદાત્મ્ય જાળવી યોગ્ય પાક લેવા જોઈએ. આ સિવાય વિશાળ ફલક પર વનોનો આડેધડ વિનાશ અટકાવવા સહિતનાં ક્લાઇમેટ ચૅન્જની પ્રક્રિયાને કાબૂમાં લેતાં પગલાં ભરવાં જોઈએ.”
આ સિવાય ડૉ. વિજયકુમારના મતે આ સમસ્યાનો સામનો કરવા આયોજનબદ્ધ વ્યૂહરચનાની આવશ્યકતા છે.
તેઓ કહે છે કે, “આપણે મોટી સંરક્ષણ યોજનાઓને સ્થાને નાના પાયે સંરક્ષણ બાબતે વિચારવું જોઈએ. વરસાદના પાણીના સંગ્રહથી માંડીને અન્ય વૈજ્ઞાનિક વ્યૂહરચના થકી વરસાદની પૅટર્નમાં આવેલા બદલાવોનો સામનો કરવા માટે આયોજનબદ્ધ રીતે આગળ વધવાની જરૂર છે.”
ડૉ. વિજયકુમાર સમાવેશી અભિગમની વકીલાત કરતાં કહે છે કે, “આપણે કુદરતી પરિબળોના અસંતુલનને કારણે સર્જાયેલી સમસ્યાઓને એકબીજાની સાથે સાંકળીને જોવાની જરૂર છે. આ સમસ્યાઓનો અભ્યાસ કરી અને સમગ્રલક્ષી વ્યૂહ ગોઠવવાથી આ દિશામાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે.”

ઉત્તર-દક્ષિણ-મધ્યપૂર્વ ગુજરાતમાં વરસાદનું વલણ કેવું રહ્યું?

વરસાદની આંકડાકીય માહિતીના વિશ્લેષણ અનુસાર ઉત્તર ગુજરાતમાં પાછલાં નવમાંથી પાંચ વર્ષમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
વર્ષ 2015માં સરેરાશ કરતાં 15.85 ટકા, 2017માં 44.25 ટકા, 2019માં 20.85 ટકા, 2020માં 15.06 અને વર્ષ 2022માં 22.45 ટકા વધુ વરસાદ નોંધાયો હતો.
પ્રદેશમાં આ સમયગાળા દરમિયાન સૌથી વધુ વર્ષ 2017માં 1002 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
જ્યારે પ્રદેશમાં સરેરાશ કરતાં વર્ષ 2016માં 15.16 ટકા, 2018માં 51.94 ટકા, 2021માં 22.5 ટકા અને વર્ષ 2023માં અત્યાર સુધી 32.3 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો.
આ સિવાય આ સમયગાળા દરમિયાન જો દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પડેલા વરસાદની વાત કરીએ તો પાછલાં નવ વર્ષમાં માત્ર ત્રણ વખત સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
આ નવ વર્ષો દરમિયાન વર્ષ 2015માં સરેરાશ કરતાં 32.95 ટકા, 2016માં 11.26 ટકા, 2017માં 1.98 ટકા, 2018માં 3.51 ટકા, 2021માં 1.52 ટકા અને અત્યાર સુધી 2023માં 30.52 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો.
જ્યારે વર્ષ 2019માં સરેરાશ કરતાં 49.04 ટકા, 2020માં 19.56 ટકા અને વર્ષ 2022માં 35.69 ટકા વધુ વરસાદ નોંધાયો હતો.
આ સમયગાળા દરમિયાન સૌથી વધુ વરસાદ વર્ષ 2019માં - 2113 મિલીમીટર – નોંધાયો હતો.
આ સિવાય જો મધ્યપૂર્વ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો 2015થી 2023ના સમયગાળા દરમિયાન માત્ર એક જ સિઝનમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડ્યો છે.
વર્ષ 2019માં જ્યારે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ હતી એ દરમિયાન મધ્યપૂર્વ ભાગમાં આવેલા જિલ્લાઓમાં પણ સરેરાશ કરતાં 31.89 ટકા વધુ વરસાદ પડ્યો હતો.
એ વર્ષે પ્રદેશમાં 1071 મિલમીટર વરસાદ નોંધાયો હતો.
જ્યારે વર્ષ 2015માં સરેરાશની સરખામણીએ 42 ટકા, 2016માં 20.43 ટકા, 2017માં 10.74 ટકા, 2018માં 28.45 ટકા, 2020માં 0.73 ટકા, 2021માં 15.07 ટકા, 2022માં 0.47 ટકા અને વર્ષ 2023માં અત્યાર સુધી 36.81 ટકા વરસાદની ઘટ જોવા મળી હતી.
આ સમયગાળા દરમિયાન વર્ષ 2015માં સૌથી ઓછો એટલે કે 781 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
ઉપર રજૂ કરાયેલાં તમામ તારણો વરસાદની પૅટર્નમાં આવેલા ફેરફારો સૂચવે છે. અમુક વિસ્તારોમાં જ નહીં પરંતુ લગભગ સમગ્ર રાજ્યમાં આ ફેરફાર જાણે ‘એક દેખીતી હકીકત’ બનતા જઈ રહ્યા છે.

ભારતમાં ચોમાસામાં કેવા ફેરફાર નોંધાયા?

ઇમેજ સ્રોત, IMD
ભારતના હવામાનવિભાગ દ્વારા જુલાઈ, 2023માં પાછલી એક સદી કરતાં પણ વધુ સમયના વરસાદના આંકડાનો અભ્યાસ કરીને સમગ્ર ભારતમાં ચોમાસા દરમિયાન પડેલ વરસાદની પૅટર્નમાં આવેલ બદલાવ અંગે રિપોર્ટ રજૂ કર્યો હતો.
આ રિપોર્ટમાં વર્ષ 1901થી 2010 સુધીના દાયકાવાર અને 30-30 વર્ષોની સરેરાશની સરખામણી કરાઈ હતી.
રિપોર્ટનાં તારણોમાં ભારતનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં 1901-2010 સુધીના સમયગાળા દરમિયાન ચોમાસું (જૂન-સપ્ટેમ્બર) અને ચોમાસાનો ટોચનો સમયગાળો (જુલાઈ-ઑગસ્ટ) દરમિયાન વરસાદમાં નોંધાયેલ ફેરફારની વાત કરાઈ છે.
રિપોર્ટમાં હિમાલયનાં ઊંચાઈવાળા પ્રદેશો, પશ્ચિમ ભારત અને ભારતીય દ્વીપકલ્પનાં ક્ષેત્રોનાં તારણો ‘ચિંતાજનક’ ગણાવાયાં છે. પરિણામો અનુસાર ઉપરોક્ત સમયગાળામાં આ ક્ષેત્રોમાં ચોમાસું અને તેના ટોચના સમયગાળા દરમિયાન વરસાદમાં 0.2થી 1 મિલીમીટર પ્રતિ દિવસ વધુ વરસાદ નોંધાયો છે.
આ સિવાય પશ્ચિમ ઘાટ , ઇન્ડો-ગંગા પ્રદેશનાં મેદાન અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં આ સમયગાળા દરમિયાન વરસાદમાં ઘટાડો નોંધાયો છે. આ પ્રદેશોમાં -0.6થી -1.5 મિલીમીટર પ્રતિ દિવસ જેટલો ઘટાડો નોંધાયો છે.
અભ્યાસનાં તારણો પર નજર કરતાં માલૂમ પડે છે કે પશ્ચિમ ભારતમાં ભારતીય ગ્રીષ્મકાલીન વર્ષાઋતુ દરમિયાન પડેલ વરસાદમાં વધારો જોવા મળ્યો છે, જ્યારે ઉત્તરપૂર્વ ભારતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
1901થી 2013 સુધીના ડેટાના વિશ્લેષણ અનુસાર ભારતના પશ્ચિમ ઘાટ અને ઉત્તરપૂર્વના અમુક ભાગોમાં આ સમયગાળા દરમિયાન સૌથી વધુ વરસાદ (15થી 17 મિલિમીટર પ્રતિ દિવસ) નોંધાયો હતો.
મધ્ય રાજસ્થાનના પ્રદેશો, ઉપરી ગુજરાતના પ્રદેશો અને દખ્ખણનાં ક્ષેત્રોમાં ત્રણથી પાંચ મિલીમીટર પ્રતિ દિવસના બદલાવ સાથે વરસાદ નોંધાયો છે.
જ્યારે પશ્ચિમ ભારત, ઉપરી હિમાલય અને નીચલા દ્વીપકલ્પમાં પડેલ વરસાદનો તફાવત એકથી ત્રણ મિલીમીટર પ્રતિ દિવસનો રહ્યો છે.
ઇન્ડો-ગંગા પ્રદેશનાં મેદાનો અને મધ્ય ભારતના મોટા ભાગના વિસ્તારોમાં પાંચથી 11 મિલીમીટર પ્રતિ દિવસના ગાળામાં વરસાદ નોંધ્યો છે.
મધ્ય, ઉત્તર અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન નવથી 11 મિલીમીટર પ્રતિ દિવસના બદલાવ સાથે વરસાદ નોંધાયો છે.
આંકડાકીય માહિતીનું વિશ્લેષણ અને ગ્રાફ : તઝીન પઠાણ, બીબીસી વિઝ્યુઅલ જર્નાલિઝમ ટીમ














