‘એટલી ગરમી છે કે બાળકો બેહોશ થઈ જાય છે’ ગરમીથી ઝઝૂમતા શહેરની કહાણી

ભીષણ ગરમી અને ભારે તડકામાં કામ કરવું લગભગ અશક્ય બની જાય છે
    • લેેખક, રિયાઝ સોહેલ
    • પદ, બીબીસી ઉર્દૂ

“દિવસ અત્યંત ગરમ અને શુષ્ક હોય છે. અમે કમજોરી અનુભવીએ છીએ, તેથી કોઈ કામ નથી કરી શકતા.”

આ તકલીફ હક નવાઝની છે જેઓ પાકિસ્તાનના સૌથી ગરમ શહેર જેકોબાબાદમાં ભારે તડકાથી બચવા માટે અન્ય મજૂરોની સાથે સૂર્યનું પ્રથમ કિરણ ધરતી પર પડે એ પહેલાંથી ભઠ્ઠામાં ઈંટ બનાવવાનું પોતાનું કામ શરૂ કરી દે છે.

સૂરજ નીકળતાની સાથે જ આ મજૂરોની સમય અને તડકા સાથેની સ્પર્ધા શરૂ થઈ જાય છે. જેમ જેમ ઘડીયાળનો કાંટો આગળ વધતો જાય છે, તેમ તેમ આ મજૂરો માટે કઠોર મહેનત કરવાનું મુશ્કેલ બની જાય છે.

પાકિસ્તાનના ઉત્તર સિંધના જેકોબાબાદ શહેરમાં આઠ કરતાં વધુ ભઠ્ઠા છે, જ્યાં લગભગ 500 કરતાં વધુ મજૂર કામ કરે છે.

જેકોબાબાદ પાકિસ્તાનના સૌથી ગરમ શહેરો પૈકી એક છે. આ ગરમીમાં તાપમાન 52 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.

ભલે ભઠ્ઠાના મજૂર હોય કે ખેતરમાં કામ કરતા ખેડૂત, બધા માટે આટલી ભીષણ ગરમી અને ભારે તડકામાં કામ કરવું લગભગ અશક્ય બની જાય છે.

પાકિસ્તાનના આર્થિક સર્વે 2024 અનુસાર, ''દેશમાં ગરમી વૈશ્વિક તાપમાન કરતાં પણ વધવાની આશંકા છે. તેમના પ્રમાણે, વર્ષ 2060 સુધી તાપમાનમાં ઓછામાં ઓછો 1.4થી 3.7 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થશે.''

બીબીસીએ પાકિસ્તાનના સૌથી ગરમ શહેરમાં રહેતા લોકોની દિનચર્યા જાણવા માટે ત્યાંની મુલાકાત લીધી. અમે એ પણ જાણવાની કોશિશ કરી કે જેકોબાબાદના સામાન્ય લોકો ભારે તડકા અને ગરમીનો સામનો કરવા માટે શું કરે છે અને એ દરમિયાન તેઓ કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે.

ગરમીના કારણે અડધો દિવસ પસાર થયો

ગરમીની તીવ્રતાના કારણે લોકોનીદિનચર્ચામાં પણ ફેરફાર આવી જાય છે
ઇમેજ કૅપ્શન, ગરમીની તીવ્રતાને કારણે લોકોની દિનચર્યા ખોરવાઈ જાય છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જ્યારે અમે હક નવાઝને ગરમીના કારણે કામ પર થતી અસર વિશે વાત કરી તો તેમણે કહ્યું કે શહેરના લગભગ આઠ ઈંટ ભઠ્ઠા પર કામ કરતા તમામ મજૂરો પર આ ગરમીનો બેવડો માર પડ્યો છે.

એક તરફ જ્યાં કામ દરમિયાન ગરમી અને તરસ લાગવાને કારણે થાકી જવાય છે અને વધુ કામ કરવા માટે તેઓ અક્ષમ બની જાય છે, ત્યાં જ બીજી તરફ ગરમીથી બચવા માટે તેઓ અડધો દિવસ જ મજૂરી કરી શકે છે. જેની સીધી અસર તેમની આવક પર પડે છે.

નવાઝ કહે છે કે ભઠ્ઠામાં કામ કરતા મજૂર અહીં સવારના ચાર વાગ્યાથી માંડીને આઠ-નવ વાગ્યા સુધી જ કામ કરે છે.

આ દરમિયાન એક મજૂર 500-600 ઈંટ બનાવે છે અને તેને 500 રૂપિયા જેટલી મજૂરી મળે છે. ઠંડીમાં એક મજૂર દિવસ દરમિયાન 900-1000 ઈંટ બનાવે છે અને તેની કમાણી બમણી થઈ જાય છે.

હક નવાઝ માટીના ઢગલામાંથી માટી કાઢીને બીબામાં નાખે છે અને તેને ઈંટના આકારમાં ઢાળી દે છે. તેઓ આ કામ અદ્વિતીય કુશળતા અને ઝડપ સાથે કરે છે.

હક નવાઝે જણાવ્યું કે ગરમીથી બચવા મટે તેઓ ખૂબ જલદી કામ કરવાનું શરૂ કરી દે છે, કારણ કે બપોરે અતિશય ગરમી થઈ જાય છે અને આ દરમિયાન કામ કરવું અશક્ય છે.

નવાઝ સવારે ચાર વાગ્યે જ ભઠ્ઠા પર પહોંચી જાય છે અને સવારે નવ વાગ્યા સુધી કામ કરે છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, “કાચી ઈંટોને એક ઢગલા પર રાખવામાં આવે છે, જ્યાં નીચે સળગતો અગ્નિ તેને પકવે છે. આ સ્થળે સવારેય ગરમીનો અનુભવ થાય છે. મજૂરો એ જ સ્થળે ઊભા રહીને કામ કરે છે.”

હક નવાઝ ઠંડીની મોસમને બહેતર માને છે, કારણ કે ત્યારે તેમને કામ કરવામાં સરળતા હોય છે, ઉપરાંત પૈસા પણ ઠીકઠાક મળી જાય છે. તેનાથી ઊલટું ગરમીમાં તકલીફની સાથોસાથ કામ કરવા માટે ઉપલબ્ધ સમયમાં પણ ઘટાડો થઈ જાય છે.

જેની સીધી અસર તેમની આવક અને તે બાદ તેમના જીવનનિર્વાહ કરવાની ક્ષમતા પર પડે છે.

બીબીસી ગુજરાતી

બાળકોને વારંવાર નવડાવાય છે

લૂ અને આકરી ગરમીના કારણે જેકોબાબાદ શહેરમાં શરબત અને બરફનો વ્યવસાય વધી ગયો છે

ઇમેજ સ્રોત, SHAHID ALI/AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, લૂ અને આકરી ગરમીના કારણે જેકોબાબાદ શહેરમાં શરબત અને બરફનો વ્યવસાય વધી ગયો છે

જેકોબાબાદમાં ભઠ્ઠા મજૂરો સિવાય મોટા ભાગના લોકોની રોજગારીનાં માધ્યમ ખેતી સાથે સંકળાયેલાં છે. અહીં ઘઉં અને ચોખાની ખેતી કરવામાં આવે છે.

જેકોબાબાદના કસબા ગોથ અરિકાપની મહિલાઓ ખેતરમાં કામ કર્યા બાદ સવારે જલદી ઘરે પરત ફરે છે, કારણ કે તેમનો બાકીનો સમય બાળકોને ગરમીથી બચાવવામાં પસાર થાય છે.

ઠંડીની ઋતુ દરમિયાન ખેતરેથી પરત ફર્યા બાદ આ મહિલાઓ પોતાનાં ઘરોમાં સિલાઈ-વણાટનું કામ કરે છે, પરંતુ ગરમીમાં તેમનું ધ્યાન પોતાનાં બાળકોના સ્વાસ્થ્યની જાળવણી અને ગરમીથી રક્ષણ પર હોય છે.

ગરમીની તીવ્રતાના કારણે તેમની દિનચર્ચામાં પણ ફેરફાર આવી જાય છે.

માટીના ઘરના વરંડામાં બેઠેલાં જન્નત ખાતૂને જણાવ્યું કે તેઓ દસ વાગ્યા સુધી પરત ફરે છે. ઘણી વાર ગરમી હોવાને કારણે એ પહેલાં પણ પરત ફરે છે.

ઘર પહોંચતાં જ તેમને ભીષણ ગરમીથી પરેશાન નાનાં બાળકોને સુવડાવવા માટે પ્રયત્નો કરવા પડે છે.

જન્નત ખાતૂન જણાવે છે કે ગરમીના કારણે બાળકો સૂઈ નથી શકતાં, તેથી તેમને વારંવાર નવડાવવાં પડે છે કે ભીનાં કપડાં પહેરાવવા પડે છે.

બાળકો સિવાય ગરમીથી રાહત મળે એ માટે પુખ્ત વયના લોકો પણ હૅન્ડપંપ નીચે જ નહાય છે.

જેકોબાબાદ શહેર અને તેનાં ઉપનગરોમાં અવારનવાર લોડ શેડિંગ અને વીજળીકાપનો સામનો કરવો પડે છે. આ તીવ્ર ગરમીની મોસમમાં પણ સામાન્યપણે 24 કલાકમાં દસ કલાક લોડ શેડિંગ થાય છે.

અહીંના ધનિક લોકોએ તો સૌરઊર્જાનો વિકલ્પ શોધી લીધો છે, પરંતુ ગરીબોએ ગરમીની મોસમ દરમિયાન લોડ શેડિંગની સમસ્યાથી બચવા પરંપરાગત અને સ્વદેશી રીતો અપનાવી છે.

બાળકો સિવાય ગરમીથી રાહત મળે એ માટે પુખ્ત વયના લોકો પણ હૅન્ડપંપ નીચે જ નહાય છે
ઇમેજ કૅપ્શન, બાળકો સિવાય ગરમીથી રાહત મળે એ માટે પુખ્ત વયના લોકો પણ હૅન્ડપંપ નીચે જ નહાય છે

નિહાલ ખાન લશારી નામના એક ગામમાં અમે ગધેડા દ્વારા સંચાલિત એક પંખો અને લોટ દળવાની ચક્કી જોઈ. તેને એક લાકડાનો આધાર દઈ જમીનમાં દાટી દેવાય છે અને તેમાં બે લાકડાને દોરડાની માફક બાંધી દેવાય છે અને એક ચાદર નાખી દેવાય છે. જ્યારે એ ગધેડો ગોળ-ગોળ ફરે છે ત્યારે આ ચાદર ઊડવા લાગે છે. વિસ્તારમાં વીજળી પહોંચી એ પહેલાં આ સિસ્ટમનો ઉપયોગ કરાતો હતો.

સેવાનિવૃત્ત શિક્ષક શફી મોહમ્મદ લશારીએ કહ્યું કે બપોરે તેઓ હાથપંખો ચલાવે છે, જ્યારે સાંજે તેઓ પંખો ચલાવે છે, ગધેડાને ત્રણ કિલો ચોખા કે અનાજ ખવડાવે છે અને આખી રાત પંખો ચલાવે છે, જેથી તેઓ આરામથી સૂઈ શકે.

તેમનું કહેવું છે કે, “પહેલાં બપોરે 12-1 વાગ્યા સુધી અમે કામ કરી લેતા, પરંતુ હવે તો સવારના સાત વાગ્યાથી જ ગરમી શરૂ થઈ જાય છે. તાપમાન વધવાને કારણે અમે ગરમી સહન નથી કરી શકતા અને અમારું કોઈ કામ નથી થઈ શકતું. આખો દિવસ હૅન્ડપંપના પાણીથી નહાઈને પસાર કરવો પડે છે.”

આ જ ગામમાં લોકોએ લોટ દળવા માટે પણ ગધેડાથી સંચાલિત ચક્કી બનાવી છે. જેને ગધેડો ચલાવે છે અને તેમાં અનાજ નાખવામાં આવે છે, જે મુખ્યપણે ચોખાનો લોટ હોય છે.

ત્યાંની એક સ્થાનિક વ્યક્તિ મોહમ્મદ મુસ્તફાએ કહ્યું કે વીજળી ઉપલબ્ધ ન હોઈ તેમની પાસે આ જ એકમાત્ર સમાધાન છે.

બરફનો ઉપયોગ નહીં કરીએ તો બાળકો બેભાન થઈ જાય છે

જેકોબાબાદ પાકિસ્તાનના સૌથી ગરમ શહેરો પૈકી એક છે
ઇમેજ કૅપ્શન, જેકોબાબાદ પાકિસ્તાનના સૌથી ગરમ શહેરો પૈકી એક છે

લૂ અને આકરી ગરમીના કારણે જેકોબાબાદ શહેરમાં શરબત અને બરફનો વ્યવસાય વધી ગયો છે. શહેરના લોકોને ઠંડુ પાણી મળી રહે તે માટે સરકારી અને બિન-સરકારી સંગઠનોએ ઘણા વિસ્તારોમાં હેન્ડપંપ લગાવ્યા છે.

સામાન્ય દિવસોમાં મોહમ્મદ દાનિશ ત્રણથી ચાર બરફની પાટ વેચતા હોય છે પરંતુ ઉનાળામાં તેમનું વેચાણ બહુ વધી જાય છે.

તેઓ કહે છે કે જેકોબાબાદમાં વીજળી સપ્લાય અપૂરતી રહેવાના કારણે બરફ જામતો નથી અને એટલા માટે તેઓ બરફ બીજા શહેરોમાંથી મંગાવે છે. બરફ લાવતી વખતે ઘણી વખતે તે રસ્તામાં પીગળી જાય છે અથવા તૂટી જાય છે.

તેઓ વધુમાં જણાવે છે કે જેકોબાબાદના લોકો 50 રૂપિયાથી લઇને 300 રૂપિયા સુધીના બરફની ખરીદી કરે છે.

બરફની ખરીદવા માટે આવેલા મુહમ્મદ ઇસ્માઇલ કહે છે કે આટલી આકરી ગરમીમાં બરફ વગર કોઈ છૂટકો નથી. તેઓ સવાર-સાંજ દોઢસો રૂપિયાની બરફ ખરીદે છે. તેઓ કહે છે કે ઑગષ્ટ સુધી બરફની ખરીદી કરતા રહેશે.

અબ્દુલ રઝ્ઝાક કહે છે કે વીજળી ન હોવાને કારણે એસી અને રેફ્રિજરેટર કામ નથી કરી રહ્યાં અને એટલાં માટે તેઓ બહારથી બરફ મંગાવે છે. તેઓ જણાવે છે કે ગરમીને કારણે બાળકો બેભાન સુધ્ધાં થઈ જાય છે.

બ્રિટીશ સૈન્યના જનરલ જોન જેકેબએ 18મી સદીની શરૂઆતમાં આ રેતાળ વિસ્તારમાં શહેર વસાવ્યું હતું. તેમના નામ પર આ શહેરનું નામ પડ્યું જેકોબાબાદ.

જનરલ જેકોબએ અહીં નહેરો પણ ખોદાવી હતી.

ગધેડા ગાડીઓ અને રિકશા વડે ઘરો સુધી ભૂગર્ભ જળ સપ્લાય કરવામાં આવે છે, જેની ગુણવત્તા સંદિગ્ધ હોય છે.

સાંજે ખરીદી કરવાનું વલણ

જળવાયુ પરિવર્તનના કારણે હવે મહિલાઓ સાંજથી લઈને રાત સુધી ખરીદી કરે છે

ઇમેજ સ્રોત, AFP VIA GETTY IMAGES

આ વિસ્તારોમાં સૂર્ય ઢળી ગયા બાદ મહિલાઓ ઘરેથી નિકળતાં નહોતાં પરંતુ જળવાયુ પરિવર્તનના કારણે હવે મહિલાઓ સાંજથી લઈને રાત સુધી ખરીદી કરે છે.

અમે બપોરે ત્રણ વાગ્યે જેકોબાબાદના મુખ્ય બજારમાં પહોંચ્યા.

ઈદને થોડા દિવસે બાકી છે પણ અહીં કર્ફ્યૂ જેવો માહોલ હતો. બજાર સૂમસામ હતાં અને ત્યાં એક પણ ખરીદદાર જોવા મળ્યો નહીં.

કૉસ્મેટિકની દુકાનના માલિક મોહસિન અલી કહે છે કે મહિલાઓ સાંજની નમાઝ પછી આવે અને દુકાનદાર સવારથી લઇને બપોર સુધી ખાલી બેસી રહે છે.

મોહસિન કહે છે કે જ્યારે શહેરનું તાપમાન એટલું વધારે નહોતું ત્યારે લોકો સાંજની જગ્યાએ સવારે ખરીદી કરવા માટે આવતા હતા. પરંતુ હવે બજારની મોટાભાગની દુકાનો બપોરે 12 વાગ્યા પછી જ ખૂલે છે અને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રહે છે.

બીજા દુકાનદાર જયેશ તુલસી કહે છે કે જ્યારે ગરમી ઓછી હોય છે ત્યારે તેઓ દિવસભર ગ્રાહકોની રાહ જોતા હોય છે પરંતુ લોકો પોતાના ઘરમાં પુરાયેલાં હોય છે.

જળવાયુ પરિવર્તનની અસરો ઉપર કામ કરતી એનજીઓ ટેન્ટિમ કમ્યુનિટી ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના કાર્યકર્તા જોન ઓધાનો કહે છે કે, ''જેકોબાબાદ શહેર અને તેની આજુબાજુમાં બહુ મર્યાદિત સંખ્યામાં વૃક્ષો છે. જે વૃક્ષો છે તે લોકોએ બચાવ્યાં છે બાકીના બધા સૂકાઈ ગયા છે.''

તેઓ વધુમાં જણાવે છે કે લોકો જળવાયુ પરિવર્તન અને આવનારા દિવસોમાં તેનાથી થનારી અસરો વિશે એટલાં જાગૃત નથી.

સૂર્યાસ્ત પછી શહેરના રસ્તાઓ અને ચાની દુકાનો પર લોકો ભેગા થવા લાગે છે. ક્યાંક લુડો તો ક્યાંક પત્તાંની મહેફિલ શરૂ થઈ છે.

લગભગ દરરોજ અહીં બળદની દોડાવાની સ્પર્ધા યોજાય છે. તેને જોવા માટે અને દાંવ લગાવવા માટે આકર્ષાય છે.