એ નદી જ્યાં માનવસભ્યતાનો વિકાસ થયો હતો

ટાઇગ્રિસ નદીનું ઉદગમ સ્થાન અત્યારે તુર્કીમાં છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટાઇગ્રિસ નદીનું ઉદગમ સ્થાન અત્યારે તુર્કીમાં છે
    • લેેખક, લીઓન મેક્કેરોન
    • પદ, બીબીસી ટ્રાવલ

આ કહાણી છે સંસ્કૃતિનું પારણું કહેવાતા એ વિસ્તારની જ્યાં આજથી હજારો વર્ષ પહેલાં માનવોએ કૃષિ અને પશુધનનો વિકાસ કર્યો.

ધૂળિયા માર્ગના અંતે એક નાનકડો રસ્તો ઉબડખાબડ શિખરો સાથેના પર્વતની ટોચ નજીક લઈ જાય છે.

એ રસ્તો એક બકરી ચાલી શકે તેટલો સાંકડો બની જાય છે, જે પહાડની કિનારી પર છે અને આગળ જતાં એક ઝરણા પાસે અટકે છે. તેમાંથી વિશાળ ધારા બને છે, જે વિસ્તૃત ધનુષ્યાકાર ટનલમાં ગાયબ થઈ જાય છે.

દોઢ કિલોમીટર પછી નદીનો સ્રોત જોવા મળે છે અને ગુફાની અંદર જે કંઈ થયું હશે તેનાથી નદી અભિભૂત થયેલી દેખાય છે.

અસીરિયાના પ્રાચીન લોકો માનતા હતા કે આ એક એવી જગ્યા છે, જ્યાં ભૌતિક અને આધ્યાત્મિક વિશ્વનું મિલન થાય છે. 3,000 વર્ષ પહેલાં તેમના સૈનિકો બલિદાન આપવા માટે આ નદી ઉપરથી પ્રવાસ કરતા હતા.

ઇસવી પૂર્વે 1146થી 1076ની દરમિયાનના એસીસિયાના રાજા ટિગ્લાથ પિલેસરનું શિલ્પ ટનલના પ્રવેશદ્વાર પર છે. સમયની થપાટોએ તેને જીર્ણશીર્ણ કરી નાખી છે, પરંતુ બાકી રહેલો હિસ્સો તેમના ભવ્ય સામ્રાજ્યનો નિર્દેશ કરે છે.

ટાઇગ્રિસ નદીનું ઉદગમ સ્થાન અત્યારે તુર્કીમાં છે. ત્યાંથી તે ટોરસ માઉન્ટન્સની દક્ષિણ-પૂર્વ દિશામાં વહે છે. તે ઉત્તર-પૂર્વ સીરિયાના એક નાના ખૂણાને સ્પર્શીને ઇરાકની રાજધાની બગદાદ પહોંચતા પહેલાં મોસુલ, તિક્રિત અને સમરા શહેરમાંથી પસાર થાય છે.

દક્ષિણ ઇરાકમાં મેસોપોટેમિયાના વ્યાપક કળણ તેની સહોદર નદી યુફ્રેટસના સંગમ પાસે ટાઇગ્રિસને શોષી લે છે. એ પછી બન્ને સાથે વહીને પર્શિયન ગલ્ફમાં ભળી જાય છે.

લગભગ 8,000 વર્ષ પહેલાં આપણા શિકારી પૂર્વજોએ બન્ને નદી વચ્ચેના વિશાળ મેદાનને કબજે કરી લીધું હતું. ત્યાં તેમણે કૃષિ અને પશુધનનો વિકાસ કર્યો હતો. તેને લીધે ઘણા લોકો આ પ્રદેશના સંસ્કૃતિનું પારણું કહેવા લાગ્યા હતા.

 કેટલાક લોકો એવો દાવો કરે છે કે એક સમયની શક્તિશાળી નદી ટાઇગ્રિસ હવે મૃત્યુ પામી રહી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેટલાક લોકો એવો દાવો કરે છે કે એક સમયની શક્તિશાળી નદી ટાઇગ્રિસ હવે મૃત્યુ પામી રહી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એરીડુ, ઉર તથા ઉરુક જેવાં શહેર-રાજ્યોમાં જ પૈડાં અને લેખનનો આવિષ્કાર થયો હતો. એ પછી કોડીફાઇડ કાનૂની પ્રણાલીઓ, જહાજો તથા બીયર બનાવવાની રીત અને પ્રેમગીતો સહિતની બીજી શોધ થઈ હતી.

પ્રાચીન સમયમાં આટલી બધી પ્રગતિ થઈ હોવા છતાં ઇરાકમાં દાયકાઓ સુધી ચાલેલા સંઘર્ષમાં આપણે ક્યારેક એ ભૂલી જઈએ છીએ કે ટાઇગ્રિસ નદીએ માનવ જાતિના સમાન વારસાને આકાર આપ્યો હતો અને તેનું જતન કર્યું હતું.

હું 2011માં એક એવી નાની ટીમનો હિસ્સો બન્યો હતો, જેણે ટાઇગ્રિસ નદીના ઉદગમ સ્થાનથી પર્શિયન ગલ્ફ સુધીના લગભગ 2,000 કિલોમીટર બોટમાં અને જમીન પર પ્રવાસ કર્યો હતો. તે અભિયાન 10 સપ્તાહનું હતું. એક નિષ્ણાતે મને ચેતવણી આપી હતી કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી તરત જ ખતમ થઈ ગયેલા ઓટ્ટોમન સામ્રાજ્યની સમય પછી કોઈએ આ સફરનો પ્રયાસ કર્યો નથી.

મારો ઉદ્દેશ નદીનું ઐતિહાસિક મહત્વ જાણવાનો, તેના કિનારે રહેતા લોકો મારફત તેનો ઇતિહાસ અન્યોને જણાવવાનો અને તેના ભવિષ્ય પરના જોખમની તપાસ કરવાનો હતો.

ભૂરાજકીય અસ્થિરતા, પાણીની ગેરવ્યવસ્થા અને આબોહવા પરિવર્તનને કારણે કેટલાક લોકો એવો દાવો કરે છે કે એક સમયની શક્તિશાળી નદી ટાઇગ્રિસ હવે મૃત્યુ પામી રહી છે. મને આશા હતી કે તે અમારી સફરમાં અમને અસ્તિત્વમાં આવેલી દરેક વસ્તુની યાદ અપાવશે અને માનવ સંસ્કૃતિનું પારણું કહેવાતી આ નદીનું અસ્તિત્વ ખતમ થઈ જશે તો એક સમાજ તરીકે આપણે ઘણુંબધું ગુમાવીશું.

ગ્રે લાઇન

તુર્કીમાં કુર્દ

દિયારબાકીર હાલ તુર્કીની મોટી કુર્દ વસ્તીની વાસ્તવિક રાજધાની છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિયારબાકીર હાલ તુર્કીની મોટી કુર્દ વસ્તીની વાસ્તવિક રાજધાની છે

તુર્કીના ઇગિલમાં ટાઇગ્રિસ નદીના ઉદ્ગમ સ્થાનથી 80 કિલોમીટર દૂર એસીરિયન કિલ્લાની દિવાલો છે.

નદીના કાંઠે સ્થાયી થયેલા ગ્રીક, આર્મેનિયન, બાયઝેન્ટાઇન, રોમન અને ઓટ્ટોમન દ્વારા તેમાં ક્રમિક ફેરફાર કરવામાં આવ્યા હતા.

આગળ તુર્કીના દિયારબાકીરમાં પણ કાંસ્ય યુગનો બીજો કિલ્લો છે. તેણે પસાર થતા સમયની સાથે વિવિધ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેમાં અસીરિયન કિલ્લા જેવા ફેરફાર પણ થયા હતા.

દિયારબાકીર હાલ તુર્કીની મોટી કુર્દ વસ્તીની વાસ્તવિક રાજધાની છે. તેની વળાંકવાળી ગલીઓમાં, શેતૂરના ઝાડની છાયામાં બેસાલ્ટ ખડકના આંગણામાં, દિવાલોમાં ગૂંજતા ભૂતિયા અવાજોથી મોહિત થઈને અમે આરામ કર્યો હતો.

ઊનનું જેકેટ પહેરીને એક મહિલા ત્યાં બેન્ચ પર બેઠાં હતાં. તેણે જમણા હાથથી એક કાન ઢાંક્યો હતો. તેનું નામ ફેલેકનાઝ અસલાન હતું અને તેના જોરદાર અવાજે અમને 30 મિનિટ સુધી ખડે પગે રાખ્યા હતા.

અસલાન ડેંગબેજ, કુર્દિશ ગાયક અને વાર્તાકાર છે. તેમના પૂર્વજોની પેઢીઓ વાર્તાઓ અને લોકકથાઓ કહેતી રહી છે. અસલાને જે ગીત ગાયું હતું તેમાં ટાઇગ્રિસના કિનારા પરના એક નિષ્ફળ પ્રેમ પ્રકરણની વાત કરવામાં આવી હતી.

અસલાને કહ્યું હતું કે સામાન્ય રીતે પુરુષો જ ડેંગબેજ કરતા હોય છે, પરંતુ હવે આ ક્ષેત્રમાં સ્ત્રીઓ પ્રવેશી છે. એ તેમની સંસ્કૃતિ તથા ઓળખ જાળવવાનો એક માર્ગ છે.

અસલાનના જણાવ્યા મુજબ, આ ગીતો માટે ટાઇગ્રિસ નદી કેન્દ્ર છે, કારણ કે તેને ભૂતકાળ અને વર્તમાન સમયમાં એ પ્રદેશના કુર્દિશ જીવનનું કેન્દ્રિય તત્વ ગણવામાં આવે છે.

દિયારબાકિરના દક્ષિણ-પૂર્વમાં ટાઇગ્રિસ નદી તૂર અબ્દીન ક્ષેત્રમાંના ટોરસ પર્વતની ઊંડી ખીણને ચીરીને આગળ વધે છે. તે સ્થાન સદીઓ સુધી સિરિએક ઓર્થોડોક્સ ચર્ચનું કેન્દ્ર બની રહ્યું છે. તેની ઉત્પત્તિ ખ્રિસ્તી ધર્મના પ્રારંભિક દિવસોથી થઈ છે.

અમે મોર એવગિન પર પહોંચ્યા હતા. તે અંતરિયાળ વિસ્તારમાં આવેલો ચોથી સદીનો એક મઠ છે, જે એક ખડકની ધાર પર, જાણે કે શ્રદ્ધાનો આધાર હોય તેમ ટકી રહ્યો છે.

તેની અંદર વિશ્વના પહેલા કેટલાક ખ્રિસ્તીઓએ લગાવેલું પ્લાસ્ટર હજુ પણ યથાવત છે. તેના પર સિરિએક લિપિમાં લખેલા પ્રાર્થનાના પાઠ છે.

મેં એક ગોખલામાં મીણબત્તી પ્રગટાવી હતી અને નમસ્કાર કર્યા હતા. એ યાદ અપાવતું હતું કે ટાઇગ્રિસના કાંઠાના આ ફળદ્રુપ વિસ્તારમાં યહુદી, ખ્રિસ્તી તથા ઇસ્લામ ધર્મ કેવી મોકળાશથી ખિલ્યા હતા અને પછી લોકોએ તેનો વારસો, માન્યતાઓ તેમજ વિચારો કેવી રીતે અપનાવ્યા હતા તથા વિશ્વના દૂરના વિસ્તારો સુધી ફેલાવ્યા હતા.

ગ્રે લાઇન

વિનાશ અને પુનર્નિમાણ

ઇસવી પૂર્વે સાતમી સદીમાં સ્થપાયેલું મોસુલ વિશ્વના સૌથી જૂના શહેરો પૈકીનું એક છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇસવી પૂર્વે સાતમી સદીમાં સ્થપાયેલું મોસુલ વિશ્વના સૌથી જૂના શહેરો પૈકીનું એક છે

અમે શક્ય હોય ત્યારે નાની બોટમાં પ્રવાસ કર્યો હતો, પરંતુ ટાઇગ્રિસ નદીમાં પ્રવેશવાનું ઘણીવાર મુશ્કેલ બનતું હોય છે.

તુર્કીમાં સંખ્યાબંધ ડેમ પ્રોજેક્ટ્સને કારણે નદીના પ્રવાહમાં આગળ વધવું મુશ્કેલ હોય છે. આ ડેમ પ્રોજેક્ટ્સને કારણે મોટો વિવાદ સર્જાયો છે. સીરિયામાં ટાઇગ્રિસ નદી આંતરરાષ્ટ્રીય સરહદને ચિહ્નિત કરે છે. તેથી નદીને લીધે બે ભાગમાં વહેંચાયેલા ઇરાકી શહેર મોસુલમાં જ અમે વધુ મુક્ત રીતે પ્રવાસ કરી શક્યા હતા.

2014 અને 2017ની વચ્ચે આપખુદ ઇસ્લામિક સ્ટેટ જૂથે મોસુલ કબજે કર્યું ત્યારે સ્થાનિક રહેવાસીઓ ટાઇગ્રિસ નદીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નદીના પશ્ચિમ કાંઠા પરનું જૂનું મોસુલ શહેર જૂથનું આશ્રયસ્થાન બન્યું હતું.

લડાઇ દરમિયાન મોસુલમાં નદી પરના તમામ પૂલનો નાશ થયો હતો. અંતિમ યુદ્ધમાં બચવાના પ્રયાસમાં જેહાદીઓ ટાઇગ્રિસ નદીમાં કૂદી પડ્યા હોવાના અહેવાલ પણ આવ્યા હતા.

ઐતિહાસિક રીતે નદી એકમેકને જોડવાનું બળ બની શકે, પરંતુ તે સંઘર્ષનો મુદ્દો કેવી રીતે બની તે આપણે જોયું છે.

અરબીમાં મોસુલનું નામ અલ-માવસિલ છે. તેનો અર્થ ‘જોડાણનું બિંદુ’ થાય છે. આ નામ કદાચ એટલા માટે પડ્યું હતું કે આ શહેર ટાઇગ્રિસ નદીના કિનારે દિયારબાકિર, તુર્કી અને બસરા વચ્ચેનું એક મહત્વપૂર્ણ જંકશન તથા વ્યાપારી કેન્દ્ર હતું.

ઇસવી પૂર્વે સાતમી સદીમાં સ્થપાયેલું મોસુલ વિશ્વના સૌથી જૂના શહેરો પૈકીનું એક છે. બારમી સદીમાં તેનો સૂર્ય તપતો હતો ત્યારે આ પ્રદેશ પર જેનો જબરો પ્રભાવ હતો. તે વંશીય અને ધાર્મિક રીતે વૈવિધ્યસભર શહેર પણ બન્યું હતું.

આ સંગમને લીધે સમૃદ્ધ સાંસ્કૃતિક પ્રદેશ સર્જાયો હતો. ઇસ્લામિક સ્ટેટ સામેના સંઘર્ષમાં જૂના શહેરનો મોટાભાગનો હિસ્સો નાશ પામ્યો હોવા છતાં શહેરની ભાવના હજુ ટકી રહી છે.

ટાઇગ્રિસ રિવર પ્રોટેક્ટર્સ એસોસિએશનના સ્થાપક અને અમે પ્રવાસના સાથી સલમાન ખૈરલ્લાએ કહ્યું હતું, “ટાઇગ્રિસ નદીની આજુબાજુનું ઘણું બધું બચી ગયું છે. તેનાથી વધુ મહત્વની વાત એ છે કે અમે ઇરાકીઓ હંમેશા પુનર્નિમાણ કરીએ છીએ. અમે વિનાશને ક્યારેય સ્વીકારીશું નહીં.”

મોસુલમાં બારમી સદીની અલ-નુરીની મહાન મસ્જિદ યુદ્ધમાં નાશ પામી હતી, પરંતુ યુનેસ્કો અને સંયુક્ત આરબ અમિરાતે આપેલા મોટા દાન સાથે તેનું પુનઃનિર્માણ ચાલી રહ્યું છે. એ ભૌતિક પુનર્નિમાણ જેટલું જ અદભૂત સ્થાનિક સમુદાય દ્વારા સંચાલિત સાંસ્કૃતિક પુનર્જાગરણ પણ છે.

મસ્જિદની સામે બાયતના છે. તેનો અર્થ છેઃ અમારું ઘર. યુવા મોસ્લાવી આરબ કળાકારોએ જૂના ઓટ્ટોમન ઘરનું નવીનીકરણ કરીને ત્યાં બહુહેતુક સ્થળ – મ્યુઝિયમ, કેફે અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવ્યું છે.

તેના સ્થાપકો પૈકીના એક સારા સલેમ અલ-દબ્બાગે કહ્યું હતું, “અહીં જે થયું હતું તે લોકો ભૂલી જાય એવું અમે નથી ઇચ્છતા. અમે કૌશલ્યવાન લોકો માટે રોજગારની તક અને સહાયક સ્થાનનું નિર્માણ કરવા ઇચ્છીએ છીએ.”

ગ્રે લાઇન

આતિથ્ય

આશુર એસીરિયન સામ્રાજ્યની પ્રથમ રાજધાની હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આશુર એસીરિયન સામ્રાજ્યની પ્રથમ રાજધાની હતું

મોસુલથી ટાઇગ્રિસ અમને આશુર તરફ લઈ જાય છે. તે એસીરિયન સામ્રાજ્યની પ્રથમ રાજધાની હતું. ત્યાં 4,000 વર્ષ જૂની ઝિગ્ગુરાટ એટલે કે વિશાળ ઇમારત નદીના તટ પાસે આવેલી છે.

તેની બહારના રણ પ્રદેશમાં એસીરિયનની બીજા રાજધાની નિમરુદ અને હત્રા નામનાં શહેરો આવેલાં છે. 2,000 વર્ષ પહેલાં પ્રવાસીઓ ત્યાં રાતવાસો કરતા હતા.

આઈસિસે ત્રણેય શહેરને નુકસાન કર્યું છે, પરંતુ પુરાતત્ત્વવિદોની પરાક્રમી ટીમ, ટાંચાં સંસાધનો ઉપલબ્ધ હોવાં છતાં સ્થળની સલામતી માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે.

યુદ્ધ અને દુશ્મનાવટ માટે આંતરરાષ્ટ્રીય સમાચારોમાં વારંવાર ચમકતા આ પ્રદેશના લોકોએ કરેલા નિષ્ઠાવાન આતિથ્યની સૌથી મજબૂત છાપ મારા મનમાં પડી હતી.

મુસ્લિમોના પવિત્ર રમઝાન માસમાં પણ અમારા યજમાનો પોતે ઉપવાસ કરતા હોવા છતાં અમારા માટે ચા બનાવતા હતા. તેમણે અમને બકરીના માંસની યાદગાર વાનગીઓ ખવડાવી હતી.

ઇરાકના કિફ્રિજ ગામમાં મેયરે અમને જણાવ્યું હતું કે બે ભરવાડ યુવાનો આઈસિસના કબજા હેઠળના પ્રદેશમાંથી બે નાગરિકોને ટાઇગ્રિસ નદી રાતે પાર કરીને સલામત રીતે પાછા લાવ્યા હતા.

મને જાણવા મળ્યું હતું કે તાજેતરની તમામ હિંસા સ્થાનિક લોકોની ઉદારતા અને વિદેશીઓને મદદ કરવાની તેમની ભાવનાને હચમચાવી નાખવામાં નિષ્ફળ રહી છે. વહેતી નદીના પ્રવાહની જેમ ટાઇગ્રિસ આ બધી કથાઓ સાથે જોડાયેલી છે - જીવન અને મૃત્યુ વચ્ચેની સીમા તરીકે તથા દયાના મહાન કાર્યોના વાહક તરીકે.

ગ્રે લાઇન

‘આગામી બ્રહ્માંડનું પાણી’

ટાઇગ્રિસ નદી આજે પણ મેન્ડેઅન્સ સમુદાયના ઘણા સભ્યો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટાઇગ્રિસ નદી આજે પણ મેન્ડેઅન્સ સમુદાયના ઘણા સભ્યો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે

અમે ઇરાકના સૌથી નાના અને કદાચ સૌથી જૂના વંશીય-ધાર્મિક જૂથ મેન્ડેઅન્સ સાથે એક રવિવાર વિતાવ્યો હતો.

મેન્ડેઅન્સ નિયમિત દીક્ષાને આધ્યાત્મિક પોષણના સ્રોત અને પાપથી છૂટકારો મેળવવાનો માર્ગ ગણે છે. વહેતા પાણીમાં દીક્ષા લેવી જોઈએ અને ટાઇગ્રિસ નદી આજે પણ સમુદાયના ઘણા સભ્યો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે.

મેં જોયું કે એક પાદરી એક પછી એક આઠ મહિલાઓને ટાઇગ્રિસમાં લઈ ગયા હતા. તેઓ તેમને હળવેથી પાણીમાં ડૂબાડતા હતા અને અરામેકની પ્રાચીન બોલી માંડેમાં પ્રાર્થના કરતા હતા. આ બોલી તેમણે જ જીવંત રાખી છે.

પાદરીના સહાયકે કહ્યું હતું, “અહીંનું પાણી આગામી બ્રહ્માંડ જેવું જ છે.”

જે નદી મેન્ડેઅન્સ લોકો અને અન્ય ઘણા સમુદાયનો આધાર છે તે નદી જ જોખમમાં છે, પરંતુ સલમાન ખૈરલ્લા જેવા કાર્યકરો, આશુરના પુરાતત્વવિદો અને તેમની સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા મોસાલવી કળાકારોના અભિપ્રાયના આધારે હું એવા તારણ પર પહોંચ્યો હતો કે ટાઇગ્રિસના સંરક્ષકો હાર માનવા તૈયાર નથી. તેઓ પુનઃનિર્માણ માટે પ્રતિબદ્ધ છે.

મેં ખૈરલ્લાને નદીના ભવિષ્ય વિશે સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું, “ઇરાકીઓએ કાયમ આશાવાન રહેવું જોઈએ. અગાઉની પેઢીઓએ જે કંઈ કર્યું હતું તે બધું આપણે બદલાવી શકીએ.”

ગ્રે લાઇન

ટાઇગ્રિસ નદીના કાંઠે મુલાકાત લેવા જેવા પાંચ સ્થળ

દિયારબાકિર શહેરની દિવાલોઃ પ્રાચીન બાંધકામની આસપાસ ફરવાથી આ વિસ્તારને હજારો વર્ષોના ઇતિહાસનો ખ્યાલ આવે છે અને શહેરનું વિહંગમ દૃશ્ય જોઈ શકાય છે.

મોસુલ હેરિટેજ હાઉસઃ આ પુનર્નિર્મિત સાંસ્કૃતિક કેન્દ્ર અને સંગ્રહાલય ઇસ્લામિક સ્ટેટ પછીના મોસુલના પુનર્જન્મનું પ્રતિનિધિત્વ કરે છે.

સમરાની ગ્રેટ મસ્જિદઃ તેનો સર્પાકાર મિનારો ઇરાકનું પ્રતિકાત્મક સીમાચિહ્ન છે. તે નવમી સદીથી ઉભો છે.

ઇરાક મ્યુઝિયમઃ તેનું વિશાળ અને આશ્ચર્યજનક કલેક્શન દેશની કથા કહે છે.

મેસોપોટેમીયન સ્વેમ્પ્સઃ પ્રચૂર જૈવવિવિધતા સાથેનું વ્યાપક કળણ, જેણે આરબોની અનન્ય સંસ્કૃતિને હજારો વર્ષોથી પોષી છે.

(લિયોન મેકકેરોન ઇરાક સ્થિત પત્રકાર, સંશોધક અને ‘વુન્ડેડ ટાઇગ્રિસ’ પુસ્તકના લેખક છે. આ પુસ્તક તાજેતરમાં બ્રિટન તથા ઉત્તર અમેરિકામાં પ્રકાશિત થયું છે)

રેડ લાઇન
રેડ લાઇન