જમીનથી 85 મીટર નીચે આવેલા આ શહેરમાં 20 હજાર લોકો કેવી રીતે રહેતા હતા?

ઇમેજ સ્રોત, Danm/Getty Images
- લેેખક, જીના ટ્રુમેન
- પદ, બીબીસી ટ્રાવેલ
કેપ્પાડોસિયાની વિખ્યાત ચીમનીઓની 85 મીટરથી પણ વધુ નીચે એક વિશાળ ભૂગર્ભ શહેર આવેલું છે. આ શહેર વર્ષોથી લગભગ સતત ઉપયોગમાં લેવાતું રહ્યું છે.
અમે કેપ્પાડોસિયાની લવ વેલીમાંથી પસાર થતા હતા ત્યારે ફૂંકાયેલા જોરદાર પવને ઢીલી માટીને હવામાં વિખેરી નાખી હતી. ગુલાબી અને પીળા રંગની ટેકરીઓએ ઊંડી રેડ કેન્યન્સના લૅન્ડસ્કેપને રંગીન બનાવતી હતી અને દૂર ખડકોની ચિમની-સ્ટેક જેવી સંરચનાઓ દેખાતી હતી.
વાતાવરણમાં શુષ્કતા અને ગરમી હતાં, સાથે પવન પણ ફૂંકાતો હતો. અત્યંત સુંદર દૃશ્ય હતું. આ અસ્થિર, જ્વાળામુખીય વાતાવરણે જ, આસપાસના સ્તંભોને શંકુઆકારની મશરૂમથી ઢંકાયેલી આકૃતિમાં સહસ્રાબ્દીઓ પહેલાં પરિવર્તિત કર્યા હશે. સેન્ટ્રલ ટર્કિશ પ્રદેશમાંની આ આકૃતિઓ હવે હજારો આગંતુકોને પોતાના ભણી આકર્ષે છે.
અલબત્ત, કેપ્પાડોસિયાની ક્ષીણ થતી સપાટી નીચે એટલી જ વિશાળ અજાયબી છુપાયેલી છે. તે એક ભૂગર્ભ શહેર છે, જે 20 હજાર લોકોને એક મહિના સુધી સંતાડી રાખવાની ક્ષમતા ધરાવે છે.
એલેંગુબૂ નામના પ્રાચીન શહેરને આજે ડેરિનકુયૂ નામે ઓળખવામાં આવે છે. તે પૃથ્વીની સપાટીથી લગભગ 85થી વધુ મીટર નીચે છે અને તેમાં 18 લેવલની ટનલ છે.
જમીન ખોદીને બનાવવામાં આવેલા વિશ્વના આ સૌથી મોટા શહેરનો બાયઝાન્ટિન યુગમાં ફ્રિજિયનથી માંડીને ફારસીઓ અને ખિસ્તીઓ દ્વારા વર્ષો સુધી નિરંતર ઉપયોગ થતો રહ્યો હતો.
આખરે 1920ના દાયકામાં ગ્રીકો-તુર્કી યુદ્ધ દરમિયાન પરાજય થયા બાદ કેપ્પાડોસિયન યુનાનીઓએ તેનો કબજો છોડવો પડ્યો હતો અને તેઓ ગ્રીસ ભાગી ગયા હતા.

તુર્કીની સેંકડો વર્ષ પહેલાં બનાવાયેલું અંડરગ્રાઉન્ડ શહેર, જેમાં 20 હજાર લોકો રહી શકતા હતા
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

- તુર્કીના કેપ્પાડોસિયામાં સેંકડો વર્ષ પહેલાં બનેલ ભૂગર્ભ શહેર મળી આવ્યું હતું.
- આ શહેરનું બાયઝાન્ટિન યુગમાં ફ્રીજિયનથી માંડીને ફારસીઓ અને ખિસ્તીઓ દ્વારા વર્ષો સુધી નિરંતર ઉપયોગ થતો રહ્યો હતો
- શહેરમાં ગુફા જેવા સેકંડો ઓરડાઓ માઇલો સુધી ફેલાયેલા છે એટલું જ નહીં.
- સેંકડો વર્ષો સુધી દબાઈને રહી ગયેલું આ શહેર અકસ્માતે મળી ગયું હતું.
- જોકે, ડેરિનક્યૂની રચનાનું શ્રેય કોને આપવું તેનું રહસ્ય યથાવત્ છે.

1963માં ફરી મળી આવ્યું ભૂગર્ભ શહેર

ઇમેજ સ્રોત, SVPhilon/Getty Images
આ શહેરમાં ગુફા જેવા સેકંડો ઓરડાઓ માઇલો સુધી ફેલાયેલા છે એટલું જ નહીં, પરંતુ આ ક્ષેત્રમાંથી શોધી કાઢવામાં આવેલાં 200થી વધુ નાનાં, અલગ ભૂગર્ભ શહેરો સાથે અહીંની ટનલો જોડાયેલી હોવાની શક્યતા પણ છે.
મારા ગાઇડ સુલેમાને જણાવ્યા મુજબ, વારંવાર ખોવાઈ જતી પોતાની મરઘીઓ શોધવાનો પ્રયાસ કરતા એક સ્થાનિકે ડેરિનક્યૂને 1963માં ફરી શોધી કાઢ્યું હતું.
એ માણસ તેના ઘરનું નવીનીકરણ કરતો હતો ત્યારે તેની મરઘીઓ તિરાડોમાં ગુમ થઈ જતી હતી અને પછી મળતી ન હતી.
ઝીણવટભર્યા નિરીક્ષણ અને થોડું ખોદકામ કર્યા પછી તેણે એક અંધારિયો માર્ગ શોધી કાઢ્યો હતો. એ માર્ગ લોકોનાં ઘરોમાં જોવા મળતા 600થી વધુ પ્રવેશદ્વારોમાંનો સૌપ્રથમ માર્ગ હતો અને ઉપનગરીય શહેર ડેરિનક્યૂ તરફ જતો હતો.
એ પછી તરત જ મોટાપાયે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. તેમાંથી ભૂગર્ભ આવાસો, અનાજ સંઘરવાના ઓરડાઓ, પશુઓના તબેલા, વાઈનરી અને એક ચર્ચનું પેચીદું નેટવર્ક મળી આવ્યું હતું.
એક પૂર્ણ સંસ્કૃતિને ભૂગર્ભમાં સલામત રાખવામાં આવી હતી. એ પછી આ ભૂગર્ભ શહેર નિહાળવા હજારો તુર્કીઓ ઊમટી પડ્યા હતા અને 1985માં આ સ્થળનો સમાવેશ યુનેસ્કોના વૈશ્વિક વારસાની યાદીમાં કરવામાં આવ્યો હતો.
આ શહેરનું નિર્માણ ખરેખર ક્યારે કરવામાં આવ્યું હતું એ બાબતે વિવાદ છે, પરંતુ ઈસવીસન પૂર્વે 370માં એથેન્સના ઝેનાફોન લિખિત એનાબેસિસમાં ડેરિનક્યૂનો ઉલ્લેખ જોવા મળે છે. એ પુસ્તકમાં કેપ્પાડોસિયા ક્ષેત્ર કે તેની આસપાસના અનાતોલિયન લોકોનો ઉલ્લેખ પણ કર્યો છે. અનાતોલિયન લોકો તે વિખ્યાત પહાડોમાંના ઘરોને બદલે ભૂમિગત ઘરોમાં રહેતા હતા.

'નિર્માણનું શ્રેય મહદ્અંશે હિત્તી સમુદાયને'

ઇમેજ સ્રોત, Richard Beck/Getty Images
ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં ક્લાસિકલ સ્ટડીઝનાં ઍસોસિએટ પ્રોફેસર એન્ડ્રિયા ડી. જિયોર્ગીના જણાવ્યા મુજબ, માટીમાં પાણીના ઓછા પ્રમાણ અને તેની લવચીક, ઇચ્છિત આકાર આપી શકાય તેવા ખડકોને લીધે કેપ્પાડોસિયા એ પ્રકારના ભૂમિગત નિર્માણ માટે અત્યંત યોગ્ય પ્રદેશ છે. પાવડા અને કોદાળી જેવાં સાધનો વડે સ્થાનિક ખડકોને ઇચ્છિત આકાર આપવાનું સરળ હશે એવું સમજાવતાં તેમણે કહ્યું હતું કે એ ક્ષેત્રનું ભૂઆકૃતિ વિજ્ઞાન ખોદકામ માટે અનુકૂળ છે.
જોકે, ડેરિનક્યૂની રચનાનું શ્રેય કોને આપવું તેનું રહસ્ય યથાવત્ છે.
ભૂમધ્યસાગર પ્રદેશના ગુફાસંબંધી બાબતોના નિષ્ણાત એ. બર્ટિનીના જણાવ્યા મુજબ, ભૂમિગત ગુફાઓના નેટવર્કનું પાયાનું કાર્ય કરવાનું શ્રેય મહદ્અંશે હિત્તી સમુદાયના લોકોને આપવામાં આવે છે.
તેમણે જમીનમાં કેટલાક સ્તર સુધી ખોદકામ કર્યું પછી ઈસવીસન પૂર્વે 1200માં ફ્રીજિઓએ તેમના પર હુમલો કર્યો હતો. એ પરિકલ્પનાની સાબિતી આપતી હોય તેમ ડેરિનક્યૂની અંદરના ભાગમાંથી હિતી કળાકૃતિઓ પણ મળી આવી હતી.
જોકે, શહેરના મોટા હિસ્સાનું નિર્માણ લોહયુગના ઉચ્ચ કુશળતા ધરાવતા ફ્રીજિયન વાસ્તુકારોએ કર્યું હોવાની શક્યતા છે. ફ્રીજિયનો પાસે ભૂમિગત સુવિધાઓના નિર્માણ માટેનાં સાધનો હતાં.
એન્ડ્રિયા ડી. જિયોર્ગીના જણાવ્યા મુજબ, અનાતોલિયાનાં મુખ્ય પ્રારંભિક રાજ્યો પૈકીનું એક હતું ફ્રીજિયન્સ.
તેમણે ઈસવીસન પૂર્વે પહેલી સહસ્રાબ્દીના અંત ભાગમાં પશ્ચિમી અનાતોલિયામાં વિકસાવ્યું હતું અને તેઓ રૉક ફૉર્મેશનને કળાકૃતિનું સ્વરૂપ આપવા તથા નોંધપાત્ર રૉક-કટ ફેસેડ્ઝ સર્જવા કટિબદ્ધ હતા. તેમના રાજ્યમાં પશ્ચિમી અને મધ્ય અનાતોલિયાના મોટાભાગના હિસ્સાઓ સામેલ હતા અને ડેરિનક્યૂ પણ.
ડેરિનક્યૂનો ઉપયોગ મુખ્યત્વે માલ-સામાનના સંગ્રહ માટે કરવામાં આવતો હતો, પરંતુ તેનો પ્રાથમિક ઉદ્દેશ વિદેશી આક્રમણકર્તાઓથી બચવાના સ્થાન તરીકેનો હતો.
કેપ્પાડોસિયા પર સદીઓ સુધી પ્રમુખ સામ્રાજ્યો હુમલા કરતા રહ્યાં હતાં. એન્ડ્રિયા ડી જિનોર્ગીના જણાવ્યા મુજબ, સામ્રાજ્યોના શાસકો અને એનાતોલિયા પરનો સદીઓ સુધીનો તેમનો પ્રભાવ ડેરિનક્યૂ જેવાં આશ્રયસ્થાનોનું મહત્ત્વ કેટલું હતું એ સૂચવે છે.
એ મુખ્યત્વે ખ્રિસ્તી બાયઝેન્ટાઈન સામ્રાજ્ય પરના ઇસ્લામના આક્રમણનો સાતમી સદીનો સમય હતો. એ સમયે આ ભૂગર્ભ વ્યવસ્થાનો સંપૂર્ણપણે ઉપયોગ કરવામાં આવ્યો હતો,
જ્યારે ફ્રીજિયન, ફારસી અને સેલ્જુક તથા અન્ય લોકો આ પ્રદેશમાં રહ્યા હતા અને તેમણે ભૂગર્ભ શહેરનો એ પછીની સદીઓમાં વિસ્તાર કર્યો હતો. બાયઝેન્ટાઈન કાળમાં ડેરિનકૂયૂની વસ્તી તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી. એ સમયે લગભગ 20 હજાર લોકો ભૂમિગત આવાસમાં રહેતા હતા.

પ્રાચીન ભૂગર્ભ શહેર અંદરથી કેવું છે?

ઇમેજ સ્રોત, RalucaHotupan/Getty Images
આજે તમે માત્ર 60 તુર્કી લીરા એટલે કે લગભગ 265 રૂપિયા ચૂકવીને ભૂમિગત જીવનની કઠોર વાસ્તવિકતાનો અનુભવ કરી શકો છો.
હું સાંકડી અંધારી ટનલમાં ઊતર્યો ત્યારે મને, પ્રકાશ માટે વર્ષો સુધી રાખવામાં આવેલી મશાલોના ધુમાડાને લીધે કાળી પડેલી દીવાલો જોવા મળી અને બંધિયાર જગ્યામાં ગૂંગળામણનો અનુભવ થવા લાગ્યો હતો.
જોકે, ડેરિનકુયૂ સુધી વિસ્તરેલી વિભિન્ન સામ્રાજ્યોની સરળતા તરત જ સ્પષ્ટ થઈ ગઈ હતી.
મુલાકાતીઓને સાંકડા હૉલવેમાંથી વાંકા વળીને કૉરિડૉર તથા રહેઠાણોની ભુલભુલામણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. કોઈ ઘૂસણખોર માટે અહીં આસાનીથી પ્રવેશવું મુશ્કેલ હશે.
અડધો ટન વજન ધરાવતા મોટા ગોળ પથ્થરોએ તમામ 18 લેવલના દરવાજા બંધ કરી દીધા હતા અને તે અંદરથી જ ખૂલી શકતા હતા. એ મોટા દરવાજાઓની વચ્ચેના ભાગમાં નાનકડાં ગોળ કાણાં હતાં, જે ખુદને સલામત રાખવાની સાથે હુમલાખોરો પર નજર રાખવાની સગવડ અહીંના રહેવાસીઓને આપતાં હતાં.
મારા ગાઇડ સુલેમાને ઉમેર્યું હતું કે ભૂગર્ભ શહેરમાંનું જીવન કદાચ મુશ્કેલ હતું. અહીંના નિવાસીઓએ માટીનાં બંધ વાસણોમાં ઉત્સર્ગકાર્ય કરવું પડતું હતું.
તેમને મશાલના પ્રકાશનો સહારો હતો અને લોકોના મૃતદેહોનો નિકાલ અંદર જ એક ચોક્કસ જગ્યામાં કરવામાં આવતો હતો. શહેરના દરેક લેવલ પર ચોક્કસ હેતુઓ માટે જગ્યા બનાવવામાં આવી હતી.
પશુઓના મળમૂત્રમાંથી વછૂટતા ઝેરી ગૅસ તથા તેની દુર્ગંધનો પ્રભાવ ઘટાડવા માટે તેમજ શિયાળામાં ગરમાટો મળી રહે એ હેતુસર ગમાણો સપાટીની નજીક બનાવવામાં આવતી હતી.
શહેરના અંદરના વિસ્તારમાં રહેઠાણો, શાળાઓ અને મીટિંગ સ્પેસ હતી. અભ્યાસની સંપૂર્ણ વ્યવસ્થા સાથેની પરંપરાગત બાયઝેન્ટાઈન મિશનરી સ્કૂલ બીજા માળે આવેલી છે.
એન્ડ્રિયા ડી. જિનોર્ગીના જણાવ્યા મુજબ, અહીં આવેલા વિશિષ્ટ ઓરડા દર્શાવે છે કે ડેરિનકુયૂના રહેવાસીઓ જમીનની નીચે મહિનાઓ સુધી રહેવા તૈયાર હતા.
સૌથી વધુ પ્રભાવશાળી આ સંકુલની હવાઉજાસની વ્યવસ્થા અને પાણીનો કૂવો છે. તે એટલી કુશળતાથી બનાવવામાં આવી છે કે સમગ્ર શહેરને તાજી હવા અને સ્વચ્છ પાણી મળી શકે.
વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે ડેરિનકુયૂના પ્રારંભિક બાંધકામ આ બે જીવનજરૂરી ચીજો પર જ કેન્દ્રિત હતાં.
લગભગ 50 વૅન્ટિલેશન શાફ્ટને લીધે ભૂગર્ભ શહેરમાં, તેનાં મકાનોમાં અને રસ્તાઓ પર પૂરતા પ્રમાણમાં હવા મળી રહે છે. લગભગ 55 ફૂટ ઊંડો કૂવો ખોદવામાં આવ્યો છે અને શહેરના રહેવાસીઓ પણ તેનો લાભ લઈ શકે છે.

વિસ્તારના અનેક ભૂગર્ભ શહેરો પૈકી એક
ડેરિનકુયૂનું નિર્માણ ખરેખર અદ્ભુત છે, પણ એ કેપ્પાડોસિયામાંનું એકમાત્ર ભૂગર્ભ શહેર નથી. 445 ચોરસ કિલોમિટરમાં ફેલાયેલું આ શહેર, અનાતોલિયન મેદાની પ્રદેશની નીચે ફેલાયેલાં 200થી વધુ શહેરો પૈકીનું એક છે. એ પૈકીનાં 40થી વધારે શહેરો સપાટીથી ત્રણ કે તેનાથી વધુ લેવલ નીચે નિર્માણ પામ્યાં છે.
એ પૈકીનાં ઘણાં કાળજીપૂર્વક બાંધવામાં આવેલી ટનલો મારફત ડેરિનકુયૂ સાથે જોડાયેલાં છે. કેટલીક તો નવેક કિલોમિટર લાંબી છે.
જમીનની સપાટી પર તત્કાળ પાછા ફરવું જરૂરી હોય તેવા કિસ્સામાં એ તમામમાં ઇમર્જન્સી ઍસ્કેપ રૂટ્સથી સુસજ્જ છે, પરંતુ કેપ્પાડોસિયાનાં બધાં ભૂમિગત રહસ્યો હજુ જાણી શકાયાં નથી. 2014માં એક નવું અને પ્રમાણમાં ઘણું મોટું કહી શકાય તેવું ભૂગર્ભ શહેર નેવસેહિર પ્રદેશમાં મળી આવ્યું હતું.
કેપ્પાડોસિયન યુનાનીઓને હાંકી કાઢવામાં આવ્યા પછી 1923માં ડેરિનકુયૂની ગાથાનો અંત આવ્યો હતો. નિર્માણના સંભવતઃ 2000 વર્ષ પછી આ શહેરને સૌપ્રથમવાર છેલ્લી વખત ત્યજી દેવાયું હતું.
કેટલીક મરઘીઓનાં તોફાન-મસ્તીને કારણે પ્રકાશમાં આવ્યું એ પહેલાં આ ભૂગર્ભ શહેરના અસ્તિત્વને લોકો વીસરી ગયા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













