'દીકરાને જન્મ આપે તો રખાત વધારે શક્તિશાળી બનતી', સુલતાનોની લોહિયાળ કહાણી

ઑટોમન જનાનખાનામાં શક્તિશાળી સ્ત્રીઓ હતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડેઝી રોડ્રિગ્ઝ
    • પદ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ

તુર્કીના શક્તિશાળી ઑટોમન સામ્રાજ્યના રાજવીઓની જેટલી કહાણીઓ છે તેટલી જ ચર્યા તેના જનાનખાનાની પણ છે. એક સમયે દુનિયના સૌથી પ્રભાવશાળી ગણાતા ઑટોમન સામ્રાજ્યના જનાનખાનામાં રહેતી કેટલીક મહિલાઓનો સમાવેશ ઇતિહાસની સૌથી શક્તિશાળી સ્ત્રીઓમાં થતો હતો.

જોકે યેલ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર તરીકે કાર્યરત અલન મિખાઈલે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "ઑટોમન સામ્રાજ્યના 600થી વધુ વર્ષના ઇતિહાસમાં સુલતાનોની તમામ માતાઓ ટેકનિકલ રીતે ગુલામ હતી."

પણ અત્યાર સુધીના જ્ઞાત સૌથી મહાન સામ્રાજ્યો પૈકીના એકમાં રાજકીય શક્તિના ખેલમાં મહિલાઓનો પ્રભાવ ઉલ્લેખનીય હતો.

એબ્રુ બોયરે તેમના ‘ઑટોમન વીમેન ઇન પબ્લિક સ્પેસ’માં લખ્યું છે કે એ પૈકીની ઘણી મહિલાઓ જનાનખાનામાં ખોવાઈ ગઈ ન હતી કે જાતીય સંતોષનું રમકડું બની નહોતી રહેતી કે તેમની ભૂમિકા બાળકોને જન્મ આપવા પૂરતી ન હતી.

"એ મહિલાઓ વિવિધ સ્તરે અને અલગ-અલગ ભૂમિકામાં દૃશ્યમાન રાજકીય ખેલાડી બની રહી હતી."

બીબીસી ગુજરાતી

રાજકીય અને વ્યૂહાત્મક સંબંધ

સુલતાનો તેમના સંતાનો, રાજકુમારો તેમની પત્નીઓ સાથે નહીં, પરંતુ રખાતોની સાથે રહે તેવું ઇચ્છતા

ઇમેજ સ્રોત, Getty Images

ઑટોમન સામ્રાજ્યના કેટલાક રાજકુમારો અને સુલતાનોનું લગ્નજીવન પ્રેમભર્યું હતું, છતાં અન્ય સંબંધો રાજકીય તથા વ્યૂહાત્મક કારણોથી પ્રેરિત હતા.

દાખલા તરીકે, સંબંધ સ્થાપિત કરવા માટે પ્રદેશમાંના અન્ય નેતાઓની પુત્રીઓને પત્ની તરીકે પસંદ કરવામાં આવતી હતી, એવું તુર્કીમાં મિડલ ઈસ્ટ ટેકનિકલ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ રિલેશન્શ વિભાગના પ્રોફેસર એબ્રુ બોયરે બીબીસીને જણાવ્યું હતું.

જોકે, તેમાં એક ચોક્કસ વલણ ઊભરી આવ્યું હતું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અલન મિખાઇલ કહે છે કે, "સુલતાનો રખાતો સાથે તેમનાં સંતાનો, રાજકુમારો તથા ભાવિ સુલતાનો પેદા કરવાનું ઇચ્છતા હતા."

પ્રજનન કરવાની ઇચ્છા થાય ત્યારે તેઓ જનાનખાનામાં દાસી તરીકે રાખવામાં આવેલી સ્ત્રીઓમાંથી એકની પસંદગી કરતા હતા.

એબ્રુ બોયર કહે છે, આ કારણે, ખાસ પરિવારો (રાજકાજ સાથે સંકળાયેલા પરિવાર)ની હોવાને લીધે ચોક્કસ રાજકીય લાભ ધરાવતી મુક્ત મહિલાઓ બાજુ પર ધકેલાઈ ગઈ હતી. સુલતાનો તેમના ઉત્તરાધિકારીની માતા તરીકે, એવી સ્ત્રીને પસંદ કરતા હતા જેનો રાજકાજમાં પ્રભાવી પરિવાર સાથે સંબંધ ન હોય.

ઇસ્લામી કાયદા મુજબ, લગ્નને લીધે જન્મ્યું હોય કે લગ્ન થયા વિનાના સંબંધને લીધે જન્મ્યું હોય તેવું બાળક કાયદેસરનું ગણાય છે, તે સમયે આ એક મહત્ત્વપૂર્ણ વાત હતી.

"સુલતાનનો પહેલો પુત્ર પત્નીની કૂખે જન્મ્યો હોય અને બીજો રખાતની કૂખે જન્મ્યો હોય તો પણ બન્નેને સિંહાસન પર બેસવાનો કાયદેસરનો સમાન અધિકાર હતો."

"સુલતાનો રખાત રાખતા હતા અને બાળક જન્મશે તો તેની સાથે લગ્ન કરવાં પડશે તેની ચર્ચા કર્યા વિના તેઓ રખાતો સાથે પ્રજનન કરતા હતા."

કાયદા મુજબ, તેમને મહત્તમ ચાર પત્નીઓ તથા અનેક રખાત રાખવાની છૂટ હતી, તે અલગ વાત છે.

બીબીસી ગુજરાતી

અનેક દાવેદાર

યુદ્ધમાં વિજય થતા સુલતાનો મહિલાઓને બળજબરીથી ઉઠાવીને શાહી રાજધાનીમાં લઈ જતા

ઇમેજ સ્રોત, Getty Images

ઑટોમન સુલતાનો યુદ્ધમાં વિજય મેળવતા ત્યારે ઘણી મહિલાઓને બળજબરીથી ઉઠાવીને શાહી રાજધાનીમાં લઈ જવામાં આવતી હતી.

મિખાઇલના જણાવ્યા મુજબ, આ સામ્રાજ્યના સમયગાળાના સંદર્ભમાં વાત કરીએ તો એ પૈકીની ઘણી સ્ત્રીઓને દક્ષિણ તથા પૂર્વ યુરોપમાંથી લાવવામાં આવી હતી. હાલ જે રોમાનિયા તથા યુક્રેન છે. દક્ષિણ રશિયા, બ્લૅક સી પ્રદેશ અને કાકેશસમાંથી લાવવામાં આવી હતી.

"આવી સ્ત્રીઓ એક વખત જનાનખાનામાં પહોંચી જાય પછી તેઓ સુલતાનની કાયદેસરની સંપત્તિ બની જતી હતી. સુલતાનોને તેમની સાથે જાતીય સંબંધ બાંધવાનો અધિકાર હતો."

બોયર કહે છે, "ખાસ કરીને દીકરાને જન્મ આપે તો" રખાત વધારે શક્તિશાળી બની જતી હતી.

મહત્ત્વની વાત એ હતી કે એ સમયે વધુને વધુ દીકરાઓને જન્મ આપવાનું વલણ હતું, કારણ કે ઘણાં બાળકો સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓને લીધે નાની ઉંમરે જ મૃત્યુ પામતાં હતાં.

બીજું કારણ એ પણ હતું કે ચોક્કસ વયના રાજકુમારોને યુદ્ધ લડવા મોકલવામાં આવતા હતા અને ત્યાં તેમના મોતની શક્યતા પણ હતી, એમ મિખાઇલ જણાવે છે.

તેમને કહેવા મુજબ, "મહત્ત્વની વાત એ હતી કે સુલતાનોને સંખ્યાબંધ સંતાનો હતાં. એ પૈકીના એકને કંઈક થાય તો બીજો વિકલ્પ કાયમ ઉપલબ્ધ રહેતો હતો."

બીબીસી ગુજરાતી

જનાનખાનાથી સત્તા સુધી

સુલતાનના અનુગામી બનવાની સ્પર્ધામાં માતાઓ બહુ જરૂરી બની ગઈ હતી

ઇમેજ સ્રોત, Getty Images

મિખાઇલના કહેવા મુજબ, "માતા તથા પુત્ર જનાનખાનામાં રહેતા હતા અને એ કારણે તેમની ટીમ બની જતી હતી. સુલતાનના અનુગામી બનવાની સ્પર્ધામાં માતાઓ બહુ જરૂરી બની ગઈ હતી, કારણ કે તેઓ તેમનાં સંતાનોને સુલતાનના અનુગામી બનાવવા કાયમ તત્પર રહેતી હતી."

"કયો પુત્ર તેના પિતાને સૌથી વધુ પ્રિય હશે? કોને સર્વોત્તમ શિક્ષણ મળશે? કયો દીકરો મોટો થશે પછી તેને સામ્રાજ્યમાં મહત્ત્વનું સ્થાન મળશે?"

આમ માત્ર વારસદારો વચ્ચે જ નહીં, પરંતુ તેમની માતાઓ વચ્ચે પણ એક પ્રકારની સ્પર્ધા સર્જાતી હતી.

આ છોકરાઓ 10થી 15 વર્ષ વચ્ચેની વયના થાય ત્યારે, તેઓ તેમના પિતાના અનુગામી બનવાને લાયક છે કે નહીં તે ચકાસવા માટે, તેમને સામ્રાજ્યમાં એક નાના શહેરના વહીવટ જેવી નેતૃત્વ સંબંધી કામગીરી સોંપવામાં આવતી હતી.

મિખાઇલ જણાવે છે, એ છોકરાઓ તેમની માતા અને શિક્ષકો તથા સલાહકારોની ટીમ સાથે એ કામ માટે જતા હતા. “શહેરના ગવર્નર તરીકેનું કામ કોઈ 11, 12 કે 13 વર્ષના છોકરાને સોંપવામાં આવે તો તે એ જવાબદારીના વહન માટે તૈયાર ન હોય એ આપણે જાણીએ છીએ."

"તેથી એ સ્પષ્ટ થાય છે કે એ નાનાં નગરો તથા શહેરોનાં સંચાલનમાં તેમની માતાઓ મહત્ત્વની ભૂમિકા ભજવતી હતી."

રાજકુમાર સત્તાવાર રીતે તો શહેરના ગવર્નર હતા, પરંતુ વાસ્તવિકતા અલગ હતી.

ઇતિહાસકારોને દસ્તાવેજો તથા ન્યાયિક રેકૉર્ડ્ઝના અભ્યાસમાંથી જાણવા મળ્યું છે કે શહેરના વહીવટમાં માતાઓએ મોટો ભાગ ભજવ્યો હતો.

જોકે, સૌથી મહત્ત્વની જવાબદારી સામ્રાજ્યની રાજધાનીની હતી.

"પુત્ર સુલતાન બને તો પરિવારમાં માતાની સ્થિતિ બદલાઈ જતી હતી. તે શાહી માતા બની જતી હતી, રાજવંશની ઉચ્ચ વ્યક્તિ બની જતી હતી. એ ખૂબ જ શક્તિશાળી સ્થિતિ હતી. ઑટોમન ઇતિહાસમાં વિવિધ બિંદુઓ પર રાજમહેલમાં માતાનું રાજ ચાલતું હતું.”

“ઑટોમન સામ્રાજ્યના 600થી વધુ વર્ષના ઇતિહાસમાં લગભગ તમામ સુલતાનની માતાઓ ટેકનિકલ રીતે ગુલામ હતી."

"એ સ્ત્રીઓ મૂળમાં ઑટોમન સામ્રાજ્યની ન હતી. તેઓ જન્મે ખ્રિસ્તી હતી અને જનાનખાનામાં પ્રવેશ્યા પછી તેમણે ઇસ્લામ ધર્મ અંગિકાર કર્યો હતો."

ઇસ્તંબુલનું ટોપકાપી પેલેસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇસ્તંબુલમાં પ્રવાસીઓના મુખ્ય આકર્ષણના પૈકીનું એક ટોપકાપી પેલેસ છે. તે મહેલો 1478થી 1856 દરમિયાન ઑટોમન શાહી દરબારનું વહીવટી કેન્દ્ર તથા આવાસ હતા.

ઇતિહાસકાર કહે છે, "પૅલેસમાં પ્રવેશો ત્યારે જનાનખાનું ઑટોમન સામ્રાજ્યની સરકારી કચેરીઓની બાજુમાં જ જોવા મળે છે."

આમ સ્ત્રીઓ "સત્તાના કેન્દ્રમાં" હતી. સુલતાનની નજીક હતી, તેમના સલાહકારો અને મુખ્ય વઝીરની સમકક્ષ હતી. " આ સ્ત્રીઓ સરકારની કામગીરીમાં સામેલ ન હોય તેવો કોઈ સવાલ જ નથી."

શક્તિશાળી હોય તેનું અસ્તિત્વ જ ટકી રહે એ પ્રકારની પરિસ્થિતિ આ રીતે આકાર પામી હતી.

"જે માતા ઝડપથી દરબારના દાવપેચ શીખી લેતી હતી અને પોતે ભણેલા પાઠ દીકરાને ભણાવી શકતી હતી તેને સૌથી વધુ લાભ થતો હતો."

1470થી 1520 દરમિયાન સુલતાન તરીકે સત્તારૂઢ સલીમ પ્રથમના ‘ગોડ્ઝ શેડો’ નામના જીવનચરિત્રમાં એક સંશોધકે જણાવ્યું છે તેમ, જનાનખાનું ભાવિ સુલતાનો માટેની બહુવિધ બાબતોનું તાલીમ કેન્દ્ર બની ગયું હતું.

એ પુસ્તકમાં જણાવ્યા મુજબ, "કલ્પના અને દંતકથાનો વિષય બની રહેલાં જનાનખાના સામાન્ય વ્યક્તિની કલ્પના કરતાં પણ વધુ ભવ્ય અને સુસજ્જ હતાં. તે વાસ્તવમાં સ્કૂલ જેવા વધારે હતાં."

હકીકતમાં સુલતાન બાયઝિદ દ્વિતીયના સૌથી મજબૂત ત્રણ દાવેદારો તેમની રખાતોના પુત્ર હતા. એમને જનાનખાનામાં ભાષાઓ, ધર્મ, ફિલસુફી તથા લશ્કરીકળાનું એકસમાન શિક્ષણ મળ્યું હતું.

સલીમ પ્રથમે આ વ્યવસ્થા બનાવી હતી અને તેના શાસનકાળમાં ઑટોમન સામ્રાજ્યનો જબરો પ્રાદેશિક વિસ્તાર થયો હતો.

બીબીસી ગુજરાતી

સત્તા મેળવવા રક્તપાત

મહિલાઓ વિવિધ સંસ્કૃતિની હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઉત્તરાધિકારના સંદર્ભમાં સાવકા ભાઈઓ એકમેકના વિરોધી અને કેટલાક દુશ્મન પણ બન્યા હતા.

"તેમની વચ્ચે ગાઢ સંબંધ ન હોય તે શક્ય છે, કારણ કે તેઓ એક જ પિતાના સંતાન હોવા છતાં કાયમ એકમેકના પ્રતિસ્પર્ધી હતા," એમ કહેતાં તેઓ ઉમેરે છે, "તેઓ નાના હતા ત્યારે પણ જનાનખાનામાં તેમને ખુદને સિંહાસનના દાવેદાર ગણવાની તાલીમ આપવામાં આવી હતી."

વર્ષો પછી તેઓ તરુણાવસ્થામાં પહોંચે ત્યારે તેમને વિવિધ શહેરોમાં મોકલવામાં આવતા હતા. એ કારણે સાવકા ભાઈઓ વચ્ચે ગાઢ સંબંધ સ્થપાવાની શક્યતા ઘટી જતી હતી.

"ઑટોમન સામ્રાજ્યના પ્રારંભિક સમયગાળામાં એક પુત્ર સિંહાસન પર આરૂઢ થાય પછી પ્રતિસ્પર્ધીઓને ખતમ કરી નાખવાનું તેમના માટે બહુ સામાન્ય હતું. સાવકા ભાઈઓના કિસ્સામાં પણ આવું જ બનતું હતું."

દાખલા તરીકે, સલીમ પ્રથમે રાજગાદી સંભાળ્યા પછી તરત જ તેમના બે સાવકા ભાઈની હત્યા કરી હતી.

પ્રોફેસર તેમના પુસ્તકમાં જણાવે છે, "તકનીકી રીતે ઑટોમન સામ્રાજ્યના પ્રથમ સુલતાન ઓસ્માનના કોઈ પણ પુરુષ વંશજને રાજગાદી પર બેસવાનો અધિકાર હતો, પરંતુ સત્તાનું સિંહાસન કાયમ મોટા પુત્રને જ મળતું હતું. તેથી સુલતાનના મોટા ભાગના ઉત્તરાધિકારીઓ વચ્ચે રક્તપાત થતો રહ્યો હતો."

પોતાનો પુત્ર મરી જાય, તેની સાથે પદ-પ્રતિષ્ઠા ગુમાવવાં પડે તેવું રાજકુમારની એકેય માતા ઇચ્છતી ન હતી.

બીબીસી ગુજરાતી

રાજાને ગમે તે રાણી

યુક્રેનિયન મૂળની ગુલામ રોક્સેલાનાએ ‘મહાન પ્રાચ્ય મહારાણી’નું સ્થાન મેળવ્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

પ્રોફેસર બોયર કહે છે, "જે રખાતો સુલતાનની પ્રિયકર બની ગઈ હતી તેમની પાસે સદીઓ પહેલાં તેમના પુરોગામીઓ કરતાં વધારે રાજકીય શક્તિ હતી. સુલતાનના હૃદયમાં આગવું સ્થાન મેળવીને એ રખાતોએ રાજકીય સત્તા મેળવી હતી.”

તેનું ઉદાહરણ રોક્સેલાના છે. યુક્રેનિયન મૂળની ગુલામ રોક્સેલાનાએ સુલેમાન ધ મેગ્નિફિસન્ટનું દિલ જીતી લીધું હતું અને ઇતિહાસમાં ‘મહાન પ્રાચ્ય મહારાણી’નું સ્થાન મેળવ્યું હતું.

તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ઇસ્તંબુલમાં તેને ગુલામ તરીકે વેચી મારવામાં આવી હતી. એ પછી કિશોરી હતી ત્યારે સુલેમાનના જનાનખાનામાં આવી હતી. રોક્સેલાનાએ પહેલાં સુલતાનનું દિલ જીત્યું હતું, પછી તેની રાણી અને ત્યાર બાદ તેના અનેક સંતાનોની માતા બની હતી.

તેની સાથે બીજી એક વાત જાણવી જરૂરી છે. સુલેમાને 1520થી 1566ની વચ્ચે શાસન કર્યું હતું. તેને બીજી સ્ત્રીથી એક પુત્ર હતો. મુસ્તફા નામનો પુત્ર તેમનો અનુગામી બનવા માટે મજબૂત દાવેદાર હતો.

"એક માતા તરીકે રોક્સેલાના બહુ જ મજબૂત અને શક્તિશાળી બની ગઈ હતી. સુલેમાન પ્રત્યેની નિષ્ઠા તેની સૌથી મોટી મૂડી હતી. પોતાનો પુત્ર જ સુલેમાનનો અનુગામી બને તે રોક્સેલાનાએ સુનિશ્ચિત કર્યું હતું."

તેણે સુલેમાનને ખાતરી કરાવી હતી કે મુસ્તફા તેને સત્તા પરથી ઉથલાવવાનું કાવતરું ઘડી રહ્યો છે. તેથી સુલતાને રાજદ્રોહ બદલ મુસ્તફાની હત્યા કરાવી હતી. એ પછી રોક્સેલાનાના પુત્ર સલીમ દ્વિતીયએ સિંહાસન સંભાળ્યું હતું.

બીબીસી ગુજરાતી

ગુલામ સ્ત્રીઓની સ્થિતિ

જનાનખાનામાંની મહિલાઓ સ્વતંત્ર ન હતી

ઇમેજ સ્રોત, Getty Images

બોયર કહે છે, "સોળમી સદીના મધ્યથી લઈને 17મી સદીના મધ્ય સુધી રાજમહેલમાં મહિલાઓની રાજકીય સ્તરે હાજરી જોવા મળે છે."

"તે એ મહિલાઓ હતી, જેમને ગુલામ તરીકે લાવવામાં આવી હતી. તેની સાથે આ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે એ ગુલામી, પશ્ચિમમાં જેને ગુલામી ગણાય છે અથવા આજે આપણે જે અર્થમાં સમજીએ છીએ તે ન હતી."

"જનાનખાનામાંની મહિલાઓ સ્વતંત્ર ન હતી. તેમ છતાં કેટલીક સત્તા અને સંપત્તિ હાંસલ કરી શકતી હતી."

"ગુલામ શબ્દ આપણા કાને પડે ત્યારે આપણા મનમાં ગુલામોના ટ્રાન્સઍટલાન્ટિક વેપારનો વિચાર આવે છે. ઑટોમન સામ્રાજ્યમાં ગુલામી સમાન હોવા છતાં અલગ હતી."

"તે અલગ એ અર્થમાં હતી કે અમેરિકાની માફક એ વારસાગત ન હતી. તે આજીવન દરજ્જા જેવી ન હતી. ઑટોમન સામ્રાજ્યમાં અને મુસ્લિમ વિશ્વમાં અન્યત્ર વ્યક્તિ ગુલામીમાંથી મુક્ત થઈ શકતી હતી."

"જોકે, સ્ત્રીઓ મુક્ત થઈ શકતી ન હતી. તેમની પાસે કોઈ વિકલ્પ ન હતો. સુલતાનને શરીર સુખ જોઈતું હોય ત્યારે તેમણે ઉપલબ્ધ રહેવું પડતું હતું."

"એ સ્ત્રીઓ બાળકોને જન્મ આપી શકતી હતી અને તેમની સ્થિતિ સુધરવાની શક્યતા જરૂર હતી."

મિખાઇલ તેમના પુસ્તકમાં જણાવે છે કે સલીમ પ્રથમની માતા ગુલબહાર હાતુનના પિતાએ ઑટોમન સૈન્યમાં જોડાવા માટે ઇસ્લામ અંગીકાર કર્યો હતો. "તે ઉપરાંત પોતાની પુત્રીને સુલતાનની રખાત તરીકે આપીને વધુ સામાજિક લાભ મેળવવાના પ્રયાસ પણ તેમણે કર્યા હતા."

"પોતાના વતન કરતાં રાજમહેલમાં વધારે આરામદાયક જીવન જીવવા મળશે. સુલતાનનાં માતા અને તેથી સામ્રાજ્યમાં સૌથી મહત્ત્વપૂર્ણ મહિલા તેમજ વિશ્વની સૌથી શક્તિશાળી સ્ત્રીઓ પૈકીની એક બનવાની તક મળશે," એ વાત ગુલબહાર જાણતા ન હતાં.

આખરે એવું જ બન્યું હતું. ગુલબહારે સરકાર પર જબરો પ્રભાવ પાથર્યો હતો અને ઑટોમન સામ્રાજ્યની શાહી માતાનું પ્રતીક બની ગયાં હતાં.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી