ટાઇટેનિક સહિત ત્રણ-ત્રણ મોટી દુર્ઘટનામાં આ મહિલા કેવી રીતે બચી ગઈ?


ટાઇટેનિક ડૂબી રહ્યું હતું. સૌથી પહેલાં તેમાંથી મહિલાઓ તથા બાળકોને લાઇફ બોટમાં બેસાડવામાં આવી રહ્યાં હતાં. એવી એક બોટમાં એક નાનું બાળક, એક નાનો છોકરો અને એક મહિલા બેઠાં હતાં. તે બોટને પાણીમાં છોડતાં પહેલાં બોટ પરના અધિકારીએ બૂમ પાડીને પૂછ્યું, “જહાજની ડૅક પર હવે કોઈ મહિલા બાકી છે? ”
કોઈ આગળ આવ્યું નહીં.
બીજા અધિકારીએ ફરી પૂછ્યું, “કોઈ મહિલા બાકી તો નથીને? ” પછી એક સ્ત્રી આગળ આવી અને કહ્યું, “હું આ જહાજની મુસાફર નથી, પણ અહીં કામ કરું છું.” અધિકારીએ ક્ષણવાર માટે તેમની સામે જોયું અને કહ્યું, “કંઈ વાંધો નહીં, પણ તમે એક મહિલા છો. તમારા માટે બોટમાં જગ્યા છે.”
વાયોલેટનું નસીબ છેલ્લી ઘડીએ પલટાયું હતું. તેમને લાઇફ બોટમાં જગ્યા મળી હતી અને તેના લીધે તેમનો જીવ બચી જવાનો હતો.
જોકે, તેઓ બચી ગયાં હોય તેવું પહેલીવાર બન્યું ન હતું અને છેલ્લીવાર પણ બન્યું ન હતું.
ટાઇટેનિક 1912ના એપ્રિલમાં ડૂબી ગયું હતું. તેના એક વર્ષ પછી બહાર પાડવામાં આવેલા ‘ધ ટ્રુથ અબાઉટ ટાઇટેનિક’ પુસ્તકમાં ઉપરોક્ત ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે.
કેટલાંક પુસ્તકોમાં એવો ઉલ્લેખ મળે છે કે ટાઇટેનિક પરના બિન-અંગ્રેજીભાષી લોકોએ વાયોલેટને લાઇફ બોટમાં બેસાડવાનું જહાજ પરના અધિકારીઓને અધિકારીઓને જણાવ્યું હતું.
ઇતિહાસમાં વાયોલેટને ‘મિસ અનસિંકેબલ’ અથવા તો ‘ક્વીન ઑફ સિંકિંગ શિપ’ તરીકે ઓળખવામાં આવે છે. વાયોલેટ એક નર્સ હતાં અને તેઓ એ સમયના અદ્ભુત જહાજ પર મુસાફરી કરી રહ્યા હતાં. તે આશ્ચર્યજનક જહાજ જલસમાધિ પામ્યું, પરંતુ વાયોલેટ ડૂબ્યા નહીં. એ વાયોલેટ જોસેફની આ કથા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાયોલેટની આત્મકથા 1998માં પ્રકાશિત થઈ હતી. તેનું સંપાદન જૉન મેક્સટોન-ગ્રેહામે કર્યું હતું. એ પછી દુનિયાને ખબર પડી હતી કે વાયોલેટ માત્ર ટાઇટેનિક જ નહીં, પરંતુ ત્રણ મોટી જહાજ દુર્ઘટનામાંથી ઊગરી ગયાં હતાં.

કોણ હતી એ મહિલા?

ઇમેજ સ્રોત, Getty Images
વાયોલેટનો જન્મ આર્જેન્ટિના જઈને વસેલા એક સાધારણ આઇરિશ પરિવારમાં થયો હતો. પરિવારમાં સૌથી મોટી દીકરી હોવાને કારણે વાયોલેટ પર ટૂંક સમયમાં જ છ ભાઈ-બહેનોના ઉછેરની જવાબદારી આવી પડી હતી.
વાયોલેટ નાનાં હતાં ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું અને તેમનાં માતા જહાજ પર નર્સ તરીકે કામ કરતાં હતાં. થોડા સમય પછી માતા પણ બીમાર પડ્યાં અને મૃત્યુ પામ્યાં.
વાયોલેટે 21 વર્ષની વયે જહાજ પર સ્ટુઅર્ડેસ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. જહાજમાં પ્રવાસ કરતા શ્રીમંત પ્રવાસીઓ ખવડાવવું, પિવડાવવું, તેમને ખુશ રાખવા, તેમના ઓરડાની સફાઈ કરવી અને તેમનું બીજું કામકાજ કરવું એ વાયોલેટની જવાબદારી હતી.
ટાઇટેનિક ડૂબી ગયું ત્યારે વાયોલેટની વય માત્ર 25 વર્ષ હતી. તેમણે સમગ્ર જીવન દરમિયાન જહાજો પર કુલ 40 વર્ષ કામ કર્યું હતું અને એ સમયગાળામાં અનેક મુશ્કેલીનો સામનો કર્યો હતો.

ટાઇટેનિક ડૂબ્યું એ રાતની વાત

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આજથી બરાબર 110 વર્ષ પહેલાંની વાત છે. ટાઇટેનિકના મોટા ભાગના પ્રવાસીઓ ઊંઘી રહ્યા હતા. એ અંધારી રાતે ટાઇટેનિક હિમશીલા સાથે અથડાયું હતું.
ટાઇટેનિક ઈંગ્લૅન્ડના સાઉધમ્પ્ટનથી પ્રતિ કલાક 41 કિલોમીટરની ઝડપે અમેરિકાના ન્યૂયૉર્ક તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે એ અકસ્માત થયો હતો. 14 અને 15 એપ્રિલની મધરાતે માત્ર ત્રણ કલાકમાં વિશાળ ટાઇટેનિક ઍટલાન્ટિક મહાસાગરમાં ગરકાવ થઈ ગયું હતું.
જે જહાજ ક્યારેય ડૂબશે જ નહીં એવું કહેવાતું હતું તે દરિયામાં ગરકાવ થઈ ગયું હતું. એ દુર્ઘટનામાં લગભગ 1,500 લોકો મૃત્યુ પામ્યા હતા. આજે 110 વર્ષ પછી પણ તેને સૌથી મોટો દરિયાઈ અકસ્માત ગણવામાં આવે છે.
ટાઇટેનિકમાં સલામતીની જોગવાઈ ભારપૂર્વક કરવામાં આવી હતી. તે દુર્ઘટનામાં ઘણા લોકો મૃત્યુ પામ્યા તેનું એક કારણ એ હતું કે જહાજ પર પૂરતા પ્રમાણમાં લાઇફ બોટો નહોતી.
એ રાતનું વર્ણન ‘ટાઇટેનિક સર્વાઈવરઃ ન્યૂલી ડિસ્કવર્ડ મેમ્વાર્સ ઑફ વાયોલેટ જોસેફ’ પુસ્તકમાં કરવામાં આવ્યું છે.
તેમાં વાયોલેટે કહ્યું છે, “એક ક્ષણે તદ્દન શાંતિ પથરાયેલી હતી. ચારે તરફ કાજળ ઘેરો અંધકાર હતો અને પછી એકાએક જોરદાર ખળભળાટ સર્જાયો હતો. હું તેને ક્યારેય ભૂલી શકીશ નહીં. અમારું જહાજ બર્ફીલા સમુદ્રમાં ડૂબી રહ્યું હતું.”
“એક અધિકારીએ મારા હાથમાં એક બાળક આપ્યું અને મને લાઇફ બોટમાં બેસી જવા કહ્યું. એ વખતે હું, અંગ્રેજી ન બોલી શકતા પ્રવાસીઓને લાઇફ જૅકેટ કેવી રીતે પહેરવું અને લાઇફ બોટમાં કેવી રીતે બેસવું તે સમજાવી રહી હતી. મને સોંપવામાં આવેલા બાળકને લઈને હું લાઇફ બોટમાં બેસી ગઈ.”
જહાજ પર અંધાધૂંધી ફેલાયેલી હતી. તેથી બાળકની માતાને શોધી શકાઈ ન હતી.
વાયોલેટે લખ્યું છે, “બીજા જહાજે તેમની લાઇફ બોટ વડે કેટલાક લોકોને બચાવ્યા હતા અને તેમને ન્યૂયૉર્ક પહોંચાડ્યા હતા. ત્યાં એક મહિલાએ મારા હાથમાંથી બાળક છીનવી લીધું અને એક પણ શબ્દ બોલ્યા વિના રડતી રડતી ભાગી ગઈ.”
આવી ઘટના બીજા કોઈ સાથે બની હોત તો તેણે જહાજમાં પ્રવાસ કરવાનું કાયમ માટે માંડી વાળ્યું હોત, પરંતુ વાયોલેટે એવું કર્યું ન હતું. ટાઇટેનિક ડૂબ્યાના એક વર્ષ પહેલાં જ વાયોલેટ એક અન્ય જહાજ દુર્ઘટનામાં સપડાયાં હતાં.

ઓલિમ્પિકનો અકસ્માત

ઇમેજ સ્રોત, Getty Images
ઑલિમ્પિક નામના જહાજનું સંચાલન વ્હાઇટ સ્ટાર લાઇન કંપની કરતી હતી. એ જ કંપની ટાઇટેનિકની પણ માલિક હતી. ઑલિમ્પિક જહાજ ટાઇટેનિકની મોટી બહેન જેવું હતું એવું કહેવાય છે. ટાઇટેનિકનું નિર્માણ થયું તે પહેલાં સુધી તે વિશ્વનું સૌથી મોટું, સૌથી વૈભવી પેસેન્જર શિપ હતું.
એ જહાજ 1911ની 20 સપ્ટેમ્બરે બ્રિટનના સાઉથ હેમ્પટનના દરિયા કિનારેથી નીકળ્યું હતું અને થોડા સમય પછી બ્રિટિશ યુદ્ધજહાજ એચએમએસ હૉક સાથે અથડાયું હતું. સદનસીબે તે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ જહાજને મોટું નુકસાન થયું હતું અને તે ડૂબતા બચી ગયું હતું.
તે જહાજ કિનારાથી બહુ દૂર ન હોવાને કારણે તેને કિનારે પાછું લાવવામાં આવ્યું હતું. થોડા દિવસ સમારકામ કરીને તે જહાજ ફરી પાણીમાં ઉતારવામાં આવ્યું હતું.
વાયોલેટે ઑલિમ્પિકમાં આઠ મહિના કામ કર્યું હતું અને એ પછી તેમની બદલી ટાઇટેનિકમાં કરવામાં આવી હતી.
ટાઇટેનિક દુર્ઘટના પછી બીજા કોઈએ નોકરી છોડી દીધી હોત, પરંતુ વાયોલેટે અનેક લોકોને જીવ ગુમાવતાં પોતાની સગી આંખે નિહાળ્યા હતા. તેથી તેમણે જીવનમાં બને તેટલા વધુ લોકોને બચાવવાનું નક્કી કર્યું હતું. તેમણે નર્સિંગની તાલીમ લીધી.

બ્રિટાનિક ફાટી પડ્યું

ઇમેજ સ્રોત, ATLANTIC PRODUCTIONS/MAGELLAN
ટાઇટેનિક ડૂબ્યાનાં ચાર વર્ષ પછી 1916માં વાયોલેટ બ્રિટિશ રેડ ક્રૉસ સંસ્થામાં નર્સ તરીકે કામ કરતાં હતાં. એ વખતે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરજોશમાં હતું. ઘણાં પ્રવાસી જહાજોનો ઉપયોગ સૈનિકોના પરિવહન અને સૈનિકોની સારવાર માટેની મોબાઇલ હૉસ્પિટલ તરીકે કરવામાં આવતો હતો.
વ્હાઇટ સ્ટાર કંપનીના બ્રિટાનિક જહાજને મોબાઇલ હૉસ્પિટલમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું.
યુદ્ધને કારણે દરિયાના પાણીમાં અનેક સુરંગ નાખવામાં આવી હતી. એવી જ એક સુરંગ સાથે અથડાઇને બ્રિટાનિક ડૂબી ગયું હતું.
વાયોલેટ માટે તે અનુભવ વધારે ભયાનક હતો. પોતાના અનુભવનું વર્ણન કરતાં વાયોલેટે જણાવ્યું છે, “જીવન ગર્તામાં ધકેલાઈ ગયું હતું. હું કશું જોઈ શકતી નહોતી. હું કોઈ પણ રીતે પાણીમાં સપાટી પર આવીને શ્વાસ લેવા પ્રયાસ કરતી હતી. મારાં નાક અને મોઢામાં પાણી ઘૂસી રહ્યું હતું.”
એ જહાજ પર 1,000થી વધુ લોકો હતા અને તેમાંથી 32 લોકો મૃત્યુ પામ્યા હતા. ટાઇટેનિક દુર્ઘટના પછી દરેક જહાજમાં પૂરતા પ્રમાણમાં લાઇફ બોટ હોવી જોઈએ તેવો નિયમ બનાવવામાં આવ્યો હતો.
બ્રિટાનિકમાંની બે લાઇફ બોટ સમય પહેલાં જ પાણીમાં ઉતારવામાં આવી હતી. જહાજને ચલાવતા પાણી અંદરના પંખા (પ્રોપેલર્સ) બંધ થયા ન હતા. તેથી બોટમાંના માણસો પ્રોપેલરો તરફ ખેંચાયા હતા અને તેમના શબ્દશઃ ચીંથરાં થઈ ગયા હતા.
એક લાઇફ બોટમાં ત્રણ માણસો હતા. યોગાનુયોગ જુઓ કે એ ત્રણેય ટાઇટેનિક પર હતા અને બચી ગયા હતા. વાયોલેટ, આર્ચી જોવેલ અને જૉન પ્રીસ્ટ ત્રણેય આ વખતે પણ બચી ગયાં હતાં.
લાઇફ બોટ પ્રોપેલરોની દિશામાં ખેંચાઈ રહી હતી તે ક્ષણે કેવો અનુભવ થયો હતો તેનું વર્ણન આર્ચી જોવેલે તેમની બહેનને લખેલા પત્રમાં કર્યું છે.
તેમણે લખ્યું છે, “અમારા પૈકીના ઘણા પાણીમાં કૂદી પડ્યા હતા, પરંતુ તે નિરર્થક હતું, કારણ કે પ્રોપેલરો એટલા શક્તિશાળી હતા કે પાણીના સમગ્ર પ્રવાહને પોતાની તરફ ખેંચતા હતા અને અમને પણ.”

ઇમેજ સ્રોત, Getty Images
“મેં આંખો બંધ કરી અને દુનિયાને અલવિદા કહી દીધું હતું, પરંતુ જહાજના તૂટી પડેલા એક ભાગને લીધે મને જોરદાર ધક્કો લાગ્યો હતો. હું પાણીમાં ફેંકાઈ ગયો હતો. હું પાણીમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરતો હતો, પણ જહાજના બીજા ભાગ તૂટી રહ્યા હતા. તેને ધકેલવાનું શક્ય ન હતું. અંધારું થઈ રહ્યું હતું. અચાનક કોઈએ ઉપરથી કાટમાળને બાજુએ ધકેલ્યો અને મને પાણીની ઉપર જવાની તક મળી હતી, પરંતુ નીચેથી કોઈએ મારો પગ પકડ્યો હતો. એ માણસ પણ ડૂબી રહ્યો હતો. મારે ઝટકો મારીને પગ છોડાવવો પડ્યો અને તે માણસ ડૂબી ગયો.”
બ્રિટાનિક માત્ર 55 મિનિટમાં ડૂબી ગયું હતું. એ 55 મિનિટમાં શું થયું હતું તેની કલ્પના આ પત્રમાંનું લખાણ વાંચીને કરી શકાય.
વાયોલેટ પણ લાઇફ બોટમાં હતાં અને તેમનો જીવ પણ જોખમમાં હતો, પરંતુ શું થઈ રહ્યું છે એ તેઓ ઝડપથી સમજી ગયાં હતાં અને લાઇફ બોટમાંથી કૂદી પડ્યાં હતાં. તેઓ પ્રોપેલરોની પાંખમાં સપડાયાં ન હતાં, પરંતુ પાણીના જોરદાર પ્રવાહને લીધે નીચે ફેંકાઈ ગયાં હતાં. માથું લાકડાના મોટા બીમ સાથે અથડાવાને લીધે તેમને ગંભીર ઈજા થઈ હતી.
નસીબે તેમને વધુ એક વખત સાથ આપ્યો હતો. વાયોલેટને એક બીજી લાઇફ બોટે પાણીમાંથી ખેંચી લીધાં હતાં અને તેઓ બચી ગયાં હતાં. ત્રણેય વખત વાયોલેટનો કાળ આવી પહોંચ્યો હતો, પરંતુ મૃત્યુની વેળા આવી ન હતી.
1920માં તેમણે ફરીથી વ્હાઇટ સ્ટાર લાઇન માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. જીવનમાં આટલી ખતરનાક ઘટનાઓ બની હોવા છતાં તેમણે દરિયો ક્યારેય છોડ્યો ન હતો. જહાજો પર 40 વર્ષ સુધી ફરજ બજાવ્યા પછી 62 વર્ષની વયે તેઓ નિવૃત્ત થયાં હતાં અને 1971માં 83 વર્ષની વયે મૃત્યુ પામ્યાં હતાં.














