હીટ વેવ શું છે અને તેનાથી બચવા શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સહિત ભારતનાં અનેક રાજ્યોમાં હીટ વેવની પરિસ્થિતિ છે. ભયંકર ગરમી અને લૂથી લોકો પરેશાન છે.
ભારતના કેટલાક રાજ્યોમાં ગરમી દિવસે ને દિવસે વધી રહી છે અને તાપમાન 45 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. આ કારણે ઉત્તર ભારતનાં રાજ્યો સાથે ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં હીટવેવ જેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે.
ગુજરાતના તમામ જિલ્લાઓ હાલ ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે.
ગુજરાતમાં જયારે હજી હીટવેવની આગાહી યથાવત છે, એવામાં જાણો હીટસ્ટ્રોક શું છે, હીટવેવ દરમિયાન શરીરને કેવો અનુભવ થાય છે અને આવી સ્થિતિમાં શું કરવું?
હીટ વેવ દરમિયાન શરીરને કેવો અનુભવ થાય છે?

ભારતીય હવામાન વિભાગ અનુસાર, હીટ વેવની સ્થિતિને સામાન્ય કરતાં તાપમાનમાં કોઈપણ વધારા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તાપમાનમાં 5–6 °Cના વધારાને મધ્યમ હીટ વેવ ગણવામાં આવે છે, તીવ્ર હીટવેવ તરીકે 7 °Cથી વધારે અથવા સતત 2 દિવસથી વધુ સમય માટે >45 °Cથી વધુ હોય ત્યારે હીટવેવ કહેવાય છે.
અમેરિકાના સેંટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનએ (સીડીસી) હીટ સ્ટ્રોકની વ્યાખ્યા આપી છે. આ વ્યાખ્યા પ્રમાણે જયારે શરીરનું તાપમાન ઝડપથી વધે છે, અને શરીર જાતે તાપમાન નિયંત્રિત નથી કરી શકતું, શરીરની પરસેવો ઉત્પન્ન કરવાની ક્ષમતા ઘટી જાય છે, અને શરીર જાતે ઠંડું પાડવામાં અસમર્થ થાય છે ત્યારે હીટ સ્ટ્રોક આવે છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર હીટ સ્ટ્રોકમાં શરીરનું કોર તાપમાન 40 ડિગ્રીથી વધુ થઈ જાય છે.
હીટ સ્ટ્રોકનાં લક્ષણો શું છે?

હીટ વેવની પરિસ્થિતિમાં હીટ સ્ટ્રોક થવાની શક્યતા રહેલી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદાવાદ હૉસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ્સ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. ભરત ગઢવી સમજાવે છે કે, "જ્યારે બાહ્ય તાપમાનને કારણે શરીરનું તાપમાન વધે છે ત્યારે તે શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ ઘટે છે. જેના કારણે શરીર પરસેવો બનાવવાની ક્ષમતા પણ ગુમાવી દે છે. પરસેવાનો મૂળ હેતુ શરીરના તાપમાનને નીચું લાવવાનું છે. જેમ શરીરમાંથી પરસેવો થાય તેમ શરીરમાંથી ગરમી બહાર નીકળે અને શરીરનું તાપમાન નીચું આવે. ત્યાર બાદ હીટ સ્ટ્રોક થાય છે."
"જ્યારે હીટ સ્ટ્રોક થાય છે, ત્યારે 10થી 15 મિનિટમાં શરીરનું તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ વધી શકે છે."
હીટ સ્ટ્રોકનું જોખમ કોને છે?

યુનિસેફના મતે, વધારે પડતી ગરમી દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે જોખમી છે. શિશુઓ, બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધો ખાસ કરીને ગરમીના તાણ માટે સંવેદનશીલ હોય છે.
પુખ્ત વયના લોકો કરતાં બાળકો અને વૃદ્ધ માટે વધુ પડતી ગરમી ખતરનાક બની શકે છે. બાળકોમાં પાણીની કમી (ડિહાઇડ્રેશન) ખતરનાક અથવા જીવલેણ પણ બની શકે છે. બાળકોના શરીરને પુખ્ત વયના લોકો કરતા તાપમાનનું સંતુલન કરવામાં વધુ તકલીફ પડે છે. સગર્ભા સ્ત્રીઓને પણ વધુ જોખમ રહે છે.

સગર્ભા સ્ત્રીઓને પણ વધુ જોખમ રહે છે. વધુ પડતી ગરમી અને ડિહાઇડ્રેશનથી બાળકનું ઓછું વજન, વહેલો જન્મ અને મૃત્યુ પામવાનું જોખમ વધારે છે. સગર્ભા સ્ત્રીઓ પણ નકારાત્મક રીતે પ્રભાવિત થઈ શકે છે અને વહેલી પ્રસૂતિ થઈ શકે છે, તેમજ સગર્ભાવસ્થા ડાયાબિટીસ અને હાયપરટેન્શન વિકસાવી શકે છે.
હીટ સ્ટ્રોકમાં ભ્રમ, સંનિપાત, ઍટેક્સિયા (છેડાના સ્નાયુઓનું અસંયોજન), આંચકી અથવા કોમા જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
જો વ્યક્તિને તાત્કાલિક સારવાર ન મળે તો હીટ સ્ટ્રોકના કારણે કાયમી અપંગતા અથવા મૃત્યુનું પણ થઈ શકે છે.
હીટ સ્ટ્રોકથી બચવા માટે શું કરવું?

નિષ્ણાતો મુજબ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં હીટ વેવની ઘટનાઓ વધી રહી છે અને તેના દિવસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને કોલ્ડ વેવની સંખ્યા અને દિવસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
હીટવેવ દરમિયાન લોકોને હળવા અને ઢીલા-ફિટિંગ કપડાં પહેરવા, સ્પ્રે બોટલ અથવા ભીના સ્પોન્જનો ઉપયોગ કરીને ત્વચાને ભીની રાખવાની સલાહ આપવામાં આવે છે. ભારે ગરમીના દિવસોમાં હાઇડ્રેટેડ (પાણી પીતા રેહવું) રહેવું મહત્ત્વપૂર્ણ છે, તેથી પૂરતું પાણી પીવું અને બહાર શારીરિક પ્રવૃત્તિઓ ટાળવાની ભલામણ કરવામાંં આવે છે.
ભયાનક ગરમીમાં ભરબપોરે ઘર બહાર નીકળવાનું કોઈને મન ન થાય, પણ નોકરી-ધંધા અર્થે અને અન્ય કારણોસર લોકોને બહાર નીકળવાની ફરજ પડે છે.

આવી પરિસ્થિતિમાં લોકોને દિવસ દરમિયાન તરસ ન હોય તો પણ પાણી પીવાની સલાહ આપવામા આવે છે.
અમેરિકાના સેંટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન અને ફિઝિશિયન ડૉક્ટર દુર્ગેશ મોદી મોદીના કેહવા પ્રમાણે, એવું પ્રવાહી પીવું જોઈએ જેનાથી શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની માત્ર જળવાઈ રહે. ઇલેક્ટ્રોલાઇટ્સ એ મનુષ્યના લોહી અને શરીરના અન્ય પ્રવાહીમાં રહેલા ખનિજો છે. આ ઇલેક્ટ્રોલાઇટ્સ પાણી, લીંબુ પાણી, છાસ, જ્યૂસ, ઓઆરએસ વગેરેમાંથી મળે છે.
કયું પીણું ટાળવું જોઈએ?
એનર્જી ડ્રિંક્સ- કેટલાક એનર્જી ડ્રિંક્સમાં કૉફી, ચા અથવા સૉફ્ટ ડ્રિંક્સ કરતાં વધુ કેફીન હોય છે. દરરોજ અનેક એનર્જી ડ્રિંક્સ પીવાથી તમારા કેફીનનું સ્તર તમારા હૃદયને નકારાત્મક અસર કરી શકે છે. એનર્જી ડ્રિંક્સમાં સૉફ્ટ ડ્રિંક્સ જેટલી અથવા વધુ ખાંડ હોય છે, જે શરીરમાં ડાયાબિટીસ વધારી શકે છે.
દારૂ - તે ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે. ગરમીમાં કામ કર્યાના 24 કલાકની અંદર દારૂ પીવાથી ગરમીને કારણે બીમારીનો ખતરો વધી શકે છે.
ડિહાઇડ્રેશનની શરીર પર શું અસર થાય છે?

ડિહાઇડ્રેશન વિશે જાણતા પહેલાં હાઇડ્રેશનનો અર્થ સમજવો જરૂરી છે. હાઇડ્રેશન એટલે શરીર દ્વારા પાણી તેમજ અન્ય પ્રવાહી શોષી લેવાની પ્રક્રિયા. જ્યારે શરીરમાં આ પ્રક્રિયા ખોરવાઈ જાય તેને ડિહાઇડ્રેશન કહેવાય છે.
બ્રિટનના સ્વાસ્થ્યવિભાગ અનુસાર, ડિહાઇડ્રેશનનો અર્થ છે કે તમે જેટલું પાણી લો છો, તેનાથી વધુ ગુમાવી રહ્યા છો.
હવે પ્રશ્ન એ થાય છે કે શરીર પાણી ગુમાવે છે કેવી રીતે?
શરીરમાં ચામડી, ફેફસાં, જઠર તેમજ કિડનીમાં પાણી હોય છે. જ્યારે આપણે લાંબા સમય સુધી તડકામાં રહીએ અને શ્રમ લાગતો હોય તેવું કામ કરીએ ત્યારે શરીર પાણી ગુમાવે છે.
ડિહાડ્રેશનથી બચવા માટે શ્રમભર્યું કામ કરવાનું હોય તો થોડાથોડા સમયે પાણી પીવાનું રાખો, પેશાબના રંગનું ધ્યાન રાખો અને જેમાં પ્રવાહીનું તત્ત્વ હોય એવાં ફળો વધારે ખાઓ.












