ગુજરાતમાં ચોમાસું : જ્યારે એક-એક કિલોગ્રામના કરા પડ્યા અને લોકોનાં મૃત્યુ થયાં

ગુજરાતમાં મોટા મોટા કરા પડ્યા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, .

મે મહિનાના બીજા અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો હતી. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, મોરબી, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે પવન, ધૂળની ડમરીઓ સાથે વરસાદ પડ્યો હતો. આ સાથે અમુક જગ્યાએ કરા પડવાના અહેવાલ આવ્યા હતા.

હવામાન ખાતાએ તા. 31મી મેથી કેરળમાં ચોમાસું બેસશે તેવી આગાહી કરી છે. દક્ષિણ-પશ્ચિમી ચોમાસાનો ક્રમ જોવામાં આવે તો ગુજરાતના દરવાજે તા. 15મી જૂન આસપાસ વરસાદ ટકોરા દઈ શકે છે.

આ પહેલાંના દિવસો દરમિયાન 'પ્રિ-મૉન્સૂન ઍક્ટિવિટી' જોવા મળતી હોય છે, જેમાં ભારે પવન અને વરસાદની સાથે કરા સ્વરૂપે બરફના ગાંગડા પણ પડે છે, જે ક્યારેક લોકો અને ઢોરઢાંખર માટે આફત નોતરી શકે છે. જળવાયુ પરિવર્તનને કારણે વિશ્વભરમાં તીવ્ર પર્યાવરણીય ઘટનાઓમાં અસામાન્ય વૃદ્ધિ જોવા મળી છે.

એક-એક કિલોગ્રામના સૌથી વજનદાર કરા પડવાની ઘટના તથા તેના કારણે સૌથી વધુ મૃત્યુનો અન્ય બનાવ ભારતીય ઉપ-મહાદ્વીપમાં નોંધાયેલો છે. અમુક સામાન્ય કામ કરવા પર ધ્યાન આપીને તથા અમુક બાબત ટાળીને કરાથી બચી શકાય છે.

પડની ઉપર પડ

કરા
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

જ્યારે પૃથ્વી ઉપર વાવાઝોડું સર્જાય છે, ત્યારે તે હવામાં રહેલાં જળબિંદુઓને વાતાવરણમાં ઉપરની બાજુએ ખેંચે છે. જ્યાં વાતાવરણ એટલું ઠંડું હોય છે કે આ ટીપાં થીજી જાય છે.

એ પછી વાતાવરણમાં રહેલો ભેજ બરફની બહારની બાજુએ આવરણ બનાવે છે. તે જેમ-જેમ હવામાં ઉપર જાય છે, તેમ-તેમ ડુંગળીની જેમ પડની ઉપર પડ ચઢતાં જાય છે અને તે કરાનું સ્વરૂપ મોટું થતું જાય છે. જ્યારે બરફના પિંડનું વજન એટલું વધી જાય કે હવા તેને ઉપર ન લઈ જઈ શકે, ત્યારે તે કરા સ્વરૂપે જમીન પર પડે છે.

કરો કેટલો મોટો બનશે, તેનો આધાર વાતાવરણમાં રહેલા ભેજ પર હોય છે. જેમ વાતાવરણમાં ભેજ વધુ તથા વાવાઝોડાંની ઝડપ વધી તેમ કરાનો આકાર મોટો. જ્યારે કરાનો આકાર મોટો હોય ત્યારે તે જ્યાંથી ઉપર ઊઠ્યા હોય, ત્યાં જ નીચે પડે તેની સંભાવના વધુ હોય છે, જો કરાનો આકાર નાનો હોય તો તે પવનની સાથે ફંગોળાય છે.

અમેરિકાના દરિયાઈ અને વાતાવરણીય વહીવટીતંત્રના આકલન પ્રમાણે, વાતાવરણમાં ભેજ હોય અને 103 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાતો હોય તો કરા બૅઝબૉલ જેટલો મોટો આકાર ધારણ કરી શકે છે.

કરા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જ્યારે કરા વાતાવરણમાં પ્રવેશે છે, તે વરસાદના પાણીની સાથે પીગળવા લાગે છે અને તેનો આકાર નાનો થવા લાગે છે, જેથી કરાની સાથે પડતો વરસાદ પ્રમાણમાં વધુ ઠંડો હોય છે, જો કરાનો આકાર મોટો હોય તો તે સંપૂર્ણપણે પીગળતો નથી અને તે ધરતી પર પડે છે.

કરાના આકાર અને વજનની વચ્ચે સીધો સહસંબંધ નથી. તેની ઘનતાનો આધાર હવામાં રહેલી ગરમી અને ભેજ પર રાખે છે. જ્યારે હવા ઠંડી હોય અને પાણી કરાના સંપર્કમાં આવે ત્યારે તે ફરતે આવરણ બનીને થીજી જાય છે. જેના કારણે બરફની સાથે હવા પણ જોડાઈ જાય છે અને તેની ઘનતા ઓછી હોય છે.

આથી વિપરીત જો હવા ગરમ હોય અથવા તો તેમાં ભેજ વધુ હોય તો પાણી ધીમે-ધીમે બરફનું સ્વરૂપ ધારણ કરે છે, આ સમય દરમિયાન તેમાંથી હવા નીકળતી રહે છે, જેના કારણે વધુ પારદર્શક અને ઘનસ્વરૂપના કરા પડે છે.

મોટા આકારના કરાને ધ્યાનથી કાપવામાં આવે તો ડુંગળીની જેમ તેની અંદરના બરફનાં પડ તથા વાવાઝોડાંમાં તે કેવી રીતે ફંગોળાયો હશે તેનો પણ અભ્યાસ કરી શકાય છે.

કૅનેડાના પર્યાવરણ તથા જળવાયુ પરિવર્તન વિભાગના જુલિયન બ્રિમલૉના કહેવા પ્રમાણે, "જેમ-જેમ પૃથ્વીનું તાપમાન વધે છે, તેમ જ્યાં કરા વધુ પડે છે, તેનું સ્થાન પરિવર્તન થઈ શકે છે. જે વિસ્તારના વાતાવરણમાં હાલમાં ભેજનું પ્રમાણ ઓછું છે, ત્યાં હવામાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે કરા પડવાની ઘટનાઓમાં પણ વધારો થશે."

અલગ-અલગ સ્થળોએ વાતાવરણમાં આવી રહેલા પરિવર્તન અને નિરીક્ષણોના આધારે સંશોધકોએ સ્થળ અને વાતાવરણનું મૉડલ તૈયાર કર્યું છે. જે મુજબ, ઑસ્ટ્રેલિયા અને યુરોપમાં કરા પડવાની ઘટનાઓ વધશે, જ્યારે પૂર્વ-એશિયા અને ઉત્તર-અમેરિકામાં આ સંખ્યામાં ઘટાડો થશે. વળી, કરા વધુ સંખ્યામાં અને ભયાનક રીતે પડશે.

એક-એક કિલોના કરા

કરા
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સૌથી વજનદાર કરા પડવાનો તથા તેના કારણે સૌથી વધુ લોકોનાં મૃત્યુ થવાની ઘટના ભારતીય ઉપ-મહાદ્વીપમાં નોંધાઈ અને બંનેની વચ્ચે લગભગ એકસો વર્ષનું અંતર હતું.

વૈશ્વિક હવામાન ખાતાના રેકર્ડ પ્રમાણે, બ્રિટીશરાજમાં તા. 30 એપ્રિલ, 1888ના દિવસે (હાલના) ઉત્તર પ્રદેશમાં કરા સ્વરૂપે ભારતીયો ઉપર મોત ત્રાટક્યું હતું, જેમાં 246 લોકો મૃત્યુ પામ્યાં હતાં. એ કરાનો આકાર બતકના ઈંડાં કે સંતરા જેવડો હતો.

દેશના હવામાન ખાતાના પ્રથમ ડાયરેક્ટર જનરલ સર જોન ઇલિયટે નોંધ્યું, 'કરાને કારણે કાચના બારી-બારણાં તૂટી ગયાં હતાં અને વરંડાઓને નુકસાન થયું હતું. બહાર અંધકારમાં અલગ-અલગ કદના કરા ટકરાવાથી દીવાલો હચમચી ગઈ હતી.'

'જ્યારે વાવાઝોડું અટક્યું અને હું બહાર નીકળ્યો, ત્યારે એક-બે ફૂટના કરાના થર જામેલા હતા. આ વિસ્તારના લગભગ દરેક ઘરને નુકસાન થયું હતું. જે લોકો બહાર ખુલ્લામાં હતા તેમની પાસે કોઈ આશરો ન હતો, તેમના મૃત્યુ થયા હતા. નદીકિનારાના વિસ્તારમાં એક જાન વાવાઝોડામાં હોમાઈ ગઈ હતી. કોઈ યુરોપિયનનાં મૃત્યુ નહોતાં થયાં. પોલીસ રિપોર્ટ પ્રમાણે એક હજાર છસ્સો જેટલા ઘેટાંબકરાં અને પશુઓનાં મૃત્યુ થયાં હતાં. તેની અસર મુરાદાબાદ તથા આસપાસના છ-સાત માઇલમાં જોવા મળી હતી.'

એ પછીના અભ્યાસો દરમિયાન બહાર આવ્યું હતું કે વર્ષ 1888ની ઘટના દરમિયાન મુરાદાબાદમાં 230 તથા બરેલીમાં 16 મળીને કુલ 246 લોકો મૃત્યુ પામ્યાં હતાં. વર્ષ 1932માં ચીનના નાનકિંગ પ્રાંતમાં કરા પડવાને કારણે લગભગ 200 લોકોનાં મૃત્યુ થયા હતા.

મુરાદાબાદની ઘટનાના લગભગ એકસો વર્ષ પછી તા. 18 એપ્રિલ 1986ના દિવસે બાંગ્લાદેશના ગોપાલગંજમાં ભારે કરા પડ્યા હતા. જેનું વજન એક કિલો અને 40 ગ્રામ સુધી હતું. ગિનિસ બૂક ઑફ વર્લ્ડ રેકર્ડ પ્રમાણે, સૌથી વજનદાર કરાનો વર્લ્ડરેકર્ડ ગોપાલગંજમાં નોંધાયો.

ભારે કરા પડવાથી 92 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ન્યૂઝ એજન્સી રૉયટર્સના અહેવાલ પ્રમાણે, કરા પડવાથી લગભગ 400 લોકો ઘાયલ થયા હતા.

કરાથી બચવા શું કરશો ?

કરા
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટી દ્વારા વર્ષ 2021માં વાવાઝોડાં અને વીજળીથી બચવા માટેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. જે મુજબ, (પેજનંબર પાંચ) ભારતમાં શિયાળા અને ચોમાસું બેસે તે પહેલાંના દિવસો દરમિયાને કરા પડવાની ઘટના જોવા મળે છે. એક વખત દક્ષિણપશ્ચિમનું ચોમાસું બેસી જાય એટલે કરા પડવાની શક્યતા નહિવત્ થઈ જાય છે.

ભારતમાં મધ્યમથી ભારે કરા પડવાની દિવસોની સરેરાશ સંખ્યા 29 છે, જે વૈશ્વિક સરેરાશ કરતાં વધુ દિવસો છે. ભારતમાં કરા પડવાની શક્યતા સૌથી વધુ મહારાષ્ટ્રમાં 91થી 95 ટકા હોય છે. વરસાદની સાથે નાના કદના છુટાછવાયા કરા પડે તો તેને 'હળવા'ની શ્રેણીમાં મૂકવામાં આવે છે. જ્યારે કરાને કારણે જમીનની ઉપર સફેદ ચાદર છવાઈ જાય, ત્યારે તેને 'મધ્યમ'ની શ્રેણીમાં મૂકવામાં આવે છે. જો પ્રમાણમાં મોટા કરા, વધુ પ્રમાણમાં પડે તો તેને 'ભારે' તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે .

ભારત દ્વાર ડૉપલર રડાર દ્વારા હવામાનની આગાહી કરવાની ક્ષમતા વિકસાવવામાં આવી રહી છે. વર્ષ 2025 સુધીમાં તાલુકાસ્તરે વાવાઝોડા અને કરા પડવા વિશે લગભગ ત્રણ કલાક પહેલાં સુધી માહિતી આપી શકાશે, જેથી કરીને લોકોને સમયસર ચેતવી શકાય અને સંભવિત નુકસાનની તૈયારી કરી શકાય.

ભારતીય હવામાન ખાતા દ્વારા કરાવર્ષા સંબંધે કેટલીક સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવે છે, જે મુજબ:

1. ઇન્ટરનેટ અથવા રેડિયો ઉપર વાતાવરણ સંબંધિત માહિતી મેળવતા રહો

2. સામાન્ય રીતે ભારે પવનની સાથે કરા પડતા હોય છે, એટલે આવા સંજોગોમાં બહાર ન નીકળવું

3. કરા પ્રમાણમાં મર્યાદિત વિસ્તારમાં પડે છે, પરંતુ પાક મહત્ત્વપૂર્ણ તબક્કામાં હોય તો તેને ભારે નુકસાન કરી શકે છે.

4. જમીન ઉપર ફળ કે ઝાડ-પાનના અન્ય અવશેષોને દૂર કરી દેવા, જેથી કરીને તે સડવાથી કિટક-જીવાતનો ઉપદ્રવ ઊભો ન થાય. જળભરાવ ન થવા દેવો.

5. કરા પડ્યા બાદ કિટક હુમલો કરી શકે છે એટલે માર્ગદર્શન પ્રમાણે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો

6. જ્યાં કરા વધુ પ્રમાણમાં પડતા હોય અને પ્રમાણમાં મોંઘી ઉપજવાળા પાકને નેટ દ્વારા સંરક્ષિત કરી શકાય. પક્ષીઓથી સંરક્ષણ આપતી નાયલૉનની નેટ મદદરૂપ થઈ શકે છે.

7. મુખ્ય પાકની આસપાસ આશરાપટ્ટી તથા હવારોધક ઊભા કરવાની સલાહ આપવામાં આવે છે, જેના કારણે પાણીની જરૂર ઓછી પડે છે અને દબાણ ઘટે છે.

8. કેળાં, શાકભાજીના નાના છોડ અને શેરડીના પાક માટે જરૂરી ટેકા ગોઠવવા

9. કરા પડતા હોય ત્યારે ઘેટાબકરાંને ખુલ્લામાં ન રહેવા દેવા

10. ખેતઉપજને ખુલ્લામાં ન રાખવી