ભારતમાં ચોમાસું બેસવાની તારીખ જાહેર, ગુજરાતમાં કેટલા દિવસે પહોંચશે?

ગુજરાત, વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

હવામાન વિભાગે ચોમાસું બેસવાની તારીખ જાહેર કરી દીધી છે અને આ વખતે ભારતમાં ચોમાસું સમયસર શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે.

ભારતના હવામાન વિભાગે બુધવારે ચોમાસું બેસવાની તારીખ જાહેર કરતાં કહ્યું કે 31 મેના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ જશે.

આ સાથે જ ભારતમાં જૂનથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીની 4 મહિનાની ચોમાસાની સિઝનની શરૂઆત થશે, જે ભારતની ખેતી અને વેપાર માટે ખૂબ જ મહત્ત્વની હોય છે.

ગુજરાતમાં ચોમાસું શરૂ થવાને લગભગ એકાદ મહિના જેટલો સમય બાકી છે. ગુજરાતમાં કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્ર બાદ ચોમાસાની શરૂઆત થતી હોય છે.

ગુજરાતમાં કેટલા દિવસ બાદ ચોમાસું પહોંચશે?

ગુજરાતમાં મે મહિનો આખો અને ત્યાર બાદ જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં ભારે ગરમી પડતી હોય છે, ભારે ગરમી અને બફારા બાદ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે.

ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની સત્તાવાર તારીખ 15 જૂન છે, એટલે કે આ તારીખની આસપાસ રાજ્યમાં દર વર્ષે ચોમાસું શરૂ થતું હોય છે.

કેરળમાં ચોમાસાની શરૂઆત થાય ત્યાર બાદ 10 દિવસની આસપાસ મુંબઈમાં પહોંચે છે અને ત્યાર બાદ 5 દિવસની આસપાસ તે ગુજરાતમાં પહોંચે છે. સામાન્ય સંજોગોમાં આવી સ્થિતિ રહેતી હોય છે. એટલે કે કેરળમાં ચોમાસાની શરૂઆત બાદ ગુજરાતમાં પહોંચતા 15 દિવસની આસપાસનો સમય લાગે છે.

વર્ષ 2023માં એટલે કે ગત વર્ષે ગુજરાતમાં ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં 10 દિવસ મોડું પહોંચ્યું હતું, એટલે કે રાજ્યમાં 25 જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી.

બિપરજોય વાવાઝોડાના કારણે ગતવર્ષે ચોમાસું કેરળમાં જ મોડું શરૂ થયું હતું અને ત્યાર બાદ તેની પ્રગતિ જેટલી ઝડપથી થવી જોઈએ એટલી ઝડપથી થઈ નહોતી.

ચોમાસું કઈ રીતે આગળ વધી રહ્યું છે?

પ્રતીકાત્મક તસવીર
ઇમેજ કૅપ્શન, ચોમાસું કેવી રીતે આગળ વધી રહ્યું છે તે આપ આ તસવીરની મદદથી સમજી શકો છો

હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું 19 મેના રોજ દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીના કેટલાક વિસ્તારો સુધી પહોંચી જશે.

હવામાન વિભાગનું કહેવું છે કે 19મેની આસપાસ નિકોબારના ટાપુ તથા તેની આસપાસના વિસ્તારોને ચોમાસું આવરી લેશે.

જે બાદ ચોમાસું આગળ વધીને શ્રીલંકા સુધી પહોંચતું હોય છે અને ત્યાર બાદ તે અરબી સમુદ્રમાં પ્રવેશતું હોય છે. અરબી સમુદ્રમાં આવ્યા બાદ ચોમાસું કેરળ સુધી પહોંચે છે અને તે રીતે તેની ભારતના મુખ્ય ભૂ-ભાગો પર શરૂઆત થાય છે.

ભારતના ચોમાસાની બે બ્રાંચ છે, એક બંગાળની ખાડીની બ્રાંચ અને બીજી અરબી સમુદ્રની બ્રાંચ, બંને તરફથી ચોમાસું આગળ વધે છે.

વીડિયો કૅપ્શન, Monsoon 2024: ચોમાસાની તારીખ જાહેર, ગુજરાતમાં હજી કેટલા વિસ્તારોમાં પડશે વરસાદ?

અરબી સમુદ્ર તરફથી દક્ષિણ ભારત, મધ્ય ભારત, ગુજરાત તથા બંગાળની ખાડી તરફથી પૂર્વોત્તરનાં રાજ્યો, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા તથા ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચે છે. 8 જુલાઈ સુધીમાં દેશના તમામ વિસ્તારોને ચોમાસું આવરી લે છે.

ચોમાસામાં ગુજરાત માટે જુલાઈ અને ઑગસ્ટ મહિના સૌથી મહત્ત્વના હોય છે અને આ બે મહિનામાં ચોમાસાનો મોટા ભાગનો વરસાદ થતો હોય છે. જૂન મહિનામાં સરેરાશ વરસાદ ઓછો રહેતો હોય છે, કારણ કે જૂનના અડધા મહિના બાદ રાજ્યમાં ચોમાસું શરૂ થતું હોય છે.

આ વર્ષે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ વર્ષે દેશમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાનો અંદાજ વ્યક્ત કરાયો છે.

પ્રશાંત મહાસાગરમાં સર્જાનારી અલ નીનોની સ્થિતિ અને ઇન્ડિય ઓશન ડાયપૉલ બંને ચોમાસા પર વધારે અસર કરે છે. ગત વર્ષ અલ નીનોનું વર્ષ હતું જેના કારણે ભારતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો હતો. જ્યારે ગુજરાતમાં ચોમાસાના છેલ્લા બે મહિનામાં ખૂબ જ ઓછો વરસાદ થયો હતો.

આ વર્ષે અલ નીનોની સ્થિતિ નબળી પડી રહી છે અને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભારતમાં ચોમાસાની શરૂઆત બાદ તે લા-નીનામાં પરિવર્તિત થઈ જશે. લા-નીનાની સ્થિતિ હોય ત્યારે ભારતમાં સારો વરસાદ થતો હોય છે.

જ્યારે ભારતના હવામાન વિભાગે કહ્યું કે ઑગસ્ટ આવતા સુધીમાં આઈઓડી પણ સકારાત્મક થઈ જશે એટલે કે ભારતમાં તેના કારણે વરસાદ સારો પડશે.

ભારતના હવામાન વિભાગે ચાર મહિનાના લાંબાગાળાનું ચોમાસાનું પૂર્વાનુમાન રજૂ કરતાં કહ્યું છે કે આ વર્ષે દેશમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થશે.

  • હવામાન વિભાગ પ્રમાણે આ વર્ષે ચાર મહિનામાં સરેરાશમાં દેશમાં 106% વરસાદ થવાની શક્યતા છે.
  • સ્કાયમેટ પ્રમાણે આ વર્ષે ચાર મહિનામાં સરેરાશ 102% વરસાદ થવાની શક્યતા છે.
  • એશિયા પૅસિફિક ઇકૉનોમિક કૉઓપરેશન ક્લાઇમેટ સેન્ટર મુજબ ભારતમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે સામાન્ય કરતાં વધારે વરસાદ પડશે.
  • ચાર મહિના દરમિયાન સરેરાશના 96%થી 104% વરસાદ થાય તો તેને સામાન્ય ચોમાસું ગણવામાં આવે છે એટલે કે સારો વરસાદ થાય છે.
  • 104%થી વધારે વરસાદ થાય તો ચોમાસું ખૂબ સારું ગણવામાં આવે છે.
  • સામાન્ય રીતે ભારતમાં ચાર મહિનાના લાંબાગાળામાં 868.6 મિલિમીટર વરસાદ થાય તો ચોમાસું સારું કહેવાય.
બીબીસી
બીબીસી