એ પાંદડું જેનો ઉપયોગ અમેરિકા અને આફ્રિકામાં ટૉઇલેટ પેપર તરીકે કરવામાં આવે છે

- લેેખક, સૂ મિન કિમ
- પદ, બીબીસી
પેલેટ્રાન્થસ બારબેટસ જેને બોલ્ડો નામથી પણ ઓળખવામા આવે છે તે આફ્રિકાના દેશોમાં મોંઘાં ટૉયલેટ પેપરનો એક સ્થાયી વિકલ્પ બની શકે?
કૅન્યાના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં હર્બલ વિશેષજ્ઞ માર્ટિન ઓડિઆમ્બોએ કહ્યું, “હા, આ ભવિષ્યનું ટૉઇલેટ પેપર બની શકે છે.”
આફ્રિકામાં અનેક વસ્તુઓની જેમ ટૉઇલેટ પેપરના ભાવોમાં પણ વધારો થયો છે. ટૉઇલેટ પેપરનું ઉત્પાદન આફ્રિકામાં જ કરવામાં આવે છે, પરંતુ તેના માટે જરૂરી પેપર પલ્પને આયાત કરવામાં આવે છે.
માર્ટિને કહ્યું કે ટૉઇલેટ પેપરના વધતા ખર્ચાનો ઉપાય ઉત્તર મહાદ્વીપ પર જ કદાચ હાજર છે.
તેમણે ઉમેર્યું, "પેલેટ્રાન્થસ બારબેટસ આફ્રિકન ટૉઇલેટ પેપર છે. ઘણા યુવાનો આ વૃક્ષથી અત્યારે અજાણ છે. જોકે, આ વૃક્ષનાં પાંદડાં ટૉઇલેટ પેપરનો પર્યાવરણને અનુકુળ વિકલ્પ બની શકે તેવી ક્ષમતા ધરાવે છે."
માર્ટિને કહ્યું કે બોલ્ડોનાં પાંદડાં મુલાયમ હોય છે અને તેમાંથી ફુદીના જેવી સુગંધ આવે છે.

આફ્રિકા મહાદ્વીપમાં આ વૃક્ષની ખેતી મોટા પાયે કરવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં આ વૃક્ષનો ઉપયોગ મોટા પાયે કરવામા આવે છે. આ કારણે બોલ્ડો સરળતાથી મળી આવે છે.
બોલ્ડોનાં પાંદડાંનો આકાર પણ ટૉઇલેટ પેપરને મળતો આવે છે અને તેનો ઉપયોગ આધુનિક ફ્લશ ટૉઇલેટમાં કરી શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બેન્જામિન બોલ્ડોનાં પાંદડાંનો ઉપયોગ છેલ્લાં 25 વર્ષથી કરે છે. તેઓ કૅન્યામાં પોતાના ઘરના ફળિયામાં બોલ્ડોનું વૃક્ષ ઉગાડે છે.
તેમણે કહ્યું કે મેં મારા દાદા પાસેથી 1985માં આ વૃક્ષ વિશે જાણ્યુ અને ત્યારથી હું તેનો ઉપયોગ કરી રહ્યો છું. તેનાં પાંદડાં એકદમ કુણા છે અને તેની સુગંધ પણ સારી છે.
જોકે, શું આ પાંદડાનો ટૉઇલેટ પેપર તરીકે વધારે લોકો કરી શકે?
આ વૃક્ષોને મોટે પાયે ઉગાડી શકાય કે નહીં તે હજી પણ સંશોધનનો વિષય છે. અન્ય દેશોમાં પણ તેની ક્ષમતા વિશે શોધ ચાલી રહી છે.
અમેરિકાના પર્યાવરણ કાર્યકર્તા રૉબિન ગ્રીનફીલ્ડે કહ્યું કે તેઓ પાંચ વર્ષથી બોલ્ડોનાં પાંદડાંનો ઉપયોગ કરે છે.
રૉબિને ફ્લોરિડામાં આવેલી પોતાની નર્સરીમાં 100થી વધારે બોલ્ડોનાં વૃક્ષો ઉગાડ્યાં છે. તેઓ એક પહેલ દ્વારા બોલ્ડોનાં રોપા વહેંચે છે .જે લોકોને તેમના પોતાના ટૉઇલેટ પેપર ઉગાડવા માટે પ્રોત્સાહિત કરે છે.

તેમણે કહ્યું, “ઘણાં લોકો પાંદડાં ટૉઇલેટ પેપર તરીકેના ઉપયોગને ગરીબી સાથે જોડે છે. આ કારણે મારે તેમને યાદ કરાવવુ પડે છે કે જ્યારે તમે આધુનિક ટૉઇલેટ પેપરનો ઉપયોગ કરો છો, ત્યારે પણ તેઓ પાંદડાં જ વાપરે છે. અંતર માત્ર એટલું છે કે ટૉઇલેટ પેપરનો એક ઉદ્યોગ છે.”
રૉબિને કહ્યું કે જે લોકોએ પાંદડાંનો ઉપયોગ કર્યો તેમની તરફથી સકારાત્મક અભિપ્રાય મળ્યો હતો. આ લોકો પોતાના ટૉઇલેટ પેપરને ઉગાડવાની વાતને મહત્ત્વ આપે છે.
“હું જે કોઈ લોકો બોલ્ડોનો ટૉઇલેટ પેપર તરીકે ઉપયોગ કરવામાં શરમ અનુભવી રહ્યાં છે, તેમને કહેવા માંગુ છું કે લોકો તમારા વિશે શું વિચારે છે તેના વિશે ચિંતા કરવાનુ છોડી દો. વિચારો કે હું મારી જાતે રોપેલાં કેટલાંક ખૂબ જ નરમ પાંદડાંથી મારી જાતને લૂછું છું.”
આ સામગ્રી બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનનાં ભંડોળથી બનાવવામાં આવી હતી.












