મહારાજ : જ્યારે એક પત્રકારે ધાર્મિક પાખંડો સામે અવાજ ઉઠાવ્યો અને હોબાળો મચી ગયો

ઇમેજ સ્રોત, Netflix.com
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
કોઈ એક સુધારાવાદી વ્યક્તિ સંપન્ન અને વગ ધરાવતા બાબા કે ધર્મગુરૂના પાખંડને ખુલ્લું પાડવા માટે કોર્ટમાં કેસ કરે, ત્યારે પાખંડી ધર્મગુરૂની તરફેણમાં હજારો લોકો એકઠાં થાય અને આ વ્યક્તિની સાથે આંગળીની વેઢે ગણી શકાય એટલા લોકો હોય. પરિવારજનો, મિત્રો કે નજીકના લોકો પણ તેની સામે થઈ ગયા હોય.
પ્રથમ નજરે 'ઓએમજી' કે 'સિર્ફ એક હી બંદા કાફી હૈ' જેવી ફિલ્મનું જણાતુ આ દૃશ્ય લગભગ દોઢ સદી પહેલાં વર્ષ 1862માં બૉમ્બેની કોર્ટમાં ભજવાયું હતું.
કરસનદાસ મૂળજી નામના સુધારાવાદી અને પત્રકારે વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રવર્તમાન કુરીતિઓ, અંધશ્રદ્ધા તથા ભક્તોની લાગણીઓના દોહન વિશે લેખ લખ્યા અને તેમની સામે જદુનાથજી નામના આચાર્યે બદનક્ષીનો કેસ દાખલ કર્યો, જે 'મહારાજ લાયબલ કેસ' તરીકે ઓળખાયો
ગુજરાતી સમાજ અને કેસની પૃષ્ઠભૂમિ ઉપર આધારિત અભિનેતા આમિર ખાનના પુત્ર જુનેદ ખાનની ફિલ્મ 'મહારાજ' ઓટીટી પ્લૅટફૉર્મ નૅટફ્લિક્સ ઉપર રજૂ થવાની હતી. ગુજરાત હાઈકોર્ટે સ્ટે મૂકી દીધો છે.
ફિલ્મ વિરુદ્ધ ધાર્મિક લાગણીઓ દુભાઈ શકે એમ હોવાની અરજી કરવામાં આવી હતી.
સુધારકની શરૂઆત

મહિપતરામ નીલકંઠે આ સમાજસુધારકના જીવન ઉપર 'ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી ચરિત્ર' નામનું પુસ્તક લખ્યું છે, જેના પહેલા પ્રકરણમાં તેઓ લખે છે કે : 'કરસનદાસ મૂળજીનો જન્મ 25 જુલાઈ, 1832ના રોજ મુંબઈ ખાતે થયો હતો. પરિવાર મૂળે કાઠિયાવાડના મહુવા પાસે આવેલા વડાળ ગામનો રહીશ હતો.'
'નાનપણમાં કરસનદાસનાં માતા ગુજરી ગયાં અને પિતાએ બીજા લગ્ન કર્યાં. આવા સમયે તેમના ઉછેરની જવાબદારી મોસાળપક્ષ ઉપર આવી. અહીં તેમનાં માતાનાં કાકીએ કરસનદાસની સંભાળ લીધી. એ પછી તેમણે શહેરની પ્રખ્યાત એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો.'
'અહીં શિક્ષણની સાથે કેળવણી આપવા માટેના પ્રયત્નો થતા. વિદ્યાર્થીઓને અંગ્રેજી ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં નિબંધો લખવા માટે કહેવામાં આવતું. કરસનદાસ 'ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળી'ના સભ્ય હતા. મંડળી દ્વારા બાળવિધવા સાથે થતાં અત્યાચાર અને અન્યાય વિષય ઉપર નિબંધ લખવા માટે જાહેરાત છપાવી. વિજેતાને રૂ. 150નું ઇનામ મળવાનું હતું. કરસનદાસે નિબંધ લખવાની શરૂઆત કરી દીધી. કોઈકે રૂઢિવાદી કાકીને એ લેખ વંચાવી દીધો. જેમણે કરસનદાસને ઘર છોડી દેવા કહ્યું.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'મંડળીના કેટલાક સભ્યોને કારણે તેમને નોકરી અને સ્કૉલરશિપ મળ્યાં, જેના કારણે થોડા સમય શિક્ષણનું ગાડું ગબડ્યું. છતાં મુશ્કેલીઓનો અંત ન આવ્યો અને તેમણે અભ્યાસ છોડવો પડ્યો. આટલી તકલીફો પડવા છતાં તેમણે સુધારવાદી વલણ ન છોડ્યું.'
આ અરસામાં તેઓ 'બુદ્ધિવર્ધક હિંદુ સભા' સાથે પણ જોડાયા. સાથે જ 'હિંદના દાદા' તરીકે જાણીતા દાદાભાઈ નવરોજીના અખબાર 'રાસ્ત ગોફ્તાર' માટે લખવાનું શરૂ કર્યું.
કલમના ક્રાંતિવીર કરસનદાસ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કરસનદાસ મૂળજીએ 'નીતિ-વચન' નામથી પુસ્તક લખ્યું હતું, જેની સંવર્ધિત આવૃત્તિ વર્ષ 1923માં રજૂ થઈ હતી, જેમાં કેશવપ્રસાદ દેસાઈએ મૂળ લેખકનું સંક્ષિપ્ત જીવનચરિત્ર પણ લખ્યું છે. જેમાં તેઓ (પેજ 15-16) લખે છે:
'પારસીઓ દ્વારા 'રાસ્ત ગોફ્તાર' નામનું સાપ્તાહિક કાઢવામાં આવતું, જેમાં કરસનદાસ હિંદુસુધારાઓ વિશે લેખો લખતા, પરંતુ હિંદુઓના એટલા બધા પ્રશ્નો હતા કે અલગ પત્ર વગર તેને ચર્ચી શકાય તેમ ન હતા. આથી વર્ષ 1855માં કરસનદાસે 'સત્યપ્રકાશ' નામે અઠવાડિયક ચાલુ કર્યું.'
'આ સાપ્તાહિક માટે મહેનત કરસનદાસ કરતા, જ્યારે સર મંગળદાસ નથુભાઈ વગેરે આર્થિક સહાય કરતા.'
'એક વખત તબિયત બગડતા ગોરા દાકતરે તેમને માંસ ખાવા કહ્યું, ત્યારે કરસનદાસે પ્રાણ જાય તો પણ અભક્ષ્ય ભોજન ન કરવા કહ્યું. આમ તેઓ ધર્માંધ નહીં, પરંતુ ધર્મિષ્ઠ હતા.'
માત્ર લખાણમાં જ નહીં, પરંતુ આચરણમાં પણ કરસનદાસ કુરીતિઓના વિરોધી હતા. દેસાઈ લખે છે, 'તેમના બે પત્નીનાં અવસાન થયાં અને વર્ષ 1857માં તેમણે ત્રીજીવાર લગ્ન કર્યાં. આ વખતે કરસનદાસે જરીનો જામો પહેરીને ઘોડે ચઢવાનો ઇન્કાર કર્યો. સાસરિયાંએ ધમકી આપી કે જો તમે રિવાજને નહીં પાળો તો અમે વેવિશાળ તોડી નાખીશું.'
'કરસનદાસ મક્કમ રહ્યા અને સાદા પહેરવેશમાં પગે ચાલતા ગયા, જેથી ભાંજગડ થઈ. પરંતુ મિત્રોએ દરમિયાનગીરી કરી અને સુલેહ થઈ.'
સુધાર અને સંઘર્ષ

ઇમેજ સ્રોત, URVISH KOTHARI
'અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન ખંડ-2'માં હીરાલાલ પારેખ (પેજનંબર 282-292) નોંધે છે, 'એ વખત સુધી વૈષ્ણવમંદિરોમાં છપ્પનભોગ થતા. વર્ષ 1855માં ભુલેશ્વરમાં બ્રાહ્મણોએ છપ્પનભોગ કર્યો. શૈવ અને વૈષ્ણવો ગૃહસ્થોએ તેમાં સહાય કરી. ભુલેશ્વરમાં મોટો મેળો ભરાયો. મહાદેવને ધરાવેલો ભોગ બ્રાહ્મણો સહિત તમામ લોકોમાં વહેંચાયો. ગુજરાતી ઉપરાંત દક્ષિણી સ્ત્રી-પુરુષો તેમાં મોટી સંખ્યામાં જોડાયાં. '
'શીવને ધરાવવામાં આવેલું ભોજન 'શીવનિર્માલ્ય' કહેવાય એટલે જેમણે તે ખાધું હોય તે દૂષિત થયા છે. મહારાજોએ તેમના સેવકોને આજ્ઞા કરીને જ્યાર સુધી બ્રાહ્મણો પ્રાયશ્ચિત કરીને શુદ્ધ ન થાય ત્યાર સુધી તેમને જમાડવા નહીં, કંઈ આપવું નહીં તથા ભોજન પણ ન કરાવવું.'
'બ્રાહ્મણોનો આધાર વૈષ્ણવો પર હતો, એટલે આ પગલાંથી તેઓ કોપે ભરાયા. આ તકરાર વિશે વર્તમાનપત્રોમાં સખત ચર્ચા આવવા લાગી અને શાસ્ત્રાર્થ યોજવાની પણ માગણી થઈ.'
પારેખ ટાંકે છે, 'વર્ષ 1858માં દયારામ મોતીરામ નામના શખ્સે મુંબઈના જીવણલાલજી મહારાજ સામે દીવાની કોર્ટમાં કેસ દાખલ કર્યો. અદાલતમાં હાજર ન રહેવું પડે તે માટે એ કેસ વિશે વધારે અને વધારે સખથ લખાણ પ્રગટ થવાં લાગ્યાં. એક ભાડુઆતી પત્રકાર મારફત સુધારાવાદીઓ વિશે લખાણ છપાવા લાગ્યા. એવામાં તેનાથી બદનક્ષી થઈ ગઈ.'
'તે અદાલતનો કેસ લડી શકે તેમ ન હતો ત્યારે કોઈએ સલાહ આપી કે મહારાજ સામે સમન્સ કઢાવ કે જેથી કરીને તારું કામ થાય. મહારાજો અદાલતના બારણે ચઢવા માગતા ન હતા એટલે ફરી એક વખત મામલો ગંભીર થઈ ગયો. તેમણે સેવકો ઉપર દબાણ કરવાનું શરૂ કર્યું. '
'ઘણાં વૈષ્ણવોમાં એવો નિયમ હોય કે તે સવારે દર્શન વગર ભોજન કરે નહીં. વૈષ્ણવમંદિરો ખાનગી મિલકત ગણાય એટલે કાયદેસર રીતે તેમાં પેસી શકાય નહીં. આવા સમયે 16 જાન્યુઆરી, 1859ના રોજ સેવકોએ બેઠક કરીને કબુલાતનામું કર્યું કે ગુસાઈજી મહારાજના વંશજો અમારા ગુરૂ છે એટલે સરકારની તરફથી કે કોઈએ તેની સામે સમન્સ કાઢવા નહીં.'
રૂ. 60 હજારનું ભંડોળ ભેગું કરીને, એક બેરિસ્ટરને રોકીને, ભવિષ્યમાં કોઈ મહારાજને અદાલતમાં હાજર ન થવું પડે એવો હુકમ મેળવવાની હિલચાલ આદરી. તેમાં અનુયાયીઓ પાસેથી રૂપિયા ઉઘરાવવા ઉપરાંત તેમની પાસે કબૂલ કરાવવામાં આવ્યું કે મહારાજ સામે કદી અદાલતે ન જવું, તેમના વિરુદ્ધ લખવું નહીં, જે લખે તે નાતબહાર અને બીજા કોઈ સંપ્રદાયનો માણસ મહારાજ સામે કેસ કરે તો તેનો ખર્ચ મહારાજના ભક્તોએ ઉપાડવો. જે લોકો તેના ઉપર સહી કરે તેમને દર્શન કરવાં દેવાં.
કરસનદાસે 'સત્યપ્રકાશ'માં વૈષ્ણવધર્મમાં સુધાર વિશે લખવાનું ચાલુ રાખ્યું અને આ કરારને 'ગુલામીખત' ગણાવ્યો. દેસાઈ (પૃષ્ઠ 20) લખે છે કે ઘણાં લોકોએ નનામી પત્રિકાઓ લખીને ગુલામીખત વિરૂદ્ધ પુષ્કળ લખાણ લખ્યું. નામ છાપીને તેઓ નાતબહાર થવાની કોઈની હિંમત ચાલી નહીં અને નાત કરસનદાસને બહાર કરી શકી નહીં.
છેવટે ભાડુઆતી પત્રકાર બદનક્ષીની રકમ ભરવામાં ખુંવાર થઈ ગયો અને જીવણલાલજી મહારાજ મુંબઈ છોડી ગયા, પરંતુ કરસનદાસના સંઘર્ષનો હજુ અંત નહોતો આવ્યો.
મહારાજ લાયબલ કેસ

જીવણલાલજીના ગયા પછી જદુનાથજી મુંબઈ આવ્યા, જેઓ મૂળ સુરતના હતા. કરસનદાસનો તેમની સાથે સંઘર્ષ 'મહારાજ લાયબલ કેસ' તરીકે વિખ્યાત થવાનો હતો. અને ન કેવળ કાયદાના પુસ્તકોમાં, પરંતુ પત્રકારત્વના પાઠ્યક્રમોમાં પણ ભણાવવામાં આવવાનો હતો.
પારેખ લખે છે, 'જદુનાથજી મહારાજ યુવાન અને વ્યવહારકુશળ હતા. તેમણે પોતાની સુધારવાદી તરીકેની છાપ ઊભી કરી હતી એટલે શરૂઆતમાં સુધારાવાદીઓએ પણ તેમને આવકાર્યા. એવામાં વિધવાવિવાહ થઈ શકે કે નહીં, તે વિશે ચર્ચા કરવા માટે નર્મદશંકર લાલશંકર દવે એટલે કે કવિ નર્મદે તેમને આમંત્રણ આપ્યું.'
'કરસનદાસ મૂળજી, કરસનદાસ માધવદાસ, મથુરાદાસ લવજી સહિતના સુધારવાદીઓ તેમની સાથે રહ્યા. ચર્ચા આડે રસ્તે ફંટાઈ ગઈ અને કોઈપણ નિષ્કર્ષ વગર બધા વિખેરાઈ ગઈ. સુધારાવાદીઓ હાર માને તેમ ન હતા, તેમણે 'સત્યાર્થપ્રકાશ'માં જદુનાથજીએ પૂછેલા સવાલના જવાબ આપ્યા અને પ્રતિપ્રશ્ન કર્યા. જદુનાથજીએ પણ 'સ્વધર્મવર્ધક અને સંશયછેદક' નામની માસિક પત્રિકા દ્વારા જવાબ આપવાનું શરૂ કર્યું.'
'હવે વિધવા-પુનર્લગ્નથી ચર્ચાનું સ્વરૂપ બદલાઈ ગયું હતું અને હિંદુધર્મમાં પ્રવર્તમાન બદીઓ અને કુરીતિઓ વિશે ચર્ચા થવા લાગી હતી.'
કરસનદાસે 'મહારાજોને વિનંતી' અને 'ધર્મગુરૂઓની સત્તા' જેવા લેખ લખ્યા. 21 સપ્ટેમ્બર, 1860ના રોજ તેમનો 'હિંદુનો અસલ ધરમ અને પાંખડી મતો' નામનો જાણીતો લેખ લખ્યો. આ લેખમાં તેમણે મહારાજોનાં અયોગ્ય કાર્યોને ખુલ્લાં પાડ્યાં. નર્મદ તથા અન્ય સુધારાવાદીઓના ટેકામાં તેમણે આ લેખ છાપ્યો હતો, પરંતુ તેના કારણે તેઓ પોતે લાયબલના કેસમાં સપડાઈ ગયા હતા.
જદુનાથજી મહારાજે તેમની તથા પ્રકાશક નાનાભાઈ રૂસ્તમજી રાણીના સામે એ સમયમાં અધધ કહી શકાય એટલી 50 હજારની રકમનો બદનક્ષીનો દાવો માંડ્યો. મહારાજા વિશે ન લખવા માટે તેમની પૈસા આપવાના પ્રસ્તાવ થયા અને તેમની ઉપર હુમલા કરવાના પ્રયાસ થયા, પરંતુ તેઓ બચી ગયા.
બંને પક્ષકારોના અંગ્રેજી વકીલો તથા અંગ્રેજી જજોએ આ કેસની સુનાવણીમાં ભાગ લીધો. કરસનદાસને તેમની તરફ જુબાની આપવા માટે કોઈ મળે નહીં તે (દેસાઈ, પૃષ્ઠ 24-25) માટે તેમની સૂચનાથી ભાટિયા સમાજના અગ્રણીઓની બેઠક મળી. જેમાં મહારાજની સામે કોઈએ સાક્ષી પૂરવી નહીં એવો ઠરાવ કરવામાં આવ્યો અને સહીઓ લેવાની શરૂ થઈ, કેટલાકે દબાણ હેઠળ સહીઓ કરી.
આ સહીઓનો અર્થ હતો કે કરસનદાસને ન્યાય ન મળવા દેવો જે કાયદા મુજબ અપરાધ છે. આથી, કરસનદાસે નવ ભાટિયા અગ્રણીઓ સામે ફોજદારી દાવો માંડ્યો, જે 'ભાટિયા કૉન્સપિરસી કેસ' તરીકે ઓળખાય છે.
કરસનદાસના વકીલ ઉલટતપાસ માટે પંકાયેલા હતા. તેમના સવાલો થકી જ સાક્ષીઓ અને વાદીએ સંપ્રદાયમાં પ્રવર્તમાન કેટલાંક દુષણોનો ખુલાસો કર્યો. તબીબોની જુબાનીથી જદુનાથજીને સીફીલસની બીમારી હોવાનું પણ બહાર આવ્યું. ઊભય પક્ષોની સાક્ષીઓએ ન કેવળ ગુજરાતી, પરંતુ અન્ય ભાષાનાં તથા વિદેશી અખબારોમાં પણ આ કેસ વિશે કૌતુક જગાવ્યું અને તેનું વ્યાપક રિપૉર્ટિંગ થયું. આમાની કેટલાક સાક્ષીઓનાં નિવેદનો હચમચાવી નાખે એવાં હતાં.
મહીપતરામ નિલકંઠ પોતાના પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે કે 'પુસ્તક નાની ઉંમરના છોકરા છોકરીઓને વાંચવામાં બાધ ન રહે તે માટે મહારાજ લાયબલ કેસની અમુક વિગતો છોડી દેવાની જરૂર જણાઈ છે. કેટલીક ગંદી બીના બોધના અર્થે પુખ્ત ઉંમરના સ્ત્રીપુરુષ વાંચે એમા હરકત નથી. છતાં નાની ઉંમરનાં બાળક-બાળકીઓના હાથમાં ન મૂકવી જોઈએ, એવો મારો અભિપ્રાય છે.'
વર્ષ 1961માં રાસ્ત ગોફતાર અને સત્ય પ્રકાશ એક થઈ ગયા અને ઇતિહાસમાં પ્રકાશન, લેખક તથા પ્રકાશકનાં નામ લખાઈ જવાનાં હતાં.
એક અંત, અનેક આરંભ
કરસનદાસના કેસને કારણે સમાજના સુધારવાદીઓમાં હિંમત આવી તથા અનેક બદીઓ વિશે ચર્ચા થવા લાગી તથા તેમાં સુધાર આવવા લાગ્યા. વરિષ્ઠ પત્રકાર તથા તત્કાલીન ગુજરાતી લખાણોના અભ્યાસુ ઉર્વિશ કોઠારીના મતે, "કરસનદાસ મૂળજીના મહારાજ લાયબલ કેસ વિશે ઘણું લખાયું અને ચર્ચાયું છે. તેના પર પુસ્તકો અને પ્રકરણો લખાયાં છે. આજે પણ તેની રૅફરન્સ વૅલ્યૂ છે. "
તેઓ ઉમેરે છે, "મહારાજ લાયબલ કેસ પહેલાં અને પછી પણ અનેક નોંધપાત્ર કામો કર્યાં છે, પરંતુ આ કેસની સિદ્ધિ હેઠળ તે દબાઈ જાય છે. ધર્મગુરૂઓ સામે પડવું, જેટલું આજે પણ મુશ્કેલ છે, તો એ સમયની કઠણાઈની કલ્પના કરી શકાય છે. સુધારાવાદીઓની ક્યારેય બહુમતી હોતી નથી અને તેમણે હંમેશાં સામા પૂરે તરવાનું હોય છે. જદુનાથજી સામે પડવું એ તેમનો બદલો ન હતો, પરંતુ સામાજિક જાગૃતિનો પ્રયાસ હતો."
સુપ્રીમ કોર્ટના વકીલ એજી નૂરાનીના મતે એ કેસથી પ્રસ્થાપિત થયું કે જે નૈતિકતાની દૃષ્ટિએ બરાબર ન હોય, તે ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ ખરું ન હોઈ શકે. જરૂર પડ્યે કોઈની બીમારી વિશેની વિગતો અદાલતમાં ચર્ચવા વિશે પણ આ કેસ દરમિયાન જ નિર્ણય લેવાયો હતો.
એ કેસ પછી કરસનદાસ મૂળજીએ શેર-સટ્ટામાં ઝંપલાવ્યું, જેમાં તેઓ ખુંવાર થયા, પરંતુ પારસી તથા યુરોપિયન મિત્રોને કારણે તેઓ જમીનદોસ્ત ન થયા. તેમણે બે વાર વિદેશપ્રવાસ ખેડ્યા.
જે નાત કરસનદાસને તેમનાં લખાણોને કારણે નાતબહાર નહોતી મૂકી શકી, તેમને ઇંગ્લૅન્ડના પ્રવાસને કારણે નાતબહાર કરવામાં આવ્યા. તબિયત નાદુરસ્ત થવાને કારણે તેઓ ભારત પરત આવી ગયા અને પહેલાં રાજકોટ તથા પછી લીમડીમાં સરકારી નોકરી કરી. આ દરમિયાન પણ તેમની સુધારવાદી પ્રવૃત્તિઓ અને સાહિત્યસર્જન ચાલુ રહ્યાં.
નીતિસંગ્રહ (1856, મહિલાઓ માટેના સામયિક સ્ત્રીબોધ (1857), મુંબઈ બજાર (1859), નીતિવચન (1859, અનુવાદ), સંસારસુખ (1860), મહારાજોનો ઇતિહાસ (1865) ઇંગ્લૅન્ડ પ્રવાસ (1866), વેદધર્મ અને વેદધર્મ પછીનાં પુસ્તકો (1866) અને કુટુંબમિત્ર (1867) તેમના સાહિત્ય તથા મનોજગતમાં ડોકિયું કરાવે છે.
દેસાઈ લખે (35-37) છે 27 ઑગસ્ટ 1871ના કરસનદાસે તેમના મિત્ર ડૉ. પાંડુરંગને બોલાવીને કહ્યું, 'હું ધારું છું કે મેં મારા ઓછા જ્ઞાનવાળા દેશભાઈઓ પ્રત્યે ફરજ બજાવી છે. એમ કરવામાં મેં કોઈને મારા દુશ્મન કર્યા હોય તો એવો મારો હેતુ ન હતો. સારું અને પરોપકારી કામ કરતા એમ થયું એના માટે પરમેશ્વર પાસે હું જ્ઞાન અને દયા માગું છું. મિત્ર અને શત્રુ બેઉને માટે પ્રાર્થના કરું છું કે તેમના ઉપર કૃપા કરે.'
જ્ઞાતબહાર થયેલા પરિવારજનોને કોઈ તકલીફ ન પડે તે માટે મિત્રોને ભલામણ કરી. 39 વર્ષની તેમનું અવસાન થયું. સોરાબજી શાપુરજી બંગાળીએ એમનાં પરિવારની સંભાળ લીધી અને મૃતકનાં પત્નીથી તેમને નાતમાં પરત સ્થાન અપાવ્યું.
મુંબઈ યુનિવર્સિટીમાં સુધારવાદી નિબંધ લખનારને 'કરસનદાસ મૂળજી સ્મારક ઇનામ' મળે તે પ્રકારની વ્યવસ્થા થઈ. એક સમયે સુધારવાદી નિબંધ લખવાને કારણે તેમણે ઘર છોડવું પડ્યું હતું અને હવે તેઓ સુધારવાદી નિબંધોના પ્રેરક બન્યા.
(આરંભિક અદાલતના દૃશ્યનું વર્ણન નીતિવચનમાંથી, પૃષ્ઠક્રમાંક 25)












