ગિરનારના શિલાલેખ સહિત અનેક પ્રાચીન લેખોને ઉકેલી આપનાર પુરાતત્ત્વવિદ્ ભગવાનલાલ ઇન્દ્રજી

વિસ્મૃતિના પોપડા તળે દટાયેલા પુરાતત્ત્વવિદ્ ભગવાનલાલ ઇન્દ્રજી
ઇમેજ કૅપ્શન, વિસ્મૃતિના પોપડા તળે દટાયેલા પુરાતત્ત્વવિદ્ ભગવાનલાલ ઇન્દ્રજી
    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે
ભગવાનલાલ ઇન્દ્રજી

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.

ભગવાનલાલ ઇન્દ્રજી

પુરાતત્ત્વ ક્ષેત્રે પાયાનું પ્રદાન કરનાર પહેલા ભારતીય ભગવાનલાલ ઇન્દ્રજીને ઉમાશંકર જોશીએ મહાત્મા ગાંધી, જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીની હરોળમાં મૂકવા પડે એવા ગુજરાતી તરીકે ઓળખાવ્યા હતા.

અંગ્રેજી શિક્ષણ શરૂ થવાને વાર હતી. ગામઠી નિશાળોનો યુગ ચાલતો હતો. સ્થાનિક લોકોમાં પ્રાચીન વારસા અંગે જાગૃતિ ન હતી. તેમાંથી કેટલાક એવું માનતા હતા કે ગિરનારની તળેટીમાં આવેલા અશોકના શિલાલેખ નીચે ખજાનો દટાયેલો છે, જેનું રક્ષણ એક ભૂત કરે છે અને શિલાલેખની ઉપરનું લખાણ ભૂતને વશ કરવાનો મંત્ર છે. ખજાનાની લાલચે એક જણે પથ્થરમાં સુરંગ ફોડાવતાં, શિલાલેખના અમુક ટુકડા છૂટા પડી ગયા હતા.

તે સમયે કેટલાક અંગ્રેજ અફસરો પુરાતત્ત્વમાં રસ લઈ રહ્યા હતા. કર્નલ ટોડે વર્ષ 1822માં ગિરનારનો શિલાલેખ જોયો, પણ તેને ઉકેલી શક્યા નહીં. તેના દોઢેક દાયકા પછી, કાઠિયાવાડના પૉલિટિકલ એજન્ટ કર્નલ લેન્ગના સૂચનથી જેમ્સ પ્રિન્સેપે અશોકના શિલાલેખ ઉકેલવાનું કામ લીધું અને તેની લિપિ ઉકેલવામાં થોડીઘણી સફળતા મેળવી. આવા વાતાવરણમાં જૂનાગઢમાં જન્મેલા ભગવાનલાલને કિશોર વયથી પ્રાચીન લેખો ઉકેલવામાં રસ પડ્યો.

ઇન્દ્રજી ભટ્ટના ત્રણ પુત્રોમાં સૌથી નાના ભગવાનલાલ ભણ્યા ગામઠી નિશાળમાં અને કુટુંબ પરંપરા પ્રમાણે સંસ્કૃત શીખ્યા. પિતાની આંગળી પકડીને ગિરનાર જતી વખતે શિલાલેખ જોઈને તેમને બાળસહજ કુતૂહલ થતું, જે જોતજોતાંમાં તીવ્ર જિજ્ઞાસામાં પરિણમ્યું અને તેમને કશી ઔપચારિક તાલીમ વિના, પુરાતત્ત્વના અભ્યાસ ભણી દોરી ગયું.

ગ્રે લાઇન

આપસૂઝથી આરંભ

ભગવાનલાલ ઇન્દ્રજી
ઇમેજ કૅપ્શન, ગિરનારના શિલાલેખનો હિસ્સો

પહેલી વાર ભગવાનલાલે પ્રિન્સેપની નકલના આધારે રૂદ્રદામાનો શિલાલેખ ઉકેલવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેમને નિષ્ફળતા મળી. તેમને થયું કે શિલાલેખમાં જોડાક્ષરો અને માત્રાઓ પણ છે, જેના વિશે તે જાણતા નથી. હિંમત હારવાને બદલે તેમણે એક મિત્રની મદદથી વિવિધ એશિયાટિક સોસાયટીનાં જર્નલ મેળવ્યાં અને ભાંગ્યાતૂટ્યા અંગ્રેજી સાથે તેનો અભ્યાસ કરીને અક્ષર ઉકેલવા માંડ્યા.

ત્યાર પછી પ્રિન્સેપની નકલ પર આધાર રાખવાને બદલે તે જાતે ગિરનાર જવા લાગ્યા. સાંજે ચારેક વાગ્યે ત્યાં પહોંચીને સૂર્યાસ્ત સુધી તે કામ કરતા હતા. એ રીતે તેમણે એકેએક અક્ષર વાંચ્યો, પ્રિન્સેપની નકલમાં થયેલી ક્ષતિઓ પણ શોધી કાઢી અને સ્વતંત્રપણે તે લેખ આખો ઉકેલી કાઢ્યો. આ કામગીરી પછી જુદી જુદી પ્રાચીન લિપિઓ ઉકેલવામાં ભગવાનલાલ વધુ ને વધુ ઊંડા ઊતરતા ગયા અને સફળતા મેળવતા ગયા.

ભગવાનલાલને મન તે મનગમતી પ્રવૃત્તિ હતી. તેમાં આગળ શું થઈ શકે, એનો વિચાર તેમણે કર્યો ન હતો. પરંતુ ફાર્બસ જેવા વિદ્યારસિક અંગ્રેજ અફસર અને ડૉ. ભાઉ દાજી જેવા ધનાઢ્ય-અભ્યાસીએ તેમનો હાથ પકડતાં, જૂનાગઢની સાંકડી દુનિયામાંથી ભગવાનલાલ મુંબઈમાં, રાષ્ટ્રીય ફલક પર આવ્યા. વિદેશી વિદ્વાનો સાથે સંપર્ક થયો. કાઠિયાવાડના પૉલિટિકલ એજન્ટ કર્નલ લેન્ગ તેમને ‘નાનકડો પંડિત’ કહેતા હતા તે ઉંમરના હિસાબે, પણ તેમની વિદ્વત્તા ઘણી મોટી હોવાનું જાણકારોને તરત સમજાઈ જતું હતું. ‘પંડિત’ શબ્દ ત્યારે નકલ ઉતારવાનું કામ કરનારા સહાયકો માટે વપરાતો, પણ ભગવાનલાલ ખરા અર્થમાં પંડિત નીવડ્યા.

ગ્રે લાઇન

શેઠ, ગુરુ, મિત્ર ડૉ. ભાઉદાજીનો સહવાસ

ભગવાનલાલ ઇન્દ્રજી
ઇમેજ કૅપ્શન, ભગવાનલાલનું વિત્ત પારખનાર ડૉ. ભાઉદાજી લાડ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અભ્યાસે-વ્યવસાયે ડૉક્ટર અને પુરાતત્ત્વ સહિતના અભ્યાસમાં રસ ધરાવતા મુંબઈના ડૉ. ભાઉદાજી (સાચું નામ ડૉ. રામકૃષ્ણ વિઠ્ઠલ લાડ) જાહેર જીવનમાં જાણીતા હતા. અંગ્રેજ અફસર ફાર્બસના સૂચનથી ભાઉએ ભગવાનલાલને મુંબઈ તેડાવ્યા. તે જૂનાગઢથી અમદાવાદ બળદગાડીમાં, અમદાવાદથી વલસાડ નવી થયેલી રેલવેમાં, વલસાડથી પગે ચાલતા (સામાન પોઠિયા ઉપર ચડાવીને) ધરમપુર, ત્યાંથી મુસાફરોના એક સંઘમાં ગાડામાં બેસીને નાશિક અને ઇગતપુરીથી ટ્રેનમાં બેસીને, કુલ 16 દિવસની મુસાફરી પછી મુંબઈ પહોંચ્યા.

વર્ષ 1861માં થયેલી પહેલી મુલાકાત વખતે ભાઉ 38 વર્ષના અને ભગવાનલાલ 22 વર્ષના હતા. ભગવાનલાલે ભાઉ માટે માટે જૂનાગઢના લેખ ઉકેલવાનું કામ આગળ ચલાવ્યું. ભાઉને એ કામથી ખૂબ સંતોષ થતાં બીજા વર્ષથી તેમણે ભગવાનલાલને પોતાની સાથે રાખી લીધા અને વર્ષ 1874માં તેમના અવસાન સુધી બંનેનો સાથ રહ્યો.

ભાઉ માટે ભગવાનલાલે કરેલાં અજંતા સહિત મહારાષ્ટ્રનાં ઘણાં સ્થળે આવેલા અભિલેખની શુદ્ધ નકલ ઉતારી અને તેમને ઉકેલી આપ્યા. મુંબઈમાં ભાઉને કારણે ભગવાનલાલ સમક્ષ નવી દિશાઓ ખૂલી ગઈ. ભારતના જુદા જુદા ભાગોમાં તેમને અભ્યાસ માટે ફરવાનો સુયોગ મળ્યો. ડૉક્ટરે તેમને અત્યંત માનપૂર્વક સાથે રાખ્યા. ભગવાનલાલનું અંગ્રેજી કાચું હતું, જ્યારે ભાઉ અંગ્રેજીમાં લખી શકતા હતા. તેમણે ભગવાનલાલનાં પ્રાચીન અંકસંખ્યા સહિતનાં કેટલાંક મહત્ત્વનાં સંશોધનોના આધારે અભ્યાસલેખ લખ્યા, જેમાં ભગવાનલાલનો નામોલ્લેખ ન હતો.

ભગવાનલાલને તે મુદ્દે કદી ભાઉ વિશે કચવાટની લાગણી થઈ નહીં. મૃત્યુ પછી પોતાનો હસ્તલિખિત સંગ્રહ એશિયાટિક સોસાયટીને આપવાની ઇચ્છા વ્યક્ત કરતાં તેમણે સૂચના આપી હતી કે તે સંગ્રહ શેઠ ભાઉદાજીનાં પુસ્તકોના કબાટની બાજુના કબાટમાં રાખવો અને તેની ઉપર ‘ડૉ. ભાઉદાજીના શિષ્ય ભગવાનલાલ ઇન્દ્રજીનો સંગ્રહ’ એમ લખવું.

ભગવાનલાલ ઇન્દ્રજી

પુરાતત્ત્વનાં તમામ ક્ષેત્રો અજવાળતી પ્રતિભા

ભગવાનલાલ ઈન્દ્રજી
ઇમેજ કૅપ્શન, વિસ્મૃતિનાં પોપડા તળે દટાયેલા પુરાતત્ત્વવિદ્ ભગવાનલાલ ઇન્દ્રજી

ડૉ.ભાઉદાજીના અવસાન પછી ભગવાનલાલની પ્રતિભા સ્વતંત્ર રીતે પ્રકાશતી થઈ. તેમણે કરેલાં વિદ્યાકીય કામની પૂરી કદર તે વિષયના નિષ્ણાતો જ કરી શકે. છતાં, નમૂનાલેખે તેમનાં કેટલાંક કામની અછડતી યાદીઃ

  • જૈનોની પ્રાચીનતા સાબિત કરનારા તે પહેલા વિદ્વાન હતા. જૈનો સ્તૂપોની પૂજા કરતા હતા એવું તેમણે પહેલી વાર દર્શાવી આપ્યું.
  • મુંબઈમાં સોપારા પાસે તેમણે પુરાતત્ત્વીય ખોદકામ કરાવ્યું અને મહત્ત્વનાં ઐતિહાસિક તારણ મેળવ્યાં. કોઈ પણ ભારતીય દ્વારા હાથ ધરાયેલું એ પહેલું પુરાતત્ત્વીય ખોદકામ હતું.
  • જૂના સિક્કા ઉકેલીને ક્ષત્રપ શાસકોની સાચી વંશાવળી તૈયાર કરી. સિક્કા ઉકેલીને તેની પરથી ઇતિહાસની હકીકતો તારવવામાં પણ તે પ્રતિષ્ઠા પામ્યા.
  • પ્રાચીન તારીખોને સાચી રીતે ઉકેલીને કાળગણનામાં થતી અંધાધૂંધી દૂર કરી.
  • નેપાળના અને બીજા પ્રવાસો દરમિયાન, સાવ પ્રાથમિક ટેકનોલૉજી ધરાવતા ભારેખમ પ્લેટ કૅમેરા વડે મહત્ત્વનાં શિલ્પ-સ્થાપત્યોની ફોટોગ્રાફી કરી.
  • ‘કામસૂત્ર’નું પહેલવહેલું આલોચનાત્મક સંપાદન અને ગુજરાતી અનુવાદ કર્યાં.
  • સ્તંભોના અને ગુફાઓના લેખ ઉકેલતાં ઉકેલતાં તે સમયના ઇતિહાસ ઉપરાંત સામાજિક રીતરિવાજોની પણ વિગતો તે ઉજાગર કરતા ગયા.
  • તેમનો ગ્રંથ ‘અર્લી હિસ્ટરી ઑફ ગુજરાત’ પ્રાચીન સમયના જૂજ આધારભૂત ગ્રંથોમાં સ્થાન પામે છે.
ભગવાનલાલ ઇન્દ્રજી

સિદ્ધિ અને વારસો

ભગવાનલાલ ઇન્દ્રજી

ઇમેજ સ્રોત, Bhagwanlal Indraji: The First Indian Archeologist. By Virchand Dharamsey, 2012

ઇમેજ કૅપ્શન, ગુજરાતી અને અંગ્રેજીમાં ભગવાનલાલની સહી

ભારતના પ્રાચીન વારસાની ભવ્યતા ઉજાગર કરતી વખતે ભગવાનલાલ સાંસ્કૃતિક મિથ્યાભિમાનમાં સરી ન પડ્યા અને પ્રચલિત માન્યતાઓ કરતાં જુદાં તારણો રજૂ કરતાં ખચકાયા નહીં. ગુજરાત અને કાઠિયાવાડનાં ઘણાં રજપૂત કુટુંબોનું પગેરું સાધારણ અથવા અજાણ્યા કુળ સુધી પહોંચે છે—એવું તેમણે પુરાતત્ત્વીય અભ્યાસના આધારે જણાવ્યું. પાશુપત સંપ્રદાય વિશે વિસ્તારથી લખનારા પણ તે પહેલા હતા.

ભગવાનલાલની સર્વાંગી વિદ્વત્તાની કદરરૂપે, કેટલાક વિદ્યાવ્યાસંગી અંગ્રેજોની દરખાસ્તથી, વર્ષ 1877માં ભગવાનલાલ મુંબઈની રોયલ એશિયાટિક સોસાયટીના પહેલા સભ્ય તરીકે પસંદ થયા. નેધરલૅન્ડની લેઇડન યુનિવર્સિટીએ ભગવાનલાલને માનદ્ ડોક્ટરેટની પદવી આપી. ભગવાનલાલે ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાના ક્ષેત્રમાં કરેલું પ્રદાન નર્મદ જેવા તેમના પ્રતાપી સમકાલીનોની સમકક્ષ કે કેટલીક બાબતોમાં તેમનાથી બે આંગળ ઊંચું ગણવામાં આવે છે.

પુરાતત્ત્વના મુખ્ય અભ્યાસ ઉપરાંત વૈદક અને વનસ્પતિશાસ્ત્રમાં પણ ભગવાનલાલને ઊંડો રસ હતો. ગુજરાતના પ્રખર વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજી ભગવાનલાલના શિષ્ય હતા. (તેમની વચ્ચે કશો કૌટુંબિક સંબંધ ન હતો) મુંબઈના કેટલાક ભાટિયા શેઠિયાઓએ ભગવાનલાલને મુંબઈમાં વાલકેશ્વર વિસ્તારમાં એક ઘર લઈ આપ્યું હતું. વસિયતનામામાં તે ઘર તેમણે ભાટિયાઓને સેનેટોરિયમ માટે આપી દીધું. તેમનો સિક્કા, તામ્રપત્રો, શિલાલેખો, અભિલેખો, પ્રાચીન લેખોની પોતાના હાથે કરેલી નકલો, મૂર્તિઓ અને બીજી પુરાતત્ત્વીય વસ્તુઓનો બહુમૂલ્ય સંગ્રહ તેમણે બ્રિટિશ મ્યુઝિયમને ભેટમાં આપી દીધો અને પુસ્તકસંગ્રહ મુંબઇની નેટિવ જનરલ લાયબ્રેરીને આપ્યાં.

ભગવાનલાલના કેટલાક પ્રવાસોમાં તેમનાં પત્ની ગંગાબહેન પણ તેમની સાથે રહેતાં હતાં. બંનેને સંતાન ન હતું. એટલે ભગવાનલાલે અંતિમ અવસ્થામાં કહ્યું હતું કે ‘મારી શાખાનો મારાથી છેડો આવી જાય છે.’ પરંતુ ગુજરાતે તેમની શાખાનો જ નહીં, તેમના પ્રદાનની સ્મૃતિનો પણ છેડો આણી દીધો.

મુખ્ય સંદર્ભઃ ભગવાનલાલ ઇન્દ્રજીઃ પં. ભગવાનલાલ ઇંદ્રજીનું જીવનચરિત્ર (દુર્ગાશંકર શાસ્ત્રી, 1945), પુરાતત્ત્વ વિદ્યાના ભારતીય આદિપુરુષ (વીરચંદ ધરમસી, 2012)

રેડ લાઇન
રેડ લાઇન