દિનકર મહેતા : જેલમાં રહી ચૂંટણી જીતીને અમદાવાદના મેયર બનનાર પ્રથમ સામ્યવાદી નેતા

દિનકર મહેતા
    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે
રેડ લાઇન

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.

બીબીસી ગુજરાતી

ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી અને ગાંધીવાદી કાર્યકરમાંથી સમાજવાદી અને સામ્યવાદી સુધીની વૈચારિક સફર ખેડનાર દિનકર મહેતા અમદાવાદના એકમાત્ર સામ્યવાદી મેયર હતા.

દક્ષિણ ગુજરાતના ચીખલીમાં 1907માં જન્મેલા અને કાચી વયે માતા ગુમાવનારા દિનકરભાઈ કિશોરાવસ્થા સુધી એટલા ધાર્મિક હતા કે તે સાધુ બની જશે એવી તેમના પરિવારજનોને બીક લાગતી હતી. સ્વરાજની ચળવળમાં ગાંધીજીના ઉદય પછી દિનકરભાઈ તેમના વિચારોથી આકર્ષાયા અને તેમની ધર્મભાવના પર રાષ્ટ્રીય ભાવનાનો રંગ ચડ્યો.

સુરત અને મુંબઈમાં અભ્યાસ કર્યા પછી તે 1926માં ગાંધીજીની ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી બન્યા, ત્યાં તેમને આચાર્ય કૃપલાણી, રામનારાયણ પાઠક, નરહરિ પરીખ, પંડિત સુખલાલ, મુનિ જીનવિજયજી, કાકા કાલેલકર, નગીનદાસ પારેખ, ઝીણાભાઈ દરજી જેવા પ્રતાપી અધ્યાપકો તથા કૃષ્ણલાલ શ્રીધરાણી, કવિ ‘સુંદરમ્’, મૃદુલા સારાભાઈ, ભોગીલાલ ગાંધી જેવાં સહાધ્યાયીઓ મળ્યાં. કાકા કાલેલકરના તો તે થોડો સમય માટે અંગત મંત્રી પણ બન્યા. ઘણું અંગ્રેજી સાહિત્ય વાંચ્યું, યોગાભ્યાસમાં આગળ વધ્યા અને અંગત રસને કારણે સંગીત પણ શીખ્યા, પ્રાર્થના-ભજનો ગવડાવતા થયા.

રશિયાની સામ્યવાદી ક્રાંતિનાં પુસ્તકો વાંચ્યા પછી, ક્રાંતિની દસમી વર્ષગાંઠે દિનકરભાઈએ વિદ્યાપીઠના સામયિક ‘સાબરમતી’માં એક લેખમાં લખ્યું હતું, ‘ગાંધીજી અને લેનિનનાં આદર્શો અને ભાવના એક જ છે. ફક્ત તેમના માર્ગોમાં તફાવત છે. ગાંધીજીનો માર્ગ શુદ્ધ અહિંસાનો છે.’ વિદ્યાર્થી અવસ્થામાં જ તેમણે એસ.સી. આર્મસ્ટ્રોંગનાં અવતરણોની પુસ્તિકા ‘ઍજ્યુકેશન ફૉર લાઇફ’નો ગુજરાતી અનુવાદ કર્યો. ઉદ્યોગપતિ તાતાના પ્રતિનિધિ તરીકે ઇંગ્લૅન્ડ ગયેલા અને પછી સામ્યવાદી બનેલા શાપુરજી સકલાતવાળાનું વિદ્યાપીઠમાં પ્રવચન સાંભળીને દિનકરભાઈને સામ્યવાદમાં રસ જાગ્યો.

ગ્રે લાઇન

ગાંધીજીથી માર્ક્‌સ સુધી

દિનકર મહેતા

ઇમેજ સ્રોત, Lokayat Gyankendra Trust

બારડોલી સત્યાગ્રહ અને દાંડી કૂચ-ધરાસણા સત્યાગ્રહોમાં ભાગ લઈને તેમણે જેલવાસ વેઠ્યો. જેલમાં કથળેલી તબિયતને કારણે તેમને લાંબો સમય સારવાર લેવી પડી. તે ગાળામાં વાંચવા-વિચારવાનું ચાલુ રહ્યું. ગાંધીજી અહિંસા, અપરિગ્રહ અને હૃદયપરિવર્તનના રસ્તે વર્ગવિહીન અને રાજ્યવિહીન એવો આદર્શ સમાજ ઇચ્છતા હતા, પણ દિનકરભાઈને તે કાલ્પનિક આદર્શ લાગવા માંડ્યા અને ગરીબી, અસમાનતા, અન્યાય, હિંસાનું મૂળ મૂડીવાદમાં દેખાયું.

સામ્યવાદનો પૂરેપૂરો રંગ દિનકરભાઈને 1933માં નર્મદાકિનારે આવેલા માલસરમાં ચડ્યો. ત્યાં થોડા મિત્રો સાથે તે રહ્યા, ચર્ચાઓ કરી, અભ્યાસ કર્યો. તેમને લાગ્યું કે ગાંધીજીમાં તેમની શ્રદ્ધા માર્ક્સે જેને ‘ફોલ્સ કોન્શ્યસનેસ’ (ભ્રામક ચેતના) તરીકે ઓળખાવી, એ પ્રકારની હતી અને તેને તોડીને આગળ ન વધી શકાય તો મૂડીવાદી સમાજરચનાનો જ એક ભાગ બનીને રહી જવાય. તેમણે મોરીસ હિન્ડસના રશિયન ક્રાંતિ અને પરિવર્તન વિશેના પુસ્તક ‘હ્યુમેનીટી અપરૂટેડ’નો ‘પલટાતું રશિયા’ નામે અનુવાદ પણ કર્યો હતો.

‘ગાંધીજીની વિચારસરણી ક્રાંતિકારી નહીં, પણ ભારતીય મૂડીવાદને આદર્શ સ્વરૂપે પહોંચાડવાની’ છે, એવું દૃઢપણે લાગતાં તેમણે એ વિચારસરણી છોડી અને 1934માં સત્યાગ્રહ આશ્રમના હરિજન છાત્રાલયના હૉલમાં કેટલાક મિત્રો સાથે મળીને કૉગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપના કરી. ગુજરાતીમાં સમાજવાદી સાહિત્ય પ્રગટ કરવા માટે ‘નવી દુનિયા કાર્યાલય’ નામે પ્રકાશન સંસ્થા પણ શરૂ કરવામાં આવી. તેના ધ્યેયમંત્ર તરીકે માર્ક્સના વાક્ય ‘The philosophers have only interpreted the world in various ways, the point however is to change it’ નો કવિ સુંદરમે કરેલો ટૂંકો અનુવાદ રાખ્યોઃ ‘ઘણું વિચાર્યું, હવે પલટવું’.

ગ્રે લાઇન

અમદાવાદ અને સામ્યવાદ

દિનકર મહેતા

ઇમેજ સ્રોત, Lokayat Gyankendra Trust

ઇમેજ કૅપ્શન, દિનકર મહેતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1934ના અરસામાં અમદાવાદના મિલ કામદારો અને મિલમાલિકો વચ્ચે મતભેદ થતા અને મજૂર મહાજનપ્રેરિત કરાર પછી પણ અન્યાયની લાગણી ચાલુ રહેતાં, દિનકરભાઈએ પત્રિકાઓ કાઢી અને જાન્યુઆરી 1935માં તેમણે 40 હજાર કામદારોની હડતાળ પડાવી. મજૂર મહાજનના પ્રયાસને કારણે એ હડતાળ થોડા દિવસમાં તૂટી ગઈ. પણ ત્યારથી દિનકરભાઈએ અમદાવાદને થાણું બનાવ્યું.

ડચકાં ખાઈ રહેલા બાળસામયિક ‘ફુલવાડી’ને તેમણે સમાજવાદી સામ્યવાદી વિચારોના પ્રચાર માટે નવું રૂપ આપ્યું. થોડા સમય પછી તેમને ‘નવયુગ’ માસિકનો હવાલો મળતાં, તેમાં ‘ફુલવાડી’ને ભેળવી દેવામાં આવ્યું અને તે સામ્યવાદી-સમાજવાદીઓનું વિચારપત્ર બની રહ્યું. આ અને પછી શરૂ થયેલાં પ્રકાશનો બીજા વિશ્વયુદ્ધ વખતે સામ્યવાદ પર આવેલી તવાઈ પછી 1940માં સમેટવાં પડ્યાં.

સરદાર પટેલ સમાજવાદી-સામ્યવાદી વિચારધારાના ટીકાકાર હતા. તેમના ગઢ અમદાવાદ-ગુજરાતમાં પક્ષનું કામ ચલાવવું કઠણ હતું. છતાં, અખબારોના શાબ્દિક પ્રહારોથી માંડીને બીજી અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે ગુજરાત કૉંગ્રેસ સમાજવાદી પક્ષનું પહેલું અધિવેશન અમદાવાદમાં ભરવામાં આવ્યું. મજૂર મહાજનની કામગીરી અને વલણથી અસંતોષ હોવાને કારણે, દિનકરભાઈએ સાથીદારો સાથે મળીને અમદાવાદમાં ‘મિલ કામદાર યુનિયન’ની સ્થાપના કરી અને તેનું ‘અખિલ હિંદ ટ્રેડ યુનિયન કૉંગ્રેસ’ સાથે જોડાણ કર્યું.

બીબીસી ગુજરાતી

સામ્યવાદનો સંસાર

દિનકર મહેતા

ઇમેજ સ્રોત, Lokayat Gyankendra Trust

ઇમેજ કૅપ્શન, દિનકર મહેતા તેમનાં પત્ની નલિનીબહેન સાથે

1937ની ચૂંટણી પછી રચાયેલા કૉંગ્રેસી પ્રધાનમંડળના રાજમાં અમદાવાદમાં આશરે 50 હજાર મિલ કામદારોએ હડતાળ પાડી. તેમનો વિરોધ મિલમાલિકોએ શાળ ખાતાના કારીગરોના પગારમાં મૂકેલા 25 ટકા કાપ સામે હતો. 21 દિવસની હડતાળ પછી સમાધાન થયું, તેનાથી મજૂર મહાજન હોવા છતાં લાલ વાવટાવાળા (સામ્યવાદી) સંગઠનનું મહત્ત્વ વધ્યું.

દેશના સમાજવાદી પક્ષના એક મંત્રી તરીકે દિનકરભાઈને ભારતનાં વિવિધ રાજ્યોમાં ફરવાનું અને સામ્યવાદી નેતાઓના સંપર્કમાં આવવાનું થયું. (સામ્યવાદીઓ કૉંગ્રેસ સમાજવાદી પક્ષના સભ્ય બની શકે, એવી સમજૂતી બંને પક્ષો વચ્ચે થઈ હતી.) બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગુજરાતમાં સામ્યવાદી પક્ષનું પ્રાંતિક સંગઠન રચાયું, જેમાં દિનકર મહેતા મંત્રી હતા. સામ્યવાદીઓ પર ઘણી વાર પ્રતિબંધ મૂકાતો હતો. એટલે પક્ષની પ્રવૃત્તિઓ ખાનગી રાહે કરવી પડતી હતી અને દિનકરભાઈને ભૂગર્ભમાં પણ જવું પડ્યું.

1942માં ‘હિંદ છોડો’ આંદોલન શરૂ થયાના થોડા મહિના પછી, સામ્યવાદી પક્ષ પરનો આઠ વર્ષ જૂનો પ્રતિબંધ અંગ્રેજ સરકારે ઉઠાવી લીધો. તેના કારણે સામ્યવાદીઓ અંગ્રેજ સરકારને મદદ કરી રહ્યા છે, એવી છાપ ઊભી થઈ. દિનકરભાઈ મતે, તેનાથી વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગમાં સામ્યવાદીઓની પ્રતિષ્ઠાને ભારે નુકસાન થયું. 1943માં દિનકરભાઈએ ગુજરાતી સહકાર્યકર નલિનીબહેન સાથે મુંબઈમાં આવેલા પક્ષના સમૂહજીવન કેન્દ્ર (કમ્યુન)માં લગ્ન કર્યું.

મજૂરોની હડતાલ અને તેમના સંગઠન ઉપરાંત દિનકરભાઈ લોક નાટ્યસંઘ જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિ સાથે અને કિસાન સભા જેવી ગ્રામલક્ષી કામગીરીમાં પણ સામ્યવાદી તરીકે સક્રિય રહ્યા. આઝાદી પહેલાં અને પછી સામ્યવાદમાં અનેક ફાંટા પડતા રહ્યા. વૈચારિક મતભેદ ઉપરાંત સત્તાની ઝંખનાને કારણે ઘણા સામ્યવાદીઓ બીજા પક્ષો સાથે જોડાયા. પણ દિનકરભાઈ અને તેમનાં પત્ની નલિનીબહેને સામ્યવાદી વિચારધારા ન છોડી.

બીબીસી ગુજરાતી

અમદાવાદનું મેયરપદું

મુંબઈના દ્વિભાષી રાજ્યમાંથી અલગ ગુજરાતની સ્થાપના માટે 1956થી ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ આંદોલન ચાલ્યું. તેમાં સત્તાધારી કૉંગ્રેસ સામે રચાયેલી મહાગુજરાત જનતા પરિષદમાં વિવિધ વિચારધારાના નેતાઓ સામેલ થયા. તેમાં સામ્યવાદી દિનકરભાઈ પરિષદના અમદાવાદ વિસ્તારના ઉપપ્રમુખ હતા. તે પહેલાં ભારતીય સામ્યવાદી પક્ષની રાષ્ટ્રીય સમિતિના સભ્ય તરીકે તે ચૂંટાયા હતા. સામ્યવાદી પક્ષના ભાગ પડતા દિનકરભાઈ માર્ક્‌સવાદી સામ્યવાદી પક્ષમાં જોડાયા અને રાજ્યમાં તેમ જ રાષ્ટ્રીય સ્તરે વિવિધ હોદ્દે રહ્યા.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની 1965ની ચૂંટણી થઈ, ત્યારે જનતા પરિષદની પાંખ જેવી ‘સંયુક્ત કામદાર સંઘર્ષ સમિતિ’ના દિનકરભાઈ સહિતના નવ સભ્યો જેલમાં હતા. તેમાંથી આઠ સામ્યવાદીઓ હતા. દિનકરભાઈ સહિતના આઠ જેલવાસી આગેવાનોએ કૉર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી. સરકારે તેમને પેરોલ ન આપતાં, તે જેલમાં રહીને ચૂંટણી લડ્યા અને જીત્યા.

જનતા પરિષદની ભવ્ય જીત પછી તેનાં વિવિધ જૂથો વચ્ચે મેયરપદ માટેની ખેંચતાણ શરૂ થઈ. છેવટે, દરેક જૂથના એક-એક નેતાને એક વર્ષ માટે મેયર બનાવવાનું સમાધાન થયું. દિનકરભાઈ એ હોડમાં ન હતા. પણ બીજા વર્ષે માર્ક્‌સવાદી સામ્યવાદી પક્ષના પ્રતિનિધિ તરીકે તેમનું નામ સૂચવાયું. ત્યારે એક સામ્યવાદી હરીફ જૂથ અને બીજાં બે જૂથોએ દિનકરભાઈના નામનો વિરોધ કર્યો. ઇન્દુલાલ યાજ્ઞિકને પણ લાગતું હતું કે દિનકરભાઈ જેવા સામ્યવાદી નેતા અમદાવાદના મેયર બને તો 1967માં થનારી લોકસભાની ચૂંટણીમાં જનતા પરિષદને અમદાવાદમાંથી મળતા સમર્થન પર અવળી અસર પડી શકે.

મહાગુજરાત જનતા પરિષદના કેટલાક નેતાઓને સામ્યવાદ સામે એટલો વિરોધ હતો કે તેમણે પરિષદના મેયરપદના ઉમેદવાર દિનકરભાઈની વિરુદ્ધમાં મત આપ્યો અને એક નેતાએ પક્ષની શિસ્તનો ભંગ કરીને મેયરની ચૂંટણી માટે દિનકર મહેતા સામે ઉમેદવારી નોંધાવી. પરંતુ એ બધા વચ્ચે દિનકરભાઈ મેયર તરીકે ચૂંટાયા અને 1966થી 1967 સુધી એક વર્ષ માટે અમદાવાદના મેયરપદે રહ્યા. એ હોદ્દેથી તેમણે સમૃદ્ધ વિસ્તારોમાં જ સુવિધાઓ ઊભી કરવાની કૉંગ્રેસની નીતિની ટીકા કરીને, શ્રમિક અને મધ્યમ વર્ગીય વિસ્તારોના વિકાસ માટેનો ઇરાદો વ્યક્ત કર્યો. પરંતુ સામ્યવાદી તરીકે રાજ્ય સરકાર સહિતનાં બીજાં સત્તાસ્થાનો અને નેતાઓ તરફથી સહકાર મેળવવાનું કઠણ હતું.

1969માં ઇંદિરા ગાંધીએ કૉંગ્રેસના ભાગલા પાડ્યા પછી, તે ઇન્દિરા ગાંધીના જૂથ કૉંગ્રેસ (ઓ)ના અમદાવાદ મિલ મઝદૂર યુનિયન સાથે સંકળાયા. 1950 અને 1960ના દાયકામાં તેમણે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં ઉમેદવારી નોંધાવી અને મજબૂત લડત આપી, પણ તે હંમેશાં બીજા નંબરે રહ્યા. કદી જીતી શક્યા નહીં. સામ્યવાદી તરીકે તેમને આઝાદી પછી પણ જેલવાસ વેઠવાના આવ્યા. કટોકટી દરમિયાન 1976માં તેમણે 38 દિવસમાં સુરત, મહેસાણા, સાબરકાંઠા, વલસાડ અને ભરૂચનાં કુલ 110 ગામમાં ફરીને, લોકોને મળીને વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો. તેમના એ અનુભવો 1977માં ‘પલટાતું ગામડું’ મથાળા સાથે પુસ્તક તરીકે પ્રકાશિત થયા. 1989માં તેમનું અવસાન થયું, ત્યારે દિનકરભાઈએ સેવેલા આદર્શો રાજકારણના પલટાયેલા પ્રવાહોમાંથી સદંતર અદૃશ્ય બન્યા હતા.

રેડ લાઇન
રેડ લાઇન