સાચું બોલવામાં કોઈની શરમ ન રાખતા એ ગુજરાતી જેમણે ટાગોરને પણ સંભળાવી દીધું હતું

(ડાબેથી) ગાંધીજી, (ઊભેલા) મહાદેવ દેસાઈ અને સરદાર પટેલ સાથે નરસિંહભાઈ પટેલ, બોરસદ, 1935
ઇમેજ કૅપ્શન, (ડાબેથી) ગાંધીજી, (ઊભેલા) મહાદેવ દેસાઈ અને સરદાર પટેલ સાથે નરસિંહભાઈ પટેલ, બોરસદ, 1935
    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે
ગ્રે લાઇન

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.

ગ્રે લાઇન

જન્મઃ 13 ઑક્ટોબર, 1874, અવસાનઃ 27 ઑક્ટોબર, 1945

એક માણસ એક જિંદગીમાં કેટલી જિંદગી જીવી શકે? વાત ચરોતરના નરસિંહભાઈ પટેલની હોય, તો જવાબ આપવાને બદલે યાદી કરવી સહેલી પડે.

શું હતા નરસિંહભાઈ? રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં જર્મન ભાષાના શિક્ષક, બંગાળી ક્રાંતિકારીઓના સંપર્કમાં આવીને બોમ્બ બનાવવાની રીતોનું પુસ્તક લખનારા, સમાજસુધારાના ક્રાંતિકારી સામયિક ‘પાટીદાર’ના તંત્રી, ‘ઇશ્વરનો ઇન્કાર’ જેવું પુસ્તક લખનાર નિરીશ્વરવાદી, ‘લગ્નપ્રપંચ’ લખનાર પ્રખર નારીવાદી, ગાંધીજીના અહિંસાના રસ્તે આઝાદીની લડાઈમાં જેલવાસ વેઠનાર.

ગાંધીજીએ જેલવાસ દરમિયાન વાંચેલાં પુસ્તકોની યાદીમાં નરસિંહભાઈનાં પુસ્તકોનો પણ સમાવેશ થતો હતો.

ગ્રે લાઇન

હિંસક ક્રાંતિથી અહિંસા સુધીનું માનસ પરિવર્તન

મહેસાણાથી પ્રગટ થયેલું નરસિંહભાઈનું પહેલું માસિક ‘શિક્ષક’
ઇમેજ કૅપ્શન, મહેસાણાથી પ્રગટ થયેલું નરસિંહભાઈનું પહેલું માસિક ‘શિક્ષક’

ગાયકવાડી વડોદરામાં અને પછી મહેસાણામાં ગ્રંથપાલ અને શિક્ષક જેવી નોકરીઓ કરતા નરસિંહભાઈને ગુલામી અકળાવતી હતી.

પરાધીનતા સામે લોકોને જાગ્રત કરવા માટે તેમણે ગાર્ફિલ્ડ, ગેરિબાલ્ડી, મેઝિની જેવા પશ્ચિમી મુક્તિનાયકોનાં ચરિત્રો ગુજરાતીમાં ઉતાર્યા. સાથોસાથ, વડોદરામાં રહેતા અરવિંદ ઘોષ અને તેમના ભાઈ બારીન્દ્ર ઘોષની અસર હેઠળ બોમ્બ બનાવવાની રીતોનું પુસ્તક પણ ‘વનસ્પતિની દવાઓ’ જેવા નિર્દોષ નામે પ્રગટ કરતા રહ્યા.

મહેસાણામાં શિક્ષક તરીકે નોકરી કરતી વખતે તેમણે પોતાનું પ્રેસ કાઢ્યું અને તેમાં ક્રાંતિકારી સાહિત્ય ઉપરાંત ‘શિક્ષક’ માસિકનું પ્રકાશન આરંભ્યું.

અંગ્રેજ સરકારે ગાયકવાડ પર દબાણ કરતાં, નરસિંહભાઈને પાંચ વર્ષ માટે દેશનિકાલની સજા ફટકારવામાં આવી. અંગ્રેજ સરકારની યોજના નરસિંહભાઈ ગાયકવાડી હદની બહાર પગ મુકે, એટલે તેમની ધરપકડ કરીને આંદામાન મોકલી આપવાની હતી.

પણ નરસિંહભાઈ વેશ બદલીને સહીસલામત ફ્રેન્ચ તાબામાં રહેલા પોંડિચેરી પહોંચ્યા અને ત્યાંથી સ્ટીમરમાં ઉપડ્યા આફ્રિકા.

જુદાં જુદાં ઠેકાણાં અજમાવ્યા પછી તે જિંજામાં સ્થાયી થયા. ત્યાં ટોલસ્ટોયનું પુસ્તક ‘એ મર્ડરર્સ રીમોર્સ’ વાંચ્યા પછી તે હિંસાવાદી મટીને અહિંસક બન્યા.

ગ્રે લાઇન

શાંતિનિકેતનમાં જર્મન ભાષાના શિક્ષક

નરસિંહભાઈ પટેલઃ સાચું બોલવામાં કોઈની શેહ નહીં
ઇમેજ કૅપ્શન, નરસિંહભાઈ પટેલઃ સાચું બોલવામાં કોઈની શેહ નહીં
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આફ્રિકાનિવાસ દરમિયાન નરસિંહભાઈનો પરિચય ગાંધીજી અને ટાગોરના પરમ સ્નેહી સી.એફ. (દીનબંધુ) એન્ડ્રુઝ સાથે થયો.

તેમના જ આગ્રહથી નરસિંહભાઈ આફ્રિકાથી પાછા આવ્યા પછી, પત્ની દિવાળીબા અને બે દીકરીઓ શાંતાબહેન તથા વિમળાબહેન સાથે શાંતિનિકેતનમાં શિક્ષક તરીકે જોડાયા.

ત્યાં જર્મન અને ગુજરાતી ભાષા ભણાવવાની સાથોસાથ રવીન્દ્રનાથનાં કેટલાંક પુસ્તકોનો તેમણે ‘કુરબાનીની કથાઓ’, ‘સમર્પણની કથાઓ’ નામે અનુવાદ પણ કર્યો.

પોતાને સાચું લાગે તે કહી દેવામાં નરસિંહભાઈ કોઈની શરમ રાખતા નહીં. શાંતિનિકેતનમાં એક વાર ટાગોર જાપાનના લોકોની કળાપ્રિયતાનાં વખાણ કરતા હતા.

નરસિંહભાઈ જાપાનના સામ્રાજ્યવાદ અને ઝનૂનથી બરાબર પરિચિત હતા. તેમણે બધાની વચ્ચે રવીન્દ્રનાથને પૂછ્યું, ‘ગુરુદેવ, કોરિયાને ગુલામ બનાવીને તેમની પર જુલમ કરનાર કોણ છે?’

રવીન્દ્રનાથે જાપાનનો થોડો બચાવ કર્યો. કહ્યું કે કોરિયામાં પણ જાપાન લોકપ્રિય છે. તે સાંભળીને નરસિંહભાઈએ ચરોતરી અંદાજમાં કહ્યું,‘ત્યારે તો રોમને સળગાવી મુકીને, પોતાના મહેલની અગાશીએ બેસીને ફીડલ વગાડનાર નીરો પણ લોકપ્રિય કહેવાય કે નહીં?’ બીજા લોકોને થયું કે નરસિંહભાઈએ ગુરુદેવને આઘાત પહોંચાડ્યો.

પણ રવીન્દ્રનાથે કહ્યું, ‘તમને જે સત્ય લાગ્યું તે નિર્ભયપણે તમે કહી સંભળાવ્યું, એથી મને તો આનંદ જ થયેલો.’

ગ્રે લાઇન

‘પાટીદાર’ના તંત્રી

ગુજરાતી પત્રકારત્વ અને સમાજસુધારાની ચળવળમાં મહત્ત્વનું પ્રદાન કરનાર ‘પાટીદાર’
ઇમેજ કૅપ્શન, ગુજરાતી પત્રકારત્વ અને સમાજસુધારાની ચળવળમાં મહત્ત્વનું પ્રદાન કરનાર ‘પાટીદાર’

દમના જૂના વ્યાધિને લીધે નરસિંહભાઈ આખરે શાંતિનિકેતન છોડીને આણંદ આવીને વસ્યા. ત્યાંથી 1922માં, 48 વર્ષની વયે તેમણે ‘પાટીદાર’ માસિકની શરૂઆત કરી અને વચ્ચે જેલવાસનો સમય બાદ કરતાં 21 વર્ષ સુધી તે ચલાવ્યું.

નામ પરથી જ્ઞાતિમાસિકમાં ખપી જાય એવું લાગતું ‘પાટીદાર’ હકીકતમાં પાટીદારોને સમાજસુધારા માટે ઢંઢોળવાનું અળખામણું કામ કરતું હતું.

‘પાટીદાર’ના 14મા વર્ષના પહેલા અંકમાં ઉઘડતા પાને પાટીદાર યુવકોને ઉદ્દેશીને નરસિંહભાઈએ લખ્યું હતું, ‘પ્રાચીન ઇતિહાસમાં ભૂલવા જેવું ભૂલી જા, સંઘરવા જેવું સંઘર. પાટીદાર દુર્ગુણને ખંખેરી નાખ, સદ્‌ગુણને ઓપાવ. તારે પાટીદાર મટીને હિંદુ થવાનું છે અને હિંદુ મટીને માનવી થવાનું છે...નાતજાત ને ધર્મપંથના વાડા તોડીને આપણે આપણું સૌંદર્ય લેઈને વિશાળ માનવસમાજના સાગરને જઈને મળવું છે.’ આ લખાણ પછી ઘણા સમય સુધી ‘પાટીદાર’ના પહેલા પાને આવતું હતું.

દલિતો માટે પ્રવેશબંધી હતી એવા જગન્નાથ પુરીના મંદિરમાં કસ્તુરબા અને મહાદેવભાઈ ગયાં, ત્યારે ગાંધીજીએ તેમને આકરાં વેણ કહ્યાં અને ભારે નારાજગી પ્રગટ કરી.

એ કિસ્સો ‘પાટીદાર’ માસિકમાં નોંધીને, ગાંધીજી પ્રત્યેના બધા આદરભાવ છતાં નરસિંહભાઈએ લખ્યું,‘કસ્તુરબાએ મંદિરમાં જવું કે નહીં એ તેમનો સ્વતંત્ર પ્રશ્ન છે. પતિ સાથે સંકળાયેલો નથી...પરંતુ પુરુષમાં સદીઓથી ચાલ્યું આવતું ધણીપણુ મહાત્મા ગાંધીમાં પણ પૂરેપૂરું લુપ્ત થયું નથી.’

નરસિંહભાઈના પુત્ર રમણભાઈ નાની વયથી પૂર્વ આફ્રિકા હતા અને તે ત્યાં જ રહ્યા. તેમની બંને દીકરીઓ શાંતાબહેન-વિમળાબહેન નરસિંહભાઈની વૈચારિક વારસ બની અને નરસિંહભાઈની નાદુરસ્તી વખતે ‘પાટીદાર’ સફળતાપૂર્વક ચલાવ્યું.

તેમાં લેખો લખતા ઇશ્વર પેટલીકર નરસિંહભાઈના મૃત્યુ પછી ‘પાટીદાર’ના તંત્રી થયા.

ગ્રે લાઇન

‘ઇશ્વરનો ઇન્કાર’ (1932), ‘લગ્નપ્રપંચ’ (1937) : બે અનોખાં પુસ્તકો

લગ્નપ્રપંચઃ નરસિંહભાઈને નારીજાતિના મહાન વકીલ તરીકે સ્થાપિત કરનાર પુસ્તક
ઇમેજ કૅપ્શન, લગ્નપ્રપંચઃ નરસિંહભાઈને નારીજાતિના મહાન વકીલ તરીકે સ્થાપિત કરનાર પુસ્તક

નામ પરથી આજે પણ તકરારી અને વિવાદાસ્પદ લાગે તેવાં એ પુસ્તકો નરસિંહભાઈએ જુવાનીના જોશમાં નહીં, જીવનની અડધી સદી વટાવી ગયા પછી લખ્યાં, જ્યારે મોટા ભાગની સુધારક વૃત્તિઓ વ્યવહારુપણામાં ઓગળી ચૂકી હોય.

સ્વામિનારાયણ પરંપરાના કુટુંબમાં ઉછરેલા નરસિંહભાઈ યુવાવયે વડોદરામાં આર્યસમાજમાં દીક્ષિત થયા, પરંતુ વેદો ઇશ્વરપ્રણિત-ભગવાને લખાવેલા હોવાની આર્યસમાજી માન્યતા તેમને મંજૂર ન હતી.

તે સ્વતંત્ર બુદ્ધિથી વિચાર કરનારા અને વિજ્ઞાન-દર્શનશાસ્ત્ર જેવા વિષયોનાં પુસ્તકો જ્ઞાનભૂખ સંતોષવા માટે વાંચનારા હતા.

નિરીશ્વરવાદની દિશામાં તેમનાં પહેલાં લખાણો 1911માં ‘જૈન સમાચાર’ નામના સાપ્તાહિકમાં છપાયાં, તે પણ આશ્ચર્યજનક હકીકત છે. તેમના એક પુસ્તક ‘આફ્રિકાના પત્રો’માં એક પત્ર તેમની નિરીશ્વરવાદી બનવાની યાત્રા વિશેનો પણ છે.

વર્ષોજૂની નિરીશ્વરવાદી સમજ આખરે ‘ઇશ્વરનો ઇન્કાર’ સ્વરૂપે અવતરી અને ગુજરાતી વિવેકબુદ્ધિવાદી સાહિત્યમાં એક નવો ઉઘાડ થયો. 

દાંડીકૂચ પછીના અરસામાં નરસિંહભાઈને જેલવાસ થયો, ત્યારે જેલના એકાંતમાં તેમણે નિરીશ્વરવાદ વિશેના તેમના વિચાર એક્ત્ર કર્યા અને તેમના વિશે વધુ ચિંતન કર્યું. તેનું પરિણામ એટલે 1937માં પ્રગટ થયેલું ‘લગ્નપ્રપંચ’.

મહિલાઓના શોષણ સામે જેહાદ જગાવતું આ પુસ્તક નરસિંહભાઈનાં જ નહી, ગુજરાતીમાં સ્ત્રીઅધિકારો વિશેનાં અત્યંત મહત્ત્વનાં આરંભિક પુસ્તકોમાં સ્થાન પામે છે.

આશરે 650 પાનાંના આ પુસ્તકની પ્રસ્તાવના વિદ્વાન ચિંતક-ગાંધીજીના સાથી કિશોરલાલ મશરૂવાલાએ લખી હતી. 

નરસિંહભાઈનું અવસાન થયું ત્યારે કિશોરલાલે લખ્યું હતું કે ગુજરાતી સમાજમાં સ્ત્રીજાતિને ગાંધીજી અને નરસિંહભાઈ કરતાં વધારે શ્રેષ્ઠ વકીલો મળવાનો સંભવ ઓછો છે.

ગ્રે લાઇન

સ્વતંત્રતા સંગ્રામ, જેલવાસ અને અંતિમ દિવસો

(છેક ડાબે) નરસિંહભાઈ અને છેક જમણે બેઠેલાં દીકરી શાંતાબહેન. (તસવીરસૌજન્યઃ સંધ્યાબહેન મહેતા)
ઇમેજ કૅપ્શન, (છેક ડાબે) નરસિંહભાઈ અને છેક જમણે બેઠેલાં દીકરી શાંતાબહેન. (તસવીરસૌજન્યઃ સંધ્યાબહેન મહેતા)

અહિંસાની વિચારધારા અપનાવ્યા પછી નરસિંહભાઈ ગાંધીજીની આગેવાની હેઠળના રાષ્ટ્રીય આંદોલનમાં સક્રિય બન્યા. વિદ્યાર્થી અવસ્થામાં સરદાર પટેલના સહાધ્યાયી રહી ચૂકેલા નરસિંહભાઈ કૉંગ્રેસની આણંદ તાલુકા સમિતિના પ્રમુખ પણ બન્યા.

‘પાટીદાર મંદિર’ નામ ધરાવતું તેમનું ઘર જાહેર જીવનના અગ્રણીઓની અવરજવરથી ધમધમતું હતું. ખાનઅબ્દુલ ગફ્ફારખાન પણ એક વાર ‘પાટીદાર મંદિર’ના મહેમાન બન્યા હતા.

દાંડીકૂચ વખતે ગાંધીજી અને તેમના સાથીદારો નડિયાદ વટાવીને બોરીઆવી પહોંચ્યા, ત્યારે નરસિંહભાઈ તેમને સામા લેવા ગયા અને પોતે બોરીઆવીથી આણંદ સુધી કૂચની આગળ ચાલ્યા. પિતાનો વૈચારિક વારસો જાળવનાર તેમની બંને દીકરીઓ પણ સાથે જ હતી.

એક સમયે મુંબઈ રાજ્યની સીઆઇડીએ જેમને ‘માથાભારે પાટીદાર કોમના ભયાનક પુરુષ’ તરીકે ઓળખાવ્યા હતા, તે નરસિંહભાઈ અહિંસક સત્યાગ્રહમાં પકડાઈને યરવડા જેલમાં ગયા.

તેમની પુત્રીઓએ પણ જેલવાસ વેઠ્યો. મુંબઈસ્થિત ‘મણિભવન’ સાથે સંકળાયેલાં નરસિંહભાઈનાં દૌહિત્રી, શાંતાબહેનનાં પુત્રી સંધ્યાબહેનના જણાવ્યા પ્રમાણે, નરસિંહભાઈના પુત્ર રમણભાઈ આફ્રિકા હતા, પણ તેમનો પૌત્ર શાંતિભાઈ દાદા સાથે હતો અને તે 1942ની ચળવળમાં સક્રિય હતો.

નરસિંહભાઈને દમની જૂની બીમારીની હેરાનગતિ તો હતી જ. છેલ્લાં વર્ષોમાં પત્ની જીજીબા ઉર્ફે દિવાળીબાના અવસાનનો માનસિક ફટકો આકરો નીવડ્યો.

ડાબા અંગમાં લકવો થયો. એકાદ વર્ષ પથારીવશ અવસ્થામાં વીતાવ્યું. છેલ્લો સમય વતન સોજિત્રામાં રહ્યા અને ત્યાંથી જ ચિર વિદાય લીધી.

તેમના અવસાનપ્રસંગે શાંતિનિકેતનના આચાર્ય ક્ષિતિમોહન સેને અંજલિ આપતાં લખ્યું હતું, “...’ઇશ્વરનો ઇન્કાર’માં તેમણે પોતાનો નાસ્તિક તરીકે પરિચય આપ્યો.

અસલમાં તેઓ ઈશ્વરના ભક્ત પણ હતા અને માનતા પણ હતા. પરંતુ તેમના એ ઈશ્વર વૈકુંઠમાં રહેતા નથી. તેમના ઈશ્વર તો દુઃખી, દરિદ્ર મનુષ્યસમાજમાં રહેતા હતા...”

સરદાર પટેલે તેમના જૂના સહાધ્યાયી વિશે લખ્યું હતું, “દેશસેવા માટે એમને ભારે ત્યાગ કરવો પડ્યો હતો. દેશ છોડી દેશવટો લેવો પડ્યો હતો અને પાછા આવ્યા પછી પણ નબળી તબિયત છતાં વારંવાર જેલમાં ગયા હતા. એ ભારે સમાજ સુધારક અને સ્પષ્ટવક્તા હતા.

પાટીદારસમાજનો સડો એમને અતિશય સંતાપ આપતો હતો. એ દૂર કરવા ખાતર એમણે ‘પાટીદાર’ માસિક જીવતાં સુધી ચલાવ્યું...એમણે અધૂરું મૂકેલું કામ પૂર્ણ કરવાની પાટીદાર યુવકોની ખાસ ફરજ છે.”

રેડ લાઇન
રેડ લાઇન