ભાઈકાકા – પાકિસ્તાનના સક્કરબેરેજથી લઈ શિક્ષણનગરી વલ્લભવિદ્યાનગરનું નિર્માણ કરનારા ગુજરાતી એન્જિનિયર

એન્જિનિયરિંગની આવડતને દેશના કામમાં ખપમાં લેનાર ભાઈકાકા (તસવીરસૌજન્યઃ સક્કરબરાજમાં મારાં આઠ વર્ષ, લેખકઃ ભાઈલાલભાઈ દ્યાભાઈ)
ઇમેજ કૅપ્શન, એન્જિનિયરિંગની આવડતને દેશના કામમાં ખપમાં લેનાર ભાઈકાકા (તસવીરસૌજન્યઃ સક્કરબરાજમાં મારાં આઠ વર્ષ, લેખકઃ ભાઈલાલભાઈ દ્યાભાઈ)
    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે
લાઇન

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.

લાઇન

ભારતનું સંભવતઃ પહેલું એજ્યુકેશન સિટી વલ્લભવિદ્યાનગર બનાવનારા ભાઈલાલભાઈ દ્યાભાઈ પટેલ- ભાઈકાકાએ કુશળતા અને દેશદાઝ ધરાવતો સિવિલ એન્જિનિયર શું કરી શકે, તેનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો. કૉંગ્રેસના એકચક્રી રાજના જમાનામાં ગુજરાતમાં સ્વતંત્ર પક્ષના નેતા તરીકે તેમણે મૂલ્યનિષ્ઠ રાજકારણ ખેડ્યું અને નર્મદા યોજનાના આરંભના તબક્કે તેની સાથે સંકળાયા.

નકરી નોકરી નહીં, કુશળ કામગીરી

વડોદરામાં અરવિંદ ઘોષના શિષ્ય રહી ચૂકેલા ભાઈકાકા પૂનાથી સિવિલ એન્જિનિયર થઈને નીકળ્યા, ત્યાં સુધીમાં તે સ્વદેશી અને દેશભક્તિના રંગે રંગાઈ ચૂક્યા હતા. સિવિલ એન્જિનિયર તરીકે કારકિર્દીની શરૂઆત વડોદરા રાજ્યથી કર્યા પછી, તેમણે તે સમયના મુંબઈ પ્રાંતમાં અંગ્રેજી રાજની નોકરી લીધી.

ગુણવત્તામાં બાંધછોડ કર્યા વિના, એન્જિનિયરિંગના સિદ્ધાંતો પર ભરોસો રાખીને, કુનેહ-કોઠાસૂઝથી, ઝડપ અને કરકસરથી કામ સિદ્ધ કરવું એ ભાઈકાકાની ખાસિયત હતી. સાથેના માણસોના સારા કામની શબ્દોથી તથા રોકડ કદર કરવી, જશમાં તેમને આગળ રાખવા એ તેમની કામ કરવાની પદ્ધતિ હતી.

તેમની કારકિર્દીનો એક યશસ્વી હિસ્સો સિંધમાં સક્કર બેરેજ યોજના પાર પાડવામાં વીત્યો. સક્કરમાં સિંધુ નદી પર આડો બંધ બાંધીને તેમાંથી સાત નહેરો કાઢવાનું મહાકાર્ય હતું. તેમાં ભારેખમ મશીનો ગોઠવવાથી માંડીને માટી કાઢવા સુધીનાં કામમાં નિષ્ઠા અને સૂઝને લીધે, કોઈનું શોષણ કર્યા વિના ભાઈકાકાએ લાખો રૂપિયા બચાવ્યા. નહેરના કામમાં રસ્તામાં મસ્જિદ આવતી હોય ત્યારે સ્થાનિક મુસ્લિમોને વિશ્વાસમાં લઈને, મુસ્લિમ કારીગરો દ્વારા મસ્જિદ તોડવામાં આવતી હતી.

સક્કર બેરેજની સફળતા પછી ભાઈકાકાને બીજા ગુજરાતી હિંમતલાલ પરીખ સાથે સિંધના દસ હજાર માઇલના (આશરે 16 હજાર કિલોમીટરના) રસ્તા બનાવવાની જવાબદારી સોંપવામાં આવી. તેનું કામ સવા ત્રણ વર્ષમાં ઘણું આગળ વધી ગયું. તે અરસામાં સરદારે 'મારે તમારી જરૂર છે.' એમ કહીને તેમને ગુજરાત પાછા આવી જવા કહ્યું. સક્રિય સેવાનાં પચીસ વર્ષ પૂરાં કરીને, 1940માં ભાઈકાકા અમદાવાદ આવી ગયા.

line

અમદાવાદમાં કડવામીઠા અનુભવ

સિંધમાં એન્જિનિયર તરીકે ભાઈકાકા (તસવીરસૌજન્યઃ ભાઈકાકાનાં સંસ્મરણો)
ઇમેજ કૅપ્શન, સિંધમાં એન્જિનિયર તરીકે ભાઈકાકા (તસવીરસૌજન્યઃ ભાઈકાકાનાં સંસ્મરણો)

અમદાવાદની મ્યુનિસિપાલિટીએ તેમને સામાન્ય ધારાધોરણ પ્રમાણે રૂ.1700થી રૂ. 2100નો પગાર આપવાની તૈયારી બતાવી હતી, પણ હોદ્દો ભોગવવાની નહીં, વાનપ્રસ્થમાં દેશની સેવા કરવાની માનસિકતા ધરાવતા 58 વર્ષના ભાઈકાકાએ કૉંગ્રેસના ઠરાવ પ્રમાણે રૂ. એક હજારનો પગાર લેવાનું ઠરાવ્યું.

અમદાવાદમાં તેમણે ગટરોનું અધૂરું કામ આગળ વધાર્યું, પૂરું કર્યું અને તે પણ મૂળ અંદાજ કરતાં ઓછા ખર્ચમાં—અને વધારે વિસ્તારમાં. તેમનું બીજું મોટું કામ વોટર વર્ક્‌સનું હતું. શહેરમાં પાણીની અછત હતી. પાણીના વધારાના પુરવઠા માટે અગાઉ રૂ. પાંચ લાખનો અંદાજ મળ્યો હતો. ભાઈકાકાએ નવો અંદાજ 68 હજાર રૂપિયાનો આપ્યો અને કામ ફક્ત રૂ. 37 હજારમાં પૂરું કરી આપ્યું. ત્યાર પછી તેમના ઓવરસિયર માટે પગારવધારો માગવા ગયા ત્યારે પ્રમુખે તેમને કહ્યું, 'જાણીજોઈને અંદાજખર્ચ મોટું બનાવ્યું હોય એટલે બચત થઈ. એમાં શી નવાઈ કરી?'

તે સમયે કાંકરિયા તળાવની આસપાસ ટેકરા હતા. ત્યાં બગીચો બનાવવાનો ભાઈકાકાનો પ્રસ્તાવ મહાપરાણે મંજૂર થયો. તે સમયે કાંકરિયા પાછળ રૂપિયા ખર્ચવા અમદાવાદના નેતાઓ તૈયાર ન હતા. તે કહેતા કે 'કાંકરિયા તો ફકીરો ને ગુંડાઓ પડી રહે છે, ત્યાં કોણ આવવાનું છે? તમે નકામા રૂપિયા બગાડો છો.' શરૂઆતમાં તો તેના માટે ફક્ત રૂ. એક હજાર મંજૂર થયા હતા. પછી તેમનું કામ જોયા પછી બજેટ વધારવામાં આવ્યું. કાંકરિયા સરોવરને ફરતી દોઢ ફીટ ઊંચી, લોકો બેસી શકે એવી પાળી ભાઈકાકાએ તૈયાર કરાવી હતી.

જૂના અમદાવાદમાં શાહપુરથી દિલ્હી દરવાજાના વિસ્તારોમાં કોટ તોડવાની નાજુક કામગીરી ભાઈકાકાએ મુસ્લિમ સભ્યોને વિશ્વાસમાં લઈને પાર પાડી. તેને લીધે ગંદકી દૂર થઈ અને વિસ્તારની કાયાપલટ થઈ. ભાઈકાકા એક જગ્યાએથી નીકળેલાં માટી-કાંકરા સુધ્ધાંનો બીજે ઠેકાણે ઉપયોગ કરતા હતા.

અમદાવાદમાં યાદગાર અને અસરકારક કામગીરી છતાં, રાજકીય હોદ્દેદારોને તેમને ફાવ્યું નહીં. તેમના પ્રદાનની નોંધ લેવાનું તો બાજુએ રહ્યું, તે પ્રગટ ન થઈ જાય, તેની કાળજી રખાતી હતી—એવી ભાઈકાકાની લાગણી રહી. આજે પણ અમદાવાદમાં લો ગાર્ડન વિસ્તારમાં આવેલા હૉલનું નામ ભાઈકાકા હૉલ શા માટે છે, તે જૂજ લોકો જાણતા હશે.

line

વલ્લભવિદ્યાનગરઃ અશક્ય લાગતી યોજના

વલ્લભવિદ્યાનગરની અનોખી યોજનાના સ્વપ્નદૃષ્ટા (કર્મયોગી ભાઈકાકા, લેખકઃ અસ્મિતા ભલાણી)
ઇમેજ કૅપ્શન, વલ્લભવિદ્યાનગરની અનોખી યોજનાના સ્વપ્નદૃષ્ટા (કર્મયોગી ભાઈકાકા, લેખકઃ અસ્મિતા ભલાણી)

આશરે અઢી વર્ષ કામ કરીને ભાઈકાકાએ અમદાવાદની કામગીરી છોડી. સરદારે તેમને ગામડાંમાં કામ કરવા કહ્યું હતું. એટલે તે વિચારવા લાગ્યા. તેમાંથી તેમને વલ્લભવિદ્યાનગરની યોજના સૂઝી. ભાઈકાકા કામ કરવામાં 'પ્રબુદ્ધ સ્વાર્થ'નો સિદ્ધાંત પાળતા હતા—એટલે કે, જેમાં અસરકારક-સારું કામ થાય અને બધાને દુન્યવી ફાયદો પણ થાય.

જોઈતી ચીજવસ્તુઓ જાતે બનાવીને, તેના વેચાણમાંથી રૂપિયા મેળવીને તથા થોડાઘણા દાનની આશાએ ભાઈકાકાએ 1940ના દાયકાના આરંભે એક યુનિવર્સિટી બનાવવાનું સપનું જોયું. ચરોતર એજ્યુકેશન સોસાયટીના સભ્ય અને ભૂતપૂર્વ આચાર્ય ભીખાભાઈ પટેલનો તેમને સાથ મળ્યો. તે સમયની પરિસ્થિતિ સમજવા માટે એટલું જાણવું પૂરતું થશે કે આખા મુંબઈ પ્રાંતમાં ત્યારે કરાચી અને પૂના એમ બે જ જગ્યાએ એન્જિનિયરિંગ કૉલેજ હતી.

કામની શરૂઆત જમીનના વિશાળ પટ્ટાની શોધથી થઈ. તેમાં ઘણા વિકલ્પો આવ્યા અને રદ થયા. છેવટે, કરમસદ-બાકરોલ સહિતના વિસ્તારમાંથી એક હજાર વીઘાં જમીન તેમને ચારુતર વિદ્યામંડળ માટે મળી. તેમાંથી ત્રીજા ભાગની જમીન પ્લોટ સ્વરૂપે પાછી આપવાની હતી, જેની કિંમત ખુલ્લી જમીનો કરતાં વધારે ઉપજવાની હોવાથી જમીન આપનારને ફાયદો થવાનો હતો. બાકીની જમીન યુનિવર્સિટીના કામમાં વપરાવાની હતી.

આખા વિસ્તારમાં ડાકુઓનો ભય હતો, પણ તેમણે ભાઈકાકાને વચન આપ્યું કે તમે ગરીબોનું કામ કરવા આવ્યા છો અને કરી રહ્યા છો. એટલે નિશ્ચિંત રહેજો. તમારી એક ચીજની ચોરી નહીં થાય. એ વચન તેમણે પાળી બતાવ્યું.

line

અનિશ્ચિતતા વચ્ચે આરંભ

વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયનું મકાન. તસવીરસૌજન્યઃ કર્મયોગી ભાઈકાકા, લેખકઃ અસ્મિતા ભલાણી
ઇમેજ કૅપ્શન, વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયનું મકાન. તસવીરસૌજન્યઃ કર્મયોગી ભાઈકાકા, લેખકઃ અસ્મિતા ભલાણી

રજિસ્ટ્રારે શિક્ષણ અને કમાણીનાં કામ સાથે ન થઈ શકે એવો વાંધો પાડતાં, શિક્ષણ માટે ચારુતર વિદ્યામંડળ અને આર્થિક પ્રવૃત્તિ માટે ચરોતર ગ્રામોદ્યોગ સહકારી મંડળ—એમ બે જુદી સંસ્થાઓ બનાવવામાં આવી હતી. વર્ષ 1945માં જેલમાંથી છૂટીને આવેલા સરદાર પટેલે તેમનાં બંધારણ જોયાં-મંજૂર કર્યાં અને કોઈ મોટું નાણાંભંડોળ હાથ પર નથી, તો યોજના શી રીતે પાર પડશે, તેનો ખુલાસો ભાઈકાકા પાસેથી મેળવ્યો. ભાઈકાકાની વિનંતીથી સરદાર તે મંડળના પ્રમુખ બન્યા, રોજિંદી કામગીરી માટે ભાઈકાકા અધ્યક્ષ અને ભીખાભાઈ સેક્રેટરી બન્યા.

રૂ. પાંચ હજારનું દાન આપનારને પેટ્રન, રૂ. હજાર આપનારને વાઇસ પેટ્રન અને રૂ. અઢીસો આપનારને દાતા તરીકે ઠરાવીને તેમને ચારુતર વિદ્યામંડળના મતાધિકાર ધરાવતા સભ્ય બનાવવામાં આવ્યા. પછી સૌથી પહેલાં ઈંટોનો ભઠ્ઠો શરૂ કરવામાં આવ્યો. ભાઈકાકાએ સાઇટ પર જ તેમના અને સ્ટાફના રહેવા માટે ખપજોગું મકાન બનાવ્યું. પછી વર્કશોપ અને ફાઉન્ડ્રી શરૂ કર્યાં. કારીગરો-મજૂંરોને ત્યાં રહેવાની સુવિધા અને કામ ન હોય ત્યારે બહાર કામ કરવાની મંજૂરી આપવાથી, તેમને બજાર કરતાં ઓછા દરે મજૂરો-કારીગરો મળ્યા.

કૉલેજને બદલે ભળતી જ પ્રવૃત્તિઓ ચાલતી જોઈને મશ્કરી થવા લાગી. સરદાર સુધી ફરિયાદ પહોંચી કે ભાઈલાલભાઈ તમારું નામ બગાડશે. પણ ભાઈકાકા દર અઠવાડિયે સરદારને કામનો રિપોર્ટ મોકલતા હતા અને સરદારને તેમની પર પૂરો વિશ્વાસ હતો. 1946ની ધનતેરસે પાયો ખોદવાનું કામ શરૂ થયું. ભાઈકાકાએ લખ્યું છે કે બીજા કોઈ મોટા માણસને અમારા કામમાં શ્રદ્ધા ન હતી. એટલે સાથે કામ કરતા લોકોને જ આગળ કર્યા. ઈંટના ભઠ્ઠાનું ખાતમુહૂર્ત એક દલિત મુકાદમના હાથે અને વર્કશોપનું ખાતમુહૂર્ત એક મુસ્લિમ ફીટરના હાથે કરાવ્યું.

line

આખરે સફળતાનો સ્વાદ

વી.પી. (વિઠ્ઠલભાઈ પટેલ) મહાવિદ્યાલયની પહેલી ઈંટ જાન્યુઆરી 15, 1947ના રોજ મુકાઈ અને 1955ની સરદારજયંતીએ કાયદાથી સરદાર પટેલ યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી. તે આખી કથા બહુ લાંબી અને તે સમયના મુંબઈ પ્રાંતના કૉંગ્રેસના નેતાઓનાં અસહકારી વલણથી ભરેલી છે. છતાં, ભાઈકાકાએ હિંમત હાર્યા વિના કામ આગળ વધાર્યું. તેમની સફળતાનાં ઘણાં કારણમાંનું એક કારણ આપતાં તેમણે લખ્યું હતું, 'અમે અમારા દલિત કામદારોને જે સગવડ આપી શક્યા તેથી કંઈક ઓછી સગવડ અમે પોતાને માટે રાખી હતી.' જે આંબાના વૃક્ષ નીચે બેસીને ભાઈકાકાએ વિદ્યાનગરના શરૂઆતના નકશા તૈયાર કર્યા હતા, તેને યુનિવર્સિટીના લોગોમાં મુદ્રાલેખ 'શીલવૃત્તફલં શ્રુતમ્' (ભણતરનું પરિણામ ચારિત્ર્ય હોવું જોઈએ)ની સાથે સ્થાન અપાયું.

વર્ષ 1947માં મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જસ્ટિસ ચાગલાએ વી.પી. સાયન્સ કૉલેજનું અને 1948માં લોર્ડ માઉન્ટબેટને બિરલા એન્જિનિયરિંગ કૉલેજનું ઉદ્ઘાટન કર્યું. વડા પ્રધાન નહેરુ 1949માં ગુજરાત આવ્યા ત્યારે તેમણે વલ્લભવિદ્યાનગરની મુલાકાત લીધી. તે નગરનો પાયાનો પથ્થર ભાઈકાકાએ જવાહરલાલ નહેરુના હાથે મુકાવ્યો.

સરદારને ભાઈકાકાના કામની બહુ કદર હતી. તે જાહેરમાં કહેતા હતા કે ભાઈલાલે ધૂળમાંથી સોનું બનાવ્યું છે. 1948માં વિદ્યાનગરની મુલાકાતે આવેલા નોબલ પારિતોષિકસન્માનિત ભૌતિકશાસ્ત્રી સી.વી.રામને ભાઈકાકાને કહ્યું હતું, 'પટેલ, તમારા જેવો કોઈ એન્જિનિયર મને ન મળ્યો. નહીં તો હું ઘણી સુંદર સંસ્થા સ્થાપી શક્યો હોત.'

line

સ્વતંત્ર પક્ષ અને નર્મદા યોજના

વડા પ્રધાન નહેરુને વલ્લભવિદ્યાનગરની યોજના સમજાવતા ભાઈકાકા. સાથે મોરારજીભાઈ દેસાઈ સાથે તસવીરસૌજન્યઃ કર્મયોગી ભાઈકાકા, લેખકઃ અસ્મિતા ભલાણી
ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નહેરુને વલ્લભવિદ્યાનગરની યોજના સમજાવતા ભાઈકાકા. સાથે મોરારજીભાઈ દેસાઈ સાથે. તસવીરસૌજન્યઃ કર્મયોગી ભાઈકાકા, લેખકઃ અસ્મિતા ભલાણી

કૉંગ્રેસના નેતાઓના વલણથી દુઃખી ભાઈકાકાએ 1952માં યોજાયેલી આઝાદ ભારતની પહેલી ચૂંટણી લડવાનું નક્કી કર્યું. તે માટે સૌથી પહેલાં તેમણે ચારુતર વિદ્યામંડળ સહિત શિક્ષણસંસ્થાઓમાંથી રાજીનામું આપી દીધું, જેથી વિદ્યાનગરમાં રાજકારણ ન પેસે. મંડળે તેમનું રાજીનામું મંજૂર કર્યુ નહીં, પણ ભાઈકાકા આણંદ રહેવા ગયા, ઑફિસ ત્યાં રાખી અને વિદ્યાનગરમાં એક પણ ચૂંટણીસભા કરી નહીં. એ ચૂંટણીમાં ભાઈકાકા અને તેમના 'લોક પક્ષ'ના ઉમેદવારો હાર્યા.

વર્ષ 1955માં યુનિવર્સિટી એક્ટ મંજૂર થયા પછી સરદાર પટેલ યુનિવર્સિટીના પહેલા વાઇસ ચાન્સેલર ભાઈકાકા બન્યા. ત્રણ વર્ષની પછી તેમને બીજી મુદત આપવાને બદલે સરકારે તેમને દૂર કર્યા. ત્યાર પછી સી. રાજગોપાલાચારીની દોરવણી હેઠળ 'સ્વતંત્ર પક્ષ' સ્થપાયો, ત્યારે તેનો ગુજરાતનો હવાલો ભાઈકાકાએ સંભાળ્યો. 1962ની વિધાનસભા ચૂંટણીમાં 'સ્વતંત્ર પક્ષ'ને 26 અને 1967ની ચૂંટણીમાં 66 બેઠકો મળી. સંખ્યાકીય રીતે કૉંગ્રેસને પછાડવાનું શક્ય ન હોવા છતાં, સ્વતંત્ર પક્ષ સબળ વિરોધ પક્ષ બની રહ્યો.

નર્મદા યોજનાના આરંભિક તબક્કે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેની તકરારનો અંત આણવા માટે ખોસલા કમિટી નીમવામાં આવી હતી. તેના અધ્યક્ષ ડૉ. ખોસલાએ ગુજરાતમાં આવીને સૌથી પહેલાં 'પોલિટિશ્યન એન્જિનિયર' ભાઈકાકાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બંને વચ્ચે બે કલાક સુધી નર્મદા યોજના વિશ વાત થઈ. સમગ્ર તપાસ પછી ખોસલા સમિતિએ આપેલો અહેવાલ ભાઈકાકાને મંજૂર કરવા જેવો લાગ્યો હતો, પણ રાજકીય ખેંચતાણમાં તે રહી ગયો. ત્યાર પછી યોજનાને સતત રાજકારણ નડતું રહ્યું.

ભાઈકાકાએ 1968માં લખાવેલાં તેમનાં સંભારણાં ('ભાઈકાકાનાં સંસ્મરણો') ગુજરાતનો એક મહત્ત્વનો સાંસ્કૃતિક-રાજકીય દસ્તાવેજ છે. એ ઉપરાંત તેમણે 'સક્કર બરાજમાં મારાં આઠ વર્ષ', 'સ્વપ્નસિદ્ધિને પંથે (વલ્લભ વિદ્યાનગર)' જેવાં કેટલાંક પુસ્તકો લખીને ભારતીય પરંપરાથી વિપરીત, દસ્તાવેજીકરણનાં ઉત્તમ ઉદાહરણ પૂરાં પાડ્યાં. વર્ષ 1970માં તેમનું અવસાન થયું. છેલ્લાં થોડાં વર્ષોથી તેમની સ્મૃતિ મુખ્યત્વે સરનામામાં અપાતા તેમના પૂતળાના સંદર્ભ તરીકે અને સંસ્થાઓનાં નામમાં રહી ગઈ છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન