જયકૃષ્ણ ઇન્દ્રજી : ચાર ચોપડી ભણેલા વનસ્પતિશાસ્ત્રી, જેમણે વનસ્પતિ ઓળખીને ગુજરાતી નામ પાડ્યાં

- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.



શૈક્ષણિક લાયકાતઃ ચાર ચોપડી પાસ
વનસ્પતિશાસ્ત્ર (બૉટની)માં અંગ્રેજી ભાષા અને લેટિન નામોની બોલબાલા હતી. ત્યારે જયકૃષ્ણ ઇન્દ્રજી ઠાકરનું 1910માં પ્રગટ થયેલું પુસ્તક ‘વનસ્પતિશાસ્ત્ર’ કોઈ પણ ભારતીય ભાષામાં લખાયેલું તે વિષયનું પહેલવહેલું શાસ્ત્રીય, વૈજ્ઞાનિક પુસ્તક ગણાયું.
લખપત, કચ્છમાં જન્મેલા જયકૃષ્ણ ઇન્દ્રજીનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું હતું. થોડો સમય તેમણે કૌટુંબિક પરંપરા પ્રમાણે ભિક્ષા માગવાનું કામ પણ કર્યું. તેમની શીખવાની વૃત્તિ એવી તેજ હતી કે મુંબઈથી ગામમાં આવેલા એક ભાઈ પાસે તે થોડુંઘણું અંગ્રેજી શીખતા હતા. આગળ જતાં, મુંબઈમાં તે એક ભાઈને અંગ્રેજી શીખવીને તેમની પાસેથી ફારસી શીખ્યા. તેમના ચરિત્રકાર બાપાલાલે નોંધ્યું છે કે તેમનું ગુજરાતી સામાન્ય હતું. ઘરમાં તે કચ્છીમાં બોલતા, પણ હિંદી અને વ્રજભાષા પર તેમની સારી પકડ હતી.
સાવ નાની ઉંમરે મુખિયાજી અને રસોઈયા તરીકેની કામગીરી કર્યા પછી તે મુંબઈ પહોંચ્યા. ત્યાં ચાર ચોપડી અંગ્રેજી ભણ્યા, પણ સ્થિતિ એટલી સામાન્ય હતી કે ફી ભરવાના રૂપિયાના અભાવે અભ્યાસ છોડવો પડ્યો. મોટા ભાઈ સાથે મથુરા જાત્રા કરવા ગયા, ત્યારે મથુરામાં રહીને થોડો સમય પુસ્તકો વેચવાનું કામ કર્યું. પણ તબિયત બગડતાં તેમને મુંબઈ પાછા આવી જવું પડ્યું.
એક રીતે કહી શકાય કે તેમની બગડેલી તબિયતે જ તેમના માટે ઉજ્જવળ ભવિષ્યના દરવાજા ખોલી આપ્યા. તેમના આરોગ્યની ચિંતા કરતા એક વડીલે તેમને પુરાતત્ત્વવિદ્ ઉપરાંત વૈદ્ય તરીકે જાણીતા ભગવાનલાલ ઇન્દ્રજી પાસે મોકલી આપ્યા. એ રીતે થયેલા પરિચય પછી ટૂંક સમયમાં તે ભગવાનલાલના સહાયક તરીકે જોડાયા અને તેમની સાથે કેટલાક પ્રવાસ કર્યા. ભગવાનલાલ પુરાતત્ત્વીય અભ્યાસ માટે જ્યાં જાય ત્યાંની વનસ્પતિઓ અને તેમનાં સ્થાનિક નામ પણ નોંધી લે. તેમની સાથે જયકૃષ્ણ ઇન્દ્રજીને પણ તેની તાલીમ મળવા લાગી.

નિર્ણાયક વળાંક

જયકૃષ્ણ ઇન્દ્રજી (ઠાકર) સાથે ભગવાનલાલ ઇન્દ્રજી (ભટ્ટ)ને કોઈ પ્રકારનું સગપણ ન હતું. બંનેના પિતાનાં નામ એક હતાં એટલું જ. ભગવાનલાલે તેમનાથી દસ વર્ષ નાના જયકૃષ્ણનો રસ જોઈને તેમને વનસ્પતિશાસ્ત્રનું એક પુસ્તક વાંચવા આપ્યું. જયકૃષ્ણ ઇન્દ્રજીનું અંગ્રેજી ઠીકઠાક, પણ વનસ્પતિશાસ્ત્રના રસના જોરે તે પુસ્તક વાંચી ગયા. તેમની લગનથી પ્રભાવિત થયેલા ભગવાનલાલે જયકૃષ્ણને મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કૉલેજના વડા અને વનસ્પતિશાસ્ત્રના વિદ્વાન સખારામ અર્જુન પાસે મોકલ્યા.
જયકૃષ્ણ ઇન્દ્રજી પહેલી મુલાકાતમાં થોડી વનસ્પતિઓના નમૂના લઈને ગયા હતા. સખારામે પોતાના ઊંચા દરજ્જાનો ભાર રાખ્યા વિના જયકૃષ્ણ સાથે સરળતાથી-પ્રોત્સાહક રીતે વાત કરી, તેમના કેટલાક નમૂના રાખી લીધા, તેમને પોતાના બગીચામાંથી ઝાડપાનના કેટલાક નમૂના આપ્યા અને મળતા રહેવા જણાવ્યું. ત્યાર પછી બંને વારંવાર મળવા લાગ્યા.
ભગવાનલાલની મહેચ્છા હતી કે ચરક-સુશ્રુત જેવા આર્યુવેદાચાર્યોનાં ગ્રંથોમાં જે વનસ્પતિઓનો ઉલ્લેખ આવે છે તે ઓળખી કાઢવી. પુરાતત્ત્વને પ્રાથમિકતા આપવાને કારણે ભગવાનલાલ તે ન કરી શક્યા, પણ 1877થી 1886 સુધી તેમની સાથે રહેલા જયકૃષ્ણ ઇન્દ્રજીએ તે કામ કુશળતાપૂર્વક કરી બતાવ્યું. ભગવાનલાલને કારણે જયકૃષ્ણ ઇન્દ્રજીનો પરિચય કેટલાક કદરદાન અંગ્રેજ અફસરો સાથે થયો. તેમાં રાજકોટની રાજકુમાર કૉલેજના પહેલા આચાર્ય મૅકનોટન, મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બર્ડવુડ અને મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કૉલેજના આચાર્ય મૅકડોનલ્ડ મુખ્ય હતા. આ ત્રણે અફસરો સંજોગોવશાત્ માથેરાનમાં ભેગા થયા, ત્યારે મૅકનોટન સાથે આવેલા જયકૃષ્ણ ઇન્દ્રજી સાથે તેમનો પરિચય થયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્રણે અફસરો જયકૃષ્ણ ઇન્દ્રજીના વનસ્પતિઓ ઓળખી કાઢવાની અને તેનાં લેટિન તથા દેશી નામ કહી આપવાની આવડતથી ઘણા પ્રભાવિત થયા હતા. તે જયકૃષ્ણ માટે સારા કામની શોધમાં હતા ત્યારે રાજકુમાર કૉલેજના આચાર્ય મૅકનોટનની મુલાકાત પોરબંદરના મહારાણા વિક્રમાતજી સાથે થઈ. તેમણે બરડાના ડુંગરમાં રહેલી વનસ્પતિઓની શોધખોળ થાય એવી ઇચ્છા દર્શાવતાં મૅકનોટને જયકૃષ્ણ ઇન્દ્રજીના નામની ભલામણ કરી.

પોરબંદરમાં અઢાર વર્ષ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જયકૃષ્ણ ઇન્દ્રજીએ 1 ઑક્ટોબર, 1896થી પોરબંદરમાં નોકરી શરૂ કરી. તેમને ‘ક્યુરેટર ઑફ ફૉરેસ્ટ ઍન્ડ ગાર્ડન્સ’નો હોદ્દો આપવામાં આવ્યો, જે તેમને ઠીક ન લાગ્યો. તેમાં વનસ્પતિશાસ્ત્રનું શાસ્ત્રીય સંશોધન બાજુ પર રહી જાય તેમ હતું. પણ પોરબંદરના અંગ્રેજ એડમિનિસ્ટ્રેટર ફ્રેડરિક લેલીએ ‘ઝાડપાન વિશેનું તમારું જ્ઞાન કંઈક સક્રિય અને ઉપયોગી કામમાં લાગવું જોઈએ.’ એમ કહીને તેમને કામ શરૂ કરી દેવા કહ્યું. (આ એ જ લેલી, જેમને મળીને યુવાન મોહનદાસ ગાંધીએ પરદેશ જવા માટે કોઈ પ્રકારની મદદની માગણી કરી હતી અને લેલીએ તેમને બી.એ. થયા પછી મળવા કહ્યું હતું.)
સો રૂપિયા જેવા ઊંચા માસિક પગારે જયકૃષ્ણ ઇન્દ્રજીએ પોરબંદર રાજ્યમાં કામ શરૂ કર્યું. તેમાં બરડાના જંગલોમાં ઢોર ચારતા અને નુકસાન કરતા રબારીઓ સાથે શરૂઆતમાં સંઘર્ષ થયો. પણ પછી તેમની વચ્ચે મીઠા સંબંધ થયા. ‘વનસ્પતિશાસ્ત્ર’ પુસ્તક લખવામાં પણ રબારીઓ તરફથી તેમને ઘણી મદદ મળી. દૃષ્ટિવંત અંગ્રેજ અફસર ફ્રેડરિક લેલી અને નિષ્ઠાવંત જયકૃષ્ણ ઇન્દ્રજીને લીધે બરડાના જંગલ ઉપરાંત પોરબંદરમાં પણ મોટા પ્રમાણમાં ઝાડપાન થવા લાગ્યાં. પ્રાણીઓ તેને નુકસાન ન કરે તેનું પણ ધ્યાન રાખવામાં આવતું હતું.
મુખ્ય કામની સાથે બરડા ડુંગરના જંગલની વનસ્પતિઓનો વ્યવસ્થિત અભ્યાસ પણ જયકૃષ્ણ ઇન્દ્રજીએ શરૂ કર્યો. એ માટે તે ઘણુંખરું ઊંટ પર ફરતા હતા. રઝળપાટ દરમિયાન ઔષધ તરીકે કામ આવે એવી વનસ્પતિ ઉપરાંત તે વનસ્પતિમાંથી નીકળતા રેસા, ગુંદર, છાલ વગેરે પણ સાચવીને રાખતા હતા. તેમનો આ સંગ્રહ વિવિધ પ્રદર્શનોમાં પણ તે લઈને જતા હતા. ઘણા ઠેકાણે તેમને સોના-ચાંદીના ચંદ્રકો મળતા.

ઇમેજ સ્રોત, vanaspatishastri jaykrushnabhai
કૉંગ્રેસના અમદાવાદ અધિવેશન (1902) અને મુંબઈ અધિવેશન (1904)માં પણ તેમનું આ પ્રદર્શન મુકાયું હતું. તેમનો આ સંગ્રહ જોઈને પ્રસન્ન થયેલા પોરબંદરના મહારાણાએ તેમને જંગલખાતાનાં વિવિધ કામ શીખવા એક વર્ષ માટે પૂના મોકલ્યા હતા. પોરબંદરની નોકરી દરમિયાન જ, 37-38 વર્ષની વયે તેમનું લગ્ન થયું. તેમના બે પુત્રો અવસાનનું બાળમરણ થયું. પુત્રી સુંદરબહેન પિતાની જેમ જ વનસ્પતિશાસ્ત્રનાં પ્રેમી હતાં.

માતબર પુસ્તકને મોળો પ્રતિસાદ
વર્ષોના અભ્યાસના પરિણામ જેવું જયકૃષ્ણ ઇન્દ્રજીનું પુસ્તક ‘વનસ્પતિશાસ્ત્ર’ (કાઠિયાવાડના બરડા ડુંગરની જડીબુટીઃ તેની પરીક્ષા અને ઉપયોગ) 1910માં પ્રગટ થયું ત્યારે જયકૃષ્ણ ઇન્દ્રજી સાઠ વટાવી ચૂક્યા હતા. આ પુસ્તકમાં તેમણે વનસ્પતિઓનાં શાસ્ત્રીય (અંગ્રેજી-લેટિન) નામો ઉપરાંત ગુજરાતી, અંગ્રેજી, હિંદી, મરાઠી અને સંસ્કૃત નામોની પણ સૂચિ આપી હતી. ઘણી વનસ્પતિઓનાં ગુજરાતી નામ પણ તેમણે પાડ્યાં હતાં. જેમ કે, વેલિસ્નેરીયા સ્પાઇરેલીસ જેવું ભારેભરખમ લેટિન નામ ધરાવતી વનસ્પતિનું તેમણે પાડેલું નામ હતું: જલસરપોલીયાં.

પુસ્તકની એક હજાર નકલ છાપવા માટે જયકૃષ્ણભાઈએ પત્નીનાં ઘરેણાં ગીરવે મૂકવાં પડ્યાં હતાં. 719 પાનાં અને રૂ. 10ની કિંમત ધરાવતા એ પુસ્તકની આશરે 250 નકલ તેમણે ઉદારતાથી ભેટમાં આપી. તેમના ચરિત્રકારે લખ્યું છે તેમ, બાકીની નકલોમાંથી કેટલી વેચાઈ અને કેટલીને ઉધઈ ખાઈ ગઈ, તેનો આંકડો મળતો નથી. અંગ્રેજ અફસર લેલીએ તેમને લખ્યું કે તમારું પુસ્તક અંગ્રેજી ભાષામાં હોત તો વધારે પ્રશંસા મેળવત અને તરત વેચાઈ જાત. પરંતુ જયકૃષ્ણભાઈને તેનો અફસોસ ન હતો.
તેમનો જવાબ હતો, ‘તમે અંગ્રેજો હિંદુસ્તાનના કોઈ પણ ભાગમાં ઊગતી વનસ્પતિ ઓળખી શકો છો અને હિંદની વનસ્પતિઓ વિશે પુસ્તકો લખી શકો છો, જ્યારે અમે અમારા આંગણામાં ઊગતી વનસ્પતિ પણ ઓળખી શકતા નથી. તો આપ વિદ્વાનો જે પદ્ધતિથી દેશદેશાન્તરોની વનસ્પતિ ઓળખી શકો છો તે પદ્ધતિ મારે મારા દેશબંધુઓના ચરણોમાં મૂકવી જોઈએ. એટલે પુસ્તક ગુજરાતીમાં લખ્યું છે.’

છેલ્લાં વર્ષો કચ્છમાં

ઇમેજ સ્રોત, vanaspatishastri jaykrushnabhai
‘વનસ્પતિશાસ્ત્ર’ના ઓછા વેચાણની જયકૃષ્ણ ઇન્દ્રજીના કામ કરવાના ઉત્સાહ પર કશી અસર ન પડી, પણ તેમણે લખવા ધારેલાં ઘણાં પુસ્તક બાકી રહી ગયાં. પોરબંદરથી નિવૃત્ત થયા પછી તેમણે કચ્છના મહારાવની નોકરી સ્વીકારી અને ત્યાં પણ અભ્યાસ ચાલુ રાખ્યો. ‘કચ્છ સ્વસ્થાનની વનસ્પતિ અને તેની ઉપયોગીતા’ તેમના એ અભ્યાસનું પરિણામ છે. ‘વૈદ્ય-કલ્પતરુ’ જેવાં સામયિકોમાં તેમના જડીબુટીઓ વિશેના લેખ પ્રગટ થતા હતા.
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમિયાન ‘વનસ્પતિશાસ્ત્ર’નો તેમના કુદરતી ઉપચારના પ્રયોગોમાં ઉપયોગ કર્યો હોય એવા ઉલ્લેખ મળે છે. તેમણે એક પત્ર લખીને જયકૃષ્ણ ઇન્દ્રજીને ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સમક્ષ થોડાં વ્યાખ્યાનો આપવાનું આમંત્રણ પણ આપ્યું હતું. બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સ્થાપક મદનમોહન માલવિય તો તેમને બનારસ લઈ જવા ઇચ્છતા હતા, પણ નાદુરસ્ત તબિયત અને મોટી ઉંમરને કારણે તેમણે સવિનય ઇન્કાર કર્યો. કચ્છમાં તેમના વનસ્પતિસંગ્રહોના પ્રદર્શનો વાઇસરોય સહિતના મહેમાનો માટે યોજવામાં આવતાં હતાં.
મહાદેવભાઈ દેસાઈએ 1925માં જયકૃષ્ણ ઇન્દ્રજી સાથેની મુલાકાત વિશે લખ્યું હતું, ‘કોઈ અવધૂત ઈશ્વરમાં જેવો તદાકાર હોય છે, તેવા જ જયકૃષ્ણભાઈ પોતાના કાર્યની સાથે તદાકાર છે...વનસ્પતિશાસ્ત્રનો તેમનો અભ્યાસ જંતુશાસ્ત્રી ફાબરના અભ્યાસ જેવો અગાધ છે...ફાબરને યુરોપે જગપ્રસિદ્ધ કર્યો, જયકૃષ્ણભાઈને તો કચ્છ કરે ત્યારે ખરું.’

ઇમેજ સ્રોત, urvish kothari
"ભા, ઝાડપાન ચૂંથેમેં કુરો વરંધો? ખીસેમેં હથ વીઝોતા, ત પટમેં વીંજીપયતો." (ભાઈ, ઝાડપાન ચૂંથવામાં શું વળશે, ખિસામાં હાથ નાખો તો તે ભોંય પર પડે છે.--ખિસ્સાં તો ખાલી છે) એવી વ્યાપક ‘સમજણ’ વચ્ચે દાયકાઓ સુધી જયકૃષ્ણ ઇન્દ્રજીએ વનસ્પતિશાસ્ત્ર અને વૈદકના ક્ષેત્રે પાયાનાં કામ કર્યાં.
તેમની પુત્રીના પ્રસૂતિમાં થયેલા અકાળે અવસાન પછી થોડા સમયમાં તેમણે પણ વિદાય લીધી.
ભૂજના મહેલમાં એક દીવાલ પર તેમના સંગ્રહના કેટલાક નમૂના દર્શાવવામાં આવ્યા છે. તેમનાં ગુજરાતી પુસ્તકો ઉપરાંત બૉમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીનાં જૂનાં જર્નલ અને વનસ્પતિશાસ્ત્રને લગતા જૂના અંગ્રેજી ગ્રંથો જયકૃષ્ણ ઇન્દ્રજીનાં પ્રતિભા અને પ્રદાનની કથા સંઘરીને બેઠાં છે—એ તરફ કોઈ નજર માંડે તો.
(મુખ્ય સંદર્ભઃ વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણભાઈ, લેખકઃ બાપાલાલ ગરબડદાસ શાહ, 1931)














