વિપક્ષના નેતા તરીકેની નિમણૂક રાહુલ ગાંધી માટે કેટલી મહત્ત્વપૂર્ણ છે?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, @INC

કૉંગ્રેસે મંગળવારે એલાન કર્યું હતું કે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા તરીકે જવાબદારી સંભાળશે.

રાહુલ ગાંધીએ 2004માં ચૂંટણીલક્ષી રાજકારણમાં પ્રવેશ કર્યો. જોકે, તેઓ કોઇપણ પદ લેવાથી બચતા રહ્યા હતા. તેમણે પાર્ટી પ્રમુખના પદ પરથી પણ રાજીનામું આપી દીધું હતું.

રાહુલે વિપક્ષના નેતાના પદનો સ્વીકાર કર્યો છે. તેમણે બુધવારે લોકસભામાં પોતાની વાત મૂકી હતી.

ઇન્ડિયા ગઠબંધનના બધા નેતાઓની બેઠક કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેના નિવાસ સ્થાને મંગળવારે થઈ હતી. કૉંગ્રેસે વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીના નામની ઘોષણા કરી હતી.

આ સાથે જ 10 વર્ષ પછી લોકસભાને વિપક્ષના નેતા મળ્યા છે.

લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી પહેલી વખત બોલ્યા.

તેમણે ઓમ બિરલાને ફરીથી લોકસભાના સ્પીકર બનવા બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું, “સ્પષ્ટ છે કે સરકાર પાસે રાજકીય તાકાત છે. જોકે, વિપક્ષ પણ ભારતના લોકોના અવાજનું પ્રતિનિધિત્વ કરે છે. આ વખતે વિપક્ષ ભારતના લોકોના અવાજનું પ્રતિનિધિત્વ મજબૂત રીતે કરી રહ્યો છે.”

તેમણે ઉમેર્યું, “વિપક્ષ તમને સંસદ ચલાવવામાં મદદ કરશે. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે સહયોગ ભરોસા સાથે થવો જોઇએ. વિપક્ષના અવાજને સંસદમાં સાંભળવામાં આવે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમને આશા છે કે વિપક્ષના અવાજને સંસદમાં દબાવવામાં આવશે નહીં. સવાલ એ નથી કે સંસદ કેટલી શાંતિપૂર્વક ચાલે છે. સવાલ એ છે કે સંસદમાં ભારતના લોકોનો અવાજ ઉઠાવવા માટે કેટલી પરવાનગી મળે છે. તમે વિપક્ષનો અવાજ દબાવીને સંસદને શાંતિપૂર્વક ચલાવી શકો છો, પરંતુ આ વિચાર અલોકતાંત્રિક છે. સ્પીકરની આ જવાબદારી હોય છે કે બંધારણીય અધિકારોની રક્ષા કરે.”

બીબીસી ગુજરાતી

10 વર્ષ બાદ સંસદને મળ્યા વિપક્ષના નેતા

રાહુલ ગાંધી વિપક્ષના નેતા બનશે તેવો અંદાજો હતો

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી વિપક્ષના નેતા બનશે તેવો અંદાજો હતો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં કૉંગ્રેસ પાસે કુલ બેઠકો પૈકીની 10 ટકા બેઠકો (54 બેઠકો) પણ ન હતી. કૉંગ્રેસ આ કારણે વિપક્ષના નેતા તરીકે પોતાની દાવેદારી નોંધાવી શકી ન હતી. કૉંગ્રેસ પાસે 2014માં 44 બેઠકો અને 2019માં 52 બેઠકો હતી. આ વખતે કૉંગ્રેસ પાસે 99 બેઠકો છે.

રાહુલ ગાંધી વિપક્ષના નેતા બનશે તે વાતનો અંદાજો હતો.

ચાર જૂને જ્યારે ચૂંટણીનાં પરિણામો આવ્યા ત્યારે જ કૉંગ્રેસ મુખ્યાલય 24 અકબર રોડ પર કૉંગ્રેસના સમર્થકો કહેતા હતા, “રાહુલ ગાંધી આ વખતે સંસદમાં વિપક્ષનો અવાજ બનશે.”

રાહુલ ગાંધીએ પ્રથમ વખત સંસદમાં કોઈ બંધારણીય પદની જવાબદારી લીધી છે. પહેલી વખત રાહુલ ગાંધીના માતા સોનિયા ગાંધી તેમની સાથે લોકસભામાં નહીં હોય. સોનિયા ગાંધી રાજ્યસભાના સંસદસભ્ય બની ગયાં છે અને તેમની જ બેઠક રાયબરેલી પરથી રાહુલ ગાંધી ચૂંટાયા છે.

આ વખતે પ્રિયંકા ગાંધી લોકસભામાં તેમની (રાહુલની) સાથે જોવા મળે તેવી શક્યતા છે. કારણ કે પ્રિયંકા ગાંધી વાયનાડમાં થનારી પેટાચૂંટણી લડશે. રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી જીત્યા હતા. જોકે, તેમણે રાયબરેલી બેઠક પરથી સંસદસભ્ય રહેવાનું પસંદ કર્યું.

કૉંગ્રેસ જ્યારે 2019ની લોકસભાની ચૂંટણી હારી ત્યારે રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારતી વખતે કૉંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું.

ત્યારબાદ સોનિયા ગાંધી કેટલાક વર્ષો માટે કૉંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ રહ્યાં હતાં. આ દરમિયાન કેટલાક મોકા આવ્યા જ્યારે રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષનું પદ લેવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, રાહુલ ગાંધી એ વાત પર અડગ રહ્યા કે તેઓ પાર્ટીમાં કોઈ પદ સ્વીકારશે નહીં.

ત્યારબાદ 2022માં પાર્ટીની અંદર હાઇવોલ્ટેજ ડ્રામા પછી મલ્લિકાઅર્જુન ખડગે પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા.

રાહુલ ગાંધી પાંચ વર્ષ સુધી પોતાની વાત પર અડગ રહ્યા પછી પહેલી વખત કોઈ મહત્ત્વપૂર્ણ પદ લેવા માટે તૈયાર થયા છે.

કૉંગ્રેસની રાજનીતિ પર નજર રાખનાર વરિષ્ઠ પત્રકાર અને લેખક રાશિદ કિદવઈએ થોડાક દિવસો પહેલાં બીબીસીને જણાવ્યું હતું કે વિપક્ષના નેતાનું પદ રાહુલ ગાંધીની જવાબદારી લેનાર વ્યક્તિ તરીકેની છબીને ઉજાગર કરશે.

કિદવઈએ કહ્યું હતું, “વિપક્ષના નેતા શૅડો વડા પ્રધાન હોય છે. વિપક્ષના નેતા આખા વિપક્ષનું નેતૃત્વ કરવાની સાથે-સાથે કેટલીક મહત્ત્વપૂર્ણ નિમણૂકો કરવા માટે વડા પ્રધાન સાથે બેસે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચેનું ચૂંટણી અભિયાન જોઇએ તો તેમાં કોઇ બેમત નથી કે બંને એકબીજા પર ગંભીર આરોપપ્રત્યારોપ કરતા જોવા મળે છે. આ વાતને ધ્યાનમાં રાખતા વડા પ્રધાન સાથે બેસીને નિર્ણયો કરવા અને તેમની સાથે કામચલાઉ સંબંધો કાયમ રાખવા એ રાહુલ ગાંધી માટે એક પડકાર રહેશે. જો રાહુલ ગાંધી પોતાને એક પરિપક્વ નેતા તરીકે પોતાને વધારે મજબૂત કરવા ઇચ્છે છે તો તેમણે આ કરવું પડશે.”

વિપક્ષના નેતા રાહુલ ગાંધીની તરીકે શું જવાબદારી રહેશે?

સંસદમાં વિપક્ષના નેતાની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. તેઓ સંસદમાં બધા જ વિપક્ષી દળોનો અવાજ બને છે. આ સાથે જે વિપક્ષના નેતાની પાસે શક્તિ અને કેટલાક વિશેષ અધિકારો હોય છે.

વિપક્ષના નેતા કેટલીક મુખ્ય સમિતિઓ જેવી કે પબ્લિક ઍકાઉન્ટ, પબ્લિક અન્ડરટેકિંગ અને એસ્ટિમેટ પર બનેલી સમિતિઓનો સભ્ય હોય છે.

વિપક્ષના નેતાની સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા સંયુક્ત સંસદીય સમિતિઓ અને પસંદગી સમિતિઓમાં હોય છે.

આ પસંદગી સમિતિ ઈડી, સીબીઆઈ, કેન્દ્રિય સતર્કતા પંચ, કેન્દ્રિય સૂચના પંચ, લોકપાલ, ચૂંટણી પંચ, અને રાષ્ટ્રીય માનવાધિકાર પંચના અધ્યક્ષો જેવા મહત્ત્વપૂર્ણ પદોની નિમણૂક કરે છે.

વિપક્ષના નેતા એ કેબિનેટ રૅન્કનું પદ છે, જેની પોતાની વિશેષતાઓ છે. જે કોઈ પણ આ પદ ધરાવે છે તેને વેતન અને દૈનિક ભથ્થાઓ આપવામાં આવે છે જે વેતન, ભથ્થાં અને પેન્શન ઑફ મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઍક્ટ 1954ની કલમ ત્રણમાં દર્શાવેલ છે. વિપક્ષના નેતાને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળે છે.

રાહુલ ગાંધીની રાજકીય યાત્રા અને સંસદમાં તેમની ભૂમિકા

પ્રિયંકા અને રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રિયંકા અને રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ 2004માં પ્રથમ વખત ચૂંટણીલક્ષી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

રાહુલ ગાંધીએ 2004માં ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી ચૂંટણી લડીને જીતી હતી. રાહુલના પિતા રાજીવ ગાંધીએ પણ અમેઠીથી જ ચૂંટણી લડી હતી. રાહુલ ગાંધી જ્યારે સંસદમાં પહોંચ્યા ત્યારે અટલ બિહારી વાજપેયી સંસદ સભ્ય હોવા છતાં ખરાબ તબિયતને કારણે સંસદ આવી શકતા ન હતા.

અડવાણી વિપક્ષના નેતા અને મનમોહનસિંહ વડા પ્રધાન બન્યાં હતાં. રાહુલે સંસદસભ્ય તરીકે સંસદમાં વાજપેયીને મોરચો સંભાળતા જોયા ન હતા.

રાહુલ ગાંધી 10 વર્ષ સુધી પોતાની સરકારમાં લોકસભામાં સંસદસભ્ય રહ્યા અને છેલ્લા 10 વર્ષથી વિપક્ષના સંસદસભ્ય છે.

કૉંગ્રેસ જ્યારે 2004 થી 2014 સુધી સત્તામાં રહીં ત્યારે રાહુલ મંત્રી ન બન્યા. કૉંગ્રેસ જ્યારે સત્તાની બહાર ગઈ ત્યારે વિપક્ષના નેતાનું પદ મળે તેટલી બેઠકો ન જીતી શકી.

રાહુલ પોતાની ઇચ્છાથી મંત્રી બન્યા ન હતા અને વિપક્ષના નેતા બની શકે તેટલા સંસદ સભ્યો કૉંગ્રેસ પાસે ન હતા. વાજપેયીનો સામનો સોનિયા ગાંધીએ કર્યો હતો અને રાહુલ ગાંધી હવે નરેન્દ્ર મોદીનો સામનો કરી રહ્યા છે.

કહેવામાં આવે છે કૉંગ્રેસ અત્યારે પોતાના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. કૉંગ્રેસને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે જ રાહુલ ગાંધીએ સાત સપ્ટેમ્બર 2022નાં રોજ કન્યાકુમારીથી કાશ્મીર સુધી “ભારત જોડો યાત્રા”ની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમમે મણિપુરથી મુંબઈ સુધી યાત્રા કરી અને 2024ની ચૂંટણીમાં કૉંગ્રેસને 98 (એમ કુલ 99 બેઠકો જીતી છે પરંતુ રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી છે તેથી તેની સંખ્યા 98 થઈ છે) બેઠકો પર જીત મળી હતી. એટલે કે કૉંગ્રેસની પાસે વિપક્ષના નેતાનું પદ હાંસલ કરવા જેટલા સંસદસભ્યો છે અને રાહુલ ગાંધી વિપક્ષના નેતા બનશે.

રાહુલ ગાંધી જ્યારે રાજનીતિમાં આવ્યા ત્યારે મીડિયામાં તેમની ઇમેજ અનિચ્છનીય નેતા તરીકે બનાવવામાં આવી હતી, પરંતુ હવે તેઓ સીધા જ ટક્કર લેતા જોવા મળી રહ્યા છે.

રાહુલ માટે સત્તા

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી

પૂર્વ વિદેશ મંત્રી નટવરસિંહે પોતાની આત્મકથા “વન લાઇન ઇઝ નૉટ ઇનફ”માં દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ જ સોનિયા ગાંધીને વડાં પ્રધાન બનતા રોક્યા હતા.

નટવરસિંહ પ્રમાણે, રાહુલ ગાંધીને બીક હતી કે તેમના માતાની પણ હત્યા થઈ શકે છે.

જાન્યુઆરી 2013માં ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીની બેઠક જયપુરમાં થઈ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધીને કૉંગ્રેસના ઉપ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધીએ એઆઈસીસીની બેઠકને સંબોધિત કરતા કહ્યું હતું, “તમે બધાએ મને ગઈ રાત્રે અભિનંદન પાઠવ્યા હતા. જોકે, મારા માતા મારી પાસે આવ્યા અને રડવા લાગ્યા. તેઓ માને છે કે જે સત્તા મેળવવા માટે લોકો તલપાપડ છે તે હકીકતમાં ઝેર છે.”

“મારા દાદીને તેમના જ સુરક્ષાકર્મીએ મારી નાખ્યા. હું તેમને મિત્ર સમજીને તેમની સાથે બૅડમિન્ટન રમતો હતો. મારા પિતા સાથે પણ આ જ થયું, જેમણે લોકોના જીવનમાં આશાઓ જગાડી હતી. આપણે સત્તાની પાછળ ભાગવું નથી, પરંતુ સત્તાને લોકો વચ્ચે લઈ જવી છે.”

રાહુલ ગાંધી 55 વર્ષના થઈ ગયા છે. પાર્ટીની કમાન છોડી દીધી હતી. પાર્ટીનું નેતૃત્વ લાંબા સમય પછી ગાંધી-નેહરૂ પરિવારના વ્યક્તિ પાસે છે.

“ભારત જોડો યાત્રા” દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, “મેં તે રાહુલ ગાંધીને પાછળ છોડી દીધા છે. હું હવે તે રાહુલ ગાંધી નથી.”