સુરત : એ વ્યક્તિ જેમણે પરિવાર અને સમાજના તિરસ્કાર છતાં હજારો બિનવારસી મૃતદેહોની અંતિમસંસ્કાર કર્યા છે

વેણીલાલ મારવાળા બિનવારસી મૃતદેહોનું રેસ્ક્યુ કરે છે અને તેમના અંતિમ સંસ્કાર કરે છે

ઇમેજ સ્રોત, Rupesh Sonavane

ઇમેજ કૅપ્શન, વેણીલાલ મારવાળા બિનવારસી મૃતદેહોનું રેસ્ક્યુ કરે છે અને તેમના અંતિમ સંસ્કાર કરે છે
    • લેેખક, શીતલ પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે, સુરતથી

‘મે સેવાનું કાર્ય શરૂ કર્યું હતું પણ મારા જ સમાજના અને પરિવારના લોકોજ મને અછૂત સમજવા લાગ્યા, લોકોએ મારો તિરસ્કાર કર્યો પણ મેં સેવાકાર્ય ચાલુ રાખ્યું.’

ક્ષત વિક્ષત થયેલા મૃતદેહો, માનવ કંકાલ, જીવાત પડી ગયેલ લાશ. આવી કોઈ પણ સ્થિતિમાં જ્યાં સામાન્ય માણસ બે આંખ મીંચીને મોઢા પર રૂમાલ રાખી સ્થળ પરથી નીકળવાનું વિચારે અને તેના અંતિમસંસ્કાર કરવા માટે કોઈ આગળ આવતું ન હોય એવામાં સુરતના 57 વર્ષીય વેણીલાલ મારવાળા આવા મૃતદેહોનું રેસ્ક્યુ કરે છે અને તેનું પોસટમોર્ટમ થયા બાદ વિધિસર તેમના અંતિમસંસ્કાર કરે છે. અત્યાર સુધી આવા હજારો કેસમાં તેઓ બિનવારસી મૃતદેહના વારસદાર બન્યા છે.

સુરતમાં વર્ષ 2001થી અગ્નિદાન સેવા કેન્દ્ર નામની સંસ્થા કાર્યરત છે. આ સંસ્થા દ્વારા બિનવારસી મૃતદેહોનો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અંતિમસંસ્કાર કરવામાં આવે છે. મૃતક કોણ છે? તેનો જાતિ ધર્મ શું છે? આ તમામ વાતોને અવગણી વિના મૂલ્યે સેવાનું અનોખું કામ થઈ રહ્યું છે. અને તેની શરૂઆત કરી છે સુરતના વેણીલાલ મારવાળાએ.

વેણીલાલ જે કાર્ય કરી રહ્યા છે તેના માટે પરિવાર અને સમાજ દ્વારા તેમનો તિરસ્કાર કરવામાં આવ્યો હતો. સમાજસેવા માટે મક્કમ વેણીલાલે એકલવાયું જીવન જીવવાનું પસંદ કર્યું પરંતુ મૃતકોની સેવા કરવાનું બંધ ન કર્યું.

ઝરીના કારખાના બંધ કરી શરૂ કર્યું અગ્નિદાન સેવા કેન્દ્ર

તેઓ વિના મૂલ્યે આ અનોખો સેવા યજ્ઞ કહી રહ્યા છે

ઇમેજ સ્રોત, Rupesh Sonavane

ઇમેજ કૅપ્શન, વેણીલાલ કહે છે કે તેઓ વિના મૂલ્યે આ અનોખો સેવા યજ્ઞ કરી રહ્યા છે

મૂળ સુરતી એવા વેણીલાલ ઝરીના કારખાનેદાર હતા. તેમના પિતા અને ભાઈઓ ઝરીના કારખાના ચલાવતા હતા. સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યા બાદ વેણીલાલએ પણ નાની મોટી નોકરીઓ કરી અને ઝરીના વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું. આ વ્યવસાયથી તેમની સારી એવી કમાણી થતી હતી.

વ્યવસાય છોડી અગ્નિદાન સેવા કેન્દ્ર શરૂ કરવાનું કારણ જણાવતા તેઓ કહે છે કે, "સાલ 1998ની વાત છે. એક રવિવારના રોજ હું મારા મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો. આ સમયે શહેરના લેક વ્યૂ ગાર્ડન પાસે ડિવાઇડરના થાંભલા સાથે અથડાવાથી એક બાઇક સવારનો અકસ્માત થયો હતો અને તે લોહીલુહાણ હાલતમાં હતો. આ સમયે હું અને મારા મિત્રોએ આ યુવકને જોયો પરંતુ પોલીસની પળોજણમાં ફસાવાની બીકે મિત્રએ મને મદદ ન કરવા દીધી અમે ત્યાંથી નીકળી ગયા હતા."

"એ જ દિવસે રાતના સમયે ફરી હું લેક વ્યૂ ગાર્ડન પાસે પહોંચ્યા ત્યારે તે યુવક ત્યાં જ પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. આ સમયે ફરી મારા મિત્રોએ એ મને રોક્યો હતો પરંતુ મેં પોલીસને ફોન કર્યો. જેથી મારા મિત્રો મને ત્યાં મૂકીને નીકળી ગયા હતા પોલીસે રાતના બે વાગ્યા સુધી મારી પૂછપરછ કરી મને ઘણો હેરાન કર્યો હતો."

"આ ઘટના બાદ મારું મન કામમાં લાગ્યું નહીં અને મને થતું કે હું જીવતા જીવ આ માણસને મદદ કરી શક્યો હોત તો કદાચ તે બચી ગયો હોત. અને ત્યારે જ મેં નક્કી કરી લીધું કે મૃત વ્યક્તિઓની સેવા કરીશ."

"ઘણું અપમાન સહન કર્યું છે"

લાશોની ઓળખ માટે મૃતકોના ફોટાનું પ્રદર્શન યોજવામાં આવે છે

ઇમેજ સ્રોત, Rupesh Sonavane

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નિ:સ્વાર્થ સેવા કરવા છતાં વેણીલાલને ઘણું અપમાન સહન કરવું પડ્યું છે.

વેણીલાલ કહે છે કે, "પરિવારના લોકો અને સગા સબંધીઓને ખબર પડી કે હું બિનવારસી મૃતહેદનો અંતિમસંસ્કાર કરું છું ત્યારે મારાં માતા સિવાય તમામ લોકોએ મારો તિરસ્કાર કર્યો. કુટુંબીઓ મારા પરિવારને કહેતા કે તમારો પુત્ર જે કામ કરે છે તેના કારણે અમારાં બાળકોના પણ સગપણ નહીં થાય. અને જો તમારો પુત્ર ઘરમાં રહેશે તો અમે પણ તમારી સાથે સંબંધ નહીં રાખીએ."

"મારા પિતા અને ભાઈઓને પણ આ કામ પસંદ ન હતું અને તમામ લોકો મને અછૂત ગણતા હતા. સમાજમાં ગમા અણગમા વચ્ચે પણ મેં મારું કામ ચાલુ રાખ્યું અને આજે મારા કામના વખાણ થાય છે."

મૃતકોનું સામૂહિક અસ્થિ વિસર્જન થાય છે અને ફોટોગ્રાફનું પ્રદર્શન યોજાય છે. તેમની સંસ્થાના રેકૉર્ડ પ્રમાણે છેલ્લાં 24 વર્ષ દરમ્યાન વેણીલાલે અંદાજિત 6,500 જેટલા મૃત્યુદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે. જેમાં 2006 થી અત્યાર સુધીમાં અંતિમ સંસ્કાર થયા હોય તેવા 4956 મૃતદેહોની નોંધણી તેમના ચોપડે જોવા મળે છે. આ મૃતદેહોમાં 4,568 પુરુષ, 290 સ્ત્રી, અને 98 બાળકોનો સમાવેશ થાય છે.

હિન્દુ શાસ્ત્ર પ્રમાણે મૃત્યુ થયા બાદ ઉત્તર ક્રિયાઓ કરવામાં આવે છે. હિંદુઓની માન્યતા પ્રમાણે દિવંગતોની આત્માની શાંતિ માટે શાસ્ત્રોક્ત વિધિ મુજબ અસ્થિ વિસર્જન કરવું અનિવાર્ય હોય છે જેથી આ રીત રિવાજ મુજબ વેણીલાલ દર મહિને મૃતદેહોનું સામૂહિક અસ્થિ વિસર્જન પણ સન્માન સાથે કરે છે.

મૃતદેહના અંતિમસંસ્કાર કર્યા બાદ વેણીલાલ બીજી એક જવાબદારી પણ નિભાવે છે. જેમના અંતિમસંસ્કાર કર્યા છે તેમના પરિજનોની ઓળખ માટે તેઓ તમામ મૃતદેહની માહિતી અને ફોટો લેમિનેશન કરાવી રાખે છે. અને વર્ષમાં ત્રણથી ચાર વાર તેઓ દ્વારા લાશોની ઓળખ માટે મૃતકોની તસવીરોનું પ્રદર્શન યોજવામાં આવે છે. ફોટોગ્રાફ્સના પ્રદર્શનનું આ કાર્ય વર્ષ 2003થી શરૂ કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શનના કારણે અત્યાર સુધીમાં 39 ગુમનામ વ્યક્તિઓના પરિવારજનોને તેમની ભાળ મળી છે. બિહાર, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની સાથેસાથે અન્ય રાજ્યોના પરિવારોએ તેમના સ્વજનોને શોધી શક્યા છે અને અસ્થિ પણ મેળવી શક્યા છે.

નિ:સ્વાર્થ સેવા કરવા છતાં વેણીલાલને ઘણું અપમાન સહન કરવું પડ્યું છે

ઇમેજ સ્રોત, Rupesh Sonavane

ઇમેજ કૅપ્શન, નિ:સ્વાર્થ સેવા કરવા છતાં વેણીલાલને ઘણું અપમાન સહન કરવું પડ્યું છે

બીબીસીની ટીમ વેણીલાલની ઑફિસમાં પહોંચી ત્યારે એક વૃદ્ધ મહિલા તેમનાં પુત્રવધુ સાથે પતિની ઓળખ માટે આ સંસ્થા પર આવ્યાં હતાં. તેમનું નામ હતું ધનુબહેન લાડ.

બીબીસી સાથેની વાતચીતમાં ધનુબેન કહે છે કે, "મારા પતિ દોલત લાડ હીરાના કારખાનામાં નોકરી કરતા હતા અને વર્ષ 2008માં તેઓ ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા હતા. સુરતના કતારગામ પોલીસ મથકમાં તેઓએ પતિના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ અત્યાર સુધી તેમના વિશે કોઈ માહિતી મળી નહોતી."

એક પોલીસકર્મીએ જ ધનુબહેનને અગ્નિદાહ સેવા કેન્દ્ર વિશે જણાવતા તેઓ સંસ્થાની ઑફિસ પર આવ્યાં હતાં. પતિના ફોટો અને માહિતીના આધારે દોલતભાઈની ઓળખ થઈ અને 16 વર્ષે ધનુબહેનને જાણ થઈ કે તેમના પતિનું મૃત્યુ ટ્રેન અડફેટે આવતાં થયું હતું. તેમના પતિનનો અગ્નિદાહ ખુદ વેણીલાલએ કર્યો હતો.

16 વર્ષે બાદ પતિના મૃત્યુ અંગે જાણ થયા બાદ ધનુબહેન લાડની આંખોમાં આંસુ હતા. તેઓ વાત કરતાં રડી પડ્યાં અને કહ્યું કે, "આટલાં વર્ષોથી મનમાં એક ભાર હતો કે મારા પતિ ક્યાં હશે અને આજે ખબર પડી કે તેમનું મૃત્યુ થયું છે. એ જાણીને પણ મનનો ભાર ઓછો થયો છે કે મૃત્યુ બાદ તેમની વિધિપૂર્વક અંતિમક્રિયા કરવામાં આવી છે અને તેમના અસ્થિ વિસર્જન કરી આત્માની શાંતિ માટે વેણીલાલ દ્વારા યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો."

સુરતમાં 2006માં આવેલી પૂરની હોનારત અને કોરોના મહામારીએ લોકોને ધ્રુજાવી દીધા હતા એવા સમયે પણ વેણીલાલએ અડગ મન સાથે તેમનું કાર્ય ચાલુ રાખ્યું હતું.

2006ના પૂરની વાત કરતા વેણીલાલ જણાવે છે કે, "શહેરમાં ચારેય તરફ જ્યારે પાણી ફરી વળ્યું હતું એવામાં ઘરમાં કોઈનું મોત નીપજ્યું હોય તો લોકોએ મૃતદેને પાણીમાં છોડી દેતા હતા."

"આવી પરિસ્થિતિમાં પૂરના પાણી ઓસર્યા બાદ 12 ઑગસ્ટના રોજ એક જ દિવસે 23 મૃતદેહ રેસ્ક્યુ કર્યા હતા અને એક દિવસમાં 10 મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ સમય એવો હતો કે સંસ્થાની અબ્યુલન્સ સ્મશાન ગૃહ નજીક જઈ શકે એવી પરિસ્થિતિ ન હોય મૃતદેહ હાથલારીમાં લઈ જઈ તેને અગ્નિદાહ આપ્યો હતો."

કોરોના મહામારીએ લોકોને ધ્રુજાવી દીધા હતા એવા સમયે પણ વેણીલાલએ અડગ મન સાથે તેમનું કાર્ય ચાલુ રાખ્યું હતું

ઇમેજ સ્રોત, Rupesh Sonavane

બીજી તરફ ચાર વર્ષ અગાઉ કોરોના મહામારીના સમયે એવો હતો કે કોરોનાના ડરના કારણે કેટલાક પરિવારોએ પોતાના સ્વજનનો મૃતદેહ સ્વીકારવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. આ સમયે વેણીલાલ સાથે કામ કરતા ત્રણ કર્મચારીઓએ પણ પરિવારની ચિંતા જોતા તેમની સાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું. અને ત્યારથી અત્યાર સુધી વેણિલાલ એકલા હાથે તમામ મૃતદેહોનો અંતિમક્રિયા કરે છે.

બિનવારસી મૃતદેહોનો નિકાલ ન થાય તો કેવી સમસ્યા સર્જાય?

સુરતની સ્મીમેર હૉસ્પિટલના ફોરેન્સિક મેડિકલ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે છેલ્લાં 14 વર્ષથી ફરજ બજાવતા ડૉક્ટર સંદીપ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે સુરત શહેરમાં અંદાજિત 500 જેટલા મૃતદેહ બિનવારસી તરીકે આઇડેન્ટીફાઈ થાય છે.

"આવી લાશોનું પોસ્ટમોર્ટમ થયા બાદ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. પરંતુ મૃતદેહને ત્રણ દિવસ સુધી જ કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાય કારણ કે ત્યાર બાદ લાશ સડવા લાગે છે. મૃતદેહની ઓળખ ન થાય ત્યારે સેવા કરતી સંસ્થાઓને મૃતદેહ સોંપવામાં આવે છે. જેના દ્વારા તેમનો અંતિમસંસ્કાર કરવામાં આવે છે."

ડૉક્ટર સંદીપ જણાવે છે કે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે અત્યાર સુધી વેણીલાલને અનેક વિકૃત લાશોનો પણ કબજો સોંપ્યો છે જેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

કેવી રીતે ચાલે છે સંસ્થા?

અગ્નિદાહ સેવા કેન્દ્રમાં હાલ વેણીલાલ અને મમતાબહેન ઘૂઘરીવાલા જ કામ કરી રહ્યાં છે. અંતિમસંસ્કારનું કામ જ્યાં વેણીલાલ કરે છે ત્યાં મમતાબહેન મૃતકોની માહિતીની નોંધણી કરી તેનો તમામ રેકૉર્ડ રાખે છે. મમતાબહેન છેલ્લાં 16 વર્ષથી આ સંસ્થામાં કામ કરી રહ્યાં છે.

મમતાબહેને બીબીસી સાથે વાત કરતાં કહે છે કે, "16 વર્ષના આ સમયગાળામાં મેં વેણીલાલને એકલા હાથે કામ કરતા જોયા છે. ઘણીવાર કારીગરો કામ પર આવતા હોઈએ છીએ પરંતુ તેઓ ટૂંકા ગાળામાં કામ છોડી જતા રહે છે. પરંતુ અગ્નિદાહ અને અસ્થિ વિસર્જનનું કાર્ય તો વેણીલાલ જ કરે છે. આ સાથે અમે વર્ષમાં એક વખત મૃતકોની આત્માને શાંતિ માટે હવન પણ કરીએ છીએ."

વેણીલાલ કહે છે કે "અગ્નિદાહ સેવા કેન્દ્રની શરૂઆત થઈ તે સમયે બે વર્ષ સુધી પોતાના ખર્ચે મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા અને આ નિસ્વાર્થ કામથી પ્રભાવિત થઈ તે સમયે માણેક ભાઈ રેશમવાલા નામના વ્યક્તિએ સુરતના નવસારી બજારમાં એક ઑફિસ દાનમાં આપી હતી. હાલ આજ નાનકડી ઑફિસમાંથી સંસ્થાનું કામ ચાલે છે."

આ ઉપરાંત મૃતદેહને લાવવા લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ દાનમાં મળી છે. શરૂઆતમાં શહેરની સેવાભાવી સંસ્થાઓ, દાનવીર લોકો દ્વારા દાનમાં મળતી રકમથી સંસ્થામાં કામ કરતા કર્મીઓનો પગાર, મૃતદેહના કફન, અસ્થિ વિસર્જન ક્રિયા માટેનો ખર્ચો કાઢવામાં આવે છે.

વેણીલાલ કહે છે, "હવે સંસ્થા પાસે દાનની રકમ પણ ત્રણ વર્ષ સુધી ચાલે એટલી જ વધી હોય ત્રણ વર્ષ પછી આ સંસ્થા કઈ રીતે ચલાવવી એ ચિંતાનો વિષય છે. પણ જ્યાં સુધી મારા હાથ પગ ચાલે છે હું આ સેવાનું કાર્ય ચાલુ રાખીશ."