પેપરલીકને કારણે યુવાનોનું ભવિષ્ય કેવી રીતે બરબાદ થઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
ગયા અઠવાડિયે દિલ્હીમાં બળબળતી ગરમીમાં કાવ્યા મખીજાએ ભારતીય યુનિવર્સિટીઓમાં ઍન્ટ્રી-લેવલ શૈક્ષણિક જગ્યા માટે સરકાર સંચાલિત મહત્ત્વની પરીક્ષા આપવા માટે કલાકોની મુસાફરી કરી હતી.
આ 25 વર્ષીય ફ્રીલાન્સ સંશોધક અને વિકલાંગ કર્મશીલ જડ સાંધાની જન્મજાત તકલીફથી પીડાતાં હોવાથી વ્હીલચેરનો ઉપયોગ કરે છે. તેમને પરીક્ષાકેન્દ્ર સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી પડી હતી. બહારનો રસ્તો ખોદેલો હતો અને રેમ્પ વ્હીલચૅર માટે બિનઉપયોગી હતો. પરીક્ષાકેન્દ્રમાં વ્હીલચૅર જ ન હતી.
આટલું અપૂરતું હોય તેમ વધુ એક આઘાત તેમની પ્રતીક્ષામાં હતો.
તેમણે ચાર કલાક પરીક્ષા આપી ત્યારે તેમની સંભાળ રાખતાં માતાએ બહાર સખત ગરમીમાં તેમની રાહ જોઈ હતી. પરીક્ષા આપ્યાના એક દિવસ પછી યુજીસી-નેટ તરીકે ઓળખાતી આ પરીક્ષા રદ થઈ ગઈ હતી. દેશનાં 300થી વધુ શહેરોમાં નવ લાખથી વધારે ઉમેદવારોએ તે પરીક્ષા આપી હતી.
શિક્ષણ મંત્રાલયે શરૂઆતમાં એક રહસ્યમય નિવેદનમાં જણાવ્યું હતું, "પરીક્ષાની પ્રામાણિકતા સાથે ચેડાં કરવામાં આવ્યાં હોવાની શક્યતા છે." એક દિવસ પછી શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્વીકાર્યું હતું કે આ પરીક્ષાનું પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ તથા ડાર્ક નેટ પર લીક થયું હતું.
કાવ્યાએ બીબીસીને કહ્યું, "મને બહુ ગુસ્સો આવે છે. તે મારા માટે બેવડા ફટકા જેવું છે. ફરી આ પરીક્ષા આપવાની શક્તિ મારામાં રહી હોય એવું મને લાગતું નથી."
'ઘણું બધું ભૂલી ગયો છું'

દિલ્હીથી લગભગ 1,000 કિલોમીટર દૂર બિહારના પટના શહેરમાં અર્ચિતકુમાર પણ સમાન પડકારનો સામનો કરે છે.
19 વર્ષના આ મહત્ત્વાકાંક્ષી ડૉક્ટરે સરકાર સંચાલિત 200 મિનિટની અંડર ગ્રૅજ્યુએટ પરીક્ષા આપી હતી. મેડિકલ કૉલેજની લગભગ 1,10,000 બેઠકો માટેની આ સ્પર્ધાત્મક પરીક્ષા તેમની સાથે 24 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરીક્ષા પછી તરત જ એક કૌભાંડ બહાર આવ્યું હતું. બિહારમાં નેશનલ ઍલિજિબિલિટી કમ ઍન્ટ્રન્સ ટેસ્ટ (અંડર ગ્રૅજ્યુએટ) અથવા નીટ-યુજી એક્ઝામ તરીકે ઓળખાતી આ પરીક્ષાના પ્રશ્નપત્રો કથિત રીતે લીક કરવા બદલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
છેતરપિંડીના વ્યાપક આક્ષેપો થયા હતા. ઘણા ઉમેદવારોને શંકાસ્પદ રીતે ઊંચા માર્ક્સ મળ્યા હતા. રૂ. 30 લાખના બદલામાં પ્રશ્નપત્ર ઉપલબ્ધ કરાવી આપવાના કૉલ્સ પરીક્ષાના થોડા કલાકો પહેલાં જ દલાલો દ્વારા કરવામાં આવ્યા હોવાનું ઉમેદવારોએ જાહેરમાં જણાવ્યું હતું. કેટલાકે પુરાવા તરીકે આવા કૉલ્સ રેકૉર્ડ પણ કર્યા હતા.
ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષા ફરી લેવાની માગણી કરી રહ્યા છે, આ સંબંધે કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટ તેની તપાસ કરી રહી છે.
ધર્મેન્દ્ર પ્રધાને તપાસનો આદેશ આપ્યો હતો અને કબૂલ્યું હતું કે "કેટલાક ચોક્કસ પ્રદેશોમાં જ ભૂલો થઈ છે." તેમણે જણાવ્યું હતું કે "કેટલીક છૂટીછવાઈ ઘટનાઓ" માટે લાખો ઉમેદવારોને ભાવિને અધ્ધરતાલ રાખવામાં આવશે નહીં.
આ પૈકીની કોઈ જાહેરાતોથી અર્ચિતને રાહત થઈ નથી.
અર્ચિતે છેલ્લાં બે વર્ષથી સોશિયલ લાઇફ ત્યજી દીધી હતી. મિત્રોને મળવાનું પણ ટાળતા હતા અને વિશ્વની સૌથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પૈકીની આ એક પરીક્ષા આપવા માટે તેમણે રોજ બાર કલાક અભ્યાસ કર્યો હતો. અર્ચિતે 720માંથી 625 માર્ક્સ સાથે ઑલ ઇન્ડિયા રેન્કમાં 53,000મું સ્થાન મેળવ્યું હતું.
અર્ચિતે કહ્યું હતું, "મારા માટે આ આઘાત સમાન છે. બહુ ચિંતા થાય છે. મારા એક મિત્રે આ વર્ષે સતત પાંચમી વખત પરીક્ષા આપી હતી. તેની હાલતની કલ્પના કરો. ફરી પરીક્ષા આપવાનું કેવું હશે તેની કલ્પના કરો. હું ઘણું બધું ભૂલી ગયો છું."

લાખો વિદ્યાર્થીઓનાં ભાવિ સાથે ચેડાં

ભારતની પરીક્ષા વ્યવસ્થા લાંબા સમયથી અસ્તવ્યસ્ત છે. છેતરપિંડી અને પેપરલીકની સમસ્યાઓ પરીક્ષાઓને લાંબા સમયથી કનડી રહી છે, પરંતુ હવે સરકારી નેશનલ ટેસ્ટિંગ ઍજન્સી (એનટીએ) દ્વારા સંચાલિત મુખ્ય પરીક્ષામાં ચેડાં કરવામાં આવ્યાં છે.
કાવ્યા અને અર્ચિતે પણ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં કથિત પેપરલીક અને માર્ક્સમાં ગોબાચારીને કારણે 35 લાખ ઉમેદવારોના ભાવિ પર પ્રશ્નાર્થચિહ્ન લાગી ગયું છે. સરકાર દ્વારા લેવામાં આવતી અન્ય ત્રણ પબ્લિક એક્ઝામ્સ ગયા અઠવાડિયે કાં તો રદ કરવામાં આવી હતી અથવા તો મુલતવી રાખવામાં આવી હતી. તેની 13 લાખ વિદ્યાર્થીઓને અસર થઈ હતી.
પેપરલીક પર ચાંપતી નજર રાખતા શિક્ષણવિદ્ મહેશ્વર પેરીએ કહ્યું હતું, “પરિસ્થિતિ વણસી ગઈ છે. શિક્ષકો, દલાલો અને એક્ઝામ સૅન્ટર્સના સંચાલકો વચ્ચે માફિયા ટોળી જેવા સાઠગાંઠ છે. તેના લીધે આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે.”
મહેશ્વર પેરીના જણાવ્યા મુજબ, દલાલો સામાન્ય રીતે ઉમેદવારોનો સંપર્ક કરે છે, પ્રશ્નપત્રના બદલામાં પૈસાની માગણી કરે છે, કેટલીક વાર પોસ્ટ-ડેટેડ ચેક પણ સ્વીકારે છે. તેઓ લેખિત પરીક્ષાનું પેપર ઉમેદવારોને અગાઉથી લીક કરી દે છે અને સોલ્વ કરેલું પેપર પણ ઉમેદવારોને આપે છે. ઑનલાઇન એક્ઝામ દરમિયાન આવા દલાલો પરીક્ષાર્થીની ડિજિટલ ઓળખ મેળવે છે અને પરીક્ષાકેન્દ્રથી દૂર કોઈ સ્થળે કમ્પ્યુટર દ્વારા તેમના વતી બધા સવાલોના જવાબ આપે છે.
રાજ્યોની પરીક્ષાઓમાં સ્થિતિ વધુ ખરાબ છે. અર્થંતંત્રમાં મોટા ભાગે કૉન્ટ્રાક્ટ આધારિત, અસલામત અને ઓછા પગારવાળી નોકરીઓ હોય છે. એવી નોકરી મેળવવા માટે તીવ્ર સ્પર્ધા હોય છે ત્યારે વિવિધ સ્થાનિક ભરતી પરીક્ષાઓ માટેનાં પ્રશ્નપત્રો વારંવાર લીક થાય છે.
ભૂતકાળમાં પેપરલીકની માઠી અસર પોલીસકર્મીઓ, ફોરેસ્ટર્સ, એન્જિનિયર્સ, પશુચિકિત્સકો અને આવકવેરા ઇન્સ્પેક્ટર્સની એક્ઝામ્સ પર થઈ છે. વૉટ્સઍપ મારફત પેપર્સ લીક થયાં છે અને સ્ટોર રૂમ્સમાંથી પેપરની ચોરી કરવામાં આવી છે. પરીક્ષાઓનું સંચાલન કરતી ખાનગી કંપનીઓના સર્વર શંકાસ્પદ લોકોએ હેક કર્યાં છે.
દેશમાં ભરતી અને નોકરીની કટોકટી

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હી પોલીસે 2022માં એક મોટી ઑનલાઇન ચીટિંગ ટોળકીનો પર્દાફાશ કર્યો હતો. આ ટોળકી ટોચની પરીક્ષાઓમાં ઉમેદવારોને છેતરપિંડીમાં મદદ કરતી હતી. તેમણે ડિટેક્ટ ન કરી શકાય એવાં સૉફ્ટવૅર વિકસાવવા માટે રશિયન હેકર્સની સેવા પૈસા ચૂકવીને લીધી હતી. એવાં સૉફ્ટવૅર વડે તેઓ પરીક્ષા કેન્દ્રોમાંના કમ્પ્યુટર્સને દૂર બેઠા હેક કરી શકે છે.
વિવિધ પક્ષોની સરકારવાળા દેશનાં 15 રાજ્યોમાં છેલ્લા પાંચ વર્ષમાં લેવામાં આવેલી ભરતી પરીક્ષાઓમાં પેપરલીક થવાની 41 ઘટનાઓની તપાસ ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ દૈનિકે આ વર્ષની શરૂઆતમાં કરી હતી.
તેમાં જાણવા મળ્યું હતું કે એક લાખ જગ્યાઓ માટે પરીક્ષા આપનાર લગભગ 1.40 કરોડ અરજદારોનું શેડ્યુલ પેપરલીકને કારણે ખોરવાઈ ગયું હતું.
સ્થિતિ એટલી ખરાબ છે કે ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગણા જેવાં રાજ્યોમાં તાજેતરની ચૂંટણીમાં આ બાબત એક સળગતો મુદ્દો બની હતી. મોટા ભાગનાં રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે.
મધ્યપ્રદેશમાં સરકારી નોકરીઓ અને સ્થાનિક મેડિકલ કૉલેજો માટેની 50થી વધુ પરીક્ષાઓ પર દેખરેખ રાખતી સરકારી સંસ્થા વ્યાપમનું 2015નું પરીક્ષા છેતરપિંડી કૌભાંડ હચમચાવનારું હતું.
પ્રશ્નપત્રો લીક થયાં હતાં, આન્સરશીટમાં છેડછાડ થઈ હતી, ખરા પરીક્ષાર્થીઓ માટે ડમી લોકોએ પરીક્ષા આપી હતી, જેઓ પોતે તેજસ્વી યુવા વિદ્યાર્થીઓ હતા અને સૌથી ઊંચી બોલી લગાવનારને બેઠકો ફાળવવામાં આવી હતી. આ કૌભાંડમાં સામેલ શિક્ષકોએ અધૂરાં પત્રકો ભર્યાં હતાં અને ગ્રેડસ વધારી આપ્યા હતા.
મહેશ્વર પેરીએ કહ્યુ હતું, “આવી છેતરપિંડીને પ્રોત્સાહન આપતી શિક્ષણપ્રણાલી આપણે જ બનાવી છે.”

ઇમેજ સ્રોત, Getty Images
બેઠકોની સંખ્યા તથા વિદ્યાર્થીઓની માગ વચ્ચે જંગી તફાવત છે અને મોંઘું ઉચ્ચ શિક્ષણ પોસાવા વિશેની ચિંતા પણ છે.
આ વર્ષે મેડિકલ કૉલેજની માત્ર 1.10 લાખ બેઠકો માટે 24 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તે સૂચવે છે કે વિદ્યાર્થી પર કેટલું દબાણ હોય છે અને સ્પર્ધા કેટલી ઉગ્ર હોય છે.
એ પૈકીની લગભગ 55,000થી 60,000 બેઠકો સરકારી કૉલેજમાં છે, બાકીની ખાનગી સંસ્થાઓમાં છે. વળી એ પૈકીની અડધી બેઠકો વંચિત વિદ્યાર્થીઓ માટે અનામત હોય છે.
બધાને ખાનગી કૉલેજોની મોંઘી ફી પોસાતી નથી. તેથી વિદ્યાર્થીઓ સરકારી કૉલેજોને પસંદ કરે છે. સરકારી કૉલેજોમાં પાંચ વર્ષના એમબીબીએસ અભ્યાસનો ખર્ચ પાંચથી દસ લાખ રૂપિયાની વચ્ચે હોય છે, જ્યારે ખાનગી કૉલેજોમાં એ તેનાથી દસ ગણા સુધી વધારે હોઈ શકે છે.
ઘણા માને છે કે આ માટે મોટા ભાગે ભારતમાં નોકરીની કટોકટી જવાબદાર છે.

ઇમેજ સ્રોત, Getty Images
અર્થશાસ્ત્રી કાર્તિક મુરલીધરને તેમના નવા પુસ્તક ‘એક્સેલેરેટિંગ ઇન્ડિયાઝ ડેવલપમૅન્ટ’માં નોંધ્યું છે, “મુખ્યત્વે આ કૌશલ્યની કટોકટી છે. લાખો શિક્ષિત યુવાઓ બેરોજગાર હોવા છતાં નોકરીદાતાઓએ પૂરતા પ્રમાણમાં કુશળ કર્મચારીઓ શોધવા માટે સંઘર્ષ કરવો પડે છે.”
શિક્ષણપ્રણાલીમાં ગોખણપટ્ટી દ્વારા પરીક્ષા પાસ કરવા પર ભાર મૂકવામાં આવતો હોવાથી ઘણા વિદ્યાર્થીઓમાં વિષયોની તથા વ્યવહારુ કૌશલ્યની સમજ હોતી નથી, પરંતુ નોકરીદાતાઓ માટે આવી સમજ તથા કૌશલ્ય ધરાવતી વ્યક્તિ જ મૂલ્યવાન હોય છે.
મુરલીધરનના જણાવ્યા મુજબ, કૌશલ્ય અને વ્યાવહારિક શિક્ષણમાં સુધારો કરવામાં આવશે તો ભારતના યુવાનોનું ભલું થશે. વિદ્યાર્થીના માર્ક્સ અને રૅન્કિંગ જ નહીં, પરંતુ તેમનાં કૌશલ્ય તથા જ્ઞાનનું આકલન કરે તેવા સુધારા પરીક્ષાપ્રણાલીમાં કરવા પર પણ તેઓ ભાર મૂકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરનાં કૌભાંડોની આકરી તપાસનું વચન સરકારે આપ્યું છે અને ધર્મેન્દ્ર પ્રધાને વિદ્યાર્થીઓમાં વિશ્વાસ ગુમાવવાની “નૈતિક જવાબદારી” લીધી છે.
ઘણું બધું કરવાની જરૂર છે. સરકારી નોકરીઓ અને કૉલેજ પ્રવેશપરીક્ષામાં છેતરપિંડી વિરોધી નવો કાયદો અસરકારક પુરવાર થશે કે કેમ તે અસ્પષ્ટ છે.
મહેશ્વર પેરી સવાલ કરે છે કે પરીક્ષા પરિણામના સંકલન દરમિયાન મૂળભૂત નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ તેની તપાસ સત્તાવાળાઓ શા માટે કરતા નથી? તેઓ સૂચવે છે કે છ ટોપ સ્કોરર્સ એક જ એક્ઝામ સૅન્ટરના હોય અથવા કોઈ પરીક્ષાર્થીએ હાઇસ્કૂલની પરીક્ષામાં કંગાળ પ્રદર્શન કર્યું હોય, પરંતુ અન્ડર ગ્રૅજ્યુએટ એક્ઝામમાં અવ્વલ માર્ક્સ મેળવ્યા હોય, એવી કોઈ ગેરરીતિ જણાય ત્યારે સત્તાવાળાઓએ તપાસ કરવી જોઈએ.
તેઓ કહે છે, “આ એક મૂળભૂત, સારી શરૂઆત હશે.”
જોકે, વિદ્યાર્થીઓ આશાવાદી જણાતા નથી.
અર્ચિત કહે છે, “અમે આપણી પરીક્ષાપ્રણાલીમાંથી વિશ્વાસ ગુમાવી રહ્યા છીએ. અમને સમજાતું નથી કે શું ચાલી રહ્યું છે?”












