નીટ : એક પરીક્ષા, સેંકડો સવાલ, જેમને ગ્રેસ માર્ક્સ મળ્યા એ વિદ્યાર્થીઓનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, BBC/Seraj Ali
- લેેખક, ઉમંગ પોદ્દાર અને સતસિંહ
- પદ, બીબીસી માટે
એક પરીક્ષા, 23 લાખ વિદ્યાર્થીઓ અને સેંકડો સવાલો.
ચાર જૂને આવેલાં લોકસભા ચૂંટણીનાં પરિણામો પછી જો કોઈ વસ્તુ ચર્ચામાં રહી હોય તો એ છે નીટની પરીક્ષાનાં પરિણામો.
કથિત અનિયમિતતાઓ અને પેપરલીકના દાવાઓ તથા 67 વિદ્યાર્થીઓએ ટોપ કર્યા બાદ થયેલા વિવાદને શાંત પાડવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએએ અનેક સ્પષ્ટતાઓ કરવી પડી છે.
નીટ પરીક્ષાનાં પરિણામો સંબંધિત અનેક અરજીઓ પર હાલમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
14મી જૂનના રોજ એનટીએએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે નીટ-યુજી 2024માં 1563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા અને હવે એનટીએ તેને રદ કરી રહી છે.

એનટીએએ પોતાના નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે ગ્રેસ માર્ક્સ જેમને મળ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે તે ફરીથી પરીક્ષાનું આયોજન કરશે. જ્યારે જેમને ગ્રેસ માર્ક્સ મળ્યા છે તેવા વિદ્યાર્થીઓને જો આ પરીક્ષા ફરીથી ન આપવી હોય તો તેમને ગ્રેસ માર્ક્સ વગરનું પરિણામ સ્વીકારીને આગળ વધવું પડશે.
જોકે, સુપ્રીમ કોર્ટે નીટ કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે. હવે આ અરજીઓ પર સુનાવણી 8 જુલાઈએ થવાની છે.
આ વર્ષે નીટ પરિણામોને લઈને વિવાદ એટલા માટે થયો હતો કે તેમાં ટૉપર્સની સંખ્યા પણ વધારે હતી અને એક જ સેન્ટરમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ ટૉપ કર્યું હોય તેવો મામલો સામે આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કુલ 67 વિદ્યાર્થીઓએ આ વર્ષે નીટની પરીક્ષામાં 720માંથી 720 માર્ક્સ મેળવીને ટૉપ કર્યું હતું. 67માંથી કુલ 6 વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા હરિયાણાના ઝઝ્ઝરની હરદયાળ પબ્લિક સ્કૂલમાં આપી હતી.
એટલું જ નહીં, એ જ સેન્ટરના બે વિદ્યાર્થીઓ એવા છે જેમને 718 અને 719 માર્ક્સ મળ્યા છે. જાણકારોનો દાવો છે કે આ પરીક્ષામાં 718 કે 719 માર્ક્સ આવી જ ન શકે.
ગ્રેસ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, BBC/Seraj Ali
બીબીસીએ ઝજ્જર પહોંચીને આ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ વિદ્યાર્થીઓ નિરાશ છે અને આગળ શું થશે તેને લઈને ભયભીત છે.
આ વિષયમાં એ લોકો પણ પોતાને સામેલ કરી રહ્યા છે કે જેમને હકીકતમાં આ પરીક્ષા સાથે કોઈ લેવાદેવા નથી.
હરદયાળ પબ્લિક સ્કૂલ પાસે એક દુકાનદારે બીબીસીને જણાવ્યું કે, “હા, મેં સાંભળ્યું છે કે એક મેડિકલ પરીક્ષા થઈ હતી અને ત્યાં લોકો કહી રહ્યા હતા કે પેપરલીક થઈ ગયું છે. કારણ કે ઘણા બધા લોકોએ ટૉપ કર્યું છે.”
વિદ્યાર્થીઓએ બીબીસીને જણાવ્યું હતું કે પરીક્ષાની શરૂઆત સમયે જ મૂંઝવણ હતી કારણ કે સૌને એક પેપરસેટની બદલે બે પેપરસેટ આપવામાં આવ્યા હતા.
તેમનું કહેવું છે કે આવી પરિસ્થિતિમાં તેમને પરીક્ષા આપવામાં મુશ્કેલી પડી અને તેમનો શરૂઆતનો 20 મિનિટનો સમયગાળો બરબાદ થઈ ગયો.

યશ કટારિયા, ઝજ્જરના ગુઢા ગામના રહેવાસી છે. આ વર્ષે તેમણે નીટની પરીક્ષામાં 718 માર્ક્સ મેળવ્યા છે.
તેઓ, “જ્યારે પેપર શરૂ થયું ત્યારે અમને બે સેટ મળ્યા. ત્યારે શિક્ષકે કહ્યું કે અત્યારે પરીક્ષા ન લખો. હું પૂછીને કહું છું કે ક્યા પેપરના સેટના જવાબ લખવાના છે. તેમાં 20-25 મિનિટ લાગી ગઈ."
તેઓ કહે છે, “આખા દેશમાં Q, R, S, T સેટ હતા પરંતુ અમારા સેન્ટરમાં M, N, O, P સેટ આપવામાં આવ્યા હતા. બંને સેટ કે પ્રશ્ન બિલકુલ અલગ હતા."
યશને શરૂઆતમાં 718 નંબર મળ્યા હતા, પરંતુ જ્યારે એનટીએએ ગ્રેસ માર્ક્સને કાઢી નાખ્યા હોવાથી તેમના માર્ક્સ ઘટીને 640 થઈ ગયા. એટલે કે તેમને ગ્રેસ માર્ક્સ તરીકે 78 માર્ક્સ આપવમાં આવ્યા હતા.
તેમણે કહ્યું, “મને ખબર ન હતી કે ગ્રેસ માર્ક્સ મળશે.”

ઇમેજ સ્રોત, BBC/Seraj Ali
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રિતેશ અહલાવત નામના અન્ય વિદ્યાર્થીને પણ આ જ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું, "સમયના અભાવે હું 15 પ્રશ્નોના જવાબ આપી શક્યો ન હતો."
તેમણે કહ્યું હતું કે તેમને ગ્રેસ માર્ક્સ તરીકે 100 માર્ક્સ આપવામાં આવ્યા હતા.
પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોનું કહેવું છે કે પેપરના બે સેટ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાંથી એક ઇમરજન્સી માટે હતો, પરંતુ હરિયાણાનાં બે કેન્દ્રો કે જ્યાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા ત્યાં સંકલન ન હોવાને કારણે ઇમરજન્સી સર્જાઈ હતી. બાળકોને ઇમરજન્સી વાળો પેપર સેટ આપી દેવામાં આવ્યો હતો.
હરદયાલ પબ્લિક સ્કૂલ સિવાય બીજું નામ વિજય સ્કૂલનું છે. આ કેન્દ્ર પર પરીક્ષા આપનાર દીક્ષા બરવાલ કહે છે, “અમને પેપર 25 મિનિટ મોડું મળ્યું. જો મને તે સમયસર મળ્યું હોત તો મારી પરીક્ષા સારી ગઈ હોત.”
વિજય સ્કૂલના આચાર્યએ બાળકોને પેપર પૂર્ણ કરવા માટે વધારાની 30 મિનિટનો સમય આપ્યો હતો. આ જ કારણ છે કે વિજય સ્કૂલમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ મળી શક્યા નથી. પરંતુ વિદ્યાર્થીઓ કહે છે કે આ ખોટું છે કારણ કે તેમણે શરૂઆતમાં અમને કહ્યું ન હતું કે તેઓ અમને વધારાનો સમય આપશે.
દીક્ષા કહે છે કે ગભરાટને કારણે તેઓ સારી રીતે પરીક્ષા આપી શક્યાં ન હતાં. તેઓ ફરીથી નીટ પરીક્ષા યોજવાની માંગ કરે છે.
કોની ભૂલ?

વિજય સ્કૂલનાં પ્રિન્સિપાલ રૂપાક્ષી નારંગનું કહેવું છે કે તેમને યોગ્ય સૂચના આપવામાં આવી ન હતી, જેના કારણે મૂંઝવણ ઊભી થઈ હતી. તેઓ કહે છે, "શહેરના કૉ-ઓર્ડિનેટર અમને પ્રશ્નપત્ર લેવા માટે અમને બે ભાગમાં લઈ ગયા, જેના કારણે અમને મૂંઝવણ થઈ."
બીબીસીએ નીટ પરીક્ષના ઝજ્જર શહેરના સંયોજક વીએન ઝાનો સંપર્ક કર્યો, પરંતુ તેમણે વાત કરવાનો ઇનકાર કર્યો. જ્યારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આયોજક એજન્સી એનટીએને ગાણિતિક રીતે શક્ય ન હોય તેવા માર્કસ વિશે પૂછ્યું ત્યારે એનટીએએ ગ્રેસ માર્ક્સની વાત કરી હતી.
એનટીએએ કહ્યું હતું કે, તેણે કૉમન લૉ ઍડમિશન ટેસ્ટ પર સુપ્રીમ કૉર્ટના 2018ના ચુકાદાના આધારે 1563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ્ આપ્યા છે. પરંતુ થોડા સમય બાદ એનટીએ પર પણ સવાલો ઊઠવા લાગ્યા.
'કરિયર 360'ના સંસ્થાપક અને અધ્યક્ષ મહેશ્વર પેરીએ જણાવ્યું હતું કે, “કૉમન લૉ ઍડમિશન ટેસ્ટ એ ઓનલાઇન પરીક્ષા છે. તમને તેમાં ખ્યાલ આવે છે કે પરીક્ષા કયા સમયે શરૂ થઈ છે. પરંતુ નીટ પરીક્ષામાં વિલંબને શોધવા માટે સીસીટીવી કૅમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો."
મેડિકલ કૉલેજોમાં પ્રવેશ માટે દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપે છે. આ વિવાદો પછી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય લટકેલું છે. કારણ કે, આ પરીક્ષાનું આગળ શું થશે તે અત્યારે સ્પષ્ટ નથી.
વધુ એક પરીક્ષા રદ્દ

ઇમેજ સ્રોત, Getty Images
નીટની જેમ, યુજીસી-નેટ પરીક્ષા પણ નેશનલ ટૅસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા લેવામાં આવે છે.
આ વર્ષે, દેશભરની યુનિવર્સિટીઓમાં જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF) અને આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે લગભગ 10 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, પરંતુ બીજા જ દિવસે તેને રદ કરવામાં આવી હતી.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, "ડાર્કનેટ પર યુજીસી-નેટ પરીક્ષાનું પ્રશ્નપત્ર યુજીસી-નેટના મૂળ પ્રશ્નપત્ર સાથે મેળ ખાય છે, જેના કારણે અમે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે.”
જોકે, એનટીએ કહે છે કે તેણે મેડિકલ વિદ્યાર્થીઓ માટે નીટની પરીક્ષા યોગ્ય રીતે યોજી હતી. વિદ્યાર્થીઓ અને વિપક્ષી નેતાઓ પોલીસતપાસ પર સવાલ ઉઠાવી રહ્યા છે અને તેનું ફરીથી આયોજન કરવાની માંગ કરી રહ્યા છે.
એનટીએએ 23 જૂને 1563 વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું પુનઃ આયોજન કર્યું છે, કારણ કે તેમને પરીક્ષા આપવા માટે પૂરતો સમય મળ્યો ન હતો. પ્રશ્ન એ છે કે શું તેનાથી સમસ્યા હલ થઈ જશે?
પેપરલીક અને નકલ

છેલ્લાં કેટલાંક વર્ષોની સરખામણીમાં નીટની પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.
કેરિયર 360ના સ્થાપક અને અધ્યક્ષ મહેશ્વર પેરી કહે છે, “2023માં 600 માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીનો રેન્ક લગભગ 26 હજાર હતો, પરંતુ આ વખતે તેટલા જ માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીનો રેન્ક લગભગ 80 હજાર છે. આ વખતે જે સ્કોર આવ્યો છે તે પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી. આવું કેમ થયું તેનો ઠીક-ઠાક જવાબ પણ કોઈની પાસે નથી.”
આ ઉપરાંત, આવા ઘણા ઘટનાક્રમ છે જે નીટની પરીક્ષા પર શંકા પેદા કરે છે.
બિહારમાં નીટની પરીક્ષા યોજાઈ તે જ દિવસે એક પોલીસ અધિકારીએ એફઆઈઆર દાખલ કરી.
આ એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે તેમને એવી માહિતી મળી છે કે નીટ પરીક્ષાનું પેપર એક સંગઠિત ગૅંગની મિલીભગતથી લીક થયું છે.
મીડિયા અહેવાલો કહે છે કે પોલીસે આ કેસમાં 13 લોકોની ધરપકડ કરી છે. તેમાંથી ચાર લોકોએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે પરીક્ષા પહેલાં પેપરલીક થયું હતું.
અહેવાલો અનુસાર, એક વિદ્યાર્થીએ તેની કબૂલાતમાં કહ્યું છે કે તેને પરીક્ષાના એક દિવસ પહેલાં જ પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું અને તેને તમામ જવાબો યાદ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, બીબીસી આ મીડિયા અહેવાલોની પુષ્ટિ કરી શક્યું નથી.
ગુજરાતના ગોધરાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીનું કહેવું છે કે બિહાર સિવાય ગુજરાત પોલીસને પણ ગોધરામાં નીટ પરીક્ષામાં છેતરપિંડીની ફરિયાદો મળી છે.
તેમના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓને માત્ર એ જ પ્રશ્નોના જવાબ આપવાનું કહેવામાં આવ્યું હતું કે જે તેમને આવડતાં હોય. ત્યારબાદ કોઈ અન્ય વ્યક્તિ પરીક્ષા કેન્દ્ર પર આવશે અને બાકીના પ્રશ્નોના જવાબ આપી દેશે જેથી કરીને તેઓ સારા માર્ક્સ મેળવી શકે.
સોલંકીના જણાવ્યા અનુસાર આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ તપાસ ચાલુ છે.
એનટીએએ ભૂલનો સ્વીકાર કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
સવાલોથી ઘેરાયેલા એનટીએએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે. તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓને યોગ્ય રીતે ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા ન હતા.
સુપ્રીમ કોર્ટમાં સરકાર તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે એનટીએએ વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ગ્રેસ માર્ક્સ પરત લેવાનો નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું હતું કે જે રીતે ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા તેનાથી મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ હતી અને તેનાં પરિણામો પણ સારાં ન આવ્યાં. કારણ કે સમિતિએ પરીક્ષામાં છોડી દેવાયેલા પ્રશ્નો સુધી જ ગ્રેસ માર્કસની મર્યાદા ન રાખી અને અન્ય ગ્રેસ માર્ક્સ પણ આપ્યા.
એ જ કારણથી ગ્રેસ માર્ક્સ મેળવનારા 1563 વિદ્યાર્થીઓ માટે તે ફરીથી પરીક્ષાનું આયોજન કરશે. જોકે, નિષ્ણાતો કહે છે કે તેના કારણે રેન્કમાં આવેલા મોટા ફેરફારો પર કોઈ અસર નહીં થઈ શકે.
તેમનું કહેવું છે કે, “જ્યારે પણ આપણે 1563 વિદ્યાર્થીઓ વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે નીટની પરીક્ષામાં શું થયું તેની સામે આંખ આડા કાન કરીએ છીએ. આ વખતે કુલ 54 હજાર વિદ્યાર્થીઓ છે કે જેઓ એક જ સીડી પર ઊભા છે.”
અધ્ધર લટક્યું છે ભવિષ્ય

ઇમેજ સ્રોત, BBC/Seraj Ali
નીટ પરીક્ષાની સમગ્ર પ્રક્રિયાએ માત્ર વિદ્યાર્થીઓ પર જ નહીં પરંતુ તેમના પરિવારો પર પણ અસર કરી છે. જે વિદ્યાર્થીઓ ફરીથી આ પરીક્ષા આપી રહ્યા છે તેઓ પણ તેનાથી ખુશ નથી.
ઝજ્જરના રહેવાસી યશ કટારિયા કહે છે, “નીટની ફરીથી લેવાનાર પરીક્ષા માટે બહુ ઓછો સમય આપવામાં આવ્યો છે. માત્ર નવ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આટલા સમયમાં અભ્યાસક્રમનું રિવિઝન કરવું મુશ્કેલ છે. નીટની પરીક્ષા આખા દેશમાં ફરીથી યોજવી જોઈએ.”
રિતેશ અહલાવત કે જેઓ ફરીથી NEET ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેઓ કહે છે, "હું હજી પણ મક્કમ છું કે મારે ડૉક્ટર બનવું છે, જો આ વર્ષે પરીક્ષા સારી રીતે નહીં યોજાય, તો હું અન્ય વિકલ્પો જોઈશ."
યશ કટારિયાના પિતા ઓમપ્રકાશ કટારિયા કહે છે, “હું પેપર્સ મેળવનારા લોકોની સાથે સરકારને પણ દોષિત માનું છું. બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે. આ પરીક્ષા તમામ બાળકો માટે ફરીથી યોજવી જોઈએ.”
રિતેશ અહલાવત કોટામાં તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમના પિતા અનિલ અહલાવત તેમની સાથે બે મહિના રહેવા ગયા હતા.
તેઓ કહે છે, “હું મારા પુત્રને પ્રોત્સાહિત કરવા તેની પાસે ગયો હતો, પરંતુ આ પરીક્ષાએ અમને બધાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. બાળકો હજુ પણ માનસિક પીડામાંથી પસાર થઈ રહ્યાં છે. માતાપિતાની સાથે બાળકો પણ દબાણમાં છે. સવારે ઊઠવાથી લઈને ઊંઘવા સુધી તેઓ એ ચેક કરતાં રહે છે કે નીટ અંગે કોઈ નવો નિર્ણય લેવામાં આવ્યો છે કે કેમ. આખો દિવસ સમાચાર અને યુટ્યુબ પર તેઓ જોતાં રહે છે.”
આ માટે તેમણે દિલ્હી હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવ્યાં છે. પરંતુ, એનટીએનું કહેવું છે કે તેણે ફરિયાદો સાંભળવા માટે એક સમિતિની રચના કરી હતી, જેણે ગ્રેસ માર્કસ આપ્યા છે.
જોકે, જે વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ મળ્યા નથી તેઓ પણ ઇચ્છે છે કે નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવે.
દીક્ષાના પિતા બસંત સિંહ કહે છે, “ઘરમાં અવાજ થતો હતો એટલે તેને મેં ભણવા માટે ઘરની નજીકના પીજીમાં શિફ્ટ કરી હતી. પરંતુ અત્યારે નીટમાં જે થઈ રહ્યું છે તે માત્ર બાળકોનું જ નહીં પરંતુ માતાપિતાનું પણ દિલ તોડી નાખે છે. અમે ઇચ્છીએ છીએ કે નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવે.”
નેશનલ ટેસ્ટિંગ એજન્સી

ઇમેજ સ્રોત, Getty Images
હવે નિષ્ણાતો એનટીએની પરીક્ષા આયોજિત કરવાની ક્ષમતા પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ શિક્ષણ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે.
નીટ અને યુજીસી-નેટ પરીક્ષાઓ સિવાય, એનટીએ અન્ય ઘણી પરીક્ષાનું પણ આયોજિત કરે છે જેમાં જેઈઈ અને આઈઆઈટીની કૉમન મૅનેજમેન્ટ ઍડમિશન ટેસ્ટનો પણ સમાવેશ થાય છે.
એનટીએની રચના પહેલાં સૅન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી ઍજ્યુકેશન(સીબીએસઈ) નીટ પરીક્ષાનું આયોજન કરતું હતું.
2004થી 2010 સુધી એનસીઈઆરટીના ડાયરેક્ટર રહેલા કૃષ્ણકુમાર કહે છે, “એનટીએ પાસે કોઈ કાયમી કર્મચારી નથી. લોકો દર છ-આઠ મહિને બદલાતા રહે છે. આખી સિસ્ટમમાં અરાજકતા ફેલાયેલી છે. તમે ખરેખર કોઈ એક વ્યક્તિ પર આંગળી ચીંધી શકતા નથી કે આ વ્યક્તિ જવાબદાર છે."
નિષ્ણાત મહેશ્વર પેરી કહે છે, “એનટીએમાં પારદર્શિતા અને નિખાલસતાનો અભાવ છે. જ્યારે પણ કોઈ તેને કંઈક પૂછે ત્યારે જ તે જવાબ આપે છે. તેમની વર્તણૂક જોઈને એવું લાગે છે કે તેઓ કંઈક છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આનાથી એનટીએની વિશ્વસનીયતા પર ફટકો પડ્યો છે."
તેઓ કહે છે કે, "આનો મતલબ એવો જ થાય છે કે કોઈ હત્યા એટલે થઈ નથી કારણ કે તમને તે હત્યામાં વપરાયેલ હથિયાર મળ્યું નથી."
હવે આગળ શું?

ઇમેજ સ્રોત, ANI
સુપ્રીમ કોર્ટ હવે તમામ અરજીઓ પર આઠમી જુલાઈએ સુનાવણી કરશે. કોર્ટે કહ્યું છે કે ભલે નીટનું કાઉન્સેલિંગ તેના નિયત સમયે જ છઠ્ઠી જુલાઈએ શરૂ થઈ જાય. પરંતુ જો તેમને ખ્યાલ આવ્યો કે આ પરીક્ષામાં કોઈ ગોટાળો થયો છે તો તેના પાસે તે પલટવાનો અધિકાર છે.
કૃષ્ણકુમારનું કહેવું છે કે, “મને સંપૂર્ણ વિશ્વાસ છે કે નીટની પરીક્ષા ફરીથી યોજાશે. આ આવી રીતે ન ચાલી શકે.”
સરકારે વધુ એક કમિટી બનાવી છે.
શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું કહેવું છે કે, “સરકાર એક ઉચ્ચસ્તરીય કમિટી બનાવી રહી છે. આ સમિતિ એનટીએની પરીક્ષા પ્રક્રિયા, પારદર્શિતા, ડેટા અને સુરક્ષા પ્રક્રિયામાં સુધારા માટે ભલામણો આપશે.”
તેમણે કહ્યું છે કે, “નીટ પ્રકરણમાં જે દોષીઓ છે તેના પર સખત કાર્યવાહી કરવામાં આવશે.”












