યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં મોદીનું ગુજરાત મૉડલ અનુસરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, @PMO
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
યોગી આદિત્યનાથ 1998માં જ્યારે ગોરખપુર લોકસભા ક્ષેત્રથી સાંસદ તરીકે ચૂંટાયા ત્યારે તેમની ઉંમર માત્ર 26 વર્ષ હતી.
યોગી ત્યાંથી પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેઓ માર્ચ 2017માં જ્યારે 45 વર્ષના હતા ત્યારે વસતિની દૃષ્ટિએ ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બની ગયા હતા.
બીજી તરફ નરેન્દ્ર મોદી 48ની ઉંમરે વર્ષ 2001માં ગુજરાતના મુખ્ય મંત્રી બની ગયા હતા અને વર્ષ 2002માં પ્રથમ વખત રાજકોટ-2થી ધારાસભ્ય ચૂંટાયા.
મોદીની કારકિર્દીની આ પ્રથમ ચૂંટણી હતી.
નરેન્દ્ર મોદીની ઓળખ હિંદુત્વના ઝંડાધારી તરીકેની રહી છે અને યોગી પણ આ મામલે તેમનાથી પાછળ નથી.
ગુજરાતમાં મુસ્લિમોની વસતિ લગભગ દસ ટકા છે, પરંતુ ત્યાં મોદી મુખ્ય મંત્રી હતા ત્યારે ભાજપે કોઈ મુસ્લિમને ટિકિટ નહોતી આપી.
ઉત્તર પ્રદેશમાં મુસ્લિમો 19 ટકા છે અને ત્યાં પણ યોગીની આગેવાનીવાળા ભાજપમાં મુસ્લિમો હાંસિયે ધકેલાયેલા છે.
મોદીના નેતૃત્વમાં જે રીતે ગુજરાતને ચલાવાઈ રહ્યું હતું અને યોગી પોતાના નેતૃત્વ હેઠળ જે રીતે ઉત્તર પ્રદેશને ચલાવી રહ્યા છે, તેની સરખામણી ઘણા મોરચે કરાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેવી રીતે યોગીરાજમાં ઉત્તર પ્રદેશમાં પોલીસ ઍન્કાઉન્ટરને લઈને સવાલ ઊઠી રહ્યા છે, એવી જ રીતે મોદીરાજમાં ગુજરાતમાં પણ ઘણાં એવાં વિવાદિત પોલીસ ઍન્કાઉન્ટર થયાં, જેને લઈને કોર્ટે કઠોર ટિપ્પણીઓ કરી હતી.
ગુજરાતમાં વર્ષ 2002થી 2007 દરમિયાન 17 એવાં વિવાદિત ઍન્કાઉન્ટર થયાં હતાં, જેમાં પોલીસ અને સરકારની ભૂમિકાને લઈને સવાલ ઊઠ્યા હતા.
પત્રકાર અને લેખક નીલાંજન મુખોપાધ્યાય નરેન્દ્ર મોદી પર એક પુસ્તક લખી ચૂક્યા છે. તેઓ કહે છે કે યોગીનું રાજકારણ મોદીના રાજકારણનું જ ઍક્સ્ટેન્શન છે.

મોદીનું ગુજરાત વિરુદ્ધ યોગીનું યુપી

ઇમેજ સ્રોત, @PMO
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નીલાંજન મુખોપાધ્યાય જણાવે છે કે, “મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે ગુજરાતમાં એવાં ઘણાં પોલીસ ઍન્કાઉન્ટર થયાં હતાં, જેને લઈને ગંભીર સવાલ ઊઠ્યા હતા. પરંતુ વાત માત્ર પોલીસ ઍન્કાઉન્ટર સુધી જ સીમિત નહોતી. મોદીની ગુજરાત કૅબિનેટ હોય કે મોદીન કેન્દ્ર સરકારની કૅબિનેટ, બંનેમાં ન તેમની સામે કોઈ હતું અને ન કોઈ છે.”
“અમિત શાહ બંને સ્થાને જરૂર શક્તિશાળી રહ્યા છે, પરંતુ આવું મોદીના વ્યક્તિત્વના વિકાસમાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને કારણે શક્ય બન્યું છે. આવી જ રીતે ઉત્તર પ્રદેશની યોગી કૅબિનેટ પર નજર કરીએ તો યોગી સામે કોઈ મંત્રીનું કોઈ વાતે ચાલતું નથી. યોગીના તો કોઈ અમિત શાહ પણ નથી.”
નીલાંજન મુખોપાધ્યાય જણાવે છે કે, “વર્ષ 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં જીતનું શ્રેય મોદીને ફાળે જાય છે. વર્ષ 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં જીતનું શ્રેય મોદી અને યોગી બંનેને ફાળે જાય છે. હવે યોગી ખુદ પણ ખૂબ લોકપ્રિય નેતા બની ગયા છે. ઉત્તર પ્રદેશમાં વર્ષ 2027માં આગામી વિધાનસભાની ચૂંટણી થશે. વર્ષ 2027ને લઈને અત્યારથી કંઈ પણ કહેવું એ ઉતાવળભર્યું કહેવાશે. પરંતુ એટલું તો જરૂર કહી શકાય કે ચૂંટણી જીતવા માટે યોગીની મોદી પરની નિર્ભરતા ઘટી છે.”
“મને લાગે છે કે યોગીની વધતી જતી લોકપ્રિયતાના કારણે જ તેમને મોદીના ઉત્તરાધિકારી સ્વરૂપે જોવામાં આવી રહ્યા છે. એ વાત કોઈનાથી છુપાયેલી નથી કે અમિત શાહે યોગી સાથે શાસનમાં સમાંતરપણે કેશવ મૌર્ય, અરવિંદ શર્મા, બ્રિજેશ પાઠક અને દિનેશ શર્માને પણ ગોઠવવાની કોશિશ કરી, પરંતુ યોગીએ કોઈનું ચાલવા ન દીધું.”
પ્રવીણ નિષાદ પ્રયાગરાજ સંગમમાં હોડી ચલાવે છે. ધાર્મિક તહેવારોને બાદ કરતાં તેઓ દરરોજ 700-800 રૂપિયા કમાઈ લે છે. પ્રવીણને અમે પૂછ્યું કે શું આટલી કમાણી ઘર-પરિવારનું પૂરું કરવા માટે પૂરતી છે?
જવાબમાં નિષાદે કહ્યું, “યોગીરાજમાં બધું ઠીક ચાલી રહ્યું છે. અનાજ મફત મળે છે અને ગુંડારાજ પણ ખતમ થઈ ગયું. અમને હવે કોઈ તકલીફ નથી. બધું બરોબર ચાલી રહ્યું છે.”
પ્રવીણ નિષાદને અમે પૂછ્યું કે યોગી પસંદ છે કે મોદી? તેમનો જવાબ હતો, “દિલ્હીમાં મોદી ઠીક અને યુપીમાં યોગી.”
સંગમકાંઠે 18 વર્ષના યોગશ ઑટોમાં બેસીને મોબાઇલ પર વીડિયો જોઈ રહ્યા છે.
વીડિયોમાં એક મૌલવી કહી રહ્યા છે – “અરે યોગી તમે શું મુસ્લિમોને ડરાવશો, મુસ્લિમો તો માત્ર અલ્લાહથી ગભરાય છે.”

ધ્રુવીકરણનું રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images
યોગેશને પૂછ્યું કે આ તમામ વીડિયો જોયા બાદ મગજ પર કેવી અસર પડે છે?
યોગેશે કહ્યું, “અસર તો ઘણી બધી પ્રકારની પડે છે. પરંતુ ખરી વાત તો એ છે કે ઝઘડોટંટો ન થવો જોઈએ. યોગીજીના આગમન બાદ ગુંડાગીરી બંધ થઈ ગઈ છે. પહેલાં લોકો ખુલ્લેઆમ તમંચા લઈને ફરતા અને ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ મૂકતા, પરંતુ હવે આવું કરવાની કોઈની હિંમત નથી થતી.”
શહબાઝ ખાન લૉનો અભ્યાસ કર્યા બાદ અલાહાબાદ હાઇકોર્ટમાં પ્રૅક્ટિસ કરી રહ્યા છે. તેમને પૂછ્યું કે શું ખરેખર યુપીમાં ગુંડાગીરી બંધ થઈ ગઈ છે?
શહબાઝ આ પ્રશ્નનો જવાબ આપતાં કહે છે કે, “મુસ્લિમોને લાગે છે કે યોગીજીને ગુંડા માત્ર મુસ્લિમો જ હોય એવું દેખાય છે અને વધુ કડકાઈ મુસ્લિમો વિરુદ્ધ કરાય છે. પરંતુ આ કડકાઈના કારણે ગુંડામાં બીક તો છે. આ ડરનો લાભ સામાન્ય હિંદુ-મુસ્લિમ બંનેને થઈ રહ્યો છે.”
શહબાઝ કહે છે કે, “ભલે મુસ્લિમોને એવું લાગતું હોય કે માત્ર તેમના સમુદાયના ગુંડા પર જ નિશાન તાકવામાં આવી રહ્યું છે, પરંતુ એ વાત પણ સત્ય છે કે જે માફિયા અને ગુંડા હિંદુઓમાં હતા, તેમની પણ યોગીરાજમાં કોઈ પણ ક્રાઇમ કરવાની હિંમત નથી થતી અને જેણે આવી હિંમત કરી, તેનું પણ ઍન્કાઉન્ટર થયું છે.”
“આવી સ્થિતિમાં આપણી પાસે એ કહેવા માટે તથ્ય નથી કે કોઈ બિનમુસ્લિમ ગુંડાને અપરાધ કર્યા બાદ પોલીસે છોડી મૂક્યો. બૃજેશસિંહ હોય કે રાજા ભૈયા કે પછી અન્ય લોકો, આ લોકો પોતાના દબંગપણાને લઈને ઓળખાતા, યોગીના આગમન બાદ બધા ખામોશ છે.”
શહબાઝ ખાનને લાગે છે કે અતીક અહમદ અને તેમના ભાઈ અશરફ અહમદનાં મૃત્યુ બાદ બહુમતી ધરાવતા હિંદુઓમાં પણ યોગીનું કદ વધુ મોટું થયું છે.
ખાન જણાવે છે કે, “યુપીમાં યોગીનું કદ એટલું મોટું થઈ ગયું છે કે તેમને મત આપવા માટે લોકો મોદીજીના કહેવાની રાહ નહીં જુએ. યુપીમાં હવે યોગીને મોદીની જરૂર નથી.”
અતીક અહમદ અને તેમના ભાઈનાં મૃત્યુના ચાર દિવસ બાદ પ્રવીણ નિષાદ, યોગેશ અને શહબાઝ આવું કહી રહ્યા હતા.
પ્રવીણ અને યોગેશને અતીક અહમદ અને તેમના ભાઈ અશરફ અહમદનાં મૃત્યુને લઈને પ્રશ્ન પૂછ્યો તો તેમણે કહ્યું કે, “યોગીરાજમાં ગુંડા સાથે આવું જ થશે. સારું છે કે ગુંડામાં બીક છે.”
તેમજ શહબાઝ ખાનનું કહેવું હતું કે તમે કોઈનેય આવી રીતે મારી નાખી શકો, પછી ભલે તેના પર ગમે એટલા ગંભીર મામલા હોય.

યોગી હવે મોદી પર નિર્ભર નહીં

ઇમેજ સ્રોત, ANI
સુનીતા એરૉન લખનૌમાં હિંદુસ્તાન ટાઇમ્સનાં સ્થાનિક સંપાદક રહ્યાં છે.
તેઓ કહે છે કે, “એ વાત તો બિલકુલ સત્ય છે કે ભાજપમાં મોદી બાદ સૌથી લોકપ્રિય યોગી જ છે. હું એવું ન કહી શકું કે હવે યોગીને મોદીની જરૂરિયાત નથી પરંતુ યોગી હવે ચૂંટણી જીતવા માટે મોદી પર આ પ્રકારે આધારિત નથી. હવે મોદીને પણ યોગીની જરૂર પડશે. યોગી ભીડને આકર્ષનારા નેતા બની ગયા છે.”
“ભાજપે આ મામલે યોગીને ઘણી તકો પણ આપી છે. દરેક રાજ્યમાં યોગીની રેલીની માગ થાય છે. કંઈક આવી જ માગ મોદીની રેલી માટે પણ થતી. વર્ષ 2017ની યુપી વિધાનસભાની ચૂંટણી અને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ચહેરો મોદી હતા, પરંતુ વર્ષ 2022ની યુપી વિધાનસભા ચૂંટણીમાં યોગી ચહેરા બની ગયા હતા અને ત્યારે ડબલ એન્જિનની સરકારની વાત થવા લાગી હતી.”
સુનીતા એરૉન કહે છે કે, “મોદી માટે યોગી પ્રતિસ્પર્ધી બનેશે કે નહીં, આ વાત આગામી દસ વર્ષ સુધી ભાજપ સત્તામાં રહ્યા બાદ પણ લોકપ્રિય રહેશે કે નહીં એ હકીકત પર આધારિત રહેશે. દસ વર્ષ ખૂબ લાંબો સમય હોય છે. હાલ તો યોગી અને મોદી બંને ભાજપની તાકત છે.”
ઘણા લોકો માને છે કે વર્ષ 2017માં જો મોદીની ઇચ્છા ન હોત તો યોગી મુખ્ય મંત્રી બન્યા ન હોત.
પરંતુ ઘણા લોકો એવું પણ માને છે કે મોદીની પસંદ મનોજ સિંહા હતા, ના કે યોગી.
વરિષ્ઠ પત્રકાર શરત પ્રધાને પોતાના પુસ્તક ‘યોગી આદિત્યનાથ રિલીજન, પૉલિટિક્સ ઍન્ડ પાવર ધ અનટોલ્ડ સ્ટોરી’માં એ પ્રશ્નનો જવાબ આપ્યો છે કે યોગી મુખ્ય મંત્રી કોની સંમતિથી બન્યા.
શરત પ્રધાને પુસ્તકમાં લખ્યું છે કે, “યોગીએ જાતે જ કહ્યું હતું કે આવું મોદી અને અમિત શાહ બંનેની સંમતિથી શક્ય બન્યું હતું. પરંતુ આરએસએસના એક મોટા નેતાનું કહેવું હતું કે સંઘના કારણે યોગી મુખ્ય મંત્રી બન્યા ના કે મોદી અને શાહના કારણે. યોગી આદિત્યનાથનું મુખ્ય મંત્રી બનવું મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ અને હરિયાણામાં મનોહરલાલ ખટ્ટરનાં પ્રકરણથી બિલકુલ અલગ હતું. ખટ્ટર અને ફડણવીસ બંનેની કોઈ મજબૂત રાજકીય જમીન નહોતી.”

યુપીમાં ઍન્કાઉન્ટરને શું જનતા પસંદ કરી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
અતીક અહમદ અને અશરફ અહમદનાં મૃત્યુ બાદ પ્રયાગરાજમાં લોકોની પ્રતિક્રિયા લગભગ ધાર્મિક આધારે વહેંચાયેલી જોવા મળી રહી છે.
હિંદુઓ વચ્ચે લોકપ્રિય ટિપ્પણી હતી – ગુંડા વિરુદ્ધ કડકાઈમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ.
મુસ્લિમોમાં એ વાતને લઈને નારાજગી હતી કે કોઈ પણ વ્યક્તિને રસ્તે ગોળી ન મારી શકાય. સજા કાયદા અંતર્ગત મળવી જોઈએ.
2017માં ઉત્તર પ્રદેશમાં યોગી મુખ્ય મંત્રી બન્યા તે બાદથી 185 પોલીસ ઍન્કાઉન્ટર થયાં છે.
આ સિવાય ડઝનો ઘર પણ તોડાયાં હતાં. સંજય પારીખ સુપ્રીમ કોર્ટમાં વકીલ છે. તેમણે યોગીરાજમાં પોલીસ ઍન્કાઉન્ટરોને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જે હજુ પેન્ડિંગ છે.
સંજય પારીખ કહે છે કે તેમની પાસે રહેલી ઉત્તર પ્રદેશમાં પોલીસ ઍન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલ લોકોની યાદીમાં મોટા ભાગના મુસ્લિમ, દલિત અને પછાત વર્ગના લોકો છે.
પારીખ કહે છે કે, “વાત માત્ર કોઈ ખાસ સમુદાયના લોકોનાં મૃત્યુ નિપજાવવા સુધી સીમિત નથી. એના કરતાં વધુ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે આટલી મોટી સંખ્યામાં પોલીસ ઍન્કાઉન્ટર થઈ રહ્યાં છે અને લોકો આને સ્વીકારી રહ્યા છે. ન્યાયતંત્રની શાખ પર સવાલ છે. પરંતુ ત્યાં પણ સક્રિયતા નથી. ઍન્કાઉન્ટરને સમાજમાં લોકપ્રિય સરમર્થન મળવાની વાત એ દર્શાવી રહી છે કે ન્યાયતંત્રની વિશ્વસનીયતા ખતરામાં છે. એવું લાગી રહ્યું છે કે હવે ન્યાયતંત્રની જરૂરિયાત જ નથી. ધારાસભા અને કારોબારી જ સજા આપવા માંડે તો લોકશાહી શું કરશે?”
સંજય પારીખ કહે છે કે, “આપણે યોગ્ય રીતે સિવિલ સોસાયટીનું નિર્માણ જ નથી કરી શક્યા. સમાજમાં હિંસા અને અદાલતની બહાર કરાતી સજાની સ્વીકાર્યતા પહેલાંથી જ મોજૂદ હતી. આ સ્વીકાર્યતા અત્યાર સુધી ખતમ થઈ જવી જોઈતી હતી, પરંતુ ચૂંટણીલક્ષી રાજકારણમાં આને વધુ પ્રોત્સાહન મળી રહ્યું છે.”

ઍન્કાઉન્ટરમાં મૃત્યુ પામનારા કોણ?

ઇમેજ સ્રોત, Getty Images
ઑગસ્ટ 2020માં અંગ્રેજી અખબાર ઇકૉનૉમિક ટાઇમ્સમાં યોગીરાજમાં માર્ચ 2017થી ઑગસ્ટ 2020 દરમિયાન થયેલાં પોલીસ ઍન્કાઉન્ટરોને લઈને એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો.
આ રિપોર્ટ અનુસાર, માર્ચ 2017થી ઑગસ્ટ 2020 વચ્ચે ઉત્તર પ્રદેશમાં કુલ 125 લોકોનાં પોલીસ ઍન્કાઉન્ટરમાં મૃત્યુ થયાં હતાં અને તે પૈકી 47 મુસ્લિમ હતા.
આ ત્રણ વર્ષોમાં પોલીસ ઍન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલા લોકોમાં કુલ 37 ટકા લોકો મુસ્લિમ હતા.
આ ઍન્કાઉન્ટરમાં 13 પોલીસકર્મીઓનાં પણ મૃત્યુ થયાં હતાં.
યોગી આદિત્યનાથ જ્યારે વર્ષ 2017માં પ્રથમ વખત ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બન્યા ત્યારે એક વર્ષમાં પોલીસ ઍન્કાઉન્ટરમાં કુલ 45 લોકોનાં મૃત્યુ થયાં, જેમાં 16 મુસ્લિમ હતા.
મોટા ભાગના ઍન્કાઉન્ટર પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં થયાં હતાં.
પ્રયાગરાજના જે ચકિયા વિસ્તારમાં અતીક અહમદનું ઘર હતું, ત્યાં તેમના ઘર સહિત અન્ય ઘણાં ઘર તોડાયાં છે.
અતીક અને અશરફ અહમદનાં મૃત્યુ બાદ તેમના વકીલ રહેલા વિજય મિશ્ર કહે છે કે અતીકના સંબંધી હોવાના કારણે ચકિયામાં જ ઓછામાં ઓછાં સાત ઘર તોડી નખાયાં.
વિજય મિશ્ર કહે છે કે, “અતીકના સંબંધી હોવાના નામે બીજાં ગામોમાં ઘણાં ઘર તોડાયાં. એ ક્યાંનો કાયદો છે કે ગુનાના આરોપીઓના સંબંધીઓનાં ઘર પણ તોડી નાખવાં? યોગી પ્રશાસન કહે છે કે નકશો પાસ નહોતો થયો અને ગેરકાયદેસર રીતે ઘર બાંધવામાં આવ્યું હતું, તેથી ઘર તોડાયાં.”
“પરંતુ હું પોલીસને પૂછવા માગું છું કે ભારતના કયા ગામમાં નકશો પાસ થયા બાદ ઘર બનાવાય છે. હટવા ગામમાં અશરફના સાસરિયા પક્ષનું ઘર પણ તોડી નખાયું. આ ઘરને પ્રશાસને ગેરકાયદેસર ગણાવીને તોડી પાડ્યું, પરંતુ એની બાજુમાં રહેલ ઘર કાયદેસર કેવી રીતે હોઈ શકે?”
વિજય મિશ્ર કહે છે કે યોગી સરકારમાં પોલીસ જે રીતે કામ કરી રહી છે, એનાથી સ્પષ્ટ છે કે બહુમતીવાદના રાજકારણને હવા અપાઈ રહી છે.
નીરજ ત્રિપાઠી ભાજપના દિવંગત નેતા કેશરીનાથ ત્રિપાઠીના દીકરા છે અને યોગી સરકારમાં એડિશનલ ઍડ્વોકેટ જનરલ છે.
નીરજ ત્રિપાઠીને અમે પૂછ્યું કે ભારતના કયા ગામમાં નકશો પાસ કરાવ્યા બાદ ઘર બને છે?

બુલડોઝરનું રાજકારણ?

ઇમેજ સ્રોત, Getty Images
નીરજ કહે છે કે, “જે ઘરો તોડવામાં આવ્યાં છે, તેમને પહેલાંથી નોટિસ અપાઈ હતી. કોઈ સરકાર કાર્યવાહી કરવાની હિંમત નહોતી કરી શકી રહી. પરંતુ આ સરકાર હિંમતભેર કામ કરી રહી છે. જો આ બાદ પણ કોઈને લાગે કે અન્યાય થયો છે, તો તેમણે કોર્ટ જવું જોઈએ.”
નીરજ ત્રિપાઠી કહે છે કે, “ઍન્કાઉન્ટરની વાત કરીએ તો તેમાં પણ કંઈ પણ ગેરકાયદેસર નહોતું થયું. મૃત્યુ પામેલા ગુનેગાર છે અને અમે ગુનેગારોની જાતિ કે ધર્મ નથી જોતા.”
ગત વર્ષે જૂન મહિનામાં વેલફેર પાર્ટી ઑફ ઇન્ડિયાના ઍક્ટિવિસ્ટ જાવેદ મોહમ્મદનું ઘર તંત્રે તોડી પાડ્યું હતું.
પ્રયાગરાજ ડેવલપમૅન્ટ ઑથૉરિટીએ આ ઘરને ગેરકાયદેસર ગણાવ્યું હતું.
જાવેદ મોહમ્મદની પ્રયાગરાજમાં હિસક વિરોધપ્રદર્શન કરવા મામલે પોલીસે ધરપકડ કરી હતી.
વિરોધપ્રદર્શન ભારતીય જનતા પાર્ટીના બે પ્રવક્તાઓ તરફથી પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી વિરુદ્ધ થયું હતું.
જાવેદ મોહમ્મદની ધરપકડના એક દિવસ બાદ જ પ્રયાગરાજના કરેલી વિસ્તારમાં તેમનું ઘર તોડી દેવાયું હતું.
જાવેદ મોહમ્મદ હજુ પણ દેવરિયા જેલમાં બંધ છે.
તેમનાં નાનાં બહેન સુમૈયા ફાતિમા જાવેદ કહે છે કે પ્રશાસને એક દિવસ પહેલાં દીવાલ પર નોટિસ લગાવીને જણાવ્યું હતું કે એ ઘર ગેરકાયદેસર છે.
સુમૈયા કહે છે કે, “અમને પહેલી વખત ખબર પડી હતી કે અમારું ઘર ગેરકાયદેસર છે. પ્રશાસનનું કહેવું હતું કે નકશો પાસ થયા વગર ઘર બન્યું છે પરંતુ કરૈલી વિસ્તારમાં તો કોઈનાય ઘરનો નકશો પાસ થયો નહોતો. એ વાત બિલકુલ ખોટી છે કે અમને પહેલાંથી નોટિસ અપાઈ હતી.”
સુમૈયા કહે છે કે, “પ્રદેશમાં સરકાર જે રીતે કામ કરી રહી છે, તેમાં લઘુમતીને ન્યાય મળશે એવી આશા રાખવી નિરર્થક છે. આ સરકાર બહુમતીવાદસંબંધી રાજકારણ કરી રહી છે અને તેમાં તેમને સફળતા પણ હાંસલ થઈ રહી છે. દેશમાં બહુમતી ધરાવનાર વસતિને એ વાતનો કોઈ ફરક નથી પડતો કે નિર્દોષોનાં ઘર તોડવામાં આવી રહ્યાં છે. તેમને કાયદો, કોર્ટ કે બંધારણ સાથે કોઈ સંબંધ નથી.”
જાવેદ મોહમ્મદના વકીલ કે. કે. રાય કહે છે કે ઉત્તર પ્રદેશને યોગી જે રીતે ચલાવી રહ્યા છે આથી તેનું ભવિષ્ય અંધકારમય છે.
કે. કે. રાયે કહ્યું, “યોગી સરકારે મુસ્લિમોને બીજા દરજ્જાના નાગરિક બનાવી દીધા છે. ઘરમાં નમાજ પઢો ત્યારે પોલીસ પહોંચી જાય છે. ભારતના કોઈ કાયદામાં એ વાતની પરવાનગી નથી કે કોઈનો પુત્ર ગુનેગાર હોય તો તેના બાપે બનાવેલ ઘર પાડી દેવાય. તેઓ બુલડોઝર થકી બહુમતીવાદની લહેર પેદા કરી રહ્યા છે. તેમણે 99 ટકા મુસ્લિમોનાં જ ઘર પાડ્યાં છે. ખરેખર, યોગી ઘર નથી પાડી રહ્યા બલકે તેઓ દેશના બંધારણની ઇમારતને પાડી રહ્યા છે. જાવેદ મોહમ્મદના નામે એ ઘર પાડી દીધું જે તેમનાં પત્નીના નામે હતું.”

બહુમતી ધરાવતા લોકો શું યોગી સરકારથી ખુશ છે?
કે. કે. રાય કહે છે કે, “સરકારનો એ જ પ્રયાસ છે કે ભલે તમે ભૂખ્યા રહો પરંતુ ધર્મના નામે એક થઈ જાઓ. મને લાગે છે કે ભય અને ભેદ રચવાનું કામ ન રોકાયું તો ઘણા ખતરા સામે આવશે. હજુ સુધી આપણી સામે ભયાનક સમયની ઝલક નથી આવી.”
યોગી આદિત્યનાથના પ્રથમ કાર્યકાળમાં મંત્રી રહી ચૂકેલાં અને હાલ પ્રયાગરાજથી લોકસભાનાં સાંસદ રીટા બહુગુણા જોશીને એવું નથી લાગતું કે યોગી પ્રદેશને વિભાજનકારી રસ્તે લઈ જઈ રહ્યા છે.
રીટા બહુગુણા જોશી કહે છે કે, “અમારી સરકારે સંગઠિત અપરાધ પર કાબૂ મેળવી લીધો છે. વ્યક્તિગત અપરાધને લઈને આપણે એવું ન કહી શકીએ. અમારી સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ઘણું કામ કરી રહી છે. મફત અનાજ પણ ધર્મને આધારે નથી અપાઈ રહ્યું. અમારી સરકારમાં ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની હિંમત છે. જો કોઈને લાગી રહ્યું હોય કે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે તો કોર્ટ ખુલ્લી છે.”
યોગી ઉત્તર પ્રદેશને ક્યાં લઈ જવા માગે છે? અલાહાબાદ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર રહેલા હેરંબ ચતુર્વેદી કહે છે કે યોગી ઉત્તર પ્રદેશમાં જે કરી રહ્યા છે, એ ઉત્તર પ્રદેશ માટે નહીં પરંતુ પોતાના માટે કરી રહ્યા છે.
પ્રોફેસર ચતુર્વેદી કહે છે કે, “મને નથી લાગી રહ્યું કે ઉત્તર પ્રદેશને યોગી ક્યાંય લઈ જઈ રહ્યા છે. સવાલ એ છે કે તેઓ પોતાની જાતને ક્યાં લઈ જવા માગે છે. તેઓ પોતાના માટે કામ કરી રહ્યા છે, તેમને લાગી રહ્યું છે કે આનાથી તેમની લોકપ્રિયતા વધી રહી છે. હિંદુ મતોનું ધ્રુવીકરણ થશે તો તેઓ પોતાની જાતને મોદીના ઉત્તરાધિકારી સ્વરૂપે રજૂ કરી શકશે. આ લડાઈ યુપી મૉડલ વિરુદ્ઘ ગુજરાત મૉડલની છે. વર્ષ 2014 બાદનું ભારત જે રાહ પર છે, એ જ વલણ અને રીત સાથે વર્ષ 2017થી યોગી યુપીને આગળ વધારી રહ્યા છે.”
યોગી એક તરફ ઇન્વૅસ્ટમેન્ટ સમિટ કરાવે છે અને બીજી તરફ તેમના રાજમાં પોલીસ ઍન્કાઉન્ટર વધી રહ્યાં છે.
શું તેમની નીતિઓમાં વિરોધાભાસ છે? નીલાંજન મુખોપાધ્યાય કહે છે કે મોદી પણ ગુજરાતમાં ઇન્વૅસ્ટમેન્ટ સમિટ કરાવતા અને ત્યાં પણ પોલીસ ઍન્કાઉન્ટર થતાં.
વરિષ્ઠ પત્રકાર શરત પ્રધાને યોગી આદિત્યનાથ પર પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, “વર્ષ 2001માં લાલકૃષ્ણ આડવાણીએ જ્યારે મોદીને ગુજરાતના મુખ્ય મંત્રી બનાવ્યા, ત્યારે તેમને પણ આદિત્યનાથની જેમ પ્રશાસનની ધુરા સંભાળવાનો અનુભવ નહોતો. પરંતુ મોદી આદિત્યનાથી સરખામણીએ વધુ ચપળ હોવાની સાથો સાથ તેઓ ઝડપથી બધું શીખી પણ લેતા. વર્ષ 2002નાં રમખાણોની બધી નકારાત્મકતાનો પોતાની લોકપ્રિયતા વધારવા માટે ઉપયોગ કરવો, એ બધા કરી શકે એવું કામ નહોતું.”
શરત પ્રધાનને લાગે છે કે યોગી જે રીતે યુપી ચલાવી રહ્યા છે, એ અમિત શાહને નથી ગમી રહ્યું. પ્રધાનને લાગે છે કે વર્ષ 2024 બાદ યુપીમાં કોઈ મોટો ખેલ થઈ શકે છે.














