શરદ પવાર : એ નેતા જેમણે ઇંદિરા ગાંધી ‘સામે પડી’ પોતાની સરકાર બચાવી લીધી

શરદ પવાર

ઇમેજ સ્રોત, Getty Images

રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સંસ્થાપક શરદ પવારે પાર્ટીનું અધ્યક્ષપદ છોડવાની જાહેરાત કરીને હવે ક્યારેય ચૂંટણી ન લડવાનું એલાન કર્યું છે.

શરદ પવારે કહ્યું છે કે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતાઓની એક સમિતિ હવે પાર્ટી માટે ભવિષ્યની વ્યૂહરચના નક્કી કરશે.

શરદ પવારે કહ્યું, “આ સમિતિ હું, પ્રફુલ્લ પટેલ, સુનીલ ઠાકરે, પીસી ચાકો, નરહરી જિરવાલ, અજિત પવાર, સુપ્રિયા સુલે, જયંત પાટિલ, છગન ભુજબલ, દિલીપ વલસે પાટિલ, અનિલ દેશમુખ, રાજેશ ટોપે, જિતેન્દ્ર અવહાદ, હસન મુશરિફ, ધનંજય મુંડે, જયદેવ ગાયકવાડ અ પાર્ટીના તમામ સેલ પ્રમુખ હશે.”

82 વર્ષના શરદ પવાર માત્ર મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ કેન્દ્રના રાજકારણ પર હાવી રહ્યા. ચાર વખત મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી, ઘણી વખત કેન્દ્રીય મંત્રી અને આઈસીસી અને બીસીસીઆઈના અધ્યક્ષ રહેલા શરદ પવારના છ દાયકા કરતાં વધુ લાંબા રાજકીય કારકિર્દીમાં ઘણા એવા તબક્કા આવ્યા જેમાં તેમણે ભારતીય રાજકારણ પર ઊંડી છાપ છોડી.

પદ છોડવાનું એલાન કરતાં શરદ પવારે કહ્યું, “પાછલાં 60 વર્ષોમાં તમે બધા મારી સાથે મજબૂતાઈથી ઊભા રહ્યા. હું હંમેશાં આ વાત યાદ રાખીશ.”

શરદ પવારે કહ્યું કે તેઓ રાજકારણ, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં કામ કરતા રહેશે.

હજુ શરદ પવારનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થવાને ત્રણ વર્ષની વાર છે. તેમણે કહ્યું છે કે તેઓ ભવિષ્યમાં ક્યારેય ચૂંટણી નહીં લડે.

1 મે 1960ના રોજ પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનારા શરદ પવારે કહ્યું, “લાંબી રાજકીય કારકિર્દી બાદ ક્યાંક ને ક્યાંક થોભવા અંગે વિચારવું જોઈએ. કોઈએ લાલચુ ન બનવું જોઈએ.”

ગ્રે લાઇન

કૃતનિશ્ચય પવાર

શરદ પવાર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શરદ પવારની તેમના અડગ નિર્ધાર અને ઝઝૂમવાની વૃત્તિને લઈને તેમની સમગ્ર રાજકીય કારકિર્દી દરમિયાન પ્રશંસા થતી રહી છે.

પછી ભલે એ વાત વર્ષ 2014માં ઈડી પ્રકરણની હોય કે વર્ષ 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની.

પવાર હંમેશાં તેમના પ્રતિદ્વંદ્વીઓ અને પ્રશંસકોને પ્રભાવિત કરતા રહ્યા છે.

વરિષ્ઠ પત્રકાર પ્રતાપ આસ્બે શરદ પવારના રાજકારણ અને વ્યૂહરચના પર નિકટથી નજર રાખતા આવ્યા છે. તેમનું કહેવું છે કે, “પવારનું આ સ્વરૂપ અને કૃતનિશ્ચય હોવું એ કોઈ નવી વાત નથી.”

તેમણે 1980માં જ્યારે મહારાષ્ટ્રમાં શરદ પવાર મુખ્ય મંત્રી હતા એ સમય અંગે વાત કરી.

એ સમયે ઇમર્જન્સી બાદ ફરી એક વાર ઇંદિરા ગાંધી પાસે સત્તાની ધુરા હતી.

કહેવાતું એ સમયે પણ ઇંદિરા ગાંધીની વાત ટાળવાનું સાહસ ખૂબ ઓછા લોકો કરી શકતા હતા.

અને પવારનું નામ આ યાદીમાં સામેલ થવાનું હતું.

વાત એવી છે કે 1980ના દાયકામાં જ્યારે તેઓ એક વખત દિલ્હીમાં ઇંદિરા ગાંધીને મળવા ગયા. ત્યારે ઇંદિરા ગાંધીએ તેમને સલાહ આપી કે તેઓ યશવંતરાવ ચવ્હાણની આગેવાનીમાં કામ કરવાને સ્થાને તેમના પુત્ર સંજય ગાંધીની આગેવાનીમાં કામ કરે.

પરંતુ પવારે ઇંદિરા ગાંધીને ના પાડવાનાં પરિણામો અંગે વિચાર્યા વગર જ ‘તેમના પ્રસ્તાવનો સ્વીકાર ન કર્યો.’

પરંતુ તેઓ આ પ્રસ્તાવને નકારી કાઢવાનાં કેવાં પરિણામ આવશે એ અંગે જાણતા હતા.

આ મુલાકાત બાદ જ્યારે શરદ પવાર પાછા મહારાષ્ટ્ર ફર્યા એ સમય સુધી તો કેન્દ્ર સરકારે રાજ્યમાં તેમની સરકારને ‘ખારિજ કરવાનો નિર્ણય’ લઈ લીધો હતો.

વરિષ્ઠ પત્રકાર આસ્બે જણાવે છે કે, “એ સમયે શરદ પવારે સોશિયાલિસ્ટ કૉંગ્રેસને લઈને મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેઓ પોતાની ક્ષમતાના બળે આ ગંભીર સ્થિતિને કાબૂ કરવામાં સફળ રહ્યા હતા.”

બીબીસી ગુજરાતી
  • ભારતીય રાજકારણના મોટા કદના ખેલાડી મનાતા શરદ પવારે મંગળવાર 2 મેના રોજ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીનું અધ્યક્ષપદ ત્યાગવાની જાહેરાત કરી
  • તેમણે આ સાથે ભવિષ્યમાં ક્યારેય ચૂંટણી ન લડવાની પણ વાત કરી છે
  • ભારતીય રાજકારણમાં પોતાની અમીટ છાપ છોડનારા નેતા શરદ પવારે ઘણી વાર પોતાના રાજકીય પ્રતિસ્પર્ધીઓ અને ચાહકોને પોતાના આગવા ગુણોને કારણે પ્રભાવિત કર્યા છે
  • વાંચો તેમના રાજકીય જીવનના મહત્ત્વપૂર્ણ તબક્કા વિશે, જેણે લોકોને પવારની ચપળતાનો પરચો આપ્યો
બીબીસી ગુજરાતી

ક્યારેય ન અટકનારા પવાર

શરદ પવાર

ઇમેજ સ્રોત, Getty Images

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો એ અંતિમ દિવસ હતો અને સોશિયલ મીડિયા પર એક તસવીર વાઇરલ થઈ રહી હતી. આ તસવીર શરદ પવારની હતી.

સતારામાં ચૂંટણીપ્રચાર દરમિયાનની તસવીરમાં તેઓ સાંબેલાધાર વરસાદમાં રોકાયા વગર ભાષણ આપી રહ્યા હતા.

2019ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ કહેવાયું કે જે પરિણામ આવ્યું, તેમાં આ તસવીરની અગત્યની ભૂમિકા રહી.

આ તસવીરે ગેમ ચેન્જરનું કામ કર્યું હતું. આ તસવીર વાઇરલ થતાં જ લોકોએ પવારની અડગ રહેવાની ક્ષમતા વિશે વાતો કરવાનું શરૂ કરી દીધું.

બીબીસી ગુજરાતી

ઈડીના દરોડાનો એ દાવ અવળો પડી ગયો

વર્ષ 2014માં થયેલ વિધાનસભાની ચૂંટણીમાં એનસીપીને 41 બેઠકો મળી હતી. વર્ષ 2019માં પાર્ટીને 54 બેઠકો મળી. એ સમયે 78 વર્ષના શરદ પવાર ચર્ચામાં રહ્યા.

વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ થઈ ચૂકી હતી. પરંતુ શરદ પવાર આ શરૂઆતના સમયે ક્યાંય દેખાઈ નહોતા રહ્યા. તેઓ પિક્ચરમાં એ સમયે આવ્યા જ્યારે પ્રવર્તન નિદેશાલયને લગતો વિવાદ તેમની સાથે જોડાયો. એ બાદ તેમનું જે સ્વરૂપ સામે આવ્યું, તેની ચર્ચા દૂર-દૂરની મહેફિલોમાં પણ થઈ.

ચૂંટણી દરમિયાન જ્યારે સમાચાર આવ્યા કે પ્રવર્તન નિદેશાલયે મહારાષ્ટ્ર સહકારી બૅંક ગોટાળા મામલે શરદ પવાર વિરુદ્ધ એફઆઈઆર કરી છે. તેમનું વલણ બધાને આશ્ચર્યચકિત કરી દેનારું હતું. તેમણે જાહેરાત કરી તેઓ જાતે ઈડીની ઑફિસે જશે. તેમની આ જાહેરાતને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ થઈ ગયો હતો.

બાદમાં મુંબઈના પોલીસ કમિશનરના આગ્રહ બાદ તેઓ ઈડીની ઑફિસે તો ન ગયા પરંતુ ઈડીએ પણ ક્યારેય તેમને સંદેશો કહ્યું કે તેમણે ઑફિસે આવવાની જરૂરિયાત નથી.

મહારાષ્ટ્રના રાજકારણ પર નિકટથી નજર રાખનારા ઘણા જાણકારોનું માનવું છે કે પ્રવર્તન નિદેશાલય અને શરદ પવાર વચ્ચેના આ એપિસોડે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું સ્વરૂપ બદલી નાખ્યું.

બીબીસી ગુજરાતી

પવારની રાજકીય સફર : જેટલી અડગ એટલી જ આક્રમક

વરિષ્ઠ પત્રકાર પ્રતાપ આસ્બે શરદ પવારની રાજકીય સફર અને તેના મહત્ત્વપૂર્ણ તબક્કા વિશે આગળ વાત કરતાં વર્ષ 1980માં મહારાષ્ટ્રની રાજકારણમાં સર્જાયેલ સમીકરણો અને તેનો સામનો કરવા માટે પવારે અપનાવેલ વ્યૂહરચનાની વાત કરી હતી.

તેમણે એ તબક્કા અંગે યાદ કરતા કહ્યું હતું કે, “વર્ષ 1980ની વિધાનસભાની ચૂંટણીમાં પવારની સોશિયાલિસ્ટ કૉંગ્રેસે 54 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો. પરંતુ યશવંતરાવ ચવ્હાણે સોશિયાલિસ્ટ કૉંગ્રેસના ઘણા ધારાસભ્યોને પોતાની તરફ ખેંચી લીધા હતા અને આવી સ્થિતિમાં પવાર પાસે મુશ્કેલ પાંચ ધારાસભ્ય જ બાકી રહી ગયા હતા.”

“પવાર માટે આ અત્યંત કપરી પરિસ્થિતિ હતી. પરંતુ આવી સ્થિતિમાં હાર માનીને તૂટી જવાને સ્થાને પવારે એક રાજ્યવ્યાપી પ્રવાસ ખેડ્યો. તેઓ લોકોને મળ્યા. તેમણે એક ખેડૂત રેલીનું આયોજન કર્યું. અને પોતાના આ પ્રયાસોથી તેમણે ફરી એકવાર પોતાના લોકોનું સમર્થન હાંસલ કર્યું હતું.”

આસ્બે આગળ જોડે છે કે શરદ પવાર જેટલા અડગ દેખાય છે વાસ્તવિકતામાં પણ તેઓ ખૂબ જ આક્રમક છે.

આસ્બે માને છે કે રાજકારણમાં તેઓ સંસદીય પ્રણાલીથી ખૂબ પ્રભાવિત છે, તેથી તેમનું આક્રમક સ્વરૂપ સામે આવે એવું ઘણું ઓછું થાય છે.

કૅન્સરની વિરુદ્ધની તેમની લડાઈ એ જીવન પ્રત્યેના તેમના જઝબાનું વધુ એક સારું ઉદાહરણ છે. વરિષ્ઠ પત્રકાર મિલિંદ ખાંડેકરે થોડા સમય પહેલાં જણાવ્યું હતું કે, “વર્ષ 2004ની લોકસભા ચૂંટણીનો સમય હતો. હું પુણેમાં પવારની રેલીને કવર કરવા ગયો હતો.”

રેલી દરમિયાન જ તેમણે જાહેરાત કરી હતી કે તેમણે રેલી ખતમ થતાં જ હૉસ્પિટલ જવું પડશે, જ્યાં તેમનું ઇમર્જન્સી ઑપરેશન થવાનું હતું. તેઓ ત્યાંથી મુંબઈ જવા માટે રવાના થયા.

“ઇન્ટરવ્યૂ માટે હું તેમની સાથે કારમાં જ હતો. તેઓ બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ થયા. જ્યારે પવારની બીમારીના સમાચાર સામે આવ્યા ત્યારે એવું મનાઈ રહ્યું હતું કે તેઓ ભવિષ્યમાં સક્રિયપણે રાજકારણમાં સામેલ નહીં થાય. પરંતુ જે થયું એ આપણી સામે છે. તેઓ કૅન્સરથી લડીને સાજા થયા અને હવે ઘણાં વર્ષો બાદ પણ તે પર્યાપ્ત પ્રમાણમાં સક્રિય છે. જો આ તેમનું આત્મબળ ન હોય તો શું છે...”

બીબીસી ગુજરાતી

‘મારી માતા પાસેથી આક્રમકતાનો ગુણ મળ્યો’

પોતાની જીવનકથામાં શરદ પવારે કહ્યું હતું કે તેમને ઝઝૂમવાની આ વૃત્તિ, જીવન પ્રત્યેનો જઝબો તેમનાં માતા શારદાતાઈ પવાર પાસેથી વારસામાં મળ્યાં છે.

તેમણે લખ્યું કે, “અમારા ગામમાં એક માતેલો સાંઢ હતો. તેના કારણે ગામના લોકોને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ એક દિવસ કોઈએ તેને આગ ચાંપી દીધી. બળતરાની સ્થિતિમાં એ રસ્તા પર જ ફસડાઈ પડ્યો.”

“જ્યારે બીજા દિવસે મારાં માતા ઊંઘીને ઊઠ્યાં ત્યારે તેમણે સાંઢને જોયો. તેના શરીરમાંથી લોહી ઝરી રહ્યું હતું. મારાં માતા તેમની પાસે ગયાં અને અત્યંત કોમળ ભાવ સાથે તેની પીઠે હાથ ફેર્યો. બસ, આટલામાં એ સાંઢ ઊભો થયો અને તેણે પોતાની પૂરી તાકત સાથે મારાં માતાને ફંગોળી દીધાં.”

“આ ઘટનાના 15 મિનિટ બાદ સુધી સાંઢ પૂરા વજન સાથે મારાં માતાને દબાવતો રહ્યો. આના કારણે તેમની સાથળનાં હાંડકાં ભાંગી ગયાં. જ્યારે તેમને હૉસ્પિટલે લઈ જઈને દાખલ કરાયાં ત્યારે તેમના એક પગનું લગભ છ ઇંચ હાંડકું કાઢી નાખવું પડ્યું.”

“એ ઑપરેશન સફળ રહ્યું પરંતુ એ અકસ્માત બાદ તેઓ ક્યારેય ટેકા વગર ચાલી ન શક્યાં. આટલું બધું થઈ ગયું છતાં મારાં માતાએ ક્યારેય દુ:ખ નહોતું વ્યક્ત કર્યું.”

રેડ લાઇન
રેડ લાઇન