મહારાષ્ટ્ર રાજકીય સંકટ : શું ઉદ્ધવ ઠાકરેના હિંદુત્વ પર ભાજપનું હિંદુત્વ ભારે પડ્યું?

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા

મહારાષ્ટ્રમાં શિવસેના સરકારના ભવિષ્ય પર તલવાર લટકેલી છે. આ વચ્ચે સવાલ ઊઠી રહ્યા છે કે આ રાજકીય સંકટની રાષ્ટ્રીય વિપક્ષ પર શું અસર થશે?

લોકસભાની ચૂંટણીઓને બે વર્ષ બાકી છે અને જાણકારો કહી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં એનસીપી, કૉંગ્રેસ અને શિવસેનાની મહાવિકાસ અઘાડી સરકાર પર સંકટના કારણે પહેલાંથી જ નબળો રાષ્ટ્રીય વિપક્ષ વધારે નબળો થઈ જશે.

ઉદ્ધવ ઠાકરે

ઇમેજ સ્રોત, FB/ShivSena

ઇમેજ કૅપ્શન, ઉદ્ધવ ઠાકરે

સીડીએસના પ્રોફેસર સંજયકુમાર કહે છે, "વિપક્ષ પહેલાંથી જ મરેલો છે. તેમનો 2024માં સામાન્ય ચૂંટણી જીતવાનો કોઈ ચાન્સ નથી. જો તમે આગામી મહિને લોકસભાની ચૂંટણી યોજશો તો ભાજપ બીજી મોટી બહુમતી સાથે સત્તામાં આવશે. કૉંગ્રેસ નીચે જશે. વિપક્ષ તો વધારે નબળો થઈ રહ્યો છે."

જોકે, પ્રશાંત કિશોર જેવા વિશ્લેષક માને છે કે રાજકારણમાં બે વર્ષનો સમય બહુ લાંબો હોય છે.

આના પર સંજયકુમાર કહે છે, "ભાજપને 350 સીટ મળી શકે છે અને કૉંગ્રેસને 30 અથવા 20 સીટ પણ મળી શકે છે."

line

વૈકલ્પિક હિંદુત્વ આપવામાં ચૂક્યા ઠાકરે?

શરદ પવાર

ઇમેજ સ્રોત, getty images

ઇમેજ કૅપ્શન, શરદ પવાર

પૂણેમાં હિંદુ બિઝનેસ લાઈનમાં વરિષ્ઠ પત્રકાર રાધેશ્યામ જાધવના કહેવા પ્રમાણે, ઉદ્ધવ ઠાકરે અને શિવસેનામાં તેમના અનુયાયીઓએ ભાજપના હિંદુત્વની સરખામણીમાં મહારાષ્ટ્રમાં એક વૈકલ્પિક હિંદુત્વ આપવાના પ્રયત્ન કર્યા હતા.

આનાથી એનસીપી અને કૉંગ્રેસને આશા હતી કે તે આ વૈકલ્પિક હિંદુત્વના મૉડલને દેશના બીજા ભાગમાં લઈ જઈ શકશે, પરંતુ શિવસેના સરકારમાં આવેલા સંકટના કારણે આ પ્રયાસોને ધક્કો લાગ્યો છે.

રાધેશ્યામ જાધવના કહેવા પ્રમાણે ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભામાં કહ્યું હતું કે તેમનું હિંદુત્વ તમામને સાથે લઈને ચાલવાનું છે.

મહારાષ્ટ્રમાં હિંદુત્વના રાજકારણના ઇતિહાસ પર તેઓ કહે છે, "બાલાસાહેબ ઠાકરેએ હિંદુત્વની રાજનીતિની શરૂઆત કરી. ભાજપને લાગ્યું કે જો તેમણે મહારાષ્ટ્રમાં આગળ વધવું છે તો હિંદુત્વનો એવો અવાજ બનવો પડશે, તેના માટે તે ઇચ્છે છે કે શિવસેના નાનાભાઈની ભૂમિકા ભજવે."

"ઉદ્ધવ ઠાકરેએ 2019માં ભાજપના ગઠબંધનમાંથી અલગ થવાનો નિર્ણય કર્યો. કૉંગ્રેસ, ટીએમસી અને એનસીપી જેવા પક્ષોને આશા બંધાઈ કે ભાજપના હિંદુત્વ સામે લડવા માટે તેમને એક અલગ હિંદુત્વનો વિચાર જોઈએ. તે પ્રયત્નોને આ રાજકીય સંકટથી ઝટકો લાગ્યો."

"રાષ્ટ્રીય રાજકારણમાં હિંદુત્વ પર વાત કરનારી એકમાત્ર પાર્ટી ભાજપ હશે. ભાજપે પોતે પોતાના અનુયાયીઓને ભરોસો અપાવ્યો છે કે શિવસેના સામે તેના જ લોકોએ પડકાર ફેંક્યો છે. ભાજપના લોકો કહી રહ્યા છે કે પહેલી વખત કોઈ રાજ્યમાં હિંદુત્વના મુદ્દે સરકાર પડી જશે."

line

હિંદુત્વ અને ઈડી

ઈડી

ઇમેજ સ્રોત, Getty Images

રાધેશ્યામ જાધવ એમ પણ કહે છે કે એકનાથ શિંદેના વિદ્રોહને હિંદુત્વને બચાવવાથી કોઈ લેવાદેવા નથી, પરંતુ કારણ એ છે કે ગૌહાટીમાં જમા થયેલા શિવસેનાના ધારાસભ્યો પોતાના બિઝનેસ, સંસ્થાઓથી લઈને અનેક જગ્યાઓ ઇડીના નિશાના પર છે.

તેઓ કહે છે, "આ બધું એટલા માટે થઈ રહ્યું છે કે ભાજપ ફરીથી સત્તામાં આવી શકે અને તે હિંદુત્વનો એકલો અવાજ બની શકે."

એકનાથ શિંદેના વિદ્રોહમાં ભાજપની ભૂમિકાનો સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.

કૉંગ્રેસના પૂર્વ પ્રવક્તા સંજય ઝા કહે છે કે જો ઉદ્ધવ ઠાકરેની સરકાર પડે છે તો ભાજપને પરસેપ્શનની લડાઈનો ફાયદો મળશે.

લોકોને લાગશે કે ભાજપ હાલ પણ સતત જીતી રહ્યો છે અથવા સરકાર બનાવી રહ્યો છે, આનાથી વિપરીત વિપક્ષ ધડામ કરતો પડી રહ્યો છે.

તેઓ કહે છે, "એવું લાગશે કે વિપક્ષમાં લડવાની ક્ષમતા નથી. ભાજપ દેશના દરેક વિસ્તારમાં જઈને કહેશે કે લોકો અમને પસંદ કરશે."

બીજી તરફ કૉંગ્રેસના પ્રવક્તા પીએલ પુનિયાના કહેવા પ્રમાણે શિવસેનાના જે ધારાસભ્ય તૂટીને જઈ રહ્યા છે, તેનાથી એ ન માનવું જોઈએ કે પાર્ટી નબળી થઈ રહી છે.

તેઓ કહે છે, "ધારાસભ્ય બન્યા પછી જે લોકો પાર્ટી બદલે છે તો જરૂર નથી કે વોટર્સને પણ પોતાની સાથે લઈ જઈ રહ્યા છે."

line

વિખરાયેલો વિપક્ષ

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ભાજપનું 17 રાજ્યોમાં શાસન છે, એટલે કે દેશના 44 ટકા વિસ્તાર પર અને અંદાજે 50 ટકા વસતિ પર ભાજપ શાસન કરી રહ્યો છે.

વિપક્ષ તરીકે કૉંગ્રેસનો આધાર ઘટી રહ્યો છે, સાથે જ એક પછી એક નેતા પાર્ટીને છોડી રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય નેતા છે અને કહેવામાં આવી રહ્યું છે કે નબળો અને છૂટોછવાયો વિપક્ષ તેમની મજબૂત સ્થિતિનાં અનેક કારણોમાંથી એક મહત્ત્વપૂર્ણ છે.

સીડીએસના સંજયકુમારના કહેવા પ્રમાણે વિપક્ષ એવો કોઈ સંદેશો આપી રહ્યો નથી કે તે ભાજપ સામે લડવા માટે એકજૂથ છે, પરંતુ સંદેશ એ આવી રહ્યો છે કે દરેક વિપક્ષના નેતા તેમના પર ભારે પડવા માગે છે.

એવામાં મહારાષ્ટ્રનો ઘટનાક્રમ વિપક્ષ માટે સારા સમાચાર નથી, જ્યાં કૉંગ્રેસ પણ સત્તામાં સામેલ છે.

સંજય ઝા કહે છે, "કૉંગ્રેસ વિપક્ષનું કેન્દ્ર છે. આની નબળાઈની અસર દેશના બીજા પક્ષો પર પણ પડી છે. તેમને હારતા લોકો તરીકે જોઈ શકાય છે. જો કૉંગ્રેસથી નથી થઈ રહ્યું તો આ પાર્ટીઓ તો સ્થાનિક પક્ષો છે. તેમની રાષ્ટ્રીય સ્તરે પહોંચ નથી."

તેઓ કહે છે કે ન બુલડોઝરના મુદ્દા પર વિપક્ષ સાથે આવ્યો, ન કે રાહુલ ગાંધીની એન્ફોર્સમૅન્ટ ડિરેક્ટોરેટે કલાકો સુધી પૂછપરછ કરી તો બિનકૉંગ્રેસી પક્ષોએ કેન્દ્રિય એજન્સીઓના દુરુપયોગ પર વાત ન કરી.

line

યશવંતસિંહાના નામની જાહેરાત

યશવંતસિંહા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યશવંતસિંહા

વિપક્ષની રણનીતિનો એક નમૂનો રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત ઉમેદવાર યશવંતસિંહાના નામની જાહેરાતમાં જોવા મળ્યો.

ટીએમસીના પવન વર્મા કહે છે કે જો રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવારને વિપક્ષની એકતાની તક તરીકે રજૂ કરવી હતી તો પ્રયત્નો એક વર્ષ અથવા છ મહિના પહેલાં શરૂ કરવા જોઈતા હતા.

એના માટે રાષ્ટ્રીય સ્તરે સમન્વય થવો જોઈતો હતો, નવીન પટનાયક અને જગન રેડ્ડી જેવા નેતાઓ સાથે વાત કરવા જેવી હતી જેથી સમજી વિચારીને ઉમેદવાની પસંદગી થાય, ન કે ચૂંટણીના કેટલાક મહિના પહેલાં વિપક્ષની મીટિંગ બોલાવી અને હાથમાં હાથ પકડીને "આંકડાની એકતા"ને શોધવી.

પવન વર્માના કહેવા પ્રમાણે જ્યારે પાર્ટી ફરીથી પોતાના પ્રદેશોમાં જઈને એકબીજાની વિરુદ્ધમાં રાજકીય લડાઈ લડે છે. તો "દેશને આંકડાઓની એકતા નહીં જોઈએ જે સ્ટેજ પર હાથમાં હાથ નાખીને રજૂ કરવામાં આવી છે.... દેશને સાચી રીતે એકતા જોઈએ."

પવન વર્માનું માનીએ તો યશવંતસિંહાના નામની જાહેરાત પછી તેમણે આ લડાઈ લડવા માટે એકલા મૂકી દેવામાં આવ્યા છે અને તેમને "વાસ્તવિકતા પર એવો કોઈ સંકેત નથી દેખાતો નથી કે વિપક્ષના નેતા એક અભિયાનમાં લડાઈ લડવા માટે પોતાને સંગઠિત કરી રહ્યા છે."

તેઓ કહે છે, "યશવંતસિંહા પાસે અનુભવ છે, તેઓ કુશળ રાજકારણી છે પરંતુ મારા વિચારમાં અનેક તર્કસંગત કારણ છે કે અનેક પાર્ટી દ્રોપદી મુર્મૂનું પણ સમર્થન કરે. તેઓ આદિવાસી છે, મહિલા છે અને તેમણે પોતાનો સંઘર્ષ પોતે જ કર્યો છે."

એટલે ભાજપે પદ માટે એવા ઉમેદવારને પસંદ કર્યા કે જેની સામે જવું કોઈ વિપક્ષ માટે આસાન નહીં હોય.

line

મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય વિપક્ષ

સરકારી બંગલો ખાલી કરીને માતોશ્રી પહેંચેલા ઉદ્ધવ ઠાકરે

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન, સરકારી બંગલો ખાલી કરીને માતોશ્રી પહેંચેલા ઉદ્ધવ ઠાકરે

આ વર્ષે મુંબઈમાં બીએમસી સહિત બીજા શહેરોમાં સ્થાનિક ચૂંટણીઓ થવાની છે.

વર્ષોથી બીએમસી પર શિવસેનાની પકડ છે અને માનવામાં આવે છે કે બીએમસીનું બજેટ જ શિવસેનાના રાજકારણની લાઈફલાઇન છે.

એટલે એક તરફ શિવસેનાની સામે મહત્ત્વપૂર્ણ સ્થાનિક ચૂંટણી જીતવાનો પડકાર છે, તો બીજી તરફ પોતાના રાજકીય ભવિષ્યની લડાઈ લડવાનો પડકાર છે.

એક સૂત્રએ દાવો કર્યો છે કે હાલત એમ છે કે એનસીપી પ્રમુખ શરદ પવાર પણ શિવસેનાની મદદ કરી શકતા નથી અને એટલા માટે તેમણે આને શિવસેનાની આંતરિક બાબત ગણાવી છે.

ટીએમસીના પવન વર્માના કહેવા પ્રમાણે વિપક્ષે સમજવું પડશે કે જો તે સારી રીતે તાલમેલ નહીં બેસાડે તો તે મુશ્કેલીઓમાં ઘેરાયેલો રહેશે.

પવન વર્મા કહે છે, "જ્યાં સુધી જમીની સ્તરની એક રણનીતિ સાથે વિપક્ષી દળો એકત્રિત નહીં થાય, એક કૉમન મિનિમમ કાર્યક્રમ બનાવીને દેશવ્યાપી સ્તરે પોતાની એકજૂથતા પ્રદર્શિત નહીં કરે, ત્યાં સુધી તેઓ જનતાના અસંતોષને ચેનલાઇઝ નહીં કરી શકે. પાર્ટીઓ એકત્રિત થાય છે અને પછી એકબીજાની સામે ચૂંટણી લડે છે અને તેનાં ઉદાહરણો તો તમારી પાસે ડઝન છે. આ સ્થિતિમાં ફાયદો ભાજપને થાય છે."

તેઓ કહે છે કે જો વિપક્ષને આ વાત સમજમાં નથી આવતી તો 2024ની આગામી ચૂંટણી ભાજપના પક્ષમાં જશે.

અખબાર સાકાલના મૃણાલિની નાનિવાદેકરનું માનીએ તો જો ઉદ્ધવ ઠાકરે શિવસેનાની સામે આ પડકાર ઝીલવામાં સફળ થાય છે તો પાર્ટી ભવિષ્યમાં એક વખત ફરીથી મજબૂત સ્થિતિમાં આવી શકે છે.

પરંતુ હાલ તો શિવસેના પોતાના ભવિષ્યની લડાઈ લડી રહી છે, દેશના વિપક્ષની નજર તેની પર છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ