મેં બ્રિજભૂષણ શરણસિંહની ફરિયાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કરી હતી – વીનેશ ફોગાટ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા
દિલ્હીના જંતરમંતર પર ઑલિમ્પિક્સ પદક વિજેતા સાક્ષી મલિક, બજરંગ પૂનિયા અને કૉમનવેલ્થ મેડલ જીતી ચૂકેલાં વિનેશ ફોગટની આગેવાનીમાં કેટલીક ચૅમ્પિયન પહેલવાનો કુસ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ સામે જ્યાં મોરચો માંડ્યો છે ત્યાં બુધવારની રાતે પોલીસ અને પ્રદર્શનકારી પહેલવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન કેટલાક પહેલવાનોને ઈજા પણ પહોંચી હતી. એક વીડિયોમાં ઑલિમ્પિક વિજેતા પહેલવાન સાક્ષી મલિક રડતાં જોવાં મળ્યાં હતાં.
રાત્રે લગભગ 10.30 વાગ્યે થયેલી ઘટનાની જાણકારી આપતાં સાક્ષી મલિકે આક્ષેપ કર્યો કે, "બે લોકોનાં માથા ફોડી નાખ્યાં. "તેમણે દેશની જનતાને અપીલ કરી છે, "તમે અમારા સમર્થનમાં આવો , બહેન-બેટીઓનું સન્માન બચાવો."
આ પહેલાં કુસ્તીબાજ વીનેશ ફોગાટે બીબીસી સાથેની વાતચીતમાં દાવો કર્યો કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ સંબંધી ફરિયાદોનો ઉલ્લેખ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ 2021ની ટોક્યો ઑલિમ્પિક્સ પછી કર્યો હતો. અલબત્ત, એ વાતચીતમાં કથિત જાતીય શોષણની વાત કરી નહોતી, એવું પણ વીનેશે જણાવ્યું હતું.
વીનેશે એવો દાવો પણ કર્યો હતો કે વડા પ્રધાન બાદ તેમણે રમતગમતમંત્રી અનુરાગ ઠાકુરને “વિગતવાર વાત કરી હતી,” પરંતુ એ વાત બ્રજભૂષણ શરણસિંહ સુધી પહોંચી ગઈ હતી.
આ બાબતે અનુરાગ ઠાકુરનો પ્રતિભાવ મેળવી શકાયો નથી.
જોકે, તેમણે તાજેતરમાં જ જણાવ્યું હતું કે સરકાર માટે રમતગમત તથા ખેલાડીઓ અગ્રક્રમે છે અને તેમાં કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.
વિરોધપ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોની મુલાકાત અનુરાગ ઠાકુર લઈ ચૂક્યા છે, પરંતુ કુસ્તીબાજોનું વિરોધપ્રદર્શન હજુ ચાલુ છે.
બીબીસી સાથેની વાતચીતમાં વીનેશે તેમના જીવને જોખમ હોવાનો ભય પણ વ્યક્ત કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઓવરસાઇટ કમિટીના સભ્યોનો સંપર્ક કરવાનું મુશ્કેલ બની ગયું છે. તેમણે સવાલ કર્યો હતો કે મેરી કોમને એ સમિતિનાં પ્રમુખ બનાવતાં પહેલાં, તેઓ ઉપલબ્ધ છે કે કેમ એ શા માટે પૂછવામાં આવ્યું ન હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનો સમય નજીક આવી રહ્યો છે અને ખેલાડીઓ રસ્તા પર છે. તેમ છતાં “કોઈને કશી દરકાર છે કે નહીં એ ખબર પડતી નથી,” એમ જણાવતાં વીનેશ ફોગાટે એવો સવાલ પણ કર્યો હતો કે “કોઈ માણસ આટલો શક્તિશાળી કેવી રીતે હોઈ શકે?”
એક તરફ કુસ્તીબાજો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ કુસ્તીબાજો સામે સવાલ કરવામાં આવી રહ્યો છે કે આવા ગંભીર આરોપો બાબતે તેમણે અગાઉ પોલીસ ફરિયાદ કેમ નોંધાવી ન હતી?
એ ઉપરાંત કુસ્તીબાજોની બ્રિજભૂષણ શરણસિંહ સિંહ સાથેની તસવીરો પણ મીડિયામાં પ્રકાશિત કરવામાં આવી છે અને એમના ઇરાદા બાબતે સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
દિલ્હીના જંતરમંતર ખાતે વિરોધપ્રદર્શન કરી રહેલાં વીનેશ ફોગાટ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને અન્ય કુસ્તીબાજો, પ્રશિક્ષકો વગેરેએ બ્રિજભૂષણ શરણસિંહ સિંહ પર જાતીય સતામણીનો આક્ષેપ કર્યો છે. અલબત્ત, બ્રિજભૂષણ શરણસિંહ સિંહ તમામ આરોપોને નકારતા રહ્યા છે.

‘મેં વડા પ્રધાનશ્રીને કેટલીક વાતો જણાવી હતી’
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરી પછી દિલ્હી પોલીસે આ બાબતે બે એફઆઇઆર નોંધી છે, પરંતુ કુસ્તીબાજોનું વિરોધપ્રદર્શન ચાલુ છે. તેઓ બ્રિજભૂષણ શરણસિંહની ધરપકડની માગણી કરી રહ્યા છે.
બીબીસી સંવાદદાતા અનંત ઝણાણે સાથેની વાતચીતમાં બ્રિજભૂષણ શરણસિંહ સિંહે જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે તેમનો અત્યાર સુધી સંપર્ક કર્યો નથી અને તેઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના સરકારના અનેક મોટા મંત્રીઓએ આ બાબતે અત્યાર સુધી કશું કહ્યું નથી.
વીનેશ ફોગાટે કહ્યું હતું કે, “ટોક્યો ઑલિમ્પિક્સ બાદ હું વડા પ્રધાનને મળી ત્યારે મેં તેમને કેટલીક વાતો જણાવી હતી કે સર, તેઓ આવી રીતે દુખી કરી રહ્યા છે, હેરાન કરી રહ્યા છે. મેં સેક્સુઅલ હેરેસમેન્ટ બાબતે તેમને મોકળાશથી બધું જણાવ્યું ન હતું, પરંતુ અન્ય જે રીતે ત્રાસ આપી રહ્યા છે, માનસિક ત્રાસ આપી રહ્યા છે તે જણાવ્યું હતું.”
વીનેશના જણાવ્યા મુજબ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું હતું કે, “તમે ચિંતા કરશો નહીં. અમે બેઠા છીએ. તમને દુઃખી નહીં થવા દઈએ. અમે બેઠા છીએ.”
વીનેશે દાવો કર્યો હતો કે એ પછી તેઓ રમતગમતમંત્રીને મળ્યાં હતાં અને તેમને બધી વાતો કહી હતી, પરંતુ એ પછી એ વાતો મંત્રાલયની બહાર આવી ગઈ હતી અને તેમના વિશ્વાસને આંચકો લાગ્યો હતો.

મુખ્ય મુદ્દા
- દેશ માટે ચંદ્રકો જીતી લાવેલા કુસ્તીબાજો દિલ્હીના જંતરમંતર ખાતે ધરણાં કરી રહ્યા છે.
- આ ધરણાં વીનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિકના નેતૃત્વ હેઠળ ચાલી રહ્યાં છે.
- ભાજપના સાંસદ અને ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ પર જાતીય સતામણીનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
- સુપ્રીમ કોર્ટના આદેશને પગલે દિલ્હી પોલીસે બ્રિજભૂષણ શરણસિંહ સામે એફઆઇઆર નોંધી છે.
- કુસ્તીબાજોનું કહેવું છે કે બ્રિજભૂષણ શરણસિંહ સામે ફરિયાદ કર્યાના ત્રણ મહિના પછી પણ તેમને ન્યાય મળ્યો નથી. તેથી તેમણે ફરી વાર આંદોલન શરૂ કરવું પડ્યું છે.

જીવ પર જોખમ

વીનેશ ફોગાટે કહ્યું હતું કે, “બ્રિજભૂષણ શરણસિંહ સિંહ બહાર છે ત્યારે અમે કુસ્તીબાજી કેવી રીતે કરી શકીએ? અમે અવાજ ઉઠાવ્યો છે ને? અમારા પરિવારજનો ચિંતિત છે. બ્રિજભૂષણ શરણસિંહ સિંહ સામે કાયદાની જે કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે તે મુજબ તેમની ધરપકડ તો થવી જોઈએ ને? તેમની જગ્યાએ કોઈ સામાન્ય માણસ હોત તો તેની ધરપકડ થઈ હોત કે નહીં?”
જંતરમંતર પર સલામતીની જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે. કુસ્તીબાજો વિરોધપ્રદર્શન કરી રહ્યા છે તે સ્થળની ચારે બાજુ બૅરીકેડ્ઝ લગાવવામાં આવી છે અને અંદર જતા લોકોને પૂછપરછ કરવામાં આવે છે તથા તેમની બૅગની તપાસ પણ કરવામાં આવે છે.
માર્ગ પરના પ્રદર્શનસ્થળે ગાદલાં પાથરવામા આવ્યાં છે. તેના પર લોકો બેસે છે. જાણે-અજાણે બૂટ-ચંપલ પહેરીને ગાદલાં પર પણ ઘણા લોકો ચડી જાય છે.
શમિયાણાના એક ખૂણે વીનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા આરામ કરતાં, વાતચીત કરતાં કે ફોન પર વ્યસ્ત જોવા મળે છે.

તેઓ છેલ્લા ઘણા દિવસથી ગરમી તથા વરસાદ ઉપરાંત મચ્છરોનો સામનો કરી રહ્યાં છે. વિરોધપ્રદર્શનના સ્થળે વીજળીની વ્યવસ્થા ન હોવાથી અનેક લોકો નારાજ જોવા મળ્યા હતા. આજુબાજુના કેટલાક ઓરડામાં શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.
એક તરફ વિરોધપ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ બ્રિજભૂષણ શરણસિંહ રાજીનામું આપવા તૈયાર નથી.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “મેં કોઈની સાથે અન્યાય, ગેરવર્તન કે છેડછાડ કરી નથી. મેં તેમની સાથે મારા પરિવારનાં બાળકો જેવો વ્યવહાર કર્યો છે. તેમને બહુ પ્રેમ, આદર આપ્યો છે. એ પ્રેમ, આદર કમનસીબે અમારા ગળાની ફાંસ બની રહ્યો છે.”

પોક્સો કાયદા હેઠળ ફરિયાદ કરવામાં આવી હોવા છતાં તમારી ધરપકડ કેમ કરવામાં આવી નથી, એવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે તેનો જવાબ દિલ્હી પોલીસ આપી શકે.
બ્રિજભૂષણ શરણસિંહે દાવો કર્યો હતો કે આ પ્રકરણ સાથે મારા પક્ષ ભાજપને કોઈ લેવાદેવા નથી અને તેનો કોઈ પ્રભાવ તેમની ઇમેજ પર પડશે નહીં.
બ્રિજભૂષણ શરણસિંહે સવાલ કર્યો હતો કે, “કુસ્તીબાજોએ આટલા સમય સુધી આક્ષેપ શા માટે કર્યા ન હતા? તેઓ તપાસના તારણની રાહ શા માટે જોતા નથી? ક્યા મુદ્દે ધરણા કરી રહ્યા છે? તેમને દિલ્હી પોલીસ પર વિશ્વાસ નથી? હું રાજીનામું આપી દઈશ એટલે દિલ્હી પોલીસની તપાસ બંધ થઈ જશે? આપણે અદાલતથી મોટા છીએ? હું અપરાધી બનીને રાજીનામું આપવાનો નથી.”

વિરોધપ્રદર્શનમાં આવતા લોકો

કુસ્તીબાજોનું વિરોધપ્રદર્શન નિહાળવા સમાજના અનેક વર્ગના લોકો આવી રહ્યા છે.
તુગલકાબાદનાં રહેવાસી સાનિયા કબડ્ડીનાં ખેલાડી છે અને તેઓ તેમના ભાઈ યાસિર સાથે ધરણાસ્થળે આવ્યાં હતાં. 17 વર્ષનાં સાનિયા ત્રણ વર્ષથી કબડ્ડી રમતાં શીખી રહ્યાં છે.
તેમણે કહ્યું હતું કે, “શરૂઆતમાં આ શોખ હતો. પછી નક્કી કર્યું કે કબડ્ડી જ રમવી છે. હવે કબડ્ડીની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવાની તમન્ના છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “આજે કુસ્તીબાજો સાથે થયું તે આવતીકાલે અમારી સાથે પણ થઈ શકે છે. તેથી છોકરીઓ ભીંસમા રહે છે. હું ઇચ્છું છું કે બધી છોકરીઓ અહીં આવે અને કુસ્તીબાજોના ટેકામાં ધરણાં કરે. આજે હું એકલી આવી છું. આવતીકાલે મારી આખી ટીમને લઈને આવીશ.”
રાહુલ ભીલવાડા તેમની છ વર્ષની દીકરી સાથે દિલ્હીના કરોલબાગ વિસ્તારમાંથી અહીં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “આ તો ખેલાડીઓ છે. તેઓ અવાજ ઉઠાવી શકશે. જે છોકરીઓ અવાજ ઉઠાવી શકતી નથી તેમનું શું કરીશું? આપણી દીકરીઓ સલામત રહેવી જોઈએ.”
ઇમરાન કલેર કુસ્તીબાજ બજરંગ પુનિયાને 15-20 વર્ષથી ઓળખે છે. તેમણે કહ્યું હતું કે, “અમે એમને ભગવાન માનીએ છીએ. રાજ્યસ્તરે મેડલ જીતે તેને બહુ મોટા પહેલવાન ગણીએ છીએ. આ તો ઑલિમ્પિક પહેલવાન છે. તેમના પગ ધોઈને એ પાણી પી શકીએ તો એ પણ બહુ મોટી વાત છે. હું સરકારને વિનંતી કરું છું કે તે આ બાળકોની વાત સાંભળે. આ બહુ મોટા સેલેબ્રિટી છે. તેમની સામે સલમાન ખાન, શાહરુખ ખાન કશું જ નથી. એવા કોઈ સેલેબ્રિટીના સંતાને મેડલ જીત્યો છે?”
આ બધાની વચ્ચે પહેલવાનોનું વિરોધપ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે વીનેશ ફોગાટે જણાવ્યું હતું કે તેઓ લાચારીનો અનુભવ કરી રહ્યાં છે. રમતગમત પર રાજકારણ સવાર થઈ ગયું હોય એવું લાગે છે.














