પી.ટી. ઉષા : ઍથ્લીટથી ભારતીય ઑલિમ્પિક સંઘનાં પ્રમુખ બનવા સુધીની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જાન્હવી મૂળે
- પદ, બીબીસી સંવાદદાતા
રવિવારે ભારતનાં ખ્યાતનામ મહિલા ઍથ્લીટ પી. ટી. ઉષા ઇન્ડિયન ઑલિમ્પિક ઍસોસિયેશનનાં પ્રમુખ ચૂંટાઈ આવ્યાં હતાં.
જે બાદ કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજિજુએ તેમને અભિનંદન પાઠવતું ટ્વીટ કર્યું છે.
તેમણે લખ્યું હતું કે, "ગોલ્ડન ગર્લ શ્રીમતી પી. ટી. ઉષાને ઇન્ડિયન ઑલિમ્પિક ઍસોસિયેશનનાં (IOA) પ્રમુખ ચૂંટાવા બદલ અભિનંદન. તેમજ IOAના ઑફિસ બેરર બનનાર તમામ રમતવીરોને અભિનંદન. રાષ્ટ્રને તેમના પર ગૌરવ છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ પહેલાં પી.ટી. ઉષાને રાજ્યસભામાં નૉમિનેટ કરાયાં હતાં.
તેમની સાથે સંગીતકાર ઇલૈયા રાજા, વીરેન્દ્ર હેગડે અને વી. વિજયેન્દ્ર પ્રસાદને પણ રાજ્યસભા માટે નૉમિનેટ કરવામાં આવ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.
પીટી ઉષાને અભિનંદન આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું હતું, "પીટી ઉષાજી દરેક ભારતીય માટે પ્રેરણારૂપ છે. રમતગમતમાં તેમની સિદ્ધિઓ વ્યાપકપણે જાણીતી છે. વર્ષોથી નવા ખેલાડીઓને માર્ગદર્શન આપવા માટેનું તેમનું કાર્ય પણ એટલું જ પ્રશંસનીય છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

વાંચો પી.ટી. ઉષાની કહાણી

વિજેતાને બધું જ મળે છે. કોણ હાર્યું એ કોઈ યાદ રાખતું નથી. સામાન્ય રીતે આવું, સ્પૉર્ટ્સમાં અવ્વલ રહેવાની અપેક્ષા ધરાવતા લોકો સાથે થતું હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, પી. ટી. ઉષાએ આ માન્યતાને તોડી નાખવા ઉપરાંત ભારતમાં મહિલા હોવાની વાતને ગૌરવાન્વિત કરી છે.
1984ની ઑલિમ્પિકમાં ચોથા ક્રમે રહેવા છતાં પી. ટી. ઉષાનું નામ આજે દેશમાં ઍથ્લેટિક્સનું સમાનાર્થી બની ગયું છે.
ભારતનાં મહાનતમ ઍથ્લેટ્સ પૈકીનાં એક ઉષાએ અનેક પેઢીઓને પ્રેરણા આપી. છે એટલું જ નહીં, તેઓ યુવા ઍથ્લેટ્સની કારકિર્દી ઘડવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.
ઑલિમ્પિક્સમાં જેમણે વિઘ્નદોડમાં ભાગ લીધો હતો અને તેમણે જીવનમાં અનેક વિઘ્નોનો સામનો કર્યો હતો.
શરૂઆતના દિવસો યાદ કરતાં પી. ટી. ઉષા કહે છે, "1980ના દાયકામાં પરિસ્થિતિ ખરેખર અલગ હતી. હું રમતગમતમાં ભાગ લેતી હતી ત્યારે મેં ઑલિમ્પિક્સમાં ભાગ લેવાનું ક્યારેય વિચાર્યું ન હતું."

પાય્યોલીમાં પ્રારંભ

ઇમેજ સ્રોત, P.T.Usha
પિલવુલ્લાકંદી થેક્કેપરામ્બિલ ઉષા કેરળના તટીય શહેર કોઝીકોડમાંના તેમના પૈતૃક ગામ પાય્યોલીમાં મોટા થયાં હતાં. બાદમાં તેમને 'પાય્યોલી એક્સપ્રેસ' ઉપનામ આ કારણે મળ્યું હતું.
ઉષા ચોથા ધોરણમાં હતાં ત્યારથી તેમણે દોડવાનું શરૂ કર્યું હતું, શાળાના શારીરિક શિક્ષણના ટીચરે ઉષાને, ડિસ્ટ્રિક્ટ ચૅમ્પિયન છોકરા સાથે સ્પર્ધા કરાવી હતી.
એ છોકરો અને ઉષા એક જ સ્કૂલમાં ભણતાં હતાં. એ સ્પર્ધા ઉષા જીતી ગયાં હતાં. એ પછીનાં કેટલાંક વર્ષો સુધી તેઓ જિલ્લાસ્તરની દોડ સ્પર્ધા તેમની સ્કૂલ માટે જીતતા રહ્યાં હતાં.
ઉષા 13 વર્ષનાં થયાં અને કેરળ સરકારે છોકરીઓ માટે શરૂ કરેલા સ્પૉર્ટ્સ ડિવિઝનમાં જોડાયાં ત્યારે તેમની ખરી કારકિર્દી શરૂ થઈ હતી.
ઉષા કહે છે, "મારા એક કાકા સ્કૂલમાં શિક્ષક હતા. તેથી સ્પૉર્ટ્સમાં ભાગ લેવાની પરવાનગી માતા-પિતા પાસેથી મેળવવાનું મારા માટે થોડું આસાન બની ગયું હતું."
ઉષાના પરિવારે તેમને ટેકો આપ્યો એટલું જ નહીં, પણ ટ્રેનિંગ માટે પણ પ્રોત્સાહન આપ્યું હતું.
ઉષા કહે છે, "મારા પિતા મેદાન પર આવતા હતા. હું વહેલી સવારે દોડવા જતી અને મેદાનમાં સંખ્યાબંધ કૂતરાંઓ હતાં તેથી મારા પિતા કૂતરાંઓને ભગાડવા માટે લાકડી લઈને બેસતા હતા."
ઉષા ક્યારેક રેલવે ટ્રૅકની બાજુમાંની પગદંડી પર દોડતાં હતાં અને પસાર થતી ટ્રેનો સાથે હરીફાઈ કરતાં હતાં. ઉષાને સમુદ્રકિનારે તાલીમ લેવાનું પણ પસંદ હતું.
ઉષા કહે છે, "સમુદ્રકિનારે તાલીમ લેવામાં મને મજા આવતી હતી. વૈવિધ્યસભર ટ્રેનિંગ થતી હતી. તેનો કોઈ અંત જ નહીં. તમે નીચે પણ જઈ શકો અને ઉપર પણ ચડી શકો."
શરૂઆતમાં લોકો કેવા ઉત્સુક હતા તેની વાત કરતાં ઉષા કહે છે, "1978-79ની વાત છે. હું શૉર્ટ્સ પહેરીને દોડતી હતી. તેથી ઘણા લોકો મને દોડતી જોવા માટે દરિયાકિનારે આવતા હતા."
આખરે એ લોકો પણ ઉષાને મદદ કરતા અને પ્રોત્સાહન આપતા થયા હતા.
ઉષા જણાવે છે, "મને તરતાં આવડતું ન હતું, હું પાણીમાં જતાં ગભરાતી હતી. મને જોવા માટે દરિયાકિનારે આવતા નજીકમાં રહેતા લોકો અને બાળકો સ્વિમિંગ જાણતાં હતાં અને તેઓ મારું રક્ષણ કરતાં હતાં."

કોચે આપ્યો ઉષાનાં જીવનને આકાર

ઇમેજ સ્રોત, P.T.USHA
ઉષા રાજ્ય સરકારના કાર્યક્રમનો હિસ્સો હોવા છતાં તેમને ઓછામાં ઓછી સુવિધા મળતી હતી. તેની વાત કરતાં ઉષા કહે છે, "ઍથ્લેટ્સ સહિત કુલ 40 ખેલાડીઓ હતા. અમારી વચ્ચે કુલ બે બાથરૂમ હતા."
"પ્રતિકૂળતા હોવા છતાં અમારે કઠોર જીવનશૈલીને વળગી રહેવું પડતું હતું. મારા પિતા સવારે પાંચ વાગ્યાથી તાલીમ શરૂ કરાવતા અને સાથે અમારે શાળાનો અભ્યાસ પણ નિયમિત રીતે કરવો પડતો હતો."
સ્પૉર્ટ્સ ડિવિઝનની એ સ્કૂલમાં ઉષાની મુલાકાત તેમના દંતકથારૂપ પ્રશિક્ષક ઓમ નામ્બિયાર સાથે થઈ હતી. એ મુલાકાત ઊષાની કારકિર્દીમાં મોટો ટર્નિંગ પૉઇન્ટ પુરવાર થઈ હતી."
"નામ્બિયારને ઉષામાં સ્પાર્ક દેખાયો હતો. તેમણે ઉષાના પ્રોત્સાહિત કર્યાં હતાં અને જુસ્સાદાર ઍથ્લેટ બનાવ્યાં.
ઉષા કહે છે, "નામ્બિયાર સર બધા ઍથ્લેટને એક સર્કલના આકારમાં ઊભા રાખતા હતા અને એક્સરસાઇઝ કરાવતા હતા. જે સારી રીતે કસરત કરે તેને તેઓ ઈનામ પણ આપતા હતા."
ઉષા હંમેશાં સારો દેખાવ કરવા જ ઇચ્છતાં હતાં.
જિલ્લાથી રાજ્યકક્ષાએ અને ત્યાંથી રાષ્ટ્રીયકક્ષાએ એમ ઉષા વધુને વધુ સારી રીતે પર્ફૉર્મ કરતા રહ્યાં હતાં.
1980માં માત્ર 16 વર્ષની વયે ઉષાએ મોસ્કોમાં યોજાયેલી સમર ઑલિમ્પિકમાં સૌપ્રથમ વાર ભાગ લીધો હતો.
તેનાં ચાર વર્ષ પછી ઉષા ઑલિમ્પિક્સની ફાઇનલમાં પહોંચેલાં પહેલા ભારતીય મહિલા ઍથ્લેટ બન્યાં હતાં. માત્ર સેકંડના 100માં ભાગનાં ફરકને કારણે તેઓ ઑલિમ્પિક મેડલ જીતવાથી વંચિત રહી ગયાં હતાં.

જ્યારે સર્વશ્રેષ્ઠ હોવું અપૂરતું હતું

ઇમેજ સ્રોત, P.T.USHA
1984ની લોસ ઍન્જલસ ઑલિમ્પિક્સની 400 મીટર હર્ડલ રેસની ફાઇનલનું ફૂટેજ આજે નિહાળતી વખતે પણ ભારતીય રમતપ્રેમીઓના રૂંવાડાં ઊભાં થઈ જાય છે અને તેમનું દિલ તૂટી જાય છે.
ફૂટેજની શરૂઆતમાં એક લાંબી, પાતળી ભારતીય છોકરી સ્ટાર્ટ લાઇન પર સ્ટાન્સ લેતી જોવા મળે છે. કૉમેન્ટેટર્સ એ છોકરી વિશે વાત કરી રહ્યા છે.
"એ છોકરી લોસ ઍન્જલસ આવી તે પહેલાં એના વિશે કશું સાંભળ્યું નથી. 20 વર્ષની વયની, એશિયન કૉન્ટિનેન્ટલ રેકર્ડધારક, પણ ઑલિમ્પિક્સ પૂર્વે કોઈ પબ્લિસિટી નહીં. અહીં એ છોકરી પાસે કદાચ સુવર્ણચંદ્રક જીતવાની તક છે."
ઉષાએ ક્વૉલિફાઈંગ રાઉન્ડ અને સેમિફાઈનલ્સમાં કરેલા દેખાવથી તેમનાં પર અપેક્ષા વધી ગઈ હતી.
ઉષાને એવું લાગે છે કે તેમણે સારી શરૂઆત કરી છે, પણ ગણતરીની સેકંડોમાં એ રેસ રદ્દ કરવામાં આવી હતી, કારણ કે ઑસ્ટ્રેલિયાનાં ડેબ્બી ફ્લિનટોફ માત્ર એક પગલાં પછી જ પડી ગયાં હતાં.
એ પછી શું થયું તેની વાત કરતાં ઉષા કહે છે, "હું ગભરાઈ ગઈ હતી. મારી એકાગ્રતા ચાલી ગઈ હતી. હું ભયભીત હતી અને મારા હાથ ધ્રૂજતા હતા. પછી ફાઇનલ શરૂ થઈ. હું સેમિફાઈનલ્સમાં દોડી તેના કરતાં પણ ધીમે દોડી હતી."
અસ્થિર શરૂઆત છતાં ઉષા ટોચના ત્રણ દાવેદારો પૈકીનાં એક લાગતાં હતાં, પરંતુ આખરે તેઓ પળવારના ફરકથી હારી ગયાં હતાં.
ઉષા કહે છે, "મારો પગ આગળ ગયો હતો, પણ હું મારી છાતીને આગળ ધકેલી શકી નહીં. મેં મારી છાતીને આગળ ધકેલી હોત તો મેડલ જીતી ગઈ હોત." ઉષા ચોથા ક્રમે રહ્યાં હતાં.
ઉષા કહે છે, "મને બહુ ખરાબ લાગતું હતું. મારી આંખોમાંથી આંસુ વહેવાં લાગ્યાં હતાં. નામ્બિયાર સર પણ રડતા હતા."
જાણે કે 75 કરોડ ભારતીયનો આખો દેશ હારી ગયો હોય એવું લાગતું હતું.
ચોથા ક્રમે રહ્યાં હોવા છતાં ઉષા એ દેશ માટે હીરો બની ગયાં હતાં, જ્યાં ઑલિમ્પિક મેડલ્સ આજે પણ વિરલ બાબત છે.

નુકસાનની ભરપાઈ

એ પછીનાં કેટલાક વર્ષો સુધી ઉષા સારો દેખાવ કરી શક્યાં ન હતાં. લોકો તેમની ટીકા કરવા લાગ્યા હતા, પણ ઉષાને ખાતરી હતી કે તેમને નુકસાનીની ભરપાઈ કરવાની તક જરૂર મળશે.
એ તક, દક્ષિણ કોરિયાના સોલમાં 1986માં યોજાયેલી એશિયન ગેમ્સમાં સુવર્ણભંડાર સ્વરૂપે આવી હતી. ઉષાએ ચાર ગોલ્ડમેડલ જીત્યાં હતાં.
400 મીટર વિધ્ન દોડ, 400 મીટર દોડ, 200 મીટર અને 4 બાય 4000 મીટર રીલે દોડ એમ ચારેય સ્પર્ધામાં ઉષા એક-એક ગોલ્ડ જીત્યાં હતાં. 100 મીટર દોડમાં તેઓ બીજા ક્રમે રહ્યાં હતાં.
ઉષા કહે છે, "ભારત એ સમયે કુલ પાંચ ગોલ્ડમેડલ જીત્યું હતું અને એ પૈકીના ચાર હું જીતી હતી. મારા માટે અને તમામ ભારતવાસીઓ માટે ગૌરવની વાત હતી કે મારા દેશ માટે મેં મારાથી બનતું કર્યું હતું. વિક્ટરી સેરેમિની માટે જતી ત્યારે જનગણમન ગીત વગાડવામાં આવતું હતું. એ મારા માટે સર્વૌચ્ચ આનંદની ક્ષણ હતી."
1983માં ઉષાને અર્જુન ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો અને 1985માં તેમને દેશનો ચોથા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી આપવામાં આવ્યો હતો.

લગ્ન, માતૃત્વ અને કમબૅક

ઇમેજ સ્રોત, P.T.Usha
પાય્યોલીમાં ઉષા નાળિયેરીનાં વૃક્ષોથી ઘેરાયેલાં રંગબેરંગી મકાનમાં રહે છે.
ઘરમાં પ્રવેશતાંની સાથે જ, દેશનાં દક્ષિણ-પૂર્વ તટીય ગામોમાંના ઘરમાં પ્રવેશતાં થાય એવી પરમ શાંતિનો અનુભવ થાય છે.
પી. ટી. ઉષાના નામની ગલીમાંથી તેમના ઘરે જવાય છે. એ ઉષાનું ઘર માત્ર નથી.
એ ઉષાની સિદ્ધિઓ અને સ્મૃતિનું સંગ્રહાલય છે. કલાપૂર્ણ સાદગી તેમના વિનમ્ર અને કૃતજ્ઞ સંસ્કારની સાક્ષી આપે છે.
ઉષાના પતિ વી. શ્રીનિવાસન અમને ઘર દેખાડે છે. મેઇન હૉલમાં એક બાજુ પર ઉષાએ જીતેલી તમામ ટ્રૉફીઓ અને મેડલો રાખવામાં આવ્યાં છે.

બીજી તરફની સીડી પાસે સંખ્યાબંધ જૂના ફોટોગ્રાફ લગાવેલા છે. તેમાં ઉષા વડા પ્રધાનો સાથે, નોબલ પુરસ્કાર વિજેતાઓ અને અન્ય ઍથ્લેટ્સ સાથે જોવાં મળે છે.
તેની બાજુની દીવાલ પર તેમને ઑલિમ્પિક્સમાં ચોથું સ્થાન મળ્યાની સાહેદી આપતો પુરસ્કાર છે, અર્જુન ઍવૉર્ડ અને પદ્મશ્રી છે.
પ્રવેશદ્વારની બરાબર ઉપર ઉષાનો નામ્બિયાર સર સાથેનો ફોટો જોવા મળે છે.
શ્રીનિવાસન કહે છે, "તમે ઘરમાં પ્રવેશીને ઉષાની બધી સિદ્ધિઓને જોઈ શકો, પણ તમે જ્યારે રવાના થાઓ ત્યારે તમને ખબર પડવી જોઈએ કે બધી સિદ્ધિ આ માણસને આભારી છે."
નામ્બિયાર સરે ઉષાની કારકિર્દી ઘડવામાં જેટલું યોગદાન આપ્યું, એટલો જ પ્રભાવ ઊષાના જીવન પર શ્રીનિવાસનનો રહ્યો છે.
1991માં લગ્ન કર્યાં પછી ઉષાએ ઍથ્લેટિક્સમાંથી બ્રેક લીધો હતો અને એક પુત્રને જન્મ આપ્યો હતો.
ઉષા કહે છે, "મારા પતિને સ્પૉર્ટ્સમાં રસ છે. તેઓ પોતે સ્પૉર્ટ્સમૅન હતા. અગાઉ કબ્બડી રમતા હતા. હું જે કંઈ કરું તેમાં પ્રોત્સાહન આપતા હતા. હું સારો દેખાવ કરું એવું તેઓ ઇચ્છતા રહ્યા છે. એમના કારણે જ હું કમબૅક કરી શકી."
ઉષાએ ટ્રૅક પર કમબૅક કર્યું અને 1997માં ટ્રૅક ઍન્ડ ફિલ્ડમાંથી નિવૃત્ત થયાં ત્યાં સુધીમાં તેઓ ભારત માટે 103 ઇન્ટરનેશનલ મેડલો જીતી ચૂક્યાં હતાં.
ઑલિમ્પિક મેડલ જીતવા ઝંખતા યુવા ઍથ્લેટ્સને તાલીમ આપવા માટે ઉષાએ હવે એકૅડમી શરૂ કરી છે.

ઑલિમ્પિકનું અધૂરું સપનું

ઇમેજ સ્રોત, Getty Images
કોઝીકોડના પર્વતીય વિસ્તાર કિલાનુરમાંની ઉષા સ્કૂલ ઓફ ઍથ્લેટિક્સ યુવા ઍથ્લેટ્સના આધુનિક તાલીમ કેન્દ્ર તરીકે ઊભરી રહી છે.
આવી સ્કૂલ શરૂ કરીને સ્પૉર્ટમાં કંઈક યોગદાન આપવાનું ઉષાનું સપનું હતું.
ઉષા કહે છે, "લોસ ઍન્જલસ ઑલિમ્પિક્સ પછી હું ટ્રેનિંગ માટે દર વર્ષે ત્રણ મહિના લંડન જતી હતી. મેં ત્યાં જે સુવિધાઓ જોઈને તેના જેવી સ્કૂલ ભારતમાં શરૂ કરવાનો વિચાર મને આવ્યો હતો."
"એ રીતે અમે ઉષા સ્કૂલ ઑફ ઍથ્લેટિક્સની શરૂઆત કરી હતી. "
ઉષા તેમના પતિ શ્રીનિવાસન સાથે મળીને કુદરતના સાંનિધ્યમાં તાલીમ લેતા દરેક ઍથ્લેટ પર ઝીણી નજર રાખે છે અને તેમને માર્ગદર્શન આપે છે.
બધા ઍથ્લેટ્સને સિન્થેટિક ટ્રૅકની સાથે અનેક કિલોમીટર દૂર આવેલા સમુદ્રકિનારે પણ તાલીમ આપવામાં આવે છે.
ઉષા કહે છે, "અમારો ઉદ્દેશ ઑલિમ્પિક મેડલ જીતવાનો છે. એ ધ્યાનમાં રાખીને અમે ટ્રેનિંગ કરાવીએ છીએ અને એશિયન ગેમ્સના પર્ફૉર્મન્સથી અમને તેનું પરિણામ મળવું શરૂ થઈ ગયું છે."
"ટિન્ટુ લુકા ઑલિમ્પિક્સમાં 11મા ક્રમે રહ્યા હતા."
દેશની મહિલાઓ માટે સંદેશ આપતાં ઉષા કહે છે, "જો મેં એ 1980માં કર્યું હોય. ઑલિમ્પિક મેડલ જીતવાની નજીક પહોંચી ગઈ હોઉં અને કોઈ સુવિધા વિના 103 ઇન્ટરનેશનલ મેડલો જીતી હોઉં તો તમે પણ કરી શકો. દરેક માણસમાં એવી ક્ષમતા હોય છે. કોઈની સ્પૉર્ટ્સમાં હોય. કોઈની અભ્યાસમાં હોય. બધાએ અનેક વિઘ્નો પાર કરવાં પડે છે."
"મૂળ મંત્ર છે આકરી મહેનત. મહિલાઓ આશ્ચર્ય સર્જી શકે છે. તેમાં કોઈ શંકા નથી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













