વર્ષ 2022માં રમતજગતમાં ડંકો વગાડનારી એ ભારતીય મહિલાઓ

મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, દીપ્તિ પટવર્ધન
    • પદ, સ્પૉર્ટ્સ પત્રકાર, બીબીસી માટે

વિક્રમો તોડવાથી માંડીને અવરોધો તોડવા સુધી, ભારતીય મહિલાઓએ રમતગમત ક્ષેત્રે 2022ના વર્ષમાં તેમની આગેકૂચ ચાલુ રાખી હતી.

વર્ષનો અંત નજીક આવી રહ્યો છે ત્યારે દેશની ટોચની મહિલા ખેલાડીઓ આ સિઝનમાં કરેલા દેખાવ અને મેળવેલી સિદ્ધિઓ પર નજર કરવી જરૂરી બની જાય છે.

ગ્રે લાઇન

નિખત ઝરીન

નિખત

ઇમેજ સ્રોત, Getty Images

દંતકથારૂપ એમસી મેરી કોમ વર્ષોથી ભારતીય બૉક્સિંગ ક્ષેત્રે છવાયેલાં રહ્યાં છે અને તેમની છાયામાં નિખત ઝરીને અથાગ, અવિરત મહેનત કરી હતી.

તેમને ખાતરી હતી કે એ મહેનત એક દિવસ રંગ જરૂર લાવશે. આ બધા પ્રયાસ, દૃઢનિશ્ચયનું સફળ પરિણામ 2022માં જોવા મળ્યું હતું.

તેલંગણાના નિઝામાબાદની આ 26 વર્ષની યુવતીએ આ વર્ષે વર્લ્ડ ચૅમ્પિયનશિપ ખિતાબ કબજે કર્યો હતો.

સંપૂર્ણ વર્ચસ્વનું પ્રદર્શન કરતાં ઝરીને મે – 2022માં બાવન કિલો કૅટેગરીમાં પાંચેય મૅચ જીતીને આઈબીએ વીમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

તેઓ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં વિજેતા બનેલા પાંચમાં ભારતીય મહિલા છે, જ્યારે ભારત બહાર વિજેતા બનેલાં (મેરી કોમ પછીના) બીજા મહિલા છે.

ધાર્મિક ભેદભાવથી વિભાજિત અને મહિલાઓ વિરુદ્ધ પ્રચાર હિંસા થાય છે તેવા દેશમાં ઝરીનનો વિજય બૉક્સિંગરિંગની બહાર પણ મહત્ત્વ ધરાવે છે.

વર્લ્ડ ચૅમ્પિયનશિપની સફળતા બાદ ઝરીને કૉમનવેલ્થ ગેમ્સમાં પણ 50 કિલોગ્રામ કૅટેગરીમાં ગોલ્ડ મેળવ્યો હતો. કૉમનવેલ્થ ગેમ્સમાં પ્રવેશના પહેલા જ વર્ષે આનાથી બહેતર સફળતા હોઈ ન શકે.

ગ્રે લાઇન

મીરાબાઈ ચનુ

મીરાબાઈ ચનુ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ટોક્યો ઑલિમ્પિક 2020માં રજતચંદ્રક સાથે ભારતનું ખાતું ખોલાવનાર મીરાબાઈ ચનુ 2022માં ભારતીય રમતગમત ક્ષેત્રની બે સૌથી યાદગાર ક્ષણોનું સર્જન કર્યું હતું.

4 ફૂટ, 11 ઇંચની ઊંચાઈ ધરાવતાં મીરાબાઈ પહેલાં બર્મિંગહામ કૉમનવેલ્થ ગેમ્સમાં ઝળક્યાં હતાં અને એ પછી તેમણે અસ્થિર કાંડાની તાકાત વડે તેમના શરીરના વજન કરતાં બમણાથી વધુ વજન ઊંચકી દેખાડ્યું હતું.

સદા સ્મિત કરતા મીરાબાઈએ 49 કિલો કૅટેગરીમાં સ્નૅચમાં 88 કિલો વજન ઊંચકીને બર્મિંગહામના દર્શકોને હર્ષોન્મત કરી મૂક્યા હતા અને ક્લીન ઍન્ડ જર્કમાં 113 કિલો વજન ઊંચકીને ગોલ્ડ જીત્યો હતો.

તેમણે, તેમનાં હરીફ કરતાં 29 કિલો વધારે, કુલ 201 કિલો વજન ઊંચક્યું હતું, જે કૉમનવેલ્થ ગેમ્સમાં એક વિક્રમ છે.

વર્લ્ડ ચૅમ્પિયનશિપની અત્યંત સ્પર્ધાત્મક દુનિયામાં દૃઢ નિર્ધાર મીરાબાઈની શક્તિ બન્યો હતો. સપ્ટેમ્બરમાં ટ્રેનિંગ દરમિયાન તેમના કાંડામાં ઈજા થઈ હતી.

કોલમ્બિયાની રાજધાની બોગોટામાં યોજાયેલી સ્પર્ધામાં મીરાબાઈ શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ ન હતાં.

મણિપુરનાં 28 વર્ષની વયનાં મીરાબાઈએ સ્નૅચમાં 87 કિલો વજન ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે બહુ મહેનત કરવી પડી હતી અને તેમનો બીજો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, પણ શરીરની દરેક નસમાંથી ઊર્જા એકત્ર કરીને તેમણે ત્રીજા પ્રયાસમાં સફળતા મેળવી હતી.

તેમણે ક્લિન ઍન્ડ જર્કમાં 113 કિલો વજન ઉઠાવ્યું હતું અને રજતચંદ્રક જીત્યો હતો, જે આ વૈશ્વિક સ્પર્ધામાં તેમનો બીજો મેડલ હતો.

બીબીસી ગુજરાતી

પીવી સિંધુ

પીવી સિંધુ

ઇમેજ સ્રોત, Getty Images

તાજેતરનાં વર્ષોમાં ભારતના સૌથી સાતત્યસભર ઍથ્લીટ્સ પૈકીનાં એક પીવી સિંધુ મોટા મંચ પર ઝળકવાનું ચાલુ રાખ્યું હતું અને કૉમનવેલ્થ ગેમ્સમાં વીમેન્સ સિંગલ્સમાં પોતાના પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ચાર વર્ષ પહેલાં પોતાના હમવતન સાઇના નેહવાલ સામે ફાઇનલમાં પરાજિત થયેલાં સિંધુએ બર્મિંગહામમાં ચૅમ્પિયનશિપની ફાઇનલમાં કૅનેડાનાં મિશેલ લીને 21-15, 21-13થી હરાવ્યાં હતાં.

ડાબા પગની ઘૂંટીમાં થયેલી ઈજાને કારણે સિંધુએ 57 સ્ટ્રોક્સની મહાકાવ્ય જેવી રેલી ગુમાવી હતી. તેને કારણે થોડી વાર માટે પલડું મિશેલ તરફ નમ્યું હતું, પરંતુ આખરે સિંધુનો વિજય થયો હતો.

2014માં ગ્લાસગોમાં બ્રોન્ઝ અને 2018માં ગોલ્ડ કોસ્ટમાં સિલ્વર મેડલ જીત્યા બાદ સિંધુ કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યાં હતાં.

કૉમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવો તે બે વખતના ઑલિમ્પિક મેડલ આ વિજેતા માટે હાઈલાઈટ જીત જેવું ન લાગે, પરંતુ 27 વર્ષના સિંધુએ દબાણ હેઠળ જીત મેળવીને તેમના કૌશલ્યનો ફરી એક વાર પરિચય આપ્યો હતો.

ઈજાને કારણે વિરામ લેવો પડ્યો તે પહેલાં સિંધુએ 2022માં ત્રણ બીજા ટાઈટલ પણ જીત્યાં હતાં. તેમાં જુલાઈની સિંગાપુર ઓપન, માર્ચની યોનેક્સ સ્વિસ ઓપન અને જાન્યુઆરીમાં સૈયદ મોદી ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં વિજય મેળવ્યો હતો.

બીબીસી ગુજરાતી

પ્રિયંકા ગોસ્વામી

પ્રિયંકા

ઇમેજ સ્રોત, Getty Images

ટોક્યો ઑલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીતેલા નીરજ ચોપરાની આગેવાનીમાં ભારતીય ઍથ્લેટિક્સ સફળતાના લહેર પર સવાર હતું ત્યારે પ્રિયંકા ગોસ્વામીએ બહુ ઓછી જાણીતી સ્પર્ધામાં ભારતને મેડલ જીતવામાં મદદ કરી હતી.

તેમણે કૉમનવેલ્થ ગેમ્સમાં 10 કિલોમીટર રેસવોકમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

43:38.83ના વ્યક્તિગત શ્રેષ્ઠ સમયમાં આટલું અંતર કાપીને તેઓ ઑસ્ટ્રેલિયાનાં જેમિમા મોટાંગ પછી બીજા ક્રમે રહ્યાં હતાં.

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનાં રહેવાસી 26 વર્ષનાં પ્રિયંકા એવી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે, જે નવી સીમા લાંઘવાથી ડરતી નથી.

એક બસ કન્ડક્ટરનાં પુત્રી પ્રિયંકાએ તેઓ સ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે જીમ્નેસ્ટિક્સમાં હાથ અજમાવ્યો હતો અને રેસ વૉકિંગમાં આગવું સ્થાન મેળવતા પહેલાં ઍથ્લેટિક્સ ટ્રેક ઇવેન્ટ્સમાં પણ ભાગ લીધો હતો.

પ્રારંભે તેઓ પતિયાલાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પૉર્ટ્સમાં ડે-બૉર્ડર તરીકે રહ્યાં હતાં અને નેશનલ કૅમ્પમાં પહોંચતાં પહેલાં તેમણે શહેરના ગુરુદ્વારાના લંગરમાં મળતું ભોજન જમીને ગુજારો કર્યો હતો.

ટોક્યો ઑલિમ્પિક 2020માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલાં પ્રિયંકાના નામે રેસવોકમાં 10 કિલોમીટર (43:41 મિનિટ્સ)નો અને 20 કિલોમીટર(1:28:45)નો નેશનલ રેકૉર્ડ નોંધાયેલો છે.

બીબીસી ગુજરાતી

અન્નુ રાની

અન્નુ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રિયંકાની માફક અન્નુ રાનીએ પણ કૉમનવેલ્થ ગેમ્સમાં ઇતિહાસ સર્જ્યો હતો. તેઓ ભાલાફેંકમાં ચંદ્રક જીતનારાં સૌપ્રથમ ભારતીય મહિલા બન્યાં હતાં.

બર્મિંગહામમાં ચોથા પ્રયાસમાં ભાલો 60 મીટર દૂર ફેંકીને તેમણે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો.

30 વર્ષનાં અન્નુ રાની માટે તે નવી સિદ્ધિ હતી. ભાલાફેંકના ક્ષેત્રમાં તેમની યાત્રાનો પ્રારંભ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના બહાદુરપુર ગામમાં શેરડીના ખેતરમાં થયો હતો.

પરિવાર બે છેડા ભેગા કરવા સંઘર્ષ કરતો હોવાથી અન્નુ રાનીએ વાંસડા અને શેરડીના સાંઠા વડે કામ ચલાવવું પડ્યું હતું.

જોકે, તેઓ છેલ્લા ઘણા સમયથી ભાલાફેંકમાં દેશનાં અગ્રણી મહિલા ખેલાડી છે. તેમણે ટોક્યો ઑલિમ્પિક 2020માં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

બીબીસી ગુજરાતી

સવિતા પુનિયા

સવિતા

ઇમેજ સ્રોત, Getty Images

સવિતા પુનિયા ભારતની મહિલા હોકી ટીમનું તાવીજ છે. ગયા વર્ષે ટોક્યો ઑલિમ્પિક 2020માં સફળતા મેળવ્યાં બાદ તેઓ સતત આગળ વધતાં રહ્યાં છે.

આ અવ્વલ ગોલકીપરે 2022ના વર્લ્ડકપ પહેલાં રાની રામપાલ પાસેથી કૅપ્ટનપદ સંભાળ્યું હતું અને ભારતીય ટીમને કૉમનવેલ્થ ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ, એફઆઈએચ પ્રો લીગમાં પોડિયમ ફિનિશ અને નેશનલ કપમાં વિજેતા બનવાના સ્તરે પહોંચાડી હતી.

રેફરીના વિવાદાસ્પદ નિર્ણયને કારણે ભારતીય ટીમ કૉમનવેલ્થ ગેમ્સમાં ફાઇનલમાં પહોંચી ન શકી ત્યારે પોતાની ટીમ ખાલી હાથે સ્વદેશ પાછી ન ફરે તે સુનિશ્ચિત કરવા સવિતા ગોલ પોસ્ટ આડે ખડકની જેમ ઊભા રહ્યાં હતાં.

32 વર્ષનાં પુનિયાએ પેનલ્ટી શૂટઆઉટમાં ત્રણ જબરજસ્ત ગોલ થતા અટકાવ્યા હતા અને ન્યૂઝીલૅન્ડ સામે બ્રૉન્ઝ મેડલ પ્લેઑફમાં ભારતને 2-1થી વિજય અપાવ્યો હતો.

એફઆઈએચ પ્રો લીગમાં પોતાની પહેલી સિઝનમાં ભારતને ત્રીજા સ્થાન સુધી પહોંચાડવામાં પણ તેમણે મોટી ભૂમિકા ભજવી હતી.

સવિતા 14 ગેમ્સ રમ્યાં હતાં અને તેમણે અદભુત રીતે 57 ગોલ થતા અટકાવ્યા હતા. ઉત્તમ દેખાવને કારણે તેમને એફઆઈએચ વીમેન્સ ગોલકીપર ઑફ ધ યરનો ખિતાબ સતત બીજા વર્ષે મળ્યો હતો.

મૃદુભાષી પુનિયા અંદરથી બહુ મજબૂત છે અને એક ઊભરતી ટીમને જેવા નેતાની જરૂર તેવા જ છે.

બીબીસી ગુજરાતી

મનિકા બત્રા

મનિક

ઇમેજ સ્રોત, Getty Images

મનિકા બત્રા ચાર વર્ષ પહેલાં કૉમનવેલ્થ ગેમ્સમાં તેમણે જે ઉત્તમ રમતનું પ્રદર્શન કર્યું હતું તેવું પ્રદર્શન બર્મિંગહામમાં કરી શક્યાં ન હતાં, પરંતુ તેમણે કૌશલ્ય ઝડપથી પાછું મેળવ્યું હતું.

મનિકા બત્રાએ થાઇલૅન્ડના બૅંગકૉકમાં આઈટીટીએફ-એટીટીયુ એશિયન કપમાં એક સપ્તાહમાં ત્રણ ઉચ્ચ ક્રમાંકિત ખેલાડીઓને હરાવીને આંચકો આપ્યો હતો અને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

તેમણે બ્રૉન્ઝ મેડલ પ્લેઑફમાં વિશ્વનાં છઠ્ઠા ક્રમાંકિત જાપાની હિના હયાતાને 11-6, 6-11, 12-10 અને 11-2થી હરાવ્યાં હતાં.

આ રીતે તેઓ ઉપખંડીય સ્પર્ધામાં મેડલ જીતેલાં પહેલા ભારતીય મહિલા બન્યાં હતાં.

27 વર્ષના બત્રા એ વખતે વિશ્વમાં 44મા ક્રમાંકિત હતાં. તેમણે વિશ્વના સાતમા ક્રમાંકિત ચીનનાં ચેન શિંગટોંગને અને વિશ્વનાં 23મા ક્રમાંકિત ચેન ઝુ યુને પણ એક સપ્તાહમાં હરાવ્યાં હતાં.

બીબીસી ગુજરાતી

વીનેશ ફોગાટ

વીનેશ

ઇમેજ સ્રોત, Getty Images

ટોક્યો ઑલિમ્પિક 2020માં નિરાશા પછીનો વીનેશ ફોગાટનો શારીરિક તથા ભાવનાત્મક સંઘર્ષ સારી રીતે નોંધાયેલો છે અને તેથી જ આ તેજસ્વી કુસ્તીબાજને વૈશ્વિક મંચ પર પાછાં ફરેલાં જોઈને બહુ આનંદ થાય છે.

ફોગાટે કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની હેટ-ટ્રિક કરી હતી અને એ પછી વર્ષ દરમિયાન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ પણ જીત્યો હતો.

2022ની બર્મિંગહામ ગેમ્સમાં 53 કિલો કૅટેગરીની વીમેન્સ ફ્રીસ્ટાઈલ કુસ્તીમાં ચાર જ સ્પર્ધક હતા અને તે નોર્ડિક (રાઉન્ડ રોબિન) પદ્ધતિ હેઠળ રમાઈ હતી.

ફોગાટે 2021ની વર્લ્ડ ચૅમ્પિયનશિપના બ્રૉન્ઝ મેડલ વિજેતા સામંથા સ્ટુઅર્ટને માત્ર 30 સેકન્ડમાં હરાવીને પોતાના અભિયાનની શરૂઆત કરી હતી.

ત્યારબાદ તેમણે નાઈજીરિયાનાં મર્સી અડેકુરોય અને શ્રીલંકાનાં ચામોદ્યા ડોનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

બેલગ્રેડ ખાતેની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ફોગાટે તત્કાલીન યુરોપિયન ચૅમ્પિયન એમ્મા માલ્મગ્રેન(સ્વીડન)ને 8-0થી હરાવીને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં એ વીનેશનો બીજો મેડલ હતો. અગાઉ 2019માં નુર-સુલતાન ખાતે તેમણે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

રેડ લાઇન
રેડ લાઇન