રાહુલ ગાંધીનું વાજપેયીની સમાધિ પર જવું શેનો સંકેત આપે છે?

પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપતા રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપતા રાહુલ ગાંધી
    • લેેખક, રજનીશકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા
બીબીસી ગુજરાતી
  • વાજપેયીનો સીધો સામનો સોનિયા ગાંધીએ કર્યો હતો અને હવે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીનો સીધો સામનો કરી રહ્યા છે
  • કૉંગ્રેસ હાલ તેના ઈતિહાસના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને પક્ષને તેમાંથી બહાર કાઢવા માટે રાહુલે ‘ભારત જોડો યાત્રા’કરી હતી
  • આ ભારત જોડો યાત્રા નવ રાજ્યોમાંથી પસાર થઈને દિલ્હી સુધી પહોંચી છે
  • યાત્રાના ક્રમમાં રાહુલે સોમવારે વાજપેયીની સમાધિ પર જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી
  • રાહુલ ગાંધીએ વાજપેયી ઉપરાંત ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણસિંહની સમાધિ પર જઈને તેમને પણ શ્રદ્ધાંજલિ આપી હતી
  • ઘણા લોકો તેને રાહુલના રાજકારણમાંના વિરોધાભાસ તરીકે જુએ છે, જ્યારે કેટલાક લોકો તેને રાહુલની સમજદારી માને છે
બીબીસી ગુજરાતી

ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા અટલ બિહારી વાજપેયી તેમની અંતિમ લોકસભા ચૂંટણી 2004માં લડ્યા હતા, પરંતુ એ ચૂંટણીમાં નેશનલ ડેમૉક્રેટિક ઍલાયન્સ (એનડીએ)ને મળેલી હાર પછી તેઓ દેશના સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થઈ ગયા હતા.

બીજી તરફ રાહુલ ગાંધીએ 2004માં ચૂંટણીના રાજકારણમાં પગરણ માંડ્યાં હતાં. તેઓ ઉત્તર પ્રદેશના અમેઠી મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.

રાહુલના પિતા રાજીવ ગાંધી પણ અમેઠી બેઠક પરથી જ ચૂંટણી લડતા હતા.

2004ની સંસદીય ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયીના વડપણ હેઠળના ગઠબંધન એનડીએને સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ(યુપીએ)એ જોરદાર ટક્કર આપી હતી.

રાહુલ ગાંધી પહેલી વાર ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા ત્યારે અટલ બિહારી વાજપેયી, સંસદ સભ્ય હોવા છતાં ખરાબ તબિયતને કારણે સંસદમાં હાજરી આપી શક્યા ન હતા.

લાલકૃષ્ણ અડવાણી વિરોધ પક્ષના નેતા બન્યા હતા અને મનમોહનસિંહ વડા પ્રધાન. રાહુલે સાંસદ તરીકે વાજપેયીને સંસદમાં મોરચો સંભાળતા ક્યારેય નિહાળ્યા નથી.

રાહુલ ગાંધી તેમના પક્ષના વડપણ હેઠળની યુતિ સરકારમાં 10 વર્ષ સુધી સાંસદ હતા અને છેલ્લા આઠ વર્ષથી તેઓ વિરોધ પક્ષના સંસદ સભ્ય છે.

કૉંગ્રેસ 2004થી 2014 સુધી સત્તા પર હતી એ દરમિયાન રાહુલ ક્યારેય મંત્રી બન્યા ન હતા અને કૉંગ્રેસ સત્તા પરથી ફેંકાઈ ગઈ ત્યારે તે વિરોધ પક્ષના નેતા બનવા જેટલી બેઠકો પણ જીતી શકી ન હતી.

રાહુલ ગાંધી પોતાની ઇચ્છાથી મંત્રી બન્યા ન હતા અને વિરોધ પક્ષના નેતા બનવા માટે તેમની પાસે પૂરતા સાંસદ ન હતા.

વાજપેયીનો સીધો સામનો સોનિયા ગાંધીએ કર્યો હતો અને હવે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીનો સીધો સામનો કરી રહ્યા છે.

કૉંગ્રેસ હાલ તેના ઇતિહાસના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હોવાનું કહેવાય છે અને પક્ષને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે રાહુલે 2022ની સાતમી સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ‘ભારત જોડો યાત્રા’ની શરૂઆત કરી હતી.

આ ભારત જોડો યાત્રા નવ રાજ્યોમાંથી પસાર થઈને દિલ્હી સુધી પહોંચી છે. એ યાત્રાના ક્રમમાં રાહુલે સોમવારે વાજપેયીની સમાધિ પર જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

રાહુલ ગાંધીએ વાજપેયી ઉપરાંત ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણસિંહની સમાધિ પર જઈને તેમને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

જોકે, વાજપેયીની સમાધિ પર રાહુલના જવાની ચર્ચા વધારે થઈ રહી છે. ઘણા લોકો તેને રાહુલના રાજકારણમાંના વિરોધાભાસ તરીકે જુએ છે, જ્યારે કેટલાક લોકો તેને રાહુલની સમજદારી માને છે.

સોનિયા

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કૉંગ્રેસ પક્ષના ઇતિહાસને બહુ સારી રીતે સમજતા પત્રકાર તથા લેખક રશીદ કિદવાઈ જણાવે છે કે તેમાં રાહુલના રાજકારણનો વિરોધાભાસ અને તેમની સમજદારી બન્ને જોઈ શકાય છે.

કિદવાઈ કહે છે, “શિવસેનાના ઉદ્ધવ ઠાકરે 2019માં કૉંગ્રેસના ટેકાથી મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બન્યા હતા. આ એ જ શિવસેના છે, જે સાવરકરના હિન્દુત્વના માર્ગ પર ચાલવાની વાત કરે છે. બીજી તરફ રાહુલ ગાંધી સાવરકરની ટીકા કરવાની એકેય તક છોડતા નથી.”

તેઓ ઉમેરે છે, “રાહુલ ગાંધી સાવરકરને માફીવીર કહે છે. સાવરકર પ્રત્યેનો અટલ બિહારી વાજપેયીનો અને નરેન્દ્ર મોદીનો દૃષ્ટિકોણ સમાન છે. આ સંદર્ભમાં વિચારો તો એવું લાગે કે આ રાહુલની રાજનીતિનો વિરોધાભાસ છે.”

ભારત જોડો યાત્રામાં જોડાયેલા જાણીતા રાજકીય કર્મશીલ યોગેન્દ્ર યાદવને બીબીસીએ સવાલ પૂછ્યો કે રાહુલ દ્વારા વાજપેયીની સમાધિની મુલાકાતને તમે કેવી રીતે મૂલવો છો?

યોગેન્દ્ર યાદવ કહે છે, “અટલજીની સમાધિની મુલાકાત, રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા મારફત જે સંદેશ આપવા ઇચ્છે છે, તેનો એક હિસ્સો છે. મને તેમાં કોઈ વિરોધાભાસ દેખાતો નથી. રાહુલે કહ્યું છે કે તેઓ નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી રહ્યા છે.”

“રાહુલ એવું પણ કહેતા રહ્યા છે કે તેઓ વૈચારિક વિરોધને વ્યક્તિગત નફરત કે દુશ્મનાવટ ગણતા નથી. રાહુલ ધર્મનિરપેક્ષ, લોકશાહી અને આધુનિક મૂલ્યો બાબતે કટિબદ્ધ છે. હું તેમની નજીકથી જોઈ રહ્યો છું અને હું એવું સમજ્યો છું કે તેઓ સત્તાલોલુપ નથી, પરંતુ સત્તા તથા રાજનીતિ મારફત પરિવર્તન જરૂર કરવા ઇચ્છે છે,” એમ યોગેન્દ્ર યાદવ ઉમેરે છે.

યોગેન્દ્ર યાદવના કહેવા મુજબ, “રાહુલમાં એક પ્રકારનો સંકલ્પ છે. તેમને ઘૂંટણની તકલીફ છે, પરંતુ તેઓ ભારત જોડો યાત્રામાંથી ડગ્યા નથી.”

ગ્રે લાઇન

વાજપેયીનો ગાંધી પરિવાર સાથેનો સંબંધ

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, કિદવાઈનો દૃષ્ટિકોણ અલગ છે.

તેઓ કહે છે, “વાજપેયીજીનો નેહરુ-ગાંધી પરિવાર સાથેનો સંબંધ કડવાશભર્યો રહ્યો નથી. અટલ બિહારીએ નેહરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીનાં ઘણી વખત વખાણ કર્યાં હતાં.”

“વાજપેયીજીનો એક વીડિયો આજે પણ સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થઈ રહ્યો છે, જેમાં વાજપેયી એવું કહેતા સાંભળવા મળે છે કે તેઓ વિદેશમંત્રી બન્યા ત્યારે તેમની ઑફિસમાંથી નેહરુની તસવીર હટાવી દેવામાં આવી હતી, પરંતુ તેમણે એ તસવીર ફરી લગાવી હતી.”

“બાંગ્લાદેશની રચના માટે વાજપેયીએ ઈન્દિરા ગાંધીનાં વખાણ કર્યાં હતાં. પોતે (વાજપેયી) બીમાર પડ્યા ત્યારે વિદેશમાં સારવારની વ્યવસ્થા કરી આપવાની રાજીવ ગાંધીની ઉદારતાને પણ વાજપેયી વખાણી ચૂક્યા છે,” એમ કિદવાઈ કહે છે.

નેહરુની તસવીર બાબતે વાજપેયીએ 1999માં સંસદમાં કહ્યું હતું કે “કૉંગ્રેસના મિત્રો કદાચ ભરોસો નહીં કરે. સાઉથ બ્લૉકમાં નેહરુજીનું એક ચિત્ર ટાંગેલું હતું. હું આવતાં-જતાં તેને નિહાળતો હતો. નેહરુજી સાથે ગૃહમાં તડાફડી થતી હતી. હું નવો હતો. પાછળ બેસતો હતો. ક્યારેક કશું બોલવા માટે મારે વૉકઆઉટ કરવો પડતો હતો, પરંતુ ધીમે-ધીમે મેં મારું આગવું સ્થાન બનાવ્યું. હું વિદેશમંત્રી બન્યો ત્યારે જોયું તો સાઉથ બ્લૉકમાંથી નેહરુજીનો ફોટો ગાયબ થઈ ગયો હતો. મેં પૂછ્યું કે ચિત્ર ક્યાં ગયું, ત્યારે કોઈએ જવાબ ન આપ્યો. પછી એ ચિત્ર ફરી ત્યાં લગાવી દેવામાં આવ્યું હતું.”

અટલ બિહારી વાજપેયીએ તે જ ભાષણમાં કહ્યું હતું કે “નેહરુજી સાથે મતભેદ ન હતા એવું નથી. ચર્ચામાં મતભેદ ગંભીર રીતે બહાર આવતા હતા. મેં એક વાર પંડિતજીને કહી દીધું હતું કે તમારું મિશ્ર વ્યક્તિત્વ છે. તેમાં ચર્ચિલ પણ છે અને ચેમ્બરલેન પણ છે. આ સાંભળીને તેઓ નારાજ થયા ન હતા. સાંજે મુલાકાત થઈ ત્યારે તેમણે કહ્યું હતું કે તમારું ભાષણ બહુ સારું હતું. પછી તેઓ હસીને ચાલ્યા ગયા હતા.”

રશીદ કિદવાઈ કહે છે, “રાહુલે નેહરુ, ઇન્દિરા અને રાજીવનાં વખાણ કરતાં હતાં તે વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી છે. બીજી તરફ કટોકટી દરમિયાન વાજપેયી જેલમાં પણ ગયા હતા. રાહુલ ગાંધી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપીને કદાચ એવું દર્શાવવા ઇચ્છે છે કે વાજપેયીએ ભાજપને જે દિશા આપી હતી તે યોગ્ય હતી અને નરેન્દ્ર મોદી ભાજપને ખોટી દિશામાં લઈ જઈ રહ્યા છે.”

“સાંપ્રદાયિક રાજકારણના મુદ્દે સોનિયા ગાંધી વાજપેયીને સપાટામાં લેતા રહ્યાં હતાં એ વાત પણ સાચી છે. રાહુલ ગાંધી વાજપેયીની સમાધિ પર ગયા તેનાથી એવો સંદેશ પણ ગયો છે કે તેમને વાજપેયીનો ભાજપ સ્વીકાર્ય છે, પરંતુ મોદીનો નહીં.”

તત્કાલીન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે ફેબ્રુઆરી 2003માં સંસદના સૅન્ટ્રલ હૉલમાં હિન્દુ મહાસભાના નેતા વિનાયક દામોદર સાવરકરની તસવીરનું અનાવરણ કર્યું હતું.

રાહુલ

ઇમેજ સ્રોત, Getty Images

સંસદના સૅન્ટ્રલ હૉલમાં સાવરકરનું ચિત્ર લગાવવાનો નિર્ણય અટલ બિહારી વાજપેયી સરકારે કર્યો હતો.

એ વખતે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કલામને પત્ર લખીને અનાવરણ સમારંભમાં નહીં જવાની અપીલ કરી હતી.

મહાત્મા ગાંધીની હત્યામાં સાવરકરને સહ-આરોપી બનાવવામાં આવ્યા હતા, પરંતુ પુરાવાના અભાવે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

આઈઆઈટી, મુંબઈમાં પ્રોફેસર તરીકે કાર્ય કરી ચૂકેલા અને ઇતિહાસના વિખ્યાત અભ્યાસુ રામ પુનિયાનીને બીબીસીએ સવાલ કર્યો કે રાહુલ ગાંધી ક્યારેક સંસદમાં વડા પ્રધાન મોદીને ભેટી પડે છે, તો ક્યારેય વાજપેયીની સમાધિ પર ચાલ્યા જાય છે. ખરેખર તેઓ શું કરવા ઇચ્છે છે?

રામ પુનિયાની કહે છે, “રાહુલ ગાંધી બદલાઈ રહ્યા છે અથવા એમ કહો કે ખુદને ઘડી રહ્યા છે. મોદીને ભેટ્યા પછી તેઓ ઘણા આગળ વધી ચૂક્યા છે. તેઓ ફરી વખત મોદીને ભેટશે એવું મને લાગતું નથી. ત્યારે તેમનો હેતુ કદાચ એ હશે કે તેઓ મોદીની વિચારધારાનો વિરોધ કરે છે, પરંતુ તેમનાથી નફરત કરતા નથી.”

પ્રોફેસર પુનિયાની કહે છે, “અટલ બિહારી વાજપેયી ત્રણ વખત વડા પ્રધાન બન્યા હતા. રાહુલ ગાંધી દિવંગત વડા પ્રધાનોની સમાધિ પર જઈ રહ્યા હતા એટલે વાજપેયીની સમાધિ પર પણ ગયા હતા. તેઓ કદાચ એવું દેખાડવા ઇચ્છે છે કે તેમના રાજકારણમાં શત્રુતાનો કોઈ ભાવ નથી.”

“રાહુલ ગાંધી વાજપેયીની સમાધિ પર ગયા એટલે સાંપ્રદાયિક રાજકારણ પ્રત્યેનું તેમનું વલણ નરમ પડ્યું છે એ વાત સાથે હું સહમત નથી. હું માનું છું કે વાજપેયી સાંપ્રદાયિક રાજકારણના બહુ ચાલાક ખેલાડી હતા. ભાજપ સાંપ્રદાયિક રાજકારણનો પાયો મજબૂત કરી રહ્યો હતો ત્યારે તેમણે ભાજપને સત્તા અપાવી હતી.”

ગ્રે લાઇન

અટલજીનું વ્યક્તિત્વ

અટલ

ઇમેજ સ્રોત, Getty Images

રશીદ કિદવાઈના જણાવ્યા મુજબ, વાજપેયી સરકારને કૉંગ્રેસ સાથે સારો સંબંધ હતો. વિરોધ પક્ષ અને સરકાર વચ્ચે સેતુ હતો, પરંતુ હવે એવું દેખાતું નથી.

કિદવાઈ કહે છે, “મોદી સરકાર સત્તાકેન્દ્રી છે અને કૉંગ્રેસમુક્ત ભારતની વાતો કરવામાં આવી રહી છે. વાજપેયી સરકારમાં એવું ન હતું. જોકે, વાજપેયીની સરકાર ગઠબંધનને લીધે રચાઈ હતી અને મોદી સરકાર પાસે સંપૂર્ણ બહુમતી છે. ગઠબંધન સરકાર અને સંપૂર્ણ બહુમતી સરકારના ચરિત્ર વચ્ચે ફરક હોય છે.”

બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી એ વખતે વાજપેયીએ કરેલું ભાષણ આજે પણ લોકો યાદ કરે છે. એ ભાષણમાં તેમણે જમીન સમથળ કરવાની વાત કહી હતી.

વાજપેયી કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વાત કરતા હતા. વાજપેયી પણ હિન્દુ રાષ્ટ્રની તરફેણ કરતા હતા, પરંતુ આ બધું ગઠબંધન સરકારમાં શક્ય ન હતું.

2014માં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સંપૂર્ણ બહુમત સરકાર બની ત્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 રદ્દ કરવામાં આવી અને અયોધ્યામાં વિવાદિત જમીન પર રામમંદિર બની રહ્યું છે, પરંતુ વાજપેયીનો એક બીજો ચહેરો પણ હતો.

તેઓ પાકિસ્તાન સાથે શાંતિકરાર માટે 1999માં બસમાં બેસીને લાહોર ગયા હતા.

તેમણે કહ્યું હતું કે “તમે દોસ્ત બદલી શકો, પરંતુ પાડોશી બદલી શકતા નથી.”

રાહુલ

ઇમેજ સ્રોત, Getty Images

વાજપેયી લાહોર ગયા ત્યારે તેમની સાથે દિગ્ગજ પત્રકાર કુલદીપ નૈયર પણ હતા.

કુલદીપ નૈયરે તેમના અંતિમ પુસ્તક ‘ઑન લીડર્સ ઍન્ડ આઇકન્સઃ ફ્રૉમ જિન્ના ટુ મોદી’માં લખ્યું છે કે વાજપેયી જાણતા હતા કે તેમના પાકિસ્તાનપ્રવાસને ભારતના લોકો હકારાત્મક સ્વરૂપમાં સમજશે નહીં. લાહોરમાં પણ જમાત-એ-ઇસ્લામીએ વાજપેયીની યાત્રાનો વિરોધ કર્યો હતો. વાજપેયીના કાફલા પર પથ્થરમારો પણ કર્યો હતો.

2002માં ગુજરાતમાં રમખાણ થયાં ત્યારે અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા. એ વખતે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને તેમણે રાજધર્મનું પાલન કરવાની જાહેર સલાહ આપી હતી. કહેવાય છે કે વાજપેયી નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રીપદેથી હટાવવા ઇચ્છતા હતા, પરંતુ લાલકૃષ્ણ અડવાણીએ જીદ પકડી હતી.

રામ પુનિયાની કહે છે, “આપણે રાજકારણને બ્લૅક ઍન્ડ વ્હાઇટના સ્વરૂપમાં મૂલવશું તો જડતાને ક્યારેય તોડી નહીં શકીએ. ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં આવું રાજકારણ ચાલી શકે નહીં.”

તેઓ કહે છે, “અડવાણી અને ભાજપ તો મહમદઅલી ઝીણાને દેશના વિભાજનના ગુનેગાર માને છે, પરંતુ અડવાણી ભાજપના પ્રમુખ હતા ત્યારે 2005માં ઝીણાની મઝાર પર ગયા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ઝીણાને બિનસાંપ્રદાયિક અને હિન્દુ-મુસ્લિમ એકતાના રાજદૂત ગણાવ્યા હતા. એ પછી અડવાણી ભાજપમાં હાંસિયા પર ધકેલાઈ ગયા તે અલગ વાત છે.”

બીબીસી ગુજરાતી

રાહુલની દ્વિધા?

રાહુલ

ઇમેજ સ્રોત, Getty Images

વરિષ્ઠ પત્રકાર પ્રદીપસિંહ માને છે કે રાહુલ ગાંધીનું વાજપેયીની સમાધિ પર જવું તેમના ગૂંચવાડાભર્યા રાજકારણનું પરિણામ છે.

પ્રદીપસિંહ કહે છે, “કૉંગ્રેસીઓ અટલજીને અંગ્રેજ-પરસ્ત કહે છે. સાંપ્રદાયિક કહે છે. પછી અચાનક ખબર પડે છે કે રાહુલ ગાંધી તો અટલજીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપવા પહોંચી ગયા છે.”

“એવી જ રીતે સંસદમાં વડા પ્રધાનને તેઓ અચાનક ભેટ્યા હતા. એ તો અત્યંત અસહજ સ્થિતિ હતી. કોઈ પદ નહીં સંભાળે, પરંતુ બધા નિર્ણય લેશે, આ પ્રકારના રાજકારણથી રાહુલ ગાંધીએ દૂર થવાની જરૂર છે.”

પ્રદીપસિંહ માને છે કે રાહુલ ગાંધીનું અટલજીની સમાધિ પર જવું તેમના ગંભીર રાજકારણને દર્શાવતું નથી.

રાહુલ ગાંધીએ અટલ બિહારી વાજપેયીની નવી દિલ્હી ખાતેની સમાધિ ‘અટલસ્થલ’ની મુલાકાત લીધે તેના એક દિવસ પહેલાં ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના સંયોજક ગૌરવ પાંધીએ એક ટ્વીટ કરીને અટલ બિહારી વાજપેયીને અંગ્રેજોના બાતમીદાર ગણાવ્યા હતા.

રાહુલ

ઇમેજ સ્રોત, Getty Images

ગૌરવ પાંધીએ તેમની ટ્વીટમાં લખ્યું હતું કે “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તમામ સભ્યોની માફક 1942માં અટલ બિહારી વાજપેયીએ પણ ભારત છોડો આંદોલનનો બહિષ્કાર કર્યો હતો. જે લોકો તે આંદોલનમાં સામેલ થયા હતા તેમની બાતમી અંગ્રેજોને આપવાનું કામ વાજપેયીએ કર્યું હતું. બાબરી મસ્જિદ ધ્વંસ વખતે પણ અટલ બિહારી વાજપેયીએ ભીડને ઉશ્કેરી હતી.”

ગૌરવ પાંધીની આ ટ્વીટ બાબતે વિવાદ થયો એટલે તેમણે તે ડિલીટ કરી નાખ્યું હતું.

કહેવાય છે કે કૉંગ્રેસ એક એવો પક્ષ છે કે જેમાં આત્યંતિક ડાબેરીઓ, જમણેરીઓ અને સમાજવાદીઓ પણ છે.

નેહરુએ તેમના મંત્રીમંડળમાં હિન્દુ મહાસભાના નેતા શ્યામાપ્રસાદ મુખરજીને પણ સામેલ કર્યા હતા.

શ્યામાપ્રસાદ મુખરજીએ જ 1951માં જનસંઘની સ્થાપના કરી હતી અને બાદમાં તે જનસંઘ ભાજપમાં પરિવર્તિત થયો હતો.

2019માં શિવસેનાને કૉંગ્રેસે ટેકો આપ્યો તે નિર્ણયને પણ કૉંગ્રેસના ભૂતકાળ સાથે જોડવામાં આવ્યો હતો.

શિવસેના એ રાજકીય પક્ષો પૈકીની એક છે, જેણે 1975માં ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટીનું સમર્થન કર્યું હતું. શિવસેનાના તત્કાલીન પ્રમુખ બાળ ઠાકરેએ કટોકટી દેશહિતમાં હોવાનું જણાવ્યું હતું.

કટોકટીના બે વર્ષ બાદ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી થઈ હતી, પણ તેમાં કૉંગ્રેસ કે શિવસેનાને બહુમત મળ્યો ન હતો. એ બન્નેથી વધારે બેઠકો ઇજનતા પાર્ટી જીતી હતી.

એ સમયે બાળ ઠાકરેએ કૉંગ્રેસના મુરલી દેવરાને ટેકો આપ્યો હતો અને તેઓ મુંબઈના મેયર બન્યા હતા.

1980ની વિધાનસભા ચૂંટણીમાં પણ કૉંગ્રેસને શિવસેનાનો ટેકો મળ્યો હતો.

એવું પણ કહેવામાં આવે છે કે મુંબઈમાં કામદાર સંગઠનોનું રાજકારણ ખતમ કરવા માટે ઇન્દિરા ગાંધીએ શિવસેનાને પ્રોત્સાહન આપ્યું હતું.

બીબીસી ગુજરાતી

સત્તાનું ઝેર

રાહુલ

ઇમેજ સ્રોત, Getty Images

રાહુલ ગાંધી રાજકારણમાં પ્રવેશ્યા ત્યારથી મીડિયામાં તેમની ઇમેજ અનિચ્છુક નેતા તરીકેની છે.

ભૂતપૂર્વ વિદેશમંત્રી નટવરસિંહે તેમની આત્મકથા ‘વન લાઈફ ઈઝ નોટ ઈનફ’માં દાવો કર્યો છે કે રાહુલ ગાંધીએ જ સોનિયા ગાંધીને 2004માં વડા પ્રધાન બનતાં અટકાવ્યાં હતાં.

નટવરસિંહના જણાવ્યા મુજબ, રાહુલ ગાંધીને ડર હતો કે તેમનાં માતાની પણ હત્યા થઈ શકે છે.

જાન્યુઆરી-2013માં જયપુરમાં યોજાયેલી કૉંગ્રેસ કારોબારીની બેઠકમાં રાહુલ ગાંધીને પક્ષના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

ઉપાધ્યક્ષ બન્યા પછી રાહુલ ગાંધીએ કારોબારીની બેઠકને સંબોધન કરતાં કહ્યું હતું, “ગઈ રાતે તમે બધાએ મને અભિનંદન આપ્યાં હતાં, પરંતુ મારાં માતા મારા રૂમમાં આવ્યાં હતાં અને મારી પાસે બેસીને રડવાં લાગ્યાં હતાં. તેઓ માને છે કે જે સત્તા મેળવવા માટે લોકો તલપાપડ છે, તે સત્તા વાસ્તવમાં ઝેર છે.”

રાહુલે એમ પણ કહ્યું હતું કે “મારાં દાદીને તેમના જ સલામતી રક્ષકોએ મારી નાખ્યાં હતાં. એ લોકોને હું દોસ્ત સમજતો હતો અને તેમની સાથે બૅડમિન્ટન રમતો હતો. મારા પિતા સાથે પણ એવું જ થયું હતું. તેમણે લોકોના જીવનમાં આશા જગવી હતી. આપણે સત્તાની પાછળ ભાગવાનું નથી, પરંતુ લોકોને સત્તાની વચ્ચે લાવવાના છે.”

રાહુલ ગાંધી બાવન વર્ષના થઈ ગયા છે, પક્ષ પ્રમુખપદ છોડી ચૂક્યા છે. પક્ષનું નેતૃત્વ લાંબા સમય પછી ગાંધી-નેહરુ પરિવાર સિવાયની કોઈ વ્યક્તિના હાથમાં છે.

તેઓ લોકસભાના એક સભ્ય માત્ર છે. ભારત જોડો યાત્રા દરમિયાન મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે “મેં રાહુલ ગાંધીને બહુ પાછળ છોડી દીધા છે. હવે હું એ રાહુલ ગાંધી નથી.”

જોકે, રાહુલ 26 ડિસેમ્બરે વાજપેયીની સમાધિ પર ગયા ત્યારે લોકોએ તો તેમને નેહરુ-ગાંધી પરિવારના વારસદાર તરીકે જ જોયા હતા.

ઓળખના રાજકારણના દોરમાં રાહુલ ગાંધી પોતાની ઓળખને કોરાણે મૂકવાની વાત શા માટે કરી રહ્યા છે?

યોગેન્દ્ર યાદવ કહે છે, “જે પોતાના પૂર્વજોની ઓળખ છોડે છે તે જ પોતાની આગવી ઓળખ બનાવી શકે છે.”

રેડ લાઇન
રેડ લાઇન