પેલેઃ એ ફૂટબૉલર જેમણે ત્રણ વર્લ્ડકપ જીત્યા બાદ સરકારના વિરોધમાં વર્લ્ડકપ રમવાની ના પાડી દીધી

પેલે

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ફર્નાન્ડો દુરાંતે
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
રેડ લાઇન
  • ફૂટબૉલજગતના મહાનતમ ખેલાડીઓમાં પેલેની ગણતરી કરવામાં આવે છે.
  • બ્રાઝિલના લોકો પેલેને ફૂટબૉલના રાજા તરીકે ઓળખતા હતા.
  • રમતમાં સક્રિય હતા ત્યારે કે નિવૃત્તિ પછી બ્રાઝિલમાં વંશભેદ સામે પેલેએ ક્યારેય ઔપચારિક વિરોધ કર્યો ન હતો.
રેડ લાઇન

પેલેને મેં છેલ્લી વાર સબવેની લંડનના એક શાખાના કાઉન્ટર પાછળ રૂબરૂ નિહાળ્યા હતા. તેઓ સેલડ ફિલિંગ્ઝને સેન્ડવીચમાં નાખવાના પ્રયાસ કરતા હતા.

માર્ચ-2015ની વાત છે. ફૂટબૉલના બ્રાઝિલના દંતકથારૂપ આ ખેલાડી કોઈ મુશ્કેલીમાં ન હતા. તે અમેરિકાની ફાસ્ટ ફૂડ કંપનીનો પબ્લિસિટી સ્ટંટ હતો.

બ્રાઝિલના લોકો, જેને ફૂટબૉલના રાજા તરીકે ઓળખતા હતા એ વ્યક્તિ મેદાન પરની કારકિર્દી પછી કરેલા ઘણા એન્ડોર્સમેન્ટ કરાર પૈકીના કરાર હેઠળ તેઓ આવું કરી રહ્યા હતા.

એ પહેલાં પેલે સાથે મારી ડઝનેક વખત મુલાકાત થઈ હતી. તેથી, અમારી નજર મળી કે તરત તેમણે મારી સામે સ્મિત કર્યું હતું. મારી સાથે બીજા પત્રકારો પણ હતા.

હું એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂ કરી શક્યો તે મારું સદ્ભાગ્ય હતું, પરંતુ એ બપોરની મારી સૌથી સુખદ સ્મૃતિ એ છે કે પેલે 74 વર્ષની વયે પણ એકદમ તંદુરસ્ત અને સ્વસ્થ લાગતા હતા.

મેં તેમને કહ્યું, “તમે તો હૉસ્પિટલના બધા ધંધાર્થીઓને ચિંતામાં મૂકી દીધા છે.”

તેમણે હસીને કહ્યું, “તમે ભૂલી ગયા કે મારો જન્મ બ્રાઝિલના થ્રી હાર્ટ્સ શહેરમાં થયો છે? જે માણસ પાસે થ્રી હાર્ટ્સ હોય તેને હરાવવો મુશ્કેલ છે.”

ગ્રે લાઇન

‘એ પરમવીરનો સામનો કરવા જેવું છે’

પેલે

ઇમેજ સ્રોત, Getty Images

તેના એક વર્ષ અગાઉ ઝુરિકમાં યોજાયેલા ફૂટબૉલની નિયામક સંસ્થા ફિફાના એક પુરસ્કાર વિતરણ સમારંભમાં તેઓ એટલા નાજુક દેખાતા હતા કે બ્રાઝિલના અનેક પત્રકારોની માફક મને પણ ચિંતા થતી હતી કે હવે તેઓ લાંબું જીવશે નહીં.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પેલે કિડનીની બીમારીનો સામનો પહેલેથી જ કરતા હતા. 1970ના દાયકામાં તેમની એક કિડની કાઢી નાખવી પડી હતી. તેથી સમસ્યા વકરી હતી.

તેમની 21 વર્ષની કારકિર્દી દરમિયાન પ્રતિસ્પર્ધીઓ સામે ઝીંક ઝીલવાને કારણે એ કિડનીને નુકસાન થયું હતું.

તેમની સાથે જેટલી વખત મુલાકાત થઈ એટલી વખત હું દિવસો સુધી વિચારતો કે કેટલી સુખદ ક્ષણ. તે પરમવીરો પૈકીના એકના અસ્તિત્વના અનુભવ જેવું હતું.

તેઓ એવા પરમવીર હતા, જે મને જોઈને હંમેશાં રાજી થતા હતા.

ફૂટબૉલના સંખ્યાબંધ પ્રશંસકોની માફક અને ખાસ કરીને બ્રાઝિલના લોકો માટે એડસન અરાંતેસ દો નાસિમેન્ટો નામનો આ માણસ મહામાનવ હતા. ફૂટબૉલનો સર્વોત્તમ ખેલાડી.

અમેરિકન ગીત લેખક, ગાયક, સંગીતકાર જોન લેનને એક વખત કહ્યું હતું તેમ રૉક ઍન્ડ રોલ સંગીત શૈલી પર ચક બેરીનો જે પ્રચંડ પ્રભાવ છે તેને ધ્યાનમાં લેતાં રૉક ઍન્ડ રોલને ચક બેરી કહેવું જોઈએ, જ્યારે ફૂટબૉલની રમતને પેલે નામે ઓળખવી જોઈએ.

તેઓ, ખેલાડી તરીકે ત્રણ વખત વર્લ્ડકપ વિજેતા બન્યા હોય તેવા એકમાત્ર વ્યક્તિ છે અને બ્રાઝિલ 1958માં સૌપ્રથમ વાર ફૂટબૉલ વર્લ્ડકપ વિજેતા બન્યું ત્યારે તેમની વય માત્ર 17 વર્ષ હતી.

તે ટુર્નામેન્ટમાં પેલેની રમત માટે સર્વોત્તમ પ્રશંસા પૈકીની એક ઈટાલીના ડિફેન્ડર ટાર્સિસિયો બર્ગનિચે કરી હતી. ફાઇનલ મૅચમાં બ્રાઝિલના દરેક ખેલાડીના પ્રતિકારની વ્યૂહરચના ટાર્સિસિયો બર્ગનિચે ઘડી હતી.

તેમણે કહ્યું હતું, “મૅચ શરૂ થઈ એ પહેલાં મેં મારી જાતને કહેલું કે અન્ય લોકોની માફક પેલે પણ હાડ-માંસના બનેલા માણસ જ છે, પરંતુ હું ખોટો સાબિત થયો હતો.”

તે મૅચમાં પેલેએ એક ગોલ ફટકાર્યો હતો અને બીજા બે માટે મદદરૂપ બન્યા હતા.

એ સાથે બ્રાઝિલ ત્રીજી વખત વર્લ્ડકપ જીત્યું હતું. તે ગોલ પેલેએ તેમની કારકિર્દીમાં ફટકારેલા 1,200થી વધુ ગોલ પૈકીનો એક હતો.

ગ્રે લાઇન

કિંમતી રાષ્ટ્રીય ખજાનો

પેલે

ઇમેજ સ્રોત, ALLSPORT/ GETTY IMAGES

પેલેએ એવી છાપ છોડી હતી કે તે ફૂટબૉલના ખેલની મર્યાદાને ઓળંગી ગઈ હતી અને અમેરિકાના જાણીતા કળાકાર એન્ડી વોરહોલે, ફૂટબૉલની ક્ષણિક પ્રકૃતિ વિશેના તેમના વિખ્યાત કથનમાં સુધારો કરવો પડ્યો હતો.

વોરહોલે ભવિષ્ય ભાખ્યું હતું કે “પેલે, ફૂટબૉલની ગેમ 15 મિનિટની પ્રખ્યાતિ જેવી હોય છે એવી મારી થિયરીને ખોટી પાડતા જૂજ ખેલાડીઓ પૈકીના એક છે. તેમની ખ્યાતિ 15 સદી સુધી ઝળહળતી રહેશે.”

મારો જન્મ 1973માં થયો તે પહેલાં પેલે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્ત થઈ ગયા હતા, પરંતુ હું બ્રાઝિલમાં જન્મ્યો હોવાથી રમતમાં તેમની સિદ્ધિઓની કથાઓથી બચવું અશક્ય હતું.

બ્રાઝિલને ફૂટબૉલ ક્ષેત્રે વિશ્વના સૌથી સફળ દેશ પૈકીનો એક બનાવવામાં મદદ કરવા ઉપરાંત અશ્વેત પેલેએ તેનાથી વધુ મહત્ત્વનું કામ પણ કર્યું હતું.

ગુલામીનો શરમજનક ભૂતકાળ ધરાવતા અને એકલા પાડી દેવામાં આવેલા આ દેશમાં તેમણે રાષ્ટ્રીય ખજાનાનો દરજ્જો પ્રાપ્ત કર્યો હતો.

તેઓ આજે પણ બ્રાઝિલના સૌથી વિખ્યાત નાગરિક છે. ન્યૂયૉર્કથી માંડીને સબ-સહારન આફ્રિકાના દેશ સુધી હું જ્યાં પણ ગયો છું ત્યાં હું સ્થાનિકોને કહું છું કે હું બ્રાઝિલનો છું ત્યારે લોકો સૌથી પહેલાં પેલેનો ઉલ્લેખ કરે છે.

પેલેની ટીકા કરતા લોકો પણ છે. એવા લોકો પણ હતા કે જેઓ માનતા હતા કે બ્રાઝિલ પર 1964થી 1985 દરમિયાન લોખંડી હાથે શાસન કરી ચૂકેલા લશ્કરી શાસકો અને રાષ્ટ્રીય ટીમની સફળતાનું ગૌરવ લેવામાં જરાય ન શરમાતા તેના નેતાઓ વિરુદ્ધ પેલેએ બોલવું જોઈએ.

દમન પ્રત્યે આંખ આડા કાન કર્યા હોય તેવા પેલે એકલા ન હતા. તેમના બીજા સાથીઓએ પણ એવું કર્યું હતું, પરંતુ પેલે જેવો કરિશ્મા એ પૈકીના કોઈ પાસે ન હતો.

2021માં નેટફ્લિક્સ પર પ્રસારિત એક દસ્તાવેજી ફિલ્મમાં પેલેએ જરાય ખચકાયા વિના કહ્યું હતું કે લશ્કરી શાસન દરમિયાન થયેલા માનવાધિકાર ઉલ્લંઘનમાં “ફૂટબૉલ ખેલાડીઓના કશું કહેવાથી કોઈ ફરક પડવાનો ન હતો.”

તેમના કહેવા મુજબ, “હું (માનવાધિકાર ઉલ્લંઘન બાબતે) કશું જાણતો જ ન હતો એવું કહું તો તે ખોટું છે, પરંતુ શું થઈ રહ્યું છે તેનાથી અમે સારી પેઠે વાકેફ ન હતા.”

પાછલાં વર્ષોમાં પેલેએ દાવો કર્યો હતો કે તેમણે 1974નો વર્લ્ડકપ રમવા માટે નિવૃત્તિમાંથી પાછા ફરવાનો ઇનકાર સૈન્યશાસનના વિરોધમાં કર્યો હતો.

ગ્રે લાઇન

પંડિતાઈ, પૉલિટિક્સ અને ઍન્ડોર્સમેન્ટ્સ

પેલે

ઇમેજ સ્રોત, Getty Images

રમતમાં સક્રિય હતા ત્યારે કે નિવૃત્તિ પછી બ્રાઝિલમાં વંશભેદ સામે પેલેએ ક્યારેય ઔપચારિક વિરોધ કર્યો ન હતો.

2014માં બ્રાઝિલિયન ચૅમ્પિયનશિપની એક ગેમમાં બનેલી વંશભેદની ઘટનાને સામાન્ય ગણાવી ત્યારે પેલેની આકરી ટીકા કરવામાં આવી હતી.

તેમણે એવું કહ્યું હતું કે તેઓ સક્રિય ખેલાડી હતા ત્યારે તેમણે પણ વંશીય દુર્વ્યવહારનો સામનો કર્યો હતો.

પેલેના અંગત જીવનમાં પણ વિવાદ સર્જાયા હતા. માદક દ્રવ્યોની દાણચોરીમાં સંડોવણી બદલ તેમના પુત્ર એડસનની ધરપકડ કરવામાં આવી હતી અને તેમણે 1960ના દાયકાની શરૂઆતમાં પ્રેમસંબંધને લીધે જન્મેલી પુત્રી સાન્ડ્રાને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

નેટફ્લિક્સ પરની ડૉક્યુમેન્ટરીમાં પેલેએ કબૂલ્યું હતું કે “અનેક સ્ત્રીઓ સાથે તેમને પ્રેમસંબંધ હતો અને તેમાંથી કેટલાં બાળકો જન્મ્યાં હતાં એ હું જાણતો નથી.”

અમેરિકામાં સૌપ્રથમ વ્યાવસાયિક ફૂટબૉલ લીગમાં દુર્ભાગ્યપૂર્ણ રમત બાદ 1977માં પેલે નિવૃત્ત થઈ ગયા હતા.

એ પછી તેઓ ટીમ મૅનેજમૅન્ટમાં કે ગેમ સાથે ક્યારેય સંકળાયા ન હતા. તેમણે ટીવી પર પંડિતાઈ જરૂર દેખાડી હતી.

1994ના પુરુષોના વર્લ્ડકપમાં બ્રાઝિલનો વિજય થયો ત્યારે લૉસ એન્જલસના રોઝ બાઉલ સ્ટેડિયમના પ્રેસ બૉક્સમાં હેડસેટ પહેરીને ઉછળી રહેલા પેલેને જોઈને મારી આંખમાં આંસુ આવી ગયાં હતાં.

તેમણે એસ્કેપ ટુ વિક્ટરી જેવી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું તેમજ 1995-98 દરમિયાન બ્રાઝિલના સ્પૉર્ટ્સમંત્રી તરીકે પણ ફરજ બજાવી હતી.

પેલેએ સંખ્યાબંધ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કંપનીઓની પ્રોડક્ટ્સની જાહેરાત કરી હતી. એ કારણે કેટલીક વાર તેમની ઠેકડી ઉડાવવામાં આવી હતી.

2000ના દાયકામાં તેમણે નપુંસકતાની એક દવા માટેની જાહેરાત કરી ત્યારે પણ આવું થયું હતું. જોકે, એક રીતે એ તેમનું બહાદુરીભર્યું પગલું હતું.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા માટે પેલે અભિપ્રાય મેળવવાનો કાયમી ઉપલબ્ધ સ્રોત હતા. પોતાના સાથી નારાજ થવાની શક્યતા હોય તો પણ પેલે ક્યારેય શબ્દો તોળીને બોલતા ન હતા.

બ્રાઝિલના વર્લ્ડકપ વિજેતા ફોરવર્ડ રોમારિયોએ એક વખત કહ્યું હતું કે “મૌન રહે તો પેલે સારા કવિ છે.”

પેલેએ ક્યારેક અણધારી ભવિષ્યવાણી પણ કરી હતી. તેમણે 1970ના દાયકામાં એવું ભાખેલું કે આફ્રિકન ટીમ “21મી સદી પહેલાં વિશ્વકપ વિજેતા બનશે.” જોકે, આ લખાય છે ત્યાં સુધી આફ્રિકાની ટીમ સેમિફાઇનલમાં પણ પહોંચી શકી નથી.

કોલમ્બિયાની ટીમ 1994ના વર્લ્ડકપમાં આર્જેન્ટિનાના પરાજિત કરીને ક્વૉલિફાય થઈ પછી પેલેએ ભાખેલું કે આ દક્ષિણ અમેરિકન દેશની ટીમ વિશ્વકપ જીતી જશે, પરંતુ અમેરિકા સામે હાર્યા પછી તે ફર્સ્ટ રાઉન્ડમાં બાકાત થઈ ગઈ હતી.

પેલેની “કિસ ઑફ ડેથ” બ્રાઝિલના પત્રકારોમાં મજાકનો મુદ્દો બની ગઈ હતી.

ગ્રે લાઇન

‘હું મારા મનની વાત કહી શકું છું’

પેલે

ઇમેજ સ્રોત, Getty Images

2006માં બર્લિનની એક હોટલના લક્ઝરી સ્વીટમાં પેલે સાથે હું અને તેમનો સ્ટાફ વર્લ્ડકપના સોળમા રાઉન્ડની ઇંગ્લૅન્ડની ઈક્વાડોર સામેની મૅચ નિહાળતા હતા.

એ વખતે પેલેએ મને કહ્યું હતું કે “રમતમાંનો મારો ઇતિહાસ હું તે ઈચ્છું તે બોલવાની છૂટ આપે છે.”

પેલે, જે લોકો તેમની અયોગ્ય ટીકા કરતા હોવાનું માનતા હતા એ બધાની તેમણે તે બપોરે ઝાટકણી કાઢી હતી. તેમાં ડિયેગો મેરાડોનાનો પણ સમાવેશ થતો હતો.

તે વિસ્ફોટક લેખ માટેની જબરી સામગ્રી હતી, પરંતુ તે ક્યારેય પ્રકાશિત થઈ શકી નહીં, કારણ કે તેમણે મને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે “તમે પત્રકાર છો એટલે નહીં, પણ મારા દોસ્ત છો એટલે આ બોલ્યો છું.”

તેમની ઇચ્છાનો અનાદર કરનાર હું કોણ, પરંતુ એ ટુર્નામેન્ટની ક્વોર્ટર ફાઇનલમાં ફ્રાન્સે બ્રાઝિલને હરાવ્યું ત્યારે એ બાબતે પેલેએ એકમાત્ર ઇન્ટરવ્યૂ આ લખનારને આપ્યો હતો.

ફૂટબૉલ-વિશ્વના તખ્તે લિયોનલ મેસીનું આગમન થયું એ પછી ઘણાએ એવો દાવો કર્યો હતો કે વિશ્વના સર્વોત્તમ ફૂટબૉલર તરીકેનું પેલેનું સ્થાન હવે મેસી લઈ લેશે. જોકે, પેલે એવું માનતા ન હતા.

તેમણે મને લંડનમાં કહ્યું હતું કે “હું હેડર ફટકારી શકું છું અને બન્ને પગ વડે કિક મારી શકું છું, જ્યારે મેસી તેના ડાબા પગનો વધુ પડતો ઉપયોગ કરે છે. એ ઉપરાંત તેણે 1,000 ગોલ પણ કરવા પડશે.”

હું ઇચ્છું છું કે મને પેલેને મળવાની વધુ એક તક મળી હોત અને હું તેમને કહી શક્યો હોત કે આર્જેન્ટિના હજુ પણ ત્રણ વખત વર્લ્ડકપ જીતી શક્યું નથી.

એ સાંભળીને કિંગ પેલે ખડખડાટ હસી પડતા હતા. મને તેમનું એ હાસ્ય આજે પણ બહુ સાંભરે છે.

રેડ લાઇન
બીબીસી