ફૂટબૉલ જગત પર રાજ કરતા કોલંબિયાના ડ્રગ માફિયા અને ‘ધ જેન્ટલમૅન’ ખેલાડીની હત્યાની કહાણી

આંદ્રેસ એસ્કોબાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આંદ્રેસ એસ્કોબાર
    • લેેખક, અનઘા પાઠક
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
બીબીસી ગુજરાતી

સારાંશ

  • કોલમ્બિયાની ઓળખ માત્ર ડ્રગ્ઝ જ નથી તે વિશ્વને સમજાવવામાં કોલમ્બિયા સફળ થયું હતું
  • આંદ્રેસનો જન્મ કોલમ્બિયાના મેડેલિન શહેરમાં 1967માં થયો હતો
  • આંદ્રેસ બાળપણથી જ ફૂટબૉલ રમતા હતા
  • ઇએસપીએને આંદ્રેસ એસ્કોબાર અને પાબ્લો એસ્કોબાર વિશે ‘ધ ટૂ એસ્કોબાર્સ’ નામની દસ્તાવેજી ફિલ્મ બનાવી છે
  • પાબ્લો એસ્કોબારને ફૂટબૉલની રમત બહુ પસંદ હતી એ જગજાહેર હકીકત હતી
બીબીસી ગુજરાતી

આ ઘટના 1994ના ફૂટબૉલ વર્લ્ડકપના થોડા સમય પહેલાંની છે. ક્વૉલિફાયર રાઉન્ડ ચાલુ હતાં. દક્ષિણ અમેરિકાના બે દેશ કોલમ્બિયા અને આર્જેન્ટિનાની એકમેકની સામે ટક્કર હતી.

એ વખતે ફૂટબૉલમાં આર્જેન્ટિનાનો દબદબો હતો પણ કોલમ્બિયાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેના સતત વિજયથી બધાને આશ્ચર્ય થતું હતું, કારણ કે તેમના દેશમાં લગભગ આંતર-વિગ્રહની પરિસ્થિતિ હતી.

કોલમ્બિયાની ટીમ ઍરપૉર્ટ પર ઊતરી, ત્યારે આર્જેન્ટિનાના ચાહકોએ તેમને ઘેરી લીધા હતા અને ડ્રગ્ઝ, ડ્રગ્ઝ, ડ્રગ્ઝ એવા બરાડા પાડવા લાગ્યા હતા.

તે કોલમ્બિયાના ખેલાડીઓને હતાશ કરવાનો પ્રયાસ હતો. એ સમયે કોલમ્બિયા દુનિયાભરમાં ડ્રગ્ઝ એટલે કે માદક પદાર્થોનો પર્યાય બની ગયું હતું.

પાબ્લો એસ્કોબારને જાણો છો ને? કોલમ્બિયાનો કુખ્યાત ડ્રગ માફિયા બૉસ. એક સમયે તે વિશ્વના સૌથી અમીર લોકો પૈકીના એક હોવાનું કહેવાય છે. તેમનું ડ્રગ સામ્રાજ્ય સમગ્ર વિશ્વમાં ફેલાયેલું હતું.

એ જ પાબ્લોનો કોલમ્બિયામાં જે દબદબો હતો તેની વિગતવાર કથા આગળ જણાવીશું, પરંતુ દુનિયામાં કોલમ્બિયાની આટલી જ ઓળખ બચી હતી અને કોલમ્બિયાની ફુટબૉલ ટીમ તેને બદલવા ઇચ્છતી હતી.

આર્જેન્ટિના વિરુદ્ધની ક્વૉલિફાયર મૅચના વિજેતાને અમેરિકામાં યોજાનારા ફૂટબૉલ વર્લ્ડકપમાં સીધો પ્રવેશ મળવાનો હતો.

આર્જેન્ટિનાની ટીમ ઘણી મજબૂત હતી, પણ કોલમ્બિયાની ટીમ પોતાના સન્માન માટે, વિશ્વમાંની દેશની કથિત કુખ્યાતી સામે અને સૌથી વધુ મહત્ત્વની વાત – પોતાના અસ્તિત્વ માટે રમી રહી હતી.

પ્રથમ હાફમાં કોલમ્બિયાએ એક ગોલ કર્યો. હવે આર્જેન્ટિના દબાણ હતું. તેમણે બે ગોલ કરવાના હતા, કારણ કે એક ગોલ કરે તો મેચ ટાઈ થાય અને એકેય ટીમ ક્વૉલિફાય ન થઈ શકે.

બીજા હાફમાં આર્જેન્ટિના આક્રમક રમત રમ્યું હોવા છતાં કોલમ્બિયાના ડિફેન્ડરે તેમને થાપ આપીને બીજો ગોલ ફટકાર્યો હતો. સ્કોર થયો 2-0.

એ પછીની પાંચ મિનિટમાં કોલમ્બિયાએ ત્રીજો ગોલ કર્યો. હવે તેનો પ્રત્યેક ખેલાડી ગોલ કરવા તત્પર હતો. મારો સાથી ગોલ કરશે તો હું પણ કરીશ એવી હરીફાઈ તેમની વચ્ચે ચાલુ હતી.

વર્લ્ડકપમાં કોલમ્બિયાનો પ્રવેશ નિશ્ચિત થઈ ગયો હતો અને તેને એ તક 28 વર્ષ પછી મળવાની હતી.

પછી ચોથો ગોલ થયો અને પાંચમો પણ.

ઇતિહાસ રચાયો હતો. શક્તિશાળી આર્જેન્ટિનાને કોઈએ 5-0થી હરાવ્યું ન હતું.

સ્ટેડિયમ આર્જેન્ટિના ચાહકોથી ખીચોખીચ હતું. બધાએ ઊભા થઈને કોલમ્બિયા માટે તાળીઓ પાડી.

આંદ્રેસનો જન્મ કોલમ્બિયાના મેડેલિન શહેરમાં 1967માં થયો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આંદ્રેસનો જન્મ કોલમ્બિયાના મેડેલિન શહેરમાં 1967માં થયો હતો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કોલમ્બિયાની ઓળખ માત્ર ડ્રગ્ઝ જ નથી તે વિશ્વને સમજાવવામાં કોલમ્બિયા સફળ થયું હતું.

તમે કહેશો કે ડ્રગ્ઝ અને ફૂટબૉલ વચ્ચે શું સંબંધ? એકદમ નજીકનો. ખાસ કરીને કોલમ્બિયા, ડ્રગ્ઝ અને ફૂટબૉલ વચ્ચેનો સંબંધ અતૂટ રહ્યો છે.

આ કથાની શરૂઆત આંદ્રેસ એસ્કોબારથી, કોલમ્બિયાની રાષ્ટ્રીય ફૂટબૉલ ટીમના કેપ્ટનથી થાય છે. પાબ્લો એસ્કોબાર અને આંદ્રેસ એસ્કોબાર વચ્ચે અટક સિવાય કશું સમાન ન હતું, પણ નિયતિએ બન્નેને એકમેકની સાથે બાંધી રાખ્યા હતા અને તે બન્નેનું મોત પણ નિયતિના ફટકાને કારણે થયું હતું.

પાબ્લો એસ્કોબારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને આંદ્રેસને પણ ઠાર કરવામાં આવ્યા હતા.

જોકે, આંદ્રેસ અત્યંત કૌશલ્યવાન ફૂટબૉલ ખેલાડી હતા. દુનિયામાં કોલમ્બિયાનું નામ રોશન કરવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, પણ અત્યંંત મહત્ત્ ની એક મૅચમાં ગોલ કરવામાં તેનાથી ગડબડ થઈ હતી. આંદ્રેસે ભૂલથી પોતાની જ ટીમ સામે ગોલ કર્યો હતો અને થોડા સમય પછી તેને માથામાં ગોળી મારવામાં આવી હતી.

આવું કેમ થયું તે જાણવા માટે થોડો ભૂતકાળ સમજવો જોઇએ.

આંદ્રેસનું હુલામણું નામ હતુંઃ ધ જેન્ટલમૅન. ફૂટબૉલ જેવી કરો યા મરો જેવી ગેમમાં પણ તેનું વર્તન હંમેશા સભ્યતાસભર હતું.

આંદ્રેસનો જન્મ કોલમ્બિયાના મેડેલિન શહેરમાં 1967માં થયો હતો. આ મેડેલિન એટલે પાબ્લો એસ્કોબારનું મેડેલિન. તેની માફિયા ટોળકીનું નામ પણ મેડેલિન હતું.

પાબ્લો સાથેના આંદ્રેસના સંબંધની શરૂઆત અહીંથી થઈ હતી.

આંદ્રેસનો પરિવાર સુખી હતો. કોલમ્બિયાના અન્ય ફૂટબૉલ ખેલાડીઓ ખરેખર ગરીબ પરિવારમાંથી, ઝૂંપડપટ્ટીમાંથી આવ્યા હતા. તેથી તેમના જીવનમાં પાબ્લો એસ્કોબારનું અસ્તિત્વ બાળપણથી જ હતું.

આંદ્રેસનું એવું ન હતું. તેઓ સારી સ્કૂલમાં ભણ્યા હતા. તેને બે ટંક પૂરતું ભોજન પણ મળતું હતું, પરંતુ તેમંના માતા કૅન્સરને કારણે મૃત્યુ પામ્યાં હતાં. પરિણામે મૂળભૂત રીતે શાંત આંદ્રેસ અંતર્મુખી બની ગયા હતા.

તેઓ માત્ર ફૂટબૉલને પ્રેમ કરતા હતા. યોગાનુયોગે પાબ્લો એસ્કોબાર પણ પૂરા હૃદયથી ફૂટબૉલને ચાહતો હતો.

આંદ્રેસ બાળપણથી જ ફૂટબૉલ રમતા હતા અને તેમનું કૌશલ્ય રાષ્ટ્રીય સ્તરના પ્રશિક્ષકની નજરમાં ટૂંક સમયમાં જ આવી ગયું હતું. એક વખત એવું બન્યું કે, આંદ્રેસે શિક્ષણ અને ફૂટબૉલ એ બેમાંથી એકની પસંદગી કરવાની હતી. આંદ્રેસે ફૂટબૉલ રમવાનું પસંદ કર્યું હતું.

કોલમ્બિયા અગાઉ આંતરરાષ્ટ્રીય સ્તરની એકેય સ્પર્ધા જીત્યું ન હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોલમ્બિયા અગાઉ આંતરરાષ્ટ્રીય સ્તરની એકેય સ્પર્ધા જીત્યું ન હતું

કોલમ્બિયામાં અલગ-અલગ ફૂટબૉલ ક્લબ હતી અને આ ફૂટબૉલ ક્લબની માલિકી ત્યાંના ડ્રગ માફિયાની હોવાનું કહેવાતું હતું.

ઇએસપીએને આંદ્રેસ એસ્કોબાર અને પાબ્લો એસ્કોબાર વિશે ‘ધ ટૂ એસ્કોબાર્સ’ નામની દસ્તાવેજી ફિલ્મ બનાવી છે. તેમાં ડ્રગ માફિયા અને ફૂટબૉલ વચ્ચેના સંબંધને ઉજાગર કરવામાં આવ્યો છે.

તે ડૉક્યુમેન્ટરીમાં કોલમ્બિયાની નેશનલ ટીમ તેમજ ફૂટબૉલ ક્લબ ઑફ એટલાટિકો નેશનલ (સ્પેનિશ ઉચ્ચારઃ નેસિનિઓલ)ના કોચ ફ્રાન્સિસ્કો માતુરાના કહે છે કે, “અમારી ક્લબે થોડા સમયમાં મોટી નામના મેળવી હતી. બધાના મનમાં એ સવાલ હતો કે ટીમે આવું કઈ રીતે કરી દેખાડ્યું?”

કોલમ્બિયા અગાઉ આંતરરાષ્ટ્રીય સ્તરની એકેય સ્પર્ધા જીત્યું ન હતું. કોલમ્બિયામાં ફૂટબૉલનો પ્રચંડ ક્રેઝ હોવા છતાં દેશની બહાર ફૂટબૉલ માટે તેની કોઈ ઓળખ ન હતી. તેના ઉત્તમ ખેલાડીઓ લેટિન અમેરિકન દેશો કે અન્ય ક્લબ્ઝ માટે રમતા હતા.

માતુરાના કહે છે કે, “બે ઘટના બની. એક તો અમને સર્વોત્તમ ખેલાડી મળ્યા અને બીજું, તેમને અમારી પાસે જાળવી રાખવાના પૈસા અમારી પાસે આવ્યા.”

બીબીસી ગુજરાતી

એ પૈસા ક્યાંથી આવ્યા?

પાબ્લો એસ્કોબાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાબ્લો એસ્કોબાર

માતુરાના કહે છે કે, “બધા કહેતા હતા કે નેશનલ ક્લબ પાબ્લો એસ્કોબારની માલિકીની છે, પણ એ કોઈ, ક્યારેય સાબિત કરી શક્યું નથી.”

આ ડૉક્યુમેન્ટરીમાં પાબ્લો એસ્કોબારના પિતરાઈ ભાઈ જેમી ગાર્વિયા કહે છે કે, “ફૂટબૉલની રમતમાં કરોડો ડૉલર્સની હેરફેર થાય છે. કાળા નાણાંને કાયદેસરના કરવાનો તે સૌથી સરળ માર્ગ છે. તેથી ડ્રગ માફિયાઓએ તેમના ધંધામાંથી એકઠી કરેલી બેહિસાબ સંપત્તિ આ રમતમાં ઠાલવી હોય તો નવાઈ ન ગણાય.”

અલબત્ત, માત્ર પાબ્લો એસ્કોબાર જ ફૂટબૉલમાં પૈસા ઠાલવતા હતા એવું નથી. એ સમયના બધા ડ્રગ માફિયા આવું કરતા હતા.

કોલમ્બિયાની મૅચ પહેલાં મીડિયા સાથેની એક મુલાકાતમાં પાબ્લો એસ્કોબારે કહ્યું હતું કે, “અમારી એટલેટિકો નેસિઓનલ અને મેન્ડલિન બન્ને ક્લબ સાથે ભાગીદારી છે.”

કોલમ્બિયન ફૂટબૉલમાં ડ્રગના પૈસા ઠલવાયા હતા. તેથી તેમને વધુ સારી સુવિધા મળવા લાગી હતી.

મેદાનો સારાં બન્યાં. ખેલાડીઓને પૈસા મળવા લાગ્યા. રમતગમતની સામગ્રી મળવા લાગી. ખેલાડીઓ આકરી મહેનત કરતા હતા. તેથી તેમની ટીમો મજબૂત બનવા લાગી હતી.

કોલમ્બિયાના ઇતિહાસમાં આ સમયગાળો નાર્કો-ફૂટબૉલ તરીકે ઓળખાય છે. એ ફૂટબૉલ, જે ડ્રગના પૈસા વડે રમવામાં આવે છે.

જોકે, આંદ્રેસ આ ડ્રગ માફિયાઓ, ટોળકીઓથી ઘણા દૂર રહ્યા હતા. 20 વર્ષની વયે તેમને કોલમ્બિયા તરફથી રમવાની તક મળી હતી. તેમણે 21 વર્ષની વયે ઈંગ્લૅન્ડ વિરુદ્ધની વેમ્બલી ખાતેની મૅચમાં અદભુત ગોલ કર્યો હતો.

એ તેમની કારકિર્દીનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ હતો અને તેમણે બીજો આંતરરાષ્ટ્રીય ગોલ કર્યો ત્યારે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

જોકે, અત્યારે તો આપણે તેના જીવન વિશે જ વાત કરીશું.

આંદ્રેસ કોલમ્બિયાના ડિફેન્ડર હતા. તેઓ ઉત્તમ રમતા હતા. ટીમના અન્ય ખેલાડીઓમાં ચિત્રવિચિત્ર કપડાં પહેરતા, વિચિત્ર હેર-સ્ટાઇલ રાખતા ગોલકીપર રેને હિગુઇટા, ડિફેન્સિવ મિડફિલ્ડર લિઓનેલ અલ્વારેઝ અને અટેકિંગ મિડફિલ્ડર કાર્લોસ વાલ્ડેરામાનો સમાવેશ થતો હતો.

ટીમ કંઇક ચમત્કાર કરશે એવું લાગતું હતું. 1989માં કોલમ્બિયાએ દક્ષિણ અમેરિકન ક્લબ્ઝની મોટી ટુર્નામેન્ટ કોપા લિબર્ટાર્ડોર્સ જીતી હતી, પરંતુ કોલમ્બિયા ફૂટબૉલની રમત ડ્રગ માફિયાઓ માટે યુદ્ધભૂમિ બની ગઈ હતી.

અલ મેક્સિકાનો નામના ડ્રગ માફિયાએ મિલીનોરિજ ક્લબમાં પૈસા રોક્યા હતા. પાબ્લો એસ્કોબાર એટલાટિકો નેસિઓનલ અને મેન્ડેલિનના માલિક હતા, જ્યારે અમેરિકાની દે કાલી ક્લબને મિગેલ રોડ્રિગ્ઝ નામના માફિયાનું પીઠબળ હતું.

આ ક્લબ્ઝ વચ્ચેની મૅચોમાં જે કંઈ થાય તેમાં ઘણીવાર એક-બે લોકોએ જીવ ગુમાવવો પડતો હતો.

કાલી અને નેશનલ વચ્ચેની એક મૅચમાં રેફરીએ કાલી ક્લબની તરફેણમાં નિર્ણય કર્યો એટલે પાબ્લો એસ્કોબારે તે રેફરીની બીજા જ દિવસે હત્યા કરાવી હતી. તે રેફરી મિગેલ રોડ્રિગેઝના દોસ્ત હતા. પાબ્લોએ દાવો કર્યો હતો કે રેફરીએ જાણીજોઇને નેશનલ્સ વિરુદ્ધ આદેશ આપ્યો હતો.

મિગેલ રોડ્રિગેઝના પોતાના પુત્ર ફર્નાન્ડો રોડ્રિગેઝે ઈએસપીએનને આવું જણાવ્યું હતું.

કોલમ્બિયાના ફૂટબૉલમાં લોહી વહેતું થયું હતું.

બીબીસી ગુજરાતી

પાબ્લો અને ફૂટબૉલ વચ્ચેનો સંબંધ

સ્પર્ધાના સ્થળે પાબ્લો-પાબ્લો જેવા સુત્રોચ્ચાર થતા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્પર્ધાના સ્થળે પાબ્લો-પાબ્લો જેવા સુત્રોચ્ચાર થતા હતા

પાબ્લો એસ્કોબારને ફૂટબૉલની રમત બહુ પસંદ હતી એ જગજાહેર હકીકત હતી. તેથી તેણે ગરીબ પરિવારોના છોકરાઓને અનેક સુવિધા આપી હતી.

ઝૂંપડપટ્ટીમાં ફૂટબૉલનું ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું હતું. બાળકોને રમતગમતનાં સાધનો તથા બીજી સુવિધાઓ આપવામાં આવી હતી.

કોલમ્બિયાના બીજા મોટા શહેર મેડેલિનની ઝૂંપડપટ્ટીમાં ફૂટબૉલની મૅચો તથા સ્પર્ધાઓ યોજાતી હતી અને પાબ્લો તેમના હાજરી આપતો હતો.

પાબ્લોનું બાળપણ આવી જ એક ઝૂંપડપટ્ટીમાં જ વીત્યું હતું. રાષ્ટ્રીય ટીમમાં સ્થાન પામેલા લિઓનેલ અલ્વારેઝ, રેને હિગુઈટા, અલેક્સીસ ગાર્સિયા અને ચિંતો સેર્ના જેવા અનેક ખેલાડીઓ ઝૂંપડપટ્ટીમાંથી જ આગળ આવ્યા હતા.

સ્પર્ધાના સ્થળે પાબ્લો-પાબ્લો જેવા સૂત્રોચ્ચાર થતા હતા. એ લોકો માટે પાબ્લો એસ્કોબાર રોબિનહૂડ હતા.

પાબ્લોની બહેન લુઝ મારિયા એસ્કોબાર એક મુલાકાતમાં કહે છે કે “તેઓ ફૂટબૉલને દિલથી પ્રેમ કરતા હોા. તેમના જીવનના પ્રથમ બૂટ ક્લીટ્સ (ફૂટબૉલના ખાસ બૂટ) હતા અને જે દિવસે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે પણ તેમના પગમાં ક્લીટ્સ જ હતા.”

કોલમ્બિયાના ડિફેન્સિવ મિડફિલ્ડર લિઓનેલ અલ્વારેઝ કહે છે કે “પાબ્લોએ અમારા જેવા ગરીબ બાળકોને ડ્રગને બદલે ફૂટબૉલ આપ્યો તે એમનો ઉપકાર.”

બીબીસી ગુજરાતી

પાબ્લોના સામ્રાજ્યનું પતન અને રક્તપાત

કોલમ્બિયા દુનિયાની સૌથી ખતરનાક જગ્યા બની ગઈ હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોલમ્બિયા દુનિયાની સૌથી ખતરનાક જગ્યા બની ગઈ હતી

70 અને 80ના દાયકામાં અમેરિકામાં કોકેઇન એક્સપોર્ટ કરીને પાબ્લો એસ્કોબારે પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું. તેણે કોલમ્બિયામાંના અન્ય નાના-મોટા માફિયાઓ સાથે હાથ મિલાવ્યા હતા અથવા તેમની હત્યા કરાવી હતી.

1980-81 સુધીમાં તેઓ એટલા મોટા થઈ ગયા હતા કે કોલમ્બિયામાં તેને કોઈ ધક્કો મારી શકે તેમ ન હતું. ‘પૈસા લો અથવા ગોળી ખાઓ’ આ તેમનું સૂત્ર હતું. કોલમ્બિયાની પોલીસ કે ન્યાયતંત્ર પણ તેમનું કશું બગાડી શક્યા ન હતા.

પાબ્લો ટનબંધ કોકેન મોકલતા હતા અને ડ્રગનું વ્યસન અમેરિકાના સત્તાવાળાઓ માટે માથાનો દુખાવો બની ગયું હતું.

તે સમસ્યાના નિવારણ માટે અમેરિકાએ ડ્રગ-વિરોધી કાયદા આકરા બનાવ્યા હતા. દેશમાં ડ્રગની હેરફેર કરતા લોકોની અટકાયત કરીને તેમની સામે દેશમાં જ કાર્યવાહી ચલાવી શકાય તેવા કાયદા અમેરિકાએ બનાવ્યા હતા. એ ઉપરાંત સંબંધિત દેશો સાથે ગુનેગારોના હસ્તાંતરણના કરાર પણ કર્યા હતા.

એ દેશો પૈકીનો એક દેશ કોલમ્બિયા હતો. તેથી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે, અમેરિકા એક યા બીજી રીતે પાબ્લોની ધરપકડ કરશે અને તેને અમેરિકા લાવશે.

આ જાણવા મળ્યાની સાથે જ પાબ્લોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તેમને ગરીબ વર્ગનો ટેકો હતો, કારણ કે એ તેમની છબી ધનિકોને લૂંટીને ગરીબોને સુવિધા આપતા રોબિનહૂડ જેવી હતી.

તેમણે ઝૂંપડપટ્ટી માટે દવાખાના, સ્કૂલો, મેદાનો અને ઘરનું નિર્માણ કરાવ્યું હતું. અપેક્ષા મુજબ, તે મેડેલિન શહેરમાંથી કોલમ્બિયાની પ્રતિનિધિ સભામાં ચૂંટાઈ આવ્યો હતો.

એ પછીનાં ચાર વર્ષ સુધી અમેરિકા પાબ્લોને હાથ લગાવી શક્યું ન હતું, કારણ કે તેને રાજદ્વારી રક્ષણ મળેલું હતું. પદ પર આસીન રાજકીય નેતાને મળતું કાયદાકીય રક્ષણ.

પાબ્લો એસ્કોબારે એ દરમિયાન કેટલાક સમય સુધી કોલમ્બિયાને જાણે કે પોતાના તાબામાં લઈ લીધું હતું. ફૂટબૉલ રેફરીએ તેમના વિરુદ્ધ નિર્ણય આપ્યો એટલે તેની હત્યા કરાવી હતી. જે પોલીસ અધિકારીએ તેમના માણસોની ધરપકડ કરી હતી તેમની પણ હત્યા કરાવ્યાની વાતો વહેતી થઈ હતી.

કોલમ્બિયા વિશ્વનું સૌથી ખતરનાક સ્થળ બની ગયું હતું. કોલમ્બિયાને ‘હત્યાની રાજધાની’ કહેવામાં આવતું હતું.

ચૂંટાયા પછી પાબ્લોની તાકાતમાં વધારો થયો હતો, પરંતુ કેટલાક લોકો તેનો વિરોધ કરતા હતા. એ પૈકીના એક કોલમ્બિયાના ન્યાય પ્રધાન રોડ્રિગો લારા-બોનિલા અને બીજા લિબરલ પાર્ટીના નેતા લુઈસ કાર્લોસ ગલાન હતા.

પાબ્લો પોતે લિબરલ પાર્ટીમાંથી જ ચૂંટાયા હતા, પરંતુ વધતા રક્તપાતને ધ્યાનમાં લઈને ગલાને તેમને પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા.

રોડ્રિગો લારા-બોનિલા શરૂઆતથી જ પાબ્લોના વિરોધી હતા અને તે ગૃહમાં ચૂંટાયા પછી પણ તેમણે પાબ્લોની ગુનેગાર પશ્ચાદભૂ સામે સવાલ ઉઠાવવાનું ચાલુ રાખ્યું હતું.

1984માં પાબ્લોએ રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને તેના ત્રણ મહિના પછી લારા-બોનિલાની હત્યા કરવામાં આવી હતી.

એ હત્યા પછી કોલમ્બિયા સરકારે પાબ્લો વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું અને હત્યાનો સિલસિલો શરૂ થયો હતો.

પાબ્લો સ્પષ્ટપણે માનતા હતા કે, “હું કોલમ્બિયામાં મરીશ તો ચાલશે, પરંતુ અમેરિકાની જેલમાં જઈશ નહીં”

5,000 લોકોની કોલમ્બિયામાં હત્યા થઈ હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 5,000 લોકોની કોલમ્બિયામાં હત્યા થઈ હતી

અમેરિકા સાથેની પ્રત્યાર્પણ સંધિનો વિરોધ કરવા માટે પાબ્લોએ લોસ એક્સટ્રેટેબલ્સ નામનું બળવાખોર સૈન્ય બનાવ્યું હતું અને તેને તાકાત આપી હતી.

1985ની આસપાસ આ બળવાખોરો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને સરકાર સામે સશસ્ત્ર બળવો કર્યો હતો.

કોલમ્બિયાની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અમેરિકા સાથેની પ્રત્યાર્પણ સંધિની કાયદેસરતા ચકાસવા કોર્ટમાં એકત્ર થયા હતા, ત્યારે અદાલતની ઇમારત પર હુમલો કરવામાં આવ્યો હતો, બૉમ્બ વિસ્ફોટ થયો હતો. એ ઘટના રક્તપાતનું ચરમ બિંદુ હતી.

એ ઘટનામાં સુપ્રીમ કોર્ટના અડધાથી વધુ ન્યાયાધીશો મૃત્યુ પામ્યા હતા.

શેરીઓમાં પાબ્લો એસ્કોબારના ગુંડાઓ અને પોલીસ વચ્ચે શબ્દશઃ યુદ્ધ ચાલતું હતું. તેમાં લોકો મરતા હતા.

સુપ્રીમ કોર્ટે પ્રત્યાર્પણ સંધિને ગેરકાયદે જાહેર કરી હતી.

પાબ્લો ફરી જીત્યા પરંતુ નવા રાષ્ટ્રપતિએ થોડા સમય બાદ અમેરિકા સાથે નવેસરથી કરાર કર્યો હતો.

લિબરલ પક્ષના નેતા ગલાને પાબ્લોને પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા, તેમની 1999માં પાબ્લોના કહેવાથી હત્યા કરવામાં આવી હતી.

પાબ્લોના કહેવાથી ગલાનના ઉત્તરાધિકારી સીઝર ગાવરિયાની હત્યાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. તેઓ જે વિમાનમાં પ્રવાસ કરવાના હતા તેમાં બૉમ્બ મૂકવામાં આવ્યો હતો. પ્લેનમાં સવાર ન થવાને કારણે સીઝર ગાવરિયા બચી ગયા હતા, પરંતુ અન્ય 107 મુસાફરો મૃત્યુ પામ્યા હતા.

પોલીસ, ન્યાયાધીશ, વકીલ, સામાન્ય લોકો મળીને કુલ 5,000 લોકોની કોલમ્બિયામાં એ સમયે હત્યા કરવામાં આવી હોવાનું કહેવાય છે.

બીજી બાજુ એન્ડ્રેસની ફૂટબોલ ટીમ પોતાના દેશની બાકી બચેલી ઇજ્જત બચાવવાનો પ્રયાસ કરી રહી હતી.

બીબીસી ગુજરાતી

1994નો વર્લ્ડકપ, ભૂલથી થયેલો ગોલ અને હત્યા

પાબ્લો ભવ્ય જેલમાં રહેતો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાબ્લો ભવ્ય જેલમાં રહેતો હતો

દેશમાં ચાલી રહેલા રક્તપાતને રોકવા માટે કોલમ્બિયા સરકારે પાબ્લો એસ્કોબારને શરણાગતિ સ્વીકારવા આહ્વાન કર્યું હતું.

તેને પોતાની ખાનગી જેલ બાંધવાની અને તેમાં રહેવાની છૂટ આપવામાં આવી હતી. અમેરિકા સાથેની પ્રત્યાર્પણની સંધિ રદ્દ કરવામાં આવી હતી. પાબ્લોએ 1991માં આત્મસમર્પણ કર્યું હતું, પરંતુ તે જે ભવ્ય જેલમાં રહેતો હતો ત્યાંથી પોતાનો કારભાર ચલાવતો હતો.

અહીં કોલમ્બિયાની ટીમ દક્ષિણ અમેરિકામાં ટુર્નામેન્ટ જીતી રહી હતી. તેમના કેટલાક ખેલાડી હવે યુરોપની ક્લબો માટે રમતા હતા.

અમેરિકામાં યોજાનારા વર્લ્ડકપ માટે 1991-92માં ક્વૉલિફાયર રાઉન્ડ રમાયો હતો. કોલમ્બિયાની ટીમે તેનું સર્વોત્તમ પ્રદર્શન કર્યું હતું.

પોતાના દેશમાં ભયંકર ઘટનાઓ બની રહી હતી, ત્યારે આ ખેલાડીઓમાં દેશના લોકોને આશાનું કિરણ દેખાયું હતું.

કોલમ્બિયાની ટીમ બે વર્ષમાં કૂલ 26 મૅચ રમી હતી અને માત્ર એક જ વખત હારી હતી.

1994માં વર્લ્ડકપ શરૂ થયો એ પહેલાં કોઈએ મહાન ફૂટબૉલ ખેલાડીને પૂછ્યું હતું કે, આ વર્ષનો વર્લ્ડકપ કોણ જીતશે? તેમણે એક ક્ષણનો વિલંબ કર્યા વિના જવાબ આપ્યો હતોઃ કોલમ્બિયા.

આર્જેન્ટિનાને હરાવીને કોલમ્બિયાએ વર્લ્ડકપમાં પોતાનો પ્રવેશ નિશ્ચિત કર્યો, ત્યારે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાગલની જેમ નાચ્યા હતા. તેમના માટે ઉજવણીનો પ્રસંગ વર્ષો પછી આવ્યો હતો.

ફૂટબૉલ કોલમ્બિયાનું નવું પ્રતીક બન્યો હતો. સતત ચાલી રહેલા હિંસાચાર વચ્ચે કોલમ્બિયાના લોકોને હકારાત્મક કશું સાંપડ્યું જ ન હતું.... પાબ્લો એસ્કોબાર પોલીસના હાથે માર્યો ગયો હતો.

બન્યું એવું કે પાબ્લો ભવ્ય જેલમાં રહેતો હતો અને તેમાંથી તેને સાદી જેલમાં ખસેડવા માટે પોલીસ આવી રહી હોવાની ખબર પાબ્લોને પડી હતી.

તેથી પાબ્લો પોતાની ખાનગી જેલમાંથી ભાગી ગયો હતો. એક વર્ષ સુધી પોલીસને હાથતાળી આપતો રહ્યો હતો અને 1993ની બીજી ડિસેમ્બરે પોલીસ સાથેની અથડામણમાં તે માર્યો ગયો હતો.

કોલમ્બિયાનું વાતાવરણ ફરી ગરમાયું હતું. અત્યાર સુધી કોલમ્બિયાના ડ્રગ માર્કેટમાં પાબ્લોનો એકાધિકાર હતો, પરંતુ તેના મોત પછી નાના માફિયાઓ તેનું સ્થાન અંકે કરવા અંદરોઅંદર લડાઈ કરવા લાગ્યા હતા. રક્તપાત ફરી શરૂ થયો હતો.

વર્લ્ડકપમાં કોલમ્બિયાની પહેલી મૅચ. ખેલાડીઓ પર જોરદાર દબાણ હતું. તેમની પાસેથી લોકોની અપેક્ષા વધી હતી અને દેશમાં અશાંતિ ફરી વધી હતી.

બીબીસી ગુજરાતી

ખેલાડીઓને ડર હતો કે તેઓ હારી જશે તો શું થશે?

એ જ મૅચ આંદ્રેસના મોતનું કારણ બની હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એ જ મૅચ આંદ્રેસના મોતનું કારણ બની હતી

રોમાનિયા સામેની પહેલી મૅચમાં, ખરું કહીએ તો કોલમ્બિયાના ખેલાડીઓનું પ્રદર્શન ખરેખર ખરાબ હતું. 92,000 લોકોની હાજરીમાં કોલમ્બિયા તે મૅચ 3-1થી હારી ગયું હતું.

ખેલાડીઓને ધમકીભર્યા ફોન આવવા લાગ્યા હતા. ડ્રગ માફિયાઓએ કોલમ્બિયાની ટીમની જીત પર ઘણા પૈસા લગાવ્યા હતા અને કોલમ્બિયા હારી ગયું તેથી તેઓ ગુસ્સે થયા હતા.

ખેલાડીઓને કેટલાકે કહેલું કે, અમે તમારા ટાંટિયા તોડી નાખીશું, કેટલાકે કહેલું કે અમે તમારા સંતાનોની હત્યા કરીશું, તમારી પત્નીઓ પર બળાત્કાર કરીશું.

ખેલાડીઓની માનસિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ હતી.

1994ની 22 જૂને બીજી મૅચ હતી. કોલમ્બિયા વિરુદ્ધ અમેરિકા. એ જ મૅચ આંદ્રેસના મોતનું કારણ બની હતી.

મૅચની બાવીસમી મિનિટે આંદ્રેસ અમેરિકન ખેલાડી દ્વારા ફટકારવામાં આવેલા બોલને ગોલ થતો અટકાવવા ધસી ગયો હતો અને ભૂલથી તેણે મારેલા ફટકાથી જ ગોલ થઈ ગયો હતો.

આંદ્રેસે પોતાની ટીમ સામે જ ગોલ કર્યો હતો.

ફૂટબૉલમાં આ સેલ્ફગોલ કોઈ નવી વાત નથી. આવી ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. રમતમાં ભૂલ થતી હોય છે, પરંતુ કોલમ્બિયાને આ ભૂલ મોંઘી પડી હતી અને તે ટૂર્નામૅન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું હતું.

બીજો કોઈ ખેલાડી હોત તો દેશમાં પાછો આવ્યો ન હતો. ધમકીઓ મળતી હતી. વાતાવરણ ખરાબ હતું, પણ આંદ્રેસ સ્વદેશ તરત જ પાછો ફર્યો હતો અને કોલમ્બિયાના મોટા અખબારો માટે લેખો લખ્યા હતા.

બીબીસીના ‘વિટનેસ હિસ્ટ્રી’ કાર્યક્રમમાં તેનો ઉલ્લેખ છે. આંદ્રેસે લખ્યું હતું કે, “તે મારા જીવનનો સૌથી ખરાબ દિવસ હતો. મને રાતે ઉંઘ આવતી નથી. અમે એક નિર્ણાયક ક્ષણ ચૂકી ગયા હતા. હું હજુ પણ ઉદાસ છું. તે એક ગોલને કારણે અમે હારી ગયા. મારી સાથે અગાઉ આવું ક્યારેય બન્યું નથી, પણ જે બન્યું તે કોલમ્બિયન ફૂટબોલના ઇતિહાસમાંની સૌથી મહત્વની ક્ષણ બની ગઈ.”

એ કાર્યક્રમમાં આંદ્રેસના દોસ્ત અને પત્રકાર લુઈસ ફર્નાન્ડો રિસ્ટ્રેપોએ કહ્યું હતું કે, “તેણે બધાની સામે પોતાની ભૂલનો સ્વીકાર કરવાની હિંમત દાખવી છે. તેણે કશું છુપાવ્યું નથી. તેણે લોકોને કહ્યું છે કે જુઓ, હું અહીં જ છું.”

અમેરિકા સામેની મેચના માત્ર દસ દિવસ પછી બીજી જુલાઇએ આંદ્રેસ તેના વતન મેડેલિનની એક ક્લબમાં ગયો હતો.

એ સમયે તેની વય માત્ર 27 વર્ષ હતી. તેની પાસે આખું આયખું બાકી હતું. તેના લગ્ન થવાના હતા. ઈટાલીની ક્લબ એસી મિલાન તરફથી રમવાનો કોન્ટ્રાક્ટ તેણે કર્યો હતો.

તેણે દેશવાસીઓની માફી માગી હતી અને નવા જોશ સાથે રમવા તૈયાર હતો, પણ નિયતિના મનમાં કંઈક અલગ હતું. એ રાતે લુઇસ પણ નાઈટ ક્લબમાં હતો. તેને થોડા સમય માટે આંદ્રેસ જોવા મળ્યો હતો.

લુઇસે કહ્યુ હતું કે, “આંદ્રેસ તેના દોસ્તો સાથે હતો. હું તેની પાસેથી પસાર થયો ત્યારે મેં તેને હેલો કહ્યું હતું અને તેણે પણ સ્મિત કર્યું હતું.”

“હું જે રેડિયો સ્ટેશન માટે કામ કરતો હતો તેના સ્ટુડિયો મેનેજરનો, થોડી વાર ફોન આવ્યો હતો. તેમણે મને કહ્યું હતું કે તાબડતોબ ઓફિસે પહોંચી જાઓ. આંદ્રેસ એસ્કોબારની હત્યા કરવામાં આવી છે.”

ક્ષણભર માટે લુઇસને સમજાયું નહીં કે શું થયું છે. તેમણે બરાડીને પૂછ્યું હતું કે, “આ કેવી રીતે શક્ય છે?” મેનેજરે કહેલું કે “હું સાચું કહું છું. આવું બન્યું છે.”

“આઠ કલાક સુધી બ્રોડકાસ્ટનું કામ કર્યું. ઘરે ગયો અને ખૂબ રડ્યો.”

બીબીસી ગુજરાતી

આંદ્રેસની હત્યા કોણે કરી?

આંદ્રેસના મોત પછી પણ કોલમ્બિયામાં સેંકડો લોકોએ જીવ ગૂમાવ્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આંદ્રેસના મોત પછી પણ કોલમ્બિયામાં સેંકડો લોકોએ જીવ ગૂમાવ્યા હતા

તે સમયે એવા અહેવાલ હતા કે, એક ડ્રગ માફિયાના અંગરક્ષકે આંદ્રેસ પર ગોળીબાર કર્યો હતો. માફિયાઓએ કોલમ્બિયાની જીત પર ઘણા પૈસા લગાવ્યા હતા અને કોલમ્બિયા હારી જતાં તેમને મોટું નુકસાન થયું હતું.

જોકે, લુઇસે બીબીસીને જણાવ્યું હતું કે, વાત આટલી સરળ નથી.

તેમણે કહ્યું હતું કે, “તે સમયે કોલમ્બિયામાં પરિસ્થિતિ અત્યંત ખરાબ હતી. 100-200 ડોલર માટે લોકોની હત્યા કરવામાં આવતી હતી. વિવાદ નિશ્ચિત રીતે આંદ્રેસના સેલ્ફગોલથી શરૂ થયો હતો. હત્યારો નશામાં હતો. આંદ્રેસે તેને શાંત પાડવાના પ્રયાસ કર્યા હતા, પણ તેણે આંદ્રેસને ગોળી મારી દીધી હતી. તે સમયે કોલમ્બિયામાં હિંસાચાર સંસ્કૃતિ બની ગયો હતો. તેમાં કશું નવું ન હતું.”

આંદ્રેસના મોત પછી પણ કોલમ્બિયામાં સેંકડો લોકોએ જીવ ગૂમાવ્યા હતા.

આંદ્રેસને મોતથી સમગ્ર વિશ્વને આઘાત લાગ્યો હતો. તેમની અંતિમ યાત્રામાં હજારો લોકો એકઠા થયા હતા. પશ્ચિમી મીડિયાએ તે ઘટનાને ‘ડ્રગ માફિયાનો બદલો’ કહીને વર્ણવી હતી, પણ સમય આગળ વધતો રહ્યો.

“ક્યારેક ફૂટબોલ સ્ટેડિયમમાં આંદ્રેસના નામ સાથેનું બેનર દેખાય છે, ત્યારે લોકો બૂમો પાડીને કહે છે કે, “ફૂટબોલના જેન્ટલમેન અમર રહે.” વાત ત્યાં પૂરી થઈ જાય છે. એ સમયે કોલમ્બિયામાં દર વર્ષે 30,000 લોકો હિંસાચારમાં મૃત્યુ પામતા હતા. અને આંદ્રેસ એમના પૈકીના એક હતા.”

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી