સૉક્રેટિઝ : બેસ્ટ ફૂટબૉલર, જે ડૉક્ટર અને ફિલોસોફર હતો, પણ વર્લ્ડકપ જીતી શક્યો નહીં

ફૂટબૉલ

ઇમેજ સ્રોત, SIMON & SCHUSTER PUBLICATION

    • લેેખક, પ્રદીપકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

આ વર્ષની ફૂટબૉલ વર્લ્ડકપ ફાઈનલ મૅચ રવિવારે રમાઈ ગઈ અને આર્જન્ટિના વર્લ્ડકપ ચૅમ્પિયન બન્યું. આ મૅચ પર આખી દુનિયાની નજર હતી, કારણ કે જબરો કરિશ્મા ધરાવતા ખેલાડી લિયોનેલ મેસીનું સપનું પણ એ મૅચ પર ટકેલું હતું.

આર્જેન્ટિનાના મેસીના નામે વર્લ્ડકપ સિવાયની ફૂટબૉલના વિશ્વની તમામ સિદ્ધિઓ છે. 2006થી વર્લ્ડકપમાં નસીબ અજમાવતા રહેલા મેસીએ આ વખતે પાંચમી વખત વિશ્વ કપમાં ભાગ લીધો હતો ફૂટબૉલની રમતના કુદરતી જાદુથી માંડીને તેમાંથી બહાર આવતી મોહક છબી સુધીનું બધું પોતાની પાસે હોવા છતાં મેસીની કારકિર્દીનો એક ખૂણો અત્યાર સુધી ખાલી હતો.

આવું અત્યાર સુધી મેસીની સાથે જ થયું ન હતું. આ વેળાના વર્લ્ડકપની ક્વાર્ટર ફાઈનલમાં મોરોક્કોની સામે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું સપનું કઈ રીતે તૂટી ગયું એ આપણે જોયું છે. મેસી જેટલા જ ક્ષમતાવાન ખેલાડી પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો પણ કદાચ આ છેલ્લો વર્લ્ડકપ હતો અને વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ જવાનું દર્દ તેમના આંસુમાં સ્પષ્ટ દેખાતું હતું.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઉપરાંત ક્રોએશિયાના લુકા મોડરિચ અને બ્રાઝિલના નેમાર પણ આ યાદીમાં સામેલ કરી શકાય. આ બન્નેનો સમાવેશ વિશ્વના ઉત્તમ ખેલાડીઓમાં થાય છે, પરંતુ વર્લ્ડકપ જીતવાનો કરિશ્મા આ બન્ને પણ દેખાડી શક્યા નહીં.

કતાર ખાતે રમાયેલી વર્લ્ડકપની ક્વાર્ટર ફાઈનલ મૅચમાં ઉત્તમ ગોલ કરવાને કારણે ક્રોએશિયા સામે બ્રાઝિલની હાર થઈ હતી અને નેમારે કહ્યું હતું કે તેઓ આ હારને લાંબો સમય સુધી ભૂલી શકશે નહીં. આ પોતાનો છેલ્લો વર્લ્ડકપ નહીં હોવાની સ્પષ્ટતા પણ તેમણે કરી હતી.

આ છે વર્લ્ડકપનો જાદુ, જે દંતકથારૂપ ખેલાડીઓને પણ વારંવાર મેદાનમાં પાછા લાવતો રહ્યો છે અને દંતકથારૂપ ખેલાડીઓ પોતાનું સર્વસ્વ હોમી દેવા છતાં સર્વોચ્ચ સિદ્ધિ હાંસલ કરી શકતા નથી.

ભૂતકાળના ચૅમ્પિયનો પર નજર કરીએ તો આવા અનેક દિગ્ગજ નજર સામે આવે છે. એક નામ નોર્ધન આયર્લેન્ડના ફૂટબૉલર જ્યોર્જ બેસ્ટનું છે. બીજા છે નેધરલેન્ડ્ઝના જોહાન ક્રોયફ છે. તેમના સિવાય હંગેરીના ફ્રેનેક પુસ્કાસ, ફ્રાન્સના માઈકલ પ્લેટિની અને રશિયાના ગોલકીપર લેવ યાશિનનું નામ પણ સામેલ કરી શકાય.

ગ્રે લાઇન

1982ના વર્લ્ડકપમાં ઝમકદાર ખેલ

ફૂટબૉલની મૅચ

ઇમેજ સ્રોત, Getty Images

આજે જે ખેલાડીની વાત કરવી છે તેમના વિશે એવું કહેવાય છે કે તેઓ સર્વશ્રેષ્ઠ ખેલાડી હતા, પરંતુ વિશ્વ કપ જીતી શક્યા નહીં. એટલું જ નહીં, તેમની ટીમ વિશે પણ એવી ધારણા છે કે એ સર્વશ્રેષ્ઠ ટીમ છે, જે વિશ્વ કપ જીતી શકી નથી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ ટીમ હતી 1982ના વર્લ્ડકપમાં ભાગ લઈ ચૂકેલી બ્રાઝિલની ટીમ અને તેમના એ ખેલાડીનું નામ હતું સૉક્રેટિઝ. તેઓ કેટલા ઉત્તમ ફૂટબૉલર હતા એ સમજવા માટે તેમના જીવનચરિત્રના પુસ્તકનું ટાઈટલ જ પૂરતું છે. એ પુસ્તકનું નામ છેઃ ડૉક્ટર સૉક્રેટિઝ – ફૂટબૉલર, ફિલોસોફર એન્ડ લિજેન્ડ.

રમતગમતની દુનિયામાં આવો ભાગ્યે જ બીજો કોઈ સ્ટાર હશે, જેમની વાત કરવા માટે આટલું બધું કહેવું પડે. ડૉક્ટર પણ, ફૂટબૉલર પણ, ફિલોસોફર અને લિજેન્ડ પણ. સૉક્રેટિઝની આ વિશિષ્ટતા હતી. રૉયટર્સ સમાચાર એજન્સી માટે બ્રાઝિલમાં 17 વર્ષ કામ કરી ચૂકેલા એન્ડ્ર્યુ ડોઉને આ પુસ્તક લખ્યું છે.

આ પુસ્તકના પ્રસ્તાવનામાં જોહાન ફ્રોયફે લખ્યું છે કે “સૉક્રેટિઝ ફૂટબૉલ પાસેથી ઇચ્છે તે તેવી કમાલ કરાવવા સક્ષમ હતા. તેઓ બહુ ઝડપથી દોડતા નહોતા, તેઓ બીજા ખેલાડીઓને બહુ થાપ આપતા નહોતા અને બહેતર હેડર પણ લગાવતા નહોતા, છતાં જે ઇચ્છતા તે કરી શકતા હતા. વાસ્તવમાં તેઓ એવા ખેલાડીઓ પૈકીના એક હતા, જેઓ બધું થોડું-થોડું કરી શકતા હતા અને એમનું થોડું પણ બેસ્ટ જેટલું હતું.”

સૉક્રેટિઝના પિતા અભ્યાસુ વ્યક્તિ હતા અને તેમના પર ગ્રીક ફિલસૂફીનો મોટો પ્રભાવ હતો. એ કારણે જ તેમણે તેમના પુત્રનું નામ સૉક્રેટિઝ રાખ્યું હતું. પિતા ફૂટબૉલને પણ ચાહતા હતા. તેથી સૉક્રેટિઝ છ વર્ષના થયા ત્યારે તેમણે દીકરાને વિખ્યાત ક્લબ સેન્ટોસનું ટી-શર્ટ ખરીદી આપ્યું હતું. સેન્ટોસ એ ક્લબ હતી, જ્યાંથી પેલે જેવા મહાન ખેલાડી ચમક્યા હતા અને સૉક્રેટિઝને તેમની અનેક મૅચ જોવાની તક મળી હતી.

ગ્રે લાઇન

મેડિસિનની ડિગ્રી

ફૂટબૉલ

ઇમેજ સ્રોત, Getty Images

ફૂટબૉલના મેદાનમાં કોઈ મોટું કામ કરતા પહેલાં સૉક્રેટિઝે મેડિસિનનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમણે સાઓ પાઉલો યુનિવર્સિટીની મેડિકલ સ્કૂલમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવી હતી.

તેમના જીવનચરિત્રમાંથી જાણવા મળે છે કે અભ્યાસ અને રમતનું દબાણ સૉક્રેટિઝ માટે મુશ્કેલીભર્યું રહ્યું હશે. તેથી તેમણે અભ્યાસ છોડી દીધો હતો, પરંતુ ઘરમાં કોઈને એ બાબતે વાત કરી નહોતી. તેઓ ઘરેથી ભણવા જવા નીકળતા હતા, પરંતુ સિનેમા અને પબમાં જઈને ઘરે પાછા ફરતા હતા. સૉક્રેટિઝ પરીક્ષામાં નાપાસ થયા ત્યારે તેમના પરિવારને ખબર પડી હતી કે તેમણે અભ્યાસ છોડી દીધો છે.

એ પછી પાંચ સંતાનો સાથેના પરિવારના મોભી તેમના પિતાએ સૉક્રિટિઝને સમજાવ્યું હતું કે ભણવું શા માટે જરૂરી છે. અઢાર વર્ષની વયે સૉક્રેટિઝે મેડિસિનના અભ્યાસ માટે ચાર યુનિવર્સિટીમાંથી પરીક્ષા આપી હતી. ચારેયમાં તેમની પસંદગી થઈ હતી. પરિવારની પાસે રહી શકાય એટલા માટે તેમણે સાઓ પાઉલોની પસંદગી કરી હતી.

એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરતાની સાથે સૉક્રેટિઝ સામે એક મોટો પડકાર હતો. તેમણે બ્રાઝિલની ફૂટબૉલ ટીમને 1970ની સફળતાના સ્તરે પાછી લાવવાની હતી. 1979માં બ્રાઝિલની ટીમમાં પ્રવેશ્યા બાદ તેમની સામે લક્ષ્ય હતું 1982નો વર્લ્ડકપ.

સૉક્રેટિઝ ત્યાં સુધીમાં લાંબા વાળ તથા દાઢી અને લાંબા-પહોળા કદ-કાઠી સાથે સંપૂર્ણપણે ફૂટબૉલર બની ચૂક્યા હતા, પરંતુ સૉક્રેટિઝને બ્રાઝિલમાં આજે પણ માત્ર ફૂટબૉલરને બદલે ફૂટબૉલ તથા સમાજ-રાજકારણની વધારે સમજ ધરાવતા ફૂટબૉલર ગણવામાં આવે છે.

તેમણે ફૂટબૉલ વિશે કહ્યું હતું કે “ફૂટબૉલ તમારી મુલાકાત સત્ય સાથે કરાવે છે. કોઈ બીજો વ્યવસાય આવું કરી શકતો નથી. ફૂટબૉલ આટલો લોકતાંત્રિક છે. હું હંમેશાં એવા ખેલાડીઓથી ઘેરાયેલો રહું છું, જેમની સામાજિક સ્થિતિ તથા શિક્ષણનું સ્તર અલગ છે. તેથી મને સમાજની સચ્ચાઈને નજીકથી જોવાનો મોકો મળે છે.”

પોતાની ટીમના અશ્વેત તથા ગરીબ ખેલાડીઓને જોઈને તેમના લોકશાહી દિમાગમાં ખેલાડીઓને ક્લબમાંથી મુક્ત કરાવીને કે તેમને વધારે પૈસા અપાવવાનો વિચાર આવ્યો હતો. તેઓ માનતા હતા કે ક્લબોના ખેલાડીઓ સાથેના કોન્ટ્રાક્ટ્સ ક્લબને વધારે ફાયદો થાય તે રીતે બનાવવામાં આવે છે. તેથી ખેલાડીઓ બાંધછોડ કરી શકતા નથી.

આ જ કારણે સૉક્રેટિઝને બુદ્ધિશાળી ફૂટબૉલર માનવામાં આવે છે. તેમની બૌદ્ધિક પ્રતિભા એવી હતી કે તેઓ સામાન્ય રીતે ગોલ કર્યા પછી ટીમના અન્ય ખેલાડીઓ સાથે મળીને તેની ઉજવણી પણ કરતા ન હતા.

બ્રાઝિલની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવતા પહેલાં સૉક્રેટિઝ બ્રાઝિલની ક્લબ કોરાંથિયન્સના સ્ટાર બની ચૂક્યા હતા. એ ક્લબ વાસ્તવમાં બ્રાઝિલના નોકરિયાતો અથવા શ્રમિક વર્ગની ક્લબ હતી. એ ક્લબમાં તેઓ ખેલાડીઓની જ નહીં, પરંતુ ક્લબના કામદારોના હિત માટે પણ લડ્યા હતા. તેમની લડાઈને કોરાંથિયન્સ ડેમોક્રેસીના નામે ખ્યાતિ મળી હતી અને ક્લબની અંદરનો ભ્રષ્ટાચાર ઘણા અંશે ઓછો થઈ ગયો હતો. એ લડાઈએ સૉક્રેટિઝને હીરો બનાવી દીધા હતા.

રમતના મેદાનમાં તેમને પ્રમાણમાં ધીમા ખેલાડી ગણવામાં આવતા હતા, પરંતુ ટેકનિકના સંદર્ભમાં તેઓ જીનિયસ હતા. તેઓ રમતનો તાગ પહેલેથી જ મેળવી લેતા હતા અને એ કારણે અન્યો સામે પ્રભાવશાળી સાબિત થતા હતા. તેમના પાસ અસરકારક હતા અને ગોલ તો એકદમ સચોટ.

ગ્રે લાઇન

1982 વર્લ્ડકપમાં ઇટાલી સામે પરાજય

ફૂટબૉલ

ઇમેજ સ્રોત, Getty Images

તેઓ કૅપ્ટન તરીકે 1982માં તેમની ટીમને એ સ્થિતિમાં લાવ્યા હતા કે તે ટુર્નામેન્ટમાં સૌથી ફેવરિટ ટીમ ગણાવા લાગી હતી. એ ટુર્નામેન્ટમાં ટીમના કૅપ્ટન હોવા ઉપરાંત તેઓ સેન્ટર મિડફિલ્ડરની ભૂમિકા ભજવતા હતા. તેમની સાથે ઝીકો, ફ્રેઝો, ઈડર અને ફલકાઓ જેવા મિડફિલ્ડર્સ પણ હતા.

તેમનું નેતૃત્વ સૉક્રેટિઝ કરતા હતા અને તેમનામાં કોઈ પણ સંરક્ષણ હરોળને ભેદવાની તાકાત હતી. ટુર્નામેન્ટ પહેલાંની પત્રકાર પરિષદમાં પૂછવામાં આવ્યું હતું કે નેધરલેન્ડ્ઝની ટીમે ટોટલ ફૂટબૉલ શોધી છે અને પેલેની ટીમ માર્શલ આર્ટની ગિંગા શૈલીમાં રમે છે ત્યારે તમારી ટીમ કઈ રીતે રમશે? આ સવાલ સાંભળીને થોડી વાર પછી તેમણે જવાબ આપ્યો હતો કે “ઓર્ગેનાઈઝ્ડ કેઓસ.” (એટલેકે સંગઠિત અવ્યવસ્થા)

જોકે, રશિયા સામેની પહેલી મૅચમાં બ્રાઝિલની ટીમ પાછળ રહી ગઈ હતી. 75 મિનિટની રમત બાદ ટીમ એક ગોલથી પાછળ હતી ત્યારે ગોલપોસ્ટથી 40 યાર્ડ દૂર બૉલ સૉક્રેટિઝ પાસે આવ્યો હતો. તેમણે ક્ષણવારમાં એવો શૉટ માર્યો હતો કે બૉલ બે ડિફેન્ડરોને થાપ આપીને ગોલપોસ્ટ અંદર ડાબી બાજુએ પહોંચી ગયો હતો. એ પછી ઇડરના ગોલને લીધે ટીમનો વિજય થયો હતો. પોતાના ગોલ વિશે સૉક્રેટિઝે બાદમાં કહ્યું હતું કે “તે ગોલ નહીં, પરંતુ અનંત ઉત્તેજનાનો અતિરેક હતો.”

આ જ ટીમ ઇટાલી સામેની મૅચમાં ખરા વખતે હારી ગઈ હતી. એ મૅચમાં પણ સૉક્રેટિઝે ગોલ કરીને પોતાની ટીમને સરસાઈ અપાવી હતી, પરંતુ 2-2ના સમાન સ્કોર પછી ઇટાલીના પાઉલો રોસીના અંતિમ અને હેટ્રિક ગોલ પછી બ્રાઝિલની ટીમ ટુર્નામેન્ટની બહાર ફેંકાઈ ગઈ હતી.

બ્રાઝિલની ટીમ તે મૅચ 2-3ના સ્કોરથી હારી ગઈ હતી અને સેમિ-ફાઈનલમાં સ્થાન મેળવી શકી ન હતી.

1982ની પાંચમી જુલાઈએ બ્રાઝિલની ટીમ હારી ત્યારે મેદાનમાં હાજર દરેક દર્શકની આંખમાં આંસુ આવી ગયાં હતાં, પરંતુ સૉક્રેટિઝે મૅચ પછી ટીમના ખેલાડીઓને કહ્યું હતું કે “દોસ્તો, આપણે મૅચ હાર્યા છીએ, પરંતુ આપણી પાસે છે તેને ખોઈ નાખવાનું નથી. આપણી ટીમના ખેલાડીઓની અદ્ભુત એકતા અને ભાઈચારો જીવનભર ટકી રહેશે. આ બાબત સૌથી વધુ મહત્ત્વની છે.” જોકે, આટલું કહેતાં-કહેતાં સૉક્રેટિઝ પોતે હીબકાં ભરવા લાગ્યા હતા.

એ ટીમની તાકાત અને વર્લ્ડકપ જીતી નહીં શકવાના ડંખ બાબતે પેલેએ પોતાની આત્મકથામાં લખ્યું હતું કે “સૉક્રેટિઝ ઉત્તમ મિડફિલ્ડર હતા અને તેમની ટીમ પણ કમાલની હતી. એ ટીમની તાકાત પણ હતી અને નિર્બળતા પણ. ટીમ પાસે સ્ટ્રાઈકિંગ ફોરવર્ડ્ઝ નહોતા.”

સૉક્રેટિઝની જીવનકથામાં જણાવવામાં આવ્યું છે કે હાર પછી તેઓ સાથી ખેલાડીઓ સાથે પબમાં ડ્રિંક કરવા ચાલ્યા ગયા હતા અને સવારે પાંચ વાગ્યા સુધી દારૂ પીતાં રહ્યા હતા. જોકે, બીજી સવારે તેમણે કહ્યું હતું કે “આ હારને સમજવાનું મુશ્કેલ છે, કારણ કે અમે કોઈ ભૂલ કરી ન હતી. મારા હિસાબે કોઈ ભૂલ થઈ ન હતી. અમારે હાર માટે તૈયાર રહેવું જોઈએ – ખાસ કરીને ફૂટબૉલની રમતમાં. હાર પોતાની વ્યક્તિના મોત જેવી હોય છે. તમને ખબર હોય છે કે તેઓ મૃત્યુ પામવાના છે, છતાં તેનું દુઃખ ઓછું થતું નથી.”

ગ્રે લાઇન

લોકશાહી મૂલ્યોમાં ભરોસો

ફૂટબૉલ

ઇમેજ સ્રોત, SIMON & SCHUSTER PUBLICATION

સૉક્રેટિઝનું ખેલ જીવન એ પછી ખતમ થયું ન હતું. તેઓ 1986ના વર્લ્ડકપમાં પણ રમ્યા હતા. 1986માં સ્પેનમાં રમાયેલા વર્લ્ડકપમાં તેઓ બ્રાઝિલની ટીમમાં સ્થાન પામ્યા હતા, પરંતુ ઈજાઓને કારણે તેમને કૅપ્ટનશીપ સોંપવામાં આવી ન હતી. સ્પેન વિરુદ્ધની પહેલી મૅચમાં પેનલ્ટીનો લાભ લઈને તેમણે ગોલ ફટકાર્યો હતો, પરંતુ ક્વાર્ટર ફાઈનલમાં પેનલ્ટી શૂટ આઉટનો લાભ લેવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. તેમની ટીમ ફ્રાન્સ સામેની મૅચ હારી ગઈ હતી. એ તેમની અંતિમ મૅચ સાબિત થઈ હતી.

બિન્દાસ જીવનશૈલી તેમજ સિગારેટ અને શરાબના વ્યસનની હોવા છતાં ફૂટબૉલની દુનિયામાં કાયમ ચર્ચાતા રહ્યા હતા. તેમના લોકશાહી વિચારોએ તેમને ફિલસૂફ અને દંતકથારૂપ ખેલાડીનો દરજ્જો અપાવ્યો હતો. તેઓ ગરીબોને મદદ કરવા માટે જાણીતા હતા અને બ્રાઝિલના ફૂટબૉલ ખેલાડી હોવા છતાં તેમના હીરો પેલે અને ગરિંચા જેવા દિગ્ગજો નહોતા. તેઓ કહેતા હતા કે તેમના હીરો ફિડેલ કાસ્ત્રો અને ચે ગુવેરા છે. તેઓ બીટલ્સ ગ્રુપ સાથે જોડાયા હતા અને તેમના પર યુદ્ધની વિભીષિકા સામે અવાજ ઉઠાવનાર કર્મશીલ જોન લેનનનો પ્રભાવ રહ્યો હતો.

તેઓ ફિડેલ કાસ્ત્રોથી એટલા પ્રભાવિત હતા કે તેમણે પોતાના એક પુત્રનું નામ ફિડેલ રાખ્યું હતું. તેઓ બાળકનું નામ નક્કી કરતા હતા ત્યારે તેમના માતાએ કહ્યું હતું કે “સંતાન માટે તેં એક મુશ્કેલ વ્યક્તિનું નામ પસંદ કર્યું છે.” તેમણે તેમના માતા સામે જોઈને કહ્યું હતું કે “જુઓ, તમે મારી સાથે શું કર્યું?” તેઓ તેમના માતાને ગ્રીક ફિલસૂફ સૉક્રેટિસની યાદ અપાવતા હતા.

જોકે, તેમનું અંગત જીવન ઊથલપાથલથી ભરપૂર હતું. તેમણે ચાર લગ્ન કર્યાં હતાં અને તેઓ પાંચ સંતાનોના પિતા બન્યા હતા. આ બધાની વચ્ચે તેઓ અખબારો તથા સામયિકો માટે માત્ર ફૂટબૉલ જ નહીં, રાજકારણ તથા અર્થશાસ્ત્ર વિશેના લેખો પણ લખતા રહ્યા હતા. તેમને દુનિયાભરના ફૂટબૉલ પ્રેમીઓનો પ્રેમ મળતો રહ્યો હતો.

વધુ પડતો દારુ પીવાને કારણે 2011ની ચોથી ડિસેમ્બરે માત્ર 57 વર્ષની વયે તેઓ મૃત્યુ પામ્યા. રસપ્રદ વાત એ છે કે સૉક્રેટિસ પોતે તો બ્રાઝિલને વર્લ્ડકપ જીતાડી શક્યા ન હતા, પરંતુ તેમના નાના ભાઈ રાયની કૅપ્ટનશીપ હેઠળ બ્રાઝિલ 1994નો વર્લ્ડકપ જીત્યું હતું. જે સપનું સૉક્રેટિઝે 1970માં જોયું હતું, તે 24 વર્ષ બાદ તેમના નાના ભાઈએ, તેમની હયાતીમાં જ સાકાર કરી દેખાડ્યું હતું.

રેડ લાઇન
રેડ લાઇન