જશુ પટેલ : અમદાવાદી ક્રિકેટર જેમણે એક એવો રૅકૉર્ડ બનાવ્યો, જેને દાયકાઓ સુધી કોઈ તોડી નહોતું શક્યું.

ઇમેજ સ્રોત, Jashu Patel Family

- અમદાવાદમાં જન્મેલા જશુ પટેલ એક ઇનિંગમાં નવ વિકેટ ખેરવી વર્લ્ડ ક્રિકેટના ‘યાદગાર’ ખેલાડી બની ગયા હતા
- 1924ની 26મી નવેમ્બરે અમદાવાદમાં જન્મેલા જશુ પટેલને આ પ્રદર્શન બાદ તરત જ પદ્મશ્રી ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા
- ઑસ્ટ્રેલિયા સામે 1959-60માં રમાયેલ કાનપુર ટેસ્ટમાં જશુ પટેલે બંને દાવમાં કુલ14 વિકેટ લીધી હતી
- પ્રથમ દાવમાં તેમણે 69 રનમાં નવ વિકેટ ખેરવી તે રૅકૉર્ડ લગભગ ચાર દાયકા સુધી અકબંધ રહ્યો જ્યારે અનિલ કુંબલેએ પાકિસ્તાન સામે ઇનિંગમાં દસ વિકેટ ખેરવીને એ રૅકૉર્ડ તોડ્યો હતો

ભારતીય ક્રિકેટમાં વિવિધ કીર્તિમાન સર્જાયાં હોય અને જે તે બૅટ્સમૅન કે બૉલરે યાદગાર પ્રદર્શન કર્યાં હોય તેવા તો ઘણા પ્રસંગ બન્યા છે, પરંતુ તેમાંના કેટલાક પ્રસંગ એવા હોય છે જેને જીવનભર ભૂલી શકાય નહીં. આવું જ એક બૉલિંગ પ્રદર્શન એટલે 1959-60માં કાનપુર ખાતે રમાયેલી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મૅચ અને તેમાં જશુ પટેલે બંને દાવમાં મળીને ખેરવેલી 14 વિકેટ અને પ્રથમ દાવની નવ વિકેટ.
આ એકમાત્ર શાનદાર બૉલિંગ પ્રદર્શને જશુ પટેલને મહાન બનાવી દીધા અને ત્યાર બાદ તેઓ જીવ્યા ત્યાં સુધી તથા આજે તેમના નિધનના ત્રણ દાયકા બાદ પણ તેમને એ નવ વિકેટ માટે યાદ રાખવામાં આવે છે. કાનપુર ખાતે રમાયેલી એ મૅચમાં રિચી બેનોની ઑસ્ટ્રેલિયન ટીમ અત્યંત મજબૂત હતી. ભારતે એ અગાઉ ક્યારેય ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ જીતી ન હતી.
આ મૅચમાં જશુ પટેલે નવ વિકેટ પહેલા દાવમાં અને બીજા દાવમાં પાંચ વિકેટ સાથે કુલ મળીને 124 રનમાં 14 વિકેટ ઝડપી હતી.
પ્રથમ દાવમાં તેમણે 69 રનમાં નવ વિકેટ ખેરવી તે રૅકૉર્ડ લગભગ ચાર દાયકા સુધી અકબંધ રહ્યો જ્યારે અનિલ કુંબલેએ પાકિસ્તાન સામે ઇનિંગમાં દસ વિકેટ ખેરવીને એ રૅકૉર્ડ તોડ્યો હતો. આ પ્રદર્શને જશુ પટેલને અમર બનાવી દીધા તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.
જોકે તેની પાછળ પણ એક કહાણી છે. 1992ના ડિસેમ્બરમાં તેમનું નિધન થયું તેના થોડા મહિના અગાઉ જશુ પટેલે અમદાવાદમાં તેમના ફેવરિટ સ્થાન એવા સ્પૉર્ટ્સ ક્લબ ખાતે વાતચીતમાં એક ભેદ ખોલ્યો હતો.
હકીકતમાં જશુ પટેલને કાનપુરના ગ્રીન પાર્ક ખાતે કૅપ્ટન ગુલાબ રામચંદ બીજા છેડેથી બૉલિંગ આપતા હતા જે તેમને મંજૂર ન હતું.
આખાબોલા એવા જશુ પટેલે બ્રેક સમયે પસંદગી સમિતિના ચૅરમૅન લાલા અમરનાથને ફરિયાદ કરી કે મારે આ મૅચમાં આગળ રમવું નથી કેમ કે મને હું ઇચ્છું છું તે છેડેથી બૉલિંગ કરવા મળે નહીં તો રમવાનો કોઈ ફાયદો નથી.
લાલા અમરનાથે દરમિયાનગીરી કરી અને કૅપ્ટન રામચંદને સમજાવ્યા કે પછી જાણે આદેશ જ આપ્યો અને અંતે જશુ પટેલ ઇચ્છતા હતા ત્યાંથી તેમને બૉલિંગ આપવામાં આવી. અને...ઇતિહાસ રચાઈ ગયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શંકાસ્પદ ઍક્શનના આક્ષેપ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1924ની 26મી નવેમ્બરે અમદાવાદમાં જન્મેલા જશુ પટેલને આ પ્રદર્શન બાદ તરત જ પદ્મશ્રી ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.
તેઓ ભારત માટે વધારે ટેસ્ટ રમ્યા નથી, પરંતુ તેમની ટૂંકી કારકિર્દીમાં તેઓ એક પ્રદર્શનથી યાદ રહેશે.
કાનપુર ખાતેની ટેસ્ટ તેમની કારકિર્દીની પાંચમી ટેસ્ટ હતી અને ત્યાર બાદ તેઓ માત્ર બે જ ટેસ્ટ રમી શક્યા.
એ સમયે તેમની બૉલિંગ ઍક્શન અંગે શંકા સેવવામાં આવી હતી અને આ શંકાસ્પદ ઍક્શનના આક્ષેપને કારણે તેમની કારકિર્દી ટૂંકી બની ગઈ હતી.
1954-55થી 1959-60 એમ લગભગ પાંચ સિઝનમાં માત્ર સાત ટેસ્ટ તે તેમની પ્રતિભાને અનુરૂપ બાબત કહેવાય નહીં. જશુ પટેલે 1954-55માં તેમની ટેસ્ટ કારકિર્દી આરંભી તેના 11 વર્ષ અગાઉ 1943-44માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.
પ્રારંભમાં તેમની બૉલિંગ એટલી ખતરનાક ન હતી, પરંતુ તેમનામાં પ્રતિભાની કોઈ કમી ન હતી.
તેમણે પહેલીવાર 1950ના જાન્યુઆરીમાં બરોડા સામે સાત વિકેટ ખેરવી અને તેઓ પ્રકાશમાં આવ્યા.
ત્યાર બાદ તો 1950-51ની સિઝનમાં પાંચ મૅચમાં 29 વિકેટ ખેરવીને તેઓ ટેસ્ટ ટીમમાં સ્થાન માટે દાવેદાર બની ગયા. ગુજરાતના આ પટેલની કારકિર્દીનો પ્રારંભ પણ રસપ્રદ છે, 1943-44માં તેમણે સિંધ સામેની કરાચી ખાતેની રણજી મૅચથી પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની શરૂઆત કરી અને એ જ કરાચી ખાતે 1955ના ફેબ્રુઆરીમાં ટેસ્ટ રમીને પોતાની ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.
ઘણા ઓછાને ખબર હશે કે જશુ પટેલના મોટા ભાઈ રમણલાલ મોતીલાલ પટેલ પણ રણજી ક્રિકેટર હતા અને સિંધ સામેની કરાચી ખાતેની એ રણજી મૅચ તેમની અંતિમ મૅચ હતી.

ગુજરાત ક્રિકેટમાં યોગદાન

ઇમેજ સ્રોત, Getty Images
જશુ પટેલ વિશે એમ કહેવાતું હતું કે તેઓ મેટિંગ વિકેટના તો બેતાજ બાદશાહ હતા. મેટિંગ વિકેટ પર તેમના બૉલ જે ગતિથી ટર્ન થતા હતા તેને કારણે જ ઘણા હરીફ બૅટસમૅન છેતરાઈ જતા હતા અને પોતાની વિકેટની ભેટ આપી દેતા હતા. જોકે મેટિંગ વિકેટના બૉલર હોવાનો એક ડાઘ જશુ પટેલ પર લાગી ગયો હતો અને તેને કારણે પણ તેમને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વધારે તક મળતી ન હતી તેમ કહેવાતું હતું.
આ ઉપરાંત તેમની બૉલિંગ ઍક્શન સામે પણ આંગળી ચીંધવામાં આવતી હતી.
જોકે આ અંગે પણ 1992ના પ્રારંભમાં તેમણે એ મુલાકાતમાં ખુલાસો કર્યો હતો અથવા તો પોતાનો ઊભરો ઠાલવ્યો હતો.
તેમનું કહેવું હતું કે ભારતના જ કેટલાક ચોક્કસ ખેલાડીઓ તેમની સામે ચાલ રમતા હતા.
મુંબઈમાં સ્થાનિક ક્રિકેટની કેટલીક મૅચમાં અમ્પાયરોને આ સ્ટાર ખેલાડીઓ દ્વારા સૂચના (કે ધમકી) આપવામાં આવતી હતી કે તેમણે જશુ પટેલની બૉલિંગમાં થ્રો જાહેર કરીને નો-બૉલ આપવો.
તેમણે એક અમ્પાયર તથા ભારતના એક મહાન ક્રિકેટરને આ માટે જવાબદાર ઠેરવ્યા હતા. તેમનુ કહેવું હતું કે મુંબઈના આઝાદ ક્રોસ મેદાન પર એક લોકલ મૅચ દરમિયાન અમ્પાયરે તેમની બૉલિંગમાં ઉપરાઉપરી ડઝન જેટલા નો-બૉલ જાહેર કર્યા હતા.
અંતે કંટાળીને જશુ પટેલે એ અમ્પાયરને હાથ જોડીને કહ્યું હતું કે તેમને કમસે કમ આ ઓવર પૂરી કરવા દો ત્યાર બાદ તેઓ આ લીગમાં ક્યારેય બૉલિંગ કરશે નહીં.
અંતે અમ્પાયરે છ બૉલ સુધી રાહ જોઈ હતી અને જશુ પટેલ ફરીથી મુંબઈમાં લોકલ લીગમાં રમવા જવાનું ટાળતા હતા. ગુજરાતના ક્રિકેટમાં જશુ પટેલનું એક ક્રિકેટર તરીકે યોગદાન અસામાન્ય રહ્યું હતું.
તેમણે ગુજરાત માટે 39 મૅચમાં 141 વિકેટ તો ખેરવી હતી પરંતુ સાથે સાથે બૅટિંગમાં પણ ક્યારેક કમાલ કરી હતી.
આ ઉપરાંત અન્ય ફર્સ્ટ ક્લાસ મેચોમાં મળીને જશુ પટેલે 68 મૅચમાં 248 વિકેટ ઝડપી હતી જેમાં 19 વાર તેમણે ઇનિંગ્સમાં પાંચ અને પાંચ વખત મૅચમાં દસ વિકેટ ખેરવી હતી.

અમદાવાદનું સ્ટેડિયમ બચાવવા કર્યા ઉપવાસ

ઇમેજ સ્રોત, TOM SHAW/ALLSPORT VIA GETTY IMAGES
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બેટિંગમાં તેમણે એક સદી ફટકારી હતી, પરંતુ તે ગુજરાતના રણજી ઇતિહાસની સૌથી યાદગાર સદી રહી હતી.
1950-51માં ગુજરાતની ટીમ રણજી ટ્રૉફીની ફાઇનલમાં પ્રવેશી હતી અને હોલકર સામેની એ ફાઇનલ મૅચ ઇન્દોરમાં રમાઈ હતી.
યશવંત રાવ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ફાઇનલમાં બીજા દાવમાં જશુ પટેલ દસમા ક્રમે રમવા આવ્યા હતા જેમાં તેમણે માત્ર બે કલાકની બેટિંગમાં 152 રન ફટકાર્યા હતા.
એ જમાનામાં બે કલાકમાં 152 રન ફટકારવા તે આજના જમાનાની ટી20 જેવી બેટિંગથી જ શક્ય હતા.
જોકે ખુદ જશુ પટેલનો દાવો એવો હતો કે તેઓ 11મા ક્રમે રમવા આવ્યા હતા. પરંતુ કેટલાક ઇતિહાસકારો માટે આજે પણ આ બાબત પડકાર સમાન છે.
હકીકતમાં જશુ પટેલનો દાવો એવો હતો કે ઓપનર હસન નાખુદા ઈજાગ્રસ્ત થતાં પેવેલિયનમાં ચાલ્યા ગયા હતા અને મારી બેટિંગ આવ્યા બાદ હું સદીની નજીક પહોંચી ગયો ત્યારે તેઓ ઘાયલ હોવા છતાં મારી સદી માટે મને ટેકો આપવા માટે બેટિંગમાં પરત ફર્યા હતા.
જશુ પટેલે તો એવો પણ દાવો કર્યો હતો કે બંને વચ્ચેની 136 રનની ભાગીદારીમાં એક તબક્કે તેમણે સળંગ દસેક ઓવર સુધી નાખુદાને સ્ટ્રાઇક આવે નહીં તેનો ખ્યાલ રાખ્યો હતો જેથી તેમના ઘાયલ હાથને તકલીફ પડે નહીં.
જશુ પટેલે ક્રિકેટર તરીકે નિવૃત્તિ જાહેર કર્યા બાદ પસંદગીકાર તથા સંચાલક તરીકે પણ ક્રિકેટની સેવા કરી હતી. આ ઉપરાંત 1980ના દાયકામાં જ્યારે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ક્રિકેટ સિવાયની અન્ય પ્રવૃત્તિઓ થવા લાગી અને સ્ટેડિયમનું અસ્તિત્વ જોખમાયું ત્યારે તેઓ સ્ટેડિયમના દરવાજા પાસે ઉપવાસ પર ઊતરી ગયા હતા અને તેમના વિરોધને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓએ નમતું જોખવું પડ્યું હતું.














