ઉપવાસમાં ખવાતો તૈલી ફરાળી આહાર કિડની લીવરને કેવી રીતે ખરાબ કરી શકે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત સહિત ભારતનાં વિવિધ રાજ્યોમાં શ્રદ્ધાળુઓ માટે ઉપવાસનો સમય ગણાતા શ્રાવણ મહિનામાં કોઈ માત્ર સોમવારનો ઉપવાસ કરે તો કોઈ આખો મહિનો ઉપવાસ રાખે છે.
ડૉક્ટરોના મતે અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવું શરીર માટે લાભદાયક બની રહે છે.
જોકે ઉપવાસ હોય ત્યારે ભૂખ્યા રહેવાને બદલે રોજિંદા ભોજન કરતાં અલગ પ્રકારે તૈયાર થતી તળેલી અને ખાંડવાળી ફરાળી વાનગીઓ ખાતા રહેવાથી, શરીરને લાભ કરતાં આડઅસર થવાની સંભાવનાઓ પણ છે.
નિષ્ણાતોના મતે તો નિયમિત રીતે ઉપવાસ કરવાથી કેટલીક બીમારીઓને ઘટાડી પણ કરી શકાય છે.
પરંતુ ઉપવાસના દિવસે હળવા ભોજનને બદલે ફરાળના તળેલાં ચિપ્સ અને વેફર્સ, સાબુદાણા વડાં, મીઠાઈ વગેરે ખાવામાં આવે ત્યારે એના પાચન માટે આંતરડાને દરરોજ કરતાં વધુ મહેનત કરવી પડે છે. જેને કારણે આ વાનગીઓ શરીરને ફાયદો નહીં, નુકસાન કરે છે.
ઉપવાસમાં કેવા ફરાળી ભોજનથી કિડની, લીવર કે અન્ય અંગોને નુકસાન થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
એક તંદુરસ્ત વ્યક્તિ માટે ફરાળી ભોજન કરીને ઉપવાસ કરવા કરતાં ઉપવાસના સમયગાળા દરમિયાન કશું જ ન ખાવું એ શરીર માટે વધુ લાભદાયક છે.
અમદાવાદસ્થિત લીવર સંબંધિત બીમારીઓના વિશેષજ્ઞ ડૉ. પથિક પરીખે બીબીસીને જણાવ્યું, "ઉપવાસનો હેતુ શરીરને આરામ આપવાનો છે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ (દિવસ દરમિયાન ચોક્કસ કલાકો દરમિયાન ભૂખ્યા રહીને થતો ઉપવાસ) કે 24 કલાક માટેનો ઉપવાસ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ કેટલાક લોકો ઉપવાસ દરમિયાન ભૂખ્યા રહી શકતા નથી."
"આપણે ત્યાં ઉપવાસ દરમિયાન બફવડાં, રાજગરાનો શીરો, રાજગરાની પુરી જેવી તળેલી કે તેલ-ઘીમાં બનાવેલી વાનગીઓ ફરાળ તરીકે ખાવાનું ચલણ છે. આ વાનગીઓમાં હાઈ કૅલેરી અને ડેન્સ એનર્જી હોય છે, જે લીવરના કોષોને નુકશાન પહોંચાડે છે. આવા તળેલા ખોરાકનું સતત સેવન ફેટી લીવરની બીમારી પણ નોતરી શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફેટી લીવરની બીમારી એટલે શું?

તૈલી ખોરાકમાં રહેલી ચરબી આપણાં શરીરમાં કિડની અને લીવર (યકૃત) જેવાં અંગોને અસર કરી છે.
ફેટી લીવરની બીમારી કેવી રીતે થાય છે તે સમજાવતાં ગૅસ્ટ્રો-ઍન્ટેરોલૉજિસ્ટ ડૉ. મનિષ ભટનાગરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "ઉપવાસમાં તેલયુક્ત ખોરાક ખાવામાં આવે તો તે શરીરમાં ચરબી જમા કરે છે. આ ચરબીયુક્ત ખોરાક વધુ માત્રામાં અથવા લાંબા સમય સુધી ખાવામાં આવે તો તેમાં રહેલી ચરબી ધીમેધીમે લીવર ઉપર જમા થાય છે. આ સ્થિતિને ફેટી લીવર કહેવાય છે."
ડૉ. ભટનાગર એમ પણ કહે છે કે ઉપવાસમાં તૈલી ફરાળી વાનગીઓને ખાઈને થતી ફેટી લીવર જેવી બીમારીને યોગ્ય પ્રકારે ઉપવાસ કરીને પણ વધતી અટકાવી શકાય છે અને લીવરને પાછું સ્વસ્થ બનાવી શકાય છે.
તેમણે કહ્યું, "જો યોગ્ય રીતે ઉપવાસ કરવામાં આવે તો ચરબીમાંથી કૅલેરી વપરાય છે અને ફેટી લીવર જેવી બીમારીને નિયંત્રિત કરી શકાય છે. પરંતુ જો વધુ કૅલેરીયુક્ત ખોરાક ખાવામાં આવે તો લીવર, કિડની, હાર્ટ તથા પેટ કે શરીરનાં બીજા અંગોને પણ નુકશાન પહોંચાડી શકે. કૅલેરીયુક્ત ખોરાકને કારણે વધતા કૉલેસ્ટ્રોલની અસર લોહી પર પણ થઈ શકે છે."
ફરાળી વાનગીઓથી કિડનીને નુકસાન થતું કેવી રીતે અટકાવી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
ફરાળી વાનગીઓથી કિડનીને કેવી રીતે નુકસાન થાય, તે વિશે બીબીસીએ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ટ્રાન્સપ્લાન્ટ ઍન્ડ રીસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડૉ. પ્રાંજલ મોદી સાથે કરી.
ડૉ. મોદી કહે છે, "વધારે તેલ અને મીઠાવાળો ખોરાક ખાવાથી કિડનીની કાર્યક્ષમતા પર અસર પડે છે. વધારે મીઠું હોય તો એ ક્ષારનું પ્રમાણ શરીરમાં જાળવી રાખવા માટે કિડનીએ વધુ કામ કરવું પડે છે."
કિડનીને બગડતા કેવી રીતે બચાવી શકાય તે અંગે ડૉ. મોદી કહે છે, "શરીરમાં ભૂખ કરતાં ઓછું ખાવું જોઈએ. ઉપવાસ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ ફરાળ વગરના ઉપવાસ કરવામાં આવે તો જ તે શરીરને ફાયદો કરે છે. તેલ, ખાંડ કે મીઠાવાળું ખાવાનું કિડની અને લીવર બન્નેને નુકશાન પહોંચાડે છે."
ઉપવાસમાં કેવો ફરાળી આહાર કરવો જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
બધા જ લોકો માટે ઉપવાસ દરમિયાન ભૂખ્યા રહેવું અને કંઈ જ ન ખાવું એ શક્ય નથી. જોકે, યોગ્ય પ્રકારનો ફરાળી આહાર લેવાથી શરીરનાં મહત્ત્વનાં અંગોને અસર થતી અટકાવી શકાય છે.
આહાર અને પોષણનાં વિશેષજ્ઞ લીઝા શાહ કહે છે, "ચોમાસાની સિઝનમાં પાચનશક્તિ નબળી પડી જાય છે. જેથી આ સિઝનમાં ઉપવાસ ન હોય તો પણ ઓછું જ ખાવું જોઈએ અથવા હળવો ખોરાક ખાવો જોઈએ. ઉપવાસ કરવો એ કોઈ પણ સિઝનમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક જ હોય છે."
ઉપવાસ દરમિયાન ક્યારે જમવું અને શું જમવું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઉપવાસ દરમિયાન ક્યારે જમવું જોઈએ તે અંગે વાત કરતાં લીઝા શાહ જણાવે છે, "દિવસમાં એકવાર જમીને ઉપવાસ કરવાનો હોય ત્યારે સવારે નિયમિત ભોજન લેતાં ખાતા હોય તે સમયે તેવું ભોજન જ ખાવું જોઈએ. જે લોકો અઠવાડિયામાં એક ઉપવાસ કરે છે એમણે રાત્રે માત્ર ફળ અથવા મલાઈ વગરનું દૂધ પીવું જોઈએ."
તેમણે વધુમાં જણાવ્યું,"જ્યારે જે લોકો આખો મહિનો ઉપવાસ કરે છે, એમણે પણ સવારે જમવું જોઈએ અને રાત્રે ફરાળ લેવું જોઈએ. પરંતુ ફરાળમાં ઘરે બનાવેલો મોરૈયો, મલાઈ વગરના દૂધની ખીર, ફળ, દૂધ કે સૂકા મેવા ખાવા જોઈએ. આ ઉપરાંત બટાકા, શક્કરીયા બાફીને ખાઈ શકાય."
તેઓ કહે છે કે, "ઉપવાસ દરમિયાન સાંજે જમતા લોકો મોટી ભૂલ કરે છે. ઉપવાસ દરમિયાન સાંજે જમતા લોકો દિવસ દરમિયાન ફરાળ ખાવાને નામે તળેલો ખોરાક ખાય છે. તેમજ આખો દિવસ ભૂખ્યા હોવાનું માનીને સાંજે જમવા બેસે છે ત્યારે વધુ જમે છે. જે સ્વાસ્થ્યને નુકશાનકારક છે."
તેમણે કહ્યું, "માત્ર બજારમાં મળતી નહીં પણ ઘરે બનાવેલી તળેલી વાનગી ખાવ તો તે પણ નુકશાનકારક જ છે. ઉપવાસના દિવસોમાં લોકો સામાન્ય દિવસ કરતાં વધુ તેલ અને સુગર ખાય છે. લોકો ચિપ્સ, શીરો, પુરી, શ્રીખંડ જેવો વધારે કૅલેરીવાળો ખોરાક ફરાળના નામે ખાય છે."
"સામાન્ય રીતે તળેલી વાનગી કે મીઠાઈ આપણે ક્યારેક જ ખાઈએ, પરંતુ ઉપવાસના દિવસોમાં એવો ખોરાક અવાર-નવાર અને વધુ માત્રામાં ખાવામાં આવે છે. આ પ્રકારના ભોજનથી લોકો આંતરડાને આરામ આપવાને બદલે તેની પાસે ઓવરટાઇમ કરાવે છે."
ઉપવાસમાં હીહાઇડ્રેશન સંબંધે શું ધ્યાન રાખવું?

ઇમેજ સ્રોત, Getty Images
ઉપવાસ દરમિયાન શરીરમાં પ્રવાહીનું પ્રમાણ ઘટી ન જાય એ અંગે વાત કરતાં ડૉ. પરીખ કહે છે, "ઉપવાસ દરમિયાન કયારેક લોકોમાં ડીહાઇડ્રેશનના કેસ જોવા મળે છે. ડીહાઇડ્રેશનથી બચવા પૂરતાં પ્રમાણમાં પાણી અને પ્રવાહી લેતાં રહેવાં જોઈએ."
તો ડૉ. ભટનાગર કહે છે, "અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહીને ઉપવાસ કરવાથી કેટલીક બીમારીઓથી બચી શકાય છે. એટલું જ નહીં, પરંતુ કેટલીક બીમારીઓને રિવર્સ પણ કરી શકાતી હોવાના વૈજ્ઞાનિક પુરાવા છે. શરત માત્ર એટલી જ છે કે આ ઉપવાસ એક ટંક ભૂખ્યા રહીને કે પછી માત્ર સિઝનલ ફળો, દૂધ જેવો હળવો ખોરાક લઈને કરવામાં આવેલા હોવા જોઈએ."
જોકે નિષ્ણાતો દરદીઓને તેમના ડૉક્ટરે જણાવેલા નિર્દેશો અનુસાર ઉપવાસ અંગે નિર્ણય લેવાની સલાહ આપે છે.
ડૉ ભટનાગરે ઉમેર્યું, "ઉપવાસ ખોલે ત્યારે લોકો એકવાર જ જમવાનું છે, એમ વિચારીને જ્યારે લોકો તેમની નિયમિત માત્રા કરતાં વધુ ભોજન કરીને ઓવરઇટિંગ કરે છે, તે પણ નુકશાનકારક જ છે."
કૅલેરી અંગે વાત કરતાં ડૉ. ભટનાગર કહે છે, "સામાન્ય રીતે નિયમિત દિવસોમાં લોકો 2000 કૅલેરી લેતા હોય છે. જે ઉપવાસના દિવસોમાં ચરબીયુક્ત ખોરાક ખાવાથી 3500 કૅલેરી સુધી પહોંચી જતો હોય છે. ઠંડા પ્રદેશમાં રહેતા લોકોને વધુ કૅલેરીયુક્ત ખોરાકની જરૂર પડતી હોય છે. પરંતુ આપણા વાતાવરણમાં ઓછી કૅલેરી જોઈએ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












