ભારતમાં વેચાતા મસાલાઓમાં ઇથલિન ઑક્સાઇડનો ઉપયોગ થતો નથીઃ એફએસએસએઆઈનો દાવો

મસાલા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, શારદા વી.
    • પદ, બીબીસી માટે, ચેન્નાઈથી

ભારતના મસાલાઓમાં જંતુનાશકોના અવશેષોની હાજરી અંગેના આંતરરાષ્ટ્રીય વિવાદ વચ્ચે દેશના ટોચના ખાદ્ય નિયમનકર્તાએ બીબીસીને જણાવ્યું છે કે ભારતમાં વેચાતા મસાલાઓમાં ફ્યુમિગન્ટ ઇથિલિન ઑક્સાઈડ(ઈટીઓ) હોતું નથી. મસાલાઓમાં ઈટીઓના અંશો મળી આવ્યા હોવાને કારણે હોંગકોંગ અને સિંગાપુરમાં ટોચની કેટલીક બ્રાન્ડ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડડર્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા(એફએસએસએઆઈ)નું કહેવું છે કે ભારતની ટોચની બ્રાન્ડ્સ એમડીએચ અને ઍવરેસ્ટ દ્વારા નિકાસ કરવામાં આવતા મસાલાઓમાં અસ્વીકાર્ય પ્રમાણમાં કેન્સરજનક ઈટીઓ મળી આવ્યાનું હોંગકોંગ, સિંગાપુર, માલદિવ્સ, ઑસ્ટ્રેલિયા વગેરેના સત્તાવાળાઓએ જણાવ્યા પછી તરત જરૂરી પગલાં લેવામાં આવ્યાં છે.

એફએસએસએઆઈએ બીબીસીને એક ઈ-મેઈલમાં જણાવ્યું હતું કે "ભારતમાં વેચાતા મસાલાઓમાં ઇથિલિન ઑક્સાઇડનો ઉપયોગ કરવામાં આવતો નથી." જે રસાયણ તમામ વિવાદનું કારણ બન્યું છે તે ભારતીય બજારોમાં વેચાતા મસાલાઓમાં ન હોવાનો દાવો ખાદ્ય નિયમનકર્તાએ કર્યો હોય તેવું કદાચ આ પ્રથમવાર બન્યું છે.

કેટલાક દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે મસાલાની નિકાસ બાબતે કેવી રીતે તપાસ કરવામાં આવી હતી તેની વિગત એફએસએસએઆઈએ આપી હતી.

બીબીસીના સવાલોના જવાબમાં મોકલાયેલો ઈ-મેઈલ જણાવે છે કે "મસાલાઓમાં 232 જંતુનાશકોની હાજરી બાબતે પરીક્ષણ કરવામાં આવે છે. મસાલામાં ઇથિલિન ઑક્સાઇડ વિશેના તાજેતરના અહેવાલોને પગલે ભારતમાંની બન્ને બ્રાન્ડ્સ એમડીએચ અને ઍવરેસ્ટની તપાસ કરવામાં આવી હતી તથા તાત્કાલીક પગલાં લેવામાં આવ્યાં હતાં, જેમાં એફએસએસએઆઈની સંબંધિત કચેરી દ્વારા ઇન્સપેક્શન, સેમ્પલિંગ અને નિકાસ કરાયેલા માલના ટ્રેકિંગ સંબંધી તપાસનો સમાવેશ થાય છે."

એવરેસ્ટ મસાલા

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, કેટલાક નિષ્ણાતો ભારતીય મસાલામાં કોઈ ઈટીઓ ન હોવાના એફએસએસએઆઈના દાવા પર સવાલ ઉઠાવે છે.

ડૉ. ડી નરસિમ્હા રેડ્ડી જાહેર નીતિના નિષ્ણાત અને પેસ્ટિસાઇડ એક્શન નેટવર્કના સલાહકાર છે. તેમણે પૂછ્યું કે એફએસએસએઆઈ આ દાવો કરે છે તેનો આધાર શું છે.

આયાત ક્લિયરન્સ માટે એફએસએસએઆઈને મોકલવામાં આવતી દરેક ખાદ્ય સામગ્રી ત્રણ-સ્તરીય ચકાસણી પ્રણાલીને આધીન હોય છે. તે ફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ -2006 તથા તેની હેઠળના નિયમો મુજબ સલામતી અને ગુણવત્તાના ધોરણો અનુસારના છે કે નહીં એ માટે દસ્તાવેજોની ચકાસણી, વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, સેમ્પલિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવે છે.

આયાતી ઉત્પાદનોની ગુણવત્તાના પરીક્ષણના સંદર્ભમાં એફએસએસએઆઈ કહે છે, "સેમ્પલ યોગ્ય જણાય તો નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપવામાં આવે છે અને અનુરૂપ ન જણાય તો નૉન-કન્ફૉર્મિંગ રિપોર્ટ (એનસીઆર) જનરેટ કરવામાં આવે છે. એનસીઆરના કિસ્સામાં કન્સાઇન્મેન્ટને પોર્ટ પરથી ક્લિયરન્સ આપવામાં આવતું નથી."

ભારતમાં થતી નિકાસને એફએસએસએઆઈ નિયંત્રિત કરતું નથી. એ કામ ભારતીય સ્પાઇસ બોર્ડ કરે છે.

ડૉ. રેડ્ડીએ બીબીસીને જણાવ્યું કે એફએસએસએઆઈ ત્યારે જ આ પગલાં લઈ રહ્યું છે જ્યારે આ મુદ્દો વૈશ્વિક હેડલાઇન્સમાં આવ્યો અને ભૂતકાળમાં પણ ભારતીય ખાદ્ય ઉત્પાદનોને નકારવામાં આવ્યાં છે.

"યુરોપિયન યુનિયને છેલ્લાં બે વર્ષમાં ઘણી ખાદ્ય ઉત્પાદનોને નકારી કાઢી હતી. એફએસએસએઆઈએ ગયા વર્ષે તે ઉત્પાદનોની તપાસ કરવા માટે કેમ કોઈ પગલાં લીધાં નથી?"

નિકાસ કરાયેલા ભારતીય મસાલાનો વિવાદ

એમડીએચ મસાલા

ઇમેજ સ્રોત, Reuters

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાસાયણિક દૂષિતતાની ચિંતાને કારણે એપ્રિલમાં હોંગકોંગ અને સિંગાપુર દ્વારા ટોચની બે ભારતીય મસાલા બ્રાન્ડ્સનાં ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારથી બંને કંપનીઓ મુશ્કેલીનો સામનો કરી રહી છે.

હોંગકોંગના ફૂડ સેફટી સેન્ટરે એવરેસ્ટ કરી મસાલાની સાથે એમડીએચના ત્રણ મસાલા મિશ્રણ મદ્રાસ કરી પાવડર, સાંબર મસાલા તથા કરી પાવડર મસાલા પર પાંચમી એપ્રિલે પ્રતિબંધ મૂક્યો ત્યારથી વિવાદ શરૂ થયો હતો.

એ પછી સિંગાપુરે પણ તેનું અનુસરણ કર્યું હતું અને ઍવરેસ્ટ મસાલા મિક્સને માર્કેટમાંથી હટાવી દીધા હતા.

આ મસાલાઓના શિપમેન્ટમાં ઇથિલીન ઑક્સાઇડનું સ્તર વધારે પડતું હોવાનું કારણ બન્ને દેશોએ આપ્યું હતું.

ઍથિલીન ઑક્સાઇડ (ઈટીઓ) રૂમ ટેમ્પચેરમાં એક રંગહીન ગેસ છે અને તેની ગંધ ઈથર જેવી મીઠી હોય છે.

ઈટીઓનો ઉપયોગ ક્યારેક કેટલીક ફૂડ પ્રોડક્ટ્સમાં અને ખાસ કરીને જેમાં સ્ટોરેજ કે ટ્રાન્સપોર્ટેશન દરમિયાન જંતુ સંક્રમણની શક્યતા હોય તેમાં ફ્યુમિગન્ટ અથવા જંતુઓ અને રોગજનકના નિયંત્રણ માટે કરવામાં આવતો હોય છે. આવી પ્રોડક્ટ્સમાં અનાજ, મસાલા, ડ્રાય ફ્રૂટ્સ મેવા અને કેટલીક જડીબૂટીઓનો સમાવેશ થાય છે.

ઈટીઓ ગેસ પેકેજિંગ સામગ્રીમાં પ્રસરે છે અને પ્રોડક્ટ્સ સુધી પહોંચે છે. તેનાથી જંતુઓ, લાર્વા, મોલ્ડ્સ અને બેક્ટેરિયા મરી જાય છે. માણસ લાંબા સમય સુધી ઈટીઓના સંપર્કમાં રહે તો તેનાથી કેન્સર થવાની સંભાવના હોય છે. એ કારણે અનેક નિયમનકર્તા સંસ્થાઓ દ્વારા ઈટીઓને કેન્સરજનક તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.

ઈટીઓની ઊંચી સાંદ્રતાના સંપર્કમાં લાંબા સમય સુધી રહેવું હાનિકારક સાબિત થઈ શકે છે અને તે શ્વસનતંત્રમાં બળતરા તથા રિપ્રોડક્શન ટૉક્સિસિટીનું કારણ બનવા ઉપરાંત કેન્દ્રીય ચેતાતંત્ર પર તેની માઠી અસર થઈ શકે છે.

અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશને પણ તે અહેવાલોને સ્વીકાર્યા છે અને હવે આ બાબતે વધારે માહિતી મેળવી રહી છે. અન્ય દેશો પણ આ સરઘસમાં કૂદી પડ્યા છે. તેમાં માલદિવ્સ, ઑસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે.

એમડીએચે આરોપોને નકારતા જણાવ્યું છે કે "અમે અમારા ગ્રાહકોને ખાતરી આપીએ છીએ કે અમારા મસાલાના સ્ટોરિંગ, પ્રોસેસિંગ કે પેકિંગ દરમિયાન કોઈ પણ તબક્કે અમે ઈટીઓનો ઉપયોગ કરતા નથી. આ દાવાઓ ખોટા અને પાયાવિહોણા છે."

ભારતના જંગી મસાલા નિકાસ બિઝનેસ પર જોખમ?

મસાલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મસાલા

મસાલાઓ સદીઓથી ભારતના અર્થતંત્ર અને સંસ્કૃતિમાં કેન્દ્રસ્થાને રહ્યા છે. તેનો વેપાર સિલ્ક રોડ જેવા વ્યાપક વ્યાપારી માર્ગો મારફત થતો રહ્યો છે અને પોર્ટુગીસ, ડચ અને બ્રિટન જેવા યુરોપીયન દેશોને આકર્ષતા રહ્યા છે.

મરી, એલચી, તજ અને લવિંગ જેવા મુખ્ય મસાલાઓએ ભારતને યુરોપ, આફ્રિકા તથા પૂર્વ એશિયા સાથે જોડ્યું છે અને આ મસાલાઓએ ભારતને મસાલા વેપાર તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાનનું કેન્દ્ર બનાવ્યું છે.

ભારતનું મસાલા નિકાસ માર્કેટ નોંધપાત્ર છે. ભારતનું હવામાન તથા ભૂગોળ તેને મસાલા ઉત્પાદનમાં એક શક્તિ કેન્દ્ર બનાવે છે.

ઇન્ડિયન સ્પાઇસ બોર્ડના જણાવ્યા અનુસાર, 2022-23ના નાણાકીય વર્ષમાં મસાલા તથા મસાલા પ્રોડક્ટ્સની કુલ નિકાસ 14,04,357 ટનના સ્તરે પહોંચી હતી, જેનું મૂલ્ય રૂ. 31,761 કરોડ થાય છે.

આ નિકાસમાં મરચાનો ભૂકો મોખરે છે. તેણે 1.3 અબજ ડોલરનો નિકાસ આંક પ્રાપ્ત કર્યો છે. એ પછી 550 મિલિયન ડૉલર સાથે જીરૂં બીજા ક્રમે અને એ પછીના ક્રમે 220 મિલિયન ડૉલર સાથે હળદર, 130 મિલિયન ડૉલર સાથે એલચી, 110 મિલિયન ડૉલર સાથે મિક્સ્ડ સ્પાઇસીસ અને એક અબજ ડૉલર સાથે સ્પાઇસ ઑઇલ તથા ઑલિયોરેસિન્સ છે. દેશમાં 2022-23માં મસાલાઓનું 11.26 મિલિયન ટન જેટલું જંગી ઉત્પાદન થયું હતું.

આંતરરાષ્ટ્રીય તપાસને કારણે ભારતીય મસાલાઓના બિઝનેસ પર જોખમ સર્જાયું છે.

આર્થિક વિચાર મંડળ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના એક રિપોર્ટ અનુસાર, "ભારતીય મસાલાઓ સામેની તાજેતરની આંતરરાષ્ટ્રીય કાર્યવાહીને કારણે લગભગ 692.5 મિલિયન ડૉલરની નિકાસ પર જોખમ સર્જાયું છે અને ચીન પણ આ તપાસમાં ઝંપલાવશે તો 2.17 અબજ ડૉલરના નિકાસ પર પ્રશ્નાર્થ સર્જાશે. તે ભારતની વૈશ્વિક મસાલા નિકાસનો 51.1 ટકા હિસ્સો દર્શાવે છે."

રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ભારતીય નિયમનકર્તાએ જરૂરી પગલાં લીધા છે, પરંતુ કોઈ સરકારી એજન્સીએ મસાલાની ગુણવત્તા બાબતે અત્યાર સુધી કોઈ નિશ્ચિત નિવેદન બહાર પાડ્યું નથી.

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના સ્થાપક અને ઇન્ડિયન ટ્રેડ સર્વિસના ભૂતપૂર્વ અધિકારી અજય શ્રીવાસ્તવ જણાવે છે કે આ બધું વ્યવસ્થિત કરવાની ચેતવણી છે. તેઓ મૉનિટરિંગ માટે ‘ટ્રૅક ઍન્ડ ટ્રેસ’ પ્રણાલીના હિમાયત કરે છે.

તેઓ કહે છે,"કોઈ પણ પ્રોડક્ટ ખેતરમાંથી તેના વપરાશકર્તા સુધી પહોંચે ત્યાં સુધી તેનું ટ્રેકિંગ થવું જોઈએ. તેમાં કોઈ સમસ્યા હોય તો, આ શૃંખલામાં સંકળાયેલા તમામ લોકોને ખબર પડી જશે કે મુશ્કેલી ક્યાં છે. પોતે જે પ્રોડક્ટનો ઉપયોગ કરે છે તે ક્યાંથી આવે છે તેની ગ્રાહકને ખબર હોવી જોઈએ. આખી દુનિયા ધીમે ધીમે આ પ્રણાલી અપનાવી રહી છે. તેથી ભારતે પણ એવું કરવું જોઈએ."

ભારતીય મસાલાના કેટલાક આયાતકારો આ પડકારનો સામનો કરવા માટે હવે વૈકલ્પિક માર્ગ અપનાવી રહ્યા છે.

દક્ષિણ પૂર્વ એશિયાના એક આયાતકારે પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે કહ્યું હતું, "અમારી કંપની અનેક દાયકાઓથી મસાલાનો વેપાર કરે છે. અમારી કંપનીની શરૂઆત ભારતમાં થઈ હતી અને હવે તે વૈશ્વિક સ્તરે કામ કરે છે."

"અમે ઈટીઓ મસાલાઓને ટાળીએ છીએ અને અમારા મસાલા ઈટીઓ મુક્ત હોય તે સુનિશ્ચિત કરવા માટે તેનું લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવે છે. સ્ટીમ ટ્રીટમેન્ટ જેવી વૈકલ્પિક પદ્ધતિ પર નિર્ભર હોવાને કારણે તેની કિંમતમાં વધારો થાય છે. સ્ટીમ ટ્રીટમેન્ટ ભારતમાં સર્વસામાન્ય નથી, પરંતુ પ્રોડક્ટ સેફટી અને શેલ્ફ સ્ટેબિલિટી જાળવી રાખવા માટે તે જરૂરી છે."

હોંગકોંગમાં મસાલાની આયાત કરતી રીજેન્સી સ્પાઈસીસના સુનીલ દત્તાણીએ જણાવ્યું હતું કે હોંગકોંગમાં એક વર્ષથી પણ ઓછા સમય પહેલાં ઈટીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેથી તમામ ઈટીઓ ફૂડ પ્રોડક્ટ્સની વિશેષ તપાસ કરવામાં આવે છે.

તેમણે કહ્યું હતું,"હોંગકોંગ ફૂડ એન્ડ હાઈજીન અને કન્ઝ્યુમર કાઉન્સિલ હોંગકોંગમાં વેચવામાં આવતી ફૂડ પ્રોડક્ટ્સનું રેન્ડમ પરીક્ષણ કરે છે. તેઓ સાદા વસ્ત્રધારી અધિકારીઓ તરીકે પ્રોડક્ટ્સ ખરીદે છે અને કોઈ પણ ચીજનું રેન્ડમ ટેસ્ટિંગ કરે છે."

"તપાસ હેઠળની બન્ને બ્રાન્ડ હોંગકોંગમાં આયાત માર્ગે આવેલી છે પરંતુ તેની નવી આયાત બંધ થઈ ગઈ હોવાની અમને અપેક્ષા છે. અન્ય ભારતીય મસાલા બ્રાન્ડ્સ અને અન્ય દેશોના મસાલાઓ પર વધુ પરીક્ષણો ચાલુ છે."

તેઓ માને છે કે હોંગકોંગમાં તમામ ભારતીય મસાલાઓ પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવશે અને કોઈ નવી આયાત માટે કેટલાક દસ્તાવેજો જરૂરી બનાવવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું, "કિરણોત્સર્ગી કચરો નજીકના પાણીમાં ફેંકવાનું શરૂ થયું પછી ઘણા જાપાની મૂળના સીફૂડ તથા કિરણોત્સર્ગ સંબંધી જોખમ બાબતે પણ થોડા મહિના પહેલાં સમાન પરિસ્થિતિ સર્જાઈ હતી.”

ભારતીય નિયમનકર્તા સંસ્થાઓ શું કરી રહી છે?

ભારતીય મસાલા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

વધતી ચિંતા વચ્ચે ભારતના સ્પાઈસ બોર્ડે, વૈશ્વિક મંચ પર ભારતીય મસાલાની પ્રતિષ્ઠા તથા આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે નિકાસકારો માટે અપડેટેડ ગાઇડલાઇન્સ બહાર પાડી છે.

ઇન્ડિયન પાર્લામેન્ટ એક્ટ હેઠળ કુલ 52 મસાલાઓ સ્પાઈસ બોર્ડના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે.

નિકાસકારોએ હવેથી કાચા માલથી માંડીને ફિનિશ્ડ ગૂડ્સ સુધીનું દરેક પરીક્ષણ કરાવવું પડશે. સમગ્ર સપ્લાય ચેઈનમાંથી ઇથિલિન ઑક્સાઇડનો ઉપયોગ નાબૂદ કરવો પડશે.

સ્પાઇસ બોર્ડે જંતુનાશક ફ્યુમિગેશનને બદલે એફએસએસએઆઈ દ્વારા માન્ય સ્ટીમ સ્ટરિલાઇઝેશન કે અન્ય કોઈ પદ્ધતિની ભલામણ કરી છે.

સવાલ એ થાય છે કે આ પ્રોડક્ટ્સને વિદેશમાં મંજૂરી ન મળી હોય તો ભારતમાં કેવી રીતે મળી ગઈ?

એમએસ સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા અન્બુ વાહિનીએ જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન, અમેરિકા અને ભારત વચ્ચેના અલગ-અલગ માપદંડોનો અર્થ એ થાય કે યુરોપિયન યુનિયન તથા અમેરિકામાં ચોક્કસ ફૂડ ઍડિક્ટિવ્સ તથા પ્રિઝર્વેટિવ્સ પર પ્રતિબંધ છે, પરંતુ ભારતમાં તેની છૂટ છે.

વાહિનીએ કહ્યું હતું, "વિકસીત દેશોમાં ગ્રાહકો વધુ સારી રીતે માહિતગાર અને જાગૃત છે. તેમનો અભિગમ અધિકાર પર આધારિત છે. તેઓ કાયદાના નાનકડા ઉલ્લંઘન બદલ પણ કંપની સામે કેસ કરે છે. ભારતમાં આવું નથી."

વિભિન્ન દેશોમાં ફૂડ પ્રોડક્ટ્સમાં જંતુનાશકો કે અન્ય રસાયણોના અવશેષોની મહત્તમ મર્યાદા કેટલી છે તેના પર અલગ-અલગ દેશોના અલગ-અલગ દૃષ્ટિકોણમાંના અંતરનો આધાર છે.

ધ ફૂડ ઍન્ડ એગ્રીકલ્ચર ઑર્ગેનાઇઝેશન એમઆરએલના જંતુનાશક અવશેષોના ઉચ્ચતમ સ્તર તરીકે વ્યાખ્યાયિત કરે છે, જે સારી ખેતીની પદ્ધતિ અનુસાર જંતુનાશકોનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવ્યો હોય ત્યારે ખાદ્યસામગ્રીમાં સ્વીકાર્ય હોય છે.

એફએસએસએઆઈએ વિવિધ મસાલાઓમાં 139 એમઆરએલનો ઉલ્લેખ કર્યો છે. એફએસએસએઆઈએ બીબીસીને જણાવ્યું હતું કે યોગ્ય જોખમ મુલ્યાંકનના આધારે તેની એમઆરએલ નક્કી કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ ચોક્કસ મસાલા પર જંતુનાશકનો નિયમ લાગુ પડશે નહીં.

કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, મસાલા માટે એમઆરએલ વધારવામાં આવ્યું હતું અને તે અન્ય દેશોએ નક્કી કરેલા માપદંડો અનુસારનું નથી.

પબ્લિક પોલિસી નિષ્ણાત અને પેસ્ટિસાઇડ એક્શન નેટવર્કના સલાહકાર ડો. ડી. નરસિંહ રેડ્ડી માને છે કે એમઆરએલ વધવાથી ભારતીય નિકાસકારો માટે વધુ સમસ્યાઓ સર્જાઈ શકે છે.

તેમણે કહ્યું હતું, "તેનાથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભારતીય પ્રોડક્ટ્સના રિજેક્શનની શક્યતા વધશે. ભારતીય એલચીમાં જંતનાશકોના અવશેષોને કારણે સાઉદી અરેબિયા છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય એલચીની નિકાસ નકારી રહ્યું છે."

"એફએસએસએઆઈ દ્વારા આયાતી પ્રોડક્ટ્સના ગુણવત્તા પરીક્ષણ સંબંધી પારદર્શિતાનો અભાવ પહેલેથી જ છે ત્યારે આ એમઆરએલમાં વધારાની બાબત મસાલાની આયાત પરના નિયંત્રણોને હળવા કરે છે."

જોકે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં સ્પષ્ટતા કરી હતી કે વિવિધ ખાદ્ય પદાર્થો માટે તેમના જોખમ મૂલ્યાંકનના આધારે મહત્તમ અવશેષ મર્યાદા અલગ-અલગ હોય છે.

મંત્રાલયે જણાવ્યું હતું, "એફએસએસએઆઈ જડીબુટ્ટીઓ અને મસાલાઓમાં 10 ગણા વધુ જંતુનાશક અવશેષોને મંજુરી આપતી હોવાનો દાવો કેટલાક મીડિયા અહેવાલોમાં કરવામાં આવ્યો છે. આવા નિવેદનો ખોટા અને દુષ્ટ હેતુસરના છે."

મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિશ્વમાં એમઆરએલના સૌથી કડક ધારાધોરણો ભારતમાં છે. "જંતુનાશકોની એમઆરએલ તેમના જોખમ મૂલ્યાંકનના આધારે વિવિધ ખાદ્ય પદાર્થો માટે અલગ-અલગ રીતે નક્કી કરવામાં આવે છે."

બીબીસીના એમઆરએલ સંબંધી એક સવાલના જવાબમાં એફએસએસએઆઈએ જણાવ્યું હતું, "વૈજ્ઞાનિક પુરાવા, ટેકનૉલૉજિકલ વ્યવહારુતા અને આંતરરાષ્ટ્રીય નિયમનકારી રૂપરેખાને ધ્યાનમાં લીધા પછી મર્યાદા વધારવામાં આવી હતી. એફએસએસએઆઈનો નિર્ણય જંતુનાશકોના અવશેષો વિશેની તેની સાયન્ટિફિક પેનલ દ્વારા કરવામાં આવેલા વ્યાપક જોખમ મૂલ્યાંકનના આધારે કરવામાં આવ્યો છે."

ભારતમાં ફૂડ ક્વૉલિટી નિયમન સંબંધી પડકારો

ભારતીય મસાલા

ઇમેજ સ્રોત, ISTOCK

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

દેખરેખ વ્યવસ્થામાંના છીંડાઓને જોતાં અંબુવાહિનીએ સ્થાનિક સ્તરે વપરાશમાં લેવાતાં ઉત્પાદનોની ગુણવત્તા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી અને એફએસએસએઆઈના પરીક્ષણ કેન્દ્રોના વિસ્તરણની હિમાયત કરી હતી.

દેશમાં એફએસએસએઆઈની 239 પ્રાઇમરી ફૂડ ટેસ્ટિંગ લેબોરેટલી, 22 રેફરલ લેબોરેટરી અને 12 રેફરન્સ લેબોરેટરી છે. વિશ્લેષણ કરાયેલા સેમ્પલ્સની સંખ્યા 2020-21ના 1,07,829થી વધીને 2023-24માં 4,51,000ની થઈ હતી. જે ત્રણ ગણા કરતાં પણ વધુ છે.

અંબુવાહિની પરીક્ષણના નાણાકીય બોજને નાના તથા મધ્યમ કદના વ્યવસાયો માટે મર્યાદિત પરિબળ ગણાવે છે.

તેમણે કહ્યું હતું, "એક પ્રોડક્ટમાં એક તત્ત્વના પરીક્ષણ માટે આશરે રૂ. 6,000થી રૂ. 8,000નો ખર્ચ થાય છે. બધા તત્ત્વોનું પરીક્ષણ કરવું હોય તો એ માટે લાખો રૂપિયા ખર્ચવા પડે. તે નાના અને મધ્યમ કદના વ્યવસાયોને પોસાય તેવું નથી. એફએસએસએઆઈએ કડક પગલાં લેવા જોઈએ અને કડક દેખરેખ રાખવી જોઈએ તથા તેનું પાલન સુનિશ્ચિત કરવા માટે પ્રક્રિયાને સરળ બનાવવી જોઈએ."

એફએસએસએઆઈ હાલ સ્થાનિક માર્કેટમાંથી એમડીએચ તથા એવરેસ્ટ સહિતના બ્રાન્ડેડ મસાલાના સેમ્પલ્સ એકઠા કરી રહ્યું છે. તેણે માર્કેટમાં મસાલાના મિશ્રણ પર સઘન દરોડા પાડવાની સૂચના રાજ્યોને પણ આપી છે.

પોતાના તકેદારી અભિયાનના ભાગરૂપે એફએસએસએઆઈ હવે ફળો, શાકભાજી, સાલ્મોનેલા ફિશ પ્રોડક્ટ્સ, મસાલા અને ખાદ્ય વનસ્પતિઓ, ફોર્ટિફાઇડ ચોખા તેમજ દૂધ તથા દૂધની બનાવટો જેવી ખાદ્યસામગ્રી પર ચાંપતી નજર રાખી રહી છે.

સિટીઝનન કન્ઝ્યુમર સિવિક ઍક્શન ગ્રૂપના ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર એસ સરોજા ભારપૂર્વક જણાવે છે કે એફએસએસએઆઈ જે પરીક્ષણો કરે છે, તે તમામ જાહેર કરવા જોઈએ.

તેમણે કહ્યું હતું, "કઈ પ્રોડક્ટ ગુણવત્તા સંબંધી ધોરણોના પાલનમાં નિષ્ફળ રહી હતી તે ગ્રાહકોએ જાણવું જરૂરી છે. બ્રાન્ડનું નામ જાહેર કરવામાં પણ કશું ખોટું નથી."