પતંજલિની કઈ 14 પ્રોડક્ટનાં લાઇસન્સ રદ થયાં?

ઇમેજ સ્રોત, ANI
ડ્રગ્સ એન્ડ મૅજિક રેમેડીઝ એક્ટનું ઉલ્લંઘન કરવા બદલ રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ અને પતંજલિ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પતંજલિનાં જે 14 ઉત્પાદનોનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે તે છે, સ્વસારી ગોલ્ડ, સ્વસારી વટી, બ્રૉન્કૉમ, સ્વસારી પ્રવાહી, સ્વસારી અવલેહ, મુક્ત વટી ઍક્સ્ટ્રા પાવર, લિપિડોમ, બીપી ગ્રિટ, મધુગ્રિટ, મધુનાશિની વટી એક્સ્ટ્રા પાવર, લિવામૃત એડવાન્સ, લિવોગ્રિટ, આઇગ્રિટ ગોલ્ડ અને પતંજલિ દૃષ્ટિ આઇડ્રોપ.
ઉત્તરાખંડ સરકારે સુપ્રીમ કોર્ટમાં આપેલા ઍફિડેવિટમાં આ જવાબ આપ્યો છે. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે તેમણે 15 એપ્રિલે એક આદેશ જારી કરીને પતંજલિનાં 14 ઉત્પાદનોનાં લાઇસન્સ રદ કર્યા છે.
રાજ્ય સરકાર દ્વારા આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે, જ્યારે સુપ્રીમ કોર્ટમાં રામદેવ અને પતંજલિના વહીવટી નિયામક બાલકૃષ્ણ વિરુદ્ધ કોર્ટના આદેશનો અનાદર કરવા બદલ કેસની સુનાવણી ચાલી રહી છે.
હાલમાં જ પતંજલિની બિનશરતી માફી અખબારોમાં પ્રકાશિત થઈ હતી.
શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, ANI
જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ એહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચ પતંજલિ આયુર્વેદ, તેના વહીવટી નિયામક આચાર્ય બાલકૃષ્ણ અને સહ-સ્થાપક રામદેવ વિરુદ્ધ ભ્રામક જાહેરાતો સંબંધિત કેસની સુનાવણી કરી રહ્યાં છે.
સુપ્રીમ કોર્ટ ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (આઇએમએ)ની 2022ની એક અરજીની સુનાવણી કરી રહી છે, જેમાં કોવિડ રસીકરણ અભિયાન અને દવાની આધુનિક પ્રણાલીને બદનામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટ પતંજલિ સાથે સંકળાયેલી દિવ્યા ફાર્મસી વિરુદ્ધ પણ સુનાવણી કરી રહ્યું છે. દિવ્ય ફાર્મસી એ દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટનું એક યુનિટ છે જે પતંજલિનું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જાહેરાતોમાં બ્લડ પ્રેશર, થાઇરોઇડ, લીવર અને ચામડીના રોગોના સંપૂર્ણ ઈલાજનો દાવો કરવામાં આવ્યો હતો અને આધુનિક તબીબી વિજ્ઞાનની ટીકા પણ કરવામાં આવી હતી.
થોડાક દિવસ પહેલાં સુનાવણી દરમિયાન જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચે પતંજલિ પાસેથી કોર્ટના અનાદરના આરોપો પર જવાબ માંગ્યો હતો.
આ કેસમાં રામદેવ અને બાલકૃષ્ણ બંનેએ કોર્ટ સમક્ષ બિનશરતી માફી માંગી ચૂક્યા છે.
રામદેવનું માફીનામું

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભ્રામક જાહેરાતો સંબંધિત મામલામાં રામદેવ અને બાલકૃષ્ણે 23 એપ્રિલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેઓએ અખબારોમાં માફી પત્રો પ્રકાશિત કર્યા છે.
જોકે, સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદને પ્રશ્ન કર્યો કે શું ગઈકાલના અખબારોમાં પ્રકાશિત આ માફી તેમના ઉત્પાદનોની જાહેરાતો જેટલી જ મોટી છે?
તેની પહેલાની સુનાવણીમાં, રામદેવ અને બાલકૃષ્ણ બંનેએ સુપ્રીમ કોર્ટમાં માફી માંગી હતી અને માફી જાહેરમાં પ્રકાશિત કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, રામદેવ અને બાલકૃષ્ણ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે 22 એપ્રિલે 67 અખબારોમાં માફી પત્ર પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદની જાહેર માફીના કદ પર પ્રશ્ન ઉઠાવ્યાના બીજા દિવસે, કંપનીએ મુખ્ય અખબારોમાં ફરીથી તેની માફી પ્રકાશિત કરી. આ વખતે અખબારના લગભગ ચોથા પાના પર માફી છપાઈ હતી.
રામદેવ અને પતંજલિના વહીવટ સંચાલક આચાર્ય બાલકૃષ્ણ દ્વારા આ માફી જારી કરવામાં આવી છે.
માફી જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે, "અમે, વ્યક્તિગત રીતે તેમજ કંપની વતી, માનનીય સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ કેસના સંદર્ભમાં, માનનીય સર્વોચ્ચ અદાલતની સૂચનાઓ/આદેશોનું પાલન ન કરવા અથવા અનાદર કરવા બદલ અમારી બિનશરતી માફી વ્યક્ત કરીએ છીએ. અમે 22 નવેમ્બર 2023માં પ્રેસ કોન્ફરન્સ યોજવા બદલ પણ માફી માંગીએ છીએ."
“અમે અમારી જાહેરાતો પ્રકાશિત કરવામાં ભૂલ માટે પણ દિલથી ક્ષમા માગીએ છીએ અને આવી ભૂલોનું પુનરાવર્તન નહીં થાય તેવી અમારી પૂરા દિલથી પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ. અમે માનનીય અદાલતની સૂચનાઓનું અત્યંત કાળજી અને અત્યંત નિષ્ઠા સાથે પાલન કરવા પ્રતિબદ્ધ છીએ. અમે કોર્ટના મહિમા માટે આદર જાળવવાનું અને માનનીય કોર્ટ/સંબંધિત સત્તાવાળાઓના લાગુ કાયદા અને સૂચનાઓનું પાલન કરવાનું વચન આપીએ છીએ."
અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પતંજલિ અને રામદેવ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીને અખબારોમાં છપાયેલ માફી પત્રને જાણીજોઈને મોટો કર્યા વગર કાપીને સુપ્રીમ કોર્ટમાં જમા કરવા કહ્યું હતું.
કોર્ટે કહ્યું હતું કે, "અમે માફી જાહેરાતનું વાસ્તવિક માપ જોવા માંગીએ છીએ. આ અમારા નિર્દેશો છે. અમે ઇચ્છીએ છીએ કે જ્યારે અમે તેને જોઈશું, ત્યારે અમારે તેના માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ ન કરવો જોઈએ."
રામદેવનું ઍફિડેવિટ

ઇમેજ સ્રોત, Getty Images
અગાઉના ઍફિડેવિટમાં, રામદેવ અને બાલકૃષ્ણે કોર્ટમાં સુનાવણી દરમિયાન વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ માંગી હતી.
બંનેએ સુનાવણી દરમિયાન તેમની મુસાફરીની યોજના હોવાનું કહીને કોર્ટ પાસે છૂટની માંગ કરી હતી.
કોર્ટે કહ્યું, "હકીકત એ છે કે જ્યારે ઍફિડેવિટમાં પર શપથ લેવામાં આવ્યા હતા ત્યારે આવી કોઈ ટિકિટ અસ્તિત્વમાં નહોતી. બાદમાં તેઓએ ઍફિડેવિટ સાથે ટિકિટ જોડી દીધી હતી."
સુનાવણી દરમિયાન જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું, "અમે આ માફીથી સંતુષ્ટ નથી. શપથ હેઠળ ખોટું બોલવાનો ગુનો કરવામાં આવ્યો છે. અમે હવે તેના પર નિર્ણય કરીશું."
પતંજલિની જાહેરાતો અને ત્યારપછીની માફી અંગે જસ્ટિસ કોહલીએ કહ્યું, "અમે માફી સ્વીકારવાનો ઇન્કાર કરીએ છીએ. આ કોર્ટના આદેશની જાણીજોઈને અવગણના છે."
આ કેસમાં રામદેવ અને બાલકૃષ્ણનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ ઍડ્વોકેટ મુકુલ રોહતગીએ કહ્યું કે તેમના અસીલ જનતાની માફી માંગવા પણ તૈયાર છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે તેમણે પતંજલિને બિનશરતી માફી માંગવાની સલાહ આપી હતી.
ઉત્તરાખંડ રાજ્ય લાઇસન્સિંગ ઑથોરિટી

ઇમેજ સ્રોત, ANI
કોર્ટે ઉત્તરાખંડ રાજ્ય લાઇસન્સિંગ ઑથોરિટીને આ મુદ્દે જવાબ દાખલ કરવા કહ્યું હતું કે પતંજલિની ભ્રામક જાહેરાતો વિશે માહિતી મળ્યા પછી તેમણે કંપની વિરુદ્ધ શું પગલાં લીધાં હતાં.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું, "અમે લાઇસન્સિંગ ઑથોરિટીનું ઍફિડેવિટ જોયું છે. અમને આશ્ચર્ય થયું છે કે ફાઇલ ફોરવર્ડ કરવા સિવાય રાજ્ય લાઇસન્સિંગ ઑથોરિટીના સક્ષમ અધિકારીએ કંઈ કર્યું નથી."
જ્યારે વહીવટી તંત્રને વર્ષ 2018-19માં જ પહેલીવાર આ ભ્રામક જાહેરાતો વિશે જાણ કરવામાં આવી હતી તેમ છતાં પત્રકાર દ્વારા રજૂ કરવામાં આવેલી ઍફિડેવિટ પરથી એવું જણાય છે કે વહીવટીતંત્ર આ બાબતમાં વિલંબ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું."
"આ ચાર વર્ષો દરમિયાન, રાજ્ય લાઇસન્સિંગ ઑથોરિટી ઊંઘી રહી હતી. કાયદા મુજબ પગલાં લેવાને બદલે, રાજ્ય લાયસન્સિંગ ઑથોરિટીએ કેન્દ્ર સરકારને કહ્યું કે તેમણે દિવ્ય ફાર્મસીને ચેતવણી આપી છે."
સુનાવણી દરમિયાન કોર્ટે સ્ટેટ લાઇસન્સિંગ ઑથોરિટીના જોઇન્ટ ડાયરેક્ટરને સવાલ-જવાબ પણ કર્યા હતા. કોર્ટે તેમને સસ્પેન્ડ કરવાની ચેતવણી પણ આપી હતી. જ્યારે પૂછવામાં આવ્યું કે પતંજલિ સામે કોઈ પગલાં કેમ લેવામાં આવ્યાં નથી, તો જોઇન્ટ ડિરેક્ટરે કહ્યું કે તેમને પદ સંભાળ્યાને માત્ર નવ મહિના થયા છે.
આ પછી જોઇન્ટ ડિરેક્ટરે કહ્યું કે તેઓ પતંજલિ વિરુદ્ધ કાર્યવાહી કરશે. જસ્ટિસ કોહલીએ ત્યારે કહ્યું હતું કે, "તમારી ખાતરીનું મૂલ્ય તે કાગળ કરતાં વધુ નથી કે જેના પર તે લખાયેલું છે."
રાજ્ય સરકારના લાયસન્સ ઑથોરિટીએ કહ્યું કે તેમને લાગ્યું કે બોમ્બે હાઈકોર્ટના આદેશે તેમને કોઈ પગલાં લેવાથી રોકી દીધાં હતાં.
આના પર બેન્ચે કહ્યું, "તમે પોસ્ટ ઓફિસની જેમ વર્તન કરી રહ્યા છો. શું તમારી પાસે કાનૂની વિભાગ છે? શું તમે તેમની પાસેથી કાનૂની સલાહ લીધી?"
સુપ્રીમ કોર્ટે કહ્યું કે લાઇસન્સ સત્તાવાળા કાયદા હેઠળ પગલાં લેવા માટે બંધાયેલા છે અને બોમ્બે હાઈકોર્ટે તેમને કોઈ પગલાં લેવાથી રોક્યા નથી.
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાએ કહ્યું, "અમે તમને આ ગુનામાં સાથી બનાવીશું. આ તો માત્ર શરૂઆત છે. દરેક વ્યક્તિએ બેદરકારી દાખવી છે. આ કોઈ ચૂક નથી, આ અસંવેદનશીલ વર્તન છે."
વિવાદોમાં રામદેવ

ઇમેજ સ્રોત, SONU MEHTA/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
બાબા રામદેવ શરૂઆતથી જ વિવાદોમાં રહ્યા છે.
2006માં સીપીએમનાં નેતા વૃંદા કરાતે રામદેવ પર તેમની દવાઓમાં માનવ અને પ્રાણીઓનાં હાડકાં ભેળવવાનો આરોપ લગાવ્યો હતો. મીડિયામાં વિવાદ વધ્યો પરંતુ પતંજલિએ આરોપોને નકારી કાઢ્યા.
લગભગ એક દાયકા પછી, સેનાએ પશ્ચિમ બંગાળની લૅબોરેટરીમાં ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ જતાં પતંજલિ આમળાનો રસ તેની કૅન્ટીનમાંથી પાછો ખેંચી લીધો.
2012માં વિદેશમાં જમા કાળા નાણાં સામે ઝુંબેશ શરૂ કરતી વખતે રામદેવે ઉત્તરાખંડમાં સત્તા પર આવેલી કૉંગ્રેસને આડે હાથ લીધી હતી.
કૉંગ્રેસે કરચોરી, જમીન પચાવી પાડવા અને કથિત ભ્રષ્ટાચારના આરોપસર રામદેવ વિરુદ્ધ 81 કેસ દાખલ કરીને બદલો લીધો અને તેમનાં કેટલાંક કેન્દ્રો પર દરોડા પાડવા માટે પોલીસ મોકલી.
2018માં, રામદેવના એક સમયના નજીકના સહયોગી કર્મવીર એ પતંજલિ ઘીની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા હતા.
તેણે એક ઑનલાઈન પૉર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે જો કોઈ દેશી ગાયમાંથી શુદ્ધ દેશી ઘી બનાવે છે તો તેની કિંમત લગભગ 1,200 રૂપિયા રહે છે. જ્યારે પતંજલિનું ઘી આજે 600 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે.
રામદેવે 2019માં કહ્યું હતું કે તે ફકીર છે અને દેશ માટે કામ કરે છે. તેમણે કહ્યું કે તેઓ દેશને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પતંજલિના ફાયદા દેશ માટે છે.












