સેવાદળ : સંઘની માફક કામ કરનારું કૉંગ્રેસનું આ સંગઠન ક્યાં ખોવાઈ ગયું?

ઇમેજ સ્રોત, congresssevadal.in
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
જ્યારે પણ ચૂંટણીમાં ભાજપની સફળતાની ચર્ચા થાય, ત્યારે તેની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો અને માળખાની અચૂકપણે પ્રશંસા થાય. એક તબક્કે કૉંગ્રેસ પાસે પણ આવું જ માળખું 'સેવાદળ' સ્વરૂપે હતું, જેના સ્વયંસેવક ધરાતલ ઉપર કામ કરનારા અને પાર્ટીના પીઠબળ સમાન હતા.
સેવાદળ તથા આરએસએસની સ્થાપના સ્વતંત્રતા પહેલાં અનુક્રમે વર્ષ 1923 તથા 1925માં થઈ. એક સંસ્થા રાજકીય પક્ષમાં ભળીને તેની પાંખ બની રહી, જ્યારે બીજા સંગઠનમાંથી રાજકીય પક્ષનો ઉદ્ભવ થયો.
સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવનારા સેવાદળની ભૂમિકા આઝાદી પછી મર્યાદિત થઈ ગઈ હતી. આ અરસામાં તેણે અલગ-અલગ ચઢાવ-ઉતારનો સામનો કરવો પડ્યો હતો.
નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્ય મંત્રી હતા, ત્યારે મૂળ ગુજરાતના લાલજી દેસાઈના નેતૃત્વમાં ખેડૂતોએ આંદોલન કર્યું હતું અને ભાજપ સરકારે તેમની સામે ઝૂકવું પડ્યું હતું.
દેસાઈ આજે સેવાદળના અધ્યક્ષ છે અને સંગઠન તેમના નેતૃત્વમાં સમય સાથે તાલ મિલાવી રહ્યું છે, જે લોકસભા ચૂંટણી દરમિયાન ધરાતલ ઉપર તથા ઑનલાઇન સ્પૅસમાં સંઘ-ભાજપની જોડીને પડકાર આપવા માટે સજ્જ છે.
બે તબીબ, બે સંગઠન

ઇમેજ સ્રોત, INCSevaDal/ FB
ડૉ. કેશવ બલિરામ હેડગેવારે વર્ષ 27 સપ્ટેમ્બર, 1925ના રોજ દશેરાના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી. નાગપુરમાં જન્મેલા હેડગેવારે કલકત્તા ખાતે તબીબી અભ્યાસ કર્યો હતો અને સ્વયંસેવકોમાં તેઓ 'ડૉક્ટરજી'ના નામથી ઓળખાતા.
કલકત્તામાંથી જ હાલ કર્ણાટકના નારાયણ સુબ્બારાવ હાર્ડીકરે પણ અભ્યાસ કર્યો હતો. તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા અને સ્વદેશ પરત ફરીને સ્વતંત્રતાની ચળવળમાં ઝંપલાવ્યું. વર્ષ 1921માં 'રાષ્ટ્ર સેવા મંડળ'ના નેજા હેઠળ હાર્ડીકર તથા તેના સાથીઓએ 'ઝંડા સત્યાગ્રહ'માં ભાગ લીધો હતો અને તેમને નાગપુરની જેલમાં ધકેલી દેવામાં આવ્યા. જ્યાં હાર્ડીકર તથા તેમના સાથીઓએ માફીનામાં લખવાનો ઇન્કાર કરી દીધો.
તેમની ખુમારીએ કૉંગ્રેસના કેટલાક નેતાઓનું ધ્યાન ખેંચ્યું અને તેમને લાગતું હતું કે કૉંગ્રેસના કાર્યકરોને પણ આવી તાલીમ મળવી જોઈએ. નાગપુરની જેલમાંથી છૂટીને હાર્ડીકર અલ્લાહબાદ ગયા અને જવાહરલાલ નહેરુને મળ્યા. સત્ય અને અહિંસાને કેન્દ્રમાં રાખીને શિસ્તબદ્ધ સંગઠન ઊભું કરવાની સહમતિ સધાઈ. વર્ષ 1923ના કૉંગ્રેસના સંમેલનમાં 'હિંદુસ્તાની સેવાદળ'ની સ્થાપનાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો તથા નહેરુ તેના પ્રથમ ચૅરમૅન બન્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'સરહદના ગાંધી' તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફાર ખાને ખુદાઈ ખિદમતગારોની 'લાલ કુર્તી ચળવળ' શરૂ કરી. આગળ જતાં તેમના સંગઠનને સેવાદળમાં ભેળવી દેવામાં આવ્યું હતું.
આ સંગઠનમાં સ્વયંસેવા, જ્ઞાત-જાતના ભેદભાવ વગરનું સંગઠન, સઘન તાલીમ, રાષ્ટ્રસેવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
વિલીનીકરણ અને વિઘટન

ઇમેજ સ્રોત, Getty Images
હિંદુસ્તાની સેવાદળના અસ્તિત્વને સાત-આઠ વર્ષ થયાં હશે કે તેને કૉંગ્રેસમાં ભેળવી દેવામાં આવ્યું.
વી.એસ. નારાયણરાવે 'ડૉ. એન. એસ. હાર્ડીકર' નામથી પુસ્તક લખ્યું છે, જેના 11 તથા 12મા પ્રકરણમાં સેવાદળ તથા તેના વિલીનીકરણ વિશે કેટલીક વિગતો આપી છે.
હાર્ડીકરના મતે, 'સરદાર વલ્લભભાઈ પટેલ તથા અન્ય દિગ્ગજ કૉંગ્રેસી નેતાઓને કાલ્પનિક ભય હતો કે હિંદુસ્તાની સેવાદળનું સ્વતંત્ર અસ્તિત્વ રહેશે તો તે સંગઠન તરીકે કૉંગ્રેસને ભરખી જશે. વિલીનીકરણના પ્રસ્તાવ પહેલાં ગાંધીજીએ મારી તથા પંડિત નહેરુ સાથે ચર્ચા કરી હતી. જો અમે તેમની વાત ન માની હોત, તો કલમના એક ઝાટકે અમે અંધકારની ગર્તામાં ધકેલાઈ ગયા હોત.'
પુસ્તકની વિગતો પ્રમાણે, જુલાઈ-1931માં સરદાર પટેલની અધ્યક્ષતામાં કૉંગ્રેસની કાર્યસમિતિની બેઠક મળી, જેમાં સેવાદળને પાર્ટીમાં ભેળવી દેવાનો પ્રસ્તાવ પસાર થયો, તેને 'કૉંગ્રેસ સેવાદળ' એવું નામ મળ્યું, આગળ જતાં તે માત્ર સેવાદળ તરીકે વિખ્યાત બન્યું.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એક તબક્કે અંગ્રેજ સરકારે કૉંગ્રેસ તથા સેવાદળ ઉપર પ્રતિબંધ મૂક્યા હતા. સ્વતંત્રતા પછી ચુસ્ત અનુશાસન ધરાવતા સેવાદળના સ્વયંસેવકો પાસે કૉંગ્રેસ પાર્ટીના સત્તાવાર કાર્યક્રમમાં વ્યવસ્થા જાળવવી, ધ્વજવંદન, ગાર્ડ-ઑફ-ઑનર આપવાં, નેતાઓને લાવવા, લઈ જવા, તેમને સલામી આપવી જેવાં કામો રહ્યાં હતાં.
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક દિલીપ પટેલના કહેવા પ્રમાણે, "સ્વતંત્રતા પછી સેવાદળના સ્વયંસેવકોનું કામ મુખ્યત્વે કૉંગ્રેસના કાર્યક્રમોનો પ્રચાર કરીને તેને લોકો સુધી પહોંચાડવાનું અને આયોજનને સફળ બનાવવાનું હતું. સ્વયંસેવકો સભાની વ્યવસ્થા જાળવતા તથા નેતાઓને સુરક્ષા આપવાનું કામ કરતા હતા. તેઓ લોકો સાથે સીધા જ જોડાયેલા હતા."
ઇંદિરા ગાંધી તરૂણાવસ્થા દરમિયાન અલાહબાદ તથા યુપીના અલગ-અલગ જિલ્લામાં 'વાનરસેના'નાં સ્વયંસેવિકા તરીકે જોડાયેલાં હતાં, એટલે તેઓ સંગઠન તરીકે સેવાદળનું મહત્ત્વ સમજતાં હતાં. એટલે જરૂર પડ્યે ચૂંટણી કે સેવાકાર્યોમાં તેનો ઉપયોગ કરતાં.
1960ના દાયકાના અંતભાગમાં ઇંદિરા ગાંધીએ કૉંગ્રેસ ઉપર તેમની પકડ મજબૂત કરી. એ પછી પાર્ટીના સંગઠનમાં તેમના નાના દીકરા સંજય ગાંધીનું મહત્ત્વ વધી જવા પામ્યું અને સેવાદળના સ્વયંસેવકોની સરખામણીમાં યુવા કૉંગ્રેસ તથા નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયાના કાર્યકરોને ચૂંટણીલક્ષી રાજકારણમાં વધુ સ્થાન મળવા લાગ્યું.
પટેલ ઉમેરે છે, "યુવા કૉંગ્રેસ, એનએસયુઆઈ કે મહિલા કૉંગ્રેસ જેવાં અન્ય સંગઠનોની સરખામણીમાં સેવાદળના સ્વયંસેવકોને ચૂંટણીઓમાં જ્વલ્લે જ ટિકિટ મળી છે. જેના કારણે પણ સંગઠનના માળખાને માઠી અસર પહોંચી."
દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, પ્રથમ બિન-કૉંગ્રેસી વડા પ્રધાન મોરારજી દેસાઈ, રાજસ્થાનના પૂર્વ મુખ્ય મંત્રી અશોક ગેહલોત તથા ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય મંત્રી હરીશ રાવતે તેમની કારકિર્દીની શરૂઆત સેવાદળથી કરી હતી.
જ્યારે જનતા પાર્ટીની સરકાર આવી અને ઇંદિરા ગાંધીની સુરક્ષા ઘટાડી દેવામાં આવી હતી, ત્યારે સેવાદળના સ્વયંસેવક તેમના ઘરની બહાર પહેરો ભરતા તથા તેમના કાર્યક્રમોમાં સુરક્ષા અને વ્યવસ્થાનું કામ સંભાળતા.
રાજીવં ગાંધીએ તેમની રાજકીય કારકિર્દી શરૂ કરી તે પહેલાં થોડો સમય સેવાદળ સાથે જોડાયેલા હતા. સેવાદળના મોટા ભાગના સ્વયંસેવક મધ્યમવર્ગ કે લૉઅર મિડલ ક્લાસના હોય છે, જેઓ લોકોની વચ્ચે રહીને કામ કરતા હોવાથી જનતાના મિજાજને ઓળખે છે અને નસ પારખે છે. રાજીવ ગાંધી ચૂંટણી સમયે ફિડબૅક મેળવવા માટે સંગઠનનો ઉપયોગ કરતા. એ પછી તેનું મહત્ત્વ ઘટતું રહ્યું.
આરએસએસની પૃષ્ઠભૂમિ ધરાવતા શંકરસિંહ વાઘેલા કૉંગ્રેસમાં જોડાયા હતા અને 'શક્તિદળ' નામનું આગવું સંગઠન ઊભું કર્યું હતું. જેનો પોતાનો ગણવેશ હતો અને તાલીમ હતી. પાછળથી વાઘેલાએ પોતાનું સંગઠન આટોપી લેવું પડ્યું હતું.
વાઘેલાના કહેવા પ્રમાણે, 'એ સમયે કૉંગ્રેસના નેતાઓ કહેતા કે સેવાદળને મજબૂત કરો. ભાજપ, સંઘ અને બજરંગદળની સામે ગાંધીવાદી વિચારધારામાં માનતું સેવાદળ ન ચાલે, સંગઠનમાં આક્રમકતા જોઈએ.'
બીજી બાજુ, સ્વતંત્રતા પછી આ સંગઠને સત્તાવાર રીતે આરએસએસનું કાર્યક્ષેત્ર 'સામાજિક અને સાંસ્કૃતિક' સંગઠન તરીકેનું રહ્યું છે. છતાં તેના સ્વયંસેવકોએ ભારતીય જનસંઘમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જનતા પાર્ટીમાં વિલીનીકરણ પછી જ્યારે ચૌધરી ચરણસિંહ, રાજ નારાયણ અને ચંદ્રશેખરના પ્રયાસોથી કાર્યકરો કાં તો પાર્ટીમાં રહે અથવા તો સંઘ સાથે સંબંધ ધરાવે એવો ઠરાવ પસાર થયો, ત્યારે આરએસએસમાંથી નીકળેલા અનેક નેતા અલગ થઈ ગયા.
અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, સુંદરસિંહ ભંડારી અને ભૈરોસિંહ શેખાવત જેવા સંઘના સ્વયંસેવકોએ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી. જે સંઘના ધાર્મિક, આદિવાસી, સ્વદેશી અભિયાન, કિસાન અને શ્રમિક સહિત અનેક સંગઠનોમાંથી એક રાજકીય પાંખ માત્ર છે.
સેવાદળ કેમ શિથિલ થઈ ગયું?

ઇમેજ સ્રોત, Getty Images
જૂન-2013માં સંઘના સ્વયંસેવક અને ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને ભાજપની કૅમ્પેન કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર-2013માં પાર્ટી નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવાની હતી અને તેઓ દેશભરમાં 'ગુજરાત મૉડલ'ના નામે મત માગવાના હતા. આ પહેલાં ગુજરાતમાં એક ઘટના ઘટવાની હતી. ગુજરાતમાં માંડલ બેચરાજીના લગભગ 100 ગામની જમીન સંપાદિત કરીને 'સ્પેશિલ ઇકૉનૉમિક રિજન'ની સ્થાપના થવાની હતી. જેની સામે ખેડૂતોએ ટ્રૅકટર રેલી, પદયાત્રા, ધરણાં-પ્રદર્શન જેવા કાર્યક્રમ આપ્યા હતા. દેખાવકારોએ 100 દિવસમાં લગભગ 42 જેટલા કાર્યક્રમ આપ્યા હતા, છતાં સરકાર તેની યોજના ઉપર મક્કમ હતી.
એક તબક્કે આંદોલનકારીઓએ સ્વતંત્રતાદિવસ પછી ગાંધીનગર કૂચ કરવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ એ પહેલાં 14 ઑગસ્ટે સરકારે પીછેહઠ કરી. રાજકીય વિશ્લેષકોના મતે, મોદીએ તેમની ભાવિ યોજનાને પાર પાડવા માટે 'વ્યૂહાત્મક પીછેહઠ' કરી હતી.
આ આંદોલનકારીઓનું નેતૃત્વ કરનારાઓમાંથી એક હતા પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મેરા ગામના વતની લાલજીભાઈ દેસાઈ. માલધારી સમાજના દેસાઈનો અભ્યાસ સેવાદળના સ્વયંસેવકો દ્વારા સંચાલિત શાળામાં થયો હતો. તેમણે લોકભારતી સણોસરામાં આગળનો અભ્યાસ કર્યો હતો.
કહેવાય છે કે 'ખેતી સદાય દેતી', જોકે દેસાઈ પરિવારની સાથે આવું નહોતું થયું અને ઉપરાછપરી દુકાળના સમયમાં તેમણે હિજરત કરીને અમદાવાદ આવવું પડ્યું હતું, જ્યાં સમગ્ર પરિવાર ચાલીની એક ઓરડીમાં રહેતો. 2013ના ખેડૂતઆંદોલનનું નેતૃત્વ લીધું એ પહેલાં લાલજીભાઈએ કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે કામ કર્યું હતું. તેઓ કૉંગ્રેસ પાર્ટીમાં મહાસચિવપદે હતા.
આ અરસામાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ, જેમાં પાર્ટીએ વર્ષ 1984 પછીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 77 બેઠક મેળવી. અનામત આંદોલનને કારણે ભાજપની પરંપરાગત વૉટબૅન્ક મનાતા પાટીદારોમાં પાર્ટી સામે આક્રોશ હતો, જેનો પણ કૉંગ્રેસને લાભ થયો.
ગુજરાતના ચૂંટણીપરિણામોના એકાદ અઠવાડિયા પહેલાં રાહુલ ગાંધી પર્ટીના અધ્યક્ષ બન્યા. એપ્રિલ-2018માં તેમણે લાલજી દેસાઈને સેવાદળની જવાબદારી સોંપી.
દેસાઈના કહેવા પ્રમાણે, "રાજીવ ગાંધીના અવસાન પછી સંગઠનમાં શિથિલતા આવી ગઈ હતી. એક તબક્કે પટણાના ગાંધી મેદાન ખાતેના કાર્યક્રમમાં એક લાખ કરતાં વધુ સ્વયંસેવક ઊમટી પડે એટલી સંગઠનની શક્તિ હતી, પરંતુ મેં જ્યારે સંગઠન સંભાળ્યું, ત્યારે દેશભરમાં તેમાં માંડ 12 હજાર જેટલા સ્વયંસેવક હતા, જેમાંથી અનેક સ્વયંસેવક તથા પદાધિકારીઓની ઉંમર 60-70ને પાર કરી ગઈ હતી. તેઓ યુવાવસ્થામાં જોડાયા હતા અને સંગઠન પ્રત્યે લાગણી ધરાવતા હોવાથી જોડાયેલા હતા."
સંગઠનની હાલની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
દેસાઈના નેતૃત્વમાં સંગઠનમાં પ્રાણ ફૂંકવા અને નવલોહિયાઓને તેમાં સામેલ કરવા માટે અનેક ફેરફાર કરવામાં આવ્યા. જેમાં યુવા બ્રિગેડ માટે જીન્સ તથા ટીશર્ટને મંજૂરી આપવામાં આવી. મહિલાઓ માટે અલગ પાંખ ઊભી કરવામાં આવી તથા બંને સ્વાયત રીતે કાર્ય કરે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી.
યુવા સાથે સંવાદ સાધી શકાય તે માટે અલગ-અલગ સોશિયલ મીડિયા ઉપર સંગઠને હાજરી નોંધાવી છે. સંગઠનમાં યુવાનોને તક મળે તે માટે પદાધિકારીઓ માટે ઉંમરની ટોચમર્યાદા દાખલ કરવામાં આવી છે.
સત્તાવાર કાર્યક્રમો સિવાય સ્વયંસેવકને ગણવેશમાંથી અને નેતાઓને સલામી આપવાની ફરજમાંથી મુક્તિ આપવામાં આવી છે. સંગઠનના કાર્યકરો ગાંધીવિચારનો પ્રસાર કરે છે અને કુદરતી આપદા સમયે સહાય આપવા માટે ધસી જાય છે. આ સિવાય લોકોને સ્પર્શતા મુદ્દા ઉઠાવે છે.
ચાલુ ચૂંટણી દરમિયાન એનએસયુઆઈ, યુવા કૉંગ્રેસ તથા મહિલા કૉંગ્રેસની જેમ જ સેવાદળને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવી છે.
દેસાઈના કહેવા પ્રમાણે, "સોશિયલ મીડિયા ઉપર સંગઠનના સ્વયંસેવકો પાર્ટીના વિચારોને ફેલાવવાનું તથા ચૂંટણીપ્રચારનું કામ કરે છે. આ સિવાય ધરાતલ પર કામ કરી શકે તે માટે ચુનંદા કાર્યકરોને તાલીમ આપવામાં આવી છે. જેઓ ગુજરાત સહિત દેશભરની અલગ-અલગ બેઠક ઉપર ચૂંટણીસંચાલન, બૂથ મૅનેજમૅન્ટ, પ્રચાર, જનતા સાથે સંવાદની તાલીમ આપવામાં આવી છે. જ્યાં સંગઠનના પદાધિકારીને ટિકિટ આપવામાં આવી છે, જ્યાં પાર્ટીની હારનું માર્જિન પાતળું હતું એવી બેઠકો ઉપર સેવાદળના સ્વયંસેવકોએ ચૂંટણીલક્ષી કામગીરી હાથ ધરી છે. આ સિવાય ઉમેદવારો દ્વારા પણ સેવાદળના સહકારની માગ કરવામાં આવે છે, જે તેમને ઉપલબ્ધ કરાવવામાં આવે છે."
પાર્ટીમાં સેવાદળની વધતી જતી ભૂમિકાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ તેમની 'ન્યાયયાત્રા'ને સફળ બનાવવામાં સંગઠનના સ્વયંસેવકોની ભૂમિકાને બિરદાવતો પત્ર લખ્યો હતો.
દેસાઈના કાર્યકાળ દરમિયાન ત્રણથી 11 દિવસની તાલીમ મેળવીને સંગઠનના સ્વયંસેવક બનનારાઓની સંખ્યા 30 ગણી જેટલી વધવા પામી છે. દેશભરમાં સંગઠનને ફરીથી બેઠું કરવાની રાહુલ ગાંધીની બ્લૂ પ્રિન્ટ ઉપર તેઓ કામ કરી રહ્યા છે.
સંગઠન આગામી ચૂંટણીમાં પોતાની ભૂમિકા પ્રસ્થાપિત કરવા માટે સજ્જ છે, ત્યારે તેઓ કેટલી હદે સફળ થયા છે, તેનો ખુલાસો જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં થશે.












