બજારમાં મળતી હળદર અસલી છે એ કેવી રીતે ખબર પડે? નકલીથી શું નુકસાન થાય?

બીબીસી ગુજરાતી હળદર

ઇમેજ સ્રોત, ISTOCK

    • લેેખક, રુચિતા પુરબિયા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

હળદર ગુજરાતીઓના રસોડાનો એક મહત્ત્વપૂર્ણ મસાલો છે. હળદરનો માત્ર ભોજનમાં સ્વાદ વધારવાના હેતુસર જ નહીં, પરંતુ ભોજનને આકર્ષક રંગ આપવામાં ઉપયોગ થાય છે. હળદર વિના જાણે કે રસોઈ સૂની લાગે.

આ સિવાય ભોજન સહિત દવામાં તેનો ખાસ ઉપયોગ થાય છે. બળતરા, ઍન્ટિ-ઑક્સિડન્ટ, ઍન્ટી-સેપ્ટિક અને અન્ય વાઇરસ વિરુદ્ધ એ ઉપયોગી મનાય છે.

પરંતુ શું તમે એ જાણો છો કે કાચી હળદર ખરેખર સોનેરી રંગની હોય છે? જ્યારે હળદરની ખરીદી કરવાની વાત આવે ત્યારે ઘણા ક્યાંક ને ક્યાંક આ ચમકદાર રંગની જ શોધ કરતા હોય છે.

શું આપ જાણો છો કે કુદરતી હળદર જેવો રંગ ભેળસેળની નિશાની પણ હોઈ શકે છે, જેની તમારા સ્વાસ્થ્ય પર ઘણી માઠી અસરો પણ થઈ શકે છે.

તો પછી કેવી રીતે જાણવું કે તમે જે હળદરનો તમારી રસોઈમાં ઉપયોગ કરી રહ્યા છો એ ભેળસેળમુક્ત છે. હળદરની શુદ્ધતા ચકાસવા માટેની રીતો જાણવા માટે બીબીસી ગુજરાતીએ નિષ્ણાતો સાથે વાત કરી હતી.

કેવી રીતે બને છે ભેળસેળયુક્ત હળદર?

બીબીસી ગુજરાતી હળદર

ઇમેજ સ્રોત, Istock

આંતરરાષ્ટ્રીય બજારમાં હળદરની માગ વધારે છે, તેથી નફો વધારવા માટે ઘણી વાર હળદરમાં ભેળસેળ કરાય છે.હળદરના પાઉડરમાં સ્ટાર્ચ, કર્ક્યુમિન સિન્થેટિક અને કૃત્રિમ રંગો નાખીને ભેળસેળ થાય છે.

હળદરમાં થતી ભેળસેળ અંગે જાણવા બીબીસી ગુજરાતીએ અમદાવાદના મ્યુનિસિપલ કૉર્પોરેશનના ભૂતપૂર્વ ફૂડ ઍનાલિસ્ટ અતુલ સોની સાથે વાત કરી. અતુલ સોનીને 30 વર્ષથી ફૂડ ઍનાલિસ્ટનો અનુભવ છે.

તેઓ કહે છે કે હળદરમાં નકલી પદાર્થો નાખવાનો મુખ્ય હેતુ તેનો તેના ઉત્પાદનખર્ચ ઘટાડવાનો છે. તેમાં ત્રણ રીતે ભેળસેળ કરવામાં આવે છે:

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

“પ્રથમ રીત અનુસાર ભેળસેળ માટે સ્ટાર્ચ એટલે કે લોટનો ઉપયોગ કરવામાં આવે છે. આના માટે ઘઉં અથવા ચોખાનો લોટ વપરાય છે.”

“બીજું ઉત્પાદકો સારી હળદર સાથે નિમ્ન સ્તરની હળદર ભેળવીને તેનો ઉત્પાદનખર્ચ ઘટાડે છે. જ્યારે ત્રીજી રીત અનુસાર તેમાં કૃત્રિમ રંગ ઉમેરવામાં આવે છે, કેમ કે ગ્રાહકને એવું લાગે છે કે હળદરનો રંગ તેની ગુણવત્તાનો સંકેત છે, પરંતુ તે જરૂરી નથી કે સારી હળદર ઘાટા રંગની જ હોય, પરંતુ ગ્રાહક આ વાત જાણતા નથી. તેઓ નથી જાણતા કે કૃત્રિમ રંગમાં લેડ ક્રોમેટ જેવાં તત્ત્વો હોય છે.”

અન્ય એક ભેળસેળની રીત અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “તૈલી દ્રાવ્ય ડાઇ ઉમેરીને હળદરનો ઉત્પાદનખર્ચ ઘટાડવામાં આવે છે. આ સ્વાસ્થ્ય માટે સૌથી વધુ હાનિકારક છે, કેમ કે આ દ્રવ્ય કૅન્સરકારક છે, એટલે કે જો તેનો લાંબા ગાળા સુધી ઉપયોગ કરાય તો તેનાથી કૅન્સર થવાની શક્યતા હોય છે.”

અતુલ સોની હળદરમાં કરાતી ભેળસેળ અંગે વાકેફ કરાવ્યા બાદ તેની શુદ્ધતા ચકાસવા માટેના રસ્તા અંગે વાત કરે છે.

તેઓ જણાવે છે કે, "હળદરનો કોઈ ચોક્કસ રંગ નથી હોતો, તેથી તેને જોઈને એવું ના કહી શકાય કે એ શુદ્ધ છે કે ભેળસેળવાળી. પરંતુ જો ગ્રાહકે તેમની હળદરની ગુણવત્તા ચકાસવી હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ઑફિસમાં 100 રૂપિયાના લઈ તેની ચકાસણી કરાવી શકે છે. કૉર્પોરેશન હળદરની ગુણવત્તા તપાસીને રિપોર્ટ આપે છે અને જો એ રિપોર્ટમાં જાણવા મળે કે હળદરમાં ભેળસેળ છે, તો ગ્રાહક ઉત્પાદક વિરુદ્ધ કેસ થઈ શકે છે.”

તેઓ સલાહ આપતાં કહે છે કે ગ્રાહકે ફક્ત સારી બ્રાન્ડની હળદર લેવી જોઈએ.

પોતાના આ મત અંગે કારણ આપતાં અતુલ સોની જણાવે છે કે, “આવું એટલા માટે કે સારી કંપનીને બજારમાં વેચવા માટે એગમાર્ક અને એફએસએસએઆઇના પરીક્ષણ પછી જ વેચાણની પરવાનગી મળે છે અને જો તેમ છતાં ગ્રાહકને ભેળસેળની શંકા જાય તો તે પરીક્ષણ કરાવીને ઉત્પાદકને કોર્ટ લઈ જઈ શકે છે.”

તેઓ સાલહ આપતા કહે છે કે ગ્રાહકે છૂટક વેચાતા મસાલા ન લેવા જોઈએ, કારણ કે તેના ઉત્પાદક અંગે ગ્રાહકને કોઈ જ માહિતી અપાતી નથી.

લેડ ક્રોમેટ શું છે?

હળદરને વધુ ઘાટો સોનેરી રંગ આપવા માટે લેડ ક્રોમેટ નામની ધાતુનો ઉપયોગ કરાય છે.

લેડ ક્રોમેટ બે ધાતુના મિશ્રણથી બને છે: લેડ અને ક્રોમિયમ. લેડ ક્રોમેટ એ કલરકામ માટે ઉપયોગી રસાયણ છે. આ રસાયણનો હળદરનાં મૂળને રંગવામાં પણ ઉપયોગમાં લેવાય છે.

હળદરનું પ્રાથમિક ઘટક, કર્ક્યુમિનોઇડ્સ છે, જે હળદરને ઔષધીય ગુણો અને પ્રાકૃતિક પીળો રંગ આપે છે.

હળદરનું વજન વધારવા માટે પણ તેમાં લેડ ક્રોમાટનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વાર પ્રોસેસિંગ, પીસતી વખતે અથવા પૅકેજિંગ દરમિયાન આકસ્મિક રીતે પણ આ તત્ત્વ તેમાં ભળી જાય છે.

લેડ ક્રોમેટની આરોગ્ય પર કેવી અસરો થાય છે?

બીબીસી ગુજરાતી હળદર

ઇમેજ સ્રોત, ANI

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધન અનુસાર દુનિયાભરમાં ભારતમાં સૌથી વધારે લોકો લેડના પૉઇઝનિંગના શિકાર છે.

સંશોધકોએ ચેતવણી આપી છે કે લેડ ક્રોમેટના ઉપયોગથી કિડની અને મગજને નુકસાન થાય છે અને બાળકોના મગજના વિકાસમાં અવરોધ પેદા કરે છે.

લેડના પૉઇઝનિંગની બાળકોની બૌદ્ધિક ક્ષમતાઓ પર આજીવન, અટળ અસર થાય છે, જેની દેશ ઉપર સામાજિક અને આર્થિક દૃષ્ટિએ વિનાશક અસર થઈ શકે છે.

અમેરિકાની પર્યાવરણ અને આરોગ્ય પર કામ કરતી કંપની ‘પ્યોર અર્થ’ના સંશોધકોએ 2018માં ભારતના બિહારમાં પહેલી વાર લોકોના લોહીની ચકાસણી કરી, જેનાં પરિણામોમાં જાણવા મળ્યું સંશોધનમાં સામેલ કરાયેલા લોકો પૈકી કેટલાકના લોહીમાં લેડનું વધુ પ્રમાણ જોવા મળ્યું હતું.

પ્યોર અર્થના ઍડ્વૉકસી અને કૉમ્યુનિકેશન્સના ડિરેક્ટર સંદીપ દહિયા કહે છે કે, "અમને જાણવા મળ્યું છે કે લગભગ તમામ ઘરોમાં હળદરમાં લેડનું પ્રમાણ વધારે છે."

નીતિ આયોગના અહેવાલ પ્રમાણે લાંબા સમય સુધી લેડનો સંપર્ક માનવના આરોગ્ય માટે જોખમી છે. તેનાથી ચેતાતંત્રને હાનિ પહોંચે છે અને માનવશરીરના ભાગો જેમ કે લિવર, લોહી, કિડની, મગજ વગેરેમાં જૈવસંચય (બાયોએક્યુમ્યુલેશન) થાય છે અને તેનાથી રક્ત સંબંધિત વિકૃતિઓ આવે છે.

ટૂંકા ગાળાના સંપર્કથી માથાનો દુખાવો, યાદશક્તિમાં ઘટાડો, નબળાઈ, કબજિયાત, એનિમિયા, બળતરા, પેટમાં દુખાવો અને શરીરમાં કળતર થઈ શકે છે.

એક વાર લેડ શરીરમાં શોષાઈ જાય તે બાદ તે લોહી, લીવર, કિડની, ફેફસાં, બરોળ, હૃદય અને હાડકાં અને દાંત સહિતના ભાગોમાં પહોંચી જાય છે. મોટા ભાગની લેડ પેશાબવાટે અથવા મળ દ્વારા પિત્તરસ સ્વરૂપે શરીરમાંથી બહાર નીકળી જાય છે.

ગર્ભાવસ્થા દરમિયાન હાડકાંમાં રહેલી લેડ લોહીમાં ભળે છે અને વિકસી રહેલા ગર્ભના સંપર્કમાં આવે છે.

લેડના સંપર્કમાં આવવાથી શરીરની ઘણી પ્રણાલીઓને અસર થઈ શકે છે અને તે ખાસ કરીને નાનાં બાળકો અને માતા બનવાની ઉંમરવાળી સ્ત્રીઓ માટે હાનિકારક છે.

શરીરમાં ધાતુ મગજ, લીવર, કિડની અને હાડકાંમાં પ્રવેશે છે. તે દાંત અને હાડકાંમાં ભેગી થઈ જાય છે.

હળદર પાઉડર કેવી રીતે બને છે?

બીબીસી ગુજરાતી હળદર

ઇમેજ સ્રોત, Getty Images

હળદરના મૂળનો પાઉડર બનાવવા માટે પહેલાં તેમાંથી ભેજને બહાર કાઢવામાં આવે છે. વેપારીઓ એક મહિના માટે વિશાળ, તડકાવાળાં, ખુલ્લાં મેદાનોમાં હળદરને મૂકે છે. ઉત્પાદકો જાતે જ હળદરનું નિરીક્ષણ કરે છે અને તેનાં મૂળની તપાસ કરે છે.

એક વાર હળદર સુકાઈ જાય પછી તેને પૉલિશ કરવામાં આવે છે. અહીં, તેને મોટા "ડ્રમ"માં મુકાય છે, જેને હાથથી અથવા મોટર દ્વારા ફેરવવામાં આવે છે. પછી હળદરની બાહ્ય ત્વચાને દૂર કરાય છે, જેથી મૂળનો ખરો રંગ દેખાય.

આ પ્રક્રિયા બાદ તેનો પાઉડર કરાય છે.

વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા ભારત મસાલાના ઉત્પાદનમાં અગ્રણી દેશ છે અને છેલ્લાં નવ વર્ષમાં ભારતમાંથી મસાલાની નિકાસ બમણી થઈ છે, જે નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 3,995 કરોડને સ્પર્શી ગઈ છે.

ઝેરી ધાતુની માનવ સ્વાસ્થ્ય પરની અસરના વધતા કેસો

બીબીસી ગુજરાતી હળદર

ઇમેજ સ્રોત, Getty Images

વધુ પડતા પ્રમાણમાં ધાતુઓની શરીર પરની નકારાત્મક અસરો અંગે એક ઉદાહરણની મદદથી સમજવાનો પ્રયાસ કરીએ.

ડિસેમ્બર 2020માં આંધ્ર પ્રદેશના એલુરુ શહેરમાં 560 લોકોને દવાખાનામાં દાખલ કરવા પડ્યા હતા. દાખલ કરાયેલા મોટા ભાગનાં બાળકો હતાં.

આ બધા જ લોકોમાં એક જેવાં જ લક્ષણો જોવા મળી રહ્યાં હતાં, જેમ કે, વા, આંચકી, ઊલટી સાથે આંખોમાં બળતરા થવી અને બેભાન થઈ જવું વગેરે.

આ તમામ પૈકી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો, જ્યારે બીજાને બચાવી લેવાયા.

થોડા દિવસ બાદ આંધ્ર પ્રદેશની સરકારે જાહેર કર્યું કે આ બીમારીનું મુખ્ય કારણ હતું પીવાના પાણીમાં મળી આવેલ જંતુનાશક દવાના અવશેષો. એઇમ્સ અને નેશનલ ઍન્વાયરમૅન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે (એનઇઇઆરઆઇ) આ ઘટના અંગે તપાસ કરી તેનાં તારણો રજૂ કર્યાં હતાં.

એઇમ્સે આ ઘટના સંદર્ભે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે બજારમાં મળતા દૂધમાં લેડનું પ્રમાણ વધુ છે અને એનઇઇઇઆરઆઇએ કહ્યું હતું કે પાણીમાં ભૂગર્ભજળના પારાનું વધુ પ્રમાણ આ ઘટના માટે જવાબદાર છે.

ભારત હળદરનો સૌથી મોટો ઉત્પાદક અને ઉપભોક્તા દેશ છે

જો હળદરના મુખ્ય ઉત્પાદક દેશોની વાત કરીએ તો તેમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર વગેરેનો સમાવેશ થાય છે. આ પૈકી ભારત વિશ્વમાં હળદરનો સૌથી મોટો ઉત્પાદક, ઉપભોક્તા અને નિકાસકાર દેશ છે.

અમેરિકામાં પણ ત્યાંનાં બાળકોના લોહીમાં વધુ પ્રમાણમાં ધાતુ હોવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો હતો. આ ઘટનાની તપાસ બાદ ખબર પડી કે ભારતથી જે પરિવારો પોતાની સાથે મસાલા લઈને અમેરિકા ગયા પહોંચ્યા છે તેમનાં બાળકોના લોહીમાં ધાતુની હાજરી હતી. તેથી ત્યાંની ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગે ભારતીય મસાલાનો ઉપયોગ રસોઈમાં ટાળવાની ભલામણ કરી હતી.

સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીને 2019માં જાણવા મળ્યું કે બાંગ્લાદેશમાં માનવશરીરમાં ધાતુના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. બાંગ્લાદેશનાં વડાં પ્રધાને આ વાતને રાષ્ટ્રીય મુદ્દો બનાવ્યો અને હળદરમાંથી ધાતુની હાજરીને સંપૂર્ણપણે દૂર કરવા માટે નિયમો લવાયા અને બે વર્ષમાં તેમણે તેમના બજારમાં ભેળસેળવાળી હળદરનું ઉત્પાદન અને વેચાણ સંપૂર્ણપણે અટકાવવામાં સફળતા પ્રાપ્ત કરી.

સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીની ભલામણ પ્રમાણે ભારતે બાંગ્લાદેશના આ પ્રયાસમાંથી શીખ મેળવવી જોઈએ.