ગોળ ખાંડ કરતાં સ્વાસ્થ્ય માટે સારો હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગૌતમી ખાન
- પદ, બીબીસી સંવાદદાતા
હું મારી મિત્રને મળવા તેના ઘરે ગઈ હતી, તેણે ચામાં ખાંડ નહોતી નાખી.
મેં કહ્યું, "ખાંડ વગરની ચા કેવી રીતે ભાવે?"
તેણે ગર્વથી કહ્યું, "અમે કેટલાય સમયથી ખાંડ લેવાનું છોડી દીધું છે, અમે માત્ર ઑર્ગેનિક ગોળ વાપરીએ છીએ."
અને તેણે કહ્યું કે,"ઓહ! તમે હજુ ખાંડ વાપરો છો?"
હાલમાં તમે પણ સાંભળ્યું હશે કે "ગોળ ખાંડ કરતાં સારો" હોય છે.
ફિટનેસ અને આરોગ્યપ્રદ જીવનશૈલી પ્રત્યે જાગરૂકતા વધી રહી છે. કેટલાય લોકો પોતાની ખાવા-પીવાની ટેવો બદલી રહ્યા છે. લોકો ડાયાબિટીસ જેવી બીમારીઓનો ખતરો વધતા જીવનશૈલીમાં ફેરફાર કરતા હોય છે, જેમકે મીઠાઈ ન ખાવી અથવા ખાંડનો વિકલ્પ શોધવો.
કેટલાક લોકો ખાંડની જગ્યાએ મધ કે પછી ગોળ લેવાનું પસંદ કરે છે.
તહેવારોમાં પણ પકવાન બનાવવામાં લોકો ખાંડની જગ્યાએ ગોળ વાપરતા થયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો નિષ્ણાતો આ વિશે શું કહે છે, શું ગોળ આરોગ્ય માટે ખાંડ કરતાં વધુ સારો છે?
ખાંડ અને ગોળમાં અંતર શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ખાંડ અને ગોળ બંને શેરડીમાંથી બને છે. પરંતુ બંનેને બનાવવાની પદ્ધતિ અલગ છે.
સફેદ ખાંડ એ રિફાઇન્ડ હોય છે. તેને બનાવતી વખતે સલ્ફર ડાયોક્સાઇડ, કૅલ્શિયમ હાઇડ્રોક્સાઈ, ફૉસફોરિક એસિડ જેવાં રસાયણો વાપરવામાં આવે છે. એટલે શેરડીનાં વિટામિન, પ્રોટીન અને મિનરલ્સ જેવા પોષક તત્ત્વો નાશ પામે છે. એટલે એમ સમજો કે ખાંડમાં કૅલરી સિવાય પોષક તત્ત્વો નથી હોતાં.
ગોળ બનાવવા માટે શેરડીનો રસ ઉકાળવામાં આવે છે. શેરડીના રસને ત્યાર સુધી ઉકાળવામાં આવે છે જ્યાર સુધી તેમાં રહેવું પાણી બાષ્પીભવન વડે સુકાઈ ન જાય. તેમાંથી બચેલા ઘટ પદાર્થને અલગ અલગ આકારમાં ઢાળવામાં આવે છે. કારણ કે તેને રિફાઇનિંગ પ્રોસેસમાંથી પસાર નથી થવું પડતું એટલે તેમાં પોષક તત્ત્વો જળવાઈ રહે છે.
ખાંડ અને ગોળ વચ્ચે જે મોટો તફાવત છે એ પોષક તત્ત્વોનો છે. ગોળમાં પોષક તત્ત્વો રહી જાય છે. અને ખાંડમાં તે ન બરાબર હોય છે. બંનેમાં કૅલરી એક સરખી હોય છે.
ખાંડ ખાઓ ત્યારે શું થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ખાંડયુક્ત ખોરાક કે પછી ખાંડ ખાધા પછી તરત જ પચી જાય છે. ખાંડમાં કોઈ પ્રોટીન કે મિનરલ્સ નથી હોતાં એટલે તે ઝડપથી પચી જાય છે અને લોહીમાં શોષાય જાય છે.
લોહીમાં ગ્લૂકોઝનું સ્તર તરત વધી જાય છે. ગ્લૂકોઝ વધે એટલે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન નીકળે છે. ઇન્સ્યુલિન આપણા કોષોને લોહીમાં વધેલી શર્કરાને શોષી લેવાનો સંકેત આપે છે.
એટલે ચૉકલેટ ખાધા પછી તમને ઊર્જા વધી હોવાનો અનુભવ થાય છે. ગોળ ખાઓ ત્યારે આવું જ કંઈક આપણા શરીરમાં થાય છે. જોકે ગોળનું પાચન ખાંડની જેમ ઝડપી નથી હોતું કારણ કે તેમાં પ્રોટીન અને અન્ય પોષક તત્ત્વો હોય છે, જેથી લોહીમાં શર્કરાનું પ્રમાણ (બ્લડ શુગર લેવલ) ધીમે ધીમે વધે છે.
વધુ પડતી મીઠાઈઓ ખાવાથી શું થાય?

ઇમેજ સ્રોત, Getty Images
ગોળ અને ખાંડમાં એક સમાન કૅલરી હોય છે. ડૉક્ટરો કહે છે કે વધુ પ્રમાણમાં ગોળ અને ખાંડ લેવાથી આરોગ્યને નુકસાન થઈ શકે છે.
વધુ મીઠાઈઓ ખાવાથી શરીર વધારાના ગ્લૂકોઝનો સંગ્રહ લિવર અને માંસપેશીઓના કોષોમાં કરે છે. જે ધીમેધીમે ફૅટમાં પરિવર્તિત થાય છે.
વરિષ્ઠ ડાયટિશિયન જાનકી શ્રીનાથ કહે છે, "તેની આપણા મગજ અને શરીરના બીજા અંગો પર અસર થાય છે. વધુ મીઠાઈઓ ખાવાથી ચામળી પર નાની ઉંમરમાં જ કરચલીઓ આવવા લાગે છે અને વ્યક્તિ ઉંમર કરતા વધુ મોટી દેખાવા લાગે છે."
ત્યારે ન્યુટ્રિશિયનિસ્ટ સુજાતા સ્ટીફન કહે છે, "ગોળમાં પોષક તત્ત્વો હોય છે એટલે જો માપસર લઈએ તો તે આરોગ્ય માટે સારો છે. "
પરંતુ તેઓ ખાંડના વિકલ્પ શોધવા કરતાં મીઠાઈઓ ઓછી ખાવાની સલાહ આપે છે.
ખાંડ છોડી દેવી જોઈએ?

ઇમેજ સ્રોત, GANESH
સુજાતા કહે છે કે, "કોઈ પણ રૂપમાં શર્કરા આપણા શરીરને ફાયદો નથી પહોંચાડતી. તમે ખાંડની જગ્યાએ ગોળ કે મધ વાપરો તો તેની ટેવ પડી જવાનો ખતરો છે. જો તમારે તમારું વજન નિયંત્રણમાં રાખવું હોય અને બ્લડ શુગરનું સ્તર સ્થિર રાખવું હોય તો તમારે મીઠાઈઓ ખાવાનું ઓછું કરવું જોઈએ."
તેઓ વધુમાં કહે છે કે આરોગ્ય માટે કે પછી ફિટ રહેવા માટે તમારે ખાંડના વિકલ્પ શોધવા કરતાં ગળ્યું ખાવાનું ટાળવું જોઈએ. ગળ્યું ભોજન ન ખાવાથી પણ આરોગ્યમાં સુધાર આવે છે.
ડૉક્ટરો કહે છે કે ખાંડનો વપરાશ એકદમ બંધ કરી દેવાની જરૂર નથી પણ તમે તેને નિયંત્રિત કરવો જોઈએ.
ખાંડ આપણા શરીરમાં મીઠાઈઓ, કોલ્ડ ડ્રિંક્સ અને ચૉકલેટ જેવી વસ્તુઓથી જાય છે.
ડાયાબિટીસ હોય તો ખાંડની જગ્યાએ ગોળ ખાવો જોઈએ?

ઇમેજ સ્રોત, AVERAGE PA
ડાયાબિટીસના દર્દીઓ માટે ગોળ પણ ખાંડની જેમ જ ખતરનાક હોય છે.
ખાંડ, ગોળ, મધ આ બધાં જ પદાર્થો શરીરમાં ગ્લૂકોઝમાં પરિવર્તિત થઈ જાય છે. સુજાતા સ્ટીફન કહે છે કે, જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે ગોળ, ખાંડ કે પછી ખજૂરના ગોળથી દૂર રહેવું જોઈએ.
પરંતુ જે લોકો ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે અને તેમના ખોરાક વિશે પ્રત્યે સચેત રહે છે તેઓ એકંદરે મીઠાઈઓની મજા માણી શકે છે.
દરરોજ કેટલો ગોળ ખાઈ શકાય

ઇમેજ સ્રોત, GETTY IMAGES
અમેરિકન હાર્ટ એસોસિએશન કહે છે કે તમે દરરોજ 20થી 36 ગ્રામ જેટલો ગોળ કે પછી ખાંડ અથવા મધ લઈ શકો છો.
પુરુષોને નવ ચમચી એટલે 36 ગ્રામ અને મહિલાઓને 6 ચમચી એટલે 25 ગ્રામ સુધી ગોળ, ખાંડ કે મધ લેવાની સલાહ આપવામાં આવે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સલાહ મુજબ દરરોજ જેટલી કૂલ કૅલરી લેતા હો તેની પાંચ ટકા કૅલેરી જ આ ગળ્યા પદાર્થોમાંથી લેવી જોઈએ.












