ઇઝરાયલ સાથેના સંઘર્ષ છતાં ઇસ્માઇલ હાનિયા ખુલ્લેઆમ કેમ ફરતા હતા અને એમનો ઉત્તરાધિકારી કોણ બનશે?

ઇસ્માઇલ હાનિયા, હમાસ, ઇઝરાયલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રશ્દી અબુઅલૂફ અને મેટ મર્ફી
    • પદ, બીબીસી ન્યૂઝ

હમાસના ટોચના અધિકારીઓએ બીબીસીને જણાવ્યું હતું કે પોતાના રાજકીય નેતા ઇસ્માઇલ હાનિયાની હત્યાથી પેલેસ્ટાઇનના હથિયારબંધ સમૂહોને ઝટકો લાગ્યો છે.

હમાસનું કહેવું છે કે 62 વર્ષીય ઇસ્માઇલ હાનિયા બુધવારે સવારે ઈરાનમાં થયેલા ઇઝરાયલી હુમલામાં માર્યા ગયા.

હાનિયાને સમગ્ર હમાસ જૂથના નેતા માનવામાં આવતા હતા. તેઓ 1980ના દાયકાથી જ તેના પ્રમુખ સદસ્ય હતા.

તેમનો રાજકીય બ્યૂરો કતારમાં હોવાને કારણે હાનિયાના નેતૃત્ત્વમાં હમાસ એ ક્ષેત્રની તમામ સરકારો સુધી પોતાની પહોંચ રાખતું હતું.

ઈરાન અને સમગ્ર મધ્ય-પૂર્વમાં હમાસના પ્રૉક્સી ગ્રૂપ સાથે તાલમેલની જવાબદારી પણ હાનિયાની જ હતી.

ઇઝરાયલી સુરક્ષાદળો અનેક મહિનાથી તેમની તલાશ કરી રહ્યા હતા. બીબીસીને એ ખબર પડી છે કે હાનિયાનું ધ્યાન રાખનારા દળે તેમના પ્રસ્તાવિત લેબનોન પ્રવાસનો પણ સુરક્ષા કારણોસર વિરોધ કર્યો હતો.

ઇસ્માઇલ હાનિયાની ભૂમિકા

ઇસ્માઇલ હાનિયા, હમાસ, ઇઝરાયલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યાહ્યા સિનવાર

જોે, હમાસના મિલિટરી અભિયાનમાં હાનિયાની ભૂમિકા વધુ નહોતી.

એ જ કારણ છે કે તેઓ પોતાના અન્ય સાથીઓની તુલનામાં વધારે ખુલ્લીને ફરતા હતા. ગત વર્ષે ઑક્ટોબરમાં ઇઝરાયલમાં હમાસના હુમલા પછી પણ હાનિયાએ ત્રણ પ્રવાસ કર્યા હતા.

હાનિયા કતારમાં રહેતા હતા અને યુદ્ધવિરામને અંગે થઈ રહેલી વાતચીતોમાં તેમની મુખ્ય ભૂમિકા રહી છે.

હાનિયાના ઉત્તરાધિકારી વિશે તેમના મૃત્યુ પહેલાંથી જ ઘણા સવાલો ઊઠી રહ્યા હતા.

હમાસનું બંધારણ પોતાના કોઈ પણ પૉલિટિકલ બ્યૂરો ચીફને બે કાર્યકાળ કરતાં વધુ સમય સુધી પદ પર રહેવાની છૂટ આપતું નથી. આ નિયમ પ્રમાણે નવા પ્રમુખને 2025માં ચૂંટવાના હતા. પરંતુ હાનિયાનું મૃત્યુ થવાને કારણે હમાસની અંદરનાં પ્રતિસ્પર્ધી જૂથોમાં અંદરખાને લડાઈ તેજ થઈ ગઈ છે.

બીબીસી ગુજરાતી

આરબ જગતના રાજદ્વારીઓની નજરમાં હાનિયા, હમાસના અન્ય શીર્ષ નેતાઓની સરખામણીમાં વધુ વ્યાવહારિક વ્યક્તિ હતા. એ જ કારણ છે કે હમાસના મહમદ ડઇફ અને અન્ય નેતાઓના ઉગ્ર વલણથી વિપરીત હાનિયા પોતાના સમૂહની ક્ષેત્રીય સરકારો સાથે રાજકીય તાલમેલ બેસાડવામાં સફળ રહ્યા હતા.

ઇઝરાયલે આ જ મહિને દાવો કર્યો હતો કે તેમણે મહમદ ડઇફને ગાઝામાં હવાઈ હુમલામાં નિશાન બનાવ્યા છે. પરંતુ તેમના મૃત્યુની પુષ્ટિ થઈ નથી.

હમાસના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું, “હમાસ એક વિચાર છે, હમાસ એક વિચારધારા છે. તેના નેતાના મોતથી હમાસમાં કોઈ બદલાવ થશે નહીં. હમાસ હથિયાર નીચે નહીં મૂકે અને કોઈ સમાધાન નહીં કરે. ”

તેનાથી એ સંકેત મળે છે કે કેટલાક નેતાઓ હમાસમાં તણાવ હોવાની વાત નકારી રહ્યા હતા. પરંતુ હકીકત એ છે કે હાનિયાના ઉત્તરાધિકારી ચૂંટવાની પ્રક્રિયા લાંબી અને ઉથલપાથલ ભરી હોઈ શકે છે.

આગળનો રસ્તો

ઇસ્માઇલ હાનિયા, હમાસ, ઇઝરાયલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએના ડાયરેક્ટર બિલ બર્ન્સે તાજેતરમાં કહ્યું હતું કે હમાસના કેટલાક વરિષ્ઠ નેતાઓ વચ્ચે તણાવ ઊભો થયો છે.

આ નેતાઓ જૂથના નેતૃત્ત્વને કહેતા રહ્યા છે કે મંત્રણા અને વાતચીતમાં વધુ સુગમતા દાખવવી જોઈએ અને બંધકોના બદલામાં સંઘર્ષવિરામ કરારનો સ્વીકાર કરવો જોઈએ. પરંતુ હાનિયાના મૃત્યુ અને તેના સહાયક સાલેહ અલ-અરૌરીની જાન્યુઆરીમાં હત્યા અંગેના આક્રોશને કારણે આ કટ્ટરપંથી જૂથ વધુ અવાજ ઉઠાવી શકે છે.

વર્ષ 2023માં હમાસના એક અધિકારીએ યાહ્યા સિનવાર અને અલ-અરૌરીને હાનિયાના સંભવિત ઉત્તરાધિકારી ગણ્યા હતા.

બુધવારે હમાસના અધિકારીઓએ બીબીસીને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ત્રણ સંભવિત ઉમેદવારોનાં નામ જાહેર થઈ શકે છે.

તેમાં સૌથી વધુ સંભવિત ઉમેદવાર યાહ્યા સિનવાર છે, જે ગાઝાપટ્ટીમાં હમાસના વડા છે. એવું માનવામાં આવે છે કે ગત વર્ષે 7 ઑક્ટોબરે ઇઝરાયલમાં જે હુમલો કરવામાં આવ્યો હતો તેની યોજના યાહ્યા સિનવાર દ્વારા બનાવવામાં આવી હતી. એ હુમલામાં 1200 ઇઝરાયલી લોકો માર્યા ગયા હતા, ત્યારબાદ ઇઝરાયલી દળોએ ગાઝામાં પોતાનું ઓપરેશન શરૂ કર્યું હતું.

યાહ્યા સિનવાર ઇઝરાયલ સાથેના વર્તમાન સંઘર્ષની દિશા નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

એવું માનવામાં આવે છે કે તેઓ ગાઝામાં હમાસના કેટલાંક અંડરગ્રાઉન્ડ ઠેકાણાંમાં છુપાયેલા છે.

ઇસ્માઇલ હાનિયા કોણ હતા?

ઇસ્માઇલ હાનિયા હમાસના પૉલિટિકલ બ્યૂરોના વડા હતા. તેઓ પેલેસ્ટિનિયન ઑથોરિટીની દસમી સરકારના વડા પ્રધાન હતા.

હાનિયાનું ઉપનામ અબુ-અલ-અબ્દ હતો. તેમનો જન્મ પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિરમાં થયો હતો.

ઇઝરાયલે 1989માં હાનિયાને ત્રણ વર્ષ સુધી જેલમાં કેદ કરી લીધા હતા. ત્યારપછી તેમને હમાસના ઘણા નેતાઓ સાથે માર્જ અલ-ઝુહુરમાં દેશનિકાલ કરવામાં આવ્યો. આ ઇઝરાયલ અને લેબનોન વચ્ચે નો-મેન્સ લૅન્ડ છે. તેઓ ત્યાં એક વર્ષ રહ્યા.

નિર્વાસન પૂર્ણ થયા બાદ હાનિયા ગાઝા પરત ફર્યા. 1997માં તેમને હમાસ ચળવળના આધ્યાત્મિક નેતા શેખ અહમદ યાસીનના કાર્યાલયના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

હમાસે 16 ફેબ્રુઆરી, 2006ના રોજ પેલેસ્ટિનિયન ઑથોરિટીના વડા પ્રધાન તરીકે હાનિયાને નીમ્યા હતા. નામ આપ્યું હતું.

એ જ વર્ષે 20 ફેબ્રુઆરીએ તેમની નિમણૂક પણ કરવામાં આવી હતી. પરંતુ માત્ર એક વર્ષ પછી, પેલેસ્ટિનિયન નેશનલ ઑથોરિટીના વડા મહમૂદ અબ્બાસે તેમને તેમના પદ પરથી બરતરફ કરી દીધા.

આ એટલા માટે કરવામાં આવ્યું હતું કારણ કે ઇઝ-અલ-દિન અલ-કાસમ બ્રિગેડે ગાઝાપટ્ટી પર કબજો કરી લીધો હતો. તેમણે અબ્બાસના ફતહ આંદોલનના પ્રતિનિધિઓને હાંકી કાઢ્યા હતા. એક અઠવાડિયા સુધી ચાલેલી લડાઈમાં ઘણા લોકો માર્યા ગયા હતા.

હાનિયાએ તેમની બરતરફીને ગેરબંધારણીય ગણાવીને નકારી કાઢી હતી.

તેમનું કહેવું હતું કે તેમની સરકાર પોતાના કર્તવ્યો ચાલુ રાખશે અને પેલેસ્ટિનિયન લોકો પ્રત્યેની પોતાની જવાબદારીઓને છોડશે નહીં.

હાનિયાને 6 મે, 2017ના રોજ હમાસના પૉલિટિકલ બ્યૂરોના વડા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે 2018માં હાનિયાને આતંકવાદી જાહેર કર્યા હતા.