એવો દુકાળ પડ્યો કે 'પશુ પીવે એ જ ખાડામાંથી પીવું પડે,' એ દેશ જ્યાં લોકોને પાણી અને અન્ન નથી મળી રહ્યાં

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શિંગાઈ ન્યોકા
- પદ, બીબીસી
આફ્રિકાના દક્ષિણ ભાગમાં હાલમાં ભયંકર દુષ્કાળની સ્થિતિ છે જેના કારણે લગભગ સાત કરોડ લોકો ભૂખમરા અને પાણીની અછતનો સામનો કરી રહ્યા છે.
ઉત્તર ઝિમ્બાબ્વેના મુડઝી જિલ્લામાં લોકોનો એક સમુદાય અને તેમનાં ઢોરઢાંખર એક સૂકી નદીના પટ પર ભેગા થયાં છે. વોમ્બોઝી નદી સામાન્ય રીતે આખું વર્ષ વહે છે, પરંતુ હાલ નજર પહોંચે ત્યાં સુધી માત્ર રેતી જ દેખાય છે.
સમુદાયના પુરુષો પાવડા અને ડોલ લઈને નદીના તળમાં ખોદકામ કરી રહ્યા છે અને તેમાંથી પાણીનું એક એક ટીપું કાઢવા માટે મથામણ કરી રહ્યા છે.
આ વિસ્તારના અન્ય ભાગોમાં નદીઓ અને ડૅમ સુકાઈ ગયાં છે. પરિણામે કુરિમા ગામના વધુને વધુ લોકો આ નદીના પટમાં આવી રહ્યા છે અને પાણીના સ્ત્રોત પર દબાણ વધી રહ્યું છે.
નદીના પટમાં અનેક જગ્યાએ ખાડા કરવામાં આવ્યા છે અને તેમાં બાળકો નાહે છે, મહિલાઓ કપડાં ધુએ છે અને તેમનાં ઢોરઢાંખરને પાણી પીવડાવે છે.
આ મહિલાઓમાં પાંચ બાળકોનાં માતા ગ્રૅસિયસ ફીરી પણ સામેલ છે. 43 વર્ષીય ફીરી બીબીસીને કહે છે કે તેમણે હવે પાણી માટે સામાન્ય કરતાં વધારે ચાલવું પડે છે. હવે તેઓ રોજના ત્રણ કલાક પાણી લાવવા માટે રઝળપાટ કરે છે.
ફીરી તેમની ડોલ અડધા મીટર (19 ઈંચ) પહોળી કુવીમાં ઊતારે છે અને ભૂખરા રંગનું ડહોળું પાણી ખેંચે છે. તેમને બીક છે કે આ પાણી તેના પરિવારને બીમાર પાડી દેશે.
તેઓ કહે છે, “તમે જોઈ શકો છો, અમે જે ખાડામાંથી પાણી કાઢીએ છીએ તેમાંથી ઢોરઢાંખર પણ પાણી પીવે છે. તેમનો પેશાબ પણ ત્યાં જ છે... આ પીવાલાયક પાણી નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મેં આવું ક્યારેય જોયું નથી."
ઝિમ્બાબ્વેમાં ભૂખમરાની સ્થિતિ

ઝિમ્બાબ્વેમાં હાલમાં ખોરાકની પણ તંગી છે અને 77 લાખ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક આરોગ્ય ઑથોરિટી કહે છે કે મુડઝીમાં પર્યાપ્ત પ્રમાણમાં પોષાય તેવો અને પૌષ્ટિક ખોરાક મેળવતા પરિવારોની સંખ્યામાં પાછલા વર્ષોની સરખામણીમાં અડધા કરતાં વધુ ઘટાડો થયો છે.
ખાસ કરીને બાળકોને વધારે અસર થઈ છે. જૂન મહિનાથી મધ્યમથી ગંભીર કુપોષણ ધરાવતાં બાળકોને હૉસ્પિટલમાં દાખલ કરવાનું પ્રમાણ બમણું થઈ ગયું છે.
ગામડામાં ભોજન આપવાના એક કાર્યક્રમ દ્વારા આ સમસ્યાનો સામનો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અઠવાડિયામાં એકવાર સમુદાયની મહિલાઓ એકઠી થાય છે, પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે રાબ બનાવી શકાય તે માટે તેઓ પોતાની પાસે જે કંઈ હોય તે લાવે છે.
રાબમાં વધારાના પોષક તત્ત્વો ઉમેરવા માટે તેમાં બાઓબાબ ફળ, પીનટ બટર, દૂધ અને લીલાં પાંદડાંવાળાં શાકભાજીને સાંતળીને નાખવામાં આવે છે. પરંતુ દર અઠવાડિયે આ સામગ્રી ઘટતી જાય છે. પાક નિષ્ફળ જવાના કારણે હવે વટાણા અને કઠોળ ઉપલબ્ધ નથી.
'તમામ પાકમાં નુકસાન'

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સરકારે બાળકો માટે કામ કરતી યુએનની સંસ્થા યુનિસેફ જેવા ભાગીદારોના ટેકાથી ગામડામાં ખોરાક આપવાની યોજના ઘડી હતી અને તે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત ચાલતી હતી.
"પરંતુ અલ નીનોના કારણે દુકાળ પડવાથી હવે અમે અઠવાડિયામાં માત્ર એક જ વાર ખોરાક આપી શકીએ છીએ," તેમ મુડઝી જિલ્લાના મેડિકલ ઓફિસર કુડઝાઈ માદામોમ્બે જણાવે છે.
તેઓ કહે છે, "કારણ કે વરસાદ નથી આવ્યો, અમને તમામ પાકમાં 100 ટકા નુકસાન થયું છે. ખાદ્યપદાર્થોનો સ્ટોક ઘટવાને કારણે આ કાર્યક્રમને આગામી મહિનામાં સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી શકે છે."
મુડઝીમાં ઝિમ્બાબ્વેના લોકોને મહત્ત્વપૂર્ણ આરોગ્યસેવા પૂરી પાડનારાં દવાખાનાંને પણ અસર થઈ છે. જિલ્લામાં ચોથા ભાગનાં દવાખાનાંને પાણી પૂરું પાડતા બોર સુકાઈ ગયા હોવાનું મેડામોમ્બે કહે છે.
જિલ્લાના મોટા ડૅમમાં માત્ર એક મહિના સુધી ચાલે તેટલો જ પાણી પુરવઠો બચ્યો છે. પરિણામે શાકભાજી સિંચાઈ યોજનાઓ સ્થગિત કરવામાં આવી છે જેમાં એક યોજના એવી પણ છે જે 200 સ્થાનિક ખેડૂતોને ટેકો આપતી હતી.
દરેક જગ્યાએ દુ:ખ અને હતાશા છે. 36 વર્ષીય તમ્બુદઝાઈ મહાચી કહે છે કે તેમણે પોતાની જમીન પર કેટલાય એકરમાં મકાઈ, વટાણા અને મગફળીનું વાવેતર કર્યું હતું.
તેમણે સખત મહેનત કરી છતાં કોઈ પાક ન મળ્યો. એક થાળી ભરાય તેટલી પણ ઉપજ ન થઈ. તેમના બાઓબાબના ઝાડ પર પણ ભાગ્યે જ કોઈ ફળ ઊતરે છે.
મહાચી કહે છે કે વર્ષ સારું હોય ત્યારે તેઓ રાજધાની હરારેના બજારમાં માલ પહોંચાડતા હતા પરંતુ હવે સહાય પર આધારિત ઝિમ્બાબ્વેના લાખો લોકોમાં તેઓ પણ સામેલ છે.
ગ્રામીણ ખોરાક યોજના તો અઠવાડિયામાં માત્ર એક દિવસ ખોરાક પૂરો પાડે છે, પરંતુ તેમનાં બાળકોને દરરોજ ખાવાનું જોઈએ છે.
ઘાસની ઝૂંપડીમાં બેઠેલાં મહાચી ઘઉં ઉકાળે છે, જેથી તેમનાં બે બાળકોને કંઈક ખાવા આપી શકે. આ ઘઉં તેના એક સેવાભાવી પાડોશીએ આપ્યા છે.
મહાચી કહે છે, "અમે જે જોઈતું હતું અને જ્યારે જોઈતું હતું ત્યારે તે ખાતાં હતાં. તેની જગ્યાએ હવે મર્યાદિત પ્રમાણમાં ખાવાં લાગ્યાં છીએ."
“મોટી છોકરી તો સમજે છે કે કેટલીકવાર આપણે ફક્ત રાબ ખાઈ શકીએ છીએ. પણ ઘણી વખત હું જોઈ શકું છું કે મારું સૌથી નાનું બાળક ભૂખ્યું છે.”
6.8 કરોડ લોકોને ખાદ્યસહાયની જરૂર

આ વર્ષે આફ્રિકાના દક્ષિણમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નથી પડ્યો. આફ્રિકા એવો ખંડ છે જે મોટા ભાગની ખેતી પાણી માટે સિંચાઈને બદલે વરસાદ પર આધાર રાખે છે.
દુષ્કાળના કારણે દક્ષિણ આફ્રિકાના ત્રીજા ભાગના દેશોએ આફતની સ્થિતિ જાહેર કરવી પડી છે. સમગ્ર પ્રદેશમાં 6.8 કરોડ લોકોને ખાદ્ય સહાયની જરૂર છે.
આ પ્રદેશના દેશોના સંગઠન સધર્ન આફ્રિકન ડૅવલપમૅન્ટ કૉમ્યુનિટી (એસએડીસી) એ મે મહિનામાં દુષ્કાળ સામે લડવા માટે 5.5 અબજ ડૉલર (4 અબજ પાઉન્ડ)ની સહાયની અપીલ કરી હતી. પરંતુ અત્યાર સુધીમાં તેમાંથી નજીવો હિસ્સો પ્રાપ્ત થયો છે.
યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (ડબલ્યુએફપી)ના દક્ષિણ આફ્રિકાના પ્રવક્તા ટૉમસન ફિરીએ જણાવ્યું કે, "તમે દક્ષિણ આફ્રિકામાં ગમે ત્યાં જશો તો જોશો કે પરિવારોમાં અનાજના ભંડાર ખાલી છે. આ પ્રદેશમાં કાર્બોહાઇડ્રેટ્સની દૃષ્ટિએ મકાઈનો ઉપયોગ સૌથી વધુ થાય છે અને તેનો ભાવ લોકોની પહોંચની બહાર છે. પરિસ્થિતિ વધુને વધુ કથળતી જાય છે."
તેઓ કહે છે કે ડબલ્યુએફપીને કટોકટીની સહાય તરીકે 40 કરોડ ડૉલરની જરૂરિયાત સામે માત્ર પાંચમો ભાગ જ મળ્યો છે. આફ્રિકાનો દક્ષિણ ભાગ છેલ્લા 15 વર્ષમાં મકાઈમાં સૌથી મોટી અછત અનુભવી રહ્યો છે.
આ દરમિયાન ભૂખમરા અને પાણીની અછતની સૌથી ગંભીર સ્થિતિ તો હજુ આવવાની બાકી છે કારણ કે અહીં ઑક્ટોબર મહિનો એ વર્ષનો સૌથી ગરમ અને સૂકો મહિનો હોય છે, અને તે હજુ દૂર છે.
અહીં સામાન્ય રીતે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં વરસાદની સિઝન શરૂ થાય છે. આ બે મહિનામાં વરસાદ પડશે તો પણ ખેડૂતોને મકાઈના પાકની લણણી માટે માર્ચ સુધી રાહ જોવી પડશે.
મહાચી આ વાતથી વાકેફ છે અને તે ભૂખ દૂર કરવા માટે કેટલાંક જંગલી ફળો તોડે છે. તેને આવનારા મહિનાઓમાં તેના બાળબચ્ચાવાળા પરિવારનું શું થશે તેની ચિંતા સતાવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












