યુગાંડા : ઑલિમ્પિકમાં ભાગ લેનારાં ઍથ્લીટને પૂર્વ પ્રેમીએ પેટ્રોલ છાંટીને સળગાવ્યાં, શું છે સમગ્ર મામલો

ઇમેજ સ્રોત, Alamy
ઑલિમ્પિકમાં ભાગ લેનારાં ઍથ્લીટ રેબેકા ચેપ્ટેગીને તેમના પૂર્વ પ્રેમીએ પેટ્રોલ છાંટીને આગ ચાંપી તેના કેટલાક દિવસો પછી તેમનું મૃત્યુ થયું છે.
પેરિસ ઑલિમ્પિકમાં ભાગ લેનારાં યુગાન્ડાનાં 33 વર્ષીય ઍથ્લીટને રવિવારે થયેલા હુમલામાં ધણી ઈજાઓ થઈ હતી.
તેઓ ઉત્તર-પશ્ચિમ કેન્યામાં તાલીમ લેતાં અને રહેતાં હતાં. ઉત્તર-પશ્ચિમ કેન્યાના અધિકારીઓએ કહ્યું કે ચર્ચથી પાછા ફરતી વખતે તેમને નિશાન બનાવવામાં આવ્યાં.
સ્થાનિક વહીવટીતંત્રએ નોંધેલા રિપોર્ટમાં આરોપ છે કે ઍથ્લીટ અને તેમના પૂર્વ પ્રેમી વચ્ચે જમીનના એક ટુકડાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસે કહ્યું કે તપાસ હજુ ચાલી રહી છે.
કેન્યામાં મહિલા ખેલાડીઓ સામે વધી રહેલા હિંસાના મામલાને કારણે ચિંતાઓ વધી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા ખેલાડીઓની હત્યા કરવામાં આવી છે.
રેબેકા ચેપ્ટેગીની જે હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તે હૉસ્પિટલની બહાર તેમના પિતાએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું, "એવી દીકરી ગુમાવી દીધી જે ખૂબ જ મદદરૂપ હતી." તેમણે કેન્યાની સરકાર સમક્ષ ન્યાયની માગણી કરી હતી.
ઍલ્ડોરેટસ્થિત માઈ ટિચિંગ ઍન્ડ રેફરલ હૉસ્પિટલનાં પ્રમુખ ડૉ. ઓવેન મેનાચે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે ખેલાડીનાં બધાં જ અંગો કામ કરતાં બંધ થઈ ગયાં તે કારણે જ તેનું મૃત્યુ થયું.
યુગાન્ડાના ઍથ્લેટિક ફેડરેશને ઍક્સ પર એક પોસ્ટમાં કહ્યું, "અમારાં ઍથ્લીટ રેબેકા ચેપ્ટેગી આજે સવારે મૃત્યુ પામ્યાં. અમે આ વાતની ઘોષણા કરતી વખતે ખૂબ દુ:ખી છીએ. દુખદ છે કે તેઓ ધરેલુ હિંસાનો ભોગ બન્યાં. એક ફેડરેશન તરીકે અમે આ કૃત્યોની ટીકા કરીએ છીએ અને ન્યાયની માગણી કરીએ છીએ. તેમના આત્માને શાંતિ મળે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચેપ્ટેગીના પિતાએ ન્યાયની માગણી કરી

ઇમેજ સ્રોત, Uganda Atheltics Federation
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચેપ્ટેગીના પૂર્વ પ્રેમીને પણ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જોકે, તેઓ ગંભીરરૂપે દાઝ્યા નથી.
ડૉ. મેનાચે કહ્યું કે "તેઓ હજુ પણ ઇન્ટેનસિવ કેર યુનિટમાં છે. જોકે, તેમની હાલત સ્થિર છે અને સુધરી રહી છે."
સ્થાનિક મીડિયાએ સ્થાનિક પોલીસ પ્રમુખ જેરેમિયા ઓલે કોસિઓમનો હવાલો આપી જણાવ્યું, "બંને તેમના ઘરની બહાર લડાઈ કરતા સંભાળવા મળ્યાં હતાં. લડાઈ દરમિયાન પ્રેમી મહિલાને સળગાવતા પહેલાં કોઈ લિક્વિડ છાંટતા જોવા મળ્યો હતો."
કહેવામાં આવે છે કે યુગાન્ડાની સરહદ પારના એક વિસ્તારનાં રહેવાસી ચેપ્ટેગીએ કેન્યાના કેટલાક ઍથ્લેટિક તાલીમ કેન્દ્રોની નજીક આવેલા વિસ્તાર ટ્રાન્સ ન્યોઇયા કાઉંટીમાં જમીનનો એક ટુકડો ખરીદ્યો હતો. તેમણે ત્યાં એક ઘર પણ બનાવ્યું હતું.
યુગાન્ડાની ઑલિમ્પિક સમિતિના પ્રમુખ ડોનાલ્ડ રૂકારે ઍક્સ પર લખ્યું, "આ એક કાયરતાપૂર્ણ અને મૂર્ખતાપૂર્ણ કૃત્ય હતું જેને કારણે આપણે એક મહાન ઍથ્લીટને ગુમાવ્યાં. તેમનો વારસો કાયમ રહેશે."
અઠવાડિયાની શરૂઆતમાં પત્રકારો સાથે વાત કરતા ખેલાડીના પિતા જોસેફ ચેપ્ટેગીએ કહ્યું હતું, "હું મારી દીકરીને ન્યાય મળે તે માટે પ્રાર્થના કરી રહ્યો છું. મેં મારા જીવનમાં આવું અમાનવીય કૃત્ય ક્યારેય જોયું નથી."
ચેપ્ટેગી હાલમાં યોજાયેલા પેરિસ ઑલિમ્પિકમાં મૅરાથોન સ્પર્ધામાં 44મા સ્થાને રહ્યાં હતાં.
તેમણે 2022માં થાઇલૅન્ડના ચિયાંગ માઈમાં વિશ્વ માઉન્ટેન અને ટ્રેલ રનિંગ ચૅમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
તેમનું મૃત્યુ 2021માં પૂર્વ આફ્રિકન ઍથ્લીટ એગ્નેસ ટિરોપ અને 2020માં ડામારિસ મુટુઆની હત્યા બાદ થઈ છે. બંને ખેલાડીઓની હત્યાના મામલામાં અધિકારીઓએ પૂર્વ સાથીને મુખ્ય આરોપી તરીકે ઓળખાવ્યા હતા.
ટિરોપના પતિ પર હાલમાં હત્યાનો આરોપ છે જેને તે નકારે છે જ્યારે મુટુઆના પ્રેમીની શોધ ચાલી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












